રેમન્ડના આ અરબપતિ પાસે પત્નીએ માંગ્યો 11000 કરોડની સંપત્તિમાં 75% હિસ્સો, કહ્યુ- દીકરીઓ માટે…
રેમન્ડના ચેરમેન અને ભારતીય અરબપતિ ગૌતમ સિંઘાનિયા અને તેમની પત્ની નવાઝ મોદી સિંઘાનિયા વચ્ચે છૂટાછેડાના સમાચાર છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહ્યા છે. લગ્નના 32 વર્ષ બાદ બંને એકબીજાથી અલગ થવા જઇ રહ્યા છે. આ દરમિયાન એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અબજોપતિ ગૌતમ સિંઘાનિયાની પત્નીએ તેમની સામે છૂટાછેડાને લઈને મોટી શરત મૂકી છે.
રેમમ્ડના ચેરમેન પાસે પત્નીએ માગ્યો 11000 કરોડની સંપત્તિમાં 75% હિસ્સો
નવાઝ મોદીએ પ્રોપર્ટીનો 75%હિસ્સો માગ્યો છે. મીડિયા અહેવાલ અનુસાર, નવાઝ મોદી સિંઘાનિયાએ ગૌતમ સિંઘાનિયાની મિલકતમાં 75% હિસ્સો માંગ્યો છે. તેણે કહ્યું કે આ ભાગ દીકરીઓ નિહારિકા, નિશા અને તેના માટે હશે. જણાવી દઈએ કે તાજેતરમાં જ દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ અને અબજોપતિ ગૌતમ સિંઘાનિયાએ તેમની પત્નીથી છૂટાછેડાની વાત કરી હતી.
ફંડ ટ્રાન્સફર કરવા માટે ફેમિલી ટ્રસ્ટ બનાવવાની વાત કરી
કહેવામાં આવી રહ્યું છે કે ગૌતમ સિંઘાનિયાએ પણ પોતાની નેટવર્થમાંથી આ શેર આપવા અંગે ટિપ્પણી કરી છે. અહેવાલ અનુસાર, ગૌતમ સિંઘાનિયાએ તેમની 11,620 કરોડની સંપત્તિનો 75% હિસ્સો તેમની પુત્રીઓ અને પત્નીને આપવા માટે સંમતિ વ્યક્ત કરી છે. આ ફંડ ટ્રાન્સફર કરવા માટે તેણે ફેમિલી ટ્રસ્ટ બનાવવાની વાત કરી છે.
13 નવેમ્બરે પત્નીથી અલગ થવાની કરી હતી જાહેરાત
જો કે, અહેવાલમાં સૂત્રને ટાંકીને એમ પણ કહેવામાં આવ્યું છે કે ગૌતમ સિંઘાનિયા ઇચ્છે છે કે તેમના મૃત્યુ પછી તેમના પરિવારના સભ્યોને મિલકતની વસિયતની મંજૂરી આપવામાં આવે, જે તેમની પત્ની નવાઝને મંજૂર નથી. ગૌતમ સિંઘાનિયાએ 13 નવેમ્બરે પોતાની પત્ની નવાઝ મોદી સિંઘાનિયાથી અલગ થવાની જાહેરાત કરી હતી.
ગયા મહિને ગૌતમે નવાઝ પર બ્રીચ કેન્ડી હાઉસમાં કર્યો હતો હુમલો
એવા અહેવાલ છે કે ગયા મહિને ગૌતમે નવાઝ પર તેના બ્રીચ કેન્ડી હાઉસમાં હુમલો કર્યો હતો, જેના કારણે તેનું કોલર બોન તૂટી ગયું હતું.આ પછી નવાઝ મોદીને ગિરગાંવના સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ અને સંશોધન કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા. જો કે, આ મામલે પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી. ગૌતમ સિંઘાનિયા રેમન્ડ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે.
કુલ સંપત્તિ 11 હજાર કરોડ રૂપિયાથી પણ વધુ
તેમની કુલ સંપત્તિ 11 હજાર કરોડ રૂપિયાથી પણ વધુ છે. રેમન્ડ ગ્રુપ પાસે કપડાં, ડેનિમ, કન્ઝ્યુમર કેર, એન્જિનિયરિંગ અને રિયલ એસ્ટેટ સહિતના વ્યવસાયો છે. ગ્રૂપની રેડીમેડ ગારમેન્ટ માર્કેટમાં મજબૂત હાજરી છે. તે ડેનિમ શ્રેણીમાં પણ અગ્રણી ઉત્પાદક છે. કંપની ઉચ્ચ ગુણવત્તાની ડેનિમ સપ્લાય કરે છે.