IPlનો રોમાંચ ચર્મ સીમાએ પહોંચ્યો છે, હવેની દરેક મેચમાં કાંટાની ટક્કર પણ જોવા મળી રહી છે, દરેક ટીમ પ્લેઓફમાં પહોંચવા માટે ખુબ જ સંઘર્ષ કરતી જોવા મળે છે, ત્યારે આ દરમિયાન સોશિયલ મીડિયામાં પણ કેટલાક એવા વીડિયો સામે આવે છે જે ચર્ચાનો માહોલ ગરમ કરતા હોય છે. હાલ લખનઉની ટીમના મેન્ટોર ગૌતમ ગંભીરનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે ગાળો બોલતો જોવા મળી રહ્યો છે.
IPL 2022 ની 45મી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ (DC vs LSG) વચ્ચે રોમાંચક મેચ જોવા મળી હતી. લખનૌની ટીમે આ મેચ અંતે 6 રનથી જીતી લીધી હતી. આ મેચ જીત્યા બાદ લખનઉ કેમ્પમાં બધાએ જશ્ન મનાવવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન ટીમના મેન્ટર અને અનુભવી ખેલાડી ગૌતમ ગંભીર પણ ત્યાં હાજર હતા. લખનઉની જીત પર ગંભીરે એવી પ્રતિક્રિયા આપી કે તેનો વીડિયો આખી દુનિયામાં વાયરલ થઈ રહ્યો છે.
લખનઉની જીત બાદ ગૌતમ ગંભીર પોતાનો ગુસ્સો ગુમાવી બેઠો હતો. આ દિગ્ગજ ક્રિકેટર પોતાની સીટ છોડીને એવી રીતે ઉજવણી કરી રહ્યો હતો કે બધાનું ધ્યાન તેની તરફ ગયું. તે એટલો ઉશ્કેરાઈ ગયો કે આ દરમિયાન તેના મોઢામાંથી ગાળો નીકળી ગઈ. આવું એટલા માટે થયું કારણ કે લખનઉ અને દિલ્હી વચ્ચેની મેચ છેલ્લી ઓવરમાં પહોંચી ગઈ હતી. રોમાંચક મેચ જોઈ ગંભીર પોતાના પર કાબૂ રાખી શક્યો નહીં અને તેના મોઢામાંથી ગાળ નીકળી ગઈ.
લખનઉની ટીમે દિલ્હી કેપિટલ્સ સામે રોમાંચક જીત હાંસલ કરી હતી. આ મેચની છેલ્લી ઓવરમાં દિલ્હીને 21 રન બનાવવાના હતા. લખનઉ તરફથી માર્કસ સ્ટોઈનિસ છેલ્લી ઓવર ફેંકી રહ્યો હતો. ત્યારે આ મેચ સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ ગઈ હતી. દિલ્હીને છેલ્લા બે બોલમાં 13 રનની જરૂર હતી. પરંતુ સ્ટોઇનિસ તેનો બચાવ કરવામાં સફળ રહ્યો. આ જીત સાથે લખનૌના 14 પોઈન્ટ થઈ ગયા છે અને આ ટીમ લીગ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે.
— Addicric (@addicric) May 1, 2022
યુવા બોલર મોહસીન ખાન દિલ્હી કેપિટલ્સ સામે સૌથી સફળ બોલર રહ્યો હતો. આ મેચમાં મોહસીન ખાને 4 ઓવરમાં 16 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. મોહસીનની આ પ્રથમ IPL સિઝન છે. આ સિવાય રવિ બિશ્નોઈ અને કૃષ્ણપ્પા ગૌતમે પણ સારી બોલિંગ કરીને 1-1 વિકેટ લીધી હતી. આ મેચમાં લખનઉના કેપ્ટન કેએલ રાહુલે પણ 77 રનની શાનદાર ઇનિંગ રમી હતી.