છેલ્લા ઘણા સમયથી ખૈલૈયાઓમાં નવરાત્રીને લઈને થનગનાટ જોવા મળ્યો હતો. પરંતુ રાજ્ય સરકારે આ પર પાણી ફેરવી દીધું છે. તહેવારોની મોસમ ચાલુ થતા જ રાજ્ય સરકાર દ્વારા નવી ગાઈડ લાઈન જાહેર કરી છે. સરકાર દ્વારા નવરાત્રિ, દશેરા, દિવાળીને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.

સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, રાજ્યમાં કોઇપણ ગરબાનું જાહેરમાં આયોજન કરી શકાશે નહીં. ગરબી, મૂર્તિની સ્થાપના અને પૂજા – આરતી કરી શકાશે. કોરોના હોવાના કારણે કોઈ પણ ફોટો, મૂર્તિ ચરણ સ્પર્શ, પ્રસાદ વિતરણ કરી શકાશે નહીં. આ માટે સ્થાનિક તંત્રની મંજૂરી આવશ્યક છે.

આ સાથે જ એક કલાકના કાર્યક્રમમાં 200થી વધુ લોકોને ભેગા કરી શકાશે નહીં. સરકારે દશેરા, લોકમેળા, રાવણ દહન, રામલીલા, શોભાયાત્રા પર પ્રતિબંધ મુક્યો છે. આ સૂચનાઓના ભંગ થવાના કિસ્સામાં સંબંધિત સ્થળ સંચાલક-આયોજક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ સાથે જ સરકાર દ્વારા રાજ્યભરના કન્ટેન્ટમેન્ટ ઝૉન સિવાયના વિસ્તારોમાં સામાજિક, શૈક્ષણિક રમત ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક સમારોહના આયોજનમાં શરતોને આધીન પરવાનગી આપવામાં આવશે. છ ફૂટની દૂરી સાથેનું ફિઝિકલ ડિસ્ટન્સ અને તે માટે ફ્લોર માર્કિંગ કરવાનું રહેશે. સમારંભ દરમિયાન ચહેરાને યોગ્ય રીતે તમામ સમયે ઢાંકી રાખવો પડશે.

કોરોના મહામારીમાં થર્મલ સ્કેનર, સેનિટાઇઝર સાથે ઓકસી મીટરની સુવિધા કરવાની રહેશે. સમારંભ દરમિયાન થૂકવા તેમજ પાન-મસાલા ગુટખા સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
65થી વધુ વયના નાગરિકો, 10 વર્ષથી નીચેની વયના બાળકો, સગર્ભા માતાઓ તેમ જ અન્ય બીમારીથી પીડિત વ્યક્તિઓ આવા સમારંભોમાં ભાગ ન લે તે ફાયદાકારક રહેશે. લગ્ન-સત્કાર સમારંભ અને મૃત્યુ બાદની અંતિમ ક્રિયા – ધાર્મિક વિધિમાં 100 વ્યક્તિઓ ભાગ લઇ શકશે.