અઢી ફૂટ છે ઊંચાઈ અને 15 Kgનો 18 વર્ષીય ગણેશ બારૈયા ડોક્ટર બનશે, રસપ્રદ સ્ટોરી
ઘણા લોકોને બાળપણથી મળેલી ખોડ ખાંપણના કારણે લાચારીમાં જીવન વિતાવતા જોયા હશે. ઘણા લોકો પોતાની આ કમજોરીને પોતાની નિર્બળતા માની અને જીવન વિતાવી દે છે.

પરંતુ ઘણા એવા પણ વ્યક્તિઓ સમાજમાં જોવા મળે છે જે પોતાની કમજોરીને જ પોતાની તાકાત બનાવી લે છે અને જીવનમાં એક આગવું નામ કરીને બતાવે છે, સમાજમાં પોતાની એક આગવી જ ઓળખ ઉભી કરે છે અને લોકો માટે પ્રેરણાનું એક ઉદાહરણ બની જાય છે.

એવું જ એક ઉદાહરણ ભાવનગરના તળાજા તાલુકાના ગોરખી ગામમાં રહેતા ગણેશ બારૈયાએ આપ્યું છે. પોતાની ઓછી ઊંચાઈ અને ઓછા વજનને તેને પોતાની તાકાત બનાવી અને આજે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોધાવવાથી માત્ર એક જ કદમ દૂર છે.

ગણેશ બારૈયાની ઊંચાઈ માત્ર 3 ફૂટ છે અને વજન પણ 15 કિલોથી ઓછું છતાં પણ તેની મહેનત અને લગનના કારણે તે તેના જીવનમાં પોતાના સપના પુરા કરવા માટે ઝઝૂમ્યો, મહેનત કરી અને લડત પણ આપી આજે MBBSમાં ડોક્ટરની ડિગ્રી લઈ રહ્યો છે.

ગણેશ જયારે MBBSનું એડમિશન લેવા માટે કમિટી પાસે ગયો ત્યારે કમિટીએ તેની ઓછી ઊંચાઈ અને વજનના કારણે “તે ઓપરેશન કેવી રીતે કરશે” કહીને નકારી કાઢ્યો હતો પરંતુ તેનાથી તે નિરાશ ના થયો અને પોતાની લડત શરૂ કરી. સુપ્રીમ કોર્ટમાં પોતાને એડમિશન ના મળવાની અપીલ કરી. સુપ્રીમ કોર્ટ દ્વારા ગણેશના ભવિષ્યને ધ્યાનમાં રાખી અને પ્રવેશ સમિતિની પાયાવિહોણી બાબતોને ફગાવી ગણેશને MBBSમાં પ્રવેશ માટે લીલી ઝંડી આપી હતી.

MBBSમાં પ્રવેશ મળી ગયા બાદ કોલેજમાં ગણેશનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ગણેશના બૂલંદ હોંશલાને મેડીકલ કોલેજના સૌ સ્ટાફ, વિદ્યાર્થીઓ અને રાજકીય તેમજ જિલ્લા કલેક્ટર સહિતનાઓએ ઉષ્માભેર વધાવી લીધો હતો. તેમજ તેના પરિવારમાં પણ ખુશીની લહેર પ્રસરી ઉઠી હતી.

ગણેશ તળાજા તાલુકાના ગોરખી ગામના એક ગરીબ પરિવારના ખેડૂતનો પુત્ર છે. પિતા ખેતી કરી અને પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે ગણેશની આર્થિક મદદે પણ ઘણા લોકો આવ્યા હતા. કોર્ટની ફી ભરવા માટે પણ ગણેશના પરિવાર પાસે પૂરતા પૈસા નહોતા તે છતાં કેટલાક માનવતાવાદી લોકોએ ગણેશને પૂરતું સમર્થન આપ્યું અને તેની લડતમાં બરાબરના ભાગીદાર થયા.

નીલકંઠ વિદ્યાલયમાં 12 સાયન્સમાં પ્રવેશ લીધો ત્યારે શાળાના સંચાલકોએ પણ ગણેશના સાહસને બિરદાવતા અને તેની આર્થિક પરિસ્થિતિ જોતા વિનામૂલ્યે શિક્ષણ પૂરું પાડ્યું. ગણેશ 12 સાયન્સમાં 87% સાથે ઉત્તીર્ણ થઈને MBBS તરફ પોતાનો પહેલું કદમ મૂક્યું.

પરિસ્થિતિઓ સામે લડી અને પોતાના અથાગ પ્રયત્નો દ્વારા ગણેશ હાલ ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં વિકલાંગ કેટેગરીમાં પ્રવેશ લઈને MBBSનો અભ્યાસ કરી રહ્યો છે ત્યારે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોધાવવાથી તે માત્ર એક જ કદમ દૂર છે. ડોક્ટરની પદવી મળતા જ ગણેશ દુનિયાનો સૌથી ઓછી ઊંચાઈ વાળો ડોક્ટર બની જશે.

ગણેશની આ વાત ઘણા લોકો માટે પ્રેરણારૂપ છે જે પોતાની ખોળ ખાપણને પોતાની કમજોરી માનીને બેસી જાય છે.