ખબર

સુરત બાદ ગાંધીનગરના મહિલા ડોકટરે પોતાનું જીવન ટૂંકાવી નાખ્યું, પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો મૃતદેહ

સોશિયલ મીડિયા અને સમાચારમાં આપઘાતના મામલાઓ સતત સામે આવી રહ્યા છે, સુરતના એક મહિલા તબીબ દ્વારા આપઘાત કરવાનો મામલો હજુ ઠંડો નથી પડ્યો ત્યાં ગાંધીનગરમાં પણ એક મહિલા તબીબે પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હોવાની ખબર આવી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત કેન્સર સોસાયટી મેડિકલ કોલેજમાં એમડી તરીકે ફરજ બજાવતા અને ખોરજ પાસેના અદાણી શાંતિગ્રામમાં રહેતા મહિલા ડોક્ટર 40 વર્ષીય મનીષાબેન ચૌહાણે અગમ્ય કારણોસર પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. મનીષાબેનના આપઘાત કરવાનું કોઈ ચોક્કસ કારણ હજુ સામે નથી આવ્યું. આ બાબતે સાંતેજ પોલીસ દ્વારા અકસ્માત મોતની નોંધ કરીને તપાસ હાથ ધરી છે.

ડૉ. મનીષા ચૌહાણ અદાણી શાંતિગ્રામમાં આવેલ લીલી એપાર્ટમેન્ટમાં બી 1101માં પોતાના પરિવાર સાથે રહેતાં હતાં. જયારે તેમના પતિ નિલેશભાઈ ચૌહાણ ગુરૂવારે સવારે ઉઠ્યા ત્યારે મનીષાબેન બાથરૂમમાં લકટકી હાલતમાં મળી આવ્યા હતા. મનીષાબેને બાથરૂમમાં કપડા સુકવવાની એંગલમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.

મૃતક ડોક્ટરના પતિ નિલેશભાઈ રમણલાલ ચૌહાણ અમદાવાદ સોલા હોસ્પિટલમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. ડોક્ટર દંપતીને એક 7 વર્ષની દીકરી પણ છે. નિલેષભાઈએ મૃતકને બાથરૂમમાં જોતા જ પોલીસ અને તેમના સાળાને ફોન કરી દીધો હતો. ત્યારે પોલીસને તેમના ઘરેથી કોઈ સુસાઇડ નોટ પણ મળી આવી નથી. પોલીસ હવે આપઘાત પાછળના કારણો તપાસવામાં લાગી ગઈ છે.