ગાંધીનગર : કેવી રીતે કાપ્યુ આરોપી પ્રેમીએ પ્રેમિકાનું ગળુ, ઘટનાના રિકન્સ્ટ્રકશન દરમિયાન કર્યો ખુલાસો

આજે જ ગાંધીનગરમાંથી સુરત ગ્રીષ્મા હત્યા કાંડ જેવી ઘટના સામે આવી હતી. જેમાં શુક્રવારના રોજ એક પ્રેમીએ તેની પ્રેમિકા પર કટર વડે હુમલો કર્યો હતો, જે બાદ યુવતિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જયાં ડોક્ટરોને 30થી વધારે ટાંકા લેવાની ફરજ પડી હતી. પીડિત યુવતિ ધોરણ 12માં અભ્યાસ કરે છે. ખુલ્લેઆમ તેના પર આવી રીતે વાર થતા અફરાતફરી મચી જવા પામી હતી અને તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. ત્યારે હવે આ મામલે એક ખુલાસો થયો છે.

લીંબોદરાની ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને આરોપી અમરાપુર નદીના કોતરમાં લઇ ગયો હતો અને ત્યાં તેની સાથે બળજબરી કરી હતી જે બાદ તેણે ઠંડા કલેજે પેપર કટર વડે પીડિતાનું ગળુ કાપવાનો પ્રયાસ કર્યો હતો. આરોપી અગાઉથી જ પ્રી પ્લાનિંગ સાથે કટર લઇને ગયો હતો. ત્યારે હાલમાં જ માણસા પોલિસે ઘટનાનું રિકન્સ્ટ્રકશન આરોપીને સાથે રાખીને કરાવ્યુ હતુ. ત્યારે તેણે આ મામલે ખુલાસો કર્યો હતો કે તેણે કેવી રીતે સગીરાનં ગળુ કાપ્યુ. આ ઘટના સામે આવ્યા બાદ લોકો આરોપી સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.

ઘટનાના રિકન્સ્ટ્રકશન દરમિયાન આરોપીએ પોલિસને જણાવ્યુ હતુ કે તેણે કેવી રીતે સગીરાનું ગળુ કાપ્યુ અને આગળ પાછળ તેણે કેવી રીતે વાર કર્યો. ઘટનાની વિગત તપાસીએ તો, ગાંધીનગરના લીંબોદરા ગામે રહેતી અને ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શુક્રવારે એટલે કે ગઇકાલના રોજ પરીક્ષા આપવા માટે ગઇ હતી અને ત્યારે જ બપોરના સમયે સંજય ઠાકોર નામનો યુવક તેને રસ્તામાં મળ્યો જે બાદ તેણે સગીરાને કહ્યુ કે, તેના કાકા તેને બોલાવે છે અને આ વાત સાંભળી તે તેના સાથે બાઇક પર બેસી ત્યારે સંજય તેને અમરાપુર નદીના કોતરમાં લઈ ગયો અને ત્યાં થોડી વાતચીત બાદ તે સગીરા સાથે બળજબરી કરવા લાગ્યો હતો. આ બાબતે બંને વચ્ચે માથાકૂટ થઇ ત્યારે સંજયે સગીરાના ગળાના ભાગે ધારદાર કટરથી વાર કર્યો હતો.

તે બાદ સગીરાએ તેનો પ્રતિકાર કર્યો ત્યારે આરોપી સંજય ત્યાંથી નાસી છૂટ્યો. ત્યારબાદ લોહીલુહાણ હાલતમાં જેમ તેમ કરી સગીરાએ તેના કાકાને ફોન કર્યો અને કાકાને જાણ થતા તેઓ કોતરમાં દોડી ગયા હતા અને 108 એમ્બ્યુલન્સ તેમજ પોલીસને બોલાવી હતી. ઘટના સ્થળ પર પહોંચેલી 108ની ટીમે સગીરાની પ્રાથમિક સારવાર કર્યા બાદ તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડી હતી.

Shah Jina