સુરતના ગ્રીષ્મા જેવી જ ઘટના ગાંધીનગરમાં પણ ! પ્રેમીએ સગીર પ્રેમિકાને બોલાવી કટરથી કાપ્યુ ગળુ

હાલ સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં સુરતમાં થયેલ ગ્રીષ્મા હત્યા કાંડના પડઘા ગુંજી રહ્યા છે, આ કેસને લઇને સો.મીડિયા સહિત અનેક જગ્યાએ લોકોમાં ભારે ગુસ્સો છે અને સમગ્ર ગુજરાતમાં આ કેસને લઇને ચકચાર મચી જવા પામી છે. ત્યાં ફરી એક આવી જ ઘટના ગાંધીનગરમાંથી સામે આવી છે. ગાંધીનગરમાં શુક્રવારના રોજ એક પ્રેમીએ તેની પ્રેમિકા પર કટર વડે હુમલો કર્યો હતો, જે બાદ યુવતિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જયાં ડોક્ટરોને 30થી વધારે ટાંકા લેવાની ફરજ પડી હતી. પીડિત યુવતિ ધોરણ 12માં અભ્યાસ કરે છે. ખુલ્લેઆમ તેના પર આવી રીતે વાર થતા અફરાતફરી મચી જવા પામી હતી અને તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી.

Image source

ઘટનાની વિગત તપાસીએ તો, ગાંધીનગરના લીંબોદરા ગામે રહેતી અને ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શુક્રવારે એટલે કે ગઇકાલના રોજ પરીક્ષા આપવા માટે ગઇ હતી અને ત્યારે જ બપોરના સમયે સંજય ઠાકોર નામનો યુવક તેને રસ્તામાં મળ્યો જે બાદ તેણે સગીરાને કહ્યુ કે, તેના કાકા તેને બોલાવે છે અને આ વાત સાંભળી તે તેના સાથે બાઇક પર બેસી ત્યારે સંજય તેને અમરાપુર નદીના કોતરમાં લઈ ગયો અને ત્યાં થોડી વાતચીત બાદ તે સગીરા સાથે બળજબરી કરવા લાગ્યો હતો. આ બાબતે બંને વચ્ચે માથાકૂટ થઇ ત્યારે સંજયે સગીરાના ગળાના ભાગે ધારદાર કટરથી વાર કર્યો હતો.

તે બાદ સગીરાએ તેનો પ્રતિકાર કર્યો ત્યારે આરોપી સંજય ત્યાંથી નાસી છૂટ્યો. ત્યારબાદ લોહીલુહાણ હાલતમાં જેમ તેમ કરી સગીરાએ તેના કાકાને ફોન કર્યો અને કાકાને જાણ થતા તેઓ કોતરમાં દોડી ગયા હતા અને 108 એમ્બ્યુલન્સ તેમજ પોલીસને બોલાવી હતી. ઘટના સ્થળ પર પહોંચેલી 108ની ટીમે સગીરાની પ્રાથમિક સારવાર કર્યા બાદ તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડી હતી.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર પ્રિયંકાને બચાવવામાં સિવિલના ડોક્ટરોને સફળતા મળી હતી. પરંતુ જો ભૂલથી પણ ગળાના ભાગે 2 એમએમ ઘા ઊંડો ઊતરી ગયો હોત તો શ્વાસનળી કપાઈ જાત અને ડોક્ટરો તેને બચાવી શક્યા ન હોત. સગીરાનો ઘા એટલો ભયંકર હતો કે હોસ્પિટલમાં તેને ખોલતાંની સાથે જ લોહીની ધારા વહેવા લાગી હતી. પરંતુ ડોક્ટરોએ તેની સફળ સર્જરી કરી હતી.આ ઘટનાની જાણ થતાં ગ્રામજનો સહિત પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળે દોડી આવ્યા હતા અને તે બાદ સગીરાના કાકાએ ઘટના જણાવી હતી. જે બાદ પોલીસ દ્વારા આરોપી યુવકની અટકાયત કરવામાં આવી અને હાલ તેની પોલિસે પૂછપરછ શરૂ કરી છે.

Shah Jina