રાજકોટ, વડોદરા બાદ હવે અહીંયા પણ હવે નહિ જોવા મળે ઈંડા અને નોનવેજની લારીઓ, જાણો પાલિકાએ શું લીધો નિર્ણય ?

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી ઈંડા અને નોનવેજની લારીઓ બંધ કરાવવાને લઈને ઘણા શહેરોમાં પહેલ ચાલી રહી છે. તેની શરૂઆત રાજકોટથી થતી જોવા મળી. રાજકોટ શહેરના મેયર દ્વારા જાહેર રસ્તા ઉપર ઈંડા અને નોનવેજની લારીઓ બંધ કરાવવાના આદેશ બાદ ગઈકાલે વડોદરામાંથી પણ ખબર આવી કે ત્યાં પણ ઈંડા અને નોનવેજની લારીઓ બંધ થશે, પરંતુ 24 કલાકમાં જ આ નિર્ણય બદલાઈ ગયો. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

ઈંડા અને નોનવેજની લારીઓ બંધ કરાવવાને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આ મામલે મોટુ નિવેદન આપ્યું છે. તેમને કચ્છમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન વડોદરા અને રાજકોટમાં જાહેરમાં ઈંડા અને નોનવેજની લારીઓને જાહેરમાં વેચાણ નહિ કરવા માટે મ્યુનિસિપાલિટીના પગલાંની પ્રસંશા કરી હતી અને એના માટે સખત પગલાની હિમાયત પણ કરી હતી.

આ ઉપરાંત આજે વડોદરામાં એક કાર્યક્રમ દરમિયાન પણ તેમણે કહ્યું કે, “ફૂટપાથ પર ધંધો કરવાનો કોઈને પણ અધિકાર નથી. રોડ પર લારીનું દબાણએ લેન્ડ ગ્રેબિંગ સમાન છે. નોનવેજ અને વેજ તમામ લારીઓના દબાણ હટાવવા જ જોઈએ. નોનવેજ અને વેજની લારીના ધુમાડાથી લોકોને નુકસાન થાય છે. તેને હટાવવી જ જોઈએ.”

ત્યારે હવે તેમના આ નિર્ણયને ગાંધીનગર પાલિકા દ્વારા પણ આવકારવામાં આવ્યો છે. નોનવેજ અને ઇંડાની લારીઓને લઇ ગાંધીનગર મનપાએ સર્વે કરાવ્યો છે. વડોદરા અને રાજકોટ બાદ ગાંધીનગરમાં કાર્યવાહી કરાશે. નોનવેજ લારી હટાવવાની અરજીઓના આધારે કાર્યવાહી કરાશે. જાહેર સ્થળો પર રહેલી લારીઓનો સર્વે કરાશે. અને ગાંધીનગર કોર્પોરેશનને અરજી મળશે તો લારીઓ હટાવાશે.

Niraj Patel