ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના મામલા સામે આવે છે, જેમાં કેટલીકવાર કેટલાક લોકો પ્રેમ સંબંધમાં તો કેટલાક અવૈદ્ય સંબંધમાં તો કેટલાક આર્થિક તંગીને કારણે જીવન ટૂંકાવી લેતા હોય છે. છેલ્લા ઘણા સમયમાં તો વિદ્યાર્થીઓના આપઘાતના ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓ માતા-પિતાના ભણવાના કહેવાના બાબતે તો કેટલાક ફોનને કારણે તો કેટલાક અન્ય કારણોસર જીવન ટૂંકાવતા હોય છે.

ત્યારે હાલમાં ગાંધીનગરની IITEમાં અભ્યાસ કરતા એક 19 વર્ષના વિદ્યાર્થીએ ગાંધીનગર રેલવે સ્ટેશનથી LDRP તરફ જતાં રેલવે ટ્રેક પરથી પસાર થતી દિલ્હી મેલ ટ્રેનનાં એન્જિન નીચે પડતું મુકી આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. આવી રીતે અચાનક આશાસ્પદ વિદ્યાર્થીએ ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કરી લેતાં પરિવારની સાથે સાથે IITE કેમ્પસમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે.
ઘટનાને પગલે રેલવે પોલીસે ગુનો નોંધ્યો છે અને તપાસ હાથ ધરી છે. કેશવ ખેતીયા ગાંધીનગરની IITE કોલેજમાં અભ્યાસ કરતો હતો અને ગાંધીનગરના સેકટર-14 ખાતે તે ભાડાના મકાનમાં રહેતો હતો. મૃતક મૂળ જામ ખંભાળીયા દેવભૂમિ દ્વારકાનો વતની હતો. કેશવે કેમ આપઘાત કર્યો તો તેની તપાસમાં IITEમાં અભ્યાસ કરતાં તેના એક મિત્રએ જણાવ્યુ હતું કે, કેશવ ભણવામાં ખૂબ હોંશિયાર હતો અને તેની આ વખતે હાજરી ઓછી હોવાને કારણે તેને પરીક્ષામાં બેસવા દેવામાં નહોતો આવ્યો.

ઘટનાની જાણ થતા સ્થાનિક કોર્પોરેટર પણ દોડી આવ્યા હતા અને ત્યાં પહોંચેલી પોલિસે ગાંધીનગર સિવિલ ખાતે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. ત્યારે વિદ્યાર્થીના આપઘાતની જાણ કરતા પરિવારને પણ બોલાવવામાં આવ્યા હતા અને ઘટનાને લઇને બ્રહ્મ સમાજમાં પણ શોકની લહેર ફેલાઇ ગઇ છે. મૃતકના પિતા ખંભાળીયા હોમગાર્ડ કમાન્ડીંગ ઓફિસર અને દ્વારકા જિલ્લા બ્રહ્મ વિકાસ પરિષદના પ્રમુખ છે.