સરાના જવાને PM મોદીને સંબોધીને લખેલી સુસાઇડ નોટથી પોલીસબેડામાં ખળભળાટ, “મારી અને પત્નીની અંગત પળોનો વીડિયો..”
ગુજરાત રાજયમાંથી છાસવારે આપઘાતના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણા પ્રેમમાં નાસીપાસ થઇ જવાને કારણે તો ઘણા આર્થિક સંકળામણને કારણે આપઘાત કરી લેતા હોય છે. ઘણીવાર એવું બનતુ હોય છે કે કોઇની સાથેનો અંગત પળોનો વીડિયો લીક થઇ જવાને કારણે પણ ઘણા આપઘાત જેવું પગલુ ભરતા હોય છે. ત્યારે હાલ આવો જ એક કિસ્સો સુરેન્દ્રનગરમાંથી સામે આવ્યો છે. જેમાં એક પોલિસ જવાનનો તેની પત્ની સાથેનો અંગત પળોનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થઇ જવાને કારણે જવાને આપઘાત કરી લીધો અને આ સાથે તેણે અંતિમ નોટ પણ લખી હતી અને તેમાં આત્મહત્યાનું કારણ પણ લખ્યુ હતુ.
ઘટનાની વિગત તપાસીએ તો, સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના સરા ગામે રહેતા અને ગાંધીનગર CID IBમાં ફરજ બજાવતા દીપકસિંહ પરમારે સરા ગામે આપઘાત કરી લીધો હતો. આ ઘટનામાં અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ તે બાદ મૃતકે લખેલી અંતિમ નોટ મળી આવતા આ કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો. દેશના પીએમ મોદીને સંબોધીને મૃતકે અંતિમ નોટ લખી હતી અને કહ્યુ હતુ કે પોતાના ઘરમાં સીસીટીવી ગોઠવી પતિ અને પત્નીના અંગત પળોનો વીડિયો ઉતારી તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. આ કારણે જવાને આત્મહત્યા કરી હોવાનું અંતિમ નોટમાં લખ્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે, દીપકસિંહે 9 જાન્યુઆરીના રોજ સરા ખાતે પોતાના નિવાસસ્થાને આત્મહત્યા કરી લીધી હતી અને તેમના મૃતદેહને તે બાદ પીએમ અર્થે સુરેન્દ્રનગર લાવવામાં આવ્યો હતો. તેમના પિતાએ જણાવ્યુ હતુ કે તેમના દીકરાને નોકરીમાં મુશ્કેલી હોવાનો ફોન આવ્યો હતો અને તેઓ ગાંધીનગર જઇ દીકરાને સરા ખાતે લઇ આવ્યા હતા. આ ઘટનામાં પોલિસ ફરિયાદ નોંધવામાં આવી હતી તે બાદ રવિવારના રોજ દીપકસિંહે મોત પહેલા લખેલી અંતિમ નોટ સામે આવતા ચોંકવનાર ખુલાસા થયા હતા. હાલ તો અંતિમ નોટમાં લખેલી વિગતોને આધારે તપાસ ચાલુ છે.

મૃતકે જે અંતિમ નોટ લખી હતી તેમાં લખ્યુ હતે કે, જય માતાજી…પ્રતિશ્રી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી, હું દીપકસિંહ નરેન્દ્રસિંહ પરમાર હાલ ગામ સરા સરકારી દવાખાના ખાતે મારાં માતા-પિતા પાસે આવેલો હતો. હું ગાંધીનગર ખાતે C.I.D. IBમાં ફરજ બજાવું છું અને મને અને મારા પરિવારને હેરાન કરવા તથા મારી પત્નીના આપત્તિજનક વીડિયો અને અમારા આખા ઘરમાં નેટવર્ક ફિટ કરી અમારી અંગત પળોનો વીડિયો ઉતારી વાયરલ કરવામાં આવ્યો છે અને મને માનસિક ત્રાસ આપવામાં આવે છે, જેનું નામ ડી.કે.રાણા છે જે IBમાં ફરજ બજાવે છે. તેની સાથે ભારતીબેન તથા નિશા AIO મને મારી નાખવાની ધમકી આપે છે અને મારી પત્નીની અંગત પળોનો વીડિયો ઉતારેલ છે, જેથી હું આત્મહત્યા કરું છું.

થોડા સમય પહેલા જ ગુજરાતના ભાવનગરમાં એક LRD જવાને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી. તેણે આપઘાત કેમ કર્યો તેનુ કોઇ કારણ પોલિસને જાણવા મળ્યુ નથી.ભાવનગર શહેર પોલીસમાં LRD જવાન તરીકે ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે પોલીસ હેડક્વાર્ટરમાં જ આત્મહત્યા કરી હતી. LRD જવાને કયા કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો તેની કોઇ જાણ થઇ નથી.
ઘટનાની જાણ થતાં પોલિસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી.ઘટનાની વિગત તપાસીએ તો, પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા LRD જવાન કે જેમનું નામ પ્રદીપસિંહ ભાવુભા પઢિયાર છે તેઓએ આજે વહેલી સવારે જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમાં આવેલા વિશ્રાંતિ ભવન સામે કવાર્ટરની અગાસીમાં કેબલ વાયર ગ્રિલ સાથે બાંધી ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

આ ઘટનાની જાણ સી-ડિવિઝન પોલીસને થતાં જ DYSP સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આ બનાવને લઈને પોલીસબેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. હાલ તો આ મામલે પોલિસ તપાસ કરી રહી છે.