મહાત્મા ગાંધીની પરપૌત્રી આશિષ લતા રામગોબિનને દક્ષિણ આફ્રિકામાં 7 વર્ષની જેલની સજા થઈ હતી. ડરબનની એક અદાલતે 60 લાખ રેન્ડ (લગભગ 3.22 કરોડ રૂપિયા)ની છેતરપિંડીના કેસમાં તેમને સજા સંભળાવી હતી. આ કેસમાં તેઓ 2015થી જામીન પર હતાં. સજાનો આ મામલો વર્ષ 2021નો છે.
લતા રામગોબિન ગાંધીજીની પરપૌત્રી અને જાણીતા માનવાધિકાર કાર્યકર ઇલા ગાંધી અને મેવા રામગોબિનની પુત્રી છે. મેવા રામગોબિનનું અવસાન થઈ ચૂક્યું છે. ઇલા ગાંધીને ભારત અને દક્ષિણ આફ્રિકા બંને દેશોમાં રાષ્ટ્રીય સન્માન મળી ચૂક્યાં છે. દક્ષિણ આફ્રિકાના મોટા ઉદ્યોગપતિ એસઆર મહારાજે આશિષ લતા પર છેતરપિંડીનો કેસ કર્યો હતો. મહારાજની ન્યૂ આફ્રિકા અલાયન્સ ફૂટવેર ડિસ્ટ્રિબ્યુટર્સ નામની કંપની છે, જે બૂટ-ચપ્પલ, કપડાં અને લિનેનની આયાત, વેચાણ અને નિર્માણનું કામ કરે છે. તેમની કંપની નફાના માર્જિન હેઠળ અન્ય કંપનીઓને આર્થિક મદદ પણ કરે છે.
લતા રામગોબિને 2015માં મહારાજ સાથે મુલાકાત કરી હતી. લતાએ તેમને વિશ્વાસ અપાવ્યો હતો કે તેમણે ભારતથી લિનેનના ત્રણ કન્ટેનર મંગાવ્યા હતા. આ કન્ટેનર સાઉથ આફ્રિકન હોસ્પિટલ ગ્રુપ નેટ કેરને ડિલિવર કરવાના હતા. લતાએ કહ્યું હતુ કે તેમને સાઉથ આફ્રિકા સુધી કન્ટેનર લાવવા માટે પૈસાની જરૂર હતી. તેમણે એસઆર મહારાજને નેટ કેર કંપની સાથે સંકળાયેલા દસ્તાવેજો પણ બતાવ્યા હતા. નેટ કેર કંપનીના દસ્તાવેજો અને લતા રામગોબિનના પરિવારને જોતાં મહારાજે તેમની સાથે વ્યવહાર કરતાં પૈસા આપી દીધા. બંને વચ્ચે નફાની હિસ્સેદારીની વાત પણ થઈ હતી.
છેતરપિંડીનો ખુલાસો થયા બાદ કંપનીના ડિરેક્ટરે લતા વિરુદ્ધ કોર્ટમાં કેસ કરી દીધો. 2015માં લતા વિરુદ્ધ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ. કોર્ટમાં સુનાવણી દરમિયાન રાષ્ટ્રીય અભિયોજન પ્રાધિકરણ (NPA)ના બ્રિગેડિયર હંગવાની મૂલૌદજીએ કહ્યું હતું કે લતાએ રોકાણકારને વિશ્વાસ અપાવવા માટે બનાવટી દસ્તાવેજો અને બિલો બતાવ્યા હતા. ભારતથી લિનેનનું કોઈ કન્ટેનર દક્ષિણ આફ્રિકા આવ્યું નહોતું. 2015માં લતાને 50 હજાર રેન્ડ (લગભગ 2.68 લાખ રૂપિયા)ની જામીન રકમ પર છોડવામાં આવ્યા હતા.
મહાત્મા ગાંધીને ચાર પુત્રો હતા – હરિલાલ ગાંધી, રામદાસ ગાંધી, દેવદાસ ગાંધી અને મણિલાલ ગાંધી. હરિલાલ ગાંધી તેમના સૌથી મોટા પુત્ર હતા. તેમનો જન્મ 1888માં નવી દિલ્હીમાં થયો હતો અને તેમનું અવસાન 18 જૂન, 1948ના રોજ થયું હતું. હરિલાલે ગુલાબ ગાંધી સાથે લગ્ન કર્યા હતા. તેમને પાંચ સંતાનો હતાં – બે પુત્રીઓ રાણી અને મનુ, તથા ત્રણ પુત્રો કાંતિલાલ, રસિકલાલ અને શાંતિલાલ. રસિકલાલ અને શાંતિલાલનું નાની ઉંમરે જ અવસાન થયું હતું. હરિલાલને ચાર પૌત્ર-પૌત્રીઓ હતાં – અનુશ્રેયા, પ્રબોધ, નીલમ અને નવમાલિકા.