રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે રોજ નવા નવા ખુલાસા થઇ રહ્યા છે, ત્યારે હાલમાં ભાજપના વોર્ડ નંબર 13ના કોર્પોરેટર નીતિન રામાણી પર આક્ષેપ છે કે ડિમોલેશન અટકાવવા માટે તેમણે 1.5 લાખનો તોડ કર્યો હતો. ગેમઝોનના સંચાલક યુવરાજસિંહ દ્વારા ભાંડો ફોડાયો હતો. કોર્પોરેટર દ્રારા ઈમ્પેકટ ફી ભરવાને લઈ ભલામણ કરાઈ હતી.
જો કે ઈમ્પેકટ ફી ભરી ગેરકાયદેસર બાંધકામ પણ કરવાનુ હતુ, પરંતુ અધિકારીઓ દ્રારા કોઈ મચક આપવામાં આવી નહોતી. ત્યારે હવે આ ખુલાસા બાદ અગામી સમયમાં કોર્પોરેટર નીતિન રામાણીની પૂછપરછ થઈ શકે છે. અગ્નિકાંડ મામલે કન્સલન્ટસે એસઆઈટી સમક્ષ ધડાકો કર્યો છે, એનઓસી બાબતે અરજી વખતે ફાયર સેફ્ટીનાં ક્યાં ક્યાં સાધનો વસાવવા પડે તેનું ચેક લિસ્ટ આપ્યું હતું. જે બાદ ટીઆરપી ગેમ ઝોનનાં માલિકોએ કહ્યું હતું કે આ તો બહુ મોંઘું પડે કહી ફાયર સેફ્ટીનાં સાધનો વસાવ્યા જ નહોતા.
સંચાલકોએ વધુ પૈસા ખર્ચવાનું ટાળ્યુ હતુ અને ફાયર સેફ્ટીનાં સાધનો જ લીધા નહોતા. ભયંકર ગુનાહિત બેદરકારી SIT તપાસમાં ઓન પેપર સાબિત થઈ ચૂકી છે. બીજી તરફ ગેમઝોન અગ્નિકાંડમાં અધિકારીઓ બાદ હવે રાજકોટના કોર્પોરેટરોની પૂછપરછ થઈ શકે છે. મનસુખ સાગઠીયા સાથે સાંઠગાંઠને લઈ SIT કોર્પોરેટરોને સવાલ કરી શકે છે.
આ કેસમાં જમીનના માલિકો, ગેમઝોનના સંચાલકો અને અધિકારીઓ સહિત 10 વિરૂદ્ધ આઈપીસીની અલગ અલગ કલમો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રાજકોટ મનપાના પૂર્વ ટાઉન પ્લાનીંગ ઓફિસર મનસુખ સાગઠીયા, બે આસિસ્ટન્ટ ટાઉન પ્લાનીંગ ઓફિસર મુકેશ મકવાણા તેમજ ગૌતમ જોષી ઉપરાંત ફાયર સ્ટેશનના ઓફિસર રોહિત વીગોરા સહિત ચારની ધરપકડ કરી હતી.