મુકેશ સોજીત્રા લેખકની કલમે

“ગાળિયો” ભાગ – 7- પોલીસ સ્ટેશનના ફોન પર આપણે આ વાત નહીં કરીએ, તારા પાડોશમાં જે ફોન છે ને ત્યાં જ રહેજે – વાંચો રોમાંચક નવલકથા મુકેશ સોજીત્રાની કલમે

જે મિત્રોને ભાગ-1, ભાગ-2, ભાગ-3, ભાગ-4, ભાગ-5, ભાગ-6, ભાગ-7, ભાગ-8, ભાગ-9, ભાગ-10, ભાગ-11, ભાગ-12, ભાગ-13, ભાગ-14, ભાગ-15, ભાગ-16, ભાગ-17, ભાગ-18, ભાગ-19, ભાગ-20, ભાગ-21, ભાગ-22, ભાગ-23, ભાગ-24 વાંચવાનો બાકી હોય તેઓ જે તે ભાગ બાકી હોય તેના પર ક્લિક કરે.

ઘનો એની માતાને ભેટી પડ્યો. સહુ માં દીકરાનું આ મિલન જોઈ રહ્યા. ચંપાબેન ઘનાના માથા પર હાથ ફેરવી રહ્યા હતા.માતાને મળીને ઘનો પોતાના પિતાજી પરબતભાઈને પગે લાગ્યો અને પરબતભાઈએ એને ગળે વળગાડી દીધો. આંખમાં આંસુ સાથે પરબતભાઈ ઘનાની પીઠ પર હાથ ફેરવી રહ્યા હતા.

“ કેમ છે તમારી તબિયત બાપુજી?” ઘનાએ પૂછ્યું.
“ સારી છે કોઈ ચિંતા કરવા જેવું નથી “ એના પિતાજીએ ઘનાની આંખો પરથી આંસુ સાફ કરતા કહ્યું. ઘનાને જયારે સજા સંભળાવવાનો દિવસ આવ્યો હતો એની બે દિવસ પહેલા જ પરબતભાઈને છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. ગાંધીના દવાખાને એને દાખલ કર્યા હતા. જેલમાં આવતાં પહેલા ઘનો એને મળી શક્યો નહોતો. આમ તો આ સમગ્ર ઘટનાથી પરબતભાઈ ખુબજ નારાજ હતાં. પણ હવે તેની આંખોમાં નારાજગીની જગ્યાએ સ્નેહ દેખાતો હતો. પુત્ર સામેની નારાજગી પિતાઓમાં બહુ ટૂંક સમયમાં વિદાય લઇ લેતી હોય છે.

“ તને સારું તો છે ને?? થવા કાળે જે થયું તે.. અમુક વસ્તુ ભોગવવાની આવી હોય એ ભોગવ્યે જ છૂટકો દીકરા. અમારી ચિંતા ન કરતો દીકરા. બધું થઇ રહેશે. વળી સાત વરહ તો રમતાં રમતાં જતા રહેશે. વળી તને જેલમાં કોઈ જ તકલીફ નહિ પડે એની ખાતરી મળી ગઈ છે મને. ભગવાનનો ખુબ ખુબ આભાર માનજે ઘના આમેય સારા માણસનું સહુ કોઈ હોય જ ને તો પછી ભગવાનતો એમાં સહુથી પહેલા જ હોય ને?? પ્રમુખ રાણા સાહેબ પણ આવી ગયા અને ધરપત આપી ગયા મને અને કાઈ જરૂર હોય તો વિના સંકોચે કહેવાનું કહી ગયા છે. આની કરતા બીજી મોટી હૈયાધારણા કઈ હોઈ શકે બાકી તારા હાથે જેનું મોત થયું એ ગોગન ગરેડો પ્રમુખ રાણાનો જમણો હાથ જ હતો ને?? રાણાને કારણે જ એ ફાટીને ફરતો હતો. પણ છેલ્લા વરસ દિવસથી રાણો એનાથી કંટાળી ગયો હતો. વફાદાર કુતરો જયારે હડકાયો બને ને ત્યારે એ એના માલિકનું પણ નો રાખે એમ ગોગન ગરેડો એનું પણ માનતો નહોતો અને પોતાની રીતે વહીવટ પતાવતો. તું ભલે એમાં નિમિત બન્યો પણ આજુબાજુના પાંચ પંદર ગામડામાં લોકોએ હાશકારો લીધો છે. જે થયું તે ભગવાનની ઈચ્છાથી થયું છે. કામ ભગવાને કર્યું અને તું બહાને ચડ્યો છે. બાકી ભગવાન કોઈ દી બહાને નો ચડે. આ કાળા ચશ્માં વાળા શેઠ અને પીએસઆઈ સાહેબ તો કાલના જ આપણા ઘરે આવી ગયા છે એણે મને ખુબ ધરપત આપી છે કે જેલમાંથી છૂટે પછી ઘનાની બધીજ જવાબદારી મારી. મારે મુંબઈમાં અને સુરતમાં બિજનેશ છે મોટો અને આવા ભાયડા માણસની જરૂર છે મારે તમે કોઈ વાતે ન મુંઝાતા પરબતભાઈ એમ એણે મને કીધું” પરબતભાઈ વાત કરતાં ગયા અને ઘનાની નવાઈનો પાર ન હોય. ગોગન ગરેડાને મારીને એ જે અપરાધભાવ અનુભવતો હતો એમાંથી એને તરત જ રાહત મળી ગઈ. પોતે કોઈ વીરતાપૂર્ણ કાર્ય કર્યું હોય એમ એને લાગ્યું.

Image Source

“ બેટા શેઠે અમને પરાણે પાંચ લાખ આપ્યા. હું તો આટલા બધા પૈસા ભાળીને ઘડીભર ધબકારો જ ચુકી ગઈ પણ એ શેઠે અમને એમ કહ્યું કે ચંપાબેન તમને ક્યાંથી ખ્યાલ હોય કે આ ગોગન ગરેડાને પતાવીને ઘનાએ અમારી ઉપર કેટલો ઉપકાર કર્યો છે. આ પૈસા તો એની આગળ કઈ જ ન કહેવાય. તોય અમે પૈસા લેવાની ના પાડી તો અમને તારા સોગંદ આપ્યા અને પછી અમારે એ પરાણે લેવા પડ્યા બેટા. અમારી કોઈ ચિંતા ન કરતો બેટા. તું તારી તબિયત સાચવજે બેટા બસ આ પીએસઆઈ સાહેબે અમને કીધું છે કે દર પંદર દિવસે તને મળવા આવી જશું અને એ પણ જેલમાં નહિ બીજી જગ્યાએ. તમારા ઘનાને જેલમાં વાળ પણ વાંકો નહિ થાય એની અમારી જવાબદારી છે” ચંપાબેને કહ્યું અને ઘડીક તો ઘનાનું મગજ કામ કરતુ બંધ થઇ ગયું!!

દેવચંદ કાનજીને ત્યાં એ હીરાના કારખાનામાં મેનેજર હતો. બાંધ્યો પગાર મહીને પાંચ હજાર.અને હજુ ગઈ દિવાળીએ દેવચંદ શેઠે પગાર વધાર્યો અને સાડા છ હજાર કર્યો ત્યારે ગામ આખું મોમાં આંગળા નાંખી ગયું હતું કે ઘનશ્યામ પરબતને સાડા છ હજાર પગાર અને એ પણ ટાઢા છાયે ઓફિસમાં બેઠા બેઠા. કરવાનું તો કાઈ નહીં. કારીગરના તૈયાર કરેલા હીરા લેવાના અને કાચી રફ આપવાની. વળી દેવચંદ શેઠ એને એની વાડીયે મોકલે તો પણ ત્યાં જઈને વિશેષ કઈ નહીં કરવાનું. મજુરને ઘઘલાવીને શેરડી અને જામફળ ખાઈને પાછા આવતા રહેવાનું. અને એકી સાથે પાંચ લાખની રકમ એના માતા પિતાને મળી રહી હતી. જેલમાં એ સાત વરસ રહેશે તો એ સાત વરસનો પગાર એકી સાથે જ એને મળી ગયો હતો. પણ કાળા ચશ્માં વાળા શેઠને તો એ ઓળખતો પણ નહોતો એની આટલી દયાભાવનાનું કારણ શું હશે?? વિચાર કરતાં કરતાં એણે એની માતાને થોડે દૂર લઇ જઈને પૂછ્યું.

“ દેવચંદ શેઠ આવ્યાં હતા આપણી ઘરે?”
“ ઈ તો એકેય વાર નથી આવ્યો તું ગયા પછી પણ એની બહેન વરસુડી અને એની બહેનપણી પ્રીતિ આવી ગઈ બેક વાર.. વરસુડીને તારું બહુ જ લાગી આવે છે. એ મારા ખભ્ભા પર માથું નાંખીને રોતી હતી અને કેતીતી કે બા આ બધું મારા કારણે જ થયું ને?? આવું છે. જે ભાઈની બહેનની આબરૂ બચાવવા તું હોળીનું નાળીયેર બન્યો એ ભાઈ તું જેલમાં આવ્યા પછી એકેય દિવસ નથી ડોકાણો. બાકી આખા કારખાનાનો ભાર તારી ઉપર જ હતોને?? એ તો બીકણો હતો. કાચા હીરા બુલેટ પર લેવા જવા હોય કે તૈયાર માલ આંગડીયામાં મોકલવો હોય એ તને જ મોક્લતોને. એની કયા કરવી એની મોટી બહેન સંગીતના લગ્નમાં પંદર દિવસ તું એના ઘરે જ પડ્યો પાથર્યો રહ્યો હતો ને.. આખો પ્રસંગ તે જ ઉકેલી દીધો હતોને?? દેવચંદ શેઠ માટે તું જાત ઘસાય જાય એટલી હદ સુધી તૂટી ગયો ગામ આખું જાણે છે. એ ઘોળ્યો નો આવે તો એના કરતા પણ મોટો શેઠ તને મળી ગયો છે. આવી તકલીફ પડેને ત્યારે જ ખબર પડે કે બેટા કોણ આપણું અને કોણ પારકું” થોડી વાર ત્રણેય જણાએ વાતો કરી અને પછી થેલીમાંથી એક સ્ટીલનો ડબરો કાઢીને ઘનાને આપ્યો અને કહ્યું.

“ તને જોઇને હું તો ભૂલી જ ગઈ બેટા કે પરમ દિવસે જ આપણી ભગરી ભેંશ વિયાણી ને તે હું તાજી બળી કરીને લાવી છું. તને બળી ખુબજ ભાવે છે ને બેટા. કાલે આ પીએસઆઈ સાહેબ અને મોટા શેઠિયાને પણ બળી ખવડાવી એ બચારા પણ ખુબ રાજી થયા” ચંપાબેન બોલતા ગયા અને પોતાના હાથે સ્ટીલના ડબ્બામાંથી વિયાયેલ ભેંશના દુધની બનાવેલ બળીના કટકા ઘનાને ખવડાવતા ગયા.

Image Source

“ ચાલો હવે ઘણું થયું. વાતો પણ પૂરી થઇ ગઈ હશે. પરબતભાઈ અને ચંપાબેન તમને પી આઈ દવે તમારા ઘરે મૂકી જશે. જો કે દવે એ તમને વાત કરી જ હશે. કે તમે ઘનશ્યામને મળી આવ્યા એ વાત કોઈને કેવાની પણ નથી. કોઈને એટલે કોઈને પણ તોય હું તમને ફરીથી કહું છું કે આ બધી વાતો પેટમાં જ રાખશો. ઘનશ્યામને હું તમે જે રીતે ઘરે રાખતા હતા એવી જ રીતે રાખીશ. વળી પાછા કયારેક તમને તમારા સુપુત્ર ભેળા કરાવી દઈશું” આર ડી ઝાલા દુરથી જ બોલ્યા અને ઘનશ્યામને ભેટીને ચંપાબેન અને પરબતભાઈ પી આઈ દવેની જીપમાં બેઠાં. દવેને એક બાજુ લઇ જઈને આર ડી ઝાલા બોલ્યાં.

“ નીપા શું કરે છે એ કહે!! અને કાયમ રાત્રે નવ વાગ્યે ફોન પાસેજ રહેજે. પોલીસ સ્ટેશનના ફોન પર આપણે આ વાત નહીં કરીએ. તારા પાડોશમાં જે ફોન છે ને ત્યાં જ રહેજે. હું અને તું આ મિશનમાં આગળ વધતા જઈશું. કોઈને કાનોકાન ખબર ન પડે એનું ધ્યાન રાખજે.”

“ નીપા મોજમાં એની એક બહેનપણી હમણા જ નજીકના પોલીસ સ્ટેશનમાં લાગી છે. તમે કહો તો નીપાને કહીને એની સાથે મેળ કરાવી દઉં. એટલે તમે જ્યારે મળોને ત્યારે આ મારી કશ મારતાં બંધ થઇ જાવ ઝાલા સાહેબ”

“ એ ક્યારેય ન બને.. તું આ આર ડી ઝાલાને હજુ ઓળખતો નથી. હું કોઈ એવા વમળમાં ક્યારેય ન ઉતરું કે જ્યાં હમેશા ખોટનો જ સોદો હોય. હું તો આવા કેઈસમાં જ હાથ નાખું કે જેમાં લગભગ કોઈને નુકશાન ન થાય અને દામ પણ મળી રહે. બોલ તને આ કામમાં આખા વરસનો પગાર એડવાન્સ મળી જ ગયો કે નહિ?? કામ એવા કરાય કે જેમાં મજા પણ આવે અને પૈસા પણ આવે બાકી તું જ્યાં જ્યાં હાથ નાંખે ત્યાં ખોવાનું જ આવે છે નહિ?? ભારતી તને બહુ મોંઘી પડી..આર્થિક રીતે અને માનસિક રીતે તોય તું નીપામાં પડ્યો જ ને અને તે દિવસે તું જેલમાં ઘનાને મુકવા આવ્યો ત્યારે મને કહેતો હતોને કે હવે આપણે કોઈની પાછળ નથી ખર્ચાવું. સામેથી જ ખર્ચો કરે એવી ગોતી લીધી છે.પણ તું અત્યારે પણ નીપા પાછળ ખર્ચ કરે જ છે ને હમણા તું મંત્રી સાહેબના પાયલોટીંગમાં ગયો હતો ને ત્યારે જેતપુરથી તે ચાર બાંધણી લીધી. બોલ સાચું કે ખોટું?? એમાંથી તે એક બાંધણી જ તારી પત્નીને મોકલાવી. બાકીની ત્રણ તે નીપાને આપી દીધી. બોલ્ય સાચું કે ખોટું? “ કહીને આર ડી ઝાલા હસ્યાં અને પી આઈ દવે એની સામે હસતા હસતા પોતાની જીપમાં બેસી ગયો. ઘનશ્યામ એની માતાને અને પિતાજીને જતા જોઈ રહ્યો. જ્યાં સુધી જીપ આંખોથી ઓઝલ ના થઇ ત્યાં સુધી એ હાથ હલાવતો રહ્યો.

બધીજ આંગળીઓમાં વીંટી પહેરેલ અને આંખો પર એકદમ કાળા ફેન્સી ગોગલ્સ પહેરેલ માણસ આર ડી ઝાલા પાસે આવ્યો. થોડીક વાતો કરી અને પછી એ લોકો ઘનશ્યામ જ્યાં ઉભો હતો ત્યાં. પેલો માણસ ઘનશ્યામને તાકી રહ્યો. ઘનશ્યામ મંદિરની નીચે તરફ આવેલ ઢોળાવ પર તાકી રહ્યો હતો. પેલા માણસે પોતાનો હાથ લંબાવ્યો ઘનશ્યામ તરફ ઘનશ્યામ પણ એને અનુસર્યો.

“ હું વી કે પટેલ.. એટલે કે વિનોદ કરશન આમ તો કાઠીયાવાડી જ છું. પણ વરસોથી મુંબઈ અને આફ્રિકાના દેશોમાં રહું છું. કેન્યામાં મારો મોટો બિઝનેશ ચાલે છે. તને મળીને આનંદ થયો. તારા વિષે મને બધી જ માહિતી આર ડી ઝાલા સાહેબે આપી દીધી છે.” વી કે એ કહ્યું.

“ જી વી કે શેઠ ફરમાવો તમારી આ મહેરબાનીના બદલામાં મારે શું કરવાનું છે એ કહો” ઘનશ્યામ મૂળ મુદ્દા પર આવ્યો.

“ બસ થાય એટલું જ કરવાનું છે. એ કઈ રીતે કરવાનું છે એ બધું ઝાલા સાહેબ તને કહેશે. મારે તને એટલું જ કહેવાનું છે કે કામ થાય તો ઠીક અને ન થાય તો પણ ઠીક તારા માતા પિતાને આપેલ પૈસા એ ભૂલી જવાના. આપી દીધા એ આપી દીધા. મારો સોદો કરવાની રીત ઘણી જુદી અને અલગ છે. ઘણી જગ્યાએ કામ થયા પછી જ પુરા પૈસા મળે પણ હું તો પેલેથી રકમ આપી દઉં. પછી કામ થાય તો પણ ઠીક અને ન થાય તો પણ ઠીક મને કશો જ ફરક ન પડે.” વી કે શેઠ બોલતા હતા અને ઘનશ્યામ એને સાંભળતો સાંભળતો એનું નિરિક્ષણ કરી રહ્યો હતો.

Image Source

મધ્યમ કાઠીનું શરીર હતું. વાન એકદમ મધ્યમ ગોરો. ગળામાં એક સોનાનો ચેઈન હતો. એક હાથના કાંડે સોનાની ઘડિયાળ બીજા હાથના કાંડે સોનાનું એક ગોળાકાર કડું હતું. પગમાં લોટ્ટોના લાલ રંગના શુઝ હતા. કપડા એકદમ ચમકીલા અને સફેદ હતા. લાયનના બકલ વાળો ગ્રે રંગનો બેલ્ટ પહેર્યો હતો. એકદમ પ્રભાવી ચહેરો. ગાલ માપસરના. ચહેરા પર એક પણ લકીર દેખાતી નહોતી.

“ ઘના આવા માણસ સાથે ઉભા રહેવામાં આપણો પન્નો પણ ટૂંકો પડે એવી એમની નામના છે. પણ એની સજ્જનતા કહો કે સૌમ્યતા એની વાણી પરથી ક્યારેય તું એની સંપતિ ન આંકી શકે. આફ્રિકાના દેશોમાં એનું નામ આગળ પડતું લેવાય છે. એક લગ્ન પ્રસંગમાં એ કાઠીયાવાડ આવ્યા હતા. બાલાગઢમાં એમના એક સગા બહેન રહે છે. તેમને ત્યાં લગ્ન પ્રસંગ હતો. અને એમાં એમની માથે એક અણધારી મુસિબત આવી પડી છે. હું ક્યારેય આવા કામમાં ન પડું પણ મારે મુંબઈથી અને દિલ્હીથી ભલામણ આવી છે એટલે એમની સાથે જોડાયો છું. એને શું કામ છે તારું એનો આછો પાતળો મને અર્ધો પરધો ખ્યાલ મને છે. તને એ પૂરી અને વિગતે વાત કરશે. તને એ એક બે કલાક એકાંતમાં વાત કરવા માંગે છે. એને હકા ભીખા પાસેથી કશુંક જોઈએ છે. જે હકા ભીખા પાસે જ છે.પણ વાત થોડી વટે ચડી ગઈ છે. જેલમાં આવ્યા પહેલા પોલીસ કસ્ટડીમાં જ વાત પૂરી થઇ જાત જો કળથી કામ લીધું હોત તો પણ જે પોલીસ સ્ટેશનમાં હકા ભીખાની કસ્ટડી હતી ત્યાં પી એસ આઈ થોડો ઠાકર વધારે પડતી વાયડી બજાર નીકળ્યો એને એમ કે માર મારવાથી બધા જ આરોપીઓ પોપટની જેમ બોલવા લાગે. પણ અસલ પોલીસ હોય એ આરોપીને જોઇને પામી જાય કે અહિયાં થર્ડ ડીગ્રી નહિ પણ બીજી રીત જોઇશે. ઠાકરે આખી રાત આને માર્યો અને છેલ્લે હકા ભીખા બેભાન થયો એ પહેલા મૂછે હાથ દઈને બોલ્યો.

“ બેટા ઠાકર તારી માના સોગંધ જેટલો મારવો હોય એટલો મારી લે. તને જે વસ્તુ જોઈએ ને એ હવે કોઈ કાળે નહિ મળે.. જેટલો મારવો હોય એટલો માર્ય ઠાકર પણ જે દિવસે હું અહીંથી બહાર નીકળ્યોને ત્યારે સાંભળી લે જે દીકરા બીજા દિવસે છાપામાં તારો ફોટો આવશે અને નીચે લખ્યું હશે “ ફૂલ ગયું ને ફોરમ રહી “ જાંબાઝ પીએસઆઈ ઠાકરને પોલીસ પરિવાર તરફથી શ્રદ્ધાંજલિ” આવું બોલ્યો ત્યાં જ ઠાકરના મોતિયા મરી ગયાં કે આટલો આટલો મારવા છતાં આ હકા ભીખા કઈ ચક્કીનો આટો ખાય છે કે સહેજ પણ અસરનું નામ નહિ.

પછી તો પી એસ આઈ ઠાકરે હકા ભીખા ની ઉપર પાણી છાંટ્યું અને ભાનમાં લાવ્યાં. પણ જેવો હકા ભીખા ભાનમાં આવ્યો તો એની એજ વાત એ પણ મુછ પર વળ ચડાવીને કે“ બેટા ઠાકર તારી માના સોગંધ જેટલો મારવો હોય એટલો મારી લે. તને જે વસ્તુ જોઈએ ને એ હવે કોઈ કાળે નહિ મળે.. જેટલો મારવો હોય એટલો માર્ય ઠાકર પણ જે દિવસે હું અહીંથી બહાર નીકળ્યોને ત્યારે સાંભળી લે જે દીકરા બીજા દિવસે છાપામાં તારો ફોટો આવશે અને નીચે લખ્યું હશે “ ફૂલ ગયું ને ફોરમ રહી “ જાંબાઝ પીએસઆઈ ઠાકરને પોલીસ પરિવાર તરફથી શ્રદ્ધાંજલિ” અને પછી તો ઠાકર ભાઈ સાબ માં બાપ કરવા લાગ્યો કે..

“ તમેય શું હકા ભાઈ અમારે તો આ ફરજના ભાગ રૂપ કરવાનું હોય.. અમારીય ભૂલ તો થાય જ ને તમારે ગણીને ગાંઠે નો બાંધવાની હોય ભલાદમી આપણે તો ભાયું કહેવાઈએ.. ભાઈ બંધ કહેવાઈએ.. ભાઈ બંધ ભાઈ બંધ વચ્ચે આવું તો હાલ્યા જ કરે તમે ભલાદમી મેં જરાક મશ્કરી કરી તો ય સમજી ન શક્યા. પણ જવાબમાં હકા ભીખા કશું જ ન બોલ્યો પણ ઉપર આંગળી કરીને એવો ઈશારો કર્યો કે ઠાકરને થયું કે મને આ વેતરી જ નાંખશે. એની આંખોમાં ઠાકરને પોતાનું મોત દેખાયું. તું નહિ માને ઘના પણ ઠાકરને રીતસરના લીલા રંગના ઝાડા થઇ ગયા… ચાર દિવસની હકાની કસ્ટડી પૂરી થઇને એ જેવો જામીન પર છૂટ્યો કે દોઢ જ મહિનામાં એ પોલીસ સ્ટેશનથી અર્ધો કિલોમીટર દૂર એક પથ્થરની ખાણમાં પી એસ આઈ ઠાકરનો મૃતદેહ છુંદાયેલો મળ્યો. અને એજ બપોરે બીજા એક કેસમાં હકા ભીખાને અત્યારે છે એ જેલની સજા થઇ. પોલીસ ખાતાને પાકો અંદેશો હતો જ કે આ કામા હકા ભીખાના જ છે પણ તોય આ વીકે શેઠના કહેવાથી મામલો દબાવી દેવાયો. કારણ કે દિલ્હી અને મુંબઈમાં વી કે શેઠનો પડ્યો બોલ જીલાય. ચૂંટણી ફંડમાં વીકે શેઠ દરેક પાર્ટીને કોથળા ભરીને રૂપિયા આપે છે એટલે શાશક પક્ષ કે વિપક્ષ કોઈ એની વિરુદ્ધમાં બોલેજ નહિ ને!! એ મામલો દબાવવા પાછળની ગણતરી એટલી જ કે હકા ભીખાના મનમાં ઠાકર નામનું જે ભુંસું ભરાઈ ગયું છે એ નીકળી જાય. બાકી જો એને પીએસઆઈ ઠાકરની હત્યામાં શકમંદ તરીકે પકડીશું તો એના મનમાં એ ભૂત આજીવન ધુણતું રહેશે.” આર ડી ઝાલાએ માંડીને વાત કરી.

Image Source

“ હવે ખોટો સમય નથી બગાડવો ચાલ તને હું પહેલેથી જ બધી વાત માંડીને કરું એટલે તને ખ્યાલ આવી જ જાય. ઝાલા સાહેબ હવે અમને બનેને બે કલાક મારી ગાડીમાં એકાંતમાં વાતો કરી લઈએ ત્યાં સુધી તમે મંદિરના અને એની અંદર રહેલા પ્રભુના દર્શન કરી લો” કહીને વીકે શેઠ અને ઘનો લાલ કોન્ટેસા કારમાં ગયા. બને પાછલી સીટ પર બેઠા. કોન્ટેસા કાર એકદમ મસ્ત હતી અંદર લમોંઘુ કહી શકાય તેવું મેપલ વુડ સાથે સોનાનું ડેશ બોર્ડ હતું. અંદરથી એકદમ લક્ઝરી કાર હતી. ડ્રાઈવર સીટના પાછળના ભાગના એક ગુપ્ત ખાનામાંથી વી કે શેઠે “ બ્લેક એન્ડ વ્હાઈટ” બ્રાન્ડની પ્રીમીયમ સ્કોચ વ્હીસ્કીની બોટલ કાઢી અને આગળની સીટમાં રહેલ પાણીની જગમાંથી પાણી લઈને વીકે શેઠે પોતાના હાથથી બે પેગ બનાવ્યા. એક પેગ ઘનાને આપીને કહ્યું.

“ પીતો હોય તો વાંધો નથી પણ ન પીતો હોય તો આ કામ ચાલે ત્યાં સુધી પીવું પડશે. આના વગર કામ નહિ થાય. આ ચડશે નહિ પણ એક પેગ પીધા પછી તારું દિમાગ એકદમ શાંત અને સ્થિર થઇ જશે અને પછી સારા વિચારો આવશે.. આ દમણીયુ કે દીવમાં મળે છે એ ડુપ્લીકેટ નથી. છેક નાઈરોબીથી સ્પેશ્યલ મારા માટે ફ્લાઈટમાં આવે છે. જ્યાં સુધી ભારતમાં રહું ત્યાં સુધી મારું પીવાનું બધું નાઈરોબીથી જ આવે બાકી અહી ઓરીજનલ મળવું મુશ્કેલ છે. ચલ ચીયર્સ “ કહીને વી કે શેઠે ઘનાના ગ્લાસ સાથે ગ્લાસ ટકરાવ્યો.

લગ્ન પ્રસંગ હોય અને વળી કયારેક વાડીમાં જલસો હોય ને દેવચંદ શેઠ ઘનો જે હીરાના કારખાનામાં મેનેજર હતો એ ઘના ને બહુ આગ્રહ કરે તો એ વળી એકાદ પેગ ટટકાવી પણ લે તો એટલે ઘનાએ હવે ફોર્માલીટી કરવાનું માંડી વાળ્યું. ધીમે રહીને એણે એક ચૂસકી મારી. એક ચૂસકી એને કાળજા સુધી તરબતર કરી ગઈ અને આ બાજુ વીકે શેઠે ત્રીજો ઘૂંટ મારીને પોતાની વાત શરુ કરી..

“મારા પિતાજી કરશન દયાળ અને એના પિતાજી એટલેકે મારા દાદાજી દયાળ ઘુસા પેલેથી જ સુખી સંપન્ન. અને ગામમાં મોટું નામ કહેવાતું. આ તો વરસો પહેલાની વાત છે.. મારા દાદાજી અંગ્રેજોના પ્રિય માણસ હતા એટલે એનો માન મરતબો જળવાઈ રહેતો. રજવાડી ઠાઠ પણ મળતો. મદ્રાસની પ્રેસિડેન્સી કોલેજમાં મારા પિતાજીને મારા દાદાએ ભણવા મોકલેલ ભણતા ભણતા મારા પિતાજી ત્યાં એક રૂપાળી અંગ્રેજ અફસરની છોકરી લ્યુના ના પ્રેમમાં મારા પડ્યા……….. અને એ વખતે એ લ્યુનાને ભગાડીને કાઠીયાવાડ લાવેલા અને મારા દાદાજીને આ વાત ન ગમી… ” કહીને વી કે શેઠે વળી એક ઘૂંટ માર્યો.

**************** ભાગ સાત પૂર્ણ******************

ક્રમશ:
મિત્રો, જો તમે આ નવલકથાનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી કરીને અમને આ નવલકથાનો આગળનો ભાગ મુકવા માટે પ્રોત્સાહન મળી રહે અને આ નવલકથા માટેના રીવ્યુ પણ જરૂર આપજો, આગળ શું થવાનું તે જાણવા માટે રાહુ જુઓ ભાગ 7ની, જલ્દી જ આવશે.
લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ”, શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ, મુ.પો ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.