મુકેશ સોજીત્રા લેખકની કલમે

“ગાળિયો” ભાગ – 6- હવે તું સીટ પર સૂઈજા એટલે કોઈને પણ ખબર નહિ પડે કે તું બહાર જાય છે – વાંચો રોમાંચક નવલકથા મુકેશ સોજીત્રાની કલમે

જે મિત્રોને ભાગ-1, ભાગ-2, ભાગ-3, ભાગ-4, ભાગ-5, ભાગ-6, ભાગ-7, ભાગ-8, ભાગ-9, ભાગ-10, ભાગ-11, ભાગ-12, ભાગ-13, ભાગ-14, ભાગ-15, ભાગ-16, ભાગ-17, ભાગ-18, ભાગ-19, ભાગ-20, ભાગ-21, ભાગ-22, ભાગ-23, ભાગ-24 વાંચવાનો બાકી હોય તેઓ જે તે ભાગ બાકી હોય તેના પર ક્લિક કરે.

અને હકા ભીખાએ વાત આગળ ચલાવી!!

“ તે એ રાજકોટ કોડીનાર બસમાં અમે બેય ભાઈઓ બેઠા.. બસ સાવ ખાલી હતી…… બેસી તો ગયાં પણ ક્યાં જાવું છે એની કોઈ ગણતરી નહોતી કન્ડકટર આવ્યો અમારી પાસે. અમારા બેય સામું જોઈ રહ્યો. અમારા કપડા ઠેર ઠેર ફાટી ગયા હતા. રાતમાં ખાળીયામાં જ ચાલ્યા હતાં. ઊંઘ પણ બરાબર આવી નહોતી. ઘડીક અમારી સામું જુએ અને ઘડીક અમારી સાથે રહેલ ખાતરની કોથળી સામું જોવે પછી એણે જ કહ્યું. કોડીનાર જાવું છે?? ટીકીટના પૈસા નથીને?? મારા ભાઈએ હકારમાં ડોકું હલાવ્યું અને એ ભલા કંડકટરે અમારી બે અર્ધી ટિકિટ કાપી નાંખી. મને મનમાં એમ થયું કે પૈસા તો અમારી પાસે ઘણા છે પણ હજાર હજારની નોટમાં છે અને અત્યારે અમારી સ્થિતિ અને ઉમરના પ્રમાણમાં હજારની નોટ કાઢવી શંકા ઉપજાવે એવું હતું. બસ ચાલતી રહી. અને હું ભવિષ્યનો વિચાર કરતો રહ્યો. પૈસા તો ઘણાં બધા હતા પણ નાની ઉમર અમારી આડે આવતી હતી. પડશે એવા દેવાશે એવું વિચારીને હું અને છકો વચ્ચે ખાતરની કોથળી રાખીને ત્રણની સીટમાં બસમાં જ ઊંઘી ગયા હતા. જીવનમાં ઘણા સમય પછી આવી ઊંઘ આવી હતી. લગભગ બપોરે બસ જુનાગઢ પહોંચી અને સાંજના પાંચેક વાગ્યે કોડીનાર પહોંચવા આવી બસ ત્યાં સુધીમાં ભરચક ભરાઈ ગઈ હતી. કન્ડકટરે બુમ પાડી અને કહ્યું. “બિલેશ્વર સુગર ફેકટરી” બસમાં મજૂર જેવા લાગતા માણસો ઉતર્યા અને એની સાથે અમે પણ ઉતરી ગયા.” હકા ભીખાએ વળી ત્રીસ નંબર બીડી સળગાવી. એક બીડી ઘના એ સળગાવી સટ મારી ને હકા ભીખાએ ગળું ખંખેર્યું.

“સુગર ફેકટરીની બે બાજુ બાજુ ખુલ્લા ખેતરો હતા. એક બાજુ પાકા મકાનો હતા.. ખુલ્લા ખેતરોની બાજુમાં એક નાનકડો કાચો માર્ગ હતો ત્યાં એક બોર્ડ માર્યું હતું “ બિલેશ્વર મહાદેવ” અને એક નિશાની વાળું તીર હતું. રોડ પર અસંખ્ય ટ્રેકટર હતા. અમુક શેરડીથી ભરેલા હતા અમુક ખાલી હતા. વાતાવરણમાં ગોળની સુગંધ આવતી હતી સાંજ ઢળવા આવી હતી. થોડા થોડા અંતરે નાસ્તાની લારીઓ હતી. વાતાવરણમાં એક જાતની ભોજનની સુગંધ પણ આવતી હતી. ઘડીક વાર હું અને છકો ચારે બાજુ જોયા કર્યું અને પછી બિલેશ્વર મહાદેવના રસ્તે આગળ ચાલ્યા. રસ્તામાં અનેક પતરાના બનાવેલા ઝુંપડા આવેલ હતા. ઈંડાની લારીઓ પણ હતી. ખાંડના કારખાનામાં કામ કરતા શ્રમજીવી વિસ્તાર અમને લાગ્યો. મંદિર થોડુક દૂર હતું એની આગળ એક ક્વાટર્સ જેવું હતું. ત્યાં મારા પગ આપો આપ વળ્યા. સાવ સુમસાન જગ્યા હતી. અમે બેય ભાઈ એ ખંઢેર હાલતમાં રહેલા કવાટર્સમાં ગયા. અંદર જઈને જોયું તો ગંદકીનો પાર નહોતો કવાટર્સની પાછળ એક નાનકડું તળાવ અને તળાવના કાંઠે એક વિશાળ વડલો હતો. તળાવની આજુબાજુ નાળીયેરીના ઝાડ હતા. જગ્યા મને સલામત લાગી અને વડલા નીચે રાત રહેવાનું નક્કી કર્યું. છકાને મેં ત્યાં બેસાડીને હું પાછો સુગર ફેકટરી તરફ ચાલવા લાગ્યો. ખાતરની કોથળીમાં જયારે હજાર હજારના છ બંડલ નાંખ્યા ત્યારે એમાંથી એક નોટ મેં કાઢી લીધી હતી અને એ મારા ખિસ્સામાં હતી. પણ એને કેમ વટાવવી એ સવાલ આવીને ઉભો હતો. હું વળી પાછો સુગર ફેકટરીના રસ્તે આવીને ઉભો રહ્યો. હું ઉના રોડ તરફ ચાલવા લાગ્યો અને એક જગ્યાએ ચમકતું બોર્ડ જોયું. મુરલીધર રેસ્ટોરંટ. ત્યાં ઘણી બધી એમ્બેસડર અને ફિયાટ ગાડીઓ પડી હતી. સુગર મિલમાં કામ કરતા મોટા ઓફિસરો કદાચ ત્યાં જમવા આવતા હતા એવું મને લાગ્યું. ઘણીવાર હું ત્યાં ઉભો રહ્યો અને પછી અચાનક જ રેસ્ટોરનટ માં જઈને કહ્યું. “ પટેલ સાહેબ ત્રણ ફૂલ ડીશ પાર્સલ મંગાવ્યું છે” એમ કહીને ફટાક દઈને મેં હજારની નોટ આપી. થડા પર બેસેલા માણસે મારી સામે જોયું જ નહિ ત્રણ પાર્સલ એક કોથળીમાં પેક કરીને મને આપ્યા. અને બાકીના નાવસોને સીતેર પાછા આપ્યા. અને એ પાર્સલમાં આવેલી વસ્તુ ઘના અમે બીજે દિવસે સાંજ સુધી ખાધી બોલ્ય આવી સોંઘાઇના દિવસો હતા. ચોખ્ખા ઘીની નવ પુરણપોળી. એકવીસ રોટલીઓ. લાંબા લાંબા ચોખા વાળા દાળ ભાત અને ત્રણ જાતના શાક સાથે ખાજલી પણ હતી. બસ હવે એ પાર્સલ લઈને હું કોટામાં આવી ગયો હતો. લગભગ દોડતો હું છકાની પાસે પહોંચ્યો. અંધારું થઇ ગયું હતું. જોકે નીકળ્યો ત્યારે જ છકાને કહ્યું હતું કે મોડું થાય તો પણ બીતો નહિ. અહી કોઈની નજર નહિ પડે. અમે ભોજન કર્યું પેટ ભરીને ખાધું. કાલ રાતના જોકે ભૂખ્યા હતા. બિલેશ્વર મંદિરે અમે બેય ભાઈઓ વારાફરતી પાણી પી આવ્યા અને કોથળીનું ઓશીકું કરીને હું અને છકો સુઈ ગયા. બીજા દિવસે જાગીને વળી હું કોડીનાર ગયું. એક મોટું પ્લાસ્ટિક.. એક કોશ અને બે ત્રણ ડોલ એક શેડીયો પ્રાઈમસ વીસ લીટર કેરોસીન ચાર મોટા મોટા બાંબુ વાંસ લઇ આવ્યો અને પછીના ત્રણ દિવસમાં બાકીના હજાર રૂપિયામાંથી તૈયાર કપડા વગેરે લઇ આવ્યા. તળાવના કાંઠે એક આશરો તૈયાર કરી દીધો હતો. હવે સવાલ પૈસા સાચવવાનો હતો. એ માટે પણ વડલાની ઘેઘુર ડાળીઓ કામે આવી. ત્યાં એ કોથળી સંતાડી દીધી. છેક ઉપરની ડાળીઓની વચ્ચે. સુતળી અને કાથી થી બાંધીને અને કોઈને સહેજ પણ શંકા જાય કે વડલા ઉપર પૈસા સંતાડેલા હશે. બસ વીસેક દિવસ આ રીતે કાઢી નાંખ્યા. બેમાંથી એક ભાઈ ત્યાં રહે અને બીજો ભાઈ કોડીનારમાં જાય અને ખર્ચા કરે. મોટે ભાગે છકો જ એ રહેઠાણ અને વડલા પાસે રહે હું આખા કોડીનારમાં આંટો મારી આવું. અને પછી મને એમ લાગ્યું કે હવે લોકોની નજરમાં આવી જઈએ એ પહેલા કામ શોધી લેવાનું છે. અને કામ પણ મળી ગયું. શેરડી જોખવાના કાંટા પર મને કામ મળી ગયું. આઠ કલાક કામ કરવાનું અને સાંજે રોકડા ચાર રૂપિયા મળે. ધીમે ધીમે મજૂરો મને ઓળખતા થયા, મેં કોઈને મારો અસલી પરિચય ન આપ્યો અને ખાલી એટલું જ કહ્યું. કમાવા માટે મારા નાના ભાઈને લઈને અહી આવ્યો છું” હકા ભીખા એ વાત થોડી વાર રોકી રાખી અને પછી આગળ ચલાવી.

Image Source

“ બસ એક જ વરસમાં એ વડલાને રામ રામ કીધા અને ત્યાં એક દાનસંગ કરીને એક માથાભારે માણસ હતો હતો એ પોતાનો ખાટલો ઢાળીને ઉના કોડીનાર રોડ પર પડ્યો રહેતો હતો. રોડની બાજુમાં જ ખાટલો રાખે. ઉપર ચાર વાંહડા ખોડેલા હોય એટલે છાંયો રહે. લાંબા લાંબા વાળ અને મોઢામાં કલકતી પાન ચાવતો હોય એનું એક જ કામ જેટલા ટ્રેકટર સુગર ફેકટરીમાં જાય એટલી પાવલી એ ભેગી કરતો જાય. જેટલા ખેડું ટ્રેકટર લઈને નીકળે બધા ઉભા રહે, ડ્રાઈવર હેઠો ઉતરે દાનસંગ લાંબા પગ કરીને સુતો હોય, મૂછોના આંકડા ચડાવતો હોય એના ખાટલાની પાંગથે એક મોટો રૂમાલ બાંધીને એક ઝોળી જેવું કરેલું એમાં પાવલી નાંખવાની. પછી દાનસંગની બાજુમાં જઈને ઉભો રહે. દાનસંગ હાથથી ઈશારો કરે અને પછી જ ડ્રાઈવર ટ્રેકટર ચલાવે. આજુબાજુમાં એની બહુ જ રાડ્ય. પાવલી પાવલી ભેગી કરીને એણે પ્રાચી બાજુ સારી એવી જમીન ખરીદી લીધી હતી. દાનસંગ હતો પણ કાંડા બળીયો. એની ઘણી લોકવાયકાઓ પ્રચલિત હતી.એક વાર એક ટ્રેકટરવાળાએ પાવલી આપવાની ના પાડી તો દાનસંગનો બાટલો ફાટ્યો અને પેલાને સારી પેઠે સબોડ્યો. અને આખું ટ્રેકટર શેરડી એણે રોડ પર ઠાલવી દીધી અને ગાયોને ખવરાવી દીધી.પછી તો લગભગ કોઈ એનો ચાળો પણ લેતું નહિ. મેં એની સાથે સારા સારી રાખી લીધી. અને પછી એક સરસ જગ્યાએ પાકી કોટડી જેટલી જગ્યા લઈને ઘરનો આશરો બનાવી લીધો. આ માટે મારે દાનસંગને રમ પાવો પડ્યો હતો. એ વખતે કડવાસણ ગામ પાસે એક જગ્યાએ વિદેશી રમ વહેંચાતો. રેડિકો ખૈતાન નામની રમની આખી બોટલ ફક્ત અઢાર રૂપિયામાં આવતી. હું ત્યાંથી એક પેટી રાતે સાઈકલ પર લઈને આવતો. અડ્ડા પર લેવા જવાનું હોય એટલે સુગર ફેકટરીના કોઈ પણ પર પ્રાંતીય સાહેબનું નામ આપી દેવાનું અને ફટ દઈને ૧૦૦૦ ની નોટ જ આપી દેવાની. વારાફરતી પાટીલ સાહેબ , દુબે સાહેબ , શુક્લા સાહેબ વગરે નામ આપીને ૧૦૦૦ ની નોટ જ આપી દેવાની એટલે અડ્ડાવાળો એક પેટી કાઢી આપી દે. મારી પાસે એ વખતે હર્ક્યુલીસ સાઈકલ હતી. સાઈકલ પર આખી પેટી ધોળા દિવસે લાવવાનો મેં એક અજબ આઈડિયા વાપર્યો હતો. પેટીની ચારે બાજુ રજકો વીંટી દેવાનો સાયકલ પર પાછળ રાખી દેવાનો એટલે જોનારને એમ જ લાગે કે આ છોકરો રજકાનો ભારો લઈને જ જાય છે. પણ કોઈને પણ ખ્યાલ ન આવે કે ભારાની અંદર આખી પેટી રમની ભરેલી છે. બસ આવી જ રીતે એક વખત મેં એક પેટી રમની લાવીને એક જગ્યાએ દાટી દીધી અને સવારમાં જ દાનસંગ ને જઈને વાત કરી કે રાતે કોઈક ગાડી વાળા આવ્યા હતા ને કશુંક દાટતા જોયા હતા. દાનસંગે ત્યાં આવીને જોયું એની ઉપરની માટી હટાવી. અને આખી પેટી રમની મળી આવી. એ વખતે એ રજવાડી આઈટેમ ગણાતી અને દાનસંગ ખુશ અને એની ખુશીના બદલામાં મેં એક રોડ પર મોટા પતરાની મોટી ઓરડી બનાવી લીધી. દાનસંગ સાથે ભાઈબંધી વધતી ચાલી. હું એમની ઉપર પૈસો વાપરતો ગયો. થોડા જ સમયમાં આજુબાજુમાં મને બધા ઓળખતા થઇ ગયા. સમય ઝડપથી પસાર થતો ગયો. દાનસંગની ભલામણથી મને સુગર ફેકટરીમાં શેરડી જોખવાના કાંટા ઉપરથી આગળના ગેઇટ પર ટ્રેકટર નોંધણીનું કામ મળ્યું. છકો તો ઘરે જ રહેતો એને મેં એક મર્ફીનો રેડિયો લાવી દીધેલો એ વગાડ્યા કરે. હું આઠ કલાકની નોકરી કરતો. મારા ખાવાના અને પીવાના ખર્ચા વધતા ચાલ્યાં. રાત પડે એટલે મારે એક બોટલ જોઈએ જ. પછી જુગાર રમવાના રવાડે ચડ્યો. સુત્રાપાડા વેરાવળ અને છેક માંગરોળ સુધી હું જુગાર રમવા જવા લાગ્યો. નોકરી તો હું દેખાવની જ કરતો. બાકી રાત પડે એટલે એક નવી નકોર એમ્બેસેડર ગાડી આવી જાય ડ્રાઈવર સાથે અને હું ઉપડું જુગાર રમવા માટે તે રાત્રે મોડો આવું. સવારે આવીને બધાને જાણ કરવાની કે આજે પાંચ હજાર જીતીને આવ્યો છું. આખરે લોકોને તો ખબર પડવી જોઈએને કે મારી પાસે પૈસા ક્યાંથી આવે છે. હકીકત એ હોય કે હું દસ હજાર હારીને આવ્યો હોવ. બસ સાતેક વરસમાં પેલા છ લાખ રૂપિયા વાપરી નાંખ્યા. પણ રહેવાનું ઘર થઇ ગયું. મારો ભાઈ મોટો થઇ ગયો અને મારું પણ નામ એક માથાભારે તરીકે પ્રચલિત થઇ ગયું.

અને એમાં એક પીએસઆઈ તરીકે મિશ્રા આવ્યા. આમ તો એ પર પ્રાંતીય હતાં. આઈ પી એસ હતા પણ શરૂઆત હતી એટલે પી એસ આઈ તરીકે નિમણુક હતી. બહુ જ કડક પીએસઆઈ હતા. સહુ પ્રથમ દાનસંગ એની ઝડપે ચડી ગયો. દાનસંગે પેલી વાર પોલીસ ચોકી જોઈ. અને એ જ ચોકીમાં બે જ દિવસમાં એનું મોત થયું. સુગર ફેકટરીના વાતાવરણમાં સન્નાટો છવાઈ ગયો. લોકોએ હાશકારો અનુભવ્યો. બધું ભીનું સંકેલાયું. દાનસંગના મોત પછી ત્રણ જ દિવસમાં વેરાવળના દરિયા કિનારે એક પાકિસ્તાની જહાજ પકડાયું અને છાપામાં આવેલું કે દાનસંગ આ લોકો સાથે સંકળાયેલો હતો. પૂછપરછમાં જ એનું થયેલું મોત આને કારણે બહુ તો ન ગાજ્યું પણ અઠવાડિયા પછી મિશ્રા એમની પોલીસ સાથે મારી ઓરડીએ છાપો માર્યો. મારા સદભાગ્ય એ હતા કે મેં પેલી રકમ બધી જ વાપરી નાંખી હતી. મારી આખી ઓરડી આખી ખોદી નાંખી પણ કશુય ન મળ્યું.. હોય તો મળે ને પછી તો મને ચાર દિવસ પોલીસ સ્ટેશન પણ લઇ ગયા. દાનસંગના જીવન ખુબ પૂછ્યું. ઢોરમાર માર્યો પણ અમે બેમાંથી એકેય ભાઈ ન બોલ્યાં. મને છોડી મુક્યો પણ હું અને મારા ભાઈ પોલીસ સ્ટેશન આગળ જ બેસી રહ્યા. કારણકે એ વખતે સુગર ફેકટરીમાં નવું નવું યુનિયન થયેલું અને એ લોકોએ મને અને મારા ભાઈઓને સપોર્ટ આપ્યો . હકીકતમાં એ યુનિયનવાળાને મારા જેવા યુવાનની જ જરૂર હતી. પોલીસ સ્ટેશન આગળ જ ધરણા થયા. પોલીસે અમારી આખી ઓરડી તોડી નાંખી એનું શું?? વળી છાપામાં અમારો કિસ્સો ચગ્યો અને પોલીસ વાળાએ જ પછી અમારી ઓરડી સરખી કરી આપી. બસ આ ઘટના બન્યા બાદ તરત જ તારા પિતા પરબત બચું, સુગર ફેકટરીમાં કામે આવ્યા હતા. અને સહુ પ્રથમ એ મને જ મળેલાં. અમે પાંચ વરસ સાથે ગાળેલા. એ વખતે હું મજૂર યુનિયનનો પ્રમુખ ડાબો હાથ પણ બની ગયેલો. પગાર પણ સારો પણ અગાઉ એશથી જીવેલોને એટલે પૂરું તો પડે જ નહીને.. ઉભા મોલમાં ચરેલ બળદીયાને વાંકા વળીને કોકના ખેતરમાં ચરવાનું કેમ ફાવે!!” આટલું કહીને હકા ભીખાએ કહ્યું.

Image Source

“ બસ પછી તો ચોરીના રવાડે ચડી ગયો. આજુ બાજુના પંથકમાં હાથ ફેરો કરવો. પગારના દિવસે શેરડીની ઉપજના પૈસા કોઈ તવંગર ખેડૂત સુગર ફેકટરીમાં લેવા આવે તો એના ખિસ્સાનો ભાર હળવો કરવો. મારો ભાઈ છકો પણ હવે મારો સાથીદાર હતો ઉપરાંત બીજા દસેક જણાની મેં એક ગેંગ ઉભી કરી હતી. પણ જે આવે એ ખાવા પીવામાં જ વાપરી નાંખવાનું. તારા પિતા મને ઘણીવાર કહેતા કે હકા આ રસ્તો સારો નહિ એક વખત તને આ ધંધો ચોક્કસ જેલમાં લઇ જશે. તારા પિતાજીની જગ્યાએ બીજો કોઈ હોત તો હું એને મારત પણ કેમ જાણે તારા પિતાજીની આંખમાં કોઈ એવું તેજ હતું કે હું એમની આમન્યા જાળવતો. પછી તો ઘણી ચોરીઓ કરી. કલ્પના બહારની ધાડ પાડી. ન કરવાના કામો કર્યા. પણ જે કર્યું એ આ હકા ભીખાને જરાય અફસોસ નથી ઘના. જીવન હું મારી રીતે જીવ્યો છું. આ કોટડીમાં આજીવન રહેવું પડેને તો પણ મને અફસોસ નથી. પૈસા આવ્યાય બહુ અને વાપર્યાય બહુ. જેની તે કલ્પના પણ ન કરી હોય એવા સુખો અને દુઃખો બેય ભોગવ્યા છે. છકાને પરણાવ્યો. હું એક પરણેતર દવલને ભગાડી લાવ્યો. દવલ આજે પણ મારી પરણેતર છે. બહુ ઓછા લોકોને ખબર છે આની. મારે બે સંતાનો છે. હજુ નાના છે ભણે છે. પણ એને મારો ઓછાયો પણ પડવા નથી દીધો. જેલમાં ન હોવ ત્યારે હું અલગ રહું છું મહિનામાં એક વખત હું દવલ ને મળું છું એની ખાધાખોરાકી હું પૂરી પાડું છું. કદાચ પૂરી ન પણ પાડુ તો પણ દવલ પોતાની કમાણીથી એ કરી શકે એમ છે. જીવનમાં ક્યાય સ્નેહ સંબધ બંધાયો હોય તો એ દવલ સાથે. આમ તો એ બીજાની પરણેતર પણ એને મે એના કહેવાથી જ ભગાડી. આટલો સમય જતો રહ્યો ઘના પણ મને દવલ પર પૂરો ભરોસો છે એને પણ છે જ. એ બહુ સલામત જગ્યાએ રહે છે માન વાળી જિંદગી જીવે છે. પણ એ બધી વાતો વળી પછી ક્યારેક કરીશું. આજ તો અધરાત થઇ ઘના ચાલ હવે સુઈ જઈએ” કહીને હકાભીખાએ તેની વાત પૂરી કરી એક મોટી ઉધરસ ખાધી અને પછી એકદમ ટટ્ટાર બેસીને બે હાથ જોડીને એ પાંચેક મિનીટ કશુંક ગણગણ્યો અને પછી સુઈ ગયો.

ઘનો પણ સુતો પણ એને ઊંઘ સહેજ મોડી આવી. વારંવાર એને એક વાક્ય સંભળાતું હતું કે “ ઘના તારા બાપની આંખમાં એક તેજ હતું એની હું આમન્યા જાળવતો હતો” ખુદ ઘનાને પણ આવો અનુભવ થઇ શક્યો હતો. જીવનમાં એ કયારેય લગભગ પિતાજીની સામે બોલ્યો નહોતો. થોડીવારમાં ઘનો પણ સુઈ ગયો.

******

બીજા પાંચ દિવસો જેલમાં ઘનાએ રૂટીન મુજબ જ ગાળ્યા. દિવસે એ જેલની જમીનમાં કામે જતો. આર ડી ઝાલાએ બધાજ ખેતીના કામના ઓજારો મંગાવી નાંખ્યા હતા. ટ્રેકટર દ્વારા આખા ખેતરમાં ઊંડી ખેડ કરી દેવામાં આવી હતી. ઘના સાથે બીજા પાંચ કેદીઓ હતા એના દ્વારા લગભગ ખેતર ચોક્ખું કરી નાંખવામાં આવ્યું હતું. ઘનો સવારના સાત થી સાંજના સાત સુધી ખેતીમાં કામ કરતો હતો. બીજા કેદીઓ તો પોતાની કોટડીઓમાં બાર વાગ્યે જતા રહેતા હતા. પણ ઘનાનું જમવાનું ત્યાં ખેતરમાં જ આવી જતું હતું. દિવસમાં ત્રણેક વાર આર ડી ઝાલા આવતા એક લીમડાના ઝાડ નીચે ઉભા રહે સિગારેટ સળગાવે કામ કરી રહેલા ઘનાને જુએ. સરભરામાં કયારેક ત્રીસ નંબરની બીડીની જુડી પણ આપે અને વળી બે દિવસથી સવાર અને બપોરે ઘના માટે ચા પણ બનતી હતી. રાત્રે વળી હકા ભીખા અને ઘનો સામે સામેની કોટડીમાં ભેગા થાય આખા દિવસની વાતો કરે. અને વળી વહેલી પડે સવાર એટલે ઘનો એના કામે અને હકા ભીખા પાછો એકલો થઇ જાય.

સાતમે દિવસે ઘનો બરાબર સાત વાગ્યે જેવો ખેતર તરફ જવા રવાના થયો કે આર ડી ઝાલાએ એને ઓફિસમાં બોલાવ્યો. એના હાથમાં એક થેલી હતી. એ થેલી ઘના ઉર્ફે ઘનશ્યામ પરબતને આપી અને કહ્યું.

Image Source

“આ રૂમની અંદર એક રૂમ છે. અને એનું એક બારણું પાછળની સાઈડમાં ખુલે છે. આમાં ત્રણ જોડી કપડા છે. બધાય નાની મોટી સાઈઝના છે. એમાંથી તને જે એક જોડી થાય એ પહેરી લેજે. અને હા નહાવું હોય તો પણ ત્યાં બાથરૂમ છે જ. લક્સ સાબુ પણ હશે અને ટોપરાનું તેલ.. આપણે બહાર જઈએ છીએ. જેલની દુનિયામાંથી કહેવાતી એક સભ્ય સમાજની દુનિયામાં જઈએ છીએ એટલે એ પ્રમાણેની તૈયારીઓ કરવી જ પડે. અત્યારે તો હું કહું એટલું જ તારે કરવાનું. તને મનમાં જે કોઈ પ્રશ્ન થશે એ અત્યારે મારા માટે આવકાર્ય નથી પણ આજે સાંજે આપણે પાછા ફરીશું ત્યારે તને તારા બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે એની મને ખાતરી છે. તારું અસલી કામ આજથી શરુ થાય છે. તારી પાસે તૈયાર થવા માટે ત્રીસ મીનીટનો સમય છે.”

ઘનશ્યામ પરબતે કોઈ પણ પ્રશ્ન કર્યા સિવાય એ કપડાઓ લઇ લીધા.રૂમની અંદર બીજો એક રૂમ હતો. ત્યાં એક ગોળાકાર ટેબલ હતું. ખારીશીંગ થી ભરેલ એક ડીશ હતી. બાજુમાં એક ગ્લાસ પડ્યો હતો અને પડખે એક અર્ધી ભરેલી બ્લેકડોગ વ્હીસ્કીની બોટલ હતી. ટેબલની બાજુમાં જ એક બાથરૂમ હતું. ઝડપભેર ઘનાએ સ્નાન કરી લીધું. બંધબેસતી એક તૈયાર કપડાની જોડી પહેરી લીધી. બાજુમાં અરીસો હતો. ઘનાએ અરીસામાં જોયું. દાઢી વધી ગઈ હતી મૂછો પણ એકદમ ભરાવદાર થઇ ગઈ હતી. દાઢી અને મૂછને કારણે એનો ચહેરો એકદમ બદલાયેલો લાગતો હતો. પોતાનું પ્રતિબિંબ એ પોતે જ માની શકતો નહોતો. પડખે એક લાકડાનો કબાટ હતો ત્યાં એકદમ લાઈટ વાદળી રંગના ગોગલ્સ પડ્યા હતા. ગોગલ્સ પહેરીને એણે એક હળવી સીટી મારી. બસ આવા જ ગોગલ્સ વર્ષા ઉર્ફે વરસુડી એના માટે મુંબઈથી લાવી હતી. વરસુડી એના દાદાની દીકરીના લગ્નમાં મુંબઈ ગઈ હતી. પંદર દિવસ પછી એ પાછી આવી ત્યારે આવા જ ગોગલ્સ લાવી હતી. ઘનો એક દિવસ સવારમાં વર્સુડીના ઘરે બુંગણ લેવા ગયો હતો ત્યારે ઘરે વરસુડી સિવાય કોઈ નહોતું. એ વખતે વરસુડીએ પોતાના હાથે જ ઘના ગોગલ્સ પહેરાવ્યા હતા. ત્યારે ઘનો ખુશ થઈને પૂછી બેઠો.

“ આ ગોગલ્સના મારે કેટલા રૂપિયા આપવાના”
“ બહુ મોંઘા છે આ ગોગલ્સ.. આ ડોહા મુંબઈ સિવાય ન મળે “ વરસુડીની ભાષા સાવ રફ હતી પણ એટલો જ રફ એનો સ્નેહ હતો.
“ પણ તો ય તું કહે એટલા રૂપિયા આપી દઉં”

“ એટલો બધો પૈસાવાળીનો દીકરો છો?? લે તું હું આજે જોઈ લઉં.. ઘનુડી આંખો બંધ કર્યતો બે મિનીટ “ આટલું કહીને વરસુડી ઘનાને તન્મયતાથી વળગી પડી અને ઘનાના મર્દાના હોઠ પર એક તસતસતું ચુંબન કરી દીધું. ઘનાના જીવનનું એ પ્રથમ ચુંબન હતું. અને એ પણ સામેથી ઉમળકાભેર આવેલું!! આમેય સામેથી આવેલી વસ્તુ એકદમ સુપરવન જ હોય. એ દિવસનું ચુંબન એ વર્ષાની માદક ખુશ્બુ ઘનાને આજે પણ યાદ છે. ઘણી છોકરીઓ જન્મથી જ સુગંધિત હોય છે એમાંની હું એક છું એમ વરસુડી ઘણીવાર કહેતી. ભૂતકાળમાંથી ઘનો વર્તમાનમાં આવ્યો.

ઘનાએ ફરીથી અરીસામાં જોયું અને વળી એક સીટી મારી. અને પાછળનું બારણું ખોલ્યું અને આર ડી ઝાલા એકલા જ સરકારી જીપ લઈને ઉભા હતા.

“ વાહ બાકી એકદમ રજનીકાંત જેવો લાગે છે. હજુ બે દિવસ પહેલા નવી આવેલી ફિલ્મ આખરી રાસ્તા જોઈ અને એ પણ શીતલ ટોકીઝમાં. એકદમ મસ્ત ફિલ્મ છે એમાં અમિતાભ અને રજનીકાંતની જોડી એકદમ પરફેકટ છે. ચાલ ફટાફટ બેસી જા” ધનશ્યામ પરબત જીપની પાછળની સાઇડમાં બેઠો કે તરત જ આર ડી ઝાલા એ જીપ ચલાવી. અને ગેઇટ પાસે જીપ પહોંચી કે આર ડી ઝાલા બોલ્યા.

Image Source

“હવે તું સીટ પર સૂઈજા એટલે કોઈને પણ ખબર નહિ પડે કે તું બહાર જાય છે.” ઘના એ એ પ્રમાણે સૂચનાનું પાલન કર્યું. અને જીપ જેલમાંથી બહાર નીકળી અને બસ સ્ટેન્ડ બાજુના રસ્તે ચાલવા લાગી વીસેક મિનીટ ઘનો એમને એમ સુતો રહ્યો પછી આર ડી ઝાલાના કહેવાથી ઘનો સીટ પર બેઠો થયો. એ આજુ બાજુ જોતો રહ્યો. જીપ ખેતરો પસાર કરતી કરતી એક ટેકરી પાસે ઉભી રહી.ટેકરીની પડખે એક મંદિર હતું. સાવ સુમસાન જગ્યા હતી. આર ડી ઝાલાએ જીપ મંદિર બાજુ વાળી ત્યાં પહેલેથી જ એક લાલ રંગની કોન્ટેસા કાર પડી હતી એના પાસે એક પાંચેય આંગળીએ સોનું પહેરેલ એક કાળા ચશ્માં પહેરેલ વય્ક્તિ ઉભો હતો એ ઘનશ્યામે જોયું. એક પોલીસની જીપ પણ કોન્ટેસાથી થોડે દૂર હતી. ત્યાં પી આઈ દવે ઉભા હતાં અને એની પડખે જે ઉભા હતા એને જોઇને ઘનશ્યામ પરબતનુ કાળજું થડકી ઉઠયું. એની આંખો માની નહોતી શકતી. લાલ સાડીમાં એના બા ચંપા બહેન અને એના પિતા પરબત ભાઈ ઉભા હતા!!

“ તારા પિતાજીને મળતી વખતે હકા ભીખાની કોઈ જ વાત નથી કરવાની. ખાલી એને મળી જ લેવાનું છે એ જે કહે એ સાંભળી લેવાનું છે. આમાં કોઈ ભૂલ નથી કરવાની. જેલમાં અત્યાર સુધી તે શું કર્યું એ કશું જ કહેવાનું નથી. પી આઈ દવેને મેં સ્પેશ્યલ તારા માતા પિતાને લાવવાની જવાબદારી સોંપી હતી. વધુમાં વધુ વીસ મિનીટ જ તારા માતા પિતાને મળી શકે છે પછી પી આઈ દવે એને લઈને જતા રહેશે.. આપણે જેને મળવા આવ્યા છીએ એ પેલા કોન્ટેસાવાળી જ પાર્ટી છે. ચાલ બેસ્ટ ઓફ લક ઉતર નીચે” આર ડી ઝાલાએ જીપ ઉભી રાખી અને ઘનો બારણું ખોલીને જીપમાંથી ઉતર્યોકે તરત જ એની માતા ચંપાબેન દોડીને ઘનાને વળગી પડ્યા. બધા આ મા દીકરાનું મિલન જોઈ રહ્યા હતા!!

ભાગ છ પૂર્ણ……. ભાગ સાત ૧૩મી ડિસેમ્બરે!!! વાંચતા રહો દિલધડક નવલકથા “ ગાળિયો”

ક્રમશ:
મિત્રો, જો તમે આ નવલકથાનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી કરીને અમને આ નવલકથાનો આગળનો ભાગ મુકવા માટે પ્રોત્સાહન મળી રહે અને આ નવલકથા માટેના રીવ્યુ પણ જરૂર આપજો, આગળ શું થવાનું તે જાણવા માટે રાહુ જુઓ ભાગ 7ની, જલ્દી જ આવશે.
લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ”, શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ, મુ.પો ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.