પ્રસિદ્ધ મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે

“ગાળિયો” ભાગ – 5 – તમારી વાત અધુરી રહી, તમે અને છકા કાકા ભાગ્યા ઈ… રોડ પર પછી રાજકોટ કોડીનાર બસ આવી એ પછી… – વાંચો રોમાંચક નવલકથા મુકેશ સોજીત્રાની કલમે

જે મિત્રોને ભાગ-1, ભાગ-2, ભાગ-3, ભાગ-4, ભાગ-5, ભાગ-6, ભાગ-7, ભાગ-8, ભાગ-9, ભાગ-10, ભાગ-11, ભાગ-12, ભાગ-13, ભાગ-14, ભાગ-15, ભાગ-16, ભાગ-17, ભાગ-18, ભાગ-19, ભાગ-20, ભાગ-21, ભાગ-22, ભાગ-23, ભાગ-24 વાંચવાનો બાકી હોય તેઓ જે તે ભાગ બાકી હોય તેના પર ક્લિક કરે.

દેગામા કેદી નંબર ૫૨૦ ઉર્ફે ઘનશ્યામ પરબતને જેલ અધીક્ષક આર ડી ઝાલા પાસે લાવ્યો. થોડી વાર ઝાલા સાહેબ એક ફાઈલમાં કશુક જોતા રહ્યા અને પછી ઉંચી નજર કરીને વારાફરતી દેગામા અને ઘનશ્યામ તરફ જોયું. દેગામા એનો ઈશારો સમજી ગયો અને સેલ્યુટ મારીને એની ડ્યુટી તરફ જતો રહ્યો. આર ડી ઝાલા પોતાની ઓફિસમાંથી ઉભા થયા અને જેલની પાછળની બાજુએ પહેલા જ્યાં મહિલા કેદીઓને રાખવામાં આવતી હતી અને અત્યારે કેદીઓને કૌશલ્ય વર્ધનની તાલીમ અપાતી હતી તે તરફ ગયા અને સાથોસાથ આંખના ઇશારાથી ઘનશ્યામ પણ એની પાછળ પાછળ દોરવાયો. આર ડી ઝાલાની ટટ્ટાર ચાલમાં એની એક પ્રકારની ખુમારી સ્પષ્ટ દેખાઈ રહી હતી. ખિસ્સામાંથી સિગારેટ કાઢી અને સળગાવી. બીજા ખિસ્સામાંથી ત્રીસ નંબરની એક ઝૂડી કાઢીને લાઈટર સાથે ઘનાને આપીને કહ્યું.

“ લગાવ ત્યારે તું પણ બીડી નો કશ.. તારા હકાકાને યાદ કરીને,” આર ડી ઝાલા બોલ્યા. જેલ વિષે ઘના એ છ માસ પહેલા જ ઘણું સાંભળ્યું હતું. અવનવી વાતો જેમકે જેલમાં દળવાનું કામ કરવાનું હોય.. જેલમાં સવાર સાંજ મોટા મોટા બડીકા લઈને સોટાવે પણ ખરા. જેલમાં ભોજનમાં કાંકરા વાળા રોટલા અને મીઠાથી ભરપુર દાળ મળે રોજ ઘણું ઘણું કામ કરાવે અને રાતે ઓઢવાનું પણ નો આપે. આવું ઘણું બધું પણ અહી આવ્યા પછી એને તો આ બધું ઘર જેવું લાગતું હતું. કદાચ શરૂઆત છે એટલે આવું હશે ભલે ને કામ કરવું પડે. આમેય ઘનશ્યામ પરબતના ખાનદાનમાં કોઈ કામથી મુંજાય એવું તો હતું જ નહિ. આર ડી ઝાલાની લગોલગ એ હવે ચાલતો હતો. થોડીવાર પછી આર ડી ઝાલા બોલ્યાં.

“ નવાઈ લાગે છે ને આ બધી મહેમાનગતિ પણ બે ત્રણ દિવસમાં જ તને એ વિષે પણ સમજાઈ જશે. કોઈ જ ખોટી ચિંતા કે વિચાર ન કરતો. હું જેમ કહું એમ કરતો જા તો તારા ફાયદામા છે. હું આર ડી ઝાલા તને વિશ્વાસ અપાઉ છું કે આમા તારે વિશેષ કશું જ કરવાનું નથી. તું તો સાત ચોપડી ભણેલો છો ને એટલે તને વધારે સમજ નહિ પડે પણ હું બી એસ સી છું. બાર સાયન્સમાં અમારે ભણવામાં એક પાઠ આવતો એમાં ઉદીપક વિષે આવતું. ઉદીપકને અંગ્રેજીમાં કેટેલિક એજન્ટ કહેવાય. ઉદીપકનું કાર્ય પ્રક્રિયાને ઝડપી બનાવવાનું છે. પ્રક્રિયા પૂરી થાય પછી ઉદીપકનું માપ એટલુંને એટલું જ જળવાઈ રહે છે. બસ આમાં પણ એવું જ છે. તારે ઉદીપકની ભૂમિકા ભજવવાની છે. અત્યારે તો તને હું આટલું જ કહું છું વિશેષમાં તો તને બે ત્રણ દિવસમાં વિગતવાર કહેવામાં આવશે” આર ડી ઝાલા ઘનાની આંખમાં આંખ નાંખીને વાત કરતા હતા. ઘનો મનમાંને મનમાં બધા જ અંકોડા મેળવી રહ્યો હતો પણ એની સમજમા કશું જ આવતું નહોતું.

એ બિલ્ડીંગ પૂરું થયું એની પાછળ એક ખુલ્લા ખેતર જેવું હતું અને ખેતરની ચાઈ બાજુ ઉંચી ઉંચી વીસ ફૂટની દીવાલો હતી. જોકે ખેતર એકદમ કાળી માટી વાળું હતું. પણ લગભગ વાપરશ વગરનું હતું. ખેતરમાં થોડે દૂર સુધી ચાલ્યાં પછી એક લીમડાના ઝાડ નીચે મુકેલ બાંકડા પર આર ડી ઝાલા બેઠા અને ઘનશ્યામને પણ બેસવાનું કહ્યું.

Image Source

“ આ જેલની જમીન છે.. પેલી તરફ જો ત્યાં એક કૂવો પણ છે. ત્યાં જુના જમાના વખતનું આડું ઓઈલ એન્જીન પણ છે. કુવામાં પાણી ક્યારેય ખૂટતું નથી. જેલનો ઈતિહાસ એવો છે એક વખત ભયંકર કાળ પડેલો ત્યારે અંગ્રેજોએ આ બાંધકામ કરાવેલું. આ સ્થળ પર એણે સહુ પ્રથમ કૂવો ખોદાવેલો અને એમાં બહુ પાણી આવેલું. એટલે પછી આ જે વીસ ફૂટ દીવાલ છે ને એ બંધાવેલી અને પછી બધું અંદરનું બાંધકામ કરવામાં આવેલું. આજુબાજુના બધા લોકો અ કામમાં આવતાં. કામ પૂરું થયું પછી જ બધાને ખબર પડી કે આ જેલ છે. અને પછી અંગ્રેજોએ સમયાંતરે આપણા લોકોને જ આ જેલમાં પૂરેલા અમુક તો આ જેલ બાંધેલી એ વખતે મજૂરીએ આવતા અને પછી એ લોકો જ આ જેલમાં કેદી તરીકે આવેલા એવું પણ બનેલું એવી ઘણી બધી દંત કથા કે લોક વાયકા છે. જે હોય તે પણ આ બાંધકામ બધું છે મજબુત.. કળી ચુના અને કાળા પથ્થરના આ બાંધકામમાં ગુગળનો પણ ઉપયોગ કરવામાં આવેલો છે. લાકડું બધું જ મલબારી સાગ છે. બાંધકામની એક એક કાંકરી પણ ખરી નથી એ હકીકત છે. કેદી ક્યાંયથી પણ ભાગી ન શકે એવી જડબેસલાક જેલ છે આ” આર ડી ઝાલાની સિગારેટ પૂરી થઇ ગઈ હતી. ઘનો બોલ્યો.

“ આ જમીન તો એકદમ કાળી અને ફળદ્રુપ છે. આનો ઉપયોગ કેમ કરતાં નથી. પડ્યું પડ્યું આ ખારચું થઇ જશે. વપરાયા વગરની જમીન ધીમે ધીમે એનો કસ ગુમાવી દે છે એમ મારા બાપા કહેતા હતાં”

“ એ માટે જ હું તને અહી લાવ્યો છું. તને આ ખેતીનું કામ સોંપવાનું છે. જેલમાં કેદીઓ પાસે અવનવા રોજી રોટી કમાવાના કામો કરવાય છે એમાંનું આ એક કામ છે ખેતીનું. પણ અત્યાર સુધીમાં લગભગ કોઈ ખેડૂતનો દીકરો જેલમાં આવ્યો નથી. બીજા બધા આવ્યા રાખે એને આ કામ ન ફાવે. હું ઘણા સમયથી વિચાર કરતો હતો આમ તો દરેક કેદીઓના કુટુંબ વિષે બહુ ગહન અભ્યાસ કરું છું. જે લોકો ખેતીકામ કરતા હોય એનું જેલમાં આવવાનું પ્રમાણ સાવ નહીવત છે. આવે તો પણ એક કે બે વરસ પણ લાંબી સજા વાળા બહુ ઓછા. બે દિવસથી તારી આખી ફાઈલ વાંચી છે. તું અને તારા પિતાજી સારી એવી ખેતી કરતાં એ બધી વિગતો મેં મારા સ્ત્રોત દ્વારા મેળવી લીધી છે. હવે તું અને હું જ્યાં સુધી આ જેલમાં છીએ ત્યાં સુધી તને આ કામ સોંપવાનું છે. તારે જમીનનો અભ્યાસ કરીને આ ક્યાં શાકભાજીને અનુકુળ આવશે એ નક્કી કરવાનું છે. શું શું જરૂર પડશે. એની બધી યાદી તારે ત્યાર કરીને મને આપવાની છે. તારી સાથે કેટલા માણસોની જરૂર પડશે એ પણ મને કહેજે. પણ હા હમણા પંદર દિવસ તારા કહેવાતા હકાકાને તારી ટીમમાં સામેલ કરવાના નથી. એ હું મારી અનુકુળતાએ કરીશ. એને તારી સાથે જ રાખવાના છે” આર ડી ઝાલાએ આવું કહ્યું એટલે ઘનશ્યામને અંદરથી શાંતિ થઇ. પોતાને ખેતીનું ગમતું કામ પણ જેલમાં કરવા મળશે એ જાણીને ખુબજ આનંદ થયો.

“ સારું હું આ કામ કરીશ મને મજા આવશે અને સારું એવું શાકભાજી પણ ઉગાડીશ. આમ તો ડુંગળી, લસણ મ રીંગણ ટામેટા અને મેથી માટે આ પટો અનુકુળ રહેશે. પેલો છેલ્લો પટો છે ને એમાં જીરું અને ઘઉં સારા થશે અને વરીયાળી પણ ઠીક ઠીક થશે. કુવાની આજુબાજુ શેરડી પણ ઉગાડી શકાશે.જમીન પિયતની હોય તો ઉનાળુ શીંગ પણ થાય ખરી” ઘનશ્યામ જમીન સામું જોઇને બોલતો હતો. આર ડી ઝાલા એની સામે જોઈ રહ્યા. જમીન સાથે જોડાયેલો માણસ થોડી જ વારમાં કેવો કયાસ કાઢી શકે એ તેઓ નજરે નિહાળી રહ્યા હતા. થોડી વાર પછી આર ડી ઝાલા બોલ્યાં.

“હવે બીજી અને અગત્યની વાત. મારે તારી પાસેથી જે કામ લેવાનું છે જે મેં તને હજુ કીધું પણ નથી એ કામની વાત ફક્ત આપણા બને વચ્ચે જ.. હકા ભીખાને જરા પણ ગંધ ન આવવી જોઈએ. એ તારી પૂછપરછ કરશે ફેરવી ફેરવીને પૂછે તો પણ આ ખેતી સિવાયની બીજી કોઈ જ વાત એને નથી કરવાની એવું લાગે તો મારી નબળી બાજુઓ વિષે બોલવાનું. એની તને છૂટ છે. મનમાં આવે એવું મારું ઘસાતું બોલી નાંખજે. મને કદાચ કોઈ બીજા દ્વારા માહિતી મળશે કે ઘનશ્યામ પરબત ઝાલા વિષે આવું આડા અવળું બોલતો હતો તો પણ હું કાને નહિ ધરું. પણ તારે ને મારે જે કાર્ય કરવાનું છે એ માહિતી કોઈ કાળે ક્યારેય પણ એને નથી કહેવાની જ. હું આર ડી ઝાલા જો મને ખાતરી થશે કે તું આમાં ડબલ ક્રોસ કરી રહ્યો છે તો આ ઝાલા પછી કોઈનાથી ઝાલ્યો નહિ રહે” આર ડી ઝાલા એ કરડાકીથી કહ્યું.

Image Source

“ તમે જેમ કહેશો એમ જ થશે.. પણ આ ડબલ ક્રોસ વાળું ન સમજાયું. ડબલ ક્રોસ એટલે એ કેવું હોય એ કહેશો” ઘનાએ ભોળાભાવે સવાલ કર્યો. જવાબમાં ઝાલા હસ્યા. આર ડી ઝાલા બહુ જ ઓછું હસતાં પણ જયારે હસતા ત્યારે ખુબજ રળિયામણા લાગતાં હતા.

“ ડબલ ક્રોસ એટલે બેય બાજુ ઘોડી માંડવી.. બેય બાજુ ઢોલકી વગાડવી અને સાવ દેશી ભાષામાં કહું તો ઘરધણીને કહેવાનું કે તું જાગતો રહેજે અને ચોરને કહેવાનું કે આજે તું ચોરી કરજે!! હવે મને ખાતરી છે કે તને બરાબર સમજાઈ ગયું હશે” ઝાલા એ જવાબ આપ્યો અને ઘનશ્યામ પરબત ઉર્ફે ઘનો પણ હસ્યો. આર ડી ઝાલા જતા રહ્યા અને ઘનશ્યામ ઘણા વરસોથી વણ વવાયેલ ખેતરમાં આંટા મારવા લાગ્યો. માનસિક રીતે કયા સાધનો ખેતીકામમાં જોઇશે એની યાદી કરવા લાગ્યો. ફરતા ફરતા એ એક કટ ગુંદીના ઝાડ પાસે આવીને ઉભો રહ્યો. કટ ગુંદીના ઝાડ પાસે જ કૂવો હતો. કૂવો એકદમ મોટો અને અંદરથી બાંધેલો હતો. કુવામાં એને ડોકિયું કર્યું. કૂવો પાણીથી અર્ધો ભરાયેલ હતો. એના પગથી એક પથ્થર કુવામાં પડ્યો ને અંદર પાણીમાં અવાજ આવ્યો અને કુવાની અંદર માળો બાંધેલા કબૂતર એકી સાથે ફડફડાટ કરતા ઉડ્યા!!

ઉડતાં કબૂતર!! અને કટ ગુંદીનું ઝાડ!! અને કૂવો!!
અચાનક ઘનશ્યામને વર્ષા યાદ આવી ગઈ.. વર્ષા!! વરસુડી!! આખા ગામમાં એને બધા લાડમાં વરસુડી કહેતા જોકે વર્ષા ઘનશ્યામને ઘનુડી કહેતી!! વરસુડી અને ઘનુડી ખાનગીમાં લોકજીભે નવલગઢમાં ચર્ચાતા નામો હતાં. વરસુડી ધોરણ દસમામાં હતી ને ત્યારે એક વખત શિયાળા ઘનો વાડીયે રજકો વાઢવા આવેલો અને રજકો વાઢીને એ કુંડી પાસે હાથ પગ ધોતો હતો. બાજુમાં જ વરસુડીનું ખેતર હતું. ઘનો તો હાથ પગ ધોવામાં મશગુલ હતો અને પાછળથી આવીને વરસુડી ઘનાની બે ય આંખો પર હાથ મુકીને ઝકડી લીધો. આવા ઓચિંતા હુમલાથી ઘનો ઘડીભર ડઘાઈ જ ગયો પણ તરત જ એને ખ્યાલ આવી ગયો કે આ તો વરસુડી છે જ એના હાથમાં રહેલ સ્ટીલનું છાલિયું છટકીને કુવાના થાળામાં પડ્યું અને રણકતો અવાજ થયો અને કુવાની અંદર માળામાં રહેલ કબૂતરો એકી સાથે ઉડ્યા અને એજ વખતે ઘનશ્યામની માતા ચંપાબેનનો અવાજ આવ્યો.

“ ક્યાં ગયો ઘના?? કુવાના થાળામાં શું પડ્યું?? અને તરત જ વર્ષા અળગી થઇ ગઈ અને બાજુમાં જ કટ ગુંદીના સાતેક ઝાડવા હતા અને ઝાડવાની પાસે જ એક કડબનો ઓઘો હતો. અને એક ખાતરનો મોટો ઢગલો હતો. ત્યાં એ સંતાઈ ગઈ હતી. ઘનશ્યામની માતા ચંપાબેને આવીને આજુબાજુ ચકળ વકળ જોયું.

“ આ હાથ પગ ધોતા ધોતાં છાલિયું છટકી ગયું અને અવાજ થી કુવાના કબૂતર ઉડ્યા બીજું કાઈ નથી બા,, હાલો તમને થોડોક ભારો ચડાવું અને તમે નીકળો હું સાયકલ લઈને હમણા આવું છું મારા ખ્યાલથી ઉગમણી બારનો ઝાંપો ખુલ્લો રહી ગયો છે એ બંધ કરતો આવું” કહીને જવાબની રાજ જોયા વગર જ ઘનાએ એની બાને માથે રજકાનો ભારો ચડાવ્યો. ચંપાબેન વાડીમાંથી નીકળીને ઊંડા રસ્તે ગયા કે તરત જ વર્ષા બહાર નીકળી અને ઘનાનો હાથ પકડીને આંબાના ઝાડ નીચે લઇ ગઈ અને પછી જોરથી ઝક્ડીને ગાલે એક ટપલી મારીને હરણીની જેમ ભાગી અને ઘનો બબડતો રહ્યો.

“ સાવ મીઠાની તાણની છે.. જરાક જેટલી પણ શરમ તારામાં નથી. પણ સાંભળે કોણ. વર્ષા તો વાદ ઠેકીને એની વાડીમાં જતી રહી ને ત્યાં એના વસન ભાભી રાહ જોતા હતાં!!

કબૂતર!! કૂવો!! અને કટ ગુંદીનું ઝાડ જોતા જ ઘનાને એનો ભૂતકાળ યાદ આવી ગયો આંખમાંથી એક આંસુ પડ્યું. ફટાફટ ઘના એ લુંચી નાંખ્યું અને પોતાની કોટડી તરફ આગળ વધ્યો.

કોટડીમાં ઘનો પહોંચ્યો.સાથે દેગામા પણ હતો. હકા ભીખા તીસ નંબર બીડીની સટ મારી રહ્યો હતો. ઘનાએ કોટડીમાં જતા પહેલા હકાકાને કહ્યું.

Image Source

“ કાકા ભત્રીજા સાથે હાથ નહિ મિલાવો” જવાબ માં કોટડીની અંદર બે ય હાથ બહાર આવ્યા અને હકાના હાથ ઘનાના હાથ હતાં, દેગામાં તરત જ બોલ્યો.

“ ૫૨૦ હવે અંદર જઈને પછી સત્સંગ કરો. કોઈ જોઈ જશે ને તો મારું આવી બનશે.. આ ઝાલા સાહેબ આમાં શું ભાળી ગયા છે કે કેદી આવ્યો છે કે સાસરિયામાં જમાઈ આવ્યો છે કઈ જ ખબર નથી પડતી” દેગામાં બબડતો હતો ત્યાજ જોરથી ખડખડાટ હાસ્ય સાથે હકા ભીખા બોલ્યો.

“ જે લીટી હોય ને એને અમુક બાબતમાં ખબર નો પડે.. હાલ્ય હાલ્ય લેમ્બ્રેટા તને બુલેટની વાતોમાં ખબર નો પડે” અને મોઢું મચકોડીને લટકતી મલપતી ચાલે દેગામા જતો રહ્યો. દેગામા ગયો કે તરત જ ઘના એ હકા ભીખાને પૂછ્યું.

“ હકાકા આ બુલેટ તો સમજ્યા પણ લેમ્બ્રેટા એટલે શું..?? ખબર ન પડી.”
“ એ નાનકડી મોટર સાયકલ જેવું આવે એને ગામડામાં બધા વીકી કહેતા. હાલે થોડું અને અવાજ વધુ કરે.. હવે તો લ્યુના આવી ગયા છે ને બજાજના સ્કુટર પણ આવવા લાગ્યા છે ને પણ અમારા જમાનામાં આ લેમ્બ્રેટા ગાડી આવતી લેડીઝ લોકો એને ચલાવતા.. બાકી ભાયડા હોય ઈ જાવા રાજદૂત અને બુલેટ ચલાવતા. આપણે જાવા ય હાંકેલું બુલેટેય હાંકેલું છે. હવે તો લેમ્બ્રેટા ક્યાંક ભંગારની દુકાને જોવા મળે તો મળે પણ આવતી એકદમ રૂપકડી.. લ્યુના જેવી જ એક જણ જ ચલાવી શકે.. અને ઢાળ આવે ને ધીમી પડે કે તરત જ પેડલ મારવા પડે!! બધાય કરતા જાવા મસ્ત આવતું. આમ તો સાઈઝ એની નાની પણ જાવા જો રાગે પડી ગયુંને રસ્તામાં તો ભલભલા બુલેટ પણ એની આગળ પાણી ભરે!!” હકા ભીખા એ મોટર સાયકલ પુરાણ શરુ કર્યું અને ઘના એ થોડી વાર સાંભળ્યું.

“ આર ડી ઝાલા સાથે શું સત્સંગ થયો એ તો કહે”
“ બસ કશું જ નહિ મને થોડી સુકી ધમકી આપી. પછી ખેતીની કામગીરી સોંપી છે. જેલના નિયમ બતાવ્યા. વારે વારે એ માણસ એના વખાણ કરતો હતો.આની પહેલા હું આ જેલમાં હતો ને મેં આમ કર્યું ને અહી પહેલા આવું હાલતું ને હું આવ્યો પછી કેદીના જીવનમાં સુધારો થયો. હવે જેલની જમીનમાં ખેતી કરાવશે મારી પાસે એમ કહેતો હતો. ઝાલા પણ એક વાત કહું હકાકા એ બીજાના ભાળતા ભલે સિગારેટ પીવે ખાનગીમાં તો ત્રીસ નંબર જ પીવે છે અમે બને જણા ખેતરમાં જતા હતા ને ત્યારે એણે ખિસ્સામાંથી સિગારેટ કાઢીને ત્યારે આ ત્રીસ નંબરની ઝૂડી એના ખિસ્સામાંથી હેઠી પડી ગઈ. જે વળતી વખતે કોઈને પણ નો ખબર પડે એમ મેં લઇ લીધી. લ્યો તમે રાખો” એમ કહીને ઘના એ ત્રીસ નંબર બીડીની જુડીનો ઘા કર્યો અને બરાબર બે સળિયા વચ્ચેથી પસાર થઈને જુડી હકાભીખાની છાતીમાં ટકરાણી.

“ વાહ તું તો બે જ દિવસમાં એકદમ એક્સપર્ટ થઇ ગયો ને એકદમ પરફેક્ટ ફેંકતા તને આવડી ગયું છે” હકાકા બોલ્યાં ઘના એ જવાબ આપ્યો.
“ ભત્રીજો કોનો?? આખરે કાકાનો આટલો પ્રતાપ તો આવે ને?? વાન નો આવે પણ સાન તો આવે જ ને”
અને આર ડી ઝાલા એ જેમ કહ્યું હતું એમ જ ઘનો કરતો હતો. એ પણ હવે હકા ભીખાને ગપગોળા કહેવાનો હતો.પણ મનમાં ઊંડે ને ઊંડે એ ચટપટી થતી હતી કે આખરે આર ડી ઝાલા એની પાસે કયું એવું કામ કરાવવાના હતા કે જે કામ એના સિવાય કોઇથી પણ થાય એમ નહોતું!! ઘણા મનમાં તાણાવાણા ગૂંથ્યા પણ એકેય જગ્યાએ દોર સંધાતો નહોતો.
સાંજ પડી ગઈ હતી. બનેનું જમવાનું પાટીલ સાથે આવેલ એક કેદી લઈને આવ્યો હતો. બને પોત પોતાની કોટડીમાં જમ્યા. બને એ વારાફરતી ત્રીસ નંબર સળગાવી અને ઘનો બોલ્યો.

“ કાકા તમારી વાત અધુરી રહી તમે અને છકા કાકા ભાગ્યા ઈ… રોડ પર પછી રાજકોટ કોડીનાર બસ આવી ત્યાં સુધી વાત કરી હતી. હવે આગળ કહો..આમેય મોડી રાત સુધી મને ઊંઘ નથી આવતી.!! જવાબમાં એક ત્રીસ નંબર ની બીડીની લાંબી સટ લઈને હકાભીખાએ ધુમાડાના ગોટેગોટા છોડ્યા. દેગામા આવવાથી પોતે અને પોતાનો ભાઈ સમાજકારણીની સંસ્થામાંથી કઈ રીતે ભાગ્યા એ વાત જે વાત અધુરી રહી ગઈ હતી એ વાત એણે ફરીથી રાત્રીના અંધકારમાં શરુ કરી!!

“ તે એ રાજકોટ કોડીનાર બસમાં અમે બેય ભાઈઓ બેઠા.. બસ સાવ ખાલી હતી……( વધુ આવતા ભાગમાં )

***************** ગાળિયો ભાગ પાંચ પૂર્ણ ********************

ક્રમશ:
મિત્રો, જો તમે આ નવલકથાનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી કરીને અમને આ નવલકથાનો આગળનો ભાગ મુકવા માટે પ્રોત્સાહન મળી રહે અને આ નવલકથા માટેના રીવ્યુ પણ જરૂર આપજો, આગળ શું થવાનું તે જાણવા માટે રાહુ જુઓ ભાગ 5ની, જલ્દી જ આવશે.
લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ”, શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ, મુ.પો ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.