મુકેશ સોજીત્રા લેખકની કલમે

“ગાળિયો” ભાગ – 38 – બસ તમે જે જાણવા માંગો છો એ કહી જ દઉં કે આર ડી ઝાલા સાહેબ હકા ભીખા જીવિત છે – વાંચો રોમાંચક નવલકથા મુકેશ સોજીત્રાની કલમે

જે મિત્રોને ભાગ-30, ભાગ-31, ભાગ-32, ભાગ-33, ભાગ-34, ભાગ-35, ભાગ-36, ભાગ-37 વાંચવાનો બાકી હોય તેઓ જે તે ભાગ બાકી હોય તેના પર ક્લિક કરે.

શેરીમાં રમતાં છોકરાઓ પાસેથી રમીલાભાભીએ એક કવર મંગાવ્યું અને વર્ષાએ ઘનશ્યામને પત્ર લખવાનું શરુ કર્યું!!!

વ્હાલા ઘનશ્યામ..

તને નવાઈ લાગી ને કે આજે મેં ઘનુડી કેમ ન કીધું. પણ વાત એમ છે કે હવે બહું જલદી આપણે લગ્નગ્રંથીથી જોડાવાના છીએ. એટલે લગ્ન પહેલા જે હોય તે પણ હવે લગ્ન પછી હું તમને ઘનશ્યામ અથવા શ્યામ તમને બેમાંથી જે સારું લાગે એ કહીશ. હું આજે બહુ ખુશ છું. તમારો પત્ર મળ્યો. વાંચીને હું ખુબજ હરખમાં આવી ગઈ છું. તમે ધનતેરશના દિવસે આવવાના છો એ સાંભળીને અત્યારથી જ મારા અંતરમાં અજવાસના દીવડા પ્રકટી રહ્યા છે.બસ બીજું કશું જ નથી જોઈતું. તમારી સાથે ગામના મંદિરે ફેરા ફરીને હું તમારા ઘરે આવી જઈશ. બસ પછી તમારી છૂટવાની રાહ જોઇશ. ઘરે હું આજે જ ચોખવટ કરી લેવાની છું. મારા ભાઈ અને ભાભીને મારી તમામ તકલીફમાંથી છુટકારો આપવા માંગું છું. ઘણી તમન્નાઓ હતી મને કે તમે મને સજીધજીને જાન લઈને આવો અને લઇ જાવ.પણ હવે એ પણ અબળખા નથી.તમારા સિવાય મેં બીજા કોઈનો વિચાર કર્યો પણ નથી અને કરીશ પણ નહિ. આપણે ઘણો સમય સાથે રહ્યા છીએ એટલે છ સાડા છ વરસ તમારા વગર વિતાવવા મારા માટે સાવ રમત વાત છે, સહુ સારા વાના થઇ રહેશે.. મારો વિચાર તો બેસતા વરસના દિવસે આપણા લગ્ન થાય એવી ઈચ્છા છે… આપણા લગ્ન વખતે આખું ગામ નવા કપડા પહેરશે.. અને સહુ મીઠાઈ પણ ખાશે એ પણ એમના ઘરે!! આખું ગામ નહિ પણ લગભગ આખા ગુજરાતમાં પણ બધા આપણા લગ્ન વખતે નવા કપડા પહેરશે અને મીઠાઈ ખાશે.. બેસતા વરસના દિવસે આપણું સહજીવન શરુ થશે. આવા લગ્ન બહુ ઓછાના નસીબમાં હોય.. આપણે ત્યાં રીવાજ છે કે તુલસીવિવાહ પહેલા કોઈના લગ્ન ન થાય.પણ માતાજી અને ઈશ્વરને હું બે હાથ જોડીને વિનતી કરીશ કે અમારા સંજોગોને તમે સમજો.. અત્યારે મોકો મળ્યો છે અને જો લગ્ન નહિ કરીએ તો પછી ક્યારે કરીશું!! માતાજી અને ઈશ્વર પર મને સંપૂર્ણ શ્રદ્ધા છે. એકાદ અપવાદ તો એ પણ જતો કરેને.. બે શુદ્ધ હૈયા વચ્ચે એ પણ નહિ આવે.. બસ તમે આવો ત્યારે મારા માટે તમને જે ગમે તે કપડા લેતા આવજો.. બસ મારા ઘરેથી હું ખાલી હાથે આવીશ.. હૈયામાં ઉમંગ અને જીવનભર ન ખૂટે એવું પ્રેમનું ભાથું બાંધીને આવીશ.. ભાઈ અને ભાભી સમજે તો ઠીક અને ન સમજે તો ઠીક.. એને એની ઈજ્જત માન , મોભો અને મોટાઈ એ બધાને એ વળગી રહે હું મારા સિદ્ધાંતને વળગી રહીશ. અને આમ તો મારે ખાતરી ન આપવી જોઈએ કારણકે વચન વાયદા અને બોલ કરતા આપણો પ્રેમ વધારે ઉંચાઈ પ્રાપ્ત કરી ચુક્યો છે તેમ છતાં તમને હું જણાવી દઈશ કે મારા સાસુ સસરાને હું બરાબર સાચવીશ અને મારી એક પણ ફરિયાદ નહીં આવે. અત્યાર સુધી જવાબદારી માથે નથી આવી. પણ હવે બને એટલી વધુ જવાબદારી માથે લેવા ઈચ્છું છું. બસ તમે તૈયારી કરીને આવજો. હું મારા ભાઈ ભાભીને તો મળીશ અને સાથોસાથ તમારા ઘરે જઈને પણ વાત કરી લઈશ. એટલે કોઈ સોખમણ ન રહે. ઘીના ઠામમાં જ ઘી પડશે.. વધુ નહિ લખું.. તમને રૂબરૂ મળીને ઘણું બધું કહેવાનું છે.. બસ હું અત્યારથી જ રોમાંચ અનુભવું છું.. બસ હવે થોડા જ દિવસો છે. એક એક દિવસ વિતાવવો એ મારા માટે હવે એક એક મહિના જેવો લાગે છે.. ક્યારે ધનતેરશ આવે ને કયારે મારા મનમંદિરમાં અંજવાળા થાય એની રાહમાં છું..

ભવોભવ તમારી અને ફક્ત તમારી જ પ્યાસની
રસુડી એવી વરસુડી

કવરમાં પત્ર નાંખીને પેક કરીને સરનામું લહીને વર્ષા એની જાતે કવરને ટપાલપેટીમાં નાંખી આવી. રમીલા ભાભી સાથે થોડી આડા અવળી વાત કરી અને વર્ષા પોતાના ઘરે ગઈ. ઘરમાં ધાર્યા મુજબની શાંતિ હતી. સાંજે જમીને વર્ષાએ પોતાના ભાઈ અને ભાભીને કહ્યું.

“ હું ઘનશ્યામને પરણવાની છું.. આ બેસતા વરસે હું ગામમાં આવેલ મંદિરે એની સાથે ફેરા ફરી લઈશ. તમારી ઉપર મારો જે મોટો ભાર છે એ ઉતરી જશે.. ઘનશ્યામ આ દિવાળીએ રજા લઈને અઠવાડિયું આવવાનો છે. એની સાથે ફેર ફરીને હું એના જ ઘરે રહીશ. એમની ખેતી સંભાળી લઈશ. અત્યાર સુધી મોજશોખમાં રાખેલી જાતને હવે મહેનતમાં પલોટવી છે.” જવાબમાં દેવચંદ બોલ્યો.

“ એટલી બધી ઉતાવળ સારી ન કહેવાય.. હું ધામધુમથી પરણાવું તો તને શો વાંધો છે?? એકાદ વરસ ખમી જા.. તને હું ત્યાંજ પરણાવીશ બસ.. હવે કાઈ”

Image Source

“ તમને ખબર તો છે ભાઈ હું જીદ્દી છું.. જે વસ્તુ મારે જોઈએ એ પછી જોઈએ જ.. નાનપણથી તમે મને ઓળખો તો છો જ.. ધામધુમથી પરણાવવા હોય તો પણ છૂટ છે પણ એ માટે ઘનશ્યામ જેલમાંથી છૂટશે એ સમયની તમારે રાહ જોવાની રહેશે.. મારી ના નથી પણ એ વખતે મને ધામધૂમથી ફરી વાર પરણાવજો.. પણ આ બેસતું વરસ હું એના ઘરે જ કરીશ અને પછી કાયમ માટે મારું એ જ સરનામું રહેશે. હા તમે ભાઈ બીજને દિવસે મારા ઘરે જમવા આવજો.. હું તમારી પાસે વીર પસલી પણ નહીં માંગું” વર્ષા બોલી અને એના ભાઈ ભાભી થોડી વાર તો કશું જ બોલ્યા નહિ પણ પછી થોડીવાર પછી સરોજભાભી બોલ્યાં.

“ તમે કહેશો એમ જ થશે… તમે માંગો એ મળશે.. કોઈ વાતે તમે ન મૂંઝાતા” એમ કહીને વર્ષાને એની ભાભીએ બાહોમાં લીધી હતી. દેવચંદ આ બધું જોઈ રહ્યો હતો.

******

સમય વીતવા લાગ્યો. ત્રણ દિવસ પછી ઉપરથી એક ફેકસ આવ્યો. પઠાણની બદલી દાહોદની જેલમાં કરવામાં આવી હતી. તપાચપંચ એનો અહેવાલ બે ત્રણ મહિનામાં આપવાનું હતું. એ પંચ શું તપાસ કરીને અહેવાલ આપે એના પર પઠાણના સસ્પેન્શનનો આધાર બને એમ હતો.એમ તો ચાર દિવસ પહેલા તપાચ પંચ ફરીથી બધાની પૂછપરછ કરી ગયું હતું. આર ડી ઝાલાએ બધાયને મોભા પ્રમાણે સાચવ્યા હતા અને સરભરા કરી હતી. નવરાત્રી પૂરી થઇ ગઈ હતી અને એક દિવસ વર્ષાનો કાગળ આવ્યો અને આર ડી ઝાલાએ ઘનશ્યામ પરબતને બોલાવી ને કહ્યું.

“ સુગંધી કાગળ આવ્યો છે ઘના.. તું ભાગ્યશાળી છો કે તને આ બધો લાભ મળ્યો બાકી સાચું કહું.. મારો સંબંધ મારા પિતાજી ગોઠવી આવ્યાં હતા. લગ્નવિધિ પૂરી થઇ ગયા પછી મને મારી પત્નીનું મુખડું જોવા મળ્યું હતું. પણ તોય ભાગ્યશાળી હતો કે મનની કલ્પના કરતા વધારે સારી પત્ની પ્રાપ્ત થઇ હતી” એટલું કહીને કવર ઘનશ્યામ ને આપ્યું અને ઘનશ્યામે ત્યાને ત્યાં કવર ખોલ્યું. ફંટાશિયા અતરની સુવાસ આર ડી ઝાલા સાહેબની ઓફિસમાં છવાઈ ગઈ. કવર ઘનશ્યામે બે વાર વાંચ્યું અને એનું મોઢું ચમકી ઉઠયું. આર ડી ઝાલા બોલ્યા.

“ લાગે છે કે ખુશ ખબર છે.. તારું મોઢું કેમ ચમકી ઉઠયું”

“ તમે જ વાંચી લો ને હવે.. તમારાથી શું છુપાવવું.. વાંચી લો અને મને કહો કે મારે શું કરવું જોઈએ” ઘનશ્યામે પત્ર એમને આપ્યો આર ડી ઝાલા નવાઈ પામી ગયા. જીંદગીમાં એ પ્રથમ વાર પ્રેમ પત્ર વાંચી રહ્યા હતા અને એ પણ કોઈકનો. પત્ર વાંચીને આર ડી ઝાલા ખુશ થઇ ગયા. અને બોલ્યા.

“ વાહ આને કહેવાય કિસ્મત… આને કહેવાય કે જેલનું પાણી તને સદી ગયું.. જેલ તારા માટે ભાગ્યશાળી અને શુકનવંતી સાબિત થઇ છે… હવે આ ધરમના કામમાં ઢીલ શું કામ કરવાની. અભુ ઓછો સમય તારી પાસે વધ્યો છે.. કાલે જ મારી સાથે શહેરમાં ચાલ.. એકદમ ભારે માયલા કાપડમાંથી કપડા શીવડાવવા નાંખી દઈએ. ઓણ સાલ બેગી પેન્ટની ફેશન આવી છે બુશ કોટમાં પણ પાછળ બે બે ચીપટી વાળી ફેશન આવી છે.. હું તો કહું છું કે પૈસાથી નો મુંઝાતો… તું તારે જે ખરીદી કરવી હોય એ કરી લેજે.. અને બેસતા વરસે ગામના મંદિરે ગોર મહારાજની સાક્ષીમાં પરણી જા.. આવી ડાહી અને કોઠાસૂઝ વાળી રૂપાળી છોકરી મેં મારી લાઈફમાં અત્યાર સુધી જોઈ નથી.. બાકી કોઠાસૂઝ અને રૂપાળાપણાને બાર ગાઉનું છેટું હોય છે પણ અહી તો સોનામાં સુગંધ ભળે એમ છે તું તારે જરાય મુંઝાતો નહિ.” કહીને ઘનશ્યામનો વાહો થપથપાવ્યો.

આર ડી ઝાલા સાહેબ ઘનશ્યામની પાછળ પૈસા ખર્ચે એનું કારણ પણ હતું જ.. હજુ ગઈ કાલે જ ઝાલા સાહેબને રતનજીભાઇ મળ્યા હતા. દિવાળી ઉપર ફાર્મ હાઉસમાં કામ કરતા તમામ લોકોને વીકે શેઠ દર વરસે દિવાળી બોનસ મોકલતા હતા. એમાં પગાર કરતા ઘણી વધારે રકમ અને મીઠાઈઓ હોય દર વખતની જેમ આ વખતે પણ વીકે શેઠે બોનસ તો મોકલ્યું પણ આ વખતે એમાં આર ડી ઝાલા સાહેબ ઘનશ્યામ ઉપરાંત પી આઈ દવે અને નીપાનો પણ સમાવેશ થતો હતો. રતનજી ભાઈના ઘરે આંગડીયા દ્વારા આ બધી વસ્તુઓ આવી ગઈ હતી. ઉપરાંત આર ડી ઝાલા સાહેબ માટે એક અલગ સંદેશો પણ હતો કે વી કે શેઠ એમની સાથે વાત કરવા માંગે છે. અને એટલે જ રતનજીભાઈના ઘરેથી જ આર ડી ઝાલાને મુંબઈ ફોન લગાડી દેવામાં આવ્યો. અને ઝાલા સાહેબે વાત પણ કરી હતી.

“ દિવાળીની એડવાન્સમાં શુભેચ્છાઓ ઝાલા સાહેબ” વીકે શેઠ બોલતા હતા. એના બોલવામાં એક પ્રકારનો વિવેક દેખાતો હતો.

“ જી તમને પણ શુભેચ્છાઓ શેઠ પણ આ બધું કરવાની શું જરૂર હતી. તમારૂ આ બધું ઋણ ક્યારે ચૂકવીશું શેઠ” ઝાલા સાહેબે કહ્યું.

“ અરે એ તો મારી ફરજ છે. મારા બાપા પાસેથી હું એ જ શીખ્યો છું કે ધંધો ગમે એવડો મોટો હોય વાર તહેવારે ખુશી નાના માણસોના ચહેરા પર અને કામના માણસોના ચહેરા પર લાવવી જ જોઈએ. અને આમેય તમારા લોકોના કામથી જ અમે સુખ સાહ્યબી ભોગવીએ છીએ. અને બીજી વાત તમારો ખાસ આભાર માનવાનો કે તમે આ હકા ભીખા વાળો કેસ સાવ દબાવી દીધો.. બાકી તમે મુળિયા સુધી પહોંચી તો ગયા જ હતા.. એ માટે તમને ડબલ બોનસ આપવામાં આવે છે..” કહીને આર ડી ઝાલા સાહેબ બોલ્યા.

Image Source

“ હા રતનજીભાઇ ના ઘર સુધી મને છેડો મળતો હતો.. જે સ્ત્રી ધર્મશાળાના રૂમમાં રોકાઈ હતી. એના રૂમની તપાસ કરતા રૂમમાં જે સુગંધ મળી હતી એ જ સુગંધ તમારા ફાર્મ હાઉસ પર આપણે મામા દેવના ખીજડા પરથી કામ સફળતાપૂર્વક પતાવીને આવ્યા ત્યારે આવતી હતી. વળી એ સ્ત્રી ને રતનજીભાઇના કહેવાથી જ ધર્મશાળામાં રૂમ મળી હતી એ જ સ્ત્રી બબુડીયાને ફાર્મ હાઉસ પર હાઈજેક કરીને લઇ ગઈ અને એ જ સ્ત્રી બીજા એક માણસ સાથે ગ્રોફેડના ગોડાઉન પાસેના હાઈવે પર અને ગોડાઉનમાં પણ મળી હતી. હવે સવાલ ડિસોઝા અથવા હકા ભીખામાંથી કોણ જીવતું છે એ કહો એટલે કામ પતે જોકે એ સ્ત્રી ડિસોઝાને પતાવવા આવી હતી એટલે સો ટકા હકા ભીખા જીવિત છે એવું હું માનું છું” આર ડી ઝાલા સાહેબે કહ્યું કે તરત જ સામે છેડાથી વીકે શેઠ ખડખડાટ હસતાં બોલ્યા.

“ વાહ બાકી માન ગયે હો ઝાલા સાહેબ.. જોકે મને અંદેશો હતો કે ભલેને મેં ઉપરથી ભલામણ કરી કે કેસ ઓપન એન્ડ શટ થઇ જવો જોઈએ. પણ તોય મનમાં ઊંડે ને ઊંડે અંદેશો હતો જ કે આર ડી ઝાલા સાહેબ છેક તળિયા સુધી ગ્રાસ ઋટ લેવલ સુધી તો જશે જ. પણ સમય આવ્યે તમને બધું જણાવી દેવામાં આવશે. પણ એક વાત સ્વીકારવી રહી સાહેબ.. કે જેલમાંથી બહાર કાઢવામાં તમે જે વાત કરો છો એ સ્ત્રીનો એટલે કે મોનાનો કોઈ જ હાથ નહોતો. પણ આ તો ડિસોઝાને મોક્ષ આપવાનો હતો એટલે છેલ્લે છેલ્લે એ પણ જોઈ લઈએ કે ડિસોઝા કઈ કુનેહથી હકા ભીખાને જેલમાંથી બહાર કાઢે છે. હકા ભીખા જેલમાંથી બહાર આવે કે ન આવે પણ ડિસોઝાને આ પૃથ્વી ની બહાર મોકલવાનું નક્કી જ હતું. આ વાદળી સુટકેસ પાછળ એનો જ હાથ હતો એ સાબિત થઇ ગયું હતું. મોનાએ બધી જ કડીઓ મેળવી લીધી હતી. હવે ધંધો જ એવો લઈને બેઠા હોઈએ કે તમે સહેજ ચૂક કરો એટલે ગયા કામથી. પણ હા વગર વાંકે કોઈને આપણે સતાવ્યા નથી અને જેણે વગર કારણે સળી કરી એ કોઈને લોઢે લાકડે પણ મુકયા નથી. બસ આ જ નિયમ લઈને અત્યાર સુધી જીવ્યો છું. બસ તમે જે જાણવા માંગો છો એ કહી જ દઉં કે આર ડી ઝાલા સાહેબ હકા ભીખા જીવિત છે. ભલે જેલના ચોપડે એ મૃત હોય દુનિયાની નજરે પણ એ મૃત હોય પણ હવે એ પોતાના પુરા પરિવાર સાથે રહે છે. મારે આવા માણસોની ખાસ જરૂર છે. પરિસ્થતિ સામે કઈ રીતે લડવુંને તે આવા માણસોના મગજમાં જન્મથી જ ફીટ કરેલું હોય છે બાય ડીફોલ્ટ!! જોકે હજુ એની જરૂર નથી પડી પણ કદાચ જરૂર પડે તો એ માણસ હવે આપણને ઉપયોગી થઇ શકે એમ છે અને બીજું કારણ કે એ હવે પોતાની જૂની ઓળખ ગુમાવી ચુક્યો છે એટલે પોતાનું કામ એ આસાની થી કરી શકે અને આવતા ચાર કે પાંચ વરસમાં મારી ગણતરી તમને બધાને એકસાથે ભેગા કરીને અહી મુંબઈ લાવવાની છે. તમે પણ ત્યાં સુધીમાં લગભગ નિવૃત્તિ લઇ લેશો.. હકા ભીખા પણ વેલ સેટ હશે.. ઘનશ્યામ પણ જેલમાંથી છૂટી જશે. બસ લાંબુ તો કઈ વિચાર્યું નથી પણ મનમાં ઊંડે ને ઊંડે એવી ઈચ્છા ખરી કે એક વખત રાજકારણી બનીને લાલ લાઈટ વાળી ગાડીમાં બેસવું છે. આગળ અને પાછળ પોલીસની ગાડીઓ ચાલતી હોય અને આપણો વટ પડતો હોય એ માટે મારો ધંધો સંભાળવા અને રાજકારણનો રસ્તો સાફ કરવા માટે મારા વિશ્વાસુ માણસોમાં તમારા બધાનો સમાવેશ કરવાનો છે. માણસો તો અહી મુંબઈમાંથી પણ મળી રહે પણ તોય આપણા કાઠીયાવાડી એ કાઠીયાવાડી વફાદારીમાં કયારેય પાછા ન પડે. પણ આ તો હજુ ચાર કે પાંચ વરસ પછીની વાત છે એ પહેલા હું મારી તમામ સંપતિનું યોગ્ય સલામત રોકાણ વિદેશમાં કરી નાંખીશ. સંતાનો પણ વિદશ માં રહીને બધું જ સંભાળી લે એ બરાબર છે. રાજકારણમાં તો એકલા હોઈ ને તો જ મજા આવે. કોઈ માથાકૂટ જ નહિ” પછી તો વીકે શેઠે ઘણી બધી વાતો કરીને આર ડી ઝાલાના મનમાં જે સંશય હકા ભીખાના મોત અંગે હતો એ દૂર કરી દીધો.

પોતાની જીપમાં જ ફરી એક વખત ઝાલા સાહેબ ઘનશ્યામ પરબતને શહેરમાં લઇ ગયા. શહેરમાં એમ એન ટેઈલરનું જાણીતું નામ હતું. લોકો ત્યાં નવી ફેશનના કપડા સીવાડવા આવતાં. જેલના કેદીઓના સામુહિક કપડા ઝાલા સાહેબ અહી જ સીવડાવતા એટલે એમ એન ટેઈલર વાળો એને સારી રીતે ઓળખાતો હતો. ટેઈલર વાળા સોલંકીને લઈને ઝાલા સાહેબ ઘનશ્યામનું કાપડ લઇ આવ્યા. પાંચ જોડ નવા કપડાં તાત્કાલિક સીવવા નાંખી દીધા. હવે વર્ષાના કપડાં પસંદ કરવાના હતા. એ ચણીયા ચોળી અને બધું પણ લેવાઈ ગઈ. સોનીની દુકાને થી મંગલ સૂત્ર અને કાન અને નાકના ઘરેણા પણ લેવાઈ ગયા. તકલીફ વર્ષાના બ્લાઉઝ અને ચણીયા સીવવામાં થઇ માપ વગર કેમ સીવવા પણ સોલંકીએ એનો પણ ઉકેલ કાઢ્યો અને ઘનશ્યામને શાક માર્કેટમાં લઈ ગયો શાક માર્કેટની બાજુમાં જ કટલેરીની દુકાનો લાઈન બંધ હતી. ત્યાં લઈ જઈને એમ એન ટેઈલર વાળો સોલંકી બોલ્યો.

“ અમે આ વિસ્તારને “પરીઓ કા દેશ” કહીએ છીએ. આ શહેરની જ તેમજ આજુબાજુના ગામડાની તમામ નાની મોટી પરીઓ અહિયાં તો આવે જ છે અહી તારે બરાબર વર્ષા જેવો બાંધો ધરાવતી એક પરી મને શોધીને આપવાની છે બસ એને હું એક વાર જોઈ લઉં પછી માપમાં એક ઈંચનો પણ ફેર નો પડે.. ભગવાને બનાવેલ તમામ પરીઓના માપ લગભગ અમારા મગજમાં ફીટ થઇ જ જાય બસ એને ફક્ત એક વાર નીરખીને જોવું પડે.. એટલે જ અમારા એમ એન ટેઈલરનું નામ આ શહેરમાં છે.” સોલંકી રસીકજન હતો એની બોલી એની સાક્ષી પુરતી હતી. ઘનશ્યામ થોડી વાર ત્યાં ફર્યો અને પછી એક છોકરીને જોઇને બોલ્યો. બસ પેલી દેખાઈ છે લાલ સાડી વાળી બસ મારી વર્ષા પણ એજ બાંધાની છે. સોલંકી એ ખિસ્સામાંથી થેલી કાઢી અને બોલ્યો હમણા માપ લઇ આવું. એ લાલ સાડી વાળી છોકરી જે લારીએ ઉભી હતી સોલંકી ત્યાં ગયો અને એની બરાબર સામે ઉભો રહીને શાક લેવાના બહાને એના બાંધાને નીરખતો રહ્યો. પાંચ મિનીટ સુધી એને જે જોવાનું હતું એ જોઈ લીધું અને શાક પણ લેવાઈ ગયું

“ ચાલો બધું જ માપ મગજમાં આવી ગયું છે હવે એમાં દોરાવાય ફેર નો પડે” સોલંકી બોલ્યો.

“ તમારે તો પહેલેથી જલસા નહિ. આજુબાજુ ના એરિયાની તમામ લબ્ધપ્રતિષ્ઠ સુંદરતા તમારે ત્યાં કપડા સીવડાવવા આવે એટલે તમારી આંખો ટાઢી રહેતી હશે નહિ??!!” ઝાલા સાહેબ હસીને બોલ્યાં.

“ જેટલો લાભ એટલી જ ખોટ છે.. ઝાલા સાહેબ.. એ બધી સુંદરતા જોઈએને ત્યારે ઘરે પરણીને લાવેલ સુંદરતા સાથે સરખામણી થઇ જાય છે એટલે લગભગ બળતરા બારેમાસ રહે છે. અમારે તો ખાલી જોવાનું જ ને.. બાકી તો શું કરી શકીએ?? પણ મજા આવે એ નક્કી..” કહીને સોલંકી હસ્યો. કાપડનું અને ખરીદીનું કામ પતાવીને આર ડી ઝાલા સાથે ઘનશ્યામ જેલમાં પરત આવી ગયો.

બસ પછી તો દિવસો ફટાફટ પસાર થવા લાગ્યા અને વાકબારશના દિવસે ઘનશ્યામની તમામ વસ્તુઓ આવી ગઈ હતી. અને ઘનશ્યામે જવાની પૂરી તૈયારીઓ કરી લીધી હતી. આર ડી ઝાલા સાહેબે પી આઈ દવે ને ફોન પર બધી વાતો કરી લીધી હતી. પેરોલ પર જતા ઘનશ્યામને રોજ સવાર સાંજ પોલીસ સ્ટેશનમાં હાજરી આપવાની વ્યવસ્થા ઝાલા સાહેબે એમને એમ ગોઠવી આપી હતી. ઘનશ્યામને પોલીસ સ્ટેશનમાં જવાની જરૂર નહોતી. આમ તો કેદી ને સવારે જ રજા આપવાની હોય છે પણ ઘનશ્યામને તો બારશની રાત્રે જ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આર ડી ઝાલા સાહેબે રાત્રે બાર વાગ્યે આવતી છાપાની ગાડી વાળાનો કોન્ટેક્ટ કરીને ઘનશ્યામને રસ્તામાં આવતા એના ગામના સીમાડે ઉતારવાનું કહી દીધું હતું. છાપાની ગાડીઓ રાત્રે બાર વાગ્યે છાપાઓની નકલો લઈને આજુબાજુના ગામડામાં ડીલીવરી કરવા જતી હતી.

Image Source

સવારમાં ત્રણેક વાગ્યે ઘનશ્યામ પરબત પોતાના ઘરે પહોંચ્યો. જીલ્લા સાથે તાલુકાને જોડતાં મુખ્ય રસ્તેથી એનું ગામ ત્રણેક કિલોમીટર અંદરના ભાગમાં હતું. ઘણા સમયે ગામની સીમ એ જોઈ રહ્યો હતો. બસ આજ રસ્તે એ બુલેટ લઈને વર્ષાને તાલુકામાં મુકવા જતો. કયારેક વરસાદ હોય તો રસ્તા પર આવેલ ઝાડ નીચે એ ઉભો રહેતો અને વર્ષા એને વરસાદની જેમ વળગી પડતી વ્હાલપનો વરસાદ વરસાવતી હતી એ બધું ઘનશ્યામને યાદ આવી ગયું હતું. ઘનશ્યામ ઘણા સમયે આટલું લાંબુ ચાલ્યો હતો. સવારનો ત્રણ વાગ્યાનો સમય એકદમ શાંત વાતાવરણ બેય હાથમાં સુટકેસ પકડીને એ નિરાંતે ચાલ્યો જતો હતો. ગામની નજીક આવતા એણે કૂતરાનો ભસવાનો અવાજ સંભળાયો. કુતરા નજીક આવ્યા અને ઘનશ્યામની બોલી ઓળખી ગયા હોય એમ ભસવાનું બંધ કરીને પૂંછડી પટપટાવતા એની બાજુમાં ચાલવા લાગ્યા. પોતાના ઘરે પહોંચીને એણે જોયું તો ખડકીની જગ્યાએ ડેલી જોઈ.. વાહ આ બધું એકદમ બદલાઈ ગયું હતું.. થોડીક વાર ખખડાવ્યા પછી કોઈ ડેલી ખોલવા આવતું હોય એમ લાગ્યું. પગલાના અવાજ થી એને લાગ્યું કે એની માતા જ ડેલીનો ભોગળ ખોલવા આવી રહી છે. ચંપાબેને ભોગળ ખોલ્યો અને સામે ઘનશ્યામને જોઇને સીધા જ બોલી ઉઠયા.

“ લે બેટા તું આટલો વહેલો આવી ગયો.. મારા લાલ.. આવ્ય બેટા આવ્ય” કહીને એની માતા ચંપાબેન એને ભેટી પડ્યા અને બોલ્યા.

“ અલ્યા સાંભળો છો હવે ઉઠો આ સવાર પડવા આવી અને આ જુઓ ઘનો આવી ગયો. આ બે સુટકેશ લઈને દીકરો હાલતો હાલતો આવી ગયો ઠેઠ સડકેથી અને તમે હજુ ઘોરો છો.. ઉઠો હવે ઉઠો…” અને આવું સાંભળીને પરબત ભાઈ જાગ્યા અને ઘનો એને પણ પગે લાગ્યો. અને ખાટલાની પાંગથે બેઠો અને પરબત ભાઈએ ઘડિયાળ સામે જોઇને બોલ્યા.

“હજુ સાડા ત્રણ પણ નથી થયાને સવાર પડી ગઈ એમ કહે છે તારી મા.. અત્યારે શેમાં આવ્યો આટલા અહુરટાણે???”

“ છાપા વાળાની ગાડીમાં આવ્યો છું કેમ છે તમારી તબિયત”” ઘનશ્યામે પૂછ્યું.

“ તબિયત તો ઘોડા જેવી છે.. બસ હજુ ટાણું છે ત્રણ કલાક સુધી સુઈ લે.. એટલે કાલે આખો દિવસ વાંધો ન આવે.. પુરતી ઊંઘ કરી લે.. અને તને કહી દઉં છું કે મને કે ઘનાને આઠ વાગ્યા સુધી જગાડતી નહિ. જા બેટા ઘરમાં જઈને સુઈ જા.. તારી માએ ખાટલો ઢાળીને ગાદલું પાથરી દીધું લાગે છે. સવારે વાતો કરીશું. અત્યારે તું થાકી ગયો હઈશ!!” અને આટલું કહીને પરબતભાઈ ધુન્સો ઓઢીને સુઈ ગયા. અને પાણી પીને ઘનશ્યામ પણ પોતાના રૂમમાં સુઈ ગયો. એની માતા ચંપાબેન એના માથે શાલ ઓઢાડી દીધી હતી. ઘરમાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું હતું. હજુ બે દિવસ પહેલા જ વર્ષા આવીને ચંપાબેનને કહી ગઈ હતી કે બસ બેસતા વરસના દિવસથી આ ગોળાનું પાણી એ ભરવાની છે અને કાયમને માટે એ અહી આવી જવાની છે. પરબતભાઈ નો જીવ થોડોક હચુંડચુ હતો પણ ચંપાબેનને પાકા પાયે સંબંધ મંજુર હતો. એણે વર્ષાના બેય ગાલ પકડીને અને પછી ખેંચીને કહ્યું હતું.

“ આવી જા મારા ઘરે હું પોંખવા બેઠી જ છું બેટા… આવી જા જરાય મનમાં કોઈ વલવલાટ ન રાખતી.. આ ઘર હવે તારા હાથમાં સોંપી દેવાનું છે.. બસ તમે તમારી જિંદગી જીવી લો બેટા.. આવી જાજે દીકરા હું તને દસેય આંગળીએ બરાબરની પોંખી લઈશ.. અખંડ સૌભાગ્યવતી રહો મારા દીકરા” અને આટલું કહીને એણે વર્ષાને બાથમાં લીધી હતી!!” ચંપાબેન હિંડોળા પર આડા પડ્યા દીકરો ઘરે આવ્યો એનો ઉત્સાહ એમને હવે સુવા દેતો નહોતો એ જાગતા રહ્યા. સવાર પડવામાં હજુ ઘણી વાર હતી.

*************ભાગ આડત્રીસ પૂરો**************

ક્રમશઃ

મિત્રો, જો તમે આ નવલકથાનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી કરીને અમને આ નવલકથાનો આગળનો ભાગ મુકવા માટે પ્રોત્સાહન મળી રહે અને આ નવલકથા માટેના રીવ્યુ પણ જરૂર આપજો, આગળ શું થવાનું તે જાણવા માટે રાહ જુઓ ભાગ 38ની, જલ્દી જ આવશે.
લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ”, શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ, મુ.પો ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.