મુકેશ સોજીત્રા લેખકની કલમે

“ગાળિયો” ભાગ – 37 – મારા દીકરાની જિંદગી બગડી તો મને કોઈ પણ હક નથી બીજા કોઈની જિંદગી બગાડવાનો… – વાંચો રોમાંચક નવલકથા મુકેશ સોજીત્રાની કલમે

જે મિત્રોને ભાગ-30, ભાગ-31, ભાગ-32, ભાગ-33, ભાગ-34, ભાગ-35, ભાગ-36 વાંચવાનો બાકી હોય તેઓ જે તે ભાગ બાકી હોય તેના પર ક્લિક કરે.

રમીલાભાભીને વર્ષા ભેટી પડી હતી અને વર્ષાની ભાભી આ બધું જોઈ રહી હતી એ બોલી.

“ હવે જે થયું એ થયું.. કયા સુધી આમ રોયા કરશો નણંદબા.. તમારા ભાઈ પણ તમને સમજાવી સમજાવીને થાક્યા.. પણ તમે પરિસ્થિતિ સમજતા જ નથી.. જેલમાં ઘનશ્યામ ગયો એનું અમને પણ દુઃખ છે.. પણ એનું કોઈ જ નિવારણ નથી.. સાત વરસ પછી એ છૂટશે ત્યાં સુધી રોયા કરવાનું..તમે રમીલાભાભી આને સમજાવો એ કોઈનું માનતી નથી. ગામની બીજી છોકરીઓને ભણવું છે પણ એના માં બાપ નથી ભણવા દેતા અને આને બધી છૂટ છે પણ હવે કોલેજે જવું જ નથી એનું શું”???

“ ભણીને હવે શું કરવું છે મારે.. જેના માટે ભણતી હતી એ તો જેલમાં છે અને એ પણ મારી આબરૂ બચાવવા જ જેલમાં ગયોને.. એને તમે પારકો ગણો છો?? બાકી મારો ભાઈ પણ ત્યાં જ હતો ને સગું લોહી જ કહેવાયને..એણે કશું ન કર્યું એ એમને એમ મૂઢ ની જેમ ઉભા હતા.. તમે શું માનો છો હું કાઈ શીખવા માટે નહોતી ભણતી પણ ઘનો મને લેવા માટે આવે કોલેજમાં અને મુકવા માટે આવે અઠવાડિયામાં બે કે ત્રણ દિવસ એટલા માટે જ ભણતી હતી.. અને હવે મારા ભાઈને શા માટે ભણાવવી છે પણ મને ખ્યાલ છે.. કોલેજ પૂરી કરું એટલે મને સારું કુટુંબ જોઇને પરણાવી દેવા માટે જ ને પણ ભાભી તમને ખ્યાલ નથી આ દિલ પર ઘનશ્યામનું નામ કોતરાઈ ગયું છે.. જે વસ્તુ કાળજામાં કોતરાઈ જાય ને ઈ પછી ગમે એમ કરો નો જાય ઈ નો જ જાય” વર્ષા એની ભાભીની સામે બોલતી હતી. તરત જ ભાભી બોલી.

“ આ બધી છોકરમત કહેવાય.. તમે જેને પરણવા માંગો છો એનું ભવિષ્ય શું??હજુ સાડા છ વરસ પછી જેલમાંથી આવશે.. એક ખૂનીની છાપ લઈને..પછી એ ક્યાં ધંધો કરશે?? કોણ એને પોતાના કારખાને બેસારશે?? ખેતી કરશે અહી ગામડામાં.. અત્યારે આ બધી જાહોજલાલી કાયમ રાખવી હોયને તો તમારા ભાઈ પરણાવે એ સારા ઠેકાણે પરણી જવાય.. પ્રેમ પ્રેમ ની જગ્યાએ હોય અને લગ્ન લગ્નની જગ્યાએ હોય નણંદબા જરા સમજો હવે.. હવે જમાનો બદલાયો છે..અને રહી વાત ઘનશ્યામની તો આ ગામમાં એના માનપાન છે એ બધા તમારા ભાઈના કારણે જ છે.. એને મેનેજર કોણે બનાવ્યો?? તમારા ભાઈએ જ ને!! કોઈને ન મળે એટલો ડબલ પગાર એને કોણ આપતું હતું?? તમારા ભાઈ જ ને!! અને વળી એણે જે કર્યું એ સમજ્યા વગર કર્યું છે.. એ બધું કરવાની જરૂર જ નહોતી.. હાથે કરીને હોંશિયારી બતાવી અને જેલમાં ગયો અને સાથોસાથ આપણા કુટુંબ પર આબરૂના ધજાગરા પણ કર્યા.. આ તો તમારા ભાઈની ઓળખાણ કામ આવી એટલે પોલીસ કેસમાં તમારું નામ નીકળી ગયું બાકી કોર્ટમાં ધક્કા ખાવા પડ્યા હોતને તો ખબર પડત..આપણે સુંવાળા માણસ કહેવાએ.. આવા ઝઘડા બધા લોક્વરણમાં હાલે આપણા ખાનદાનમાં નો હાલે નો જરા સમજો નણંદબા !! હાથે કરીને ઉઠ પાણા પગ પર નો કરાય” રમીલાભાભી વાત સાંભળતા હતાં એ બોલ્યાં.

“ માફ કરજો જેઠાણી જી પણ ધારોકે વર્ષાની જગ્યાએ તમે હો તો શું કરો?? ધારોકે દેવચંદભાઈ સાથે તમારું સગપણ થયેલું હોય અને દેવચંદ શેઠ કદાચ જેલમાં જાય અને સાત વરસ પછી પાછા આવવાના હોય તો તમે તો બીજે જ પરણી જ જાવને.. જેઠાણીબા તમે જેને સમજદારી કહો છો ને એ મારા માટે એક જાતનું હલકટપણું ગણાય.. અરે આની કરતા તો કુતરા પણ સારા કે એક રોટલાના બટકાનો ઉપકાર પૂરો કરવા એ આખી રાત ઘરની ચોકી કરે છે અને આખી જિંદગી એ ઘરનું ધ્યાન રાખવામાં કાઢે. ખેર તમારાથી નાની છું પણ આજ નહોતું બોલવું તોય મારાથી બોલાઈ ગયું. મને જવાબ આપશો જેઠાણી જી કે તમે જે વાત કરો એમાં સ્વાર્થના સબંધો સિવાય બીજું કશું છે ખરું??”

“ પણ અહી વર્ષાનો સંબંધ કયા ઘનશ્યામ સાથે થયો છે.. એ તો બને જણા એમને એમ રાસ લીલા ખેલતા હતા.. મનેય ખબર હતી એના સંબંધો વિષે..પણ મેં એને કોઈ દિવસ ટોકી નથીઅને દેરાણી તમે પણ સાંભળી લ્યો કે હું એની દુશ્મન નથી.. આતો એના હિતની વાત કરું છું.. જો આ બનાવ ન બન્યો હોત ને ઘનશ્યામ સાથે વર્ષાનો સંબંધ થયો હોત તો હું જ મારા ધણીને સમજાવત.. મને કોઈ જ વાંધો નહોતો.. લગ્નમાં અને ગામના પેલા ખેતરમાં એ બને મળતા એ બધી જ મને ખબર છે પણ હવે પરિસ્થિતિ બદલાણી છે.. એટલે એ પ્રમાણે વર્તવાનું કહું છું. કાલ્ય સવારે ગામ ઉઠીને વાતું કરે તો સાંભળવાનું તો મારે જ ને.. એકની એક હતી અને એક જેલની સજા કાપનાર કેદી સાથે પરણાવી દીધી.સમાજમાં અમારે પણ રહેવાનું હોય ને ?? આબરૂ અમારે પણ હોય ને.. તેમ છતાં મને ખબર જ છે કે આ નહિ માને અને ઘનશ્યામની જ રટ પકડી રાખશે તો ભલે ભેખડે ભરાય.. બાકી આ પ્રેમ !! આ લાગણી!! આ કાળજામાં કોતરાઈ જવું !! હૈયામાં રોપાઈ જવું એ બધું શરૂઆતમાં સારું લાગે પણ પરણ્યા પછી આ બધા માટે પૈસા જોઈએ એક જાતનું સ્ટેટ્સ જોઈએ.. એ વગર બધું જ નકામું છે.. હવે મને કહો કે ઘનશ્યામ આને કઈ રીતે સુખી રાખશે.. મોંઘા મોંઘા કપડા.. મોંઘા અતર.. અરે ગામ આખામાં કોઈની પાસે ન હોય એવા તો બેનબા શેમ્પુ અને સાબુ રાખે છે.. એનો ખર્ચ જ મહીને એટલો આવે કે ઘનો એ બધું ક્યાંથી પૂરું પાડશે એ કહો.. મારી વાત તમે બને સમજતા નથી.. કુટુંબ પર કલંક લાગે એવું જ એને કરવું છે.. હું તો કહું છું કે ઘનશ્યામને પરણવું છે ને તો ભલે પરણી જાય.. પણ અત્યારે જ પરણવું પડે એને!! બાકી આવી જુવાન છોકરીને ને સાત વરસ સુધી ઘરમાં રાખીએ ને તો ગામ વાતો ન કરે?? અમારે નીચા જોયા જેવું ન થાય..?? માની લો કે કાલ્ય સવારે ઘનશ્યામને જેલમાં જ કાઈ થઇ ગયું તો?? પછી આની હારે પરણશે કોણ??? ઉમર છાંડી ગયા પછી કોણ લઇ જશે એને?? છે. કહેવાય છે કે જુવાની છાસ જેવી હોય છે.. બગડતા વાર નથી લાગતી.. સાત વરસમાં ક્યાંક કાળી ટીલી લાગી ગઈ તો?? છે કોઈ જવાબ તમારી બે ય પાસે?? અને અમે જે સંબંધ ગોતીશું એ સાવ નાંખી દીધા જેવો તો નહીં જ હોયને.. ગામડામાં નથી દેવાની અમારે એન.. તમારા ભાઈ કહેતા હતા કે સુરત વડોદરા કે અમદાવાદમાં વર્ષા માટે સારું સુખી અને સમૃદ્ધ કુટુંબ ગોઠવવાનું છે. વર્ષા પાસે બસ એક જ મુદ્દાનો કાર્યક્રમ છે.. ઘનો!! એને એના સિવાય બીજું કશું દેખાતું જ નથી અને અમારે સમાજમાં રહેવાનું હોય .. કુટુંબના મોભી ગણાય છે તમારા જેઠ દેરાણી.. આ મોભીપણું અને મોટાઈ વારસામાં એમને એમ નો મળે એના માટે ઠરેલ બુદ્ધિ જોઈએ.. સમય પ્રમાણે ચાલવું જોઈએ.. તો જ આ ઘરની ઈજ્જત અને આબરૂ બેય વધે.. બાકી વર્ષાના કહ્યા પ્રમાણે વિચારીયેને તો આ ઘરની ખાનદાનીનું સદામુળ નીકળતા વાર ન લાગે.. આબરૂ અને મોભો મેળવતા વરસો લાગે બાકી આબરૂ પર બટ્ટો બેસાડતા ખાલી ચપટી વાગે એટલો જ સમય લાગે” વર્ષાની ભાભી બોલતા બોલતાં લાલ પીળી થઇ ગઈ હતી. અને તરત જ જોરથી વર્ષા હસી અને બોલી!!

Image Source

“આબરૂ !! ઈજ્જત!!! અને એય મારા ભાઈની અને તમારી!! ભાભી મારા ભાઈ હવે મારી સાથે બહુ ઓછું બોલે છે કારણ કે એને પણ એની ઈજ્જત અને આબરૂનો ખોટો ખ્યાલ એના મગજમાં ઘુસી ગયો હતો એ મેં કાઢી નાંખ્યો એક દિવસ એની સાથે વાત કરીને મને લાગે છે કે આજે મારે તમારા મગજમાં જે ઈજ્જત અને આબરૂનો જે ઢોંગી અને કદરૂપો ખ્યાલ છે ને કાઢવો જ પડશે.. હું આ વાત તમને કહેત નહિ પણ તમે આજે જે રીતે ખીલ્યાં છો ને એ રીતે મારે પણ આજ ખીલવું જ પડશે.. ભાભી કાન ખોલીને સાંભળી લો.. મેં જીવનમાં માત્ર ઘનાને જ પ્રેમ કર્યો છે. પ્રેમ એક એવી વસ્તુ છે ને ભાભી કે એ એક જ વખત થાય..પછી જે થાય છે ને પ્રેમના નામે લફરા થાય છે.. અને હું એવા લફરામાં માનતી નથી. તમે કહો છો એમ કદાચ જેલમાં એને કશુક થઇ જાય તો શું?? આવો વિચાર તમને જ આવી શકે ભાભી કે જેના માટે પ્રેમ એક ટાઈમપાસ સિવાય કશું જ ન હોય!! અને આ બધું છે ને દિલ અને કાળજામાં ઉગે ભાભી એ સમજી લો!! તમને એમ કે હું તમારા વિષે કશું જ નથી જાણતી તો એ તમારો વહેમ છે.. હું કોલેજમાં ગઈને ત્યારે ભાભી તમારા ગામની છોકરીઓ પણ ત્યાં ભણવા આવતી મને એણે તમારી બધી જ વાત કરી છે ભાભી.. તમે ગામમાં ઘણા સાથે પ્રેમ કર્યો..એમાં એક કાનજી તો ગાંડો પણ થઇ ગયો છે અને ગાંડાની હોસ્પીટલમાં છે!! યાદ આવે છે ભાભી એ તમારા ગામનો કાનજી કે જે તમને ભરપુર ચાહતો હતો તમે બને સાથે જીવવા મરવાના કોલ પણ એક બીજાને આપ્યાં હતા. કાનજીમાં કોઈ જ ખરાબી નહોતી ભાભી. પણ તમારા માટે એ ટાઈમ પાસ હતો જયારે કાનજી માટે તમે જીવન હતા.. બસ તમે મોટા કુટુંબ અને પૈસાની લાલચમાં મારા ભાઈ સાથે પરણ્યા અને વગર વાંકે કાનજીને ઠુકરાવ્યો ભાભી યાદ કરો. તમારા લગ્નના દિવસે જ એણે વાડીમાં જઈને કપાસમાં છાંટવાની મોનોકોટોફોસ દવા પી લીધી. આતો બાજુની વાડી વાળા જોઈ ગયા અને તરત જ દવાખાને લઇ ગયા. ઉલટી થઇ ગઈ. દવાની અસર શરીરમાંથી તો નીકળી ગઈ મનમાં રહી ગઈ.. કાળજામાં રહી ગઈ અને આજે એ કાનજી ગાંડાની હોસ્પીટલમાં છે.. જે વસ્તુ એના હાથમાં આવે ને એનાથી એ પોતાના હાથ પર નામ લખે છે અને એ નામ તમારું હોય છે ભાભી તમારું.. ગાંડાની હોસ્પિટલમાંથી એને સાંકળથી બાંધવામાં આવે છે.. એ મરવા વાંકે જીવી રહ્યો છું.. ભાભી જો નિભાવતા આવડે ને તો જ પ્રેમમાં પડાય બાકી કોઈ મા બાપના સોગંદ નથી દેતું કે કોઈની જિંદગી બગાડવા પ્રેમ કરો!! અને આ વાત મને કાનજીની નાની બહેને સુજાતાએ કરી છે. સુજાતા એ વખતે તો બહુ નાની પણ તમે કાનજી ને મળતા ક્યાં મળતાં એ બધી જ એને ખબર હતી. તમારો અને કાનજીનો એક ફોટો પણ એને મને આપ્યો હતો. મેળામાં તમે પડાવ્યો હતોને?? તમે કાનજીને બાથમાં લઈને મરક મરક હસતા હતા નહિ!! તમે લાલ ચણીયા ચોળી પહેર્યા હતા અને કાનજી એ પીળો શર્ટ!! યાદ આવ્યું સમજદાર.. ઈજજતદાર…અને આબરૂદાર મોટા મોભાવાળા ઘરની ભાભીને આ બધું તો યાદ જ હશે ને!! કે પછી ફોટો બતાવું કે તમારા જ ગામમાં તમને લઇ જઈને ગામમાં સાબિતી અપાવું!! કાનજીની બહેને જયારે મને વાત કરીને ત્યારે એ ઘણું બધું રોઈ!! એનું ઘર બરબાદ થઇ ગયું ભાભી!! તમારા ટાઈમ પાસ પ્રેમે એક કોડભર્યા યુવાનને વગર કારણે નંદવી નાંખ્યો. એના મા બાપ અકાળે વૃદ્ધ થઇ ગયા. એક કહેવાતી શોભાના ગાંઠિયા જેવી રૂપાળી છોકરી આવું કરીને ક્યાં મોઢે સમજદારીની ફાંકો રાખે છે!! હવે ભાભી તમે મને જવાબ આપો કે આ કઈ ક્ક્ષાનું હલકટપણું કહેવાય??? જો કાનજીનાના આવા જ હાલ કરવા હતા તો એને આંબા આંબલી બતાવ્યા જ શું કામ?? શા માટે તમારા શરીરની ભૂખ સંતોષવા માટે એક ઘર બરબાદ કર્યું.. તમારી પાસે આના કોઈ જ જવાબ નહિ!! અને હવે બીજી વાત!! આ વાત મારે નહોતી કરવી..પણ તમે મોઢામાં આંગળા નાંખીને મારી પાસે વાત કરાવી છે. આ વાત ગામમાં બીજે ક્યાય પણ હું કરવાની નથી.. મારા ભાઈને પણ.. એટલે મારી કોઈ બીક રાખશો નહિ. તમારો ભૂતકાળ મારે એટલા માટે યાદ દેવડાવવો પડ્યો કે બડાઈ મારવાનો હક એવાને જ હોય કે એના કારણે કોઈ બરબાદ ન થયેલું હોવું જોઈએ. રમીલા ભાભી પણ આ વાત કોઈને નહિ કહે.. અને હવે ત્રીજી વાત આજ પછી મને ક્યારેય પણ દુનિયાદારી , સમજદારી અને ઈજ્જત કે આબરૂના પાઠ ભણાવશો નહિ. હું ભલે નાની છું પણ મારી મા પાસેથી બધું જ શીખી છું.. મારા રસ્તામાં કોઈ આવતા નહિ.. હું કોઈના રસ્તામાં આવતી નથી.. પ્રેમ મારા માટે ભગવાન છે.. હું ઘનશ્યામને અધવચ્ચે ક્યારેય છોડી ન શકું.. મારી બાએ મને એટલું જ શીખવાડેલું કે જેની સાથે મન બંધાય.. જેની પર આપણે ઓળઘોળ હોઈએ એને કયારેય ગોળ ગોળ ફેરવવાના ન હોય.. ઘનશ્યામ મારા શ્વાસમાં છે અને હું એના વિશ્વાસમાં છું.. મારો શ્વાસ ભલે છૂટી જાય પણ એનું વિશ્વાસનું વહાણ હું ક્યારેય ડૂબવા નહિ દઉં!! અને સુખ સમૃદ્ધિ અને સાહ્યબી તમે કોને ગણો છો ભાભી!! તમારા આત્માને પૂછી જુઓ જો હોય તો!! અંદર ડોકિયું કરી જુઓ!! તમને તમારી જાત પર તિરસ્કાર છૂટશે!! વાત પૂરી!! તમને મારી વાત બરાબર સમજાઈ જ ગઈ હશે. હવે પછી આ ઘરમાં મારી સામે કયારેય ફિશિયારી નહિ મારવાની”

વર્ષા એકીશ્વાસે આટલું બધું બોલી ગઈ!! એની આંખમાં એક ચમક આવી ગઈ હતી. રમીલાભાભી મનમાંને મનમાં પોરસાતા હતા કે કેટલી એની ઊંડી સમજ છે. રૂપાળાની સાથે સાથે આવી સમજણ તો ભાગ્યવાન દીકરીમાં જ આવે. આજે રમીલાભાભીને વર્ષા પર ગર્વ થતો હતો. અને રમીલાની જેઠાણીનું મોઢું એકદમ રૂની પૂણી જેવું સુકાયેલું હતું. અંતર પર પડેલો એક ઘા આજે ચપ્પુ એ ચપ્પુએ વર્ષાએ ખોતર્યો હતો. એને રડવું હતું પણ દંભ એ હદ સુધી એના મનમાં છવાયેલો હતો કે એ રડી પણ નહોતી શકતી.. એના અંતરમાં ઉથલ પાથલ થઇ ગઈ હતી. એને લાગ્યું કે એ પડી જશે. એણે થાંભલીનો ટેકો લીધો..આજુબાજુ બધું જ ગોળ ગોળ ફરતું હતું..એને એનો ભૂતકાળ યાદ આવી રહ્યો હતો.. એને મન પ્રેમ એ રમત હતી પણ કપિલના મનમાં પ્રેમ એ સર્વસ્વ હતું. રમીલાભાભી છાસ લઈને જતા રહ્યા. વર્ષા પણ પોતાના રૂમમાં ગઈ અને પછી વર્ષાની ભાભી પોતાના રૂમ સુધી માંડ પહોંચી અને પલંગ પર ધબ્બ દઈને પડી.. અને આંખમાંથી એકધારા આંસુડા વહેવા લાગ્યા.. એટલા આંસુ નીકળતા હતા કે દસ જ મીનીટમાં આખું ઓશીકું પલળી ગયું હતું..!!! સરોજને પોતાનો ભૂતકાળ યાદ આવતો હતો…

એસ કે!! ગામની બાજુમાં જ આવેલ એક શિવાલયમાં દર શિવરાતનો મેળો ભરાતો હતો. મેળો ત્રણ દિવસ સુધી ચાલતો હતો. શિવાલયમાં બીલ્લીના ઘટાટોપ વ્રુક્ષો આવેલા હતા. એટલે જ એને બિલનાથ મહાદેવ કહેવાતા હતા અને મેળાને પણ બીલનાથનો મેળો એમ કહેતા હતા.. બીલીના ઝાડા થડીયા પર એસ કે કોતરાયેલું હતું.. એસ કે એટલે સરોજ અને કાનજી !! જી વર્ષાની ભાભીનું નામ સરોજ હતું. પણ મોટેભાગે એને બધા સરૂ જ કહેતાં!! નાનપણથી જ સરોજ કુદરતી રીતે જરા જુદા સ્વભાવની હતી એનામાં કૈંક અલગ જ સુંદરતા છે એવું એને નાનપણથી જ સમજાઈ ગયું હતું.. સોળ વરસની ઉમરે પહોંચતા પહોંચતા સરૂ સાવ અલગ બની ગઈ હતી. ગામના ત્રણ યુવાનો સાથે એનો પ્રણયફાગ શરુ થઇ ગયો હતો. એના શરીરની જરૂરીયાત જ કદાચ એટલી હતી કે સંતોષ જ નહોતો થતો. બે જણા સાથે તો એને લાંબા સંબંધો નહોતા, પણ કાનજી સાથે એને ઘનિષ્ઠતા બંધાઈ ગઈ હતી. બને મેળામાં ત્રણ દિવસ હાથમાં હાથ પકડીને મહાલતા. સાથે જીવવા મરવાના કોલ દેવાઈ ગયા હતા. સરોજ માટે કાનજી ફક્ત અને ફક્ત ટાઈમપાસ હતો જયારે કાનજી માટે સરોજ પોતાના પ્રાણથી પણ પ્યારી હતી. સરોજ દેખાડો કરતી પણ કાનજી માટે જે સ્થાન હોવું જોઈએ એ હતું નહિ.. પોતાના મનમાં એક અલગ જ દુનિયામાં એ રચીપચી રહેતી હતી.

બે વરસ સુધીમાં તો કાનજી સરોજ સાથેના સંબંધોમાં ઊંડો ઉતરી ગયો હતો ગામમાં એના ઘણા ભાઈબંધ કહેતા હતા.

Image Source

“ કાનજીડા અંતે તું પસ્તાવાનો છો હો… છગન મુખીની સરૂને તું ઓળખતો નથી.. તને જો વહેમ હોય કે ઈ તારું ઘર માંડશે તો તું ખાંડ ખાય છે ખાય”

“ કાનજીડા એ સરૂ એક ખીલે એવી બંધાય એવી નથી હો.. કદાચ લગ્ન થઇ જાય તારી સાથે તો પણ તારે એને સાચવવી પડશે.. આમેય ઉભા રજકામાં ઉભા ગળેલ ચરેલ ભેંશને ખીલે બંધાવું પડે એ એને ન ગમે””

“ જેવી રીતે કિરિયાને પડતો મુકીને હવે કાનજીડા પકડ્યો છે એમ કાલ સવારે તને મુકીને બીજો આશિક ગોતી લેશે ત્યારે તું ભૂંડા હાલે ભટકવાનો છે એટલે કાનજી બધું માપમાં સારું હો.. આ તો તું અમારો ભાઈબંધ છો એટલે કહું છું.. બાકી તું જાણ્ય અને તારી સરુડી જાણે અમારે કેટલા ટકા???”

ઘણા ભાઈબંધ કહેતા પણ કાનજી એ બધાને એક જ જવાબ આપતો..

“ આ બધી તમારી અદેખાઈ અને ઈર્ષ્યા બોલે છે ઈર્ષ્યા.. બાકી મને ખબર જ હોયને કે સરૂ એ સોનાના ચરુ જેવી છે મારા માટે.. તમને બધાને હજુ લવ શું કહેવાય એની તડપ એનો સ્પર્શ શું કહેવાય એ માટે તમારે બધાએ મારી પાસે શીખવા આવવું પડે.. બધાના ભાગ્યમાં સરોજ જેવી છોકરી અને એના જેવો ઉત્કટ પ્રેમ ના હોય.. તમને બધાને મારી ઈર્ષ્યા આવે છે” ભાઈબંધો વિચારતા હતા કે આ કપિલ હવે ગયો કામથી… અને થયું એવું કે..

ગગજી મુખીએ એના મોટા દીકરાના હીરાના કારખાનાના ઉદ્ઘાટન માટે આજુબાજુના ગામના હીરાના મોટા મોટા કારખાનાવાળા ને બોલાવ્યા હતા અને એમાં દેવચંદ કાનજી પણ ગયો હતો. સહુથી નાની ઉમરમાં દેવચંદ સહુથી વધુ ઘંટી ધરાવતું કારખાનું ધરાવતો હતો. બસ ગગજી મુખીના ઘરે જ બપોરે જમણવાર હતો અને સરોજ અને દેવચંદની આંખો મળી ગઈ. લખણના સરખા હોય ઈ એકબીજા તરત જ એકબીજા સાથે હળી જાય.. બસ બે જ કલાકમાં સરોજ અને દેવચંદના ઈશારા અને મનના વિચારો મળી ગયા, ગગજી મુખી સરોજ માટે મુરતિયો શોધતા હતા અને આ બાજુ દેવચંદના પિતાજીએ પણ પોતાના દેવચંદ માટે રૂપાળી અને સમૃદ્ધ ઘરની છોકરી શોધતા હતા.

અને વીસ જ દિવસમાં દેવચંદ અને સરોજના ચાંદલા વિધિ ગોઠવાઈ ગઈ. અને કાનજીને પહેલો આંચકો આવ્યો. પણ સરોજે બાજી સંભાળી લીધી. કાનજીને વિશ્વાસમાં લીધો કે ચાંદલા ભલે થયા પણ એ એની સાથે ફેરા નહિ ફરે..આપણે બને અહીંથી ભાગીને દૂર જતા રહીશું. કાનજી વિશ્વાસમાં રહ્યો અને લગ્નની તારીખ નજીક આવી ગઈ. સરોજે બહાર નીકળવાનું બંધ કરી દીધું. આ બાજુ કાનજી પાગલ જેવો થઇ ગયો. અને પછી લગ્નના દિવસે પોતાની વાડીમાં મોનોકોટોફોસ નામની કપાસમાં છાંટવાની દવા પી ગયો. બાજુની વાડીવાળા એ જોઈ ગયા અને તરત દવાખાને લઇ ગયા. કાનજીના માતા પિતા અને એની બે બહેનો બેબાકળા બની ગયા. એક બાજુ સરોજ દેવચંદને પરણીને વિદાય થતી હતી અને બીજી બાજુ કાનજી દવાખાનામાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો હતો.. બે દિવસની ટ્રીટમેન્ટ પછી કાનજી ભાનમાં આવ્યો.. પણ દવાનો પાવર મગજમાં ઘુસી ગયો હતો.. સાવ ગાંડો થઇ ગયો હતો.. ચપ્પુ ભાળે તો ચપ્પુ અને ખીલ્લી ભાળે તો ખીલી એના વડે એ પોતાના હાથમાં ખુતાડીને એસ કે લખતો અને લોહી નીકળે એટલે મંડે આજુબાજુ દોડવા.. ઘરના બધા મુંજાઈ ગયા. ઘણાએ કાનજીના બાપાને કહ્યું કે..

“ તમે ગગજી મુખી પાસે જાવ અને કહો કે તમારી છોકરીના કારણે કાનજીની આ હાલત થઇ છે. ગામ આખામાં અરેરાટી થઇ ગઈ છે. તમે કહો તો અમે સાથે આવીએ” પણ કાનજીના બાપુજી એટલું જ બોલ્યા હતા.

“જે થયું એ થયું.. મારે શું કામ બીજાની બનેલી જિંદગી બગાડવી.!! મારા દીકરાની જિંદગી બગડી તો મને કોઈ પણ હક નથી બીજા કોઈની જીદગી બગાડવાનો.. મારો નાથ સહુના લેખા લેશે..એના ચોપડે જે લખાયું હોય એમાં હું ફેરફાર કરવા વાળો.. છોકરો મારા ભાગ્યમાં નહીં હોય બીજું શું?? બસ જે થાય એ આપણે જોયે રાખવાનું..સહન થાય એટલું કરવાનું બીજું તો આપણે શું કરી શકીએ” ગામ આખામાં અરેરાટી થતી હતી. બધા સરોજ પર થૂંકતા હતા.પણ સરોજ તો ગામમાં હતી નહિ ને એ તો પરણીને દેવચંદ સાથે આબુ પર હનીમુન માટે ગઈ હતી!!

બસ પછી તો અમદાવાદ ની એક ગાંડાની હોસ્પીટલમાં કાનજીને રાખવામાં આવ્યો.. ઘણા શોક આપવામાં આવ્યા કે કદાચ એનું ગાંડપણ જતું રહે પણ ગાંડપણ માટે એવું કહેવાય છે કે વારસામાં મળેલ ગાંડપણ કદાચ જતું રહે પણ પ્રેમના દગામાં મળેલ ગાંડપણ ભવોભવ જતું નથી. દર મહીને કાનજીનો પરિવાર એને હોસ્પીટલમાં કાનજીને ને મળવા જાય છે. સાંકળે બાંધેલ કાનજીને જોઇને એના માતા પિતા અને બે બહેનો ધ્રુસકે ને ધ્રુસકે રડે છે.

Image Source

સરોજને વીસ દિવસ પછી આ વાતની ખબર પડી જયારે એ આબુ પરથી હનીમુન કરીને આવી પિયર આવી ત્યારે.. એના કાળજામાં એક આંચકો લાગ્યો. ગામમાં એને કોઈએ હસીને બોલાવી પણ નહિ અને પછી એ પિયરમાં વધારે રોકાણી પણ નહિ અને પછી લગભગ વરસ દિવસ સુધી તો એ પિયર ગઈ નહિ. ધીમે ધીમે આ અપરાધ ભાવ એ કાળજામાં ઊંડે ઊંડે દબાવતી ગઈ હતી. પણ આજ વર્ષાએ એ ઘાને બરાબર ખોતરીને પાછો બરાબરનો સજીવન કર્યો હતો. સરોજનું મન હળવું થઇ ગયું હતું. આજ એ એટલું રડી હતી કે આટલું તો એ એના લગ્નની વિદાય વખતે પણ રડી નહોતી!! એ ઉભી થઇ અને રસોડામાં આવી હાથ મો ધોઈને એ રસોઈ કરવા બેઠી!!

બપોર પછી જમીને વર્ષા રમીલાભાભીના ઘરે જવા નીકળી સાથે પેલો પત્ર પણ હતો.. હજુ સુધી એણે એ પત્ર વાંચ્યો નહોતો. એ પત્ર એ નિરાંતે વાંચવા માંગતી હતી. જીવનમાં એના કાળજા કેરા કટકા જેવા ઘના એ પ્રથમ પત્ર લખ્યો હતો..દુનિયામાં સ્ત્રી માટે સહુથી કીમતી વસ્તુ આ છે.. ઘરેણા કરતા પણ પ્રેમીએ પોતાના માટે લખેલ બે શબ્દ વાળો પ્રેમ પત્ર એ સ્ત્રીઓ માટે મોંઘી મહામુલી મૂડી ગણાય છે!!!

રમીલાભાભીના ઘરે જઈને ખાટ પર બેસીને વર્ષાએ પત્ર વાંચવાનો શરુ કર્યો.. શબ્દે શબ્દે એના અંતરના તાર હલબલી જતા હતા. પત્ર એણે બે વાર વાંચ્યો. રમીલાભાભીને પણ પત્ર વંચાવ્યો. વર્ષા પોતાના ઘનાને યાદ કરીને રડતી રહી. રમીલાભાભીએ એને આશ્વાસન આપ્યું. થોડી વાર પછી વર્ષા શાંત થઇ અને બોલી.

“ભાભી મારે ઘનશ્યામને પત્ર લખવાનો છે. એ પેરોલ પર છૂટીને આવે એટલે બધી તૈયારી કરતો આવે. બસ હવે એના ઘરમાં હું કાયદેસર રીતે જઈશ.. ઘનશ્યામ આવે એટલે અગ્નિની સાક્ષીએ હું એને પરણવાની છું.. એના ઘરમાં જ પછી હું રહીશ. મારા ભાઈ અને ભાભી માટે હવે હું ભારરૂપ છું એ ભાર હવે હું હળવો કરીશ.. ઘનશ્યામ સાથે ફેરા ફરી લઈશ અને પછી એ જેલમાંથી સજા કાપીને આવે ત્યાં સુધી હું એની રાહ જોતી એના ઘરે જ રહીશ. મારા સાસુ સસરાનો હું સહારો બનીશ. આમેય આજથી ઘણા વરસો પહેલા દીકરીના લગ્ન થયા પછી પાંચ પાંચ વરસ સુધી દીકરી માવતરના ઘરે રોકાતી ને!! પાંચ વરસ નહિ વળાવવાનો વદાડ થતો એમ હું એમ માનીશ કે લગ્ન થયા પછી હું પણ એ જ રીતે રોકાવાની છું પણ મારા ઘરે નહિ મારા સાસુના ઘરે!! મારા સાસુ અને સસરાને દીકરાનો વિરહ હું નહિ સાલવવા દઉં. બસ એના બધા જ કામ હું ઉપાડી લઈશ. ઘર સાચવી લઈશ. શરીરની ભુખ એ લગ્નજીવનની પ્રથમ શરત તો ક્યારેય નહોતી જ પણ આપણા સમાજે એને પ્રથમ શરત માની છે. બસ વિશ્વાસના શ્વાસ ઉપર જ દામ્પત્યજીવન ટકતું હોય છે.અને આવા દામ્પત્યજીવનને જ મધુરું દામ્પત્ય કહેવાય છે. બસ શરીરને પામવા કરતા એકબીજાને આત્માને પામી લેવો એજ લગ્નજીવનનો સાચો હેતુ છે. અને એ હેતુ હું નિભાવીશ. બસ આ તક મળી છે એ હું ઝડપી લઈશ.આમાં મોડું નથી કરવું. એ આવે એટલે હું એમની થઇ જઈ જઈશ. ભાઈ ભાભી સાથ આપે કે ન આપે. ગામ સાથ આપે કે ન આપે. મારે બસ મારા ઘનાનો સાથ જોઈએ છે. એનો સાથ મળી જાય પછી હું કોઈની પાસે હાથ નહિ લંબાવું” વર્ષા બોલતી ગઈ અને રમીલાભાભી એની સામું જોઈ જ રહ્યા. એણે વ્હાલથી વર્ષાને બાથમાં લીધી.

શેરીમાં રમતાં છોકરાઓ પાસેથી રમીલાભાભીએ એક કવર મંગાવ્યું અને વર્ષાએ ઘનશ્યામને પત્ર લખવાનું શરુ કર્યું!!!

*************ભાગ સાડત્રીસ પૂરો**************

ક્રમશઃ

મિત્રો, જો તમે આ નવલકથાનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી કરીને અમને આ નવલકથાનો આગળનો ભાગ મુકવા માટે પ્રોત્સાહન મળી રહે અને આ નવલકથા માટેના રીવ્યુ પણ જરૂર આપજો, આગળ શું થવાનું તે જાણવા માટે રાહ જુઓ ભાગ 38ની, જલ્દી જ આવશે.
લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ”, શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ, મુ.પો ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.