“ગાળિયો” ભાગ – 36 – હકા ભીખા અલોપ થઇ ગયો અને હવે હરજી ભીમજી આવી રહ્યો હતો!!! – વાંચો રોમાંચક નવલકથા મુકેશ સોજીત્રાની કલમે

0

જે મિત્રોને ભાગ-30, ભાગ-31, ભાગ-32, ભાગ-33, ભાગ-34, ભાગ-35 વાંચવાનો બાકી હોય તેઓ જે તે ભાગ બાકી હોય તેના પર ક્લિક કરે.

ઝાલા સાહેબ ઘનશ્યામ પરબત સામે જોઈ જ રહ્યા અને ઘનશ્યામ ભૂતકાળમાંથી પાછો આવ્યો અને ફિક્કું હસ્યો.
“ બસ કશું જ નહિ જરા વિચારમાં પડી ગયો હતો” ઘનશ્યામ બોલ્યો.

“ હા નવરાત્રી આવે ને સાથે યાદો પણ કઈ વાંધો નહિ તારા માટે ખુશ ખબર છે. તારી પેરોલની અરજી ઉપરથી મંજુર થઇ ગઈ છે.આમ તો છ માસમાં કોઈ પણ કેદીને પેરોલ પર સામાન્ય રીતે છોડે નહિ પણ તું સામાન્ય કેદી થોડો છે. તું કંઇક અલગ જ કેદી છે. બસ હવે તારી પેરોલ ક્યારે મજૂર કરવાની છે મારે નક્કી કરવાનું છે.. છ દિવસની પેરોલ પર તું છૂટીશ.. સવાર સાંજ પોલીસ સ્ટેશન પર તારે હાજરી આપવી પડશે..પણ મને તારી પર વિશ્વાસ છે એટલે બે કે ત્રણ દિવસે પોલીસ સ્ટેશન પર જઈશ તો પણ ચાલશે. અને પોલીસ સ્ટેશન વાળા પણ તને ઓળખે જ છે.. પી આઈ દવે જ તારા પોલીસ મથકના અધિકારી છે.. બોલ્ય તારે કયારેય જવું છે. એટલે એ પ્રમાણે હું આગળની કોશીસ શરુ કરું!! આર ડી ઝાલા એ કહ્યું અને ઘનશ્યામની આંખોમાં ચમક આવી ગઈ.

“ દિવાળી પર નવલગઢ જોવાની ઈચ્છા છે.. ધનતેરશ જઈશ ત્રીજના દિવસે આવતો રહીશ.. માતા પિતાને મળવાની ઈચ્છા છે.. બસ ઝાલા સાહેબ તમારો આભાર જીવનભર ક્યારેય નહીં ભૂલું…બસ આપ જેવા અધિકારીના કારણે જેલ પણ મને તો મહેલ જેવી લાગે છે.” ઘનશ્યામ ભાવાવેશમાં બોલતો હતો. આર ડી ઝાલા સાહેબે એને વાહો થપથપાવ્યો અને માથા પર હાથ ફેરવ્યો અને બોલ્યાં.

“ બસ પેરોલમાં બીજી કોઈ ઈચ્છા નથી.. ફક્ત માતા પિતા ને જ મળીશ કે તારી મનની માનેલને.. ભગવાન તારી બધી ઈચ્છા પૂરી કરે ઘનશ્યામ.. બસ હવે દિવસો ગણવા માંડ.. બહુ જલદીથી તને વતનના ઝાડવા જોવા મળશે.. તારું ગામ.. તારો સ્નેહ… આવ્યો ત્યારે એકદમ અલગ હતો સાવ છોકરડો અને છ મહિના પછી જઈ રહ્યો છે ત્યારે એકદમ ભડ ભાદર જેવો થઈને જાય છે.. આટલા વરસમાં જે તું નથી શીખ્યો એ બધું છ જ માસમાં શીખી ગયો છે.. આને કહેવાય જેલ સદી ગઈ..જેલ અને લોઢું લગભગ બહુ ઓછાને સદે અને જેને સદે એને બખ્ખા થઇ જાય બખ્ખા!!”આર ડી ઝાલા એ કહ્યું અને પછી ચાલતા થયા અને ઘનશ્યામ પરબતના મગજમાં ઉમંગ અને ચેતનાનો સંચાર થઇ ચુક્યો હતો.એની ચાલ પણ અચાનક બદલાઈ ગઈ હતી. પોતાના ઘરે જવાનો ઉમંગ અત્યારથી એની નસેનસમાં અને રગેરગમાં છવાઈ ગયો હતો.

બસ બીજે જ દિવસે ઘનશ્યામ નવરાત્રીની ઉજવણીમાં પુર જોશથી પૂરું દિલ લગાવીને લાગી ગયો… સવારમાં જ આર ડી ઝાલા સાહેબને એણે એક વિનંતી કરી.

“ સાહેબ એક કામ કરશો મારે એક કોરી ટપાલ અને એક કવર જોઈએ છે. ઘરે માતા પિતાને જાણ કરવા માંગુ છું કે ધનતેરશે આવું છું.”

“ જી કલાકમાં તને મળી જશે અને હા કવરમાં નાંખવા માટે પેલો સ્પેશ્યલ ગુલાબી રંગીન મોટો નાના દિલ ચીતરેલ કાગળ પણ જોઇશે અને ઝરી વાળી પેલી સુગંધિત ગુલાબી પેન પણ જોઇશે ને એ પણ આવી જશે” કહીને આર ડી ઝાલા મરક્યા.

જવાબમાં ઘનશ્યામે પણ આછેરું સ્મિત કર્યું. સ્મિતની આડે ઘનશ્યામના દિલમાં છવાયેલો ઉમંગ ઝાલા સાહેબ ઓળખી ગયા. બપોર સુધીમાં એક કોરી ટપાલ અને એક સરસ મજાનું પરબીડિયું (કવર) પણ આવી ગયું અને સાથે બે સ્પેશ્યલ લવ લેટર લખવાના ગુલાબી કાગળ અને બે વરસથી નવી જ નીકળેલી જરી વાળી વિલ્સનની ગુલાબી સુગંધિત પેન પણ આવી ગઈ.

તરત જ ઘનશ્યામે પોતાના ઘરે ટપાલ લખી.

Image Source

પૂજ્ય પિતાશ્રી તથા માતાશ્રી…

બસ ખુશી સાથ જણાવવાનું કે ધનતેરશ ને દિવસે હું છ દિવસ માટે આવું છું.. બસ તમારી તબિયત સારી હશે.. વાડીમાં શીંગનું ખળું લેવાઈ ગયું હશે અને ન લેવાણું હોય દેશી શીંગની અર્ધી ઓળ્ય એમને એમ રાખજો.. મારે આવીને આપણી વાડીની શીંગના ઓળા ખાવા છે અને હા કુવાની કુંડીની જમણી બાજુ વરીયાળી પન વાવેલી હશે એ પણ રાખજો સાકર અને લીલી વરીયાળીનું શરબત પીવાનું પણ બાકી હશે.. નીલકી ગાવડી કદાચ વિયાણી હશે ને.. બસ ઘર વાડી અને ગામની બહુ જ યાદ આવે છે.. મારી તબિયત એકદમ સારી છે અને હા હું ગામમાં આવું છું એની કાનોકાન કોઈને પણ ખબર ન આપતાં. કોઈ એટલે કોઈ નહિ. બસ તમારા માટે અહી શહેરમાંથી કપડાંની ત્રણ જોડ લેતો આવીશ.. અને હા મીઠાઈ પણ ખરી…

બસ તમારા ઘનશ્યામના પ્રણામ!!

સાદી ટપાલ લખી બે વાર વાંચી અને ઘનશ્યામ પોતાની કોટડી પાસે આવેલ ખેતરમાં કુવા પાસે આવેલ મશીનની ઓરડી પાસે જઈને નિરાંતે બેઠો અને ગુલાબી જરી વાળી પેનથી વર્ષાને પ્રેમ પત્ર લખવા બેઠો. આમ તો વર્ષાને ક્યારેય એણે પત્ર લખ્યો જ નહોતો કારણકે દિવસમાં ઓછામાં ઓછી ચાર વાર એની આંખો ચાર થતી હતી.આંખો અને અંતર જયારે સ્નેહની સરવાણી સાચવી લે ત્યારે પત્રોની શી જરૂર. એ જીવનનો પ્રથમ પત્ર લખી રહ્યો હતો. પત્રની શરૂઆતમાં જ એણે લખ્યું.

“રમીલાભાભી પ્રણામ આ પત્ર તમારે ગામમાં કોઈને ખબર ન પડે એમ વરસુડીને પોગાડી દેવાનો છે.. બસ રમીલાભાભી મારું આટલું કામ ચોક્કસ કરી આપશો.. બસ રમીલાભાભી હવે આગળ ન વાંચતા… હવેનું લખાણ વર્ષા માટે છે.. તો રમીલાભાભી મારું આટલું કામ કરશોને”

તમારો લાડકો દિયર ઘનુડી..” આટલું લખીને હવેનો ભાગ એ વર્ષાને લખવાનો હતો!!!

ઘનશ્યામ આ કવર વર્ષાના સરનામે નહોતો મોકલવાનો..પણ જ્યાં નવરાત્રીમાં એનું કાયમી મિલન સ્થાન હતું એ રમીલા ભાભીના સરનામે મોકલવાનો હતો. વર્ષાના સરનામે પત્ર મોકલવામા એને બીક હતી કે કદાચ વર્ષાનો ભાઈ અને એક વખતનો એનો હીરાના કારખાનાનો માલિક દેવચંદ શેઠ કદાચ વર્ષા સુધી આ પત્ર પહોંચવા ન પણ દે.. ઘનશ્યામ કોઈ જ જોખમ લેવા માંગતો નહોતો!! ઘનશ્યામે પત્ર લખવાની શરૂઆત કરી પણ મૂંઝવણમાં આવી ગયો શું લખવું અને શું ન લખવું એ તેની સમજમાં આવતું નહોતું. અત્યાર સુધી તેને આવી જરૂરિયાત જ નહોતી પડતી.. વિરહ એ દિવ્ય પ્રેમની જનની છે.. છ માસના વિરહમાં વર્ષાનું સ્થાન એના દિલમાં અડીખમ થઇ ગયું હતું. બીજું આટલો સ્નેહ હોવા છતાં એક બીજાએ હજુ સુધી આઈ લવ યુ કે પ્રેમનો એકરાર પણ નહોતો કર્યો.. જયા સ્નેહ્સાગરમાં ગળાડૂબ હોય ત્યાં શબ્દોનો એકરાર થાય કે ના થાય શું ફેર પડે છે!!! ઘણાં મનોમંથન પછી ઘનશ્યામે લખવાનું શરુ કર્યું.!!

વહાલી વરસુડી!
તારી તબિયત સારી હશે. મારી તબિયત સારી છે. હું ધનતેરશ ના દિવસે આવવાનો છું છ જમણ રોકાઈશ.. વહાલી તારી યાદ દિવસ રાત આવે છે. એવી એક પણ ઘડી નહીં હોય કે મને તારી યાદ નો આવી હોય.. રગેરગમાં અને એક એક ધબકારે તું છવાઈ ગઈ છો. તારી સાથે ગાળેલ એ સમય મને સતત યાદ આવે છે. આપણે લડતાં ઝઘડતાં અને તોય રાત્ર પડે એટલે બધો ગુસ્સો ઓગાળીને તું મારામાં છુપાઈ જતી.. છવાઈ જતી.. સમાઈ જતી.. એ બધું યાદ કરીને ઘણીવાર મારી આંખોમાંથી આંસુ વહી જાય છે..તારી રૂડી લાગણી મારા માટે મહામુલી મૂડી છ. બસ હું તને ચાહું છું સમજુ છું અને ખરા દિલથી સ્વીકારું છું.. બસ કયારે મારી સજા પૂરી થાય અને ક્યારે તું મારા ઘરના ગોળાનું પાણી ભરે એની વાટ જોઇને વખત વિતાવું છું. આજે હું તને બધી જ હિમત કરીને ઠેકીને કહું છું કે જીવનમાં કોઈ સ્ત્રીનો ઘૂંઘટ હું ખોલીશ તો એ તું જ હશે.. બસ તું નહિ મળે તો હું કોઈ જ કીમતે બીજી છોકરી સાથે લગ્ન નહીં કરું.. મારા દિલ અને દિમાગમાં તું અને એકમાત્ર તું જ છો.. તારા સિવાય આ દિલમાં કોઈને આવવા દીધી નથી અને આવવા દઈશ પણ નહિ!! આપણે એક બીજા સાથે કોઈ વચને નથી બંધાયા તોય ભવોભવની પ્રીત મારા તરફથી તો બંધાઈ જ ગઈ છે. કદાચ તારા મનમાં આટલી બધી લાગણી ન પણ હોય એવું પણ બને.. હું કોઈ બળજબરી તો નહિ કરું તારી સાથે.. બસ પેલ્લી અને છેલ્લી વાર હું તું મને હું આવું ત્યારે મને એક જવાબ આપજે. તારો જે જવાબ હશે એ મને માન્ય રહેશે!!

વહાલી વરસુડી મને બહુ લાંબુ અને સારું લખતા નથી આવડતું. વળી ભણતર પણ ઓછું.. તારું કુટુંબ પણ મારા કરતા ચડિયાતું છે. તારા મનમાં શું હશે એ હું કળી નથી શકતો. પણ હું તને ગમું છું અને તું મને ગમે છે એટલી તો મને ખબર જ છે.. હવે આને સાચો પ્રેમ કહેવાય કે એ મને ખબર નથી પણ આપણા ગામમાં જ બે ત્રણ કિસ્સા એવા બનેલા છે કે જેઓને એક બીજા વગર હાલતું નહિ એવા પ્રેમીઓ અલગ અલગ જગ્યાએ પરણી ગયા છે. એટલે તું મને પરણવાની છો કે નહિ એ વિષે હું ખુલ્લીને કશું જ કહી શકતો નથી. તને યાદ જ હશેને જેઠાબાપાની સોનલી અને જીગરીયાને કેટલો બધો પ્રેમ હતો..સાત ભવનો પ્રેમ હતો.. બેય જણા બધા મેળામાં અને તાલુકાની ટોકીઝમાં સાથે જ હોય તેમ છતાં બે ય અલગ અલગ જગ્યાએ પરણ્યા કે નહિ એવું જ ગેમા ભલાની રસલીનું અને ગોવિંદા નું થયું.. એવું જ પદમાં શેઠની મિતલીનું થયું.. માની લઈએ કે મીતલી અને ભાવલો બે યની જ્ઞાતિ અલગ અલગ હતી એટલે એના લગ્ન તો કદાચ ના થાય પણ જેંતી કરશનના રમલા અને કુંવરજીભાઈની કરુણાના તો લગ્ન થઇ શકે એમ હતા જ ને..પણ તોય બધાય બંધનો એક ઝાટકે તોડીને કરુણા બીજા ગામના લલ્લુને નો પરણી ગઈ અને રમલો પણ ટાચકા જેવી રેખાને પરણી ગયો.. હા પણ કરુણા જ્યારે સાસરીયામાંથી પિયરમાં આવે ત્યારે રમલાને તળાવની પાળે આવેલ બુધા કાનાની વાડીયે મળતા જ!! આવા બધા બનાવને કારણે મારું મન હજુ પુરા કોટામાં નથી.. જેની સાથે આપણા શ્વાસ સમાઈ ગયા હોઈ.. જેના શરીરની સુગંધ મગજ અને દિલમાં ઊંડી ઉંતરી ગઈ હોય એને અળગી કરીને લોકો ક્યાં મોઢે સાવ અજાણ્યાને પરણતા હશે એ જ મને સમજાતું નથી..

Image Source

વહાલી વરસુડી તને હું પ્રેમ કરું છું..અને પરણવા માંગુ છું.. તું પણ મને પ્રેમ કરતી જ હશે એમ મારું કાળજું કહે છે પણ તું ક્યાંક બીજે પરણીશ તો હું જીવનભર તારી સાથે અબોલા લઈશ અને તારી સામે જોઇશ પણ નહીં.. હું કાઈ ગામના રમલા , ગોવિંદા કે જીગરિયાની જેવો નાલાયક નથી કે લગ્ન થઇ જાય તો ય એ બધા એના જુના ડીંડવાણા શરુ રાખે.. એ બધાય સાવ શરમના છાંટા વગરના છે. એ કોઈને સાચો પ્રેમ હતો જ નહિ ખાલી દેહની ભૂખ હોય એમ મને લાગે છે એટલે લગ્ન પછી પણ હજુ ઓખર કરવાની ટેવ ગઈ નથી. હું તો સાવ સાફ શબ્દોમાં કહી દઉં છું કે તું જ મારો છેલ્લો અને પેલ્લો પ્રેમ છો. તારી ઈચ્છા હોય એમ થશે.. મારા જીવનમાં મારા હોઠે તારી સિવાય બીજી કોઈ પહોંચી નથી અને પહોંચશે પણ નહિ!! તું બરાબર વિચાર કરી જોજે…

છેલ્લી વાત તારા માટે વાદળી રંગની ચણીયા ચોળી લાવવાનો છું.. તારી જો હા હશે તો એ ચણીયા ચોળી હું મારા હાથે તને પહેરાવીશ અને જો તને ખાલી પ્રેમ જ હોય પણ મારી સાથે લગ્ન કરવા માંગતી ન હોય તો પછી એ તું રમીલા ભાભી પાસેથી ચણીયા ચોળી લઇ લેજે. મારી આ છેલ્લી ભેટનો સ્વીકાર કરજે..પણ મને હૈયામાં ઊંડે ઊંડે ગળા સુધી ખાતરી છે કે વરસુડી મારી જ હતી.. મારી જ છે અને ભવોભવ મારી જ રહેશે!!

બસ છેલ્લે એક બે શાયરી લખીને હું પત્ર પૂરો કરું છું..
“ બગીચામાં ફૂલ ગુલાબનો ગોટો”
“સપનામાં આવે વરસુડીનો ફોટો”

“ધરતીને બગાડે પાપી અને પાણીને બગાડે લીલ”
“ ઘનો બિચારો શું કરે જ્યાં વરસુડી બગાડે દિલ”

બસ એજ લી તારા પ્રેમનો સદાયને માટે પ્યાસી તારો જ સદાને માટે
વરસુડીનો ઘનુડી!!!

ઘનશ્યામે પત્ર પૂરો કર્યો. અંદર કવરમાં નાંખ્યો અને ગુંદર વડે કવર સીલ કર્યું. કવર પર રમીલાભાભીનું સરનામું કર્યું અને પત્ર આર ડી ઝાલા સાહેબને આપ્યો. ઝાલા સાહેબે કવર સામે જોઇને કહ્યું.

“ આમ તો જેલમાંથી જે જે પત્રો કે કવર લખાય એ તમામ હું વાંચીને જ રવાના કરું છું. પણ આ કવર કે પત્ર હું નથી વાંચવાનો “ કહીને આર ડી ઝાલાએ કવર અને પત્ર પોતાના પાકીટમાં મુક્યા. અને ઘનશ્યામ પોતાના રોજીંદા કામમાં વળગી ગયો.

*** **** ***** *****

કટીયો ઉર્ફે કનુભાઈ!! કંકુ રેસ્ટોરન્ટ પર એકલો બેઠો હતો. ઘોઘલાથી આવીને અમદાવાદમાં વસ્યો ત્યારે એણે પોતાનું નામ બદલી નાંખ્યું હતું. પોતાના નવા નામના રેશન કાર્ડ અને જરૂરી આધાર કાર્ડ મેળવી લીધા હતા. અને હવે તે કાયદેસર કનુભાઈ ના નામથી જાણીતો હતો. પોતાના ઘરની વ્યક્તિઓ અને હકા ભીખા સિવાય તેનું નામ કટીયો છે એ કોઈ જાણતું નહોતું. હકા ભીખા અમદાવાદમાં આવ્યો ત્યારથી કટિયાના મકાનમાં જ રહેતો હતો. હમણા એનું બહાર નીકળવું સલામત નહોતું. જોકે છાપા દ્વારા તેને જાણ તો થઇ જ ગઈ હતી કે હવે તે આ દુનિયામાંથી કાયદેસર રીતે મૃત્યુ પામ્યો હતો. હવે એના લુકમાં ફેરફાર કરવો જરૂરી હતો. કોડીનારથી મેળવેલ સંપતિ અને દવલે ભેગી કરેલ મામાના ખીજડા વાળી સંપતિ તેને અમદાવાદમાં રોકીને તે હવે પાકા પાયે ઠરીઠામ થવાનો હતો.

દસેક વાગ્યે કટીયો કંકુ રેસ્ટોરન્ટ પરથી ઉભો થયો.પોતાનું લીલા રંગનું બજાજ વેસ્પા લઈને એ ગાંધી રોડ આવ્યો. કટિયાના હાથમાં એક પ્લાસ્ટીકની થેલી હતી. રતનપોળ પાસે નાકાની બાજુમાં જ એક દાળ વડા વાળો ઉભો હતો એની સાથે થોડી વાતચીત કર્યા પછી એ દાળ વડા વાળાએ પોતાની દુકાન કારીગરને સોંપીને એ કટિયા ના સ્કુટર પાછળ બેસી ગયો અને સ્કુટર ઉપડ્યુ. ગાંધી રોડ ચાર રસ્તા તરફ.. ત્યાંથી સીદીક મસ્જીદ અને હરણની પોળમાં એક ગીચ અને સાંકડી શેરીમાં સ્કુટર પાર્ક કરીને કટીયો અને દાલવડા વાળો દેવેન્દ્ર બને એક બહુ જ જૂની ઢબે બંધાયેલા મકાન પાસે આવી પહોંચ્યા. બહાર બે છોકરા રમતા હતા. એમાંથી એક છોકરાને દેવેન્દ્રે કશું કહ્યું અને છોકરો તરત જ એ મકાનની સીડીઓ ચડી ગયો અને થોડી જ વારમાં એક વીસેક વરસનો યુવાન આવ્યો. એની સાથે કટીયો દેવેન્દ્ર મકાનની અંદર ગયા. બહારથી જુનવાણી લાગતું મકાન અંદરથી થોડું ભપકાદાર લાગ્યું. મકાનના બીજા માળે આવેલ છેલ્લા ઓરડામાં ત્રણેય દાખલ થયા. ત્યાં આવેલ એક સોફા પર બને બેઠા. અને થોડી જ વારમાં એક ચાલીશેક વરસની વયનો દાઢીધારી શખ્સ ત્યાં આવ્યો.

“ સલીમશા આપણે વાત થયા મુજબ પાર્ટીને લાવ્યો છું. મારા છોકરાના આ એલસી છે આ મારું રેશન કાર્ડ છે ત્યાનું.. બસ આ બધા જ ડોક્યુમેન્ટની જેમ તમારે નવા ડોક્યુમેન્ટ કરી દેવાના છે. આ તમારી ફી” કહીને દેવેન્દ્રે કટિયા પાસેથી પૈસા લઈને સલીમશા ને આપ્યા.. સલીમશા એ બધું ઝીણવટથી જોયું..

Image Source

સલીમશા ડુપ્લીકેટ વસ્તુઓ બનાવવમાં માહિર હતો..ફી તેની વધુ હતી..પણ કોઈ સરકારી ખાતાના સિક્કા કોઈ પણ સરકારી શાળાના સર્ટિફિકેટ એ આબેહુબ બનાવી દેતો.. એના એ મકાનમાં દરેક જીલ્લા વાઈઝ રબ્બર સ્ટેમ્પના કોથળા ભરેલા હતા. કોઈ પણ ગામનું કે કોઈ પણ તાલુકાના સરકારી કર્મચારીના તમામ રબ્બર સ્ટેમ્પ સલીમશા પાસેથી મળી જતા.. સલીમશા બીજા ધોરણમાં ભણતો ત્યારથી જ એ પોતાના શિક્ષકોની આબેહુબ સહીઓ કરી શકતો..એની તમામ અક્કલ નક્ક્લ કરવામાં જ વપરાતી હતી. સરકારી કચેરીના ડોક્યુમેન્ટ નહિ પણ ધારાસભ્ય અને સાંસદસભ્યોના ડુપ્લીકેટ લેટર પણ એ બનાવી આપતો હતો.પી એસ આઈ થી માંડીને ડી વાય એસપી સુધીના તમામના નકલી ઓળખપત્રો પણ એ બનાવી આપતો હતો. ડુપ્લીકેટ પાસપોર્ટ પણ એ બનાવી આપતો હતો. લગભગ એ ઘરની બહાર નીકળતો નહિ. એનું નેટવર્ક આખા અમદાવાદમાં છવાયેલું હતું. નેટવર્ક સાવ સામાન્ય હતું. અમદાવાદમાં કોર્ટની બહાર આવેલ ખાણીપીણી વાળા.. ચાની કેબીન વાળા એના એજન્ટો હતા. એ એજન્ટો કામ લઈને આવતાં. એજન્ટો સિવાયની કોઈ પણ વ્યક્તિ આ મકાનમાં આવી શક્તિ નહિ. બહુ જ સિક્રેટથી સલીમશા પોતાનો કારોબાર ચલાવતો.દેવેન્દ્ર એનો ખાસ એજન્ટ હતો. કટિયામાંથી કાનજી ના તમામ ડોકયુમેન્ટ દેવેન્દ્રેક કટિયાને બનાવી આપ્યાં હતા.

“ કલાકમાં બધું થઇ જશે..તમે શાંતિથી બેસો હમણા તમારા માટે ચા આવશે કહીને સલીમશા બાજુના રૂમમાં જતો રહ્યો. કટીયો અને દેવેન્દ્ર ત્યાં બેઠા.. સોફા પર ચક્ર્મના જુના અંકો પડ્યા હતા. બે ત્રણ રંગતરંગના પણ અંકો પણ પડ્યા હતા એના પાનાં ફેરવવા મંડ્યા.

કલાક પછી સલીમશા આવ્યો એના હાથમાં એક રેશનકાર્ડ હતું. એણે કટિયાને કહ્યું.

“ આ હરજી ભીમજીનું ઉનાનું ત્યાંથી કેન્સલ કરેલું રેશન કાર્ડ છે.. આ ત્યાના મામલતદારની સહી પણ છે ત્યાની ઓફિસનો સિક્કો છે.. આ રેશન કાર્ડ અહી સીટી મામલતદારની ઓફિસે જમા કરાવશો એટલે અહીંથી તમને નવું રેશન કાર્ડ કાયદેસર મળી જશે.. અ કામ તાત્કાલિક કરાવવું હોય તો સીટી મામલતદારની ઓફિસની સામે એક ઢોસાવાળો રહે છે તેની બાજુમાં રફીકની ચાની કીટલી છે એને તમે બસો રૂપિયા આપશો એટલે તરત જ દસ જ મિનીટ માં તમને નવું રેશન કાર્ડ મળી જશે.. બસ પછી અમદાવાદમાં આ દસ્તાવેજના આધારે તમે શાંતિથી ધંધો કરી શકશો. આ તમારી જમીનની ખાતાવહી. આ સાવ બનાવટી છે પણ એના આધારે તમે સરખેજની આસપાસ જમીન ખરીદ કરી શકશો. આ બાવળાની બાજુના એક ગામની છે. તમારે આ કામ કરવા માટે તલાટી મંત્રી કેશાજી ઠાકોર છે એને મળવું પડશે. એની સાથે મારે વાત થઇ ગઈ છે. આ જમીનની ચોપડીને આધારે તમે સરખેજ બાવળા રોડ પર કોઈ એક જમીન તાત્કાલિક ખરીદી લેશો. એ જમીન ખરીદાઈ જાય અને દસ્તાવેજ થઇ જાય એટલે આ ચોપડી તમે એ કેશાજીને આપી દેજો.. બસ પછી એ તમને બોલાવે ત્યારે દસ્તાવેજમાં સહી કરી દેજો…. તમારી જેમ ઘણાને જમીન ન હોય એને જમીન લેવી હોય તો એકમાત્ર ભાયડો તલાટી મંત્રી છે એ કેશાજી ઠાકોર એના સિવાય આ કામ કોઈ જ કરી નહિ શકે.. કેશાજી તમને કાયદેસરના માલિક બનાવી દેશે.. કેશાજીનો ભાવ વીસ હજાર રૂપિયા છે એ વહીવટ તમારે એમની સાથે બારોબાર પતાવી લેવાનો છે.. આ બને છોકરાના શાળા છોડ્યાના પ્રમાણપત્રો. અહી અમદાવાદની કોઈ શાળામાં તમને પ્રવેશ મળી જાય પણ અમુક શાળા સર્ટીફિકેટની ખરાઈ કરવા મૂળ શાળામાં મોકલે છે. એટલે એવી શાળામાં આ સર્ટીફીકેટ ન ચાલે પણ હું એનો પણ તમને રસ્તો બતાવું છું.. ચંડોળા તળાવ પાસેની એક શાળામાં તમે મારું નામ દેજો અને શાળાના આચાર્યશ્રીને આ સર્ટીફીકેટ અને બે હજાર રૂપિયા આપશો એટલે એ બે બાળકો ત્યાં દાખલ થઇ જશે.. ત્યાં દાખલ જ કરવાના છે ભણવા નથી મુકવાના.. બસ પછી વાર્ષિક પરીક્ષા પછી ત્યાં બીજા બે હજાર આપશો એટલે તમારા છોકરાનું એલ સી પણ નીકળી જશે.. વગર પરીક્ષાએ તમે માંગો એટલા ટકા એ લોકો પ્રાથમિક શાળામાં એક થી સાત ધોરણમાં આપે છે. પછી એ શાળાનું એલ સી આખા અમદાવાદમાં ગમે ત્યાં ચાલે અને પછી કોઈ જ માથાકૂટ નહિ રહે!!”

સલીમશા એ બધી જ વિગતો વિસ્તારપૂર્વક શીખવી દીધી હતી. ત્યાંથી ચા પીને દેવેન્દ્ર અને કટિયા એ રજા લીધી.
હકા ભીખાના હાથમાં પોતાનું રેશન કાર્ડ આવી ગયું હતું.
હકા ભીખાનું નવું નામ રેશન કાર્ડ હરજી ભીમજી હતું..!!

જ્ઞાતિ પણ ફરી ગઈ હતી… એ હવે પટેલ હતા…
દવલનું નામ હવે દેવકી હતું.. દેવકી હરજી પટેલ!!

બને સંતાનોના એલ સીમા પણ નામ હતા કેવલ અને દેવેન!! બને સંતાનોના નામમાં દવલ ના નામનો ઈશારો આવી જતો હતો!! બસ નવા નામે નવો દાવ!! નવા દાવે નવી ઘોડી!! હકા ભીખા અલોપ થઇ ગયો અને હવે હરજી ભીમજી આવી રહ્યો હતો!!!

પછીના બે દિવસમાં જ કટિયા એ રેશન કાર્ડ વાળું કામ પતાવી દીધું.. જૂનું બનાવતી રેશન કાર્ડ એણે તાલુકા મામલતદાર ઓફિસમાં જમા કરાવીને કાયદેસરનું નવું રેશન કાર્ડ હરજી ભીમજીના નામનું આવી ગયું હતું. રેસીડેન્ટ પૃફમાં કટિયા ઉર્ફે કનુભાઈના ઘરનું સરનામું હતું.. જમીનની ચોપડી લઈને હકો અને કટીયો કેશાજી ઠાકોરને મળ્યાં.. વાતચીત થઇ..સરખેજ ગાંધીનગર હાઈવે પર એક બે એકર જમીન અને એ પણ રોડ ટચ હરજી ભીમજીએ ઉર્ફે હકા ભીખાએ ખરીદી લીધી. હરજી ભીમજી અમદાવાદમાં ઘણી પ્રતિષ્ઠા કમાવાનો હતો કારણ કે એની નામ પાછળ હવે હરજી ભીમજી પટેલ લખાઈ ગયું હતું!!!

*** **** ***** *****

“ જેઠાણીજી છાસ આપશો થોડી.. આજ છાસ સવારમાં કરી હતી પણ મેં રસોડું ખુલ્લું રાખ્યું હતું.. અને મારી હાળી મીંદડી માળિયા પર ચડી હશે ઉંદર પકડવા અને ઉંદર છટકીને પડ્યો છાસના દોણામાં એટલે છાસની આખી દોણી બગડી ગઈ તમને અને તમારા દિયરને છાસ વગર નો હાલે એ તો તમને ખબર જ છે ને.. “ વર્ષાના ઘરે રમીલા છાસ લેવા આવી હતી. અને છાસ માંગવાનું કારણ પણ આબાદ રીતે ઉપજાવી કાઢ્યું હતું. વર્ષા હજુ નાહીને પરવારી હતી. વાળ હજુ એના ભીના હતા.. રમીલાભાભીએ જોયું કે છ મહિનામાં વર્ષા લગભગ સુકાઈને સાવ સાંઠીકા જેવી થઇ ગઈ હતી. વર્ષાની ભાભી છાસ દેવા માટે રસોડામાં ગઈ કે તરત જ વર્ષા પાસે જઈને રમીલાભાભીએ એને ઘનાનું આવેલ કવર આપ્યું અને કહ્યું.

Image Source

“ આલે ઘનાનું કવર છે.. ટપાલી કાલ સાંજે દઈ ગયો હતો.. વાંચી લે જે અને એમાં એક ખુશ ખબર છે.. બપોરે ભરત ભરવાના બહાને ઘરે આવજે.. અને કોઈને ન કહેતી કે ઘનો દિવાળી ઉપર આંટો મારવા છ જમણ માટે આવવાનો છે.. બપોરે ઘરે આવજે આપણે બધી વાતો કરી લઈશું”

કવરના સ્પર્શથી વર્ષાનું કૃશકાય શરીર જાણે ફરીથી ભરાવદાર થઇ ગયું હોય એવું વાતાવરણ થઇ ગયું. કવરને પોતાના છાતીમાં સંતાડીને વર્ષાને ને એવું લાગ્યું કે કવર જ નથી આવ્યું પણ પોતાનો આખેઆખો ઘનો પાછો આવી ગયો છે. તેના શ્વાસોશ્વાસ તેજ ચાલવા લાગ્યા. ઉંચી નીચી થતી છાતીમાં સંતાડેલું કવર વાંચવા માટે વર્ષા ઉત્સુક હતી.

રમીલાભાભીનો હાથ પકડી લીધો અને પછી પોતાની જાત પર એ કાબુ ન રાખી શકી અને રમીલાભાભીને બાથ ભીડીને એની આંખમાંથી શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યો. રમીલા જાણતી હતી કે આ ખુશીના આંસુ હતા. બને સહિયરો એક બીજાને ભેટી પડી હતી. અને રમીલાની જેઠાની હાથમાં છાસની બરણી લઈને ઓશરીની કોરે ઉભા હતા!!!

*************ભાગ છત્રીસ પૂરો**************

ક્રમશઃ

મિત્રો, જો તમે આ નવલકથાનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી કરીને અમને આ નવલકથાનો આગળનો ભાગ મુકવા માટે પ્રોત્સાહન મળી રહે અને આ નવલકથા માટેના રીવ્યુ પણ જરૂર આપજો, આગળ શું થવાનું તે જાણવા માટે રાહ જુઓ ભાગ 35ની, જલ્દી જ આવશે.
લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ”, શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ, મુ.પો ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.