“ગાળિયો” ભાગ – 35 – પોલીસના હાથે એ કિશન પકડાશે.. અને પછી એનું મોઢું ખુલ્યું તો… – વાંચો રોમાંચક નવલકથા મુકેશ સોજીત્રાની કલમે

0

તળશી ઘરમાં ઓશરીની કોરે થાંભલીને ટેકે માથું રાખીને એકદમ નીમાણો થઈને બેઠો હતો. સજુભાએ અને બીજાએ આશ્વાસન આપ્યું એમ તળશી પોક મુકીને રોયો. સહુ સ્તબ્ધ બની ગયા હતા. જે સંપતિ અને જાહોજલાલી હતી એ થોડા જ સમયમાં ખતમ થઇ ગઈ હતી. પડે છે ત્યારે સઘળું પડે છે એ વાક્ય ફરીવાર એના માટે બ્રહ્મવાક્ય સાબિત થઇ રહ્યું હતું. લોકોનું ટોળું ઘરમાં અને ઘરની બાજુમાં આવેલી એની દુકાનની આસપાસ ભેગું થઇ રહ્યું હતું. લોકો આશ્વાસન આપતાં હતા કે હૈયા વરાળ કાઢતા હતા એ જ સમજાતું નહોતું.

“ અરરર કેવી રૂડી અને ભગતની દીકરી લાગતી હતી બાઈ નહિ પણ એ આવી કાળમુખી હશે એ તો ખબર જ નહિ..આવું રજવાડું એને કિશનો થોડું આપી દેવાનો છે.. બાઈએ ભાગીને મોટી ભૂલ કરી છે.” એક કમરેથી વાંકા વળી ગયેલા ડોશી બોલતા હતા.

“ આ જ કળજગ બાકી કળજગ માથે શીંગડા થોડા હોય.. આવો ધણી ઉભે ઉભો મુકીને પારકા હારે નાસી જવામાં બાઈને સહેજ પણ શરમ નો આવી.. રામ રામ.. ભલેને ભાગ્યા પણ કોઈ દિવસ સુખેથી રોટલો ખાઈ નહિ શકે.. એ રુવે રુવે જીવડા ન પડે તો મને ફટ કહેજો” બજર દેતાં દેતા ઓતી ડોશી બોલ્યાં.

“મૂળ વાંક આ તળશીનો પણ ખરો કે નહિ.. બાઈ ગમે તેટલી રૂપાળી હોય એને માથે ચડાવાય જ નહિ. એ તો ધોકે પાંસરી કરોને તો જ મંગાળે મશ વળે બાકી આ બધા ફતંગદિવાળીયા કહેવાય એય બગડે ને બીજાને ય બગાડે.. હું તો પેલેથી જ કહેતી હતી કે બાઈના આંખ અને કાન જુદા છે આ કોક દી તળશી ભાઈના ઢેબરા અભડાવી દેવાની છે..પૂછો આ ઝકલને હજુ પંદર જમણ મોર્ય જ મેં રેશનીંગની દુકાને વાત નોતી કરી. અને કિશનો પણ કાઈ ઓછી માયા નથી જેણે રોટલો આપ્યો..ઓટલો આપ્યો ત્યાંજ સંડાસ કરી ગયો… બાઈ ગમે એવી હોય પણ કીશ્લા એ તળશી ની સામું જોવું તું.. આ તો સાવ છેલ્લી પાટલીએ જઈ બેઠો.. જે થવાનું હતું એ થઇ ગયું..હવે રોયે ઓછો પાર આવવાનો છે.. આ તો સારું હતું કે એને છોકરું છૈયું તો હતું નહિ બાકી આવી નકામ તો છોકરા રેઢા મુકીને ભાગી જાય..પછી એ છોકરા સાચવવા કે ધણીને કામધંધો સાચવવો. ભગવાનમાં પણ બુદ્ધિ હોય જ ને.. એ સાવ આવી છેલ્લી કોલેટીને ત્યાં છોકરા ન જ આપે ને.. તળશી ભાઈ તું રોમા.. તને બીજી એક નહિ એકવીસ મળી રહેશે. હવે ભલો થઈને છાનો રે.. આવિયું તો આવે ને જાય… એ ઓલ્યા ભવનું લેણું લેવા આવી હશે ભમરાળી” મફતિયા પરાનો આખો કોશ કહેવાતા ભીખી ડોશી બોલ્યાં. માણસો ધીમે ધીમે વધતા જતા હતા. અને સજુભાનો મગજ ધગી ગયો એણે એક હાંકલો કર્યો એટલે ફળીમાંથી ટોળું નીકળ્યું બહાર અને તરત જ સજુભાએ ઘરની ડેલી જ બંધ કરી દીધી.

“ હવે રોયે પાર ન આવે ભેરુ.. હાલ્યા રાખે..આપણે ફરીથી મહેનત કરવાની.. આપણે અફસોસ ન કરાય.. અફસોસ એને કરાય કે જેને બાપ દાદામાં વારસો મળ્યો હોય.. અને જતો રહ્યો હોય.. આપણી બેય પાસે શું હતું આજથી વીસ વરસ પહેલા.. કશું જ નહિ.. જે રીતે બીજાનું મેળવ્યું એ ધન આખરે બીજાનું જ થઇ ગયુંને.. આપણે એક વાતની મજા લેવાની કે આટલા વરસો આનંદથી કપાઈ ગયા કે નહિ.. બાકી જીવનમાં તડકી છાંયડી આવ્યા જ કરે નેળ્ય ના ગાડાં થોડા જ નેળ્યમાં રહે..જીવનમાં એક પાઠ તારે શીખવાનો કે ભરોસો કોઈ દિવસ કરવો નહિ. આમાં જાગતા રહેવું પડે. આપણે કાઈ કાળી મજુરી કે હાડ તોડી નાંખતી મહેનત કરીને તો કમાણી નો તી કરીને?? એવું હોય તો અફસોસ થાય..” સજુભાએ વ્યવહારિક વાત કરી.

Image Source

સજુભાની વાત નાંખી દીધા જેવી તો નહોતી. વીસ વરસ પહેલા તળશી ખાલી હાથે આવ્યો હતો. બસ સ્ટેન્ડ પાસે ભગા પુંજાની જલારામ ટી સ્ટોલ પર કપ રકાબી ઉટકવાનો ધંધો કરતો હતો. આખો દિવસ સતત કામ કરે. સવારમાં ૧૦૦ ગ્રામ ગાંઠીયા નો નાસ્તો અને બે ટાણાનું ભોજન મળતું. રાત્રે ભગા પુંજાની ચાની હોટલે ખુલ્લા બાંકડામાં એક ફાટેલ ગોદડું અને કલર વગરની શાલ ઓઢીને સુઈ રહેવાનું. બાકી મહીને ૧૦૦ રૂપિયા પગાર આવતો હતો. આઠેક મહિના પછી નસીબ આગળનું પાંદડું ખસ્યું અને બાજુમાં જ આવેલ એક રાવતદાન ગઢવી સાથે ભાઈબંધી થઇ. રાવતદાન ને ઓપન એર થીયેટર હતું. દિવસે ચાની કેબીન અને રાત્રે સાડા આઠ વાગ્યે ઓપન એર થીયેટરના ગેટ ઉપર ઉભું રહેવાની જે ફિલ્મ જોવા આવે એની પાસે ટિકિટ માંગવાની અને ટીકીટના અડધીયા ભેગા કરવાના અને પછી ફિલ્મ જોતા જોતા થીયેટરમાં સુઈ જવાનું. અને પછી રાવતદાન ભાઈના છૂટક છૂટક કામ કરવા લાગ્યો. ઉઘરાણી પતાવવી.. દારૂની ડીલીવરી કરવી.. ગેરકાયદેસર રીતે નદીના પટમાંથી રેતીના ટ્રેકટર ભરીને બીજી જગ્યાએ પહોંચાડવાના.. તળશી ધીમે ધીમે જામતો ગયો અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં રાવત ભાઈ ઉભા રહ્યા અને જીતી પણ ગયાં. તળશીએ ચૂંટણી માં જીવ રેડી દીધેલો. હવે એ રાવતદાન ગઢવીનો ડાબો હાથ કહેવાયો.પછી તો રાવતદાન ગઢવી જીલ્લા પંચાયતના પ્રમુખ પણ બન્યા. મફતિયા પરામાં સરકારી મકાન બન્યાં એ મકાન કોને આપવા એ બધું તળશીએ નક્કી કરવાનું હતું.પછી તો એ દક્ષાને પરણ્યો અને બરાબરની ગાડી પાટે ચડી ગઈ. આ દરમ્યાન એને સજુભાનો ભેટો થઇ ગયો હતો. સજુભા હતા તો સામી પાર્ટીના માણસ પણ રાત પડે એટલે બનેને ભેગા થયા વિના નો ચાલે. અને પછીની જીલ્લા પંચાયતની ચૂંટણીમાં સજુભાના કહેવાથી કોઈને પણ ખબર ન પડે એમ તળશીએ રાવતભાઈ ગઢવીને હરાવ્યા. માથે રહીને હરાવ્યા. છેક સુધી ખબર ન પડી. અને પાર્ટીમાં રાવતદાન ની જગ્યા એણે લીધી.અને પછી મફતિયા પરામાં તમામ પ્રકારના અનૈતિક ધંધા એણે સજુભાને ભાગીદાર રાખીને શરુ કરેલા. અને પછી ગાડી ટોપ ગિયરમાં પડી એ પડી અને આજે ગાડીનો એ ટોપ ગીયર જ નીકળી ગયો હતો. ગુસ્સાથી તળશી હવે ફાટફાટ થતો હતો.

“ કિશન અને એ હલકટને હું મુકીશ જ નહિ. દુનિયાના પાતાળમાંથી હું ગોતી કાઢીશ. ચારે બાજુ પોલીસ દોડાવીશ અને એ બનેને પકડીને અહીંજ આ ઘરમાં લાવીશ” તળશી હવે ગુસ્સાથી ધગધગતો હતો.

અને સજુભા એ બે હાથે તાળીઓ પાડીને વ્યંગમાં બોલ્યા..

“ સરસ… સરસ… પોલીસના હાથે એ કિશન પકડાશે.. અને પછી એનું મોઢું ખુલ્યું તો… આ ટેમ્પા વાળું પ્રકરણ પોલીસ પાસે ગયું તો.. ચોથીયાની હત્યામાં તું સામેલ હતો એ કિશન ને ખબર છે.. એ બધું પોલીસ પાસે ગયું તો.. હવે તારી પાસે પૈસા પણ નથી એટલે પૈસો એક એવો જાદુઈ ચિરાગ છે કે પોલીસનું મોઢું બંધ કરી શકે પણ હવે તારી પાસે એ પણ નથી. વિચાર કરી લેજે આ બધાનો અને પછી કિશન ને ગોતવા નીકળજે.. ક્યાંક ઉલમાંથી ચુલમાં પડી નો જવાય એનો પણ ખ્યાલ રાખવો પડશે.. અત્યારે તારું મગજ ઠેકાણે નથી. વિચાર કર શાંતિથી એકાદ બે મહિના ચુપચાપ મારી વાડીએ પડ્યો રહે. આપણે ફરીથી ધીમે ધીમે ધંધો શરુ કરીશું અને બે ત્રણ વરસ પછી તારે કિશનને જ્યાંથી શોધવો હોય હું તારી ભેળો આવીશ પણ અત્યારે મોઢા પર પટ્ટી મારી દે.. અંદર જે ગુસ્સો છે એ અંદર જ દબાવી દે..એમાં જ તારી ભલાઈ છે.” સજુભા એ આટલું કહ્યું અને તળશી શાંત પડી ગયો. સજુભાની વાત સાથે એ સહમત થઇ ગયો!!

***** ***** ******* *******

આ બાજુ જેલમાં બધું જ રાબેતા મુજબ ચાલતું હતું. જેલની જમીનમાં ખેતીનો પાક લહેરાઈ રહ્યો હતો. ઘનશ્યામની અને બીજા ત્રણ કેદીઓની મહેનત રંગ લાવી હતી. કેદીઓને જેલમાં ઉગેલું શાક જ ખાવા મળતું હતું. વળી જેલમાં જ ઉગતું એટલે શાક વધારે પ્રમાણમાં વાટકામાં આવતું હતું. આ ઘટના બન્યા પછી ઘનશ્યામ પરબતનો ચહેરો પડી ગયો હતો. ધીમે ધીમે એ રાગે આવી રહ્યો હતો. પણ તોય પહેલા જોવો કોટો કે કોળ્ય એની વાતમાં કે એની ચાલમાં જોવા મળતી નહોતી. દિવસમાં ઘણી વાર એને હકા ભીખાની યાદ આવી જતી હતી. પઠાણને અર ડી ઝાલા સાહેબે ચોખ્ખી સુચના આપી હતી કે તારે કોઈ કામ સબબ ઘનશ્યામ પરબત જે બાજુ હોય એ બાજુ જવું જ નહિ.

“મિત્રતા અને સંબંધ માટે ઘણી વ્યક્તિઓ બહુ ગંભીર હોય છે. સમાજમાં રહેલ માણસને ક્ષણીક ગુસ્સો આવે તો એ દબાવી રાખે છે કારણ કે અપરાધ કરવાથી એના મનમાં જેલમાં જવાનો કાલ્પનિક ભય રહેલો છે. પણ જે ઓલરેડી જેલમાં જ છે એ લોકો ગુસ્સો આવે તો નથી દબાવતા કારણકે એને જેલની કોઈ બીક નથી માટે હમણા હમણા તું ઘનશ્યામ પરબતથી સલામત અંતર રાખજે” આર ડી ઝાલા એ કહ્યું અને પઠાણે એમાં હોંકારો ભર્યો. અને જ્યારથી ઝાલા સાહેબે એને ત્રણ લાખ રૂપિયા આપ્યા હતા ત્યારથી પઠાણ ઝાલા સાહેબને વધારે ને વધારે માનવા લાગ્યો હતો અને કદાચ એણે ઈશ્વર પાસે એવું પણ માંગેલું હોય તો પણ નવાઈ નહિ કે આગલા જન્મમાં પણ મને આર ડી ઝાલા સાહેબ જેવો જેલર આપજો.

Image Source

સમય ફટાફટ સરી જતો હતો. નવરાત્રી આવી ગઈ. દર વરસની જેમ નવરાત્રીની ઉજવણી જેલના વિશાળ કમ્પાઉન્ડમાં કરવામાં આવતી હતી. લીમડાના બે ઝાડ પાસે પથ્થરની પે છીપર હતી ત્યાં એક ખુરશી પર માતાજીની મૂર્તિ પધરાવીને બધા કેદીઓ જેને જેમ આવે એમ આડા અવળા હાથ હલાવીને ગરબા લેતા અને લીમડાને ગોળ ગોળ ઘૂમતા. નવરાત્રીની આગલા દિવસે ઘનાને આર ડી ઝાલાએ કહ્યું કે.

“ નવરાત્રીની તૈયારી તારે કરવાની છે. ઓફિસની બાજુના રૂમમાં આવેલ ત્રણ ખોખામાં સીરીઝ છે લીમડાના ઝાડની ઉપર લગાવવાની છે. આપણે દર વરસે અહી જેલમાં જ નવરાત્રી ઉજવીએ છીએ”

“જી” ઘનાએ જવાબ આપ્યો અને તરત જ બે ત્રણ કેદીઓની મદદથી એણે સીરીઝ લીમડાની ડાળીઓમાં ગોઠવી દીધી. પાવરના છેડા પણ વ્યવસ્થિત કરી લીધા અને રાત પડી એટલે સીરીઝનું ટેસ્ટીંગ પણ કરી લીધું. બને લીમડાના ઝાડ પર ગોઠવાયેલી રંગ બેરંગી નાના ઝીરોની લબુક ઝબુક થતી સીરીઝ એક અલગ જ પ્રકારનું વાતાવરણ ઉભું કરતી હતી. ઝાલા સાહેબ ઘનશ્યામની ગોઠવણીથી ખુશ થયા હતા. સીરીઝ તરફ ઘનશ્યામ જોઈ રહ્યો હતો. અચાનક જ એને નવલગઢની નવરાત્રી યાદ આવી ગઈ.. અને એમાં પણ છેલ્લી ત્રણ નવરાત્રી તો એને યાદગાર બની ગઈ હતી. સીરીઝ સામે એકીટસે જોઈ રહેલ ઘનશ્યામ પરબત એના ભૂતકાળમાં સરી પડ્યો અને ગઈ નવરાત્રીમાં માણેલ જીવનના સહુથી મોઠા સમયને યાદ કરીને વાગોળવા લાગ્યો.

નવલગઢમાં નવરાત્રીનો લગભગ તમામ ખર્ચ દેવચંદ શેઠ જ આપતાં. શરૂઆતમાં રામજી મંદિર પાસે ઉજવાતી નવરાત્રી હવે જગ્યાની સંકડાશ પડવાને લીધે ગામના ચોકમાંથી દેવચંદ શેઠના રામજીમંદિર થી થોડે દૂર દેવચંદ શેઠના ખાલી પડેલ વંડામાં ઉજવવામાં આવતી હતી. માતાજીની વિશાળ ગરબી પણ ચાર વરસ પહેલા સંખેડાથી તૈયાર લાવ્યા હતા. વળી શિહોર થી દેવચંદ શેઠ અસલી પીતળ અને સ્ટીલના એમ બે પ્રકારના દાંડિયા મંગાવ્યા હતા. મોંઘા ગણાતા દરેક દાંડિયાની એક એક સાઈડ મલમલનું ફૂમતું હતું. અસલી તાંબા પીતળના દાંડિયા રાસ લેતી વખતે એક મધુરો અવાજ ઉત્પન્ન થતો હતો. અને એના કારણે આજુબાજુના ગામડાઓમાં નવલગઢની નવરાત્રી વખણાતી હતી.

વંડામાં સાત વાગ્યે ગરબી પધરાવી દેવામાં આવતી. અને નાના છોકરાઓ જેવા આવડા એવા ગરબા શરુ કરી દેતા. તાલુકામાંથી નવ દિવસ સુધી માઈક અને સાઉન્ડનું બુકિંગ થઇ જતું. છેલ્લાં ચાર વરસથી ખોડલ સાઉન્ડ જ નવલગઢમાં આવતું. મોટા મોટા સ્ટીરીયા ભૂંગળા અને નેશનલ પાનાસોનિક ૫૪૧૦નું ટેપ લઈને ખોડલ સાઉન્ડનો માલિક રમણીક ટાળ્ય આવી જતો હતો. એનો ઉતારો દેવચંદ શેઠના ઘરે જ રહેતો. રાતે અસલ એચ એમ વી રેકર્ડ પર ગરબા વગાડે અને હવે નવા જમાના પ્રમાણે ટેપ રેકોર્ડર પર પણ કેસેટમાંથી ગરબા વગાડે. નેશનલ પાનાસોનીક ૫૪૧૦ ટેપ રેકોર્ડર જોવા માટે માણસો ટોળે વળતાં. માણસો ભાળીને રમણીક ટાળ્ય ફૂલ એટલે ફૂલ ફોર્મમાં આવી જતો.

“ આમ તો આહુજાના ભૂંગળા આગળ આ ટેપ ફેપ નું પપુડુંય નો આવે પણ આ ૫૪૧૦ આહુજાને આંટી જશે એમ લાગે છે.. આ અસલી ટેપ છે બાકીના બધા રેડીયા.. આમાં સોની ની ઓરીજનલ જ કેસેટ ચાલે.. સોનીની કેસેટ બજારમાં કોરી લેવા જાવ ને તો પણ ડેબો તોડી નાંખે એવી મોંઘી આવે.. પણ વાગે એટલે આહુજાનો બાપ એવો સાઉન્ડ આ ટેપમાં આવે.. વળી આ ટેપમાં ત્રણ ઇકો આવે.. વળી બીજા ટેપ બે કેસેટ વગાડે ત્યાં મંડે ધુમાડા કાઢવા.. ગરમ થઇ જાય ગરમ.. પણ આ ૫૪૧૦ સવાર સુધી ધબ્ધ્બાવો તમે થાકી જાવ પણ ટેપ તો વાગ્યા જ કરશે.. બાકીના ટેપ હવે ભાળ્યાં કેસેટ ચાવી જાય કેસેટ..આમાં કેસેટ એવી રીતે ચાલે જેમ કે માખણમાં છરી ચાલે.. બાકી વસ્તુ મોંઘી ખરી પણ બનાવી જાણી હો” સાચું ખોટું રમણીક ઠપકાર્ય જાય અને પોતેજ પોતાના કામને પાનો ચડાવતો જાય.

સાડા આઠે દેવચંદ શેઠ ગરબીમાં દેખાય.. થોડું આડા અવળું આમ તેમ જોઈને ઘનશ્યામને બોલાવે. ઘનશ્યામ થોડે દૂર એની હારથના છોકરાઓ સાથે ઉભો ઉભો વાતો કરતો હોય. દેવચંદ શેઠ ઘનશ્યામ ને કહે!!

“ જા તો વાંઢાની દુકાનેથી મારા ૧૩૫ ના ચાર પાર્સલ લેતો આવ્ય અને તારા માટે પણ જે ખાવું હોય ઈ લેતો આવજે” એમ કહીને એ ઘનશ્યામને ૧૦૦ ની નોટ અંબાવે. એ વખતે હીરાનો શેઠિયો કારીગરને કોઈ વસ્તુ લેવા મોકલે તો વધેલ પૈસા લગભગ કારીગર જ રાખે શેઠ તો નોટ આપીને છુટા થઇ જાય જે રકમ વધે એ કારીગરની ગણાય. ઘનશ્યામ વજુ વાંઢાની દુકાને જાય. કાળો કાળો વાન અને મોટી માણ પર નાનકડું બુજારું ગોઠવ્યું હોય એવો વજુ વાંઢો દુકાને મોજથી બેઠો હોય. ગામ આખામાં પોણા ભાગની ઘરાકી વજુ વાંઢાને ત્યાં હોય.. અસલી સોપારી અને કલકતી સાદું તમને તાલુકામાં જોવા ન મળે પણ વજુ વાંઢાને ત્યાં એ જોવા મળે.. ત્યાં જઈને ઘનશ્યામ એટલું જ બોલે.

“શેઠના ચાર પાર્સલ.. આપણું કાચી દેશી કીમામ બે પાર્સલ અને બે આપણા સ્પેશયલ પાન” અને તરત જ વજુ વાંઢો ઘનશ્યામ કહે એ પ્રમાણે બધું પાર્સલ કરી દે.. સ્પેશ્યલ પાન એ વરસુડી માટે જ હોય.. પણ વજુ કોઈનો વહીવટ કોઈને ન કહે.. બાકી આખા ગામમાં કઈ ભાભી કે કઈ છોડી કોના હાથનું કેવું પાન ખાય છે એ વજુ વાંઢાને ખબર જ હતી. ગામ આખાનો વહીવટ અને પ્રેમનો ડેટા એ એકલો સાચવીને બેઠો હતો. પણ બધું જ પેટમાં.. કોઈનો વહીવટ એ કયારેય બહાર પાડતો નહિ.. એટલે જ ગામની પોણા ભાગની ઘરાકી એ સાચવીને બેઠો હતો.

Image Source

અને પછી ઘનો દેવચંદ શેઠના માવા લઈને આવે અને શેઠ એને સામેના ઘરેથી પાણી ભરી લાવવાનું કહે. એ ઘર દેવચંદ શેઠના કાકા દાદા ના ભાયુંનું જ હતું.. અને ત્યાં હોય રમીલા ભાભી.. રમીલા ભાભી ગામ આખામાં એની લટકતી ચાલ અને ખુલ્લી જીભ થી પ્રખ્યાત.. ગામની છોકરીઓ રમીલા ભાભીને ઘેરી જ વળે પણ નવરાત્રીના નવ દિવસ દરમ્યાન સાંજે છ વાગ્યાથી કોઈને નહીં આવવાનું.. ઘરે રમીલાનો ઘરવાળો જનક કદાચ હોય કે ન હોય.. જનક પણ મોટે ભાગે દેવચંદ શેઠની બાજુમાં જ બેઠો હોય.. વર્ષા સાત વાગ્યાની રમીલા ભાભીના ઘરે હોય અને તૈયાર થતી હોય. ઘનશ્યામ દેવચંદ શેઠ માટે પાણીના કળશ્યા ભરવા જાય કે તરત જ તૈયાર થયેલી વરસુડી ની આંખો ચમકી ઉઠે . રમીલા ભાભી પણ બોલે.

“ ઘનિયા તું ખરો ભાગ્યશાળી છો હો ભાઈ અને બહેનની સેવા કરવાનો મોકો તને મળે છે..” અને હસીને એ ઘડીક ઉભી રહે અને પછી રમીલા ભાભી તરત જ બોલે..

“હું ડેલે ઉભી રહું બે મિનીટ કાંતુ અત્યારે આ રસ્તે નીકળવાની હતી અને મેં મારા માટે એક વસ્તુ મંગાવી હતી. જો નીકળે તો હું વસ્તુ લેતી આવું.. વરસુડી તું તૈયાર થઇ જા ફટાફટ” કહીને રમીલા ભાભી ડેલે જતા રહે.. કોઈ કરતા કોઈ નીકળવાનું ન હોય પણ ઘનશ્યામ અને વર્ષાને ચાર પાંચ મીનીટનું એકાંત મળી જાય અને ખુલી ડેલીમાં કોઈ આવે તો ખ્યાલ રહે એ શુભ હેતુ જ રમીલા ભાભીનો હતો. એટલે જ ગામ આખાની છોકરીયોનું આ મિલન સ્થાન હતું.. ગામની ઘણી ખરી છોકરીઓ કહેતી રમીલા ભાભી નીચે તૈયાર થઇ હોય એ ક્યાય પાછી ન પડે અને ગમે તેવું સાસરિયું મળે એ બધાના દિલ જીતી જ લે!! તૈયાર થવાનું કહીને રમીલા ભાભી ડેલીએ ગયા હોય પણ અને વરસુંડી તો તૈયાર જ હોય ને.. જેવા રમીલા ભાભી ડેલા પાસે પહોંચે કે તરત જ એ પાણીયારા પાસે આવેલ રસોડામાં જ ઘનશ્યામને ખેંચી જ લે.. ઘનશ્યામ ગોળામાંથી પાણી ભરતો હોય.. કળશયામાં અને ઘણી વાર કલ્શ્યા પણ હાથમાંથી પાડી દે તેવા આવેગ થી વર્સુડી રસોડામાં ખેંચી જાય!!

જેવો ઘનશ્યામ રસોડામાં જાય કે તરત જ વરસુડી એને બાહોમાં સમાવી લે.. તસતસતી જુવાની અને એમાં વર્ષાનો અનરાધાર શુદ્ધ દિલનો સ્નેહ ભળે એટલે જાણે કે શેત્રુંજીમાં ગાગડિયો ભળ્યો!! બે ય એકબીજાના હોઠમાં ખોવાઈ જાય!! એક બીજાના ગાલમાં અને એક બીજાના ભાલમાં ખોવાઈ જાય અને ઘનશ્યામને વર્ષાના ઉર પ્રદેશમાંથી આવતી સુગંધ ખુબ જ ગમતી.. એકદમ લાલાશ ધરાવતા વર્ષાના હોઠ એને ઝાકળના મીઠા અને સુગંધિત ટીપા જેવા લાગતા.. પાંચેક મિનીટ સુધી બને પ્રેમી પંખીડાઓ આવી રીતે એક બીજામાં એકાકાર થઈને એક બીજામાં મનભરીને ઓગળતા.. પીગળતા અને વ્હાલપના વરસાદમાં છેક સુધી ધોધમાર ભીંજાતા.

બસ પછી રમીલા ભાભી નો ડેલી બંધ કરવાનો મોટો આવાજ આવે એટલે બને એક બીજાથી અળગા થઇ જતા.. ઘનશ્યામ સ્પેશ્યલ પાન વરસુડીના મોઢામાં મૂકી દે અને બીજું પાન રમીલા ભાભીને આપે. અને પછી શરમાતો શરમાતો પાણીના કળશ્યા લઈને દેવચંદ શેઠ પાસે જાય.. બસ આવું ને આવું નવે નવ દિવસ ચાલે. પછી ગામની છોકરીઓ ગરબા લે દાંડિયા રાસ લે.. ઘનશ્યામ ના બાંહોમાં મળેલ સુખથી વર્ષાની જુવાની ગરબા અને દાંડિયા રાસમાં કાઈ ઓર જ ખીલી ઉઠતી. એની દેહ ભંગીમાં અને કાયાના કમનીય વળાંકો અને ઉન્નત લીલેરા ઢોળાવ પર ગામ આખાના જુવાનિયાની જુવાની પણ લાજી મરતી હતી. છોકરીઓના દાંડિયા રાસ પુરા થાય કે તરત વર્ષા રમીલા ભાભીને ત્યાં પાણી પીવા જાય અને હવે છોકરાઓને દાંડિયા રાસ લેવાના હોય છે એટલે ઘનશ્યામ દેવચંદ શેઠને પૂછે.

“ શેઠ પાણી પીવું હોય તો ભરતો આવું “ અને શેઠ કોઈ દિવસ ના ન પડે!! અને ઘનશ્યામ ઉતાવળે પગલે રમીલા ભાભીની ડેલીમાં સરકી જાય..પરસેવાથી ચણીયા ચોળી પલળી ગઈ હોય અને ઊંડા ઊંડા સ્વાસ લઈને હાંફતી વર્ષા ઘનશ્યામના સ્વાગત માટે ઉભી જ હોય અને બને જણા એક બીજાને જળોની જેમ વળગી પડે.. વર્ષાની સુગંધ માણતો ઘનશ્યામ બેય કાનની બુટ પાસે વર્ષાને બટકું પણ જતો અને જવાબમાં વર્ષા ઘનશ્યામના બરડામાં નખથી ઉજરડા કરી કરી નાખતી.. વળી એકાદ બે મિનીટ રસાળ હોઠ અને ગળાનું રસપાન કરીને બને દિલના દર્દીઓ અને પ્રેમી ચાતક પંખીડા કાલે મળવાનો વાયદો કરીને છુટા પડતાં. હૈયામાં હરખથી ભરપુર અને સ્નેહના સથવારે બનેની આંખોમાં બને માટે અકથ્ય પ્રેમની લાગણીઓ ઉભરાતી હતી!!

“ ક્યાં ખોવાઈ ગયો ઘના” અને ઘનશ્યામ પરબત પોતાના ભૂતકાળમાંથી પાછો આવ્યો એણે સામે જોયું તો આર ડી ઝાલા સાહેબ ઉભા હતા.. સામેના લીંબડા પર ગોઠવેલ સીરીઝ લબુક ઝબુક થતી હતી.

*************ભાગ પાંત્રીસ પૂરો**************

ક્રમશઃ

મિત્રો, જો તમે આ નવલકથાનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી કરીને અમને આ નવલકથાનો આગળનો ભાગ મુકવા માટે પ્રોત્સાહન મળી રહે અને આ નવલકથા માટેના રીવ્યુ પણ જરૂર આપજો, આગળ શું થવાનું તે જાણવા માટે રાહ જુઓ ભાગ 36ની, જલ્દી જ આવશે.
લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ”, શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ, મુ.પો ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.