“ગાળિયો” ભાગ – 34 – કાયદેસરની કમાણી બે વાર ગણવાની હોય.. ગેરકાયદેસરની કમાણી ગણવાની ન હોય એ દુનિયાનો નિયમ છે – વાંચો રોમાંચક નવલકથા મુકેશ સોજીત્રાની કલમે

0

જે મિત્રોને ભાગ-1, ભાગ-2, ભાગ-3, ભાગ-4, ભાગ-5, ભાગ-6, ભાગ-7, ભાગ-8, ભાગ-9, ભાગ-10, ભાગ-11, ભાગ-12, ભાગ-13, ભાગ-14, ભાગ-15, ભાગ-16, ભાગ-17, ભાગ-18, ભાગ-19, ભાગ-20, ભાગ-21, ભાગ-22, ભાગ-23, ભાગ-24, ભાગ-25, ભાગ-26, ભાગ-27 ભાગ-28, ભાગ-29, ભાગ-30, ભાગ-31, ભાગ-32, ભાગ-33 વાંચવાનો બાકી હોય તેઓ જે તે ભાગ બાકી હોય તેના પર ક્લિક કરે.

મફતિયાપરાથી ઝાલા સાહેબની જીપ આગળ ચાલી અને કિશન ખુબ જ મોટી ચિંતામાં પડી ગયો હતો એ ઝાલા સાહેબે જોયું. એણે વાતાવરણ થોડું હળવું કરવા કહ્યું.

“ કિશન બાકી તું ભાગ્ય લઈને જન્મ્યો છો હો તારી તો દસેય આંગળીયો ઘીમાં છે હો બાકી કિસ્મત તો તારા હો બાકી અમારા જીવનમાં તારી જેવો જોશ નહિ હો. મજા આવે છે ને જિંદગી જીવવાની. આગળ મને રસ્તો બતાવજે આપણે પેલી ટાંકી પાસે ઉભા રહીએ. હું એવું ઈચ્છું કે પોલીસ અને વકીલ આગળ બધું જ સાચું બોલી જવું જોઈએ. મારી આગળ પણ તું સાચું જ બોલીશ.” કહીને આર ડી ઝાલા સાહેબે આગળ પાણીની મોટી ટાંકી આગળ ગાડી ઉભી રાખી અને ટાંકી ના છાયંડામાં એ બહાર નીકળ્યા અને કિશન પણ આજ્ઞાંકિત બનીને એની પાછળ દોરવાયો. કિશન મૂંઝાઈ ગયો હતો. શું થઇ રહ્યું છે એ એની સમજમાં નહોતું આવતું. આર ડી ઝાલા બોલ્યાં.

“ સવાલ નંબર એક ડિસોઝા પાસેથી કામ કરવાના કેટલા પૈસા લીધા?”
“ ત્રણ લાખ નો વહીવટ હતો એ મને ખબર છે બાકી ખબર નથી” કિશન બોલ્યો.

“ લાશ હતી એ હકા ભીખાની જ હતી એ સાચું છે??” આર ડી ઝાલા એ બીજો સવાલ પૂછ્યો.
“ એની જ હોય ને બીજા કોની હોય. લાશ પર કેદીના કપડાં જ હતાને તો લાશ પણ એની જ હોય” કિશન બોલ્યો.

“ ડિસોઝા ક્યાં છે?? એનું કોઈ એડ્રેસ તારી પાસે છે મુંબઈનું? ” આર ડી ઝાલાએ ત્રીજો સવાલ કર્યો.

“ ના એની કોઈ ખબર નથી. હું તમને સાચું કહીશ જે કહીશ જેલના ખૂણે આવેલ ચાની કેબીન પરથી હું ડિસોઝાને લઈને ગોડાઉને ગયો હતો. પછી સાંજના પાંચ વાગ્યે હકા ભીખા જેલમાંથી ભાગે ત્યારે મારે એને ડિસોઝા પાસે લઇ જવાનો હતો અને ત્યાંથી એ બનેને મારે અમદાવાદ પહોંચાડવાના હતા. મારું કામ ફક્ત આટલું જ હતું. પણ એવું થયું નહિ.એનાથી સાવ અવળું થયું. હું જ આમાં સલવાઈ ગયો. જેવો હું ગ્રોફેડના ગોડાઉને પહોંચ્યો કે થોડી જ વારમાં એક રૂપાળી સ્ત્રી પાણી ભરવા આવી અને કીધું કે એના હસબંડ રોડ પર ઉભા છે અને તરસ પણ બહુ જ લાગી છે અને ગાડીના આગળના ભાગમાં પાણીની પણ જરૂર છે. એ સ્ત્રીની વાતમાં હું આવી ગયો એ જ મારી મોટી ભૂલ!! મેં હા પાડી અને સ્ત્રી ગોડાઉનનું પગથીયું ચડીને એ અંદર આવી અને અચાનક જ મને કૈંક સ્પ્રે જેવું સુંઘાડયુ અને હું બેભાન થઇ ગયો. બસ પછી ભાનમાં આવ્યો ત્યારે રાત પડી ચુકી હતી. હું જીપમાં ડ્રાઈવિંગ સીટ પર હતો. બાજુમાં હકા ભીખાની બળી ગયેલ લાશ હતી હું ગભરાયો. પેલી રૂપાળી કે ડીસોઝાનો કયાંય પતો નહોતો. હું તરત ગભરાઈ ગયો અને જીપ ચલાવી ગ્રાઉન્ડમાં અર્ધે પહોંચ્યો ત્યાં જ મને ખ્યાલ આવ્યો કે આ લાશ ને લઈને હું શહેરમાં થોડો જઈ શકું ?? પછી મેં ચાલુ જીપે જ લાશ ફગાવીને સીધો તળશીના ઘરે ગયો અને ત્યાંથી વાડીએ ગયો અને જે બન્યું હતું એ વાત કરી દીધી. નક્કી પેલી બાઈ અને ડિસોઝા એ જ હકા ભીખાને મારીને હાથ અને મોઢું બાળી દીધું હોય. બાકી તો ત્યાં બીજું કોઈ હતું જ નહિ. એને મારવા માટે જ ડિસોઝા એ હકા ભીખાને જેલમાંથી કઢાવ્યો હોય બીજું શું હોય!! જે ખબર હતી એ બધું સાચું તમને કહી દીધું સાહેબ ” કિશન બોલ્યો.આર ડી ઝાલાને એના શબ્દોમાં કોઈ જ બનાવટ નહોતી દેખાતી.

“ હમ્મ્મ્મ દ્ક્ષા ના સોગંદ ખાઈને બોલે છે” ઝાલા સાહેબ હવે રમતે ચડ્યા હતા.

“ જી એના સોગંદ ખાઈને કહું છું.. પણ સાહેબ તમને હાથ જોડું છું મારા અને દક્ષાના સંબંધ વિશે તળશી ભાઈને કાઈ જ ના કહેતા એને મારા પર પૂરો ભરોસો છે. સાહેબ તમને આટલું કહેવાનું છે બસ બીજું કશું જ નહિ” કિશનની આંખમાં ઝળઝળિયાં આવવાની તૈયારી થઇ ચુકી હતી.

Image Source

“ બહુ ભરોસો છે ને તળશીને તારી માથે..પણ આ તો ભરોસાની ભેંશે પાડો જણ્યો કહેવાય એવું નથી લાગતું તને” આટલું કહીને આર ડી ઝાલા એ વિલ્સ નેવી કટ સળગાવી. અને એની એક સટ મારીને ધુમાડો કિશનના મોઢા પર ફેંકતા કહ્યું.

“ સાહેબ હવે તમે બધું જ જાણો છો એટલે કહી જ દઉં છું. જે છે એ બધું દક્ષાની સહમતીથી જ થયું છે. તળશીમાં ખામી છે અને એ સતત હિજરાયા કરતી. ટૂંકમાં તળશી માણસમાં નથી એવું નથી પણ એને સ્ત્રીઓમાં રસ જ નથી પડતો. મફતિયાપરામાં બે પુરુષ છે એની સાથે એને સંબંધ છે. બાઈ બીજું કરે પણ શું?? સંપતિ છે ઘણી બધી પણ એની કામનાનું શું?? તળશીએ દક્ષાનું જીવતર બગાડ્યું છે. એમનું દુઃખ મારાથી જોયું ન ગયું. સમાજની દ્રષ્ટીએ આ કદાચ આડો સંબંધ ગણાય પણ મારી દ્રષ્ટીએ આ એક સીધો સંબંધ છે કારણ કે તળશીએ દક્ષાને છેતરી છે. એને ખબર જ હતી ખેતર ખેડવાની એની તેવડ જ નથી તો પછી ખેતર લેવાય જ શું કામ?? એને ખબર જ હતી કે આવી લીલીછમ ફળદ્રુપ વાડીમાં એનાથી ખેતી થઇ શકે એમ જ નહોતી તો પછી એણે આંબા આંબલી બતાવીને વાડીનો માલિક શું કામ બન્યો. પછી વાડી ભાગિયા નો વાવે તો કોણ વાવે એ તમે મને કહો સાહેબ?? મારી જગ્યાએ તમે હો તો શું કરો. એક હિજરાતી નારી કે જેની સાથે દગો થયો છે એના કોડ પુરા કરવામાં હું કોઈ પાપ અનુભવતો નથી. દક્ષા મને કેટલાય દિવસ થી કહે છે કે ચાલ જતા રહીએ પણ હું એને ના પાડતો હતો સાહેબ. સારા ઘરમાં સચવાયેલી દુઃખી ન થાય એ માટે હું થોડી થોડી સંપતી એકઠી કરતો હતો સાહેબ. એ સમાજની નજરમાં પરણેલી છે સાહેબ બાકી તો એનું અંતર જાણે છે કે એની શી દશા છે સાહેબ. બીજી હોય તો જતી રહે બીજા જ દિવસે પણ આ ટકી ગઈ છે મારા સહારે. મને એણે ઘણી વાર કીધું કે છાસ અને રોટલો મળી રહે તોય ઘણું પણ આમને આમ જિંદગી કેમ જાય??” કિશન બોલતો હતો આર ડી ઝાલા ની વિલ્સ સળગતી બંધ થઇ ગઈ એ વિચારવા લાગ્યા કે સમાજમાં કેવી કેવી વિડંબના હોય છે.

“ જવું જ હોય તો આ મોકો છે કિશન.. તારી વાતમાં સચ્ચાઈનો રણકો દેખાય છે મને.. ચાલ તું મને અહીંથી રસ્તો ચીંધી દે અને પછી તું જઈ શકે છે. જો બે કલાકમાં તૈયારી કરી શકતો હોય તો થઇ જા ભડવીર… તું તારા મનની માનેલીને લઈને અહીંથી અમદાવાદ જતો રહે આજને આજ. ત્યાંથી જયપુરની ટ્રેન પકડી લે જે. કોઈને ખબર પણ નહીં પડે અને તળશીની હવે તાકાત નહિ બચે કે તને એ શોધી શકે. લાંબો વિચાર ન કર્ય કલાક પછી અમદાવાદ જવાની છેલ્લી એક્સપ્રેસ ઉપડશે. હું તળશી અને સજુભા સાથે ત્રણેક કલાક સત્સંગ કરવાનો છું અને એટલી વારમાં તું અને દ્ક્ષા દૂર પહોંચી જશો. ઘરમાં જે કઈ હોય એ લઈને નીકળી જા. ધર્મના કામમાં ઢીલ ન કરાય. દગાબાઝ સાથે દગો કરવામાં વાંધો નહિ કિશન” આર ડી ઝાલા બોલતા હતા અને કિશનની આંખમાં આંસુ આવ્યાં અને એ આર ડી ઝાલાને પગે લાગ્યો. રીતસરના પગ જ પકડી લીધા. ઝાલા સાહેબે એને બાથમાં લીધો અને તરત જ કિશન મફતિયાપરા તરફ દોડવા લાગ્યો. ઝાલા સાહેબ એને જતો જોઈ રહ્યા હતા. કિશન કલાકમાં જ આ શહેર છોડીને દ્ક્ષા સાથે અમદાવાદ જવા નીકળી જશે એની એને ચોક્કસ ખાતરી હતી. આર ડી ઝાલા એ બીજી સિગારેટ સળગાવી અને પાંચ મિનીટ સુધી વિચારતા વિચારતા ઉભા રહ્યા અને પછી જીપમાં બેઠા અને કિશને ચિંધેલ રસ્તા પર આગળ વધ્યા વીસ મિનીટ પછી કિશને કહ્યા પ્રમાણે એક વાડીમાં આઠ દસ મકાન દેખાયા અને સજુભા અને ત્યાં આગળ એક ગેઇટ દેખાયો. ત્યાં જીપ ઉભી રાખી અને ગેઇટ પર ચોકીદાર ઉભો હતો આર ડી ઝાલા કશું પૂછે એ પહેલા જ ચોકીદાર બોલ્યો.

“ સજુભા આઠ દિવસથી બહારગામ ગયા છે સાહેબ” આર ડી ઝાલા કશું બોલ્યા નહિ. એણે જીપ રીવર્સમાં લીધી અને પછી એક દમ ટોપમાં પાડી અને લાકડાના પાટિયા સાથે ભટકાડી અને તરત જ એ ભાગેલા લાકડાના ગેટ પરથી જીપ પુરપાટ દોડાવી બે ય બાજુ નાળીયેરીના વ્રુક્ષો હતા અને ડમરી ઉડાડતી જીપ જ્યાં સજુભા અને તળશી બેઠા બેઠા સુવાણ કરતા હતા એ સોફાઓ પાસે આવી ગઈ. આંબાના બે પડખે પડખે ઝાડ હતા અને નીચે સજુભા એ સુવાણ આદરી હતી.આગળ બે નકામાં ટાયર ઉપરા ઉપરી મુકીને એની પર તૂટી ગયેલા ગાડાના બે પાટિયા મુક્યા હતા. એ પાટિયા પર કાપેલ ડુંગળી અને ટામેટા હતાએક થાળીમાં અને બાજુમાં જ ઓલ્ડ મોન્કની એક અર્ધી બોટલ હતી. તળશી અને સજુભાના હાથમાં અર્ધા ભરેલા ગ્લાસ હતા એ અચાનક જ ધ્રુજવા લાગ્યા હતા. ઝાલા સાહેબ વંટોળની જેમ જ ત્યાં ધસી ગયા. બાજુમાં એક મોટી લાકડાની ખુરશી હતી તે ખેંચીને બેસી ગયા.પોતાની કમર પર રાખેલ રિવોલ્વર બાઈટીંગ રાખેલ પાટિયા પર મુકીને એ રિવોલ્વર ગોળ ગોળ ફેરવી અને પોતાના બેય પગ લાંબા કરીને પાટિયા પર રાખ્યા અને બોલ્યા.

“ સજુભા એક બીજો ગ્લાસ મંગાવો. ઘણા દિવસે આપણે મળ્યા મારું સ્વાગત નહિ કરો” પણ તળશી અને સજુભા તો જાણે પથ્થરના પુતળા બની ગયા હોય એમ થીજી જ ગયા હતા. થોડી વાર પછી એણે બુમ પાડી.

“ કાન્તીયા એક ગ્લાસ લાવજે મેમાન માટે” જયારે તળશી તો અ બધું ફાટી આંખે જોઈ રહ્યો હતો. કાન્તીયો ગ્લાસ લાવ્યો અને ઝાલા સાહેબ બોલ્યા.

“ તળશી એક પેગ બનાવ એકદમ નોર્મલ.. વાહ વાડીની આ મજા.. કુદરતના ખોળે બેસીને ઢીંચવાની સાલી મજા જ કઈ ઓર હોય છે.. કેમ બોલ્યા નહીં બાપુ વાત સાચી કે ખોટી”

Image Source

“ ઝાલા સાહેબ વાત તો તમારી સાચી..” કહીને એણે લગભગ ગ્લાસ ખાલી કરી દીધો. તળશીએ પણ જેમ તેમ ગ્લાસ ખાલી કર્યો.પણ એનો સ્વાદ બેસ્વાદ બની ગયો હતો. ચડી ગયેલો શરાબ અચાનક જ સાવ ઉતરી ગયો હતો એમ લાગ્યું. તળશીને તો એક બગાસું આવી ગયું. કે તરત જ વિલ્સનું પાકીટ આર ડી ઝાલા એ તળશીને અંબાવ્યું અને બોલ્યા.

“ જેમ મંદિરે જઈએ અને ભગવાનના દર્શન કરીને પછી મંદિરના ઓટલા પર પાંચ મિનીટ બેસવાથી કહેવાય છે કે ડબલ પુણ્ય મળે એમ પીતા પીતા વચ્ચે ધુમાડાના ગોટા ઉડાડાવાથી જ એટલું પુણ્ય મળે છે. તમે બને જણા સિગારેટ ચકાવો અને એ પણ મોજથી.” આટલું કહીને આર ડી ઝાલાએ એક લાંબો ઘૂંટ ભર્યો અને મોઢું કટાણું કરીને બોલ્યાં.

“ સાલું સ્પીરીટીયુ લાગે છે..અસલ નથી આ અસલ નથી.. પણ હું તો મેહમાન કહેવાવને.. આપણે તો યજમાન રાજી રહે એમ રહેવાનું ને..સ્પીરીટીયુ તો સ્પીરીટીયું પણ ચાલે.. ખાવા પીવામાં કયારેય ચગલાઈ નો કરવી એમ મારા ભા કહેતા હતા.. એટલે આપણને તો આ પણ હાલશે પણ એક વાત કહું તમે બને જેલમાં આવો જેલમાં અસલી કોને કહેવાય એ તમને ચખાડું હો..એકદમ કાચ જેવું ચોખ્ખું અને નીચલા કોઠા સુધી શેરડો પહોંચે એવો માલ આપણી પાસે છે પણ એ માટે જેલમાં આવવું પડે!! આજ હું તમારો મહેમાન કાલ કદાચ તમે મારા મહેમાન થાવ અને એ પણ જેલમાં..સમય સમય બળવાન છે ભાઈ સમય સમય” કહીને આર ડી ઝાલાએ બીજો ઘૂંટ ભર્યો અને સજુભા અને તળશી તો કાપો તોય લોહી ન નીકળે એવા થઇ ગયા એકદમ ઘનચક્કર જેવા લાગતા હતા.

થોડીવાર પછી ઝાલા સાહેબ બોલ્યા.

“ હવે મૂળ મુદ્દા પર આવું છું.. જોકે તમને વાત સમજાઈ ગઈ જ હશે… પણ હું રહ્યો જેલર એટલે પોલીસનું કામ હું કરવા નથી આવ્યો.. હું તો મારા કામે આવ્યો છું.. એટલે સજુભા અને તળશી તમે બેય શાંતિથી સાંભળી લ્યો…પછી સારી વાત તમારી… તમે ડિસોઝા પાસેથી જે પૈસા લીધા છે એ મારે જોઈએ છે.. આમ તો મારેય નથી જોઈતા પણ તમારા કારણે પેલો પઠાણ સલવાઈ ગયો છે એના માટે જોઈએ છે. અને તમારે કયા ઘરના આપવાના છે કે મહેનત મજુરીના આપવાના છે તે તમને બળ પડે.. તમે ડિસોઝા પાસેથી પડાવ્યા.. હું તમારી પાસેથી પડાવી લઉં એટલે હિસાબ સરભર.. તમે દેવ દેરા મુકીને આ હનુમાનની હડફેટે ચડ્યા છો એનો મને વાંધો છે. બાકી મારે હકીકત એક એકચ્યુલી આમ છે તેમ છે એવા ખુલાસાય નથી સંભાળવા.. એ ટેમ્પો ક્યાં ગયો?? એમાંથી તમે અપહરણ કરેલા ચાર જણા કયા ગયા?? તમારા સાગરીતોએ ટેમ્પાનું શું કર્યું એમાં પણ મને રસ નથી. મને તો તમને મળેલ રકમ મળી જાય એમાં રસ છે. હું જીભનો પાકો છું એ સજુભા તમને તો ખબર જ છે. એ રકમ મળે એટલે આપણી તરફથી કેસ ક્લોઝ!! મને મળે એ રકમ એટલે કેસ અત્યારે જ ખતમ!! આવું છે તળશી.. આવું છે સજુભા!! હવે ક્યાં સુધી મારે એકલાયે બોલવું તમે તો બોલો.. મોઢામાં મગ ભર્યા છે કે શું…” આટલું બોલીને આર ડી ઝાલાએ પોતાનો ગ્લાસ ખાલી કર્યો. અને સજુભા બોલ્યાં.

“ એ આપી દઈએ પછી અમને આ બાબતમાં કોઈ ક્યારેય કોઈ પૂછશે નહિ એની ખાતરી તો તમે આપો છો ને??” જવાબમાં આર ડી ઝાલા બોલ્યા.

“ દરબાર થઈને દરબાર પર ભરોસો નથી સજુભા.. મેં એક વાર કહ્યુંને કે મને તમે શું કર્યું એમાં રસ નથી.. બાકી હું ધારું તો તમે જેલમાંથી કયારેય બહાર ન નીકળો એવા પુરાવા છે મારી પાસે.. તમે ટેમ્પો ક્યાંથી હાઈજેક કર્યો.. કઈ રીતે હકા ભીખાને ભગાડ્યો.. અને પછી તો હકા ભીખાને પતાવવાનો આરોપ પણ તમારી પર જ આવે ને.. ૪૨૦ ના કેઈસની સાથોસાથ ૩૦૨ પણ લાગે અને આમાં તો જેલમાંથી કેદી ભગાડવો એ ગુન્હો એટલે રાજ્યદ્રોહની કલમ પણ લાગે.. પોલીસ ધારે તો ઘણું બધું લગાવી શકે..પણ એ પોલીસનું કામ છે. હું પોલીસને કશું જ કહેવા જવાનો નથી એ વાતની હૈયે ધરપત રાખો. તમ તમારે તમારા ધંધા શરુ રાખો મને વાંધો નથી. મારી ફરજમાં જેલ આવે છે અને તમે ત્યાં હાથ માર્યોને એનું મને દુખ છે એટલે તમને આ દંડ કરવામાં આવે છે અને આમ તો આ ઓછો દંડ છે. તમને ત્રણ લાખ મળ્યાને એટલે આમ તો છ લાખ દંડ કરવો જોઈએ પણ જવા દો તમે જાયું ભાયું કહેવાવ એટલે ત્રણ જ રાખીએ. બાકી આંગડીયા દ્વારા એ રકમ આવી છે એના પણ પ્રૂફ તો છે જ એટલે જ કહું છું કે જિંદગીભર સલવાવું ન હોય તો મેં કીધું એ કરો. બાકી તમારી મરજી” કહીને આર ડી ઝાલા એ વળી સિગારેટ સળગાવી.

“ એ રકમ તમને મળી જશે.. : સજુભા બોલ્યા અને તળશીએ માથું હલાવ્યું.

“ મળી જશે નહિ અત્યારે જ મળવી જોઈએ પછી જ હું જઈશ.. બોલો સોદો મંજુર હોય તો.. તમારે પૈસા વાડીયેથી કાઢવાના છે ને.. બીજાને બે નંબરના ધંધા કરવા માટે સજુભા વાડીયેથી જ પૈસા આપતો હોય એને ક્યાય બીજે ગોતવા જવાના ન હોય.. આટલામાં સમજી જાવ” આર ડી ઝાલા આટલું બોલ્યા ત્યાં જ સજુભા બોલ્યા.

“ કાન્તીયા અહી આવ્ય તો” અને કાન્તીયો તરત જ આવ્યો અને સજુભાએ એના કાનમાં દૂર જઈને કહ્યું. કાન્તીયો ગયો અને અર્ધી કલાકમાં પાછો આવ્યો એના હાથમાં એક ખાતરની ખાલી કરેલ કોથળી હતી એમાં ત્રણ લાખ હતા. એ કોથળી સજુભાએ આર ડી ઝાલાને આપી અને કહ્યું.

“ સાહેબ ગણી જુઓ પુરા ત્રણ લાખ છે”

Image Source

“ કાયદેસરની કમાણી બે વાર ગણવાની હોય.. ગેરકાયદેસરની કમાણી ગણવાની ન હોય એ દુનિયાનો નિયમ છે” કહીને આર ડી ઝાલાએ કોથળી જીપમાં આગળ મૂકી અને વળી પાછા બેઠા.. ઘણી બધી સુવાણ કરી.સજુભા અને તળશી ની માથેથી મોટો ભાર ઉતરી ગયો હતો.આર ડી ઝાલા પર એને વિશ્વાસ હતો કે એ કહે કે આ કેસ ક્લોઝ એટલે પછી એ ક્લોઝ જ હોય!!!

પુરા ત્રણ કલાક પછી ઝાલા સાહેબની જીપ રવાના થઇ.તળશી અને સજુભાએ ફરી વાર આવવાનું કહ્યું અને ઝાલા સાહેબે હસીને જીપ મારી મૂકી. મફતિયા પરા પાસેથી જીપ એણે ગઢવી વાળી શેરીમાં લીધી. એ શેરીમાં છેલ્લું મકાન જેલકર્મી પઠાણનું હતું. મકાનનો દરવાજો ખટખટાવ્યો અને પઠાણ બારો આવ્યો કે તરત જ ઝાલા સાહેબે એને જીપમાં બેસવાનું કહ્યું. પઠાણ એ મકાનમાં ભાડે રહેતો હતો. આર ડી ઝાલા સાહેબની જીપ ઉપડી અને થોડે દૂર એક શીતળા માતાનું મંદિર હતું ત્યાં ઉભી રહી. જીપમાં જ પેલી કોથળી ઝાલા સાહેબે પઠાણને આપી અને બોલ્યા.

“ ત્રણ લાખ પુરા છે. ડિસોઝા એ તળશી અને સજુભાને આપ્યા હતા એ પૈસા હું લઇ આવ્યો છું. અત્યારે તો તું સસ્પેન્ડ છો એટલે અર્ધો પગાર આવશે. એકાદ વરસ પછી વળી તારું સસ્પેન્શન પાછું ખેંચાશે ત્યાં સુધી આ રકમ કામ લાગશે.. પણ એક વાત કહું પઠાણ કોઈ કામમાં ક્યારેય સમજ્યા વિચાર્યા વગર ન પડાય. હું ભણતો હતો ત્યારે એક વાત ભણવામાં આવતી. “કરતા હોય ઈ કીજીયે અવર ન કીજીયે કગ નહિતર માથું રહે કાદવમાં અને ઊંચા રહે બે પગ” આમાં કગ એટલે કાગડો. એક સરોવરમાં કાદવ અને લીલ બહુ હતી અને એ સરોવર ઉપર ઘણા બધા બગલા ઉડતા હતા.. ઉડતા બગલા નીચે ધ્યાન રાખે અને કોઈ માછલી પાણીમાં દેખાય કે તરત જ બગલા પાણી તરફ ચાંચ રાખીને નીચેની તરફ લપકે અને ફટ દઈને માછલીને ચાંચમાં પકડીને પાછા ઉડતા ઉડતા ખાઈ લે.. આ બધું એક કાગડો જોઈ ગયો. એને થયું કે આ તો બહુ સારું.. કૂણે કૂણી અને ફ્રેશ માછલી ખાવા મળે તો મજા આવી જાય એટલે એણે પણ તારી જેમ પઠાણ વગર વિચાર્યે ઝંપલાવ્યું. સરોવરમાં ઉપર બગલા સાથે ઉડવા લાગ્યો અને અચાનક પાણીમાં એક મસ્ત માછલી જોઈ અને એણે ચાંચ નીચે રાખીને એ તો લપક્યો પાણીમાં પણ માછલી છટકી ગઈ પણ કાગડાની ચાંચ અને માથું ચીકણી શેવાળમાં અને કાદવમાં ખુતી ગઈ અને બે પગ ઉપર રહી ગયા. અર્ધું શરીર પાણીમાં અને અર્ધું શરીર બહાર અને કાગડો મારવા લાગ્યો તરફડીયા એ વખતે એક કવિ ત્યાંથી નીકળ્યા અને આ દ્રશ્ય જોયું અને કાગડાની દયા ખાઈને એણે કાગડાને કાદવમાંથી બહાર કાઢ્યો અને બોલ્યા. કરતા હોય ઈ કીજીયે અવર ન કીજીયે કગ!! માથું રહી જાય કાદવમાં અને ઊંચા રહે બે પગ” એટલે અમારી વાદે તારે આ ધંધા ન કરાય પઠાણ!! મારે તો આ નોકરી પર રોટલો નથી.. ઘરે બસો વીઘા પાણીવાળી વાડી છે. હું તો રોટલો એમાંથી પણ ખાઈ શકું. નોકરી ગઈ તંબુરે માર્યે પણ તારી પરિસ્થિતિની તને ખબર છે. બસ આટલું મારાથી થઇ શકે એમ હતું એ મેં કરી દીધું!! આર ડી ઝાલા આટલું બોલ્યા ત્યાં પઠાણની આંખમાં આંસુડા હતા. થોડીક બીજી વાતો કરીને ઝાલા સાહેબે પોતાના મુકામ તરફ જીપ ચલાવી. આજે તેના મન પરથી સઘળો ભાર હટી ગયો હતો.

અને ત્રણ કલાક પછી સજુભા અને તળશી તળશીના ઘરે આવ્યા હતા. ત્યાં ધમાલ અને ઉથલ પાથલ થઇ રહી હતી. તળશી આમ તેમ મુઠ્ઠીઓ વાળીને આંટા મારી રહ્યો હતો. ક્રોધથી એનો ચહેરો લાલચોળ થઇ ગયો હતો. સજુભા એને આશ્વાસન આપતા હતા. તળશીને દ્ક્ષા ગઈ એનો ય વાંધો નહોતો. કિશન ગયો એનો પણ વાંધો નહોતો પણ સાથે સાથે એ બને ઘરને સાવ સાફ કરતા ગયા હતા એનો વાંધો હતો. તળશી પાસે કશું જ બચ્યું નહોતું. મફતિયા પરાના લોકો મનમાંને હસી રહ્યા હતા. સહુ છાનામાના વાત કરતા હતા કે કિશન ને દક્ષા ઘરેણા અને પૈસા લઈને કોઈક જગ્યાએ ભાગી ગયા હતા. અને તળશીના ભાગમાં એક કળશી ભરીને રોવાનું આવ્યું હતું.!!!

*************ભાગ ચોત્રીસ પૂરો**************

ક્રમશઃ

મિત્રો, જો તમે આ નવલકથાનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી કરીને અમને આ નવલકથાનો આગળનો ભાગ મુકવા માટે પ્રોત્સાહન મળી રહે અને આ નવલકથા માટેના રીવ્યુ પણ જરૂર આપજો, આગળ શું થવાનું તે જાણવા માટે રાહ જુઓ ભાગ 35ની, જલ્દી જ આવશે.
લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ”, શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ, મુ.પો ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.