મુકેશ સોજીત્રા લેખકની કલમે

“ગાળિયો” ભાગ – 33 – ઝાલા સાહેબની આગળ આજ બબુડીયો, આંગડીયાવાળો અને લખડો ત્રણેય બરાબરના ખીલ્યા હતા – વાંચો રોમાંચક નવલકથા મુકેશ સોજીત્રાની કલમે

જે મિત્રોને ભાગ-1, ભાગ-2, ભાગ-3, ભાગ-4, ભાગ-5, ભાગ-6, ભાગ-7, ભાગ-8, ભાગ-9, ભાગ-10, ભાગ-11, ભાગ-12, ભાગ-13, ભાગ-14, ભાગ-15, ભાગ-16, ભાગ-17, ભાગ-18, ભાગ-19, ભાગ-20, ભાગ-21, ભાગ-22, ભાગ-23, ભાગ-24, ભાગ-25, ભાગ-26, ભાગ-27 ભાગ-28, ભાગ-29, ભાગ-30, ભાગ-31, ભાગ-32 વાંચવાનો બાકી હોય તેઓ જે તે ભાગ બાકી હોય તેના પર ક્લિક કરે.

આર ડી ઝાલા ડિસોઝા એ જેલમાં ત્રણ દિવસ દોરેલા ચિત્રોની સાથે એણે પોતે શહેરના અમુક પેન્સિલ સ્કેચ પણ જેલમાં મુકતો ગયો હતો. કદાચ દોરેલા ચિત્રોમાંથી કોઈ કડી મળી જાય એ હિસાબે ઝાલા સાહેબ એ બધા ચિત્રો વારાફરતી દોરતાં હતા. એમના ત્રણ ચિત્રો જેલની બહારની સાઇડમાં હતા. એક ચિત્રમાં ફક્ત જેલની ઉંચી દીવાલ દેખાતી હતી. બીજા ચિત્રમાં ચાની કેબીન હતી. કેબીન પાસે રાજુલાના મોટા અને લાંબા પથ્થરોથી બેઠક વ્યવસ્થા ગોઠવી હતી. એ પથ્થર પર બેઠેલા કેટલાક માણસો દોર્યા હતા. એમાં એક પઠાણ પણ હતો. ત્રીજા ચિત્રમાં ફકત બબુડીયાની ચાની કેબીન હતી એક સાઈડ બબુડીયો અને બીજી બાજુ પઠાણ એની લાક્ષણિક મુદ્રામાં ઉભા હતા. ડિસોઝાના પેન્સિલ સ્કેચ આબાદ ચિત્ર ખડું કરતાં હતા. અને અચાનક એના મનમાં ઝબકારો થયો કે આ પઠાણ અને બબુડીયો કદાચ ડિસોઝા સાથે મળેલા નહીં હોય ને. અને વળી ઘટના સ્થળની એ રાત યાદ આવી. ઝાલા સાહેબ પોતાના મિત્રો સાથે સુવાણ કરવા બેઠા હતા અને અચાનક પી આઈ દવેના વાયરલેસમાં સંદેશો આવ્યો કે ગોડાઉન પાસે લાશ મળી અને કપડા ઉપરથી એવું લાગે છે કે કોઈ કેદીની લાશ છે અને આર ડી ઝાલા તરત જ જેલ તરફ જવા રવાના થયા ત્યારે બબુડીયો દોડતો જતો હતો અને એના ચહેરા પર ગભરાટની લાગણી હતી અને પોતે એને જીપમાં બેસારી લીધો હતો. પણ એ વખતે એ ચિંતામાં હતા એટલે બબુડીયાની કોઈ વિશેષ પૂછપરછ નહોતી કરી પણ એક દિશા તો અત્યારે એના મનમાં સુઝી જ ગઈ હતી કે પઠાણ પાસે હકીકત કઢાવવાનો એક માત્ર ધોરી માર્ગ વાયા બબુડીયાની ચા ની કેબીન જ હોવી જોઈએ. અને પછી તો આર ડી ઝાલા સાહેબને એ ઘણું બધું યાદ આવ્યું.. લગભગ દરરોજ પઠાણ ડ્યુટી પર આવે એની પહેલા એ ચા ની કેબીને ચા પીતો હોય.. બબુડીયાની બાજુમાં બેઠો હોય..ડ્યુટી પૂરી કર્યા પછી પણ પઠાણને ઘણી વાર ઝાલા સાહેબે ચાની દુકાને બેઠેલો જોયો એટલે જો ડિસોઝા એ પઠાણને રીતસરનો ફોડ્યો હોય તો પઠાણ અને ડીસોઝાનો મેળાપ સો ટકા બબુડીયા એ કરાવી આપ્યો હોય એ સો ટકાની વાત. હવે હકીકત શું હતી એ પઠાણ તો કહેતો જ નહોતો તો એક માત્ર રસ્તો વાયા બબુડીયો હતો અને આર ડી ઝાલા સાહેબે મનમાં એક યુક્તિ વિચારી લીધી અને આંધળું પણ લક્ષ્યવેધી તીર ચલાવવા એ તૈયાર થઇ ગયા!!

આર ડી ઝાલા સાહેબની જીપ બબુડીયાની ચા ની કેબીન પાસે રોકાઈને ધારદાર આંખે બબુડીયા સામે જોયું. બબુડીયો નીચો જોઈ ગયો એમ આર ડી ઝાલાની આંખો વધારેને વધારે ધારદાર બનતી ગઈ. એક બે જણા પથ્થર પર બેઠા હતા એ બધાય ચા પાણી પી લીધાં પછી ગામ ગપાટા મારતા હતા પણ ખાખી લૂગડું જીપમાં ભાળ્યું એટલે થોડી જ વારમાં સહુ પોતપોતાના રસ્તે જતા રહ્યા. વધ્યા ફક્ત બે આર ડી ઝાલા અને ગરનારી ટી સ્ટોલના માલિક બબુડીયો.

“ એક સ્પેશ્યલ ચા બનાવ બબુ” કહેતા ઝાલા સાહેબ જીપમાંથી ઉતરી અને એક અંગડાઈ લઈને પથ્થર પર જમાવ્યું સાવ બબુની નજીક અને એટલી વારમાં બબુડીયા એ તપેલી વિસળીને ચા ઉકળવા મૂકી દીધી હતી.

“ ત્યારે શું નવીનમાં હાલે છે બબુડીયા હમણા હમણા તારા દીદાર ફરી ગયા છે.. શું વાત છે બબુ.. હમણાં હમણા તું બહુ કોળ્યમાં છો ને જાણે ઉભો ચાસટીયો ખાઈને ગોઢલો ફાટીને ધુમાડે જાય એમ જ બબુ મને બધી જ ખબર છે હો” આર ડી ઝાલા એ અજાણતા જ પઠાણ વાળી કરી. આ મને બધી જ ખબર છે એ વાતે તો બબુડીયો અંદરથી ખળભળી ગયો એના રીતસરના હાજા જ ગગડી ગયાં. એની આંખોમાં છૂપો ડર ઉભરી આવ્યો. એ ચહેરા પર પરાણે સ્મિત લાવવા માંગતો હતો પણ એના જીગરે છેલ્લી ઘડીએ દગો દીધો. પરાણે થતી પ્રીત અને પરાણે થતું સ્મિત સામેવાળો કળી જ જાય . બબુડીયો હજુ સુધી મૌન જ હતો. ચા ને ઉકાળીને એ ગરણી વાતે કીટલીમાં ભરીને પછી એ કીટલીની ચા કપ રકાબીમાં નાંખતો હતો. કપમાં ચા નંખાઈ ગઈ. ગરમાગરમ ચામાંથી વરાળો નીકળતી હતી અને ઝાલા સાહેબ બોલ્યા.

“ તારી ભાઈબંધી હમણા હમણાં બહુ મોટા માણસો હારે વધી ગઈ છે નહિ. એનો ય વાંધો નહિ પણ મોટા ના પુંછડામાં ગયા પછી ભારે દશા થતી હોય છે સબ દઈને પછી પાછું ન વળાય અને એવી તે રોજડી થાય કે વાત જ ન પૂછો. મને બધી જ ખબર છે પણ આ તો તારા મોઢે સાંભળવું છે બાકી પઠાણ તો બધું જ બકી ગયો છે. કારણ કે ખારું ખોટું ધાન સદે પણ ડોહો ડુપ્લેક્સ માર થોડો સદે.. ડુપ્લેક્સ મારની તો ખબર છે ને.. જેમ ડુપ્લેક્સમાં ઘરની બે ય બાજુ દરવાજા હોય એમ ડુપ્લેક્સ મારમાં આગળથી અને પાછળથી બે ય સાઈડ સબોસબ સોટા પડે અને એવી ધબાધબી બોલી જાય કે તમે સરખું રોઈ પણ ન શકો રોવા માટે મજૂર કરવા પડે એવી ભૂંડી દશા થાય માટે તારે જે કહેવું હોય એ કહી દે. આ છેલ્લો મોકો છે. તું કહી દે એટલે તને જતો કરવાનો છે. બાકી તને તો લોઢે કે લાકડેય મુકવાનો નથી. બોલ સારી ઈચ્છા તારી” આટલું કહીને આર ડી ઝાલાએ ચા બનાવવાના પ્રાઈમસ પાસે પડેલ સાણસીથી બબુડીયા ની એક આંગળી પકડી અને એ આંગળી પોતાના વરાળ કાઢતા ચાના કપમાં બોલી અને બબુડીયો રાડ્ય પાડી ગયો.

Image Source

“ બધું જ કહું છું સાહેબ તમારી ગા છું સાહેબ. મારી ભૂલ થઇ ગઈ સાબ. હવે આવું કોઈ દિવસ નહિ કરું સાબ.. મને માફ કરો સાબ.. તમને બધું જ કહું છું સાબ” બબુડીયો સાવ ગળગળો થઇ ગયો હતો એને જોઇને આર ડી ઝાલા સાહેબ પણ થોડી વાર પીગળી ગયા. એનું તીર બરાબર નિશાના પર વાગ્યું હતું. જોકે હકા ભીખા વાળી મેટર હવે ક્લીયર થઇ જ ગઈ હતી. ઉપરથી નીચે સુધી રાબેતા મુજબ આખું તંત્ર આંખ આડા કાન કરતુ હતું પણ ઝાલા સાહેબને હકીકત જાણવી હતી એટલે એ આ કામ કરી રહ્યા હતા. બબુડીયો એને માહિતી આપી રહ્યો હતો.

“ પઠાણ ને આ કેબીને જ ડિસોઝા એ ફોડ્યો હતો. તળશી ટેમ્પામાં માણસો બદલવાનો હતો. સજુભાની વાડીયે પ્લાન થયો હતો. પણ એક બહુ જ રૂપાળી એવી બાઈ પણ આમાં સામેલ થઇ હતી. તમે આવ્યા એમ જ બાઈ પણ મારી પાસે આવી હતી. મને લલચાવી ફોસલાવીને કારમાં બેસાડી દીધો અને હું કાઈ સમજુ એ પહેલા જ મને બેભાન કરીને આટલામાં ક્યાંક મને એક કોટડીમાં પૂરી દીધો અને પ્લાનની આખી વાત મારી પાસે જાણી લીધો હતો. એની સાથે બીજો એક માણસ પણ હતો બાઈ બહુ જ રૂપાળી હતી. બહુ એટલે વધારે પડતી રૂપાળી હતી. આટલા એરિયામાં એના જેવું કોઈ રૂપાળું છે જ નહિ સાબ. એ લોકોને ડિસોઝા સાથે વાંધો હતો એમ મને લાગ્યું. જ્યાં સુધી કામ પૂરું ન થી જાય ત્યાં સુધી એ લોકોએ મને પૂરી રાખ્યો હતો. પછી મને છોડી દીધો મોટી દાટી આપીને અને તમારી જીપમાં હું નો બેઠો ત્યારે જ હું છૂટીને આવતો હતો. એ વખતે તમે મને ડારો ડફારો કર્યો હોત તો ત્યારે જ સાચું બોલી ગયો હોત” બબુડીયો બોલ્યો કે તરત જ આર ડી ઝાલા બોલ્યા.

“ એ વખતે તને કુણો ન કર્યો એ મારી ભૂલ, પણ આ બધો પ્લાન ક્યાં ગોઠવાણો એ તો કહે” આર ડી ઝાલા સાહેબ બોલ્યા.

“ મહાકાળી ગેસ્ટ હાઉસમાં. ડિસોઝા ત્યાં જ રોકાયો હતો ને” બબુડિયો બોલ્યો.
“ હમ્મ્મ્મ પછી આના માટે તમને બધાય ને કેટલા રૂપિયા મળ્યા હતા??”

“ મને તો પંદર હજાર મળ્યા હતા. પઠાણ સાહેબને લગભગ ત્રીસ હજાર મળ્યા હતા પણ મારા ખ્યાલથી એ વધારે લાલચુ થઇ ગયો હતો. એટલે વધારે જ લીધા હશે. સહુથી વધુ તળશી અને સજુભાને મળ્યા છે. કેટલા મળ્યા એ ખબર નથી પણ આ બન્યું એના આગલા દિવસે ચતુર નાથા જુના આંગડીયાની ઓફિસે મુંબઈથી હવાલા મારફતે પૈસા આવ્યા હતાને એ કિશન લઇ આવ્યો હતો.” બબુડીયો એક પછી એક સીલસીલાબંધ કેફિયત રજુ કરી રહ્યો હતો.

“ કિશન કોણ?? ઓલ્યો તળશીની ઘરે જ પડ્યો પાથર્યો રેશે એ જ ને.. રૂપાળો એવો” આર ડી ઝાલા બોલ્યા.

“ હા એ જ હવે તો તળશી ધંધામાં બહુ ધ્યાન નથી આપતો. બધું જ કિશન સંભાળે છે. તળશી હવે ન્હોર વગરનો વાઘ થઇ ગયો છે એટલે ઘરનો અને બહારનો બધો વહીવટ કિશન જ કરે છે. બસ સાબ મને આટલી જ ખબર છે બાકીની કિશનને ખબર હશે. અને મને મળેલ પૈસા હજુ એમને એમ પડ્યા છે. આપણે હજુ એને હાથ જ નથી અડાડ્યો અને અડાડવાનો નથી. મરતા મરતા બચ્યો છું. કબૂતરની જારમાં નાંખી દેવા છે એ પૈસા બાકી જીવનમાં હવે આવા જાકુબીના ધંધા કરે એ એ માણસના પેટનો નો હોય આજથી આ તો પઠાણ રોજ બળતરા કરતો હતો મારી પાસે અને એમાં ડિસોઝાને જેલમાં કામ હતું અને મને કહેતો હતો કે જેલનો કોઈ માણસ જો મારી મદદ કરે તો કામ થાય એવું છે. એટલે મેં લાકડે માંકડું ગોઠવી દીધું. અને પછી પ્લાન જોયો ત્યારે ખબર પડી કે આમાં તો હકા ભીખાને ભગાડવાનો છે પણ મારો તો આમાં કોઈ જ હાથ નહોતો એટલે હું બેઠો બેઠો જોયા કરતો. લાલચ બુરી બલા છે. એ વાન્હાં ભાંગી નાંખે એ વાત સાવ સાચી છે” બબુડીયો ખખળીને બોલતો હતો. આર ડી ઝાલા સાહેબ બોલ્યા.

“ એ પૈસા તારે કોઈને આપવાની જરૂર નથી . એ તારી મહેનતના છે. તું બોલી ગયો એનો આનંદ છે. અને આ તારી આંગળીને ગરમગરમ ચા ચખાડવી પડી એનું મને પણ દુઃખ થાય છે પણ શું થાય આવું કર્યા વગર કોઈ માનતું જ નથી ને.. અમુક તો જીવનમાં લખાવીને જ આવ્યા હોય છે. માર ખાવાનું જાણે ઉધડુ રાખ્યું હોય એમ અઠવાડિયે પખવાડિયે ધરાઈને માર ખાય પછી જ એને ધાન સદતું હોય છે. આલે ચાના પૈસા” કહીને આર ડી ઝાલા એ સોની નોટ આપી અને બબુડીયા એ બે હાથ જોડીને પૈસા લેવાનો સાફ ઇનકાર કરી દીધો અને ઝાલા સાહેબે ઉભા થતા થતા કહ્યું.

Image Source

“ વધે એની આંગળી દાજી ગઈ એની દવા કરાવજે અને મનમાંથી હવે ભય કાઢી નાંખજે. આપણે બે ય મળ્યા હતા એ વાત પેટમાં જ રાખજે. અ કેસમાંથી તું સાવ નીકળી ગયો છે. બાકી ચા બનાવ્યા કર અને વેચ્યા કર. હવે લગભગ અઠવાડિયે અઠવાડિયે હું એકાદ વાર ચા પીવા આવીશ જ.. આ જ આવ્યો હતો એમ નહિ પણ સાવ સુવાણ કરવા માટે જ આવીશ. “ કહીને એ સીધા જીપમાં બેસી ગયા અને એની જીપ મધ્ય બજારમાં આવેલ જુના આંગડીયાની પેઢી પાસે ઉભી રહી દુકાન પર જુના જમાના વખતનું બોર્ડ મારેલ હતું.

“ ચતુર નાથા એન્ડ કંપની જુના આંગડીયા”
ઓલ ઇન્ડિયા સર્વિસ સહુથી જુના અને જાણીતા

આર ડી ઝાલા અંદર ગયા મોટા મોટા સોફા ગોઠવાયેલા હતા. એક સોફા પર એક મોટી ઉમરની ધોળી દાઢી અને ધોળા વાળ વાળો એક માણસ લગભગ સુઈ ગયો હોય એમ બેઠો હતો.

“ બોલો સાબ શું કામ પડ્યું.. આવો આવોસાબ” પેલા એ આર ડી ઝાલા સાહેબને આવકાર્યા”

તમારી સર્વિસ બહુ જ વખણાય પણ સહુથી જૂની અને જાણીતી સર્વિસ કોની વખણાય ખબર છે?? ના ખબર હોય તો કહી દઉકે આ ખાખી વર્દીની સર્વિસ જૂની અને જાણીતી એક વખત અમારી સર્વિસનો લાભ લે એને પછી દર શિયાળે હાડકા કળવા આવે એવી સર્વિસ અને હું ઈચ્છું કે તમને મારે એ સર્વિસ કે ટ્રીટમેન્ટ ન આપવી પડે એટલે મારે અમુક વિગત જોઈએ છે એ મને આપી દ્યો એટલે મારું કામ પુરુ અને તમારું પણ પૂરું. તમારો વ્યવસાય છે એટલે મારે તમને કઈ જ શિખામણ આપવાની નથી. તમારું ક્યાય નામ નથી આવવાનું મને ફક્ત જણાવો કે તળશીનો ખાસ કિશન મુંબઈથી આવેલા કેટલા પૈસા અહીંથી લઇ ગયો છે. હવે તમે મને એમ નો કહેતા કે એવી કોઈ રકમ આવી જ નથી. કારણકે રકમ આવી છે જ.. સો ટકા ગેરકાયદેસર હવાલો પડેલો જ છે”

આંગડીયા વાળો સમજુ હતો અને રકમ કહી જ દીધી જાણે બધું મોઢે જ રાખીને બેઠો હોય. અને પછી એણે એક બીજી વાત પણ કરી સારા થવા માટે.

“ સાબ કિશન જેટલો ભોળો દેખાય એટલો છે નહિ.. એ એકદમ ઉસ્તાદનો દીકરો છે. અઠવાડિયે પંદર દિવસે એ હજાર બે હજાર દસ હજાર અહીંથી હવાલા મારફતે જયપુર મોકલે છે. જયપુરમાં એનો એક દોસ્તાર એ પૈસાની મદદથી આમેર નો કિલ્લો છે ને ત્યાં વચમાં હોટેલ કિશન આવે છે ને એ ચલાવે છે. આ તો કિશન સાથે મારો જીવ મળી ગયેલ છે એટલે એ મને એની બધી વાતો કરે છે. બાકી હું કોઈને કહું પણ નહીં. બધાની મને ખબર હોય પણ ચાડી ખાવાના આપણા ધંધા જ નહિ સાબ. હમણા હમણા કિશન રોજ આવે છે અને પાંચ પાંચ હજારના રોજના હવાલા જયપુરમાં પડાવે છે. મને તો એ એમ પણ કહેતો હતો કે એકીસાથે રકમ લઈને અહીંથી ભાગીયે તો પકડાઈ જઈએ. સાહેબ તમને ખબર નહીં હોય કે તળશીની પત્ની એકદમ રૂપાળી અને થોડી જાડી પણ ખરી એ દક્ષા સાથે એને બરાબર મેળ થઇ ગયો છે એટલે એ વહેલા મોડા બે ય ભાગી જવાના છે. આપણી તો આ લાઈન નહિ સાહેબ આપણને આવા કામમાં રસ પણ નહીં સાહેબ. આપણે બે ત્રણ વાર દક્ષાને જોઈ પણ છે . મફતીયાપરામાંથી કિશન ની હારે આ બજારમાં ખરીદી કરવા એ બે ય જણા આવે ત્યારે કયારેક અહીંયા પણ આવે. મારે અહિયાં પાછળ જગ્યા મોટી અને સાવ શાંત એરિયા એટલે એ લોકો કલાક બે કલાક આ પાછળની જગ્યામાં રોકાય પણ ખરા. ખરીદી કરીને થાકી ગયા હોય ઈનો થાક બાક ઉતારે. પણ આપણી ઈ લાઈન નહીને સાબ. હા દક્ષાનો બાંધો સારો એમ તો જોવીય ગમે.આંખને ઠારે એવું રૂપ પણ આપણી નજર જ ચોખ્ખી હો સાબ. અને હું કોઈને કોઈ દિવસ વાત પણ ન કરું. વાત કરીને આપણે પાપમાં પડવું છે ને સાહેબ તો એવું કરવું જ શું કામ… બીજું બોલો સાબ્ય કાઈ કામ કાજ હોય તો આવતા રેજો. તમારા જેવા ભાઈ બંધ હોય તો ક્યારેક કામ પણ આવે. આપણે બધી જ વાત પેટમાં રાખીએ.અહીંથી આહી કોઈની ખોદણી કે ચાડી ખાવાની જરા પણ ટેવ આપણામાં છે જ નહિ સાહેબ” એ આંગડીયા વાળો વાત વધારવાના મુડમાં જ હતા પણ ઝાલા સાહેબ હવે આગળ સાંભળવાના મુડમાં હતા જ નહિ એ ઉભા થઈને સીધા જીપમાં બેઠા અને જીપ ચલાવી કે સીધી જ શહેરના એક માત્ર ગેસ્ટ હાઉસ પાસે આવીને ઉભી રહી. ગેસ્ટ હાઉસ પર પાટિયું મારેલ હતું.

Image Source

“ મહાકાળી ગેસ્ટ હાઉસ”
રહેવાની તથા જમવાની ઉત્તમ સગવડતા”

ગેસ્ટ હાઉસ ની બહાર મોઢામાં ૧૩૫નો માવો ચાવતો લખડો બહાર જ ઉભો હતો. ખાખી લૂગડાં જોઇને એ હરખાયો એને એમ કે કોઈને કોઈ વહીવટ હશે અને એને પણ થોડાક દાણા ચાખવા મળશે પણ આ સાહેબને જોયા તો છે પણ પોલીસમાં નથી એ પાકી ખાતરી એને હતી. લળીને એણે સ્વાગત કર્યું અને બોલ્યો.

“ પધારો પધારો સાહેબ બોલો આપની શી સેવા કરી શકું??”

મોઢામાંથી માવો બહાર કાઢી નાંખ્ય અને મોઢું બરાબર સાફ કરીને પછી ગેસ્ટ હાઉસનું રજીસટર લઈને બહાર આવ્ય ઝડપથી. તારા ગેસ્ટ હાઉસમાં મારે આવવું નથી હાલ્ય ફટાફટ” આર ડી ઝાલા સાહેબ બોલ્યાં અને લખડો તરતજ અંદર ગયો માવો કાઢીને મોઢું સાફ કર્યું અને મોઢું બરાબર ઉટકીને એ રજિસ્ટર લઈને આવ્યો અને ઝાલા સાહેબની શંકા સાચી પડી એમાં દેવેન્દ્ર ડિસોઝાના નામની એંટ્રી જ નહોતી. થોડી વાર રહીને આર ડી ઝાલા બોલ્યા.

“ કેટલા વરસથી ગેસ્ટ હાઉસ ચાલે છે??”
“ જી સાબ ત્રીસ વરસથી તો હું અહિયાં છું નાનો છોકરડો હતો ત્યારથી જ આ ગેસ્ટ હાઉસમાં કામ કરું છું.”
“ હવે આ ગેસ્ટ હાઉસને સીલ મારવાનો સમય આવી ગયો છે એવું નથી લાગતું??” આર ડી ઝાલા બોલ્યાં.

“ મને કઈ સમજણ ન પડી સાહેબ” લખડો સમજી તો ગયો જ હતો કે આ ઉપર વાળા બે એમને એમ રહેતા હતા એનો કોઈ વહીવટ છે પણ તેમ છતાં એ અજાણ્યો બન્યો.

“ અહી ડિસોઝા રહેતો હતો..પેલો ચિત્ર દોરવાવાળો એની એંટ્રી ક્યાં છે” ઝાલા જેવું આ બોલ્યા કે લખડો બોલ્યો કે સાહેબ ઉપર આવો એટલે માંડીને વાત કરું. અને ઝાલા સાહેબ બીજા માળે ગયા અને આઠ નંબર નો રૂમ બતાવીને કહ્યું કે.

“ અહી જ એ રહેતો હતો અને સાબ હું નાનો માણસ કોઈ ભલામણ કરે કે વગર નામે એને અહીં રાખજો તો હું થોડી ના પાડી શકું.. આ શહેરના જાણીતા વકીલનો મને ફોન પણ આવ્યો હતો અને વકીલ રૂબરૂ પણ આવી ગયા હતા. હવે સાબ તમે જ મને આવું કહો કે આ વ્યક્તિને દસ દિવસ અહી રાખવાની છે કોઈ પણ ચોપડામાં નામ નથી ચડાવવાનું તો મારી શી હેસિયત કે હું ના પાડી શકું?? અહીના લગભગ તમામ અધિકારી અને પોલીસ વાળા આ ગેસ્ટ હાઉસનો આ જ રીતે ઉપયોગ કરે છે. કોક કલાક બે કલાક માટે આવે તો કોક રાત પૂરતા આવે. મોટા સાહેબોની ભલામણ હોય એટલે હું ના પણ કેવી રીતે પાડી શકું. અહિયાં ફક્ત ભાઈઓ જ આવે એવું નથી હમણા હમણા એક બહુ જ રૂપાળી કહી શકાય એવી સ્ત્રી પણ અહી રોકાવા આવી હતી. એ કોઈક સમાજ સેવા કરવા આવી હતી. મને તો એમ જ લાગ્યું કે સાહેબ એ આ ડીસોઝાની વાહે જ આવી હતી. મને ભલે બધા અબુધ કે બુદ્ધિ વગરનો ગણે બાકી ગેસ્ટ હાઉસમાં કોઈના પગલા પડે ને ત્યાજ મને ખબર પડે કે આ કઈ ટાઈપના લોકો છે. એ બાઈ દેખાતી હતી તો બહુ જ રૂપાળી પણ કોઈનું કાસળ કાઢવું હોય તો કાઢી નાંખે એવી હતી. હું એની બધી જ હરકતને જોયા કરતો .શહેરથી એ પરિચિત લાગી. પણ એની ભલામણ મને રતનજી શેઠ કરવા આવ્યાં હતા. બોલો મારે શું કરવું. હવે હું નાનો હતોને ત્યારે રતનજી ભાઈના ખોળામાં રમતો. હવે એને કેમ ન પાડું.આમ તો રતનજી ભાઈ પાસે આ આખું શહેર ખરીદાય જાય એટલા પૈસા છે.શહેરની બહાર એક મોટું ફાર્મ હાઉસ પણ છે. હજારો વીઘા વાડી પણ છે.પણ દેખાય સાદા બોલો. એ આમ તો અમારા જુના પાડોશી. મુંબઈમાં એક ખુબજ પૈસાવાળો માણસ છે એ મહીને બે મહીને એ ફાર્મ હાઉસમાં આવે. ઘણા એવી વાતો કરે કે રતનજી તો માત્ર મહોરું છે. અસલી કારસ્તાન બધા પેલા મુંબઈ વાળાના. એ મુંબઈનો લગભગ ડોન છે. જે હોય તે.. પણ આવા મોટા માણસો ની ભલામણ આગળ અમારા જેવાનું ગજું પણ શું” લખડા એ વગર પૂછ્યે એવી એવી વાતો કરી દીધી કે આર ડી ઝાલાના મનમાં એક આખો પ્લાન જ જોડાઈ ગયો એને પૂછવું પણ ન પડ્યું અને બધી જ સાંકળો ફટાફટ ગોઠવાઈ ગઈ હતી. છેલ્લે એ બોલ્યા.

“ એ બાઈ વાળો રૂમ ખોલો તો મારે જોવો છે જરાક” લખડો ચાવી લઇ આવ્યો અને મોના જે રૂમમાં રહેતી હતી એ રૂમ ખુલ્યો કે સરસ મજાની સુગંધ આવી. આર ડી ઝાલાને અહેસાસ થયો કે મામાદેવના ખીજડા વાળું ઓપરેશન પતાવીને આવ્યા ત્યારે ફાર્મ હાઉસમાં વી કે શેઠના સ્પેશ્યલ કોટેજમાં આ જ સુગંધ આવતી હતી. મનમાં થોડી ઘણી જે શંકા હતી એ પણ દૂર થઇ ગઈ. આર ડી ઝાલાનું અનુમાન સાચું પડ્યું. મોનાએ જ ડિસોઝાને પતાવી દીધો.. મોના વીકે શેઠની અંગત હશે. મોના જ બબુડીયાને બેભાન કરીને ફાર્મ હાઉસમાં લઈ ગઈ હતી. ગામ લોકો રાત્રે વાત કરતા હતા કે રોડની પેલી બાજુ સવારમાં એક બાઈ અને ભાઈ કાર લઈને ઉભા હતા. જે ગોડાઉન ના મેદાનમાં લાશ મળી ત્યાં પણ ઘણા લોકોએ એક બાઈ અને એક ભાઈને અંધારામાં જોયા હતા. આર ડી ઝાલા સાહેબને જે જાણવું હતું એ જાણી લીધું હતું!! લ્ખડો બોલ્યો.

Image Source

“ બાઈ ગઈ પણ સુગંધ મુકતી ગઈ. સાબ આ ગેસ્ટ હાઉસમાં આઠમ વખતે કે કોઈ મોટા તહેવાર વખતે ઘણા કપલ આવે રૂમમાં રેવા માટે એ પોતે બેય પતિ પત્ની છે એવું લખાવે પણ એના મોઢાના દરહણ જોઇને જ મને ખરેખર ખ્યાલ આવી જ જાય કે આ પતિ પત્ની છે કે વહીવટ છે!! આમ તો જે પતિ પત્ની હોય એ એકદમ સાદા હોય.અને આવા વહીવટ વાળા હોય એ બેય જણા અંતર છાંટીને સુગંધનો બગીચો હોય એમ આવતા હોય છે. ખબર પડી જ જાય સાહેબ. જે વધારે અંતર છાંટીને ફરતા હોયને સાહેબ એને લાટ બધા વહીવટ હોય..મનના મેલા હોય ને એને જ વધારે દેખાવ કરવો પડે બાકી મારી આખી જિંદગી જતી રહી મેં તો કોઈ દિવસ એક પુમ્ભડું પણ નથી ભરાવ્યું કે જીવનમાં કોઈ દિવસ આવો વહીવટ કર્યો પણ નથી, બાકી મારે વહીવટ કરવો હોય તો મને કોણ રોકે છે.પણ એ ધંધા જ નહિ કરવાના.. બાકી તમને ફરીથી કહું છું સાબ કે એ બાઈ બહુ મોટા વહીવટ વાળી હશે. નક્કી પેલા ચિત્રકારનો વહીવટ પતાવવા જ આવી હોય કારણકે એ અહીંથી ગઈ કે તરત જ પેલો ચિત્રકાર પણ ગયો. અને છેલ્લે એ બાઈ મને દાટી પણ આપતી ગઈ હતી કોઈને મારા વિષે કહેવું નહિ અને હું કોઈને કહું પણ નહિ મારા એવા લખણ જ નહિ સાબ” લખડો તો થાકે એમ નહોતો પણ ઝાલા સાહેબ પગથીયા ઉતરીને નીચે ગયા અને જીપમાં બેસી ગયા એટલે લખડાએ પોતાનું લેકચર અધૂરું મૂકવું પડ્યું.

આખી ઘટનાનો તાગ પુરેપુરો તાગ મળી ગયા બાદ ઝાલા સાહેબ ખુશ હતા. બસ હવે એ ફાઈનલ પોઈન્ટ સુધી આવી ગયા હતા. હવે તળશી અને સજુભા બે જ બાકી હતા. અને એ બે ને મળવું બહુ જ જરૂરી હતું.

બબુડીયા ના બતાવ્યા પ્રમાણે આર ડી ઝાલા તળશીના ઘર પાસે ઉભા હતા. ઘરની આગળ જ દુકાન હતી. ત્યાં જ બેઠેલા એક માણસને વાત કરી તો એણે કીધું કે તળશી શેઠ બહાર ગયા છે.

“ મારે કિશનનું કામ છે.” આર ડી ઝાલા બોલ્યાં. જવાબમાં દુકાનમાં થોડી વાર પછી એક સ્ત્રી આવી એકદમ ગોળ મટોળ અને સુખી શરીર. આંખોમાં અનેરી ચમક સાથે શરીરમાંથી સરસ મજાની સુગંધ આવતી હતી. લખડાના શબ્દો યાદ આવી ગયા ઝાલા સાહેબને કે કોઈ બહુ વધારે અતર છાંટતું હોય તો એને બહુ બધા વહીવટ હોય એ નક્કી. લીલી સાડીમાં આવેલ એ યુવતી પોતેજ લીલોછમ બગીચો હતો. અર ડી ઝાલાને સમજતા વાર ન લાગી કે એ દક્ષા હતી. એને જોઇને ઝાલા સાહેબ વળી બ્લાઈંડ ચાલ ચાલ્યાં.

“ બહેન મારા ભાઈ કિશનને મોક્લોને.. એને કહેજો કે જયપુર વાળા કોઈ એને મળવા આવ્યા છે. જયપુરનું નામ સાંભળીને બાઈ તરત જ અંદર ગઈ અને દસ સેકંડમાં કિશન આવ્યો બહાર.. આર ડી ઝાલા ઉભા થયા અને તરત જ કીશનનો કાંઠલો પકડીને એક સાઈડ ખૂણામાં લઈને કાનમાં એટલું જ કહ્યું.

“ ચુપચાપ મને સજુભાની વાડીયે લઇ જા.. હું આર ડી ઝાલા જેલ અધીક્ષક.. તમે જે હમણા વહીવટ પતાવ્યોને એ થોડોક હજુ બાકી છે એ મારે પતાવવાનો છે. એટલે તું મને જેટલો વધારે સહયોગ આપીશ એટલો તું વધારે ફાયદામાં રહીશ શું સમજ્યો. અને આમેય તારે ને દક્ષાએ હવે જયપુર નથી જવું?? ક્યાં સુધી આમને આમ ચાલશે?? ચલ ગાડીમાં બેસી જા અને રસ્તો બતાવ સજુભાની વાડીનો” અને કિશન તરત જ પાળેલા કૂતરાની જેમ જીપમાં ગોઠવાઈ ગયો અને જીપ સજુભાના ખેતર તરફ ચાલવા લાગી!!

ઝાલા સાહેબની આગળ આજ બબુડીયો, આંગડીયા વાળો અને લખડો ત્રણેય બરાબરના ખીલ્યા હતા.અને ઝાલા સાહેબ હવે ફાઈનલ વહીવટ પતાવવા જઈ રહ્યા હતા.

*************ભાગ બત્રીસ  પૂરો**************

ક્રમશઃ

મિત્રો, જો તમે આ નવલકથાનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી કરીને અમને આ નવલકથાનો આગળનો ભાગ મુકવા માટે પ્રોત્સાહન મળી રહે અને આ નવલકથા માટેના રીવ્યુ પણ જરૂર આપજો, આગળ શું થવાનું તે જાણવા માટે રાહ જુઓ ભાગ 34ની, જલ્દી જ આવશે.
લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ”, શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ, મુ.પો ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.