મુકેશ સોજીત્રા લેખકની કલમે

“ગાળિયો” ભાગ – 30 – કપડા બદલવાથી માણસનો ચહેરો બદલાઈ જાય.. હાથનો પંજો થોડો બદલાઈ જાય– વાંચો રોમાંચક નવલકથા મુકેશ સોજીત્રાની કલમે

જે મિત્રોને ભાગ-1, ભાગ-2, ભાગ-3, ભાગ-4, ભાગ-5, ભાગ-6, ભાગ-7, ભાગ-8, ભાગ-9, ભાગ-10, ભાગ-11, ભાગ-12, ભાગ-13, ભાગ-14, ભાગ-15, ભાગ-16, ભાગ-17, ભાગ-18, ભાગ-19, ભાગ-20, ભાગ-21, ભાગ-22, ભાગ-23, ભાગ-24, ભાગ-25, ભાગ-26, ભાગ-27 ભાગ-28, ભાગ 29 વાંચવાનો બાકી હોય તેઓ જે તે ભાગ બાકી હોય તેના પર ક્લિક કરે.

“ મારા જેલના કપડાં ક્યાં?? આ કપડા તો ડિસોઝાના લાગે છે” હકા ભીખાએ પોતાના કપડા તરફ નજર નાંખીને કહ્યું.

“ કેમ જેલના કપડા વગર નથી ફાવતું?? પાછું જેલમાં જવું છે?? તમારા કપડા ડિસોઝાને પહેરાવી દીધા છે. અને ડિસોઝાના કપડા તમને. તમે ભાગ્યશાળી છો હકાજી કે તમે જેલવાળા અને સતાવાળાની નજરે મરી ગયેલ છો આજથી. માની લો કે તમે નવો અવતાર ધારણ કર્યો છે. પોલીસને જે લાશ મળશે એ ડીસોઝાની હશે પણ જેલના કપડા હોવાથી એ લાશને હકા ભીખાની લાશ તરીકે ઓળખાશે. હવે રામ જાણે એ લોકો કેવી થીયરીઓ લાવશે પણ મૂળમાં તો એક જ થીયરી હશે કે હકા ભીખા જેલમાંથી ભાગ્યો અને ગોડાઉન પાસે એને પતાવી દેવામાં આવ્યો. હવે કોણે ભગાડ્યો.. કઈ રીતે ભાગ્યો.. આની પાછળ કોનો હાથ છે એ બધું થોડોક સમય ચાલશે પછી ફાઈલ ક્લોઝ અને અભરાઈ પર ચડી જશે અને એ ધૂળ ખાતી ફાઈલમાં કરોળિયા પોતાના જાળા કરશે અને ગરોળીઓ પોતાના ઈંડા મુકશે” મોના એ કહ્યું. સદાનંદ શાંત બેસીને સાંભળતો રહ્યો. થોડી વાર પછી હકા ભીખા બોલ્યો.

“ કપડા બદલવાથી માણસનો ચહેરો બદલાઈ જાય.. માણસનો બેય હાથનો પંજો થોડો બદલાઈ જાય..પોલીસ અને જેલના આર ડી ઝાલા પાસે મારા બેય પંજાના શાહીમાં બોળેલા નિશાન છે. એની સાથે એ લાશના ફિંગર પ્રિન્ટ મેચ થાય તો જ હું હકા ભીખા સાબિત થાવ.. આમાં તો હું વધારે સલવાઈ જવાનો છું.. હું ડિસોઝાને મારીને એના કપડા પહેરીને ભાગી છૂટ્યો છું એમ સાબિત થશે.. પોલીસના ધાડા મારી પાછળ ગોઠવાઈ જશે એ નક્કી “ જવાબમાં મોના હસીને બોલી.
“ એ બધું અમે નહીં વિચાર્યું હોય એમ લાગે છે.. હકીકતમાં તમે વિચારવાનું બંધ કરો ત્યારથી હું વિચારવાનું શરુ કરું છું… બાય ધ વે લાશના મોઢા પર એસીડ છાંટવામાં આવ્યું છે. એટલે મોઢું તો ઓળખાય એવું જ નથી એટલું વિકૃત થઇ ગયું હશે.. રહી વાત બેય હાથની ફિંગર પ્રિન્ટની તો એની પર પણ પુષ્કળ એસીડ રેડવામાં આવ્યું છે એટલે હાથની ઓળખાણ પણ કામ નહિ લાગે હવે ફક્ત અને ફક્ત એના કપડાં પરથી જ ઓળખ થાય એમ છે. એટલે તમે હવે બીજા નામે આઝાદ ઘૂમી શકો છો. એય ને દવલ સાથે મોજથી રહી શકો છો. જીવન બહુ દોડધામમાં વિતાવ્યું હવે થાકોડો પણ લાગ્યો હશેને એટલે થોડા વરસ આરામ કરો” દવલનું નામ આવતા હકા ભીખા ફરીથી ચોંક્યો. એ બોલી ઉઠ્યો.
“ તમે મારા વિશે તો ઠીક પણ દવલ વિશે આટલું ક્યાંથી જાણ્યું..?”

“ હમમમ એટલે તો તમે સલામત છો. વીકે શેઠનો આદેશ હતો કે તમને કશું ન થવું જોઈએ. તમે એની વાદળી સુટકેસ ચોરી હતી ને તોય શેઠને તમારા પર માન છે. તમે શેઠ કે શેઠાણીને કશું જ નથી કર્યું એનો શેઠને મોટો રાજીપો છે. શેઠને એમ છે કે તમે ફકતને ફકતને કોઈના કહેવાથી સુટકેસ ચોરી હતી. શેઠનો અને તમારો ધંધો એક જ છે. તમે જે કરો છો કાળા ધોળા એ છૂટક બિજનેસ છે જયારે શેઠ એના જથ્થાબંધ વેપારી છે ટૂંકમાં હોલસેલ ડીલર છે. એટલે તમે ને શેઠ ધંધા ભાઈઓ થાવ છો. વળી તમારી જાણ ખાતર કહી દઉં કે પેલી વાદળી સુટકેશ જે અત્યાર સુધી તમે માનો છો કે દવલ પાસે છે એ અમારી પાસે છે. તમે એને મામા દેવના ખીજડા ના ઉપરના થડીયાના બાકોરામાં સંતાડી હતી ત્યાંથી અમે કેટલાય દિવસ પહેલા મેળવી લીધી છે અને એ સુટકેશ વીકે શેઠ લઈને મુંબઈ જતા રહ્યા છે બસ અમારે તો એટલું જ જોવાનું હતું કે તમને એ સુટકેસ ચોરવાનો કોણે આદેશ આપ્યો હતો?? અને એ આદેશ આપનારો સામેથી આવ્યો અને એનો હિસાબ પણ પૂરો થઇ ગયો છે હવે તમારી સાથે અમારા વીકે શેઠને કોઈ જ દુશ્મનાવટ નથી. શતરંજની રમત પૂરી થાય પછી બે ય પક્ષના કુકરા એકજ બોક્સમાં ફીટ થઇ જાય અને પછી એ લડતા નથી એમ ડીસોઝાની ગેઈમ પૂરી થઇ ગઈ એટલે હવે આપણે બધા એક જ બોક્સમાં ફીટ થઈ ગયા છીએ. હવે નવી ગેઈમમાં આપણે સાથે એક જ ટુકડીમાં રમીએ એવી વીકે શેઠની ઈચ્છા છે. બસ એટલે તમને મુક્ત રીતે છોડવામાં આવે છે. અને આમેય તમારા મન પરથી ભાળ પણ હળવો થઇ ગયો ને કે ડીસોઝાને તમે વાદળી સુટકેસ આપવાનું જે વચન આપ્યું હતું એ પણ તૂટ્યું નથી આમેય ડિસોઝા જીવતો હોત તો તમે સુટકેસ આપી શકવાના જ નહોતા અને જીવનમાં પેલી વાર તમારી જબાનની આબરૂ જાત.. વચનભંગ થાત પણ એની પહેલા જ ડિસોઝા ઉકલી ગયો . આને કહેવાય કિસ્મતનો ખેલ !! બેવડો ફાયદો !! તમને નવું જીવન મળ્યું.. ઘાત ગઈ એયને હવે નવા નામે નવા કિરદારમાં કરો એન્જોય!! આમેય મારા શેઠને બહાદુર માણસો હમેશા ગમતા આવ્યા છે. એક ખાસ કામ માટે તમને રાખ્યા છે એ ફરી કોઈ વાર પણ હા તમારી રજેરજની વિગત એને ખબર છે. એનો વિચાર તો તમે જેલમાંથી છૂટો પછી તમારો સંપર્ક સાધવાનો હતો પણ તમારો શુક્ર પાવરફુલ હતો હકા ભાઈ એટલે તમે ડિસોઝાના ડહાપણને કારણે વહેલા છૂટી ગયા અને એટલે તમારી સઘળી જવાબદારી અમારી છે. અમે તમારા વિશ્વાસુ માણસો છીએ. એટલે મનમાં કાઈ આડું અવળું ન વિચારતા. અમદાવાદમાં તમારે કયા ઉતરવાનું છે એ કહી દો એટલે અમે તમને ત્યાં ઉતારી દઈશું. ચાલો સદાનંદ ભાઉ જમવાનો નાસ્તો કાઢો એટલે ચાલુ કારે આપણે થોડું ક કટક બટક કરી લઈએ.” મોના બોલી અને ત્રણેયે થોડો થોડો નાસ્તો કર્યો અને કાર વળી પુરપાટ ઝડપે દોડવા લાગી. વહેલી સવારે અમદાવાદમાં કાર પ્રવેશી.

“ કારને ભદ્રકાળી માતાના મંદિરે લઇ લો” હકા ભીખા બોલ્યો.
હકા ભીખા જયારે જયારે અમદાવાદ આવતો ત્યારે સહુ પ્રથમ ભદ્રકાળી માતાના દર્શન કરતો હતો અને પછી જ અમદાવાદનું પાણી પીતો હતો. કાર સાંકડા રસ્તા પસાર કરતી કરતી ભદ્રકાળી માતાના મંદિરે આવી પહોંચી. રસ્તામાં જ હકા ભીખા મોનાને રસ્તો બતાવતો હતો બાકી મોનાએ કાળુપુર રેલવે સ્ટેશન, અને ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ ના રોડ સિવાય અમદાવાદના કોઈ એરિયાને ઓળખતી નહોતી. કાર ભદ્રકાળી માતાના ગેઇટ પાસે ઉભી રહી બરાબર એ જ સમયે કટીયાના ચોવીસ કલાકના ઉપવાસ પુરા થયા હતા. કટિયા એ હકા ભીખાને જોયો કે આંખમાંથી હર્ષના આંસુનું ઘોડાપૂર આવ્યું. બને ભાઈબંધો એકબીજાને ભેટી પડ્યા. સદાનંદ ભાઉ અને મોના બનેને જોઈ રહ્યા. પછી હકા ભીખાએ કટિયા સાથે વાત કરી અને કાર પાસે આવ્યો અને કાર્ડ આપ્યું.

Image Source

“ વી કે શેઠને મારા તરફથી જય ભદ્રકાળી કહેજો.. તમારો ઉપકાર ક્યારેય નહિ ભૂલું.. આમેય મને વીકે શેઠ પ્રત્યે માન હતું પણ વાદળી સુટકેસ એને આપી શકું તેમ નહોતો એ મારી મજબુરી હતી. ડિસોઝાને વચન અપાઈ ગયું હતું. એટલે કોઈ કાળે એ સુટકેસ એને જ આપવાની હતી પણ સંજોગો જ એવા પેદા થયા કે મારે મારું વચન પણ તોડવું ન પડ્યું. વળી પેલા પથ્થરની ખાણમાં પીએસ આઈ ની લાશ મળી એમાં મારા પર પોલીસખાતું દાઝે ભરાયેલ હતું અને એ વખતે મને એ ખબર હતી કે વીકે શેઠે પોતાના છેડા લગાડીને બધું જ રોળી ઢોળી નાંખ્યું. શેઠને એની સુટકેસ મળે એમાં રસ હતો એ હું જાણતો હતો . પણ હવે તમે મારા માટે સરળ રસ્તો કરી નાંખ્યો છે. આ કાર્ડ મારા ભાઈ બંધનું છે. એમને કંકુ રેસ્ટોરન્ટ છે. ત્યાં મારું કોઈ પણ કામ હોય તો કોન્ટેક્ટ કરશો. હકા ભીખાને કોઈના આભાર સાથે જીવવાનું બહુ ગમતું નથી અમે તો કાઠીયાવાડી માણસ એટલે અમને તરત વટક વાળવાનું ગળથૂથીમાંથી જ મળે છે. બસ દર પૂનમે હું અહિયાં પણ મળી જઈશ. અથવા આ રેસ્ટોરન્ટના સરનામે પણ તમારા શેઠને એક વાત કહેજો કે જે રીતે હું ભાગી છૂટ્યો છું એના છાંટા આર ડી ઝાલા સાહેબ માથે ન ઉડે એનું ધ્યાન રાખે. વી કે શેઠ વિષે મને બહુ ખબર નથી પણ આવા માણસોને રાજકારણી સાથે ઘરોબો હોય એ સ્વાભાવિક છે. બની શકે તો એ ગમે તે રીતે આર ડી ઝાલા સાહેબને બચાવી લે બાકીના સલવાઈ જાય તો મને વાંધો નથી. બાકી આર ડી ઝાલા જેવો જેલ અધિકારી મેં અત્યાર સુધી જોયો નથી. વીકે શેઠ ધારે એ કરી શકશે એવું મને લાગે છે. બસ જયારે મારી જરૂર હોય ત્યારે હું આવીશ. બાકી હવે હું શાંતિથી જીવીશ. બસ મારા ભાઈબંધની સાથે બીજો કોઈ સારો ધંધો કરીશ. પણ તમારા શેઠ માટે મારા દિલના દ્વાર સદા ખુલ્લા રહેશે. હકા ભીખાના મનમાં વીકે શેઠ પ્રત્યે કાયમી માન રહેશે ચાલો ત્યારે જય ભદ્રકાળી” કહીને ફટાફટ હકા ભીખા કટિયાની સાથે ચાલવા લાગ્યો. મોના અને સદાનંદ ભાઉ તેને જતા જોઈ રહ્યા છે.

“ બહુ ઓછા માણસો આવા હિમ્મતવાન હોય છે ભાઉ.. બહુ ઓછા માણસો” કહીને મોનાએ કાર ચલાવી. ચંડોળા તળાવ પાસે વીકે શેઠના એક ખાસ માણસના ઘરે આ કાર મૂકી દેવાની હતી અને ત્યાંથી બીજી એક એમ્બેસડરમાં એ અને સદાનંદ ભાઉ મુંબઈ તરફ જવાના હતા!! અને મુંબઈ જતા પહેલા મોના એ શેઠના ખાસ માણસના ઘરેથી વીકે શેઠને કેન્યા ફોન કરવાની હતી અને છેલ્લા સમાચાર આપવાની હતી અને સાથોસાથ હકા ભીખાની છેલ્લી આર ડી ઝાલા ને કશું જ ન થવું જોઈએ એ વિશે પણ વાત કરવાની હતી.
****
પી આઈ દવે ના વાયરલેસ પર મેસેજ આવ્યો કે એક કેદીની લાશ મળી છે ગોડાઉન પાસે અને લાશના બને હાથ સળગી ગયેલા છે અને મોઢું પણ ઓળખાય એમ નથી અને તરત જ આર ડી ઝાલા સાહેબ ને વાત કરીને ઝાલા સાહેબને કશીક શંકા પડી એ રજા પર હતા છતાં જેલ તરફ રવાના થયા. એના ભાઈ બંધ મકવાણા અને પી આઈ દવે પણ પોતાની ફરજ પર જવા રવાના થયા. આર ડી ઝાલા સાહેબ જેલની નજીક હતા ત્યારે એણે બબુડીયા રસ્તામાં દોડતો જોયો. જેલના ખૂણે એની ચાની કેન્ટીન હોવાથી એ એને ઓળખતા હતા. આર ડી ઝાલાએ જીપ ઉભી રાખી અને બબુડીયાના મોતિયા મારી ગયા. બબુડિયો હજુ છૂટીને આવ્યો હતો. આંખોની પટ્ટી છોડતી વખતે પેલા માણસોએ આપેલ ધમકીથી બબુડીયો એટલો ગભરાઈ ગયો હતો કે એ મુઠ્ઠીઓ વાળીને દોડતો હતો એવામાં આર ડી ઝાલા સાહેબે જીપ ઉભી રાખી એટલે બબુડીયા ના હાથ પગ જાણે પેટમાં ઘરી ગયા હોય એમ લાગ્યું.

“ કેમ અલ્યા ભાગતા ભૂતની જેમ ધોડ્ય છો?? કસરત કરવા નીકળ્યો છો કે શું?? આમેય સાવ સાંઠીકડા જેવો છોને પાછો દોડવાનું શરુ કર્યું છે..આખો દિવસ ચા ઉકાળી ઉકાળી ને પછી અધરાયાની જેમ ચા ઢીંચીને શરીર ગાળી દીધું છે તો તારે વળી દોડવાની શી જરૂર ચાલ જીપમાં બેસી જા તને જેલ પાસે ઉતારી દઉં.” બબુડીયાના જીવમાં જીવ આવ્યો. એ બેઠો તો ખરો પણ મનમાં ગભરાટ શરુ જ હતો. પણ આર ડી ઝાલાને મનમાં જેલની ચિંતા હતી એટલે એ બીજું કશું બોલ્યા જ નહિ. એટલે બબુડીયાને રાહત રહી. જેલ પાસે જીપ આવીકે તરત જ આર ડી ઝાલાએ જોયું કે બે પોલીસની ગાડીઓ બહાર ઉભી હતી અને એને ફાળ પડી. બબુડીયા ને ગેઇટ પર ઉતારીને એ જેલમાં ગયા અને ત્યાં માહોલ જોઇને સમજાયું કે મરનાર કેદી જેલનો જ હોવો જોઈએ. પઠાણ , ગામેતી કુરેશી ઉભા હતા અને ઘનશ્યામ પરબત ત્યાં ઉભા હતા.

Image Source

“ સાહેબ હકા ભીખા જેલમાં નથી અને બહાર ઉભેલા પોલીસ વાળા કહે છે અમદાવાદ જવાનો હાઈવે છે ત્યાં આગળ એક ગામની પાસે ગ્રોફેડના ગોડાઉન છેને ત્યાં એક કેદીની લાશ પડી છે. લાશના ચહેરા પર બને હાથ પર જલદ એસીડ નાંખવામાં આવ્યું છે એ બને હાથ એકદમ બળી ગયા છે અને મોઢું પણ ઓળખાય એવું નથી” કુરેશી બોલ્યો. પઠાણ ધ્રુજતો હતો. અર ડી ઝાલાનો ચહેરો એકદમ કરડો બન્યો એ પઠાણની પાસે ગયા અને બને હાથથી પઠાણનો કાંઠલો પકડ્યો અને પઠાણ ધ્રુજી ઉઠયો આર ડી ઝાલા બરાડી ઉઠ્યા.
“ પઠાણ કયા છે હકા ભીખા?? ક્યાંથી એ ભાગ્યો?? જવાબ આપ પઠાણ?? ડયુટીનું ભાન છે કે નહિ.. હું રજા પર હોવ ત્યારે આવું ધ્યાન રાખવાનું.. આ તો ગાંગો ગયો ગોકળ અને પાછળ થયું મોકળ થયું એવું થયું.. પઠાણ મારે હકા ભીખા જોઈએ હકા ભીખા બોલ્ય પઠાણ” કહીને ડાબા હાથની બે અડબોથ પઠાણના ગાલ પર પાડીને પઠાણ ગોથું ખાતા ખાતા રહી ગયો. પઠાણ ગાલ ચોળતો ચોળતો નીચી મૂંડીએ ઉભો રહ્યો.
“કુરેશી બહાર ઉભા રહેલ પોલીસને અંદર લઇ આવ.. ગામીત ફરીથી આખી જેલ જોઈ લ્યો.. અને ઘનશ્યામ તને કઈ ખબર છે હકા ભીખાની તને કોઈ વાત કરી હતી એણે??” આર ડી ઝાલા સાહેબની આંખમાંથી અંગારા વરસતા હતા. કુરેશી જેલના ગેઇટ તરફ ગયો અને ઘનશ્યામે કહ્યું.

“સાંજે હકા ભીખાને ન ભાળ્યા એટલે હું પઠાણ સાહેબ પાસે આવ્યો અને પૂછપરછ કરી તો એણે મને ઘચકાવ્યો અને કીધું કે કેદી ક્યાં છે અને ક્યાં નહિ એ તારે ધ્યાન નથી રાખવાનું એ ધ્યાન રાખવા વાળા અમે છીએ. ઝાલા સાહેબ છે તું તારી ઓરડીએ જતો રહે હું જતો રહ્યો અને હજુ હું હકા ભીખાની રાહે જમ્યો નથી. બે કલાકથી હું રાહ જોતો હતો. આ પઠાણ તો એમ પણ કહેતો હતો કે આર ડી ઝાલા કદાચ હકા ભીખાને પોતાની સાથે પણ લઇ ગયા હોય . આર ડી ઝાલા સાહેબ ઘણા કેદીને બહાર લઈને જાય છે એની પણ મને ખબર છે.. ઝાલા સાહેબ એનો એ વખતે રુઆબ જુદો જ હતો!!આ તો કુરેશી સાહેબ આવ્યા એટલે મેં એને આવીને કહ્યું. હું એને વાત જ કરતો હતો ત્યાજ તમારી ઓફિસમાં ફોન આવ્યો અને લાશના સમાચાર મળ્યા” ઘનશ્યામ પરબતે આટલું કહ્યું ત્યાં જ આર ડી ઝાલાનો ગુસ્સો બેકાબૂ બની ગયો પઠાણ ને પોતાની પાસે ખેંચ્યો અને આડેધડ ઘુસ્તાવ્યો એને પોતાની ચેમ્બરમાં લઇ ગયા અને અને જમીન પર પાડી દીધો. પઠાણનો પટ્ટો એના જ પેન્ટમાંથી ખેંચીને એ પટ્ટે ને પટ્ટે માંડ્યા આડેધડ સર્વિસ કરવા. અને પઠાણ બોલ્યો.

“ સાહેબ માપે હો બાકી મારું મોઢું ન ખોલાવતા. બાકી બધાના કપડા ઉતરી જશે. મને કઈ પણ થયું તો હું ઝાલ્યો નહિ રહું. તમે હકા ભીખા માટે બોટલની વ્યવસ્થા કરતાં એની ય ખબર છે. ઘનશ્યામ પરબતને બે વાર તમારી જીપમાં લઇ ને બહાર ગયા છો એ ય ખબર છે. હકા ભીખા અને ઘનશ્યામ પરબત તમારા પેલા ખોળાના છે એ ય મને ખબર છે હો એટલે માપે ઝાલા સાહેબ..આપણે બધા એક જ વહાણમાં છીએ. મને તમારી બધી જ ખબર છે હો એટલે હવે જાળવ્યા જાજો સાહેબ. હું કશું બોલવાનો નથી મને કાઈ જ ખબર નથી. હકા ભીખા કદાચ આજે માલ નાંખવા આવેલ ટેમ્પામાં નજર ચૂકવીને ભાગી ગયો હશે. પણ મને કશું થયું ને ઝાલા સાહેબ તો પછી હું એકલો નહીં મરું સાથોસાથ તમને લઈને જ જઈશ એટલું સમજી લેજો” અને આર ડી ઝાલાનો હાથ રોકાઈ ગયો. પઠાણને બીજી કોઈ જ ખબર નહોતી. ઝાલા સાહેબ હકા ભીખા માટે બોટલની વ્યવસ્થા કરતા અને ઘનશ્યામ પરબતને લઈને બહાર ગયા હતા એટલી જ ખબર હતી.શું કરવા લઇ જાય છે?? ક્યાં જાય છે?? કોના કહેવાથી લઇ જાય છે એ પઠાણને કશી જ ખબર નહોતી. હકા ભીખાને અને ઘનશ્યામ ને શા માટે સાચવે છે એ પણ ખબર નહોતી. પણ અંધારામાં મારેલું તીર આબાદ લાગી ગયું હતું. ઝાલા સાહેબની આંખોમાં અંગારા તો હતા પણ અંગારાથી પઠાણ હવે દાઝે એમ નહોતો.
સ્થાનિક શહેરના પી એસ આઈ આવીને ઝાલા સાહેબને બધી જ વિગત આપી. વળી પાછા ટેલીફોનના તાર રણઝણયા. અને પછી ઝાલા સાહેબ બોલ્યા. “ આને અહી તમારી પાસે બેસાડો હું ન આવું ત્યાં સુધી તમારે એની પાસેથી ઉભું નથી થવાનું” કહીને આર ડી ઝાલા અને કુરેશી બને જીપમાં ગોઠવાયા પોલીસની બે ગાડીઓ સાથે ઝાલા સાહેબ પોતાની જીપ સાથે ઘટના સ્થળે જવા રવાના થયા. ગામીત અને બીજા બે જેલકર્મી પઠાણની પાસે બેઠા. જેવા ઝાલા સાહેબ બહાર ગયા કે તરત પઠાણમાં પાછો પાવર આવી ગયો અને બોલ્યો.

“મને કઈ થયું તો વારો પાડી દેવાનો છે બધાયનો.. હું બધું જાણું છું અને તને તો હું મુકીશ નહિ કોડા તું સાહેબને ચાવી ભરાવતો હતોને તને તો હું અહી જેલમાં જ ખોખરો કરી નાંખીશ તારી તે જાતના ઘનુડા!! “ પઠાણ આટલું જ બોલ્યો ત્યાં તો ઘનશ્યામ પરબતે સીધી છલાંગ લગાવીને બેઠેલા પઠાણના પેટમાં એક પાટું ઠોક્યું ને ત્યાં તો પઠાણ બેવડ વળી ગયો અને ઘનશ્યામ બોલ્યો.

Image Source

“ જો હકા ભીખાની જ એ લાશ હોય અને અને હકા ભીખાને અહીંથી બહાર કાઢીને મારી નાંખવામાં જો તારો હાથ હશે અને એ સાબિત થઇ ગયું તો બાપના બોલથી કહું છું કે અ જેલમાં જ તારી કબર નો ખોદી નાંખું તો મારું ધાવણ લાજે. તારી જેવા મને શું ખોખરો કરવાના હતા. તારા હાડકા તો મારા હાથે ખોખરા થવાના છે દીકરા” બે જેલકર્મીઓ ઘનશ્યામ પરબતને ખેંચીને લઇ ગયા એની ઓરડી પાસે અને ગામીતે જોયું તો પેટમાં પાટું વાગવાથી પઠાણનું પેન્ટ પલળી ગયું હતું. ગામીતને આ જોઇને હસવું આવી ગયું અને પઠાણ નીચું જોઈ ગયો!!

આર ડી ઝાલા સાહેબ ઘટના સ્થળે પહોંચ્યા. ચાર પેટ્રોમેક્સ ના અંજવાળા વચ્ચે લોકોનું ટોળું ઉભું હતું. આર ડી ઝાલા એ કેદીના કપડા પર લખેલ નંબર જોયો. એ નબર હકા ભીખાનો હતો. ચહેરો ઓળખાય એમ નહોતો હાથ પણ એસિડના કારણે સળગી ગયા હતા. મોઢું એકદમ ભયંકર અને સાવ વિકૃત થઇ ગયું હતું. એસિડની તીવ્ર ગંધ સાથે દુર્ગંધ આવી રહી હતી. મોઢું આખું ખદબદી ગયું હતું. આખું મોઢું એકદમ ફૂલીને ફદફદી ગયું હતું.

“ સહુ પ્રથમ આ લાશ કોણે જોઈ??” પી એસ આઈ એ પૂછ્યું. જવાબમાં ત્રણ સ્ત્રીઓ આગળ આવી અને એણે વાત કરી. એ કુદરતી હાજતે જવા માટે આ ગોડાઉન પાસે આવતી હતી અને એ વખતે એક ચાલુ જીપમાંથી આ લાશ એક વ્યક્તિ નાંખી ગઈ ને જીપ શહેર બાજુ ગઈ હતી અને એ સ્ત્રીઓ ઘરે ગઈ અને એના ધણીને વાત કરી અને થોડી જ વારમાં લગભગ અર્ધું ગામ સરપંચ સહીત આવી ગયું હતું અને શહેરમાં પોલીસને ફોન કર્યો હતો.

“ લ્યો સાહેબ ચા પીવો એલ્યા માધીયા સાબોને ગાગરમાંથી પાણી આપો પાણી. આવડા મોટા સાહેબો એકી સાથે આપણા ગામમાં કેદી આવે તમે અલ્યા કઈ સમજતા નથી. લ્યો સાબ ચા લ્યો અલ્યા માધા બુંગણ પાથર્ય શું જડની જેમ ઉભો છો હાલ્ય હાલ્ય.. લ્યો સાબ ચા લ્યો હું આ ગામનો સરપંચ મારું નામ વિહા ભાઈ સરપંચ!! આપણે બે ત્રણ વાર મામલતદાર માં ભેગા થઇ ગયા તા પણ તમે મને નો ઓળખે બાકી ડીએસપી સાબ આપણી ઘરે ગઈ ચૂંટણીમાં ચા પી ગયા છે ડીએસપીને વિહા ભાઈ સરપંચ કયો એટલે ઓળખી જાય..આપણે મોટાભાગના અધિકારીઓ હારે ઘર જેવું છે બેહો બેહો સાહેબ એમ ઉભા રહ્યે નો પાલવે હજુ તો આખી રાત જાશે એમ લાગે છે..હજુ છો મહિના પેલા અહિયાં એક્સીડેન્ટ થયો ત્યારે તમે પી એસ આઈ સાહેબ કોઈ ભટ્ટ કરીને હતા તે બધું પંચનામું કરતા સવાર પડી ગયેલું. લ્યો સાવ ચા લ્યો..એકદમ ઘાટી રગડા જેવી છે આપણા ઘરની ભેંશના દુધની જ ચા છે” સરપંચે શરુ કર્યું અને સહુ એને જોઈ રહ્યા. બધા પાથરેલા બુંગણ પર બેઠા. ચા પીને વળી પૂછ પરછ થઇ. બધા વાત કરતા ગયા અને નવા નવા પડળ ખુલતા ગયા.

“ સવારે એક જીપ આવી હતી એમાં પેલા એક જણ હતો એણે ગોદામનું છેલ્લું શટર ખોલ્યું હતું” એક જણ બોલ્યો.

“ રોડની સામેની બાજુએ એક મોંઘી કાર ઉભી હતી ઢોરાની આડશમાં એમાંથી એક બાઈ ઉતરી હતી પછી એ બાઈ ગઈ અને બપોર ઢુંકડી એ કાર પાછી બાઈ અને ભાઈ આવ્યા એ ત્યાં ઢોરા પાસે ઉભા હતા. હું મારા બકરા ચારતો હતો સામેના ખારચામાં. અહી એવા વહીવટ થતા જ હોય છે એટલે અમને એની નવાઈ નહિ. રાતે ઘણીવાર ગોડાઉને મોટરો આવતી બાયું ય આવે ને ભાયું ય આવ્યે પૂછો આ સરપંચને કે હું તો ઘણી વાર કેતો હતો કે હવે આ પૃથ્વી પર પાપ વધી નકર આમ નો હોય!! પણ આપણું એમાં કોઈ દી ધ્યાન ન હોય. બાકી સરપંચ ધારે તો આ બંધ ન કરાવી દે” બીજો બોલતો હતો અને આર ડી ઝાલાએ પૂછ્યું. “ તમારું નામ બોલો”

“ મારું નામ સુરો રોજ મારા ઘેટા ચરાવું છું. પણ નામ લખવાનું હોય અને કોર્ટના ધક્કા ખાવાના હોય તો આપણે કાઈ જોયું ય નથી ને જાણ્યું ય નથી. કોકના પાપ મારે શું કામ ઉજાગર કરવા સહુ સહુના સહુ ભોગવે આપણે તો નીતીએથી હાલવા વાળા” વચ્ચે જ સરપંચ બોલ્યા. “ કાયમ કોકના શેઢે જ ઘેટા ચરાવવા અને ઉભા મોલ બગાડવા નયા નીતિ નથી નડતી. સાબ એની વાતમાં વિશ્વાસ નો કરતાં. ગામ આખાને પૂછી જુઓ એના જાજા ગપ્પા હોય છે સાવ ટાઢા પહોરના.”
“એ ય ને અમે તમને નડતા હોઈને તો આ હાલતા થઈએ. ભલાઈનો તો જમાનો જ નથી અહી તો સલ્લીને દલ્લી સહુ સરખા ભેગા થયા છે…. ઉગીને ઉભા થયા અને મારી સામું બોલે છે.સરપંચ થયો એમાં તો મોટી હવા ભરાઈ ગઈ છે પણ મારો દિનોનાથ કોકદી હવા કાઢી નાંખશે ને ત્યારે બકરી ડબ્બે પુરાઈ જાવાની છે એ નક્કી” કહીને મોટા ભારેખમ જોડા પછાડતો પછાડતો સુરો તો ચાલ્યો ગયો. એટલામાં પોલીસ સ્ટેશનથી તાલીમ પામેલો કુતરો આવી ગયો. કુતરો આમતેમ દોડ્યો વળી એ રોડ બાજુ ગયો ત્યાં આગળ ઢોરાં બાજુ ગયો ત્યાં આંટા માર્યા. ગામના ચાર લોકો માથે પેટ્રોમેક્સ બતી લઈને કૂતરાની વાહે વાહે જતા હતા. ત્યાં કારના ટાયર મળી આવ્યા.

વળી કુતરો ત્યાં આવ્યો અને ગોડાઉન પાસે ગયો. ગોડાઉનના ખુલ્લા શટરમાંથી અંદર ગયો.પોલીસ આર ડી ઝાલા અને અને બે પેટ્રોમેક્સ વાળા ગોડાઉન માં ગયા ત્યાં કુતરાએ આજુબાજ આંટા માર્યા. ખાલી પીપને કુતરા એ સુંઘ્યા. ત્યાં દોરડા પડેલ હતા વળી કુતરા ખાલી બારદાન હતા ત્યાં ગયા વળી પાછા આવ્યા અને બાવળની કાટ્ય માં ગયા ત્યાં ટાયરના નિશાન હતા અને પીએસઆઈ બોલ્યા એક નહીં બે ગાડીઓ હતી. એક જીપ અને એક કદાચ એમ્બેસડર અથવા ફિઆટ હોવી જોઈએ વળી કુતરો હકા ભીખાની લાશ પાસે ગયો. વળી સહુ બુંગણ પર બેઠા વળી સરપંચની ઘરેથી ચા આવી અને અચાનક આર ડી ઝાલાની નજર લાશના પગ પર પડી. લાશના પગમાં બુટ હતા. જેલના કેદીઓ પાસે બુટ નહોતા. બધા કેદીઓ ને ટ્રોટ કંપનીના સ્લીપર આપવામાં આવતા હતા. આર ડી ઝાલા ઉભા થયા. લીબર્ટી કંપનીના મોંઘા લેધરના બુટ હતા. આ બુટ એને યાદ આવ્યા ઝાલા સાહેબે મગજમાં ઊંડાણથી વિચારવાનું શરુ કરી દીધું આ બુટ એણે હમણા જ જોયેલા હતા પણ યાદ આવતું નહોતું અને અચાનક જ તેને યાદ આવ્યું. આજ સવારે ડિસોઝાએ જ આ બુટ પહેર્યા હતા. આજ ડિસોઝાના ચિત્રનો વર્કશોપ પૂરો થયો હતો અને એનો જે કાર્યક્રમ યોજાયો ત્યારે ડિસોઝા આજ બુટ પહેરીને એની બાજુમાં જ બેઠો હતો!! આર ડી ઝાલાના મનમાં ઘમાસાણ ચાલી નીકળ્યું કે આ લાશ ડીસોઝાની કે હકા ભીખાની?? કેમ નક્કી કરવું??? હકા ભીખાની જ લાશ હોય તો એના પગમાં ડિસોઝાના બુટ કેમ?? અને ડીસોઝાની લાશ હોય તો હકા ભીખા ક્યાં?? આર ડી ઝાલાના મગજ બરાબરનું ઘૂમરી એ ચડ્યું હતું!!
ક્રમશઃ

મિત્રો, જો તમે આ નવલકથાનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી કરીને અમને આ નવલકથાનો આગળનો ભાગ મુકવા માટે પ્રોત્સાહન મળી રહે અને આ નવલકથા માટેના રીવ્યુ પણ જરૂર આપજો, આગળ શું થવાનું તે જાણવા માટે રાહ જુઓ ભાગ 31ની, જલ્દી જ આવશે.

લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ”, શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ, મુ.પો ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.