પ્રસિદ્ધ મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે

ગાળિયો ભાગ – ૩ – બંનેની કોટડીથી બે કોટડી દૂર એક કાળો ઓળો બંનેની વાત રસપૂર્વક સાંભળતો હતો – વાંચો એક રોમાંચક નવલકથા મુકેશ સોજીત્રાની કલમે

જે મિત્રોને ભાગ-1, ભાગ-2, ભાગ-3, ભાગ-4, ભાગ-5, ભાગ-6, ભાગ-7, ભાગ-8, ભાગ-9, ભાગ-10, ભાગ-11, ભાગ-12, ભાગ-13, ભાગ-14, ભાગ-15, ભાગ-16, ભાગ-17, ભાગ-18, ભાગ-19, ભાગ-20, ભાગ-21, ભાગ-22, ભાગ-23, ભાગ-24 વાંચવાનો બાકી હોય તેઓ જે તે ભાગ બાકી હોય તેના પર ક્લિક કરે.

લોખંડનો ગેઇટ ખોલીને આર ડી ઝાલા ફટાફટ બિલ્ડીંગના છેલ્લાં ખૂણામાં પહોંચ્યા. છેલ્લાં ખૂણામાં કેદીઓ માટે પૂર્વ બાજુ શૌચાલય અને મુતરડીઓ હતી અને એની બરાબર સામે ન્હાવા માટેની જૂની ઓરડીઓ હતી. ન્હાવા માટેની ઓરડીઓની આગળ એક લીમડાનું ઘટાટોપ ઝાડ હતું અને એની નીચે પથ્થરની ચારેક છીપર ગોઠવેલી હતી એની ઉપર હકા ભીખા બેઠો હતો. હકાભીખા એકદમ ડાઘીયા જેવો લાગતો હતો. માર ખાઈ ખાઈને કસાયેલું પડ્છંદ શરીર. પચાસની આસપાસ પહોંચી ગયો હતો તેમ છતાં કાળા ભમ્મર વાળ. મોટી મોટી મૂછો. ગોટલા ચડી ગયેલા બાવડામાં મજબુત લાલ નસો દેખાતી હતી. પગના પંજા પર અઢળક મેલ અને સફેદ જેલના પોશાકમાં એ એકદમ ખૂંખાર લાગી રહ્યો હતો. આંખો લાલચોળ અને નાનજી નથુની તરફ એકી નજરે કાતર મારતો હતો. નાનજી નથું પણ સામેના પગથીયા પર બેઠો બેઠો નીચી મુંડી કરીને ભો ખોતરતો હતો.

આર ડી ઝાલા આવ્યા પાટીલ પાસેથી લાંબો અને મજબુત પરોણો એણે પોતાના હાથમાં લીધો અને હકા ભીખા અને નાનજી નથુ તરફ અછડતી નજર નાંખી આજુબાજુ ઉભેલા સાત થી આઠ કેદીઓ સમજી ગયા કે આજ ઝાલા સાહેબ વાંહા કાબરા કરવાના મુડમાં છે. આર ડી ઝાલા ને જોઇને હકા ભીખા ઉભો થયો અને બને હાથ છીપર પર ટેકવીને જાણે અંગુઠા પકડતો હોય એમ વાંકો વળીને બોલ્યો.

“ મારવો હોય એટલો મારી લે જો સાહેબ કોઈ અબળખા બાકી ન રહી જવી જોઈએ. બાકી નાનજીડા ને કહી દેજો કે બાપની સામું હવે પછી ગયો તો એનું બોર્ડ પૂરું જ થઇ જવાનું છે. મને વગર વાંકે કોઈ સતાવે એ મુદલ પસંદ નથી. વારે વારે દેગામા અને પાટીલ ભેળા નહિ આવે બાકી હવે પછી એણે મારું નામ લીધું છે ને મારા બાપનું નામ લીધું છે ને તો નો થાવાની થશે.” આર ડી ઝાલા હસ્યા અને હકા ભીખાને ઉભો કરીને બોલ્યાં.
“ અઠવાડીયાથી શાંતિ હતી આજ વળી પાછો ડખ્ખો કર્યો. વાત શી હતી એ તો કહે”

“ કાઈ નહોતું હું સંડાસ ની બહાર ઉભો હતો રાહ જોઇને થોડી વાર લાગી એટલે મેં બારણું ખખડાવ્યું ત્યાં અંદરથી નાનજી બોલ્યો કે શાંતિ રાખ તને નથી ખબર કે અંદર તારો બાપ બેઠો છે. બોલો નાની એવી વાતમાં એ બાપની સામું ગયો પછી હું કાઈ ઝાલ્યો રહું એક જ પાટા ભેગું સંડાસનું બારણું તોડી નાંખ્યું અને કાઢ્યો સાલા ને બહાર અને ઢીબી નાંખ્યો. બસ આજ વાત હતી બીજું શું હોય અહી” હકા ભીખા મોઢું ઊંચું રાખીને બોલતો હતો.

“ મને થોડી ખબર હતી કે બારણુ ખખડાવવા વાળો એ હતો. એ ખબર હોત તો હું બોલત જ નહિ” નાનજી નથુ એ ખુલાસો રજુ કર્યો કે તરત જ આર ડી ઝાલાએ બે પરોણા એના વાંહામાં ઝીંક્યા અને બોલ્યાં.

“ આટલો બધો પાવર છે તને હજુ.. બે વરસમાં આટલું ગળી ગયું છે અને પાડકાઈનો પાર નહિ. બીજાની ઉપર દાદાગીરી કરવી છે સાલા ડામીચ.. હાડકા ખોખરા થઇ જશે ખોખરા… એ ય પાટીલ લઇ જા આને એની કોટડીમાં અને આજે રાતનું ખાવાનું બંધ એટલે સવાર થશે એટલે મિયાની મીંદડી થઇ જશે અને દેગામાં આ હકા ભીખાને ૭૨ નંબરની વી આઈ પી કોટડીમાં રાખો બે દિવસ. પછી એનું વિચારીશું.” કહીને આર ડી ઝાલા પાટીલને પરોણો આપીને ચાલતા થયા. હકા ભીખાએ બાકીના કેદીઓની સામે ગર્વિષ્ઠ નજરે જોયું. નાનજી નથુની આજ માઠી બેઠી હતી. પેલા હકા ભીખાએ સારીપટની સર્વિસ કરી હતી અને છેલ્લે છેલ્લે આર ડી ઝાલા પણ આખા દિવસની દાઝ ઉતારતા હોય એન પોતાના બરડા પર બે પરોણા ઝીંકતા ગયા હતા. અને અધૂરામાં પૂરું સાંજે એક રોટલો અને પાણી જેવી દાળ પણ આજ એના નસીબમાં નહોતી.

દેગામા હકા ભીખાને લઈને આગળની કોટડીમાં ગયો. ૭૨ નંબરની કોટડીમાં હકા ભીખાને પૂરીને એ લટકા સાથે બોલ્યો.

Image Source

“ તમને અહી જ જમવાનું મળી જશે.. વળી બાથરૂમ પણ અંદર જ છે.. રોકાવ જેટલા દિવસ રોકાવું હોય તેટલા દિવસ.. બાકી ઝાલા સાહેબનો નિયમ છે કે કોઈપણ બે જણા જેલમાં ઝગડે એટલે એમાંથી એક નો જ વારો પડે.. બીજી વાર ઝગડો થાય ત્યારે બીજાનો વારો પડે એટલે સાનમાં સમજી જાજો. હવે ઝગડો ન કરતા નહિતર વારો પડી જશે”
અંધારું થવાને હજુ કલાકની વાર હતી. હકા ભીખાએ કોટડીમાં બે ત્રણ આંટા માર્યા અને અચાનક તેનું ધ્યાન સામે જ આવેલી ૭૪ નંબરની કોટડી તરફ ગયું અને એક જણ સૂતેલો જોયો. વિચાર્યું કે કોઈ નવો આવ્યો લાગે છે. વી આઈ પી હશે નહિંતર આવી સરસ કોટડીમાં એને રહેવા નો મળે. પોતાની બેસૂરી સીટી થી એણે પાકીઝાનું ગીત ગાવાનું શરુ કર્યું.

“ ચલતે ચલતે ,, ચલતે ચલતે… યું હી કોઈ મિલ ગયા થા સારે રાહ ચલતે ચલતે “
સાઈરનની જેમ હકા ભીખાની બેસૂરી સિટીનો અવાજ વધવા લાગ્યો અને આ અવાજ થી કેદી નંબર ૫૨૦ ઉર્ફે ઘનશ્યામ પરબત ઉર્ફે ઘનો જાગી ગયો. ઉભો થઈને એ કોટડીની આગળ આવ્યો અને સામે હકા ભીખાને જોયો. હકા ભીખાની સીટી બંધ થઇ ગઈ હતી. બને એકબીજાની સામે જોઈ રહ્યા હતા.

“ શું નામ રાખ્યા છે”
“ ૫૨૦ નંબર”
“ હું નંબર નહિ નામનું પૂછું છું”
“ ઘનશ્યામ પરબત”
“ ગામ ?”
“ નવલ ગઢ”

નવલ ગઢનું નામ સાંભળીને હકા ભીખા ચમક્યો. એની ચમક આંખોમાં ઉપસી આવી થોડી વાર એણે માથું ખંજવાળ્યું અને પછી બોલ્યો.

“નવલ ગઢ… નવલ ગઢ…. પરબત બચું, મનુ બચું અને ધનજી બચું સગા ત્રણ ભાઈઓને હું ઓળખું છું.. તું ક્યાંક પરબત બચુનો દીકરો તો નહીને??? પરબત બચુની પત્નીનું નામ મારા ખ્યાલથી ચંપા હતું.. જોકે એના લગ્નમાં હું આવેલો નવલગઢ એક જ વાર પણ પરબત બચું સાથે હું કોડીનાર ખાંડના કારખાનામાં પાંચ વરસ સાથે કામ કરેલું. ઈ વખતે તો પરબત બચુના લગ્ન પણ નહોતા થયા.”

“ જી એ જ પરબત બચુનો હો દીકરો.. પણ તમને આજ પહેલી વાર જોયા. તમારું નામ અને ગામ કયું??
“ મારું નામ હકા ભીખા આમ તો તારા બાપની સારથનો એટલે તારો કાકો થાઉં.. તારે મને હકા કાકા કહેવાના!! ગામ તો મારું તારા ગામથી ઘણું આઘું આવેલું છે બાદલ ગઢ”
“ ચાલો સારું થયું જેલમાં પણ કોઈ જાણીતું મળ્યું.. તમે શેનો ધંધો કરતાં હતાં હકાકા? “

“ ધંધામાં તો એવું છે ને ઘના કે લગભગ જાકુબના ધંધા સિવાય આપણે કોઈ ધંધો જ પાસ નથી કર્યો. વધારે પૈસા હોય એનો ભાર આપણે હળવો કરી નાંખવાનો. દેશી ભાષામાં કહું તો લુંટફાટ કરવાની આપણને નાનપણથી જ ટેવ!! પણ મને નવાઈ લાગે છે કે પરબત બચુનું લોહી જેલમાં કેમ કરીને આવ્યું? બાકી પરબત બચું એટલે લાખનો માણસ!! એકદમ સીધી લીટીનો માણસ એના ઉછેરમાં કોઈ જ ખામી ન હોય પછી ઘના તારે જેલમાં શા માટે આવવાનું થયું?

Image Source

“ એક અજાણતા હત્યા થઇ ગયેલ એની સજામાં આ જેલમાં સાત વરસ ગાળવાના છે. આજ હજુ પેલો જ દિવસ છે. પણ હવે વાંધો નહિ આવે કાકા જેવા કાકા ભેગા હોય પછી જેલની જિંદગી કંટાળાજનક નહિ જ લાગે!!”

“ અરે ઘના બેટા મૂંઝામા આ તારો હકો કાકો બાર વરસનો બેઠો છે ને.. તારે કોઈ વાતે મુંજાવું નહિ. મારે તો આ રોજનું થયું.. આની પહેલા આ જ જેલમાં કાચા કામના કેદી તરીકે બે વાર વિઝીટે આવી ગયો છું પછી બે વરસની એક સજામાં પણ આ વખતે પાંચ વરસની સજામાં આવ્યો છું અને હજુ બે કેસ ચાલે છે બહાર એમાં જો સજા પડે તો જોયું જશે બાકી નહીતર આપણે ત્રણ વરસમાં છૂટી જઈશું.”

થોડી વાર બેમાંથી કોઈ કશું બોલ્યું નહિ જેલ રક્ષક કોન્સ્ટેબલ પાટીલ થોડી વારમાં આવ્યો તેની સાથે બીજો એક કેદી હતો. એના બેય હાથમાં એલ્યુમીનીયમની ડીશ હતી. બે ય ડીશમાં એક એક રોટલો થોડુક શાક અને એક એક વાટકો દાળ હતી. બને કેદીઓને ડીશ આપી અને પાટીલ ઉભો રહ્યો. હકા ભીખા બોલ્યો.

“ પાટીલ ગોળ અને દુધનો એક એક ગ્લાસ લેતો આવ. આ નવો કેદી એ મારો જાણીતો છે અને ભત્રીજો પણ છે. એને ખાવામાં કોઈ તકલીફ ન પડવી જોઈએ. દર માસે તને જે રકમ આપવાની છે એ રકમમાં વધારો થઈ જશે. એની વ્યવસ્થા થઇ જશે ઓક ચલ ફટાફટ દૂધ અને ગોળ લેતો આવ્ય મારો ભાઈ કરું તને જા” પાટીલ અને તેની સાથેનો કેદી ગયો અને થોડી જ વારમાં બે ગ્લાસ દુધના અને ગોળના બે ગાંગડા જ નહોતા પણ સાથે બાજરાનો એક રોટલો પણ હતો. હકા ભીખા અને ઘનો જમવા બેઠા. હકા ભીખા જમતા પહેલા પૂર્વ દિશામાં મો રાખીને નીચે બેસી ગયો બે હાથ જોડીને એ કશુંક મનમાં ગણગણવા લાગ્યો. ત્રણેક મિનીટ પછી બને જણા એ ખાવાનું શરુ કર્યું.

“ જેલમાં તમારા માનપાન સારા લાગે છે હકાકા. માંગો એ મળી રહે છે.” ઘના એ પૂછ્યું.
“ હા પણ એની વ્યવસ્થા બહારથી થાય છે. ગમે તેટલી કડક જેલ હોય તમારી પાછળ કોઈનો હાથ હોય તો જેલમાં પણ ભૂખલા મહેલ જેવું જ જીવવા મળે છે. બહારથી જ આ લોકોને દર મહીને ચુકવણું થઇ જાય છે અને પરિણામે ખાવાનું થોડું સારું મળે. બીડી અને બાકસની વ્યવસ્થા થઇ જાય. કામમાં થોડી છૂટછાટ મળે બાકી સાચું કહું તો આ જેલનો ખોરાક જ એકદમ પચવામાં હલકો. તમને કોઈ તકલીફ જ ન થાય. વરસો જુનો ડાયાબીટીશ પણ મટી જાય એકદમ મસાલા વગરનું સિમ્પલ અને સાદું જમવાનું મળે અને એ પણ પ્રમાણસર અને રોજિંદુ મહેનતનું કામ પણ ખરુંને. વળી આચરકુચર કે મિષ્ટાન કે એવું ગળપણ વાળી કે તીખાતમતમતા ખોરાક તમને મળે જ નહિ. જેઈલ એટલે સરકારી ધોરણે ચાલતી શરીર અને માનસિક સુધારણા માટેનું એક ચીકીત્ચાલય જ સમજી લો. આ અમુક રોગ છે ને કે જે મટવા મુશ્કેલ છે જેમકે ડાયાબીટીશ, વધારે વજન, લો બીપી અને હાઈ બીપી આવા દર્દીઓ માટે સરકારે છ મહિના માટે જેલવાસ ફરજીયાત કરે ને તો આ બધું વગર દવાએ મટી જાય એમ છે આપણી વાત માને કોણ” જમતા જમતા હકા ભીખા ખડખડાટ હસી પડ્યો. ઘનો પણ હસ્યો.

જીવનમાં પહેલી વાર ઘનો આવું ખાઈ રહ્યો હતો. એકદમ મસાલા વગરની દાળ અને શાક, રોટલો પણ સહેજ મીઠાની તાણનો હતો.દૂધ એને બકરીનું લાગ્યું. ગોળ પણ સ્વાદમાં સહેજ ખાટો હતો. નાની ઉમરમાં જ ઘનો સ્વાદનો જાણકાર હતો. નવલગઢમાં કોઈના ઘરે રસોડું હોય તો રસોઈયો ઘનાને સહુ પ્રથમ દાળ અને શાક ચખાડતો. ઘનો એક છાલિયું ભરીને શાક લુખેલુખું ખાઈ જાય, એક છાલિયું ભરીને વઘારેલી દાળ પીય જાય અને પછી રસોઈયા ને સુચના આપતો.

Image Source

“ શાકમાં સહેજ વાના માતર નહિ જેવું મીઠું ઓછું છે. ખટાશ થોડી વધી ગઈ છે શેર જેટલી ખાંડ નાંખવી પડશે”
“ દાળ થોડી દુણાઈ ગઈ હોય એમ લાગે છે. તળિયે સહેજ બળી ગઈ હશે એમ કરો થોડા તજ , લવિંગ એલચીને એક ડોયામાં ઘીમાં નાંખીને તળી નાંખો અને પછી બીજી વાર વઘાર કરો એટલે પેલી બાડી વાસ આવે છે ને એ જતી રહેશે”

“ દાળમાં ચડિયાતું મીઠું છે એક કામ કરો મનજી કુંભારના ભઠ્ઠા પર જાઓ અને બે નવી ઈંટ લાવીને તાપેલાના તળીયે મૂકી દયો એટલે મીઠું માપસરનું થઇ જશે”
આવા તો કંઈક કોઠા કબાડા અને નુસખા ઘનશ્યામ પરબત નાની ઉમરમાં જ શીખી ગયો હતો. જમવાનું પૂરું કર્યું અને ડીશ એ ધોવા જતો હતો ત્યાંજ હકા ભીખા બોલ્યો.

“ ડીશ ધોવાની વ્યવસ્થા પણ પાટીલ કરી નાંખશે. આપણે અહી ખાલી મોજ જ કરવાની છે. બહારની કોઈ બળતરા નહિ અંદરની કોઈ જ ઈચ્છા નહિ. બસ જેલમાં આ રીતે રહેતા આવડી જાય તો ગમે એટલી સજા હોય વસમી નો લાગે” ઘનાને થયું કે આ હકા કાકા ગજબના માણસ લાગે છે. ભલેને ભણતર નહીં હોય પણ જીવનોપયોગી ગણતર એની રગેરગમાં છવાઈ ગયેલું લાગે છે.

થાળીઓ આવીને એક કેદી આવીને લઇ ગયો. સાથે સાથે એક તીસ નંબર બીડીની જુડી અને એક બાકસ પણ હકા ભીખાને આપતો ગયો. ગાઢ અંધારું છવાઈ ગયું હતું. બને કેદીઓ પોત પોતાની કોટડીમાં બેઠા હતાં. હકા ભીખા એ એક ૩૦ નંબર બીડી સળગાવી. અને પછી જુડીનો અને બાકસનો ઘા કર્યો ઘનાની કોટડી તરફ. બીડીની જુડી અને બાકસ આબાદ રીતે બે ય કોટડીના સળિયા વટાવીને ઘનાના ખોળામાં પડ્યું. અને હકા ભીખા બોલ્યો.

“ માર્ય ત્યારે સટ.. અહી હવે આ બીડીના શોખ સિવાય બીજા કોઈ શોખ પુરા થતા નથી. તુય એક ટટકાવી લે “ અંધારામાં સળગતી બીડીનું ફૂલું દેખાતું હતું અને ઘના એ પણ ત્રીસ નંબર સળગાવી અને બને કોટડીઓ ધુમાડાના ગોટા થી ભરાવા લાગી અને બે ત્રણ સટ માર્યા પછી હકા ભીખાએ વાત શરુ કરી.

“ તારા બાપાની ઉમર લગભગ સોળેક વરસની હશે ત્યારે હું એને કોડીનાર શેરડીના કારખાનામાં મળેલો. આજુબાજુના ગામડામાંથી શેરડીઓના ગાડા ભરી ભરીને વહેલી સવારથી મોડી સાંજ સુધી ફેરા કરવાના. બસ પછી નાની નાની ઓરડીઓ હોય એમાં સુઈ જવાનું. અમારી સાથે બીજા ઘણાં હતા અને લખણના પુરા હતા પણ પરબત બચું એટલે પરબત બચું એનામાં એક પણ લખણ જોવા ન મળે. એ વખાના માર્યા મજુરી કરવા આવેલા હતાં. તારા દાદાના માથે થોડુક કરજ વધી ગયું હતું એટલે ગામના માથાભારે લોકોએ જમીન વાવવા માટે લઇ લીધી હતી. તારા બાપાથી બને મોટા ભાઈઓ એમાં ક્યાય ધ્યાન નો આપ્યું અને નાની ઉમરમાં જ તારા બાપા માથે દાદીમાને સાચવવાની જવાબદારી આવી ગઈ હતી. તારા દાદાનું તો એ વખતે અવસાન થઇ ગયેલું. જમીનના ત્રણ ભાગ પડી ગયા. મોટા બે ય ભાઈઓ કરગઠીયા હતા. દાદીમાની જવાબદારી અને દાદાનું લેણું બેય તારા વાંઢા બાપા માથે નાંખી દીધેલું. આમ તો ભાયું ભાગ પડે ત્યારે વાંઢા માથે લેણું નો હોય પણ એ વખતે. તારા બેય મોટા બાપુ મનુ બચું અને ધનજી બચું બે ય પરણિત હોવા છતાં લેણામાં ભાગ નો આપ્યો અને લેણદારોને કહી દીધેલું કે પરબતના ખાતે આવેલી જમીન તમે વાવો અને પાંચ વરસમાં પરબત લેણું નો ચૂકવી શકે તો જમીન નો દસ્તાવેજ પરબત તમને કરી દેશે. આવી બધી વાતો તારા બાપા અમને રાત્રે કહેતા. અમે એ વખતે પણ ખાવા અને પીવાના શોખીન એટલે કાઈ વધતું નહિ પણ તારા બાપુજી એક એક પૈસો બચાવે. ચોરીના રવાડે તો હું એ વખતે પણ ચડેલો જ. પણ તારા બાપા મને કહેતા કે હકા તને ભલે અત્યારે સારું લાગે પણ આ ચોરીનો અને લુંટફાટનો ધંધો તને એક વખત જેલની સજા કરાવશે જ. પણ અમે કોઈ નો માન્યા એટલે છૂટી છવાઈ ધાડ મારી લેતા ખાસ કરીને એ વખતે સોરઠમાં લગ્ન પ્રસંગ વખતે એક બે સ્ત્રીઓના ગળાનો ભાર અમે ઓછો કરી નાંખતા અને બધું મોજ શોખમાં ઉડાવી દેતાં. પાંચ જ વરસમાં તારા બાપાએ સારી એવી કમાણી કરી લીધેલી એટલે એણે કોડીનારથી વિદાય લીધી. પછી તો એણે ચાર વરસ પછી એના લગ્નની કંકોતરી પણ મોકલાવી હતી. અમે બધા લગ્નમાં ગયા હતા. દાદાજીનું બધું લેણું તારા બાપાએ ચૂકવી દીધું હતું. અને પોતાની રીતે એણે કુટુંબના કોઈ પણ ટેકા વગર પોતાનું સગપણ જાતે શોધી લીધું અને ચંપાને પરણી ગયાં. અને પછી એના કિસ્મત ખુલી ગયા હતા. અત્યારે તારા ઘરની જે પરિસ્થિતિ છે તારી બા આવ્યા પછી જ સારી છે એમ મને પરબતે છેલ્લી ટપાલમાં લખ્યું હતું” હકા ભીખા એ ત્રીસ નંબર બીડી પૂરી કરી અને ઠુંઠું દીવાલની બાજુમાં ફગાવ્યું. અને ઘનો બોલ્યો.

“ આજે બને મોટા બાપા કરતાં અમારે સારું છે. પણ તમે જે ઈતિહાસ કીધો મારા બાપાનો એ મને ખબર્ય નહોતી પણ મારા બાપા મારા મોટા બાપાઓ જોડે બહુ ઓછો વેવાર રાખે છે. એ કેમ રાખે છે આવું એ આજે ખબર પડી. હા આખા ગામમાં મારા બાપાની આબરૂ સહુથી વધારે છે એની મને ખબર્ય છે. પણ આજે સાચું ખબર પડી વળી આ વાત તેમણે મને નથી કરી કદાચ એના મનમાં એવું હોય કે શા માટે સામે ચાલીને નવી પેઢીમાં ઝેર રેડવું. જે થયું એ થયું એને ભૂલી જવાનું એમ એ સહુને કહેતા ફરતાં હોય છે”

“ ચાલ ત્યારે હવે લંબાવ્ય કે વહેલી પડે સવાર” કહીને હકા ભીખાએ બેઠા બેઠા જ કોટડીની ફર્શ પર લંબાવી દીધું. ઘનો પણ સુઈ ગયો,

Image Source

બનેની કોટડીથી બે કોટડી દૂર એક કાળો ઓળો બનેની વાત રસપૂર્વક સાંભળતો હતો. બને સુઈ ગયા છે એની ખાતરી કરીને એ ઓળો ઝડપથી ધીમા પગે ત્યાંથી દૂર ખસી ગયો હતો અને ફટાફટ જેલની મેઈન ઓફીસ પાસે પહોંચી ગયો હતો. એ દેગામાં હતો. આર ડી ઝાલા એ એને ખાસ કામ સોંપ્યું હતું હકા ભીખાની બાબતમાં. ઘના અને હકા ભીખા અને બીજા કેદીઓ વચ્ચે જે કાઈ વાતચીત થાય એ બધી જ દેગામાએ આર ડી ઝાલા ને પહોંચાડવાની હતી. અને એના બદલામાં દેગામાને દર મહીને પગાર ઉપરાંત ના એક હજાર રૂપિયા મળતાં હતા. આ પૈસા કોઈ સુરતનો એક શેઠિયો આપતો હતો પણ એના નામની દેગામાને ખબર નહોતી. એ ઝટપટ ઉતાવળે ઉતાવળે આર ડી ઝાલાને મળવા જઈ રહ્યો હતો. આર ડી ઝાલા આજે મોડે સુધી જેલમાં રોકાવવાના હતા. પાટીલે જ્યારે એને જણાવ્યું કે ઘનો હકા ભીખાનો ભત્રીજો થાય અને ઘના ના બાપા અને હકો વરસો પહેલાના એક બીજાના પરિચિત છે ત્યારથી જ આર ડી ઝાલાનું મન કહેતું હતું કે કદાચ એનું કામ હવે સહેલાઈ થી થઇ જશે. દેગામાં સિવાય પાટીલને પણ હકા ભીખા પર ધ્યાન રાખવાની સુચના આપી હતી.

દેગામા એ પોતે જે સાંભળ્યું હતું એ બધું જ આર ડી ઝાલા સમક્ષ રજુ કરી દીધું. બધી જ વાત સાંભળીને આર ડી ઝાલાનું મગજ ફટાફટ દોડવા લાગ્યું. દેગામાને સો રૂપિયાની નોટ બક્ષિશ તરીકે આપીને માથે હળવી ટપલી મારીને ઝાલા સાહેબ ઉભા થયા. દેગામાં પણ મલપતી અને ઠુમકતી ચાલે ખિસ્સામાં નાંખેલી નવી નકોર સોની નોટ ને પંપાળતો પંપાળતો પોતાના સુવાના રૂમ તરફ જઈ રહ્યો હતો.
ગાળિયો નાંખવાની શરૂઆત થઇ ગઈ હતી.

***************ભાગ ત્રણ પૂર્ણ *****************

ક્રમશ :
મિત્રો, જો તમે આ નવલકથાનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી કરીને અમને આ નવલકથાનો આગળનો ભાગ મુકવા માટે પ્રોત્સાહન મળી રહે અને આ નવલકથા માટેના રીવ્યુ પણ જરૂર આપજો, આગળ શું થવાનું તે જાણવા માટે રાહુ જુઓ ભાગ 4ની, જલ્દી જ આવશે.

લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ”, શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ, મુ.પો ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.