મુકેશ સોજીત્રા લેખકની કલમે

“ગાળિયો” ભાગ – 29 – આ ખેલ પાછળ અસલી હાથ છે મુન્ના શેઠ અને ઉસ્તાદ…– વાંચો રોમાંચક નવલકથા મુકેશ સોજીત્રાની કલમે

જે મિત્રોને ભાગ-1, ભાગ-2, ભાગ-3, ભાગ-4, ભાગ-5, ભાગ-6, ભાગ-7, ભાગ-8, ભાગ-9, ભાગ-10, ભાગ-11, ભાગ-12, ભાગ-13, ભાગ-14, ભાગ-15, ભાગ-16, ભાગ-17, ભાગ-18, ભાગ-19, ભાગ-20, ભાગ-21, ભાગ-22, ભાગ-23, ભાગ-24, ભાગ-25, ભાગ-26, ભાગ-27 ભાગ-28 વાંચવાનો બાકી હોય તેઓ જે તે ભાગ બાકી હોય તેના પર ક્લિક કરે.

“હું ડિસોઝાને લઈને ગોડાઉને પહોંચ્યો તો એક સ્ત્રી આવી એના હાથમાં એક ખાલી પાણીની બોટલ હતી. એક
હાથમાં કેન હતું. એણે કીધું કે એના પતિ રોડ પર ઉભા છે કાર ખરાબ થઇ ગઈ છે. ખુબ તરત લાગી છે અને એન્જીનમાં પાણી ખૂટી ગયું છે તમારી પાસે થોડું પાણી હોય તો આપોને ભાઈ સાબ. હું ના પાડવા જતો હતો ત્યાં ડિસોઝા આડો ફાટ્યો અને કહ્યું અહી અંદર પાણી છે લઇ લ્યો તમારે જેટલું લેવું હોય એટલું અને પછી તરત એ બાઈ અંદર આવી અને મને આંખમાં અને નાકમાં અચાનક ફુવારા જેવું છાંટ્યું. હું બેભાન થઇ ગયો. અને ભાનમાં આવ્યો ત્યારે અંધારું થઇ ગયું હતું હું જીપમાં બેઠેલો હતો મારી બાજુમાં હકા ભીખા હતો કેદીના કપડામાં હતો એના બેય હાથ ફદફદી ગયા હતા. બે ય હાથે ફોલ્લા પડી ગયા હતા. ચહેરો આખો ફોલ્લા વાળો અને બળી ગયો હતો. ભયંકર તીખી વાસ આવતી હતી. ઘડીકમાં જ હું સમજી ગયો કે ડિસોઝા દગો દઈ ગયો છે. પેલી જે બાઈ આવી હતી એ ડિસોઝાની સાગરિત હશે એમ મારું માનવું છે. એણે મને બેભાન કરી દીધો હતો. પછી મારી જગ્યાએ ડિસોઝા હકાભીખા ને લઇ આવ્યો હશે જેલ પાસેથી અને પછી કદાચ એની પાસેથી એને જોઈતી વસ્તુ મળી ન હોય કે પછી એ વસ્તુનું એણે આપણી પાસે બહાનું કાઢ્યું હોય અથવા તો એને હકા ભીખાને પૂરો કરવા માટે જ આ બધું કમઠાણ રચ્યું હોય પણ વાત આ તો સાચી જ કે ડિસોઝા અને પેલી એની સાગરિત બાઈએ હકા ભીખાને મારીને મારી બાજુમાં જીપમાં ગોઠવી દીધો હોય. પછી હું જીપ લઈને હાલતો જ થયો અને મને વિચાર આવ્યો કે જીપમાં બાજુમાં પડેલી આ લાશનું શું કરવું એટલે ઉતાવળમાં એ લાશ હું ગોડાઉનના મેદાનમાં ચાલુ જીપમાંથી બહાર નાંખી દીધી. અને હું જીપ લઈને અહી આવ્યો છું. મારો કોઈ જ વાંક નથી વાંક નાલાયક ડિસોઝાનો છે એ બાઈનો છે જેણે મને બેભાન કરીને એ લોકો પોતાની ચાલ ચાલી ગયા.” કિશન તળશી અને સજુભા આગળ બોલતો હતો. લગભગ એ સાચું જ બોલતો પણ એક જ વસ્તુ એ ખોટું બોલ્યો કે પેલી સ્ત્રીને પાણી ભરવા માટે ડિસોઝાએ અંદર આવવા દીધી. બાકી એને મનમાં સ્ત્રીની લાલચ જાગી હતી એટલે એણે જ અંદર આવવા દીધી હતી. પણ પોતાની ભૂલ એ કબૂલ કરવા માંગતો નહોતો.

Image Source

“તને ત્યાં કોઈ જોઈ તો નથી ગયુંને અત્યારે” તળશી એ ધ્રુજતા અવાજે પૂછ્યું.

“હા હું જીપ લઈને આવતો હતો ગોડાઉનના મેદાનમાંથી ત્યારે ત્યાં આવેલ ગામ બાજુ બે ત્રણ બાયું ઉભી હોય એમ
લાગ્યું. બહુ દૂર હતી એ પણ મારું મગજ જ બહેર મારી ગયું હતું એટલે તરત જ હું અહિયાં આવી ગયો છું” કિશન બોલ્યો.

“ જે થયું એ થયું હવે આ જીપના નકલી નંબર પ્લેટ કાઢી નાંખ અને અસલી નંબર પ્લેટ લગાવી દે ચલ ફટાફટ અને
પછી પેલા કડબના ઓઘા પાસે એને મૂકી આવ્ય હાલ્ય આટલું કર્ય અને તું અત્યારે ને અત્યારે ઘરે જતો રહે. જ્યાં સુધી હું ન કહું ત્યાં સુધી તારે ઘરેથી બહાર નીકળવાનું નથી. બરાબર મારે તને જે કહેવાનું હશે એ હું અહીંથી વાડીએથી માણસ મોકલીશ દુકાને એ તને વાત કરશે અને તું બીજું કોઈ દોઢ ડહાપણ ના કરતો તારી ભાભીને પણ કહી દે જે કે હું ચાર પાંચ દિવસ નહિ આવું અને બીજી વાત કે અત્યારે ઘરે જાને ત્યાં આંબલી હેઠળની ઓરડીમાં જે માલ પડ્યો છે એ તરત જ બાજુમાં આવેલ શાંતુમાના મકાનમાં ફેરવી નાંખવાનો છે અને હું જ્યાં સુધી બીજી સુચના ન મળે ત્યાં સુધી કોઈને એક પણ બોટલ વહેંચવાની નથી. પોલીસ આવે તો એને વ્યવસ્થિત જવાબ આપવાનો છે કે તળશી ભાઈ બહાર ગયા છે ત્રણ ચાર દિવસ પછી આવશે એમ કહીને ગયા છે. તારી ભાભીને પણ સમજાવી દેજે. એને આ બધી વાત ના કરતો પણ એને કહેજે કે એક તાતકાલીક કામ આવી ગયું છે. બસ બાકી તું બધું ત્યાં સંભાળી લે જે હું અહી સજુભા સાથે જ છું. મારે હવે તેલ પણ જોવું પડશે અને તેલની ધાર પણ જોવી પડશે” તળશી શેઠનો હુકમ સાંભળી ને કિશનનું મગજ તરત જ ફ્રેશ થઇ ગયું. એને લાગ્યું કે માંડ માંડ છૂટ્યા અને હવે એ બે ત્રણ દિવસ ઘરે એકલો જ હશે તળશી ભાઈ તો હમણા નહિ આવે એના મનમાં સોણલા જાગી ઉઠયા હતા. એને તળશીની ઘાટીલી પત્ની દક્ષાનુ શરીર દેખાઈ રહ્યું હતું ઘણા દિવસે આટલા લાંબા સમય માટેનું એકાંત મળી રહ્યું હતું. થોડીક વાર પહેલા એના મનમાં એક ભયાનક ડર ઉભો થયો હતો અને અત્યારે એ મફતીયાપરા તરફ રાજદૂત લઈને જતો હતો અને ડર સાવ ગાયબ થઇ ગયો હતો.

“પણ આ ટેમ્પા વાળા ગદ્ધના કેમ નો આવ્યાં. આ એના ડોહા રાતના દહ વાગ્યા. હકા ભીખા પણ જેલમાંથી
છૂટ્યો મતલબ કે કામ પૂરું થઈ ગયું છે તો પછી આ કોડા અત્યાર સુધી ક્યાં સલવાણા અને એ નો આવે ત્યાં લગી આપણું બુંગણ સલવાણું છે. અહી આપણે આ ચાર ને રોક્યા એનું શું કરવું?? આ તો ભારે રોજડી થઇ છે ને કાઈ!! થાવા વાળી થઇ છે ને કાઈ??” સજુભા આમ તેમ બબડતા હતા અને આંટા મારતા હતા.

“સજુભા મને તો હવે બહુ મોળા વિચાર આવે છે આપણે એ લોકોને જવા દેવા જોઈએ. આંખે પાટા બાંધીને
આ ડુંગરો વટાડી દઈએ પછી એને જવું હોય ત્યાં જાય. કદાચ અહી તપાસ આવે ને આ પકડાય તો મોટામાં મોટું પ્રૂફ આ ચાર જણા.. બાકી એ વહ્યા જાય તો પછી પોલીસ તો શું મીલીટરી આવે ને તોય પોગી વળાય.. આ ઘો ને હવે અહી રખાય નહિ. હાલો એને કાઢો બાર એટલે હું એને ત્રેકાત્રની બોઘીમાં બેસાડીને મૂકી આવું. હવે જીપ લઇ જવામાં જોખમ છે. આમેય ટ્રેકટરમાં ખડના ભારા છે જને. એ ચારેય ને ભારાની આડશમા સંતાડીને ડુંગરની ઓલી પાર રોડે મૂકી આવું પછી એ ય જાય તેલ લેવા અને ટેમ્પોય જાય તેલ લેવા.. આ ચાર બુન્ધિયાળ લાગે છે.. આવ્યા ત્યારની કઠણાઈ શરુ થઇ ગઈ છે. સાવ બુન્ધિયાળ લાગે છે બુન્ધિયાળ!! તળશી બોલતો હતો સજુભા એ સાંભળ્યું અને સહમત થયા. તરત જ વાડીના મુખ્ય સાથી રતિયાને બોલાવી ને સજુભા બોલ્યા.

“રતિયા કપાસની ઓરડીમાં પૂર્યા છે એ મહેમાનને બહાર કાઢીને આહી લાવ્ય તો હાલ્ય ઝપાટો બોલાવ્ય.. ધરમના
કામમાં ઢીલ નો પાલવે રતિયા” સજુભા પોતાની સ્પેશ્યલ બોલીમાં રતીયાને કહ્યું. રતીયો તરત જ ચારેય ને લઇ આવ્યો. પાછળ બાંધેલા હાથે અને આંખો પર કાળી પટ્ટી સાથે ચારેય લાઈન બંધ ઉભા રહ્યા.

“કામ પૂરું થઇ ગયું છે. તમે ચારેય હવે છુટા છો. તમને મેઈન રસ્તા પર ઉતારી દેવાશે ત્યાં તમારી આંખો પરના
પાટા ખોલવામાં આવશે પછી તમારે ચુપચાપ ડાયા ડમરા થઇ ને તમારી રીતે જતું રહેવાનું. જરાક પણ હોંશિયારી દેખાડીને તો આ ડોહી સગી નહિ થાય” આટલું કહીને સજુભા એ જુના જમાનાની રાયફલ ચારેયના ગળે અડાડી.

“અમારો ટેમ્પો ક્યાં છે? ” ચારમાંથી જેનું નામ વિઠ્ઠલ હતો એ બોલ્યો.

“તમને જ્યાં ઉતારશે ત્યાં ટેમ્પો આવી જશે” સજુભાએ કહ્યું.

“ટેમ્પો આહી લાવો તો સાચું બાકી તમારે મારવા હોય તો મારી નાંખો પણ અમે જવાના નથી” વિઠ્ઠલ બોલ્યો
અને તળશી સાથે સજુભા પણ ચમક્યા.

“શું બોલ્યો સાલીકડીના ફરીથી બોલ્ય તો મારી સામે બોલશો કોડા” કહીને સજુભાએ વિઠ્ઠલાની ગળચી પકડીને
નઢીયો દબાવ્યો. જવાબમાં વિઠ્ઠલ બોલ્યો.

“બાપુ ખોટી દબડાટી નો બતાવો ચોખ્ખું કહી દ્યો કે તમારા એ ચાર માણસો ટેમ્પો લઈને નાસી ગયા છે. જો આ
વાત સાચી હોય તો કહી દો એટલે હું તમને રસ્તો બતાવું બાપુ બાકી અમે તો હવે ભેખડે ભરાણા જ છીએ પણ તમે અને આ તમારો સાગરિત પણ ભેખડે ભરાશે.. બાપુ મને જે બીક હતી એ જ થયું.. મને હતું જ કે ટેમ્પો પાછો નહિ જ આવે અને અને કદાચ આવશે તો પોલીસ પાર્ટી સાથે આવશે. પણ બેમાંથી કોઈ નો આવ્યું એટલે બાપુ બીજી બધી હોંશિયારી રહેવા દો અને અમારા હાથ અને આંખો પરની પટ્ટી દૂર કરો તો હું આખી વાત સમજાવું “ વિઠ્ઠલ જે રીતે બોલતો હતો એ જોઇને સજુભા તો નવાઈ જ પામ્યા પણ સાથોસાથ તળશીની નવાઈનો પણ પાર ન રહ્યો. સજુભાના કહેવાથી રતીયાએ ચારેયના હાથ જે પીઠ પાછળ બાંધેલા હતા એ છોડ્યા અને આંખો પરની પટ્ટીઓ પણ દૂર કરી અને તરત જ તળશીની સામું જોઇને વિઠ્ઠલ બોલ્યો.

Image Source

“પેલા ખાટલા ખાલી પડ્યા છે એની પર બેસીને વાત કરીએ કારણકે હવે અમારે લગભગ તો આ વાડીયે જ ધામા નાંખવા પડશે. અમને પકડીને તમે અમારા બધાજ દરવાજા બંધ કરી દીધા છે એટલે હવે અમે તમારા નવા રોટલીયા છીએ સજુભા બાપુ!!” બધા ખાટલા પર બેઠાં અને બાજુમાં પડેલ માટલામાંથી વિઠ્ઠલ અને એના બીજા ત્રણ સાથીઓએ પાણી પીધું.

“હવે થોડુક ખાવાની વ્યવસ્થા કરી નાંખો ત્યાં સુધીમાં હું મારી બધી વાત કરી દઉં પછી નિર્ણય તમારે લેવાનો છે કે
આમાં ભૂલ કોની છે અને હવે તમારે શું કરવાનું છે” વિઠ્ઠલ બોલ્યો અને સજુભા એ રતીયાને કહ્યું અને રતીયો જમવાની
વ્યવસ્થા કરવા જતા રહ્યો અને વિઠ્ઠલ બોલ્યો ગળું ખંખેરીને.

“મારું નામ વિઠ્ઠલ એ તો તમને હવે ખબર જ છે.. આ મારી બાજુમાં બેઠો એ કાન્તીયો , એની બાજુમાં જેન્કો ,
નિલિયો અને છેલ્લો દીપ્લો.. અમે બધા આમ ઓ પાંચેક વરસથી આવી રીતે ગુજરાતમાં બધી જગ્યાએ સરકારી માલસામાન ઉતારવા જઈએ છીએ. અમારા બધા વાહન પર GOVT. OF GUJARAT લખેલું હોય પણ હકીકતમાં આ કોઈ સરકારી વાહન નથી. એક મોટા કોન્ટ્રાક્ટરના આ બધા વાહનો છે. નામ તો તમે સાંભળ્યું જ હશે…. વી સી કોન્ટ્રાક્ટર!! બસ આ વીસી ના વાહનો દ્વારા જ આખા ગુજરાતના દરેક જીલ્લામાં અને તાલુકામાં ઘઉં ચોખા ખાંડ એટલે કે રેશનીંગની તમામ વસ્તુઓ અને જેલમાં તેમજ સરકારી છાત્રાલયોમાં જરૂરી વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે. વી સી કોન્ટ્રાક્ટર સહુથી ઓછા ભાવમાં આ સેવા પૂરી પાડે છે. દર વરસે ટેન્ડર નીકળે ત્યારે સાવ પાણીના ભાવમાં વી સી આ કોન્ટ્રાક્ટ રાખે છે. બીજાને આ ભાવમાં પોસાતું નથી એટલે લગભગ વીસીનો આ ધંધામાં દબદબો રહ્યો છે અને કોઈ જ હરીફ નથી. વળી અમારા જેવા ડ્રાઈવર અને મજુરોને પણ બીજી કોન્ટ્રાક્ટ કંપની કરતાં ડબલ મહેનતાણું આપે છે. પણ બીજી એક રહસ્યની વાત છે એ અમારા સિવાય કોઈને ખબર નથી. વીસીના મોટા ભાગના વાહનો જયારે ડીલીવરી દેવા જાય ત્યારે જે તે સિટીમાં બીજી વસ્તુની ડીલીવરી પણ કરતા આવે છે. વાહન ઉપર govt of gujraat લખેલું હોવાથી કોઈ ઉભું જ ન રાખે અને કદાચ ઉભું રાખે તો ડ્રાઈવર પાસેથી કાગળિયાં જોવે અને તરત જ જવા દે છે. હવે તો આ રંગના વાહનો ના કાગળિયાં પણ ચેક નથી થતા. રસ્તામાં જેમ એમ્બ્યુલન્સ ને રસ્તો આપી દે એમ આ ટેમ્પાને પણ રસ્તો આપી જ દે છે. કરછના દરિયાકિનારે આવતું સોનું ચાંદી અને બીજી માદક દ્રવ્યો વીસીના આ વાહનો દ્વારા જ અમદાવાદ સુધી આવે છે. અને અમદાવાદથી આ વાહનો દ્વારા આખા ગુજરાતમાં જે તે શહેરના ડીલરો દ્વારા ડીલીવરી થઇ જાય. અને તમે જે ટેમ્પો અમને તમંચા ની અણી બતાવીને લઇ ગયાને એમાં સહુથી તળિયે સોનાની પાંચ પાટો હતી. વાત આમ હતી સજુભા” વિઠ્ઠલે કહ્યુ અને સજુભા બોલ્યા.

“પેલા નો કહેવાય!!! અને આમ રેઢે રેઢી સોનાની પાટ ટેમ્પામાં હોતી હશે તમે ટેમ્પો લઈને ભાગી જાવ તો વી સી
તમારું શું ઉખાડી લે??” જવાબમાં વિઠ્ઠલની બાજુમાં બેઠેલ કાન્તીયો બોલ્યો.

“તંબુરામાંથી તમને કહે.. તમે અમને મોકો જ આપ્યો નથી આ તો તરત જ મોઢા પર પટ્ટીઓ બાંધીને જીપમાં નાંખી
દીધા અને લઇ આવ્યા અહિયાં. આ તો હવે ટેમ્પો પાછો નથી આવ્યા ને તમારી સલવાણી માતા ગરબે રમી ગઈ એટલે નાછૂટકે તમે અમને છોડવા તૈયાર થયા છો પણ અમે અહીથી નથી જવાના તમારે અમને મારવા હોય તો મારી નાંખો એટલે કામ પતે બાકી અહીંથી બાર જઈએ એટલે ત્યાં પણ બંદુકની ગોળીઓ અમારું સ્વાગત કરવા માટે તૈયાર જ હશે. તમે બેયે તો અમારી પત્તરડી આણી છે સજુભા. તમે તો અમારી બરાબરની અણી કાઢી લીધી છે તળશીભાઈ” જવાબમાં વિઠ્ઠલ બોલ્યો તમને આની બોલી કોબાડ લાગશે પણ આની વાત સાચી છે તમને હું સમજાવું.

“વીસી તો ફક્ત ડીલીવરીનું કામ સંભાળે છે પણ આ ખેલ પાછળ અસલી હાથ છે મુન્ના શેઠ અને ઉસ્તાદ કિંગ વીસી તો ફક્ત વીસ ટકાનો જ ભાગીદાર છે બાકી મુન્ના શેઠ અને ઉસ્તાદ કિંગ ચાલીશ ચાલીશ ટકાના ભાગીદાર છે. જે જે ટેમ્પામાં આવો માલ હોય તે ટેમ્પાની પાછળ ઉસ્તાદ અને મુન્ના શેઠના માણસો જીપ લઈને હોય જ. એટલે ટેમ્પો કોઈ લઇ ને નાસી શકે જ નહિ.અમારી પાછળ પાછળ એ લોકો હતા જ પણ આગળ શહેરમાં એ લોકો એક જગ્યાએ પાર્ટી કરવા ગયા અને અમને કીધું કે તમે જેલમાં સામાન ઉતારો ત્યાં અમે તમને આંબી જઈશું. અને એ આંબે એ પહેલા બાપુ તમે અમને આંબી ગયા. એ લોકો પાસે આ સોનું ક્યાં ઉતારવાનું છે એનું આખું આયોજન હોય છે. અમે પાંચ વરસથી આમાં છીએ એટલે અમે વિશ્વાસુ ગણાઈએ એટલે એ લોકો એના એક ભાઈ બંધને ત્યાં પીવા બેસી ગયા. તમે અમને પકડ્યા ત્યારે જ બોલવા દીધા હોત તો ને તો અમે તમને કહી દેત કે તમારી પાસે આવી વ્યવસ્થા છે અમને રાખવાની તો સોનાના ભાગ પાડી લેત. અમને ચારેય ને ઘણા દિવસથી ઈચ્છા તો હતી કે લાગ મળેને ત્યારે આ બધું લઈને એક વાર ભાગી જ જવું છે. પણ એવો કોઈ માણસ જે આ રીતે સંઘરી શકે એવો મળતો નહોતો અને આવા સંઘરનાર એક નહિ બે મળી ગયા ત્યારે હાથમાં કશું જ રહ્યું નથી. એટલે બાપુ ભૂલ તમારી છે.અમારો કોઈ વાંક નથી. એટલે બહાર નીકળીએ તો મુન્ના શેઠ અને ઉસ્તાદ કિંગના માણસો અમને શોધતા જ હશે એટલે કા અમને આશરો આપો અને કા અમને પતાવી દો. અને પેલો ટેમ્પો જે ગયો એ ગયો તમારા એ ચાર રોટલીય તમને ઉલ્લુ બનાવીને સોના સાથે ફરાર થઇ ગયા છે. જો એને મુન્ના શેઠ અને ઉસ્તાદના માણસોએ પકડી પાડ્યા હશે તો એ ચારેય ઉપર પહોંચી ગયા હશે એ નક્કી નહિતર એ પણ છુપાઈને જ રહેવાના હશે. જે હોય તે પણ અમે અહીંથી જવાના નથી એ પાકું. તમારી ભૂલ હવે તમે ભોગવો બાપુ બીજું શું?? અમારો કોઈ વાંક હોય તો કહો!!” વિઠ્ઠલ બોલ્યો કે તરત જ નીલીયો બોલ્યો.

Image Source

“અને બાપુ તમે શરણે આવેલાને વરસોથી આશરો આપતા જ આવ્યા છોને. તમે તમારો ક્ષાત્રધર્મ બજાવો બાપુ..
અને અમને મુન્ના શેઠ અને ઉસ્તાદ ના તમામ સ્થળોની ખબર છે કે આ બધો માલ એ કયા સાચવે છે. એકાદ વરસ અમે અહી છુપાઈને રહીશું બસ પછી વેશપલટો કરીને ત્યાંથી જ સોનું લઇ આવશું એટલે મારા બેટા જાય ગાજતા. અમે તમને મોંઘા તો નહીં જ પડીએ. તમે જીવનમાં ન ભાળી હોય એવી કમાણી કરાવીશું એ નક્કી” થોડી વાર સુધી તળશીએ અને સજુભાએ મસલત કરી અને પછી ચારેયને રાખી લીધા વાડીએ. પણ સજુભા ધગી ગયા હતા છેલ્લે છેલ્લે.

“હાદો, ટકલો, ગોપુ અને સોમુ મળે એટલી વાર છે એ નકામીનાવની ચામડી ઉતરડીને મીઠાના પાણીમાં બોળવા છે
મુકવાના તો થાતા જ નથી મને ઓવરટેક કરતા ગયા.આ સજુભાની સામે પડ્યા છે એટલે એને રડ્યા વગર છૂટકો નથી” મૂછો પર વળ ચડાવીને સજુભા બોલતા હતા. તળશી એની સામે જોઇને ઉભો હતો. પણ એ ચારેય એને હાથ આવે જ એમ નહોતા. એ ચારેય ટેમ્પા સાથે ભીમા ભંગારીને ત્યાં પહોંચી ગયા હતા. ટેમ્પો અંદર આવી ગયો હતો. એમાંથી તેલ અને ઘઉં ગોળ ખાંડ એવી બીજી જેલની જે છેલ્લી ડીલીવરી કરવાની હતી એ ડીલીવરી ભીમા ભંગારીએ લઇ લીધી હતી. છેલ્લે સોનાની પાટો નીકળી એ ભીમા ભંગારીએ બાજુમાં જ આવેલ પોતાના જડબેસલાક મકાનમાં મોકલી આપી હતી સોમુ એ એને બધી જ વાત ટૂંકાણમાં કરી દીધી હતી. ભીમો ભંગારી બોલતો ઓછું અને કામ જાજુ કરતો હતો.

ભીમો ભંગારી!! ઊંચોને કાંઠાળો દેહ!! એક પત્નીથી સંતોષ નહોતો થયો એટલે બે સગી બહેનને પરણ્યો હતો વારાફરતી.. પણ એના સંસારમાં શાંતિ હતી. બેય સગી બહેનો ભીમજીની સાથે સહકાર શાંતિથી રહેતી હતી. બેય બહેનોને ત્રણ ત્રણ દીકરા હતા અને એક એક છોકરી હતી. જેમ એનો ભંગારનો વાડો ભરેલો રહેતો એમ એનું ઘર પણ ઘરના સભ્યોથી ધમધમતું રહેતું. એક આખી ક્રિકેટ ટીમ હતી એના ઘરમાં. હતો પુરેપુરો મહેનતુ લગભગ પંદર વરસ પહેલા આજુબાજુના ગામડાઓમાંથી ભંગાર લેવાનું શરુ કરેલ હતું. આ પહેલા એના કુટુંબમાં આવો ધંધો કોઈએ શરુ કર્યો નહોતો. ધંધો એને કસ વાળો લાગ્યો. મફતમાં મળતો ભંગારના એને સારા એવા પૈસા મળતા આમ સમાજની નજરમાં હાલકો ગણાતો ધંધો નફાની દ્રષ્ટીએ વજનદાર સાબિત થયો. બે જ વરસમાં એને ધંધાની જગ્યા નાની પડી. એટલે તાલુકાથી દૂર રોડ ટચ એક પડતર જમીન રાખી લીધી અને ત્યાં ભંગારનો એક શેડ બનાવ્યો. પછી તો ફાઉન્ડ્રી પણ બનાવી એ ભંગારમાં આવેલ લોખંડ ત્યાં ઓગાળીને પાવડા , તગારા, ત્રિકમ, લોખંડના પાઈપ, ઘણ, છીણા, દાતરડા, કોદાળી, બનાવવા લાગ્યો! એવામાં એને નસીબે સાથ આપ્યો. અલંગમાં જહાજ ભાંગવાનો ધંધો શરુ થયો અને ભીમો ભંગારી ફાવી ગયો. અલંગથી ભંગાર ભરીને નીકળતા અને રાજકોટ જતા ટ્રકો એના શેડ પર કલાક બે કલાક રોકાવા લાગ્યા. એ ટ્રકમાંથી ભીમાના માણસો તાંબાનો ભંગાર કાઢી લે અને અને એટલા જ વજનના લોખંડનો ભંગાર મૂકી દે અને ડ્રાઈવર કલીનરને અમુક રકમ આપી દે. રાજકોટ જઈને પેલો ટ્રક વજન કરાવે એટલે એટલું જ વજન થાય પણ ટ્રકના માલિકને એ ખબર ન હોય કે ત્રાંબુ નીકળી ગયું છે અને લોખંડ આવી ગયું છે. ટ્રકમાંથી કાઢેલું ત્રાંબુ તરત જ ભીમાના માણસો ભઠ્ઠીઓ માં નાંખીને ઓગાળી નાખે. અને પછી એની પાટો બનાવીને શિહોર અને વીસ નગર મોકલી આપે. ભંગારનો ધંધો તો હવે બહુ સાઈડમાં રહી ગયો હતો પણ તોય નામ તો રહી જ ગયું હતું ભીમો ભીમો ભંગારી. બાકી હવે ત્યાં ચોરાઉ બાઈકો.. ચોરાઉ કાર પણ આવતી હતી એના સારા સારા ભાગ કાઢીને બાકીનો તમામ ભાગ જાય ભઠ્ઠામાં એટલે કારનું અસ્તિત્વ જ મટી જાય!! બે જ કલાકમાં ટેમ્પાનું અસ્તિત્વ ભઠ્ઠીમાં પીગળી ગયું એક પણ અવશેષ વધ્યા નહિ. પુરાવો નાબુદ થઇ ગયો હતો. છેલ્લે ભીમો ભંગારી બોલ્યો.

“છ મહિના સુધી તમારે અહીંથી નીકળવાનું નથી. તમારું સોનું ત્યાં સુધી મારા ઘરે રહેશે. તમારી ખાવા પીવાની
વ્યવસ્થા થઇ જશે. તમારે આ ભઠ્ઠીમાં કામ કરતા શીખી જવાનું છે.શરૂઆતમાં ગરમ પડશે. પણ ભઠ્ઠીનો તાપ જીરવવો તો પડશે. અહીંથી તમે જે શીખશો એ તમને ઉપયોગી થવાનું છે. છ મહિનામાં ભઠ્ઠીના કારીગર બની જાવ. બીજા કોઈ મજૂર સાથે તમારે બોલવાનું નથી. જોકે એ બધા ઉડિયા માલી છે એટલે આમેય તમારી ભાષા પણ નહીં સમજે તો ય તમારે એની સાથે કશો જ વ્યવહાર નથી કરવાનો. છ મહિનામાં હું તમારી પાટો વેચી નાંખીશ પછી તમને રાજકોટ મોકલી દઈશ. રાજકોટમાં લોખંડની ઘણી ફેકટરીઓ છે ત્યાં તમને મારી ભલામણથી સારા અને ઊંચા પગારની નોકરી મળી જશે. મોરબી રોડ પર આપણે જમીન લીધેલી છે. બસ ભવિષ્યમાં ત્યાં આપણે બીજી આવી શાખા ખોલવાની છે એ માટે તમે રાજકોટમાં ઓછામાં ઓછો ત્રણ વરસનો અનુભવ જોઇશે એટલે હું બહુ લાંબા ગાળાનું વિચારું છું. બસ જરૂર પડ્યે હું તમને સુચના આપતો જઈશ. જો પેલા ખૂણામાં છેલ્લું મકાન દેખાય છે ને ત્યાં તમારે આજથી રહેવાનું છે. તમે નક્કી ભૂખ્યા જ હશો કારણ કે ધન ભાળીને લોકો ધાન્ય ભૂલી જાય છે એમ તમને આ સોનું ભાળીને સો ટકા ભૂખ નહિ જ લાગી હોય હું ખાવાની અને વ્યવસ્થા કરું છું ત્યાં સુધીમાં તમે નાહી લો અને અહી પહેરવાના બરચટ અને અગ્નિ સામે રક્ષણ મળે એવા કપડા પહેરી લો આજ થી જ અહિયાં હવે તમારે એવા જ કપડા પહેરવાના છે!!” કહીને ભીમો ભંગારી ઉભો થયો. ચારેયે નાહી લીધું અને જમવાનું આવ્યું એ જમી લીધું અને પછી એકદમ કડક અને અલગ જ જાતના કપડા એ લોકોએ પહેરી લીધા. અને ઘસઘસાટ ઊંઘી ગયા. ખુબજ થાકી ગયા હતા એટલે જીવનમાં કયારેય નો ઊંઘ્યા હોય એવી ઘાટી અને ઘસઘસાટ ઊંઘ તે માણી રહ્યા હતા..!!

અને આ બાજુ હકા ભીખા સાથે મોના અને સદાનંદ ભાઉ સાથે અમદાવાદ તરફ પોતાની કાર લઈને તેજ ગતિ
થી જઈ રહી હતી. એક નાનકડા ધાબા જેવું આવ્યું ત્યાંથી મોના થોડોક નાસ્તો લઇ આવી. હકા ભીખાના મો પર થી પટ્ટી સદાનંદે હટાવી લીધી અને મોના બોલી.

Image Source

“તમારે અમદાવાદ જવાનું છે ને તો તમને ત્યાં અમે ઉતારતા જઈશું. ઘણા દિવસથી જેલનું ખાધુ છે ચાલો આ
નાસ્તાને ન્યાય આપો.”

“પણ તમે બને છો કોણ?? ડિસોઝા ક્યાં છે?? તમે ડિસોઝાના માણસો છો?? ડિસોઝા કયા છે?? હું એ વસ્તુ
ડિસોઝા સિવાયને કોઈને નહિ આપું એ તમને કહી દઉં છું.. તમે ગમે તે હોય હું ફાટી નથી પડતો.. બે હોય કે બાવીસ આ હકા ભીખાને કોઈ ફર્ક ન પડે” હકા ભીખા સ્વાભાવિકતાથી બોલ્યો. એ હવે નીડર હતો. દવલની જવાબદારી કટિયાને બે દિવસ પહેલા સોંપી ત્યારથી જ એ સાવ હળવોફૂલ થઇ ગયો હતો.

“સહુ સહુના મુકામ હોય..સરનામું હોય… જેમ જેમ મુકામ આવતા જાય એમ સહુ ઉતરતા જાય કદાચ કોઈ ન ઉતરે તો એને પરાણે ઉતારી દેવામાં આવે છે..આવે ઈ જાય.. અવળો હાલે ઈ ગોળી ખાય!! એમ તમે જેના માટે કામ કર્યું એ ડિસોઝાનું મુસાફરી આ પૃથ્વી પર પૂરી થઇ ગઈ છે. એને તો ઘણું રોકાવાનું મન હતું.અત્યાર સુધી મુંબઈમાં બધાની આણવાનું કામ કરતા ડિસોઝાને હવે જિંદગી માણવાનું મન હતું પણ ઉપરવાળો નક્કી કરે કે આ વિકેટને વિદાય આપી દયો તો ત્યાં આપણું થોડું હાલે?? ડિસોઝા તો ગાજતો ગયો.. કયારનોય… અને રહી વાત એ વસ્તુની કે જેની પર તમે આટલી બધી હવા કરો છો અને જેના બદલામાં ડિસોઝાએ આટલું મોટું સાહસ ખેડ્યું અને તમને જેલમાંથી ભગાડ્યો એ વાદળી સુટકેશની વાત કરો છો ને તો અમારે એ જોઈતી જ નથી. બજારમાં ઘણી મળે છે એવી વાદળી સુટકેશ.. એ સુટકેસમાં કાઈ કરતા કાઈ જ નહોતું.પણ અમારે એ જોવું હતું કે આ સુટકેશ ચોરવા વાળો કોણ છે?? બસ એ જાણી લીધું અને ગયો ગાજતો.. અમારા શેઠે એટલે કે તમે જેને બેહોશ કરીને સુટકેશ અને ઘરેણા ચોરી ગયા હતા એણે જ તમને મારવાની ના પાડી છે બાકી અત્યારે તમે પણ ગાજતા જ ગયા હોત અને કયાંક જન્મી ચૂકયા હોત નાના બાળક સ્વરૂપે અને દૂધ પીતા થઇ ગયા હોત આ પૃથ્વી પર!!” મોના બોલતી હતી અને હકા ભીખા એને સાંભળી જ રહ્યો હતો!!

*************ભાગ ઓગણત્રીસ પૂરો**************

ક્રમશઃ

મિત્રો, જો તમે આ નવલકથાનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી કરીને અમને આ નવલકથાનો આગળનો ભાગ મુકવા માટે પ્રોત્સાહન મળી રહે અને આ નવલકથા માટેના રીવ્યુ પણ જરૂર આપજો, આગળ શું થવાનું તે જાણવા માટે રાહ જુઓ ભાગ 30ની, જલ્દી જ આવશે.
લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ”, શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ, મુ.પો ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.