મુકેશ સોજીત્રા લેખકની કલમે

“ગાળિયો” ભાગ – 28 – સમય આવે ખેલ ખેલી નાંખે એ જ ભડવીર…– વાંચો રોમાંચક નવલકથા મુકેશ સોજીત્રાની કલમે

જે મિત્રોને ભાગ-1, ભાગ-2, ભાગ-3, ભાગ-4, ભાગ-5, ભાગ-6, ભાગ-7, ભાગ-8, ભાગ-9, ભાગ-10, ભાગ-11, ભાગ-12, ભાગ-13, ભાગ-14, ભાગ-15, ભાગ-16, ભાગ-17, ભાગ-18, ભાગ-19, ભાગ-20, ભાગ-21, ભાગ-22, ભાગ-23, ભાગ-24, ભાગ-25, ભાગ-26, ભાગ-27 વાંચવાનો બાકી હોય તેઓ જે તે ભાગ બાકી હોય તેના પર ક્લિક કરે.

હાદો અને ટકલો ટેમ્પાની સામાનની સાવ નીચે પડેલ પાંચ નાનકડા કોથળા તરફ તાકી રહ્યા. એમના હૈયા ધડકી રહ્યા
હતા. તેમની મતિ સાવ મારી ગઈ હોય એમ લાગતું હતું, શું બોલવું એ કઈ જ સુઝતું નહોતું. પાંચેય કોથળામાં સોનાની વજનદાર પાટ હતી. ગોપુ બોલ્યો.

“ દાણચોરીનું સોનું છે એની મને પાકી ખબર છે. સુરતમાં હું અને સોમુ બાબુ ભૈયાની ગેંગમાં હતા ત્યારે એક જ વાર
આવી પાટો જોઈ હતી હું અને સોમુ મણીલાલ ઝવેરીને ત્યાં આવી પાટોની ડીલીવરી કરવા ગયા હતા એ પણ ધોળા દહાડે. આ બધો અમદાવાદમાં વહીવટ થાય છે. અને એ વખતે જાણવા મળેલ હતું કે આ બધી દાણચોરીની સોનાની પાતો કચ્છના દરિયાકિનારે આવે છે અને આવી સરકારી ગાડીઓમાં સરકારી માલસામાન સાથે એની દરેક જીલ્લામાં ડીલીવરી થાય છે પૂછી જો આ સોમુને અમે જે ટેમ્પા માં ડીલીવરી લઈને ગયા હતા એ રેશનીંગનો ટેમ્પો હતો અને આ ટેમ્પા પર govt of gujarat લખ્યું છે એવું જ એ ટેમ્પા પર લખેલું હતું.” હાદો થોડીવાર રહીને બોલ્યો.

Image Source

“એ જે હોય આપણને એનાથી કોઈ મતલબ નથી. આપણે તો આ ટેમ્પો સજુભાની વાડીએ પોગાડી દઈએ એટલે
આપણું કામ પૂરું થાય. પછી સજુભા અને તળશીને જે કરવું હોય એ કરે.આપણું કામ હતું એ પૂરું થઇ ગયું આ સોનાની પાટ દાણચોરીની હોય કે ફાણચોરીની આપણને કશો જ ફર્ક નથી પડતો. આનું જે કરવું હોય એનો નિર્ણય સજુભા અને તળશીભાઈ કરશે” આ સાંભળીને તરત જ સોમુ બોલ્યો.

“આ સોનું ભાળીને તને એમ લાગે છે કે સજુભા અને તળશી ટેમ્પા વાળાને જાવા દેશે. એનો તો ઘડો લાડવો કરી નાંખશે અને ભેગા ભેગા આપણો પણ ઘડો લાડવો થઇ જશે. કારણકે એ કોઈ પુરાવા રહેવા નહિ દે”

“તો પછી આપણે ટેમ્પામાં શું છે એ વાત જ નહિ કરવાની સજુભા ને.. પછી તો એ લોકોને ખબર નહિ પડેને..” હાદો
બોલ્યો.

“પણ માની લો કે પેલા ટેમ્પા વાળાએ સજુભા અને તળશીને વાત કરી દીધી હોય તો?? અને આ ટેમ્પો એકલો ન હોય એની પાછળ આ જેનું સોનું છે એ પાછળ પાછળ આવતા જ હોય છે પૂછો આ ગોપુને અમે મહિધરપુરા માં આ રીતે ડીલીવરી આપવા ગયા હતા પણ અમારી પાછળ તો એ માણસો ખાનગી રીતે આવતા જ હતા. જો પોલીસ પકડે તો એ લોકો છટકી જાય એ લોકો હમેશા આપણા ખંભે જ બંદુક ફોડતા હોય છે. કાઈ ન થાય તો એને ફાયદો થાય અને જો પકડાય તો આપના જેવા જાય જેલમાં આપણે ક્યાં એના બાપના દીકરા હતા?? હવે આ ટેમ્પો વાડીએ લઇ જવામાં જોખમ તો છે જ કદાચ વાડીયે આ સોના વાળી અસલી પાર્ટી પહોંચી ગઈ હોય અને આપણી રાહ જોતી હોય એવું બને
સોમુ બોલતો હતો.

“તો પછી આ સલાડનું શું કરીશું??” કંટાળીને પોતાના ટકા પર હાથ ફેરવતો ટકલુ બોલ્યો.
“બસ આ વખતે આપણે એ બધાના ખંભા પર રાખીને બંદુક ફોડી નાંખીએ!! આવી તક જીવનમાં વારંવાર આવતી
નથી. આ ટેમ્પા સાથે આપણે જ બીજે જતા રહીએ અને પછી સોનાના ભાગ પાડીને આપને જલસા કરી લઈશું. ક્યાં સુધી આપણે જગતના જલસા જોતા જ રહીશું. આપણો જન્મ જ જલસા જોવા માટે નથી થયો કયારેક આપણે પણ જલસા કરી શકીએ એવી તક ભગવાન આપતો હોય છે માટે મિત્રો થઇ જાવ માટી અને આ ટેમ્પા સાથે ભાગી જઈએ તો. રાત છે એટલે કોઈ આપણને પકડી નહિ શકે” સોમુએ પોતાનો પ્લાન રજુ કર્યો.

“પણ ડોહુ ભાગીને કયા જઈશું?? કોણ સંઘરશે આપણને?? અને તું એમ માને છો કે સજુભા અને તળશી ભાઈ
આપણને મેલી દેશે.. વાતમાં માલ નથી હાથે કરીને આપણે ઘીંહલાના માર્ગે જાવું એમને” હાદો ભાગવાની વાત સાથે સહમત નહોતો. પણ સોમુએ એનું પણ નિરાકરણ કરી નાખ્યું.

“શેરની માથે સવાશેર હોય એમ સજુભા અને તળશીની માથા પર રાત રે એવા પણ પડ્યા છે આ ભોમકા પર
આહીંથી વીસ ગાઉં આઘેરા એક એક નાનકડા શહેરને અડીને એક ભડવીર રહે છે અને મારો એક વખતનો જીગરી રહે છે. નામ એનો ભીમો ભંગારી છે. આજુ બાજુ ના મલકનો ભંગાર એ લે છે અને શેરની બારોબાર એની વાડીએ એનો એક મોટો વાડો આવેલ છે. ચોરાઉ માલ બધો રાતનો ત્યાં પોગી જાય અને એમ કહેવાય છે કે ભીમા ભંગારીના ડેલામાં એક વખત કોઈ પણ વસ્તુ પોગી જાય પછી દુનિયાની કોઈ પણ તાકાત એ વસ્તુને ત્યાંથી પાછી ન લાવી શકે. રેલના પાટા પણ એ ઓગાળીને રસ કરી નાંખે છે. આપણે અત્યારે ને અત્યારે આ ટેમ્પો લઈને ત્યાં પોગી જઈએ કોઈને ખબર પણ નહીં પડે અને ત્યાં જઈને આપણે એક એક પાટ લઇ લેશું અને એક પાટ વધશે એ ભીમા ભંગારીને આપી દઈશું. એટલે એ પણ રાજી અને આપણે પણ રાજી!! અને આ ટેમ્પો પણ એ ભઠ્ઠીમાં ઓગાળી નાંખશે. આમને આમ જિંદગી જતી રહી છે અને જન્મ્યા ત્યારથી આવા ને આવા કામ કરીએ છીએ તો હવે બીક શેની?? જેમ મડાને વીજળીનો ભય ન હોય એમ આપણે પકડાઈ જવાની બીક ન રાખવી જોઈએ. જીવનભર ઉધામા કર્યા અને આવું સરસ મજાનું ટાણું સોનેરી નાણું લઈને આવ્યું છે અને અત્યારે પાછી પાની કરે એ બે બાપનો હોય.. ભાઈબંધો થઇ જાવ માટી અને પડશે એવા દેવાશે વધારે મગજની આણ્યા સિવાય ચાલો વહેલાસર છટકવામાં જો સફળ થઇ ગયા તો જીવનભર ભટકવાનું અને લટકવાનું મટી જાય છે”!!

Image Source

“અને પણ આ સજુભા અને તળશીનો વિશ્વાસઘાત કરવાનો ને??” હાદો હજુ એની વાતને વળગી રહ્યો
હતો.

“સમય આવે ખેલ ખેલી નાંખે એ જ ભડવીર..કિસ્મત પણ ભડવીરનો જ સાથ આપે છે અને કોઈ વિશ્વાસઘાત કરવાની વાત નથી. નોકરી કરીએ અને પ્રમોશન મળે ને એમ આવા કામમાં પણ ભગવાન આવી રીતે પ્રમોશન આપે છે. એ લોકોને જરૂર હતી આપણી અને આપણને જરૂર હતી એ લોકોની એટલે એકબીજાના કામ થતા હતા. તળશી અને સજુભા આપણામાંથી ભરપુર કમાયા જ છે ને એટલે એવા કોઈ વિશ્વાસઘાતના લાગણીવેડામાં નહીં આવવાનું. મનમાંથી
સજુભા અને તળશીને કાઢી નાંખો.. બને જાય તેલ પીવા.. આપણા અંજળ હવે ત્યાં પુરા થયા છે અને આપણા નાજળ હવે શરુ થયા છે. એ બેય થી બીવા જેવું નથી. એ બનેની તાકાત હમેશા આપના જેવા જ માણસો રહ્યા છે બાકી અંદરખાનેથી આ લોકો ખુબજ બીકણ હોય છે. હવા જ મોટી મોટી કરે જ છે” ગોપુ બોલતો હતો. ગોપુમાં ગજબનો આત્મવિશ્વાસ આવી ગયો હતો. એવું કહેવાય છે કે પાસે ઘણો બધો પૈસો હોય તો પાવર ઓટોમેટીક આવી જાય છે પણ ઘણી વખત પૈસા મળવાની લાલચે પણ પાવર ઓટોમેટીક આવી જાય છે. સોમુ અને ગોપુને સોનાની પાટમાં પોતાનું સોનેરું ભવિષ્ય દેખાતું હતું. ટકલુ અને હાદાની એક એક વાતનો જવાબ સોમુ અને ગોપુ આપી રહ્યા હતા. છેલ્લે સોમુ બોલ્યો.

“જુઓ આપણે મિત્રોની જેમ રહ્યા છીએ એટલે મારી ગણતરી એવી હતી કે જે કરશું એ સાથે જ કરીશું. તેમ છતાં
તમને બીક લાગતી હોય તો હું અને ગોપુ મારી પાટ લઈને નીચે ઉતરી જઈએ છીએ. તમે અને હાદો આ ટેમ્પો લઈને સજુભા પાસે જઈ શકો છો અને ત્યાં જઈને કહેજો કે અમે ના પાડી તોય સોમુ અને ગોપુ નાસી ગયા પછી ભલેને સજુભા અને તળશી અમારી ભડાકા કરી લે.. મારું માનો તમે બેય ત્યાં અત્યારે ટેમ્પો લઈને જવામાં જોખમ છે એટલે આપણે ભાગવું જ રહ્યું અને સાથે સાથે આપણને કેટલું સોનું મળે છે?? આપણે અત્યાર સુધી કેટલા આવા કામ કર્યા?? શા માટે કર્યા?? પૈસા માટે જ ને ?? તો આ કામ પણ આપણે પૈસા માટે જ કરીએ છીએ ને?? વિચાર કરો કે આ એક કામ થઇ ગયું તો આખી જિંદગી આપણે આરામથી વિતાવી શકીશું. એક વાર જોખમ લઇ લો પછી જિંદગીભર કોઈ જોખમ નહિ આવે એની ખાતરી છે. વિચાર કરો નહિ મિત્રો. વેવારિક બનો મિત્રો” સોમુ બોલ્યો.

સોમુની દલીલ સામે બધા સહમત થઇ ગયા દસ મીનીટમાં અને ચારેયે એક બીજાના હાથ પકડીને જીવનના આ છેલ્લા સાહસમાં જોડાઈ ગયા. ટકલુ ગોપુની પાસે પાછળ આવી ગયો અને હાદાની પાસે આગળ સોમુ ગોઠવાઈ ગયો અને
સોમુ રસ્તો બતાવતો જતો હતો અને હાદો ટેમ્પો ચલાવતો હતો. બધાને ભીમા ભંગારીના ઠેકાણે પહોંચવાની ઉતાવળ હતી. અને આ બાજુ તળશી અને સજુભાની આંખો રસ્તા પર મંડાયેલી હતી, જે ટેમ્પાની એ વાત જોતા હતા એ હવે કયારેય આવવાનો નહોતો એની સજુભા કે તળશીને ખબર નહોતી. આખી જિંદગી ગંજીપતાના બાવન પાના ના જાણકાર અને કોઈ દિવસ એક પણ વાર હાર કે કોરી ન ખાનાર અને છળકપટમાં શિરમોર એવા તળશી અને સજુભાને આજે સોમુ, ગોપુ, હાદો અને ટકલુએ એકીસાથે બાવન પાનાનો હુકમ કોટ આપી દીધો હતો!!

******

બેભાન હકા ભીખાને લઈને મોના અને સદાનંદ ભાઉ ગ્રોફેડના ગોડાઉન પાસે પહોંચ્યા મોના કારમાં જ બેઠી રહી અને સદાનંદ કેડ્યમાં ભરાવેલ પિસ્તોલ સાથે હેઠો ઉતર્યો. આજુબાજુ નિરીક્ષણ કર્યું અને પછી મોનાની ફિઆટ તરફ ગયો. અને મોનાને ઈશારો કર્યો અને મોના જીપ ફિઆટ પાસે લાવી. ચારેય બાજુ બાવળિયાની કાટય હતી એટલે રસ્તા પરથી કોઈને પણ કાર અને ફિઆટનો ખ્યાલ આવી શકે એમ નહોતો. ફિઆટ અને જીપનું પાછલુ બારણું ખુલ્યું અને જીપમાંથી હકા ભીખાને ફિઆટની પાછલીસીટમાં ગોઠવી દીધો. અને પછી થોડીવાર વળી બને ઉભા રહ્યા. પછી સદાનંદ બોલ્યો.

“હવે શું કરવાનું છે એ જલદી કહે એટલે અંધારું થાય એટલે કામ શરુ થાય વધુમાં વધુ એકાદ કલાક આપણે આ સ્થળે
સલામત છીએ. કદાચ જેલમાં પણ ખબર પડી જશે કે હકા ભીખા ભાગી છૂટ્યો છે એટલે કદાચ પોલીસ તપાસમાં શહેરના ચારેય ખૂણે લાગી જશે અને કદાચ તળશી પણ અહી આવી ચડે જોકે કિશન હકા ભીખા અને ડિસોઝાને અમદાવાદ મુકવા જવાનો હતો એટલે એની સંભાવના ઓછી છે પણ તોય કાઈ કહેવાઈ નહિ.” મોના બોલી.

Image Source

“શટર ખોલી નાંખો . અંદર કદાચ ડિસોઝા ભાનમાં આવ્યો હશે. એક કામ કરો ભાઉ તમે ડિસોઝાના કપડા કાઢી
નાંખો. એ કપડા હકા ભીખાને પહેરાવી દઈએ અને હકા ભીખાના કપડા ડિસોઝાને પહેરાવી દઈએ. અને પછી ડિસોઝાને મોક્ષ આપી દઈએ. અને એની લાશ આ જીપમાં કિશનની બાજુમાં ગોઠવીને આપણે નીકળીએ. બસ જગતની અને જેલની દ્રષ્ટીએ હકા ભીખા મરી ગયો હશે. જેલના લોકો એને કપડાની મદદથી ઓળખાણ કરશે કે આ હકા ભીખા હશે. વાસ્તવમાં ડિસોઝા આ પ્રકરણમાંથી અને આ દુનિયામાંથી વિદાય લઇ લેશે” મોના બોલતી હતી અને સદાનંદ ભાઉ સાંભળી રહ્યા હતા. ફટાફટ એણે શટર ખોલ્યું અને કોથળાઓની વચ્ચેથી એણે ડિસોઝાને બાંધેલ હાલતમાં કાઢ્યો. ડિસોઝા હજુ પૂરો ભાનમાં નહોતો આવ્યો. બારણા પાસેના અજવાળામાં ડિસોઝા જમીન પર બેસાર્યો. ડિસોઝા અર્ધ ખુલ્લી આંખે જોઈ રહ્યો હતો. મોના બારણા પાસે પોતાની નાનકડી પિસ્તોલ લઈને ઉભી રહી ગઈ અને ડિસોઝાના બંધન સદાનંદે ખોલ્યા અને ફટાફટ એના કપડા ઉતાર્યા. એ કપડા લઈને ફટાફટ સદાનંદ ફિઆટ પાસે ગયો. ત્યાં જઈને હકા ભીખાના કપડા કાઢીને એને ડિસોઝા ના કપડા પહેરાવી દીધા. અને દસ જ મીનીટમાં સદાનંદ ભાઉ ગોડાઉનમાં આવ્યો અને ડિસોઝાને હકા ભીખાના કેદીના કપડા પહેરાવ્યા. અને હવે ડિસોઝા પુરેપુરો ભાનમાં આવ્યો હતો. ડિસોઝા પાસે સદા નંદ ઉભો હતો. બે પિસ્તોલ ડિસોઝા તરફ લંબાયેલી હતી. મોના બોલી.

“મિસ્ટર ડિસોઝા કોઈ છેલ્લી ઈચ્છા હોય તો બતાવી દે.. એક સમયનો મુંબઈ પોલીસનો જાંબાઝ ઓફિસર હવે તારા
વિઝા આ પૃથ્વી પરથી રીજેકટડ થાય છે. હું મોના વીકે શેઠની સેક્રેટરી આમ તો મુંબઈમાં તું અમારો પીછો કરતો હતો ત્યારથી જ તું અમારા હીટ લીસ્ટમાં આવી જ ગયો હતો પણ તારા આ સુટકેસ વાળા કારનામે શેઠના નાકમાં દમ કરી રાખ્યો હતો. બોલ ઝડપથી તારી છેલ્લી ઈચ્છા બોલ”

“જી માફ કરી દો આ છેલ્લી અને પેલ્લી વાર.. હકા ભીખા પાસે છે એ સુટકેસ હું તમને આપી દઈશ. હું હવે શાંતિથી
જીવવા માંગુ છું. હું આ ધંધો જ બંધ કરી દેવા માંગુ છું. લાલચમાં આવી ને હું ન કરવાનું કરી બેઠો હતો..પ્લીઝ મને માફ કરી દો એકવાર જવા દો.. જીવનભર તમારો અને વીકે શેઠનો આભારી રહીશ” જવાબમાં મોના હસી અને બોલી.

“તને તો ખબર છે કે ડિસોઝા કે તું જે ધંધામાં છો એ ધંધામાં એક જ તક મળે છે. આ ધંધામાં બીજી તક મળતી નથી.
મને ખબર છે કે મારો પણ એક સમય આવો આવવાનો છે. તારી જેમ જ આ ધંધામાં જે સંકળાયેલા છે એ બધાનું કુદરતી મોત ક્યારેય હોતું નથી. માટે એ વાત જવા દે ઝડપથી બોલ્ય તારી ઈચ્છા શું છે” અમે જવાબમાં ડીસોઝાની આંખો ચમકી ઉઠી એ ચમકમાં એક દર્દ હતું એ બોલ્યો.

“સુમિત સોલકરની પત્ની આશા સાથે હું મારી બાકી જિંદગી પૂરી કરવાનો હતો. બસ આ એક કામ પતે કે તરત હું
સઘળી માયાજાળ સંકેલીને એની સાથે જીવન વિતાવવાનો હતો. કામ તો નથી પત્યું પણ હું જ પતવા આવ્યો છું. હવે એક કામ કરજો મારી તમામ રોકડ સંપતી ગોરેગાંવમાં આવેલ “ કોંકણ બિલ્ડીંગમાં” આવેલ ફલેટ નંબર ચારમાં ગાયતોંડે પાસે છે એને તમે આ પાસવર્ડ કહેજો “ ખંડાલા ડ્રીમ્સ” એટલે મારી તમામ સંપતી એ આપી દેશે. બસ એ રકમ મારી આશાને આપી દેજો. અમારા જેવા ઘણા બ્લેક્મેઇલરની રોકડ રકમ ગાયતોંડે જેવા ઉજળીયાત લોકો એમની પેઢીમાં સાચવે છે. અમારી ગેરહાજરીમાં અમને જે પાસવર્ડ આપેલો હોય એ પાસવર્ડ બોલીને કોઈ પણ જાય એટલે એ જેટલી જમા રકમ હોય એ આપી દેશે!! આ ભવમાં અધુરો રહી ગયેલ આશા સાથેનો પ્રેમ આવતા જન્મમાં ફરીને પૂરો કરીશ. આશાને એ પણ કહેજો કે ડીડી તને ભવોભવ ચાહતો રહેશે. બસ મોનાજી મારા વતી આટલું કહી દેજો. અને એક સિગારેટ હોય તો આપજો બસ એક ઘૂંટ મારીને દિલમાં રહેલ તમામ દુઃખને હું બહાર ફંગોળવા માંગુ છું” ડિસોઝા બોલ્યો કે તરત જ સદા નંદે એક સિગારેટ સળગાવીને ડિસોઝાને આપી અને ડિસોઝાએ એક લાંબો કશ માર્યો અને હવામાં ધુમાડો છોડ્યો અને એની આંખોમાં આંસુ તગતગી ઉઠ્યા અને બીડી નો સાઇડમાં ઘા કર્યો અને મોના સામે ટટાર ઉભો રહ્યો. જાણે કહી રહ્યો હોય કે બસ હવે એ તૈયાર છે!!

અને મોનાનો પિસ્તોલ વાળો હાથ એમને એમ જ લંબાયેલો રહ્યો.. મોનાનો ડાબો હાથ એના માથા પર ગયો અને તાંબા જેવી ચળકતી ચીપ જેવી વસ્તુ અચાનક ડિસોઝા તરફ ફેંકાઈ. વીજળીના ચમકારાની જેમ જ અને ડિસોઝાના ગળાની ડાબી બાજુ સહેજ એ ખૂંપી અને તરત જ ડિસોઝા ચક્કર આવ્યા એમ લથડ્યો અને ધડામ દઈને પડ્યો. મોઢામાં થી લીલા કાચ જેવા થોડા ફીણ નીકળ્યાં અને ડીસોઝાનું પ્રાણ પંખેરું ઉડી ગયું. અને તરત જ મોના બહાર ગઈ અને પોતાની
ફિઆટનું આગલું બારણું ખોલ્યું. પાછળ હકા ભીખા બેહોશ પડ્યો હતો. કારની આગળ નીચેના ભાગમાં એક સ્વીચ દબાવી અને એક ખાનું ખોલ્યું એમાં કાચની એક બોટલ હતી. તેમાં એકદમ જલદ એસીડ હતું એ લાવીને એણે ડિસોઝાના મો પર રેડ્યું અને સદાનંદ બોલ્યો.

“હવે તો ડિસોઝા મરી ગયો છે પછી આ વધારાની દાઝ ઉતારવાનું કોઈ ખાસ પ્રયોજન??” જવાબમાં મોના
બોલી.

“ આની લાશ હકા ભીખાની લાશ સાબિત કરવા માટે આ કરું છું. એસિડના કારને ચહેરો ઓળખાય નહિ એવો બેડોળ
બની જશે.. વળી બે ય હાથ પણ દઝાડવાના છે.. એકેય આંગળાની છાપ ન ઓળખાય એમ કરવાનું છે. આ લાશ ફક્ત અને ફક્ત જેલના કપડા દ્વારા જ ઓળખાય એવું કરવાનું છે. અને સરકારી ચોપડે જેલમાંથી હકા ભીખા ભાગ્યો. કોઈ એની દુશ્મન ગેંગે એને ભગાડ્યો અને પછી ગ્રોફેડના ગોડાઉન પાસે લાવીને ઠંડા કલેજે હત્યા કરીને લાશ પર એસીડ છાંટી દીધું છે. એટલે આ કેઈસ ઓપન એન્ડ શટ જેવો થઇ જશે. તપાસ થશે તો આર ડી ઝાલાને ડિસોઝા વિષે કઈ ખબર નથી અને પઠાણને ખબર છે પણ કશું જ બોલશે નહિ. અને અમદાવાદ જઈને હું કાલ સવારે વીકે શેઠ જોડે વાત કરી લઈશ. વીકે શેઠનું ચૂંટણી ફંડ ગુજરાતમાં પણ આવે જ છે એટલે થોડોક સમય હોબાળો થશે પણ આર ડી ઝાલાને ઉની આંચ પણ નહિ આવે એવું ગોઠવી દેશે.. ચાલો હવે મહત્વનું કામ પૂર્ણ થયું. તમે આ લાશને જીપમાં આગળ ગોઠવી દો.. અને હું કિશન ને ડ્રાઈવર સીટ પર જીપમાં ગોઠવી દઈએ.કિશન લગભગ નવ વાગ્યાની આસપાસ ભાનમાં આવશે પછી એને જે કરવું હોય એ કરશે.ટૂંકમાં દસ વાગ્યા પછી પોલીસ ખાતું કદાચ અહિયાં પહોંચી શકે અને ત્યાં સુધીમાં આપને અમદાવાદ જવાના રસ્તે ઘણા આગળ નીકળી ગયા હોઈશું ચાલો હવે આપણે છેલ્લું કામ પણ પતાવી દઈએ અને નીકળીએ” મોના આટલું બોલીને કિશનના બંધન છોડવા લાગી અને તેને ઘસડીને જીપમાં ગોઠવ્યો. અને તે દરમ્યાન એસીડ થી બળી ગયેલા બને હાથ અને વિકૃત થઇ ગયેલા ચહેરા વાળી ડીસોઝાની લાશને સદાનંદે જીપમાં ડ્રાઈવર સીટ પર ગોઠવી દીધી અને જીપની ચાવી પણ ભરાવી દીધી. અને પછી તરત જ મોના અને ડિસોઝા ફિઆટમાં ગોઠવાયા. શટર ખુલ્લું જ રહેવા દીધું એટલા માટે કે કદાચ પોલીસ આવે તો ખુલ્લું શટર જોઇને આખા ગોડાઉનમાં આંટો મારે અને સમય બગાડે. જેમ સમય બગડે એમાં જ મોનાને રસ હતો!!

ફિઆટ પુરપાટ અમદાવાદના રસ્તે પડી. અને બરાબર આ બાજુ આ જ સમયે જેલમાં હોહા થઇ રહી હતી!!! હકા ભીખાએ ઘનશ્યામને કીધેલું કે સાંજે હું ઓરડીએ મોડો આવીશ. એટલે જમવાનું દેવા આવનાર કેદી બે થાળીઓ દઈ ગયો. એ ઘનશ્યામે ઢાંકીને મૂકી દીધી હતી.પણ સાડા સાત થયા તોય હકા ભીખાના આવવાના કોઈ એંધાણ દેખાણા નહિ એટલે ઘનશ્યામ ઝાલા સાહેબની ઓફીસ તરફ ગયો ત્યાં પઠાણ સિવાય કોઈ હતું નહિ.

“હકા ભીખાને કોઈ કામમાં રોક્યો છે?? હજુ સુધી એ આવ્યો નથી?? એમનું જમવાનું પણ આવી ગયું છે??”
ઘનશ્યામે પૂછ્યું. જવાબમાં ખંધુ હસીને પઠાણ બોલ્યો.

“ઈ બધા વીઆઈપી અને ઝાલા સાહેબના ખાસ કેદી કેવાય ઈ મન ફાવે એમ રખડ્યા કરે.. મને તો એ આર ડી ઝાલા
સાહેબ ગયા ત્યારનો દેખાતો નથી કદાચ ઝાલા સાહેબ એને એની સાથે પણ લઇ ગયા હોય. જેવી રીતે તનેય બે વાર ઝાલા સાહેબ એની જીપમાં બેસાડીને નોતા લઇ ગયા. તને કદાચ એમ હશે કે કોઈને ખબર ન હોય પણ આ પઠાણને બધાની ખબર હોય સમજયો બેટા જા જઈને તું તારું કામ કર ખાઈને સુઈ જા.. કોણ કેદી ક્યાં છે એની ખબર રાખવાવાળા આર ડી ઝાલા સાહેબ છે ઓકે“

પઠાણની બુદ્ધિ બહેર મારી ગઈ હતી. ત્રણ દિવસમાં જે કમાણી થઇ હતી એમાં એની ચકલી ફૂલેકે ચડી હતી પણ એને ખબર નહોતી કે એનો ગાળિયો થઇ જવાનો છે. પઠાણ એક વાત સદંતર ભૂલી ગયો હતો કે આર ડી ઝાલા જયરે બહાર જાય ત્યારે કેદીઓને સાચવવાની તમામ જવાબદારી એના શિરે આવતી હતી. સવારે જ આર ડી ઝાલાએ અર્ધી રજા મૂકી
હતી અને પઠાણ પાસે એણે સહી કરાવી હતી અને એનો ફેક્સ એણે ઉપલી કચેરીમાં કરી દીધી હતી. પઠાણ એ ભૂલી ગયો હતો. હા કુરેશી અને ગામીત જતા રહ્યા હતા પણ એ કેમ ગયા કોને પૂછીને ગયા એની જવાબદારી પણ પઠાણની હતી જ!! પઠાણ બરાબરનો સલવાઈ જવાનો હતો. કારણ કે હકા ભીખા પાંચ વાગ્યા સુધી તો જેલમાં જ હતો સાડા ચારે જેલની બહાર ગયેલા કુરેશી અને ગામીત એના સાક્ષી હતા!!

સાડા આઠે કુરેશી અને ગામીત આવ્યાં અને ઘનશ્યામ એને ભાળીને તરત જ એની પાસે ગયો અને તરત જ વાત કરી કે હકા ભીખા ક્યાય દેખાતો નથી અને તરત જ કુરેશી અને ગામીતના પેટમાં ફાળ પડી અને પઠાણને વાત કરી. પઠાણ તો ગેંગે ફેંફે કરવા લાગ્યો કે તરત જ કુરેશીએ આર ડી ઝાલા સાહેબ નો રજા રિપોર્ટનો ફેક્સ બતાવ્યો અને કહ્યું કે.

“ઝાલા સાહેબ તો કાયદેસર રજા પર છે અને સઘળો ચાર્જ આપને સોંપ્યો છે એ તમે ભૂલી જ ગયા લાગો છો” અને
પઠાણના તો જાણે જ મોતિય મરી ગયા. એણે બધે તપાસ આદરી. જેલના બધા ખૂણા બધા જ જોઈ વળ્યા. ઘનશ્યામ પરબત તો કૂવો મશીનની ઓરડી જોઈ આવ્યો અને લીમડાના ઝાડ પણ જોઈ આવ્યા કદાચ હકા કા રમત કરતા હોય અને ઝાડ પર સંતાયા હોય અને એવામાં જ ફોનની ઘંટડી વાગી અને પઠાણે ફોન ઉપાડ્યો અને સામે છેડે થી પોલીસ સબ ઇન્સ્પેકટર બોલતા હતા.

“અમદાવાદ ના હાઈવે પર ગ્રોફેડના ગોડાઉનના મેદાનમાં એક લાશ મળી છે એમ ગામના લોકોનું કહેવું છે. લાશ કેદીની છે.. કેદીના કપડા છે..અને એક જીપ થોડીવાર ત્યાં હતી અને પછી જીપમાંથી જ જીપ ચ્લાવાનારાએ લાશ જમીન પર નાંખી દીધી એમ કેટલીક સ્ત્રીઓએ જોયું અને અર્ધું ગામ ત્યાં ભેગું થયું છે” પઠાણ જેમ જેમ સાંભળતો હતો એમ ધ્રુજતો હતો. કુરેશી અને ગામીત ધ્રુજતા પઠાણને જોઈ રહ્યા હતા!!

એક બાજુ હકા ભીખા ભાનમાં આવી રહ્યો હતો.. મોના પુરપાટ કાર ચલાવતી હતી. અને સદાનંદ ભાઉ હકા ભીખાની બાજુમાં બેઠો હતો. હકા ભીખા ચકળ વકળ ચારે બાજુ જોઈ રહ્યા હતા. આ એજ લોકો હતા પણ જીપમાંથી ફિઆટ કેમ થઇ ગઈ એ એને સમજાયું નહોતું એના હાથ પગ પટ્ટી થી બાંધેલા હતા. મોઢા પર પટ્ટીઓ બાંધેલી હતી ફક્ત આંખો ખુલી હતી. હકા ભીખાના નાકમાં બળતરા થતી હતી. માથામાં સણકા થતા હતા.!! મોનાએ નજર ફેરવીને સ્મિત કર્યું
અને એ ગાડી ચલાવતી રહી…!!!

Image Source

બીજી બાજુ કિશન જીપ લઈને તળશી અને સજુભાના ખેતરે પહોંચ્યો હતો. સજુભાને એની નવાઈ લાગી. એક તો ટેમ્પો નહોતો આવ્યો એની ચિંતા હતી અને બીજી બાજુ કિશને જે કહ્યું એ સાંભળીને સજુભા અને તળશીના પગ તળેથી ધરતી ખસી ગઈ!! એને કોઈ કડી મળતી નહોતી સજુભા ના હોઠ વંકાઈ ગયા હતા.શરીર ધ્રુજી રહ્યું હતું. તળશીના ગાઢ પણ મોકળા થઇ ગયા હતા.

“અને ત્રીજી બાજુ પી આઈ દવે અને મકવાણા અને આર ડી ઝાલા એક ફાર્મ હાઉસમાં સુવાણ કરતા હતા એમાં
વાયરલેસ પર સંદેશો આવ્યો અને આર ડી ઝાલાના ચહેરા પર ચિંતાની લકીરો ખેંચાઈ ગઈ એ તરત જ જેલમાં જવા રવાના થયા!!

અને ચોથી બાજુ ફાર્મ હાઉસ વાળા ગુરખા શહેરની નજીક બબુડીયાની આંખ પર પટ્ટી બાંધી ને લાવ્યા હતા. બરાબર અઠ્ઠાવીસ કલાકે બબુડીયાનો છુટકારો થયો હતો. બબુડીયા ની પટ્ટી ખોલાય અને બે બુકાનીધારીએ ધમકી પણ આપી
હતી.કે જો કાઈ આડાઅવળું કે પાછું વાળીને જોયું છે તો જીવનો જાશ જા મંડ્ય ભાગવા અને બબુડીયો જાણે સો મીટરની રેસ જીતવાની હોય એમ દોડતો હતો!!

અને પાંચમી બાજુ હાદો એન્ડ ગોપુ ટેમ્પો લઈને ભીમા ભંગારીના સ્થળે પહોંચી ગયા હતા. ભીમો ભંગારી
દરવાજો ખોલી રહ્યો હતો અને સોનાની પાટ લઈને આવેલો ટેમ્પો અંદર આવી રહ્યો હતો!!

દિવસ તો ધમાલ વાળો જ ગયો હતો પણ આખી રાત જોરદાર ધમાલ વાળી જવાની હતી એમાં કોઈ જ શંકા
જ નહોતી!!!

*************ભાગ અઠ્ઠાવીસ પૂરો**************

ક્રમશઃ

મિત્રો, જો તમે આ નવલકથાનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી કરીને અમને આ નવલકથાનો આગળનો ભાગ મુકવા માટે પ્રોત્સાહન મળી રહે અને આ નવલકથા માટેના રીવ્યુ પણ જરૂર આપજો, આગળ શું થવાનું તે જાણવા માટે રાહ જુઓ ભાગ 29ની, જલ્દી જ આવશે.
લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ”, શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ, મુ.પો ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.