મુકેશ સોજીત્રા લેખકની કલમે

“ગાળિયો” ભાગ – 27 – પણ આ બધાની નીચે જે હતું એ જોઇને તો હાદા અને ટકલાની આંખો ફાટી રહી – વાંચો રોમાંચક નવલકથા મુકેશ સોજીત્રાની કલમે

જે મિત્રોને ભાગ-1, ભાગ-2, ભાગ-3, ભાગ-4, ભાગ-5, ભાગ-6, ભાગ-7, ભાગ-8, ભાગ-9, ભાગ-10, ભાગ-11, ભાગ-12, ભાગ-13, ભાગ-14, ભાગ-15, ભાગ-16, ભાગ-17, ભાગ-18, ભાગ-19, ભાગ-20, ભાગ-21, ભાગ-22, ભાગ-23, ભાગ-24, ભાગ-25, ભાગ-26 વાંચવાનો બાકી હોય તેઓ જે તે ભાગ બાકી હોય તેના પર ક્લિક કરે.

સજુભાની વાડી મફતીયાપરા થી બેક ગાઉં દૂર હતી. તળશી અને સજુભા બને વાડીયે આંબાના ઝાડ નીચે બેઠા હતા. વાડી લગભગ બસો વીઘાની હતી. કામ સિવાય સજુભાના સંબંધીઓને પણ આ વાડીમાં આવવાની મનાઈ હતી. શહેરની ઉગમણી દિશામાં પણ સજુભાની એક વીસ વીઘાની વાડી હતી. ત્યાં બધા આવ જા કરતા હતા. સજુભા એક રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા હતા. તળશી અને સજુભા જયારે ભેગા થતા ત્યારે આ વાડીએ જ થતા હતા. બને અલગ અલગ પાર્ટીની વિચારધારા સાથે સંકળાયેલા હતા. જાહેરજીવનમાં બને એકબીજાને ઘૂરકિયા કરતા પણ ધંધામાં પહેલેથી પાર્ટનર હતા એ બહુ ઓછા લોકોને ખબર હતી. રાજકીય સંમેલન હોય કે ચૂંટણીની મોસમ તળશી અને સજુભા પોતપોતાની પાર્ટી પાસેથી સારી એવી રકમ મેળવી લેતા ગમે તે પાર્ટીનો ઉમેદવાર જીતે ફાયદો તો બનેને થતો હતો. વળી બેય ને પોતપોતાની પાર્ટી ઉપર સારો કમાંડ હતો. બને ને ફાયદો એક વાતનો હતો કે ગમે એ પાર્ટીની સરકાર આવે બનેનું ગાડું ગદી જતું. દિવસ દરમ્યાન બને એક બીજા સામા મળે તો પણ ઘૂરકિયા કરતા આ બને પંદર દિવસે એકાદ રાતે વાર આમ ખાનગીમાં ભેગા થઇ જતા અને આવેલ કામને પૂરું કરી નાંખતા બનેના ધંધાની જે આવક થાય એ એક મગની બે ફાડની જેમ વહેંચી લેતા! આખું શહેર આ બનેના ગઠબંધન કે ઠગ બંધનથી સાવ અંધારામાં જ હતા.

તળશી અને સજુભાની સામે ચાર જણા બેઠા હતા. એ હતા સોમો, ગોપો, ટકલુ, અને હાદો. આ બધા સજુભાના રોટલીયા હતા. વાડીએ ને વાડીયે રહેવાનું થાય એટલું ખેતીનું કામ કરવાનું બહાર લાઈમલાઈટમાં આવવાનું જ. આ બધા રોટલીયાના કુટુંબની સહિયારી જવાબદારી સજુભા અને તળશી ઉપાડી લેતા. આમાં સોમો જેલમાંથી ભાગેલ હતો. ગોપો અને ટકલુ સુરતમાંથી હદપાર થયા હતા. હદપારની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં ગોપો અને ટકલુ સુરત જવા માંગતા નહોતા. બાબુ ભૈયાની ગેંગ આ બનેને શોધતી હતી. બાબુ ભૈયાના ત્રણ માણસો ગુમ થયા હતા અને બાબુ ભૈયાને ચોક્કસ ખાતરી હતી કે આ બને એક વાર સુરત આવે એટલે એનું બોર્ડ પૂરું કરી નાંખવું. એટલે બનેએ સજુભાનો આશરો લીધો હતો. જયારે હાદાની પત્ની પિયર જતી રહી હતી અને કોર્ટમાં ભરણપોષણનો કેસ ચાલતો હતો અને હાદો કંટાળ્યો હતો.શરૂઆતમાં હાદો કોર્ટમાં મુદતે જતો પછી તારીખ પે તારીખ આવતી રહી અને હાદો કોર્ટ બાજુ ફરકતો નહિ અને હાદાના વકીલને પણ ફી બાબતમાં હાદાએ ઠેંગો દેખાડ્યો એટલે એનો વકીલ પણ ગીન્નાયો હતો. સરકારી વકીલ અને હાદાનો વકીલ મળી ગયા હતા અને નક્કી થયેલું કે એક વખત હાદો મુદત પર હાજર થાય એટલે સીધો જેલના સળિયા પાછળ મોકલી દેવો અને આ બાબતની હાદાને ખબર પડી ગઈ હતી. એ હાજર થયો જ નહિ અને કોર્ટમાંથી એના નામનું બિનજામીન પાત્ર વોરંટ નીકળ્યું હતું અને હાદો આ વાડીયે આવી ગયો હતો. ખાવું પીવું અને જલસા કરવા અને જે કામ સોંપાય એ કરવું એ આ લોકોના લોહીમાં વણાઈ ગયું હતું. બધામાંથી કોઈ કદાચ પકડાઈ જાય તો પણ એનું મો ખુલે એમ નહોતું કારણકે સજુભાએ આ બધાને અહી રાખતી વખતે સજુભાએ વાડીમાં એક ખૂણામાં રાખેલ મેલડી માતા માથા હાથ મુકાવ્યો હતો. કાઠીયાવાડમાં આવા કાળા ધંધા સાથે સંકળાયેલ ૯૦ ટકા લોકો આવી ધાર્મિક બાબતોમાં માનતા હતા. બાધા આખડી અને આવા માતાજીના સોગંદ એ લોકો આજીવન પાળતા હતા. વળી સજુભા અને તળશીની હાક પણ એવી કે જરા પણ વિશ્વાસઘાત થયો કે ગયો કામથી. અગાઉના આવા દાખલાથી કોઈ પણ રોટલીયો ચુ કે ચા નહોતો કરતો અને સહુથી મોટો ફાયદો એ કે જેલ અને પોલીસના ડંડા ખાવા કરતા સજુભાની વાડી સાત દરજ્જે સલામત હતી. પોતાનું અને પોતાના પરિવારનું ભરણપોષણ આસાનીથી થઇ જતું હતું. આવા લગભગ બાવીસ રોટલીયા સજુભાની વાડીમાં ખાનગી રીતે રહેતા હતા અને આજના કામ માટે સજુભા અને તળશીએ બાર જેટલા રોટલીયાનો ઈન્ટરવ્યું લઈને આ ચાર ને આ કામ માટે તારવ્યા હતા.

“હાદો ટેમ્પો ચલાવી લેશે.. ટકલુ પાસે બધાજ કાગળિયાં હશે. સોમો અને ગોપુ મજૂર તરીકે ટેમ્પામાંથી માલ ઉતારવાનો છે. કાલે તમને બધું સમજાવી જ દીધું છે. એકદમ કોન્ફિડન્સથી કામ પતાવવું જોઈએ. બધા માટેના તૈયાર શહેરી કપડા આવી ગયા છે. અત્યારે તમારે આ લાઈફબોય સાબુથી ઘસી ઘસીને નહાવાનું છે. માથે આ જટીયા વધારેલા છે એ કાપી નાંખવાના છે અસલ શહેરના મજૂર જેવા લાગવા જોઈએ તમે બધા. ટેમ્પામાંથી જે વસ્તુઓ ઉતારવાની છે એનું લિસ્ટ પણ તમને મોઢે કરી લેવાનું છે ચાલો ફટાફટ તમે બધા એક કલાકમાં તૈયાર થઇ જાવ એટલે આપણે આપણા આગળના પડાવ તરફ જવાનું છે. ટેમ્પો હોટેલ પાસે આવશે એની પહેલા આપણને એક બુલેટ વાળો સમાચાર આપી દેશે. તમારે કોઈએ હથિયાર રાખવાના નથી. એ ટેમ્પાવાળાને પકડીને અમે અમારી સાથે લઇ જવાના છે. જેલમાંથી તમે બહાર નીકળો ત્યારે જેલનો એક કેદી તમારી સાથે ટેમ્પા માં ગોઠવાઈ જાશે. એને તમારે જેલની બહાર ખૂણા પર એક ચાની કેબીન હશે ને ત્યાં એક જીપ ઉભી હશે એ જીપમાં બેસાડી દેવાનો છે. અને ત્યાંથી ટેમ્પો શહેરમાં હંકાવ્યા વગર બાયપાસ સડક પર કાઢીને આ વાડીયે લેતો આવવાનો છે. એ જેલ એ બાયપાસ આપણે હમણા જઈશું ને ત્યારે તમને એ રૂટ આખો બતાવી દઈશું. એટલે તમને કોઈ જ માથાકૂટ ન થાય”

સજુભા એ વાત કરી અને તળશી એ જરૂર પુરતી બીજી સૂચનાઓ આપી. ચારેય જણા નાહીધોઈને તૈયાર થઇ ગયા. નવા કપડા પહેર્યા અને ચારેયનો આખો લુક બદલાઈ ગયો હતો. અને પછી એક ખુલ્લી જીપમાં સજુભા અને તળશી સાથે આ ચારેય જેલ પાસેથી નીકળ્યા.. ચાની કેબીન પાસે જીપ ધીમી પાડી અને ત્યાંથી બાય પાસ અને ત્યાંથી સજુભાના ખેતર કેમ જવાય એનું લાઈવ ડેમો આપીને જીપ પેલી હોટેલ તરફ જવા રવાના થઇ જ્યાંથી જેલમાં માલ સામાન લાવતો ટેમ્પો હાઈજેક કરવાનો હતો. મોના એ હોટેલની પાસે નજીકમાં જ પોતાની કાર એક ઝાડ આગળ છુપાવીને ઉભી હતી એણે આ છ વ્યક્તિને જોયા અને એ સતર્ક બની ગઈ. એ બધા હોટેલની આગળ રાખેલ ખાટલા પર બેઠા બેઠા ફાફડા અને તળેલા મરચા ખાઈ રહ્યા હતા. મોનાને સમજતા વાર ન લાગી કે આ એજ ગેંગ છે કે જે આગળના સાંકડા રસ્તા પરથી ટેમ્પો હાઈજેક કરીને લઇ લેવાની હતી. મોના વધારે વાર ત્યાં ન રોકાઈ. ત્યાંથી એ સીધી પોતાના ફાર્મ હાઉસ પર ગઈ. સદાનંદ ભાઉ સાથે વાત કરી.

“ બબુડીયો કહેતો હતો એ પ્રમાણે જ આયોજન લાગે છે” મોનાએ કહ્યું.
“ આ બબુડીયાનું શું કરવાનું છે?” સદાનંદે પૂછ્યું.

Image Source

“ એને આજ રાત્રે છોડી મુકીશું આંખે પાટા બાંધીને શહેરની એક અવાવરું જગ્યાએ. એનો કોઈ વાંક નથી વળી બને એટલા ખૂન ખરાબા ઓછા કરવાના છે. ફક્ત અને ફક્ત ડિસોઝા જ ઉપર જશે બાકીના કોઈને આપણે કશું જ કરવાનું નથી. હકા ભીખા માટે મેં એક યોજના વિચારી લીધી છે. એને જવા દેવાનો છે. છેલ્લે શેઠ સાથે વાતચીત થઇ ત્યારે શેઠે કહ્યું કે હકા ભીખા મળી જાય તો પણ એને જતો કરવાનો છે કારણકે વી કે શેઠે ઘનશ્યામને વચન આપ્યું છે કે હકા ભીખાને એના તરફથી કશું નુકશાન નહીં થાય.. ભાઉ આપણે આજે રાત્રે જ કાર વાટે મુંબઈ નીકળી જવાનું છે. જો હકા ભીખા જેલમાંથી ભાગવામાં સફળ થઇ ગયો તો શહેરમાં ઘનિષ્ઠ તપાસ થશે. પણ એ તપાસ બોદી થઇ જશે એમ મને વીકે શેઠ કહેતા હતા. એક વખત મારા મનની યોજના આજ સાંજે પૂરી થઇ જાય એટલે સાપ પણ મરી જશે અને લાઠી પણ નહિ ભાંગે એવું થશે.” ઓકે કહીને સદાનંદ ભાઉ પોતાનો સમાન કારમાં ગોઠવવા લાગ્યા. બે ય નેપાળી ગુરખાને ભાઉએ સલાહ આપી કે બપોરે આ બબુડીયા ને આંખો પર પટ્ટી બાંધેલી છે એ એમ જ રહેવા દઈને ખાય તો ખવડાવી દેજો અને પછી રાતના અગિયાર વાગ્યે એને અહીંથી દૂર શિવાલય પાસે છોડી આવવાનો છે. એની સાથે બહુ જ ઓછી વાતો કરવાની છે. એને છોડીને તરત જ પાછા આવતા રહેવાનું છે. અને પછી અઠવાડિયા સુધી કોઈ પણ કામે શહેરમાં આંટો મારવા પણ નથી જવાનું. બબુડીયાને કોઈ પણ સંજોગોમાં આ સ્થળનું લોકેશન મળી જાય એવો વ્યવહાર કરવાનો નથી. બને ગોરખા બરાબર સમજી ગયા. આમેય તેઓ વીકે શેઠના અત્યંત વિશ્વાસ પાત્ર હતા. વરસો પહેલા વી કે શેઠે એને મુંબઈના રેસ્ટોરન્ટમાંથી પોતાની પાસે રાખ્યા હતા. નેપાળમાં એ બેય ના કુટુંબીજનોને દર મહીને સારી એવી રકમ વીકે શેઠ મોકલી આપતા. પરિણામે આ બને ગુરખા વીકે શેઠને ભગવાન તરીકે માનતા હતા છેલ્લા બે વરસથી વીકે શેઠે એને આ ફાર્મ હાઉસમાં રાખ્યા હતા.

અને ફાર્મ હાઉસથી મોના સદાનંદ ભાઉને લઈને જરૂરી સાધન સામગ્રી લઈને એ પેલા ગ્રોફેડના ગોડાઉન આગળ ની સાઈડમાં એક ટેકરી જેવું હતું ત્યાં પોતાની ફિઆટ કાર સંતાડીને રાહ જોવા લાગી. મોનાએ ફાર્મ હાઉસ પર જઈને પોતાનો ડ્રેસ ચેન્જ કરી લીધો હતો. સિલ્કના ટોપની જગ્યાએ સફેદ શર્ટ પહેર્યો હતો. ચુસ્ત શર્ટમાં એ એકદમ કમનીય માદક લગતી હતી. ગળામાં સોનાનો ચેઈન પહેર્યો હતો પગમાં લીબર્ટીના લેડીઝ સ્પોર્ટ્સ શુઝ પહેર્યા હતા.બ્લેક રંગનું બેગી ટાઈપનું પેન્ટ પહેર્યું હતું.પેન્ટ પર મરુન બેલ્ટ બાંધ્યો હતો. વાળ ખુલ્લા કરી નાંખ્યા હતા. આજના કાર્યક્રમને અનુરૂપ ડ્રેસમાં એ બધી રીતે સજ્જ હતી. કિશન જેલ પાસેથી ડિસોઝાને લઈને આહી જ આ સામેના ગોડાઉનમાં જ લાવવાનો હતો. અને બબુડીયા એ જે કહ્યું એ સાચું જ પડી રહ્યું હતું એનો મોનાને આનંદ હતો.

જેલમાં એક બેનર નીચે બધા બેઠા હતા. આર ડી ઝાલા , ડિસોઝા . કુરેશી. પઠાણ કેદીઓની પાછળ ઉભો હતો. કેદીઓ નીચે જાજમ પર બેઠા હતા. જેલની દીવાલ પર કેદીઓ એત્રણ દિવસમાં દોરેલ ચિત્રોનું પ્રદર્શન હતું. શરૂઆતમાં ડિસોઝા એ પોતાના અનુભવો રજુ કર્યા. જેલના કેદીઓ સજા ભોગવીને બહાર નીકળે પછી ચિત્રકામ ને લગતું કોઈ પણ કામ હોય તો એ એમને બેધડક મળી શકે છે બધા જ કેદીઓને ડિસોઝાએ પોતાનું મુંબઈનું બનાવટી એડ્રેસ પણ આપ્યું. પછી આર ડી ઝાલાએ જીવનમાં કળાનું મહત્વ સમજાવ્યું અને કહ્યું કે કોઈ પણ જાતની કળા ન હોય એ લોકો ગુનાખોરીની કળા શીખતા હોય છે આપણે સહુએ એ કળાનો ત્યાગ કરીને આવી ચિત્રકલા જેવી કળાનો સદુપયોગ જીવનમાં કરવો જોઈએ. આર ડી ઝાલા સાહેબ દેવેન્દ્ર ડિસોઝાથી ધાર્યા કરતા વધારે પ્રભાવિત થયા હતા એટલે એણે વારંવાર ડીસોઝાનો દિલથી આભાર માન્યો. પછી જેલના કેદીઓને પ્રમાણ પત્રો અપાયા. આર ડી ઝાલાએ ઘણો વિવેક કર્યો પણ ડિસોઝાએ કહ્યું કે મેં પ્રતિજ્ઞા લીધી છે કે હું જમીશ નહિ. હું ગમે તે સંસ્થામાં જાવ કે જેલમાં કેદીઓના લાભાર્થે જાવ પણ મારા ખર્ચે જ હું જમું છું. બહારનું ક્યારેય જમવાનું જ નહિ. પોલીસમાં હતો ત્યારે મુમ્બીની દરેક હોટેલનો ટેસ્ટ માણી લીધો છે એટલે ખાવાની મને જરા પણ અબળખા કે ઈચ્છા રહી જ નથી. અને પછી ડિસોઝાને ભાવભરી વિદાય આપવામાં આવી જતા પહેલા ડિસોઝા દરેક કેદીને મળ્યો હકા ભીખાને ખાસ મળ્યો અને કહ્યું.

“ બધું જ ગોઠવાઈ ગયું છે. એ ટેમ્પામાં તારે કઈ રીતે બેસીને છટકવાનું છે એ પઠાણને કેવાઈ ગયું છે અને આ થોડા પૈસા છે. અહીંથી છૂટયા પછી કદાચ કામ લાગે. ટેમ્પામાં બેસીને તારે બબુડીયાની ચા ની કેબીન પાસે વળાંકમાં ઉતરી જવાનું છે અને પડખે એક જીપ પડી હશે એનો દરવાજો ખુલે એટલે એમાં બેસી જવાનું છે. એ જીપ તને મારી પાસે લઈને આવશે. અને એજ જીપમાં આપણે બેય અમદાવાદ જઈશું.” હકા ભીખા બધું સમજી ગયો. પછી ડિસોઝા પઠાણને મળ્યો અને પઠાણ એના સ્ટોર રૂમ પાસે ઉભો હતો. ડિસોઝાએ કહ્યું.

“ તમારી દસ હજારની માંગણી હતી પણ આ પેકેટમાં વીસ હજાર પુરા છે.સાથે સાથે મારું મુંબઈનું એડ્રેસ છે. મારું કામ થઇ જાય એટલે તને પૈસાનો ધરવ કરી દેવાનો છે પણ હકા ભીખાને આજ તમારે અહીંથી ભગાડવાનો છે એ નક્કી. કદાચ તમારી નોકરી જાય તો જવા દેવી હું બેઠો છું. મારી પાસે કુટુંબ સહીત આવી જશો. અત્યારે જે પગાર મળે એનાથી બમણો પગાર અને રહેવા માટે મકાનની વ્યવસ્થા હું તમારે માટે કરી દઈશ એ મારી જબાન છે. બાકી કોઈ વાતે ડરવાનું નથી. અને સહુથી વધારે આનંદની વાત એ છે કે આર ડી ઝાલા સાહેબ આજ બે વાગ્યા પછી જતા રહેવાના છે એમ મારે હમણા એની સાથે વાત થઇ છે. આજ સાંજે એ એના જુના મિત્રો સાથે કોઈ જગ્યાએ જવાના છે એમ કહેતા હતા એટલે આપણા માટે આનંદની વાત છે કે યોજના પાર પાડવા માટે ભગવાન પણ આપણી ભેરે છે”

અને બધું બરાબર ગોઠવીને ડિસોઝા જેલની બહાર નીકળ્યો. અને એની પાસે ફક્ત બે સુટકેસ જ હતી. એનો બાકીનો સામાન તો સવારે જ કિશનને સોંપી દીધો હતો અને એ સામાન લઈને કિશન ગોડાઉન તરફ જતો રહ્યો હતો. ચિત્રકામનો બધો જ સામાન અર ડી ઝાલાને આપી દીધો હતો કેદીઓને શીખવામાં કામ લાગે એ માટે. જેલના ખૂણા સુધી એ ધીમે ધીમે ચાલ્યો અને ચા ની કેબીન પાસેથી એ જમણી બાજુ ઝડપથી ચાલ્યો ચાની કેબીન બંધ હતી એની એને નવાઈ લાગી. બબુડિયાને કહેવામાં આવ્યું હતું કે આજના દિવસે રાબેતા મુજબ તારે ચાની કેબીન ખુલ્લી રાખવાની છે. પણ કદાચ બબુડીયો બી ગયો હોય એમ એને લાગ્યું. કિશન જીપ લઈને તૈયાર હતો અને બારણું ખોલીને ડીડી યાને કે દેવેન્દ્ર ડિસોઝા એમાં ગોઠવાઈ ગયો અને જીપ તરત જ અમદાવાદ હાઇવે ને જોડતા રસ્તા પર દોડવા લાગી. કિશન આજે જીન્સ અને બ્લેક ટી શર્ટ એન્ડ સનગ્લાસમાં સોહામણો લાગતો હતો.

“ પઠાણને બધું બરાબર સમજાવી દીધું છે ને.. એના ચહેરા પર કોઈ વિશેષ ભાવ નથી ને નહીતર આર ડી ઝાલાની બાઝ નજરે એ પકડાઈ જશે તો કર્યા કારવ્યા પર પાણી ફરી જશે” કિશન બોલ્યો.

“ ના અત્યાર સુધી બધું બરાબર જ છે અને રહી વાત ઝાલા સાહેબની તો એ એના એક મામલતદાર ભાઈબંધ છે અને એક દવે કરીને પી એસ આઈ છે એમની સાથે કોઈ શિવાલયે એક રાતના ભોજન સમારંભમાં જવાના છે એમ મને એ કહેતા હતા. મેં ઝાલા સાહેબને મારું કાર્ડ આપીને કહ્યું કે સાહેબ ફેમેલી સાથે આવો મુંબઈ તમારી ભરપુર આગતા સ્વાગતા કરીશ ત્યારે ઝાલા સાહેબે જ મને કહ્યું કે મને હમેશા મિત્રો સાથે ફરવાનું ગમે છે અને આજે જ મિત્રો સાથે એક શિવાલયે જવાનું છે. હું એકાદ વરસમાં મુંબઈ ચોક્કસ આવીશ એવું કહેતા હતા. આર ડી ઝાલા તો બે વાગ્યે નીકળી જશે અને પઠાણ પાસેથી આપણને અગાઉ જ જાણવા મળ્યું કે આર ડી ઝાલા બહાર જાય એટલે કલાકમાં જ કુરેશી અને ગામીત પણ જતા રહે છે અને મોડી સાંજે ઝાલા સાહેબ આવે એ પહેલા આવી જાય છે એટલે પઠાણ પેટ ચોળીને શુળ ન ઉભું કરે ને તો કોઈ તકલીફ નથી પડવાની!! ડિસોઝા બોલતો હતોને કિશન ગાડી ચલાવ્યે રાખતો હતો. થોડી જ વારમાં જીપ અમદાવાદ તરફ જતા હાઈવે પર ચડી ને થોડી જ વારમાં ગોફેડના ગોડાઉન દેખાવા લાગ્યા.

કિશન જીપ લઈને ગોડાઉનના છેલ્લા મકાન તરફ ગયો અને પોતાની જીપ એણે બાવળિયાના ઝુંડમાં પાર્ક કરી દીધી અને ફટાફટ શટર ઊંચું કર્યું અને એ ડિસોઝા સાથે દાખલ થયો. થોડી જ વારમાં એ બહાર નીકળ્યો અને આજુબાજુની જગ્યાએ જોઈ લીધું અને વળી પાછો એ ગોડાઉનમાં ગયો. મોના આ બધી હરકત એની પાસે રહેલા પાવરફુલ દૂરબીનથી જોઈ રહી હતી. અને પછી એક પાણીની ખાલી બોટલ અને પાંચ લીટરનું ખાલી કેન લઈને એ ગોડાઉન તરફ ચાલી અને દૂરબીન સદાનંદ ભાઉને આપ્યું, સદાનંદે એને જરૂરી સૂચનાઓ આપી. અને મોના ગળામાં એક લેધરનું લેડીસ પર્સ લટકાવતી ગોડાઉન ચાલતી હતી. પોતાના એક હાથમાં પાણીની ખાલી બોટલ અને અને બીજા હાથમાં કેન ઝૂલાવતી ઝૂલાવતી મોના ગોડાઉનના એ શટર પાસે પહોંચી અને ખુલ્લા શટર સામે જોઇને બોલી.

“ છે કોઈ ભાઈ અહિયાં… છે કોઈ અહી” મીઠો અને મધુરો અવાજ સંભાળીને કિશન બહાર આવ્યો કિશનના હાથમાં સન ગ્લાસ હતા એને જોઇને મોના મીઠું હસીને લટકું કરતા કરતા બોલી.

Image Source

“ ભાઈ તરસ લાગી છે અને કાર ખોટવાણી છે. તમારા ભાઈ રોડ પર છે ગાડીમાં પાણી ખૂટ્યું છે એમ કહેતા હતા એ ગાડી પાસે ઉભા છે મને પાણી લેવા મોકલી છે. આ ગોદામ ખુલ્લું ભાળીને હું આવી છું. પાણી હોય તો આપોને મને તરસ લાગી છે અને ગાડીને ય તરસ લાગી છે” કિશન મોનાને જોતો જ રહી ગયો. મોનાના શરીર પર વળેલા પરસેવાથી સફેદ શર્ટ એકદમ પારદર્શક બની ગયો હતો અને એની આરપાર મોનાનો ગોરો દેહ દેખાતો હતો. કિશને પોતાના બેય હોઠ ભેગા કર્યા અને ત્યાં તો મોના પગથીયા ચડીને એ કિશન પાસે પહોંચી ગઈ. કિશનને મોનાના દેહમાંથી આવતી સેન્ટની સુગંધ આવવા લાગી. એ બોલ્યો.

“ પાણી તો અંદર છે આવીને ભરી લો એમ કહીને મોનાનો હાથ પકડ્યો અને મોના હળવું હસીને હાથ છોડાવવાનો સહેજ પ્રયત્ન કર્યો અને મોનાની નજર ગોડાઉનમાં ગઈ અને એક પીપ પર ડિસોઝા સિગારેટ પીતો હતો. કિશને મોનાનો હાથ પોતાની નજીક ખેંચ્યો અને તરત જ મોનાના હાથમાં થી બોટલ અને પાણી ભરવા માટેનું પાંચ લીટરનું કેન નીચે પડી ગયું અને હાથમાં રહેલ સ્પ્રેનો ફુવારો સીધો કિશનના નાક અને આંખો પર ગયો અને કિસન લથડયો મોનાનો હાથ છૂટી ગયો અને મોના તરત જ દોડી અને ડિસોઝા પીપ પરથી જેવો ઉતરવા જાય છે ત્યાંતો એ ત્યાં પહોંચી ગઈ અને તરત જ સ્પ્રેનો ફુવારો એના નાક પર અને આંખ પર ફેંકાયો. અને ધબ દઈને ડિસોઝા પણ જમીન પર પટકાયો. બને હવે ત્રીસ મિનીટ સુધી ભાનમાં આવે એમ નહોતા અને તરત જ મોના બહાર દોડી ગઈ અને એક હાથ ઉંચો કરીને અંગુઠો બતાવ્યો અને સદાનંદ ભાઉ એ સંકેત જોયો અને તરત જ એ ફિઆટ લઈને ગોડાઉન પાસે આવી પહોંચ્યો. જીપની પેલી બાજુ એણે ફી આટ સંતાડી દીધી અને પોતે એક બેગ લઈને ફટાફટ ગોડાઉન ની અંદર જતો રહ્યો.

મોના ગોડાઉનને જોઈ રહી. મગફળીના ખાલી કોથળાથી લગભગ ગોડાઉનનો એ ભાગ ભરેલો હતો. ઉંદરની લીન્ડીઓ જમીન પર વેરાયેલી હતી. આજુ બાજુ એકદમ શાંતિ હતી સિવાય કે ઉંદર આમતેમ દોડતા દેખાતા હતા. સદા નંદ નીચે નમીને બેગ ખોલી અને એમાંથી એક એક લાલ બોટલ અને ઈન્જેકશન કાઢ્યું, મોના બોલી અત્યારે એક વાગ્યો છે. આ કિશનને ૮૦ મીલીનો મિલી નો ડોઝ આપો એટલે એ રાતના નવ વાગ્યા સુધી ભાનમાં ન આવે સુધી ભાનમાં ન આવે અને આ ડીડીને ૪૦ મીલીનો મીલીનો ડોઝ એટલે એ પાંચ વાગ્યે ભાનમાં આવી જાય. ફટાફટ સદાનંદે બને ઇન્જેક્શન આપી દીધા અને પછી બનેના મોઢા પર પ્લાસ્ટીકની પટ્ટીઓ બાંધવામાં આવી. સદાનંદે બને ના હાથ પાછળ બાંધી દીધા. સુતરની મીણ પાયેલી દોરીથી બનેના હાથ પગનું બરાબર પેકિંગ કરીને બને ને એક કોથળાના ઢગ ની આડશમાં સંતાડી દીધા ડીસોઝાનો તમામ સામાન એણે એક જગ્યાએ ભેગો કર્યો ગોડાઉનમાં એક ખૂણામાં મોટા તગારા પડ્યા હતા. અને એ તગારામાં પોતાની સાથે લાવેલ દીવાસળી અને કેરોસીનથી ધીમે ધીમે ધુમાડો ન થાય એમ એક પછી એક ડીસોઝાનો સામાન સળગાવવા માંડ્યો એક કલાકમાં બધોજ સામાન રાખ થઇ ગયો હતો. તગારામાં રાખનો ઢગલો થઇ ગયો હતો. મોનાએ રાખનું તગારું બાવળની કાટયમાં દૂર સુધી નાંખી આવી. કિશનના પેન્ટમાંથી સદાનંદે જીપની ચાવી લઇ લીધી.અને શટરને તાળું મારીને બને પેલી જીપમાં આવીને બેઠા. થોડી થોડી વારે સદાનંદ આજુબાજુ તપાસ કરી લે તો ચારે બાજુ સુનકર હતો.

અને આ બાજુ તળશી અને એના સાગરીતો બરાબરના તૈયાર થઈને બેઠા હતા. ચારેક વાગ્યે એક બુલેટ હોટેલ પર આવ્યુંને તળશી સાથે વાત કરીને એ આવેલા રસ્તા પર જતું રહ્યું અને તરત બધા સજુભાની જીપમાં ગોઠવાયા. હોટેલથી આગળ બે ડુંગરની વચ્ચે સાંકડો રસ્તો હતો એની વચ્ચે જીપ ઉભી રહી તળશી ફરીવાર બધાને સુચના આપતો હતો અને અર્ધી કલાકમાં પેલો સરકારી ટેમ્પો દેખાયો અને સહુ સાબદા થઇ ગયા. ટેમ્પો નજીક આવ્યો એટલે સજુભાએ હાથનો ઈશારો કર્યો અને ડ્રાઈવરે બારણું ખોલ્યું કે તરત જ સજુભાએ એને ખેંચી લીધો અને માથાની પાછળના ભાગમાં ફટકો માર્યો અને મોઢા પર પટ્ટી લગાવી દીધી ના અને બીજી બાજુ તળશીએ પણ ડ્રાઈવરની સાથે રહેલને તમંચો બતાવીને મોઢા પર પટ્ટી બાંધી દીધી હતી. આટલી વારમાં ટેમ્પાની પાછળ રહેલા બે જણા ને પણ મોઢા પર પટ્ટી બાંધીને હેઠે ઉતાર્યા. હાદો ટેમ્પામાં ગોઠવાયો અને ટેમ્પો શરુ કર્યો. ટકલુ એની બાજુમાં બેસી ગયો અને ટેમ્પાના આગળના બોનેટ પર રહેલ ફાઈલ જોવા લાગ્યો એમાં જે વસ્તુઓ ઉતારવાની હતી એનું લિસ્ટ હતું. જયારે ગોપુ અને સોમો ટેમ્પામાં પાછળ ગોઠવાયા હતા. અને આ બાજુ જીપમાં ચારેયને નાંખીને બધાની આંખો પર પટી લગાવીને તમંચા સાથે સજુભા જીપમાં ગોઠવાયા. સજુભાની પૂળા પૂળા જેવડી મૂછો અને કરડી આંખો જ એ ચારેયને ડરાવી રહી હતી. વગર તમંચે એ લોકો ફાટી પડ્યા હતા. હક્કા બક્કા બની ગયા હતા અને ડરના માર્યા એ થર થર કાંપી રહ્યા હતા. સજુભાની વાડીએ લાવીને એ ચારેયને કપાસ ભરવાની ઓરડીમાં પૂર્યા અને તળશી બોલ્યો.

“ તમે વાયડાઈ નહિ કરોને તો તમને જવા દેવામાં આવશે. બે કલાકમાં તમારો ટેમ્પો પણ પાછો આવી જશે. તમારા બદલે જેલમાં ડીલીવરી દેવા મારા માણસો ગયા છે. શું કામ ગયા છે એ તમારે જાણવું હોય તો કહી જ દઉં કે એક કેદીને ભગાડવાનો છે. તમારો બધો માલ પણ ત્યાં ઉતરી જશે અને તરત જ ટેમ્પો અહી આવી જશે. એટલે તમને ચારેયને ટેમ્પામાં નાંખીને અહીંથી દૂર તમારે બીજી જેલમાં માલ નાંખવા જવાનું છે ને એ રસ્તે પહોંચાડી દઈશું. ત્યાં તમારી આંખોની પટ્ટી ખોલી નાંખવામાં આવશે. અને તમે છુટ્ટા અને અમે પણ છુટ્ટા!! તમેય ખુશ અને અમે પણ ખુશ!! આ સંભાળીને જે ડ્રાઈવર હતો એની આંખમાં એક ચમક આવી ગઈ અને એ બોલ્યો.

“ તમે મને અગાઉ વાત કરી હોત તો અમે પણ તમારું કામ કરી દેત…અમને આમ પકડવા નહોતા..”
“ શું નામ તારું” સજુભાએ પૂછ્યું
“ જી મારું નામ વિઠ્ઠલ છે” ડ્રાઈવર બોલ્યો.

“ ઓ કે તો વિઠ્ઠલ ભાઈ બીજી વાર કોઈને ભગાડવો હશે તો તમને સહયોગ માટે ચોક્કસ કહીશું. કહીને તળશી ખખડાટ હસ્યો અને સાથોસાથ સજુભા પણ હસ્યા અને વળી ચારેયના મોઢા પર પટ્ટીઓ બાંધવામાં આવી અને એ કપાસના રૂમમાં પૂરી દીધા.

Image Source

પાંચેક વાગ્યે ટેમ્પો જેલના મેઈન ગેટ પાસે ઉભો રહ્યો. જેલ આગળની ચોકી વાળાએ ટેમ્પાની નંબર પ્લેટ જોઈ. આ જ ટેમ્પો છેલ્લા બે વરસથી આવતો હતો એટલે એને કશું તપાસવા જેવું ન લાગ્યું. ટેમ્પાના ડ્રાઈવરો બદલાતા પણ ટેમ્પો તો એ જ હતો. મેઈન ગેટ ખુલ્યો અને ટેમ્પો અંદર ગયો સ્ટોર રૂમ પાસે પઠાણ ઉભો હતો એણે સ્ટોર રૂમ ખોલ્યો. આર ડી ઝાલા સાહેબ બે વાગ્યાના જતા રહ્યા હતા અને કુરેશી સાથે ગામી અર્ધી કલાક પહેલા જ ગયો હતો. અને એટલે જ પઠાણને નિરાંત હતી. હકા ભીખા પેલી સર કરેલી હતી ઝાલા સાહેબની ઓફિસથી કેદીની કોટડી સુધી ત્યાં રોપા રોપતો હતો. આ જેલમાં હકા ભીખાનું છેલ્લું વ્રુક્ષારોપણ હતું. એ ઉભો થયો બપોરે એને ઘનશ્યામ સાથે વાત કરી હતી કે આજ હું સુવાની ઓરડીએ મોડો આવીશ. ઝાલા સાહેબે જેલની સામેની દીવાલ પાસે પણ ક્યારા કરવાનું કીધું છે એટલે હું મોડે સુધી કામ કરીશ. હાદાએ પઠાણ સાથે વાત કરી અને પઠાણ બોલ્યો. મારી સિવાય કોઈ નથી એટલે મોડું કરવાનું નથી. આગળના ટાયરમાં હવા કાઢીને સમય કાઢવાનું નાટક નથી કરવાનું તમે આમાં લખેલો સામાન ઉતારીને ફટાફટ રવાના થાવ અને લાવો એ કાગળ હું સહી કરી દઉં. કહીને પઠાણે ફાટફાટ માલ મળી ગયાની સહી કરી. અને વીસ જ મીનીટમાં સામાન ઉંતરી ગયો. અને તરત જ પઠાણે આજુબાજુ જોઇને હકા ભીખાને ઈશારો કર્યો અને હકા ભીખા જે સામાન હતો એની આડસમાં સંતાઈ ગયો. બીજો સામાન બીજી જેલમાં ઉતારવાનો હતો. થોડી જ વારમાં ટેમ્પો બહાર નીકળ્યો. ચોકી પરના માણસે ટેમ્પામાં નજર નાંખી આગળ અને પાછળ બે બે જણા હતા અને ટેમ્પો નીકળી ગયો. ચાની કેબીન પાસે વળાંકમાં ટેમ્પો ઉભો રહ્યો કે તરત જ આડા અવળી નજર નાંખીને હકા ભીખાએ ઠેકડો માર્યો. અને આગળ ઉભેલી જીપ જોઈ. એ જીપ પાસે પહોંચ્યો અને બારણું ખુલ્યું. હકા ભીખા અંદર બેસે ન બેસે એ પહેલા જ જીપ ઉપડી અને હકા ભીખની નવાઈનો પાર ન રહ્યો એની બાજુમાં સફેદ શર્ટમાં પાછલી સીટમાં એક દવલ જેવી જ સુંદરી મોના હતી અને સદાનંદ ભાઉ જીપ ચલાવી રહ્યો હતો. જયારે હકા ભીખાને પઠાણે એમ કહ્યું હતું કે જીપમાં ફક્ત એક જ માણસ હશે અને તે તળશીનો ખાસ માણસ હશે કિશન!! કિશનને હકા ભીખા ઓળખતો હતો એટલે એણે તરત જ પૂછ્યું.

“કિશન ક્યાં છે?? ડિસોઝા ક્યાં છે?? એના બદલે તમે કેમ આવ્યા અને આ બહેન શું કરવા આવ્યા છે??” અને જવાબમાં આજ જેનો ભરપુર માત્રામાં ઉપયોગ થયો હતો એ ફુવારો હકા ભીખાના નાકમાં ફેંકાયો અને હકા ભીખા બેહોશ થઇ ગયો. મોના હસી અને બોલી.

“ ભાઉ આ તો એકદમ સરળતાથી ભાગી છૂટ્યો પણ ડીસોઝાનો પ્લાન એકદમ પરફેકટ હો.. બહુ વહેલા આપણું કામ પતી ગયું છે. મને એમ હતું કે કલાક તો થશે જ સારું થયું આપણે વહેલા પહોંચી ગયા. જરાક મોડા પડ્યા હોત તો આ હકા ભીખાને ત્યાં ઉભા રહેવું પડત. ચાલો જે થયું એ સારું થયું એટલે હવે એક ફાઈનલ કામ પતાવીને બધું ગોઠવીને આપણે હકા ભીખાને લઈને અમદાવાદ ઉપડી જઈએ. “

“ જી સાચી વાત છે” સદાનંદ ભાઉએ જીપને અમદાવાદના હાઈવે પર ચડાવી.

****

હકા ભીખાને ઉતારીને હાદા એ ટેમ્પો બાય પાસ પર લીધો અને હજુ સવારે જ એણે આ રૂટ જોયો હતો. અને એવામાં ડ્રાઇવરની કેબીન પાછળ સોમો અને ગોપુ ઠપકારતા હોય એમ લાગ્યું ન છૂટકે હાદાએ ટેમ્પો ઉભો રાખ્યો અને પાછળ ગયા. અને મોઢું કટાણું કરીને બોલ્યો

“ અલ્યા શું છે આટલું બધું ઠપકારો છો તે?? પેશાબ લાગી કે શું?? ભૂતની જેમ ટેમ્પો ખખડાવો છો.. યાદ શેને કે સજુભાએ શું કીધું હતું?? ટેમ્પો ક્યાય એક સેકંડ પણ ઉભો નથી રાખવાનો અને બીજો વહીવટ નથી કરવાનો ભૂલેચૂકેય”

“તમે અને ટકલુ અહી આવીને જુઓ તો ખરા.. વહીવટની ક્યાં આણો છો ચક્કર ન આવે તો કહેજો ” સોમુ બોલ્યો.

આવું સાંભળીને ટકલુ અને હાદો અંદર ગયા. તેલના ડબ્બા હતા.. ખાંડની નાની નાની બાચકીઓ હતી. ઘઉંના બાચકા હતા. સાબુ અને એવું બધું હતું દાળના બાચકા હતા ડાલડા ઘીના ડબ્બા હતા પણ આ બધાની નીચે જે હતું એ જોઇને તો હાદા અને ટકલાની આંખો ફાટી રહી.

“ જેલમાં ટેમ્પો આવ્યો ઈ પહેલા જ અમે આ વસ્તુ જોઈ લીધી હતી. પછી અમે બે એ નક્કી કર્યું કે કામ પતી જાય પછી ટેમ્પો વાડીએ લઇ જઈને ત્યારે તમને બેય ને વાત કરવી છે મારા મગજમાં એક આઈડિયા આવ્યો છે બોલો તમને વશવા આવે તો કહું” ગોપુ વાત કરતો હતો પણ હાદો અને ટકલો તો એ પાંચેય કોથળા તરફ તાકી રહ્યા હતા. એમનું મગજ જાણે કે કામ કરતુ બંધ થઇ ગયું હતું.

*************ભાગ સત્યાવીશ પૂરો**************

ક્રમશઃ

મિત્રો, જો તમે આ નવલકથાનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી કરીને અમને આ નવલકથાનો આગળનો ભાગ મુકવા માટે પ્રોત્સાહન મળી રહે અને આ નવલકથા માટેના રીવ્યુ પણ જરૂર આપજો, આગળ શું થવાનું તે જાણવા માટે રાહ જુઓ ભાગ 27ની, જલ્દી જ આવશે.
લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ”, શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ, મુ.પો ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.