મુકેશ સોજીત્રા લેખકની કલમે

“ગાળિયો” ભાગ – 26 – જયારે મગજમાં કોઈ કામ બરાબર ઘુસી જાય ને ત્યારે એ કામ સો ટકા સફળ થતું હોય છે!! – વાંચો રોમાંચક નવલકથા મુકેશ સોજીત્રાની કલમે

જે મિત્રોને ભાગ-1, ભાગ-2, ભાગ-3, ભાગ-4, ભાગ-5, ભાગ-6, ભાગ-7, ભાગ-8, ભાગ-9, ભાગ-10, ભાગ-11, ભાગ-12, ભાગ-13, ભાગ-14, ભાગ-15, ભાગ-16, ભાગ-17, ભાગ-18, ભાગ-19, ભાગ-20, ભાગ-21, ભાગ-22, ભાગ-23, ભાગ-24, ભાગ-25 વાંચવાનો બાકી હોય તેઓ જે તે ભાગ બાકી હોય તેના પર ક્લિક કરે.

ફાર્મ હાઉસની એક કુટિરના અન્ડરગ્રાઉન્ડ આવેલ નાનકડા ષટકોણ રૂમમાં એક ખુરશી પર બબુડીયો બેઠો હતો. એના બરાબર માથા ઉપર બસો વોટનો પીળો બલ્બ સળગી રહ્યો હતો. બબુડીયાના બને હાથ ખુરશી પર પાછળની બાજુએ બંધાયેલા હતા. પગ પણ આગળની સાઈડથી નીચે ખુરશીના પાયા સાથે બંધાયેલા હતા. ફાર્મ હાઉસમાં પાકતા પાક જોખવા માટે વપરાતું મણિકુ ( ૨૦ કિલો વજનનું એક લોખંડનું તોલું ) બબુડીયાના ખોળામાં હતું. બબુડીયાના હોઠ પર પટ્ટી બાંધેલ હતી. ભાનમાં આવ્યો ત્યારે બબુડીયો આ સ્થિતિમાં હતો એણે બળ કરી જોયું પણ એ તસુભાર ખસી શક્યો નહિ. પાછળબંધાયેલ હાથ તૂટતા હોય એવું થયું. એવી જ સ્થિતિ પગની હતી. બને પગમાં ખાલી ચડી ગઈ હોય એમ લાગતું હતું. બબુડીયાને લાગ્યું કે પોતાના બને પગ હાથીના પગ જેવા મોટા થઇ રહ્યા છે.અધૂરામાં પૂરું ખોળામાં મુકેલ વીસ કિલો નક્કર વજન ને કારણે એના સાથળ ફાટતા હતા અને બબુડીયાનું સમગ્ર શરીર ભયાનક ત્રાસ સહન કરી રહ્યું હોય તેમ લાગ્યું. બબુડીયાની આગળ મોના ઉભી હતી. અને પાછળના ભાગમાં બારણા પાસે અંધારામાં સદાનંદ ભાઉ ઉભો હતો.

અને મોનાએ પટ્ટી ખોલી અને બબુડીયાના ગાલ પકડીને ડાબી અને જમણી બાજુ ખેંચ્યા અને પછી એકાએક એના ડાબા અને જમણા ગાલ પર મુક્કાવાળી કરી દીધી. બબુડીયા ના મોઢામાંથી લોહી ટસર નીકળી હતી. થોડી વાર સર્વિસ કરીને મોના એક ખુરશી અવળી કરીને બને હાથ ખુરશી પર ટેકવીને એ બબુડીયાની સામે બેસી અને બોલી.

“ મારે અમુક પ્રશ્નોના જવાબ જોઈએ છે. સાચે સાચું બોલજે તો તારો જીવ બચી જશે. તને છોડી મુકવામાં આવશે. તારી સાથે મારી કોઈ વ્યકતિગત દુશ્મની તો છે નહિ પણ મારા દુશ્મન સાથે તું મળી ગયો છે એટલે એની માહિતી જોઈએ છે રજેરજની.. એટલે જેટલું પૂછું એટલો જ જવાબ આપજે. બરાડા પાડવાની છૂટ છે. અહી સાંભળવા વાળું કોઈ નથી. આ ષટકોણ રૂમની બહાર અવાજ જાય એમ નથી પણ જેટલા બરાડા પાડીસ એટલી તકલીફ વધી જશે. કાલે રાત્રે તું અને ડિસોઝા ક્યાં ગયા હતા??”

“ તળશીની ઘરે ગ્યાતા” બબુડીયો બોલ્યો. “ હકા ભીખાને કોણ છોડાવવાનું છે??” મોના બોલી.

“ તળશી અને તેના ચાર માણસો” બબુડીયો બોલ્યો. “ જેલમાં હકા ભીખા અને ડિસોઝા વચ્ચે શી વાત થઇ?” મોના બોલતી હતી અને બબુડીયો એકીટસે મોનાની સામે જોઇને જવાબ દઈ રહ્યો હતો.

“ હકા ભીખા જેલમાંથી છૂટીને ડિસોઝા સાથે અમદાવાદ જવાનો છે અને એક સુટકેસ આપવાનો છે. બીજી ખબર નથી. બબુડીયો બોલ્યો. “ તને અને પઠાણને કેટલા રૂપિયા મળ્યા છે આ કામ કરવાના” મોના બોલી.

“ પઠાણની ખબર નથી મને વીસ હજાર રૂપિયા મળ્યા છે” બબુડીયો બોલ્યો. “ તળશી હકા ભીખાને કેવી રીતે છોડાવશે’ મોનાએ મુદ્દાની વાત કરી અને જવાબમાં બબુડિયો જે બોલ્યો એ સાંભળીને મોનાની આંખો પહોળી થઇ ગઈ.

“ જેલમાં રહેતા કેદીઓ માટેની જમવા માટેની અને બીજી જરૂરિયાતોની સામગ્રી લઈને દર વીસ દિવસે એક ટેમ્પો આવે છે. તેમાં અનાજ અને બીજું કરિયાણું તેમજ સાબુ અને બીજી વસ્તુઓ હોય છે. આ ટેમ્પામાં ડ્રાઈવર સહીત ત્રણ જણા હોય છે. એ લગભગ પાંચ કે છ વાગ્યાની વચ્ચે જેલમાં આવે છે અને બધી વસ્તુઓ સ્ટોર રૂમમાં ઉતારીને એ ટેમ્પો જતો રહે છે. કાલે એ ટેમ્પો આવશે. દર વખતે એ ટેમ્પામાં ડ્રાઈવરો અને મજૂરો બદલાતા રહે છે. વળી મોટી જેલનો એ ખાસ ટેમ્પો છે અને ડ્રાઈવર સાથે અમુક કાગળિયાં હોય છે. એ કાગળિયાં હોય તો જ ટેમ્પો જેલમાં જઈ શકે. શહેરથી લગભગ બારેક કિમી દૂર એક હોટેલ આવેલી છે ત્યાંથી એક સાંકડો નેળવાળો રસ્તો બે કિલોમીટરનો છે. હોટેલ પાસેથી તળશીના માણસો એ ટેમ્પાને હાઈજેક કરી લેશે. અને બધાને આંખે પાટા બાંધીને સજુભાની વાડીયે બંધક બનાવશે. અને એ ટેમ્પામાં તળશીના ચાર માણસો ચડી જશે.અને ટેમ્પો આવશે જેલમાં સામાન ઉતારવા માટે અને સામાન ઊતારતી વખતે ડ્રાઈવર આગળના પૈડાની હવા કાઢી નાંખશે કોઈને ખબર ન પડે એમ અને પછી નાનકડા પંપથી હવા ભરશે એટલે જેલમાં ટેમ્પો અર્ધો કલાક વધારે રોકાશે અને અંધારું થઇ જશે. અને અંધારાનો લાભ લઈને હકા ભીખા ટેમ્પામાં ગોઠવાઈ જશે. પઠાણને પુરા પૈસા આપી દીધા છે. ટેમ્પામાં જેટલા આવ્યા હોય એટલા જ બહાર જઈ શકે એનું ધ્યાન રાખવાની જવાબદારી પઠાણની છે પણ પઠાણ હકા ભીખાને જવા દેશે. આટલું આયોજન થયું હતું પછી તળશી સજુભા ની વાડીએ અત્યારે મીટીંગ કરતો હશે ત્યાં શું નક્કી થાય એ મને ખબર નથી મને તો બસ આટલી મને ખબર છે. વધારે ખબર નથી.” બબુડીયો પોપટની જેમ બોલતો હતો કારણકે ખારું ખોરું ધાન સદે પણ મોનાનો માર ન સદે!!

Image Source

“ ડિસોઝા ક્યાં છે અત્યારે?” મોના બોલી.

“ તળશીના ઘરે.. હવે કાલે સવારમાં ડિસોઝા જેલમાં જશે એની ચિત્રની શિબિર બપોરે પૂરી કરશે અને બહાર આવશે કે જેલની બહાર મારી ચાની કેબીન પાસેથી તળશીનો ખાસ માણસ કિશન એને જીપમાં બેસાડીને અહીંથી આઠ કીલોમીટર દૂર અમદાવાદ હાઈવે આવ્યો છે ત્યાં લઇ જશે. હાઈવે પર બે કિલોમીટર દૂર એક નાનકડા ગામડા પાસે ગ્રોફેડના ગોડાઉન આવેલા છે. એ હાલ તો બંધ છે પણ ચાવી તળશી પાસે છે ત્યાં ડિસોઝાને ઉતારી દેશે. પછી સાંજે પેલા ટેમ્પામાં બેસીને હકા ભીખા જેવો બહાર આવશે એ વખતે કિશન પાછો જીપ લઈને મારી ચાની કેબીન પાસે જ ઉભો હશે અને તે હકા ભીખાને બેસાડીને ગોફેડના ગોડાઉન પાસે લઇ જશે અને ત્યાંથી ડિસોઝાને લઈને કિશન બનેને જીપ દ્વારા અમદાવાદ મૂકી આવશે રાતોરાત” બસ લગભગ આ પ્લાન જ ફાઈનલ છે. આજ રાતે પ્લાન ન ફર્યો હોય તો” બબુડીયો બોલ્યો. અને મોના ખુરશી પરથી ઉભી થઇ અને બોલી.

“ સદાનંદ આના બંધન છોડી નાંખો અને બાથરૂમ જવાની છૂટ આપો અને થોડું જમવાનું આપો અને પછી હતો એમ ને એમ બાંધી દો. જ્યાં સુધી જેલમાંથી પેલો ટેમ્પો બહાર ન જાય ત્યાં સુધી આને છોડવાનો નથી” કહીને મોના ફટાફટ એ ષટકોણ રૂમની ઉપર આવી ગઈ. પોતાની સ્પેશ્યલ કુટિરમાં ગઈ એક હળવું ડ્રીંક બનાવ્યું. એક મોટી સિગાર કાઢીને સળગાવી એક કશ મારીને ડ્રીંકનો ઘૂંટ ભરીને સોફા પર પગ પહોળા કરીને એક અંગડાઈ લઈને એ કાલનો વિચાર કરવા લાગી. સિગારના ધુમાડાથી કાળી રાત વધુ કાળી બનતી હતી!!

અને આ બાજુ હકા ભીખા અને ઘનશ્યામ પરબત ડ્રીન્કસ લઈને બેઠા હતા પોતાની ઓરડી પાસે. આજે હકા ભીખાએ બને છાલીયામાં ડ્રીન્કસ રેડ્યું. ઘનશ્યામ પરબત બોલ્યો.

“ હકાકા આ ડિસોઝા સાથે તમારે કેમ મેળ પડી ગયો એક જ દિવસમાં અને આ બોટલની વ્યવસ્થા પણ થઇ ગઈ. બાકી તમારી ગોઠવણ ગઝબ છે હો એ તો માનવું પડે કાકા”

“ સહુ સહુને જરૂર પડે ભાઈ.. જરૂરિયાત પડે એટલે બધું આપોઆપ ગોઠવાઈ જાય. આજ માલ પણ એકદમ નીટ એન્ડ ક્લીન છે. એકદમ કાચ જેવું.પીધા પછી તરત જ સોપટ નીકળી જાય એવું બાકી લગભગ તો આ વિસ્તારમાં સ્પિરીટીયુ જ મળે ઘાસલેટની વાસ જેવું.. એ સ્પીરીટયુ પ્રાઈમસ જેવું પીધા પછી તરત જ ભડકો થાય અને તરત જ ઉતરી જાય અને પછી ભૂંડી વાસ આવે મોઢામાંથી અને આ તો પ્રીમીયમ આઇટેમ છે પ્રીમીયમ એકદમ સગડી જેવી ધીમે ધીમે તાપ પકડે અને લાંબો સમય હૂંફ આપે.. પેટમાં જઈને આ પ્રીમીયમ ટાઢક કરે જલન ન કરે.. ઘી અને ઘાસલેટમાં આટલો તો ફરક તો હોય જ ને” હકા ભીખા છાલીયામાંથી ઘૂંટ ભરતો હતો.

“ સાચી વાત છે કાકા અસલ એ અસલ જ હોય” કહીને ઘનશ્યામે પણ છાલીયામાંથી એક ઘૂંટડો ભર્યો અને આકાશ સામું જોયું. આકાશમાં તારાઓ ચમકી રહ્યા હતા. થોડે દૂર ચીબરીનો ચિત્કાર સંભળાતો હતો વાતાવરણમાં એક ભેદી સન્નાટો પ્રસરાઈ ગયો હતો.

“ ચાલ આજ તને પેલી ખજાનાવાળી વાત કરું. એકદમ સાચી વાત છે અને તે જીવનમાં ન જોયો હોય એટલો બધો ખજાનો છે. તારા જેવા માટે એકદમ સલામત” કહીને હકા ભીખા સહેજ ટટ્ટાર બેઠો અને એની આંખો દૂર દૂર સુધી જોઈ રહી હતી.. હકા ભીખા આગળ બાબા મનમાંનંદજી પ્રકટ થયા હોય એવું લાગ્યું અને હકા ભીખાએ ભૂતકાળની વાત માંડી.

દવલ રહે છે એ મામાદેવના ખીજડા વાળી જગ્યાની આથમણી હોય બે ગાઉં એક નદી વહે છે અને ત્યાંથી ગીર આમ તો શરુ થાય છે એમ કહી શકાય. એ નદીના કાંઠે એક ધુના જેવું છે. મારે એ દિવસોમાં બહુ કામ ન રહેતું એટલે હું એ ધુના સુધી ફરવા જતો અને એ વખતે ધુના પાસે એક ઝૂંપડીમાં એક સાધુ બાબા રહેતા હતા નામ એનું મનમાંનંદજી હતું. બધા એને મનમોજી બાબા કહેતા હતા. એની ઝુંપડીની આગળ એક અખંડ ધૂણો રહેતો. શરીર પર ભભૂત લગાવેલી હોય બાબાની આંખો કંકુની થાળીમાં પડી ગઈ હોય એમ લાલચોળ જ રહેતી. વરસોથી વાળ ન કપાવ્યા હતા એટલે વાળની વડવાઈ બની ગઈ હતી. અને ચીંદરીની જેમ વળ ખાઈ ગયેલ જટા હતી. કપાળે ત્રિપુંડ તાણેલુ હતું. ધૂણીની આગળ એક ત્રાંબાનો ચીપીયો હતો એ અને પડખે લાલચોળ ત્રિશુલ જમીનમાં દાટેલું હતું. બાબા કયારેક બેસતા અને ત્યારે વાઘના ચામડા પર બેસતા એમ લોકો કહેતા. બધા એનાથી આદરપૂર્વક ડરતાં હતા. લોકો ચીજ વસ્તુઓ મૂકી જાય. દુધની બરણી મૂકી જાય ફળ મૂકી જાય ખજૂર મૂકી જાય. પણ એ બધું ધુણાથી આગળ એક નાનકડા માંચડા જેવું કર્યું હતું ત્યાં મુકીને બાબા ઝૂંપડીમાંથી બહાર નીકળે એની રાહ જોઈએ બધા દૂર બેસે. બાબા નીકળે એટલે બધા ઉભા થઈને પગે લાગે અને બાબા પેલી ચીજ વસ્તુઓ લાવ્યા હોય એ લઇ લે અને જે થેલી કે વાસણમાં લોકો વસ્તુ લાવ્યા હોય બધું ખાલી કરી દે. એટલે લોકો વળી બાબાને પ્રણામ કરીને જતા રહે અને મનમાનંદજી બાબા ઉર્ફે મનમોજી બાબા ચલમના ગોટા કાઢે અને બે ય હાથે અલખ નિરંજન… આદેશ… તુહી સબસે બડા… મેરા ભોલા…. બમબમ ભોલા એમ કહીને વળી ચલમની ઊંડી સટ લે અને આશીર્વાદ આપતા હોય એમ બે હાથ ઊંચા કરે અને બોલે.. અલખ નિરંજન…. આદેશ… તુહી સબસે બડા….. મેરા ભોલા…. બમબમ ભોલા…” આટલું કહીને હકા ભીખાએ ત્રીસ નંબર બીડી સળગાવીને ઘનશ્યામ ને આપી અને એક પોતે સળગાવી અને વાત આગળ ચલાવી.

Image Source

“ હું તો છેક ધુણા સુધી જવા લાગ્યો. બાબા ચલમ પીતા હોય ઈ જ ચલમમાંથી હું પણ પીવા લાગ્યો શરૂઆતમાં તો બાબા મારી સામે ડોળા કાઢતા બહુ બોલતા પણ નહિ મને ડરાવવા માટે એ ધુણામાં કૈક વસ્તુ નાંખીને ફટ સ્વાહા… ફટ સ્વાહા… ફટ સ્વાહા.. એમ બોલતા અને ધુણામાંથી વાસ આવતી અને રંગ રંગનો ધુમાડો નીકળતો પણ હું તો ત્યાંથી જાતો નહિ અને મનમોજી બાબાની સામે બેસી જતો. એ ધુમાડાથી બાબાને ઉધરસ થઇ જતી પણ મને કશું જ ન થતું અને પછી બાબાને લાગ્યું હશે કે આ આઈટેમ છે માથાની એટલે મારી હારે સંબંધ કેળવ્યો. હું એની ઝૂંપડીમાં પણ જવા લાગ્યો. ઝૂંપડી તો કેવાની હતી બાકી હતો મોટો ઝુંપડો.. અંદર બધી જ જાહોજલાલી હતી. લોકો પગે લાગીને પૈસા આપતા હતા. બાબા એમાંથી વસ્તુઓ મંગાવતા. ખાવા પીવા અને સુવા સિવાય બાબા કશું જ કરતા નહિ એટલે ખાઈ ખાઈ ને રાતી રાણ્ય જેવા થઇ ગયા હતા. પછી તો અમે પાકા ભાઈબંધ થઇ ગયા હતા. એ અહી એક ખજાના માટે આવ્યા હતા. એના પિતાજીએ એને કામ સોંપ્યું હતું. આમ તો બાબા રાજસ્થાનના સુરજ ગઢના હતા. એના પિતા ધનમનાનંદજી મોટા અને મહા તાંત્રિક હતા. બગલા મુખીની સાધનામાં એ લિપ્ત રહેતા અને પછી વરસોના અભ્યાસે એને સપનામાં જયા માયા દાટેલી હોય એટલે કે ધન દાટેલું હોય એ દેખાતું. સપનામાં એનો આખો નકશો દેખાય.. અને જગ્યા દેખાય પણ દરેક જગ્યામાં માટેની ચોક્કસ વિધિ કરવાની હોય અને એ વિધિ કરો પછી જ એ ખજાનો તમને મળી શકે. અન્યથા તમારું કમોત થાય એ નક્કી. મનમોજી બાબા કહેતા કે પહેલાના જમાનામાં ચોર લુંટારા જમીન માં જ બધું ધન દાટતા અને સાચવતા. મોટા મોટા રજવાડાના ઘરેણા અને ઝર ઝવેરાત પણ જમીનોમાં જ દટાઈ ને રહેતું. આવું દટાયેલું ધન જમીનમાં ચાલીશ વરસ સુધી રહે પછી એનો કબજો આવી મેલી શક્તિ લઇ લે. એટલે વિધિ કર્યા વગર ધન કોઈ લઇ ન જાય. ઘણા રાજાઓ આવો ખજાનો આવા ડુંગર કે આવી બીજી કોઈ અગોચર જગ્યાએ દાટીને પછી એના પર વિધિ કરાવતા એટલે એ ખજાનો જેવા તેવા લોકોના હાથમાં ન આવે. આ મનમાંનંદજીને એના બાપા ધનમાંનંદજીએ મરતી વખતે આદેશ કર્યો હતો કે ગુજરાતમાં આ જગ્યાએ વરસોથી એક ડુંગરા પર માયા દટાયેલી છે. એટલે મનમાંનંદજી ત્યાં ધામા નાંખીને પડ્યા હતા. ડુંગર એક નદી પાસે આવેલો છે અને ભભૂતિયો ડુંગરો કહેવાય છે. કારણ કે જેમ તમે ડુંગરની ઉપર ચડતા જાવ એમ એના પથ્થરો એકદમ હલકા અને નબળા થઇ જાય છે. જેમ ટોચ પાસે તમે પહોંચોને કોઈ પથ્થર લો તો તમે એને હાથથી મસળી શકો અને એની રાખ બની જાય એટલે ભભૂત થઇ જાય. એટલે જ લોકો તેને ભભૂતિયો ડુંગર કહેતા. પણ આ ડુંગર ઉપર માયા મેળવવાની શર્ત અઘરી હતી. જે વ્યક્તિ પુનમના દિવસે આવ્યો હોય. જન્મતી વખતે ઉંધો આવ્યો હોય અને બને ગાલની નીચે ત્રિશુળ આકારનું લાખું હોય આછું આછું એ જ વ્યક્તિ અમુક મંત્ર બોલીને સાધના કરીને ત્યાં જઈ શકે અને ખજાનો મેળવી શકે. મનમાનંદજી મને ભભૂતિયા ડુંગર પર લઇ ગયા હતા. એની ઝૂંપડી ની આગળ અર્ધો કિલોમીટર તમે નદી કિનારે ચાલો અને પછી પાણીનું વહેણ એકદમ પાતળું થઇ જાય ત્યાંથી સામેના ડુંગર પર ચડી જવાનું એક જ રસ્તો છે પથરાળ રસ્તો. જેમ ઉપર જાવ તેમ ઝાડી ઘટતી જાય અને ચારે બાજુ તમને ભભૂત જેવી માટી દેખાવા માંડે.. કયારેક એ રાખમાંથી ધુમાડા પણ નીકળતા દેખાય અને વળી ક્યારેક શિયાળાની પાછલી રાતે લોકોને ડુંગર પર સળગતા તિખારા પણ દેખાય, એટલે લોકો આ ડુંગરને ભભૂતિયો ડુંગર અને તાંત્રિક ડુંગર માનતા પણ હકીકતમાં એવું નહોતું મારા ખ્યાલ થી વરસો પહેલાનો નિષ્ક્રિય જ્વાળામુખી કયારેક સક્રિય થતો હતો અને પરિણામે આ ડુંગર પર રાતે તિખારા દેખાતા હતા. નાનપણમાં હું બહુ વાંચતો એટલે મને આ બધી ખબર હતી. પણ પછી બાબા મનમાનંદજી સાથે હું ભાભુતીયા ડુંગરની ટોચ પર જઈને જોયું તો હું ચકિત થઇ ગયો. ટોચની બીજી બાજુ એક નાનકડી ખીણ હતી દસ મીટર જેટલી ત્યાં એકદમ લીલોતરી હતી. પણ ઢાળ એટલો હતો કે ત્યાં કોઈ જતું જ નહિ બાબા મનમાંનંદજી એ દોરડું કાઢ્યું અને ટોચ પર એક લાકડું ખોડીને ત્યાં બાંધ્યું અને પછી તે દોરડાના સહારે અમે નીચે ઉતર્યા.. નીચેનો નજારો અદભુત જ હતો ચારે બાજુ નાના મોટા પહાડ હતા. એકદમ લીલાછમ.. ત્યાં ખીણની આગળ એક નાનકડું ઝરણું હતું. ઝરણું એક જગ્યાએ ધોધ સ્વરૂપે પડતું હતું. ત્યાં જવા માટે એક પગ કેડી હતી. એ કેડી પર અમે ગયા. ધોધની બરાબર વચ્ચે થઈને જવાનું હતું. જેવા અમે ધોધની સોપ્ટ નીકળ્યા કે સામે રસ્તો પૂરો થઇ જતો હતો. અને ત્યાં એક ગુફા જેવું હતું એની ગુફાની આગળ નાના બે પથ્થર હતા અને બે પથ્થર પર બે પીળા રંગના સાપ ફેણ લગાવીને બેઠા હતા. અમને જોઇને એ બેય સાપે ફેણ ચડાવી. અને લબકારા કરતી જીભ બને સાપ બહાર કાઢતા હતા અને ફૂંફાડા મારવા લાગ્યા હતા. એ કેડી પર અમારાથી એક મીટર દૂર એક કાળો પથ્થર દાટેલો હતો મને એ બતાવીને મનમોજી બાબા ઉર્ફે મનમાનંદજી બાબા એ કહેલું કે આ ખજાના ઉપર મારક વિધિ કરવામાં આવેલી બગલામુખીની સાધના કરીને આ કાળો પથ્થર દાટવામાં આવ્યો છે. જે વ્યક્તિ પુનમના દિવસે જન્મ્યો હોય.. જન્મતી વખતે ઉન્ધો આવ્યો હોય અને બેય ગાલની નીચે ત્રિશુલ આકારનું લાખું હોય એ જ આ કાળો પથ્થર પસાર કરી શકે. બાબાએ કહ્યું કે જેવો એ ત્રણેય શરત પૂરી કરતો એ વ્યક્તિ આ ધોધ વટાવીને આ બાજુએ આવે કે તરત જ બને સાપ એ પથ્થર પરથી ઉતરીને સડસડાટ દૂર જતા રહે છે. પછી એ માણસે સાપ જે પથ્થર પર બેઠા હતા એ બને પથ્થર પર બને પગ રાખીને હાથ જોડીને આ મંત્ર અગિયાર વખત બોલવાનો એકી શ્વાસે “ હિર્મ શ્રી કલી બગલામ મમ રિપુન સીપુન નાસ્ય નાસ્ય ત્ક્ષકએય દેહી દેહી સીઘ્રમ ફટ ફટ ફટાફટ સ્વઃ સ્વાહા” જેવો અ મંત્ર અગિયાર વખત બોલશે કે તરત જ માણસ જે પથ્થર ઉપર પગ રાખીને ઉભો હશે એ પથ્થર ઓટોમેટીક જમીનમાં બે ફૂટ જમીનમાં ઉતારી જશે ગુફાની આગળ જે પથ્થર હશે એ ત્યાંથી હટી જશે એને તરત પીળા રંગનો અને એક શેરડો ગુફામાંથી બહાર નીકળશે. વરસોથી દટાયેલું સોનું અમુલ્ય રત્નો વગેરેના ઝળહળાટ થી આખી ગુફા ઝળહળતી થઇ જશે. ગુફામાંથી જેટલું ઝવેરાત લેવું હોય એટલું લઈને બહાર નીકળવાનું અને પછી પેલા બે પથ્થર જે જમીનમાં ઊંડા ઉતર્યા હતા તેની પર ફરીથી ઉભા રહેવાનું અને ફરીથી પેલો મંત્ર હવે ફક્ત પાંચ વખત જ બોલવાનો અને તરતજ એ બે પથ્થરો જમીન પર ઊંચા થઇ જશે અને ગુફાની આગળ પેલો પથ્થર આવી જશે અને પછી એ માણસ આ કાળો પથ્થર વટાવે કે તરત જ પેલા નાસી ગયેલા બે પીળા રંગના સાપ પેલા બે પથ્થરો પર બેસી જશે. એ બાબા એ મને આ બધું રૂબરૂ બતાવેલું” હકા ભીખાએ જે કહ્યું એ ઘનશ્યામ પરબત એક ધ્યાનથી સાંભળી રહ્યો હતો. બને જણા એ બોટલનું બધું જ પ્રીમીયમ પ્રવાહી પૂર્ણ કરી દીધું હતું. સુતા પહેલા હકા ભીખા બોલ્યો.

“ બસ પછી તો બાબા મનમાંનંદજી એ મને આ ત્રણ શરત પૂરી કરતો હોય એવી કોઈ યુવાન કે માણસ શોધવાનું કહ્યું. એ વગર એ ખજાનો કોઈને નહીં મળે વરસો સુધી એ ડુંગર પર દટાયેલો રહેશે. પછી છ માસ પછી એ નદીમાં ભયંકર પુર આવેલું. આગળ એક બંધ તૂટી ગયેલો. વહેલી સવારે હું ગયેલો ત્યાં તો ઝૂંપડું તણાઈ ગયું હતું. અને બાબાની લાશ દુરથી મળી હતી. પણ પછીય મને બાબા ઘણી વાર સપનામાં આવે અને કહે છે કે પેલા ખજાનાને મુક્તિ આપ. વરસોથી દટાયેલું ધન હવે મુક્તિ માંગે છે. બસ તને પેરોલ મળે ને ઘના તો તું એ ખજાનામાંથી ઓછામાં ઓછી બે કોથળીઓ ભરી લાવ્ય.એક તારી અને એક મારી.. બાબા તો મને કહેતા કે પા ભાગનો ડુંગર લગભગ ખજાનો જ છે એમાં ઉપલી ટોચ તો આખી ભરેલી છે.. જેમ જરૂર પડે એમ લેતા જઈશું.. વધુમાં વધુ એક વય્ક્તિ સાત વાર ખજાનો લઇ જઈ શકે.. બીજો નિયમ કે પોતે ઉપાડી શકે એટલો જ લેવાનો કે અને લેવા જતી વખતે એ એકલો જ જવો જોઈએ ગુફા પાસે.. હા પેલો કાળો પથ્થર છે ને એની પેલી બાજુ બીજા ગમે તેટલા ઉભા હોય એ ચાલે પણ કાળા પથ્થરની આ બાજુ પેલી ત્રણેય શરત પૂરી કરતો હોય એવો જ આવી શકે!! બસ હું તો ઈચ્છું કે તું આ ખજાનો લઈને તારી ઘરે મૂકી દેજે આપણે અર્ધો અર્ધો ભાગ વહેંચી લઈશું અને પછી મોજ કરીશું. જોકે અત્યારે મોજ તો કરીયેજ છીએ પણ એ મોજેમોજની વાત અલગ છે” હકા ભીખાએ વાત પૂરી કરી. મોડી રાત થઇ ચુકી હતી તરત જ હકા ભીખા અને ઘનશ્યામ પરબત ઘસઘસાટ સુઈ ગયા. ઘનશ્યામ પરબતને સપનામાં પણ ભભૂતિયો ડુંગર દેખાતો હતો. એના બે ય પગ પેલા પથ્થર પેલા સાપ બેઠા હતા એના પર હતા અને ઘનશ્યામ મંત્ર બોલતો હતો!! શ્વાસે “ હિર્મ શ્રી કલી બગલામ મમ રિપુન સીપુન નાસ્ય નાસ્ય ત્ક્ષકએય દેહી દેહી સીઘ્રમ ફટ ફટ ફટાફટ સ્વઃ સ્વાહા” અને ફટાક દઈને પેલું ગુફા આગળ પથ્થર ખસી જતો અને ગુફામાંથી સોના હીરા ઝવેરાતનું રંગીન અજવાળું ગુફાની બહાર રેલાતું હતું!! ઘનશ્યામ પરબતનું મગજ આખું ખજાનામાં એકાકાર થઇ ગયું હતું. અને જયારે મગજમાં કોઈ કામ બરાબર ઘુસી જાય ને ત્યારે એ કામ સો ટકા સફળ થતું હોય છે!!

******

મોના આજ વહેલી ઉઠી. ઉઠીને તરત જ તેણે સ્નાન કરી લીધું. આ જ એણે ટોપ અને જીન્સ પહેરવાનું નક્કી કર્યું હતું. પોતાની ગૌર અને ઘાટીલી કાયા પર એને સિલ્કનું ગુલાબી ટોપ અને ડેનિમનું એસીડ વોશ જીન્સ પહેર્યું હતું. વાળનો અંબોડો લીધો હતો અને અને અંબોડામાં સાત જગ્યાએ પેલી સાઇનાઈડ થી ભરેલી ધાતુની પટ્ટીઓ નાંખી હતી. પગમાં એણે બ્લેક કલરના મોજા પહેર્યા અને પગની પાનીથી ઉપર ઢાંકી દેતા વુડ લેન્ડના લેડી શુઝ એણે પહેર્યા હતા. બેય શૂઝના તળિયે પોલાણ હતું. એમાં એક જર્મન બનાવટનું ચપ્પુ. એ ચપ્પુ ગમે તેટલી ધારદાર વસ્તુ કાપવા મારે સમર્થ હતું. બને કાનમાં હળવા રંગના વાદળી એરિંગ પહેર્યા હતા. ગળામાં એકદન સફેદ સ્ફટિકના મોતીઓથી બનેલ એક મસ્ત માળા હતી. એક હાથમાં રિસ્ટ વોચ અને બીજા હાથમાં લીલા રંગના નાનકડા કડા સાથે મોના આજના ઓપરેશન માટે સજ્જ હતી.

આ બાજુ ડિસોઝા પણ કિશનની સાથે સાથે વહેલો જાગી ગયો હતો. કિશન તળશીનો ખાસ માણસ હતો.. બને મહાકાળી ગેસ્ટ હાઉસ પર આવ્યા અને ડિસોઝાએ સ્નાન પતાવ્યું ફટાફટ. આજે એણે ટ્રેકિંગ શૂટ પહેર્યો હતો.. મીલીટરી ગ્રીન આખો સુટ હતો માટે મોટી હેટ અને લખાણીના લેધર શુઝ પહેર્યા હતા. કેડે પટો બાંધ્યો હતો. અને કેડમાં બેય બાજુ નાનકડા પણ તીક્ષ્ણ ધારવાળા ચપ્પુઓ ખોસ્યા.પોતાનો તમામ સામાન એણે પેક કર્યો. લખ્ડા પાસે ભાડું સમજીને એને વધારાના ૧૦૦૦ રૂપિયા આપ્યા. લખ્ડા ને બે દિવસ થી બખ્ખા બોલતા હતા કાલે મોનાએ બાકીના પૈસા નહોતા લીધા અને આજે ડિસોઝા એ ૧૦૦૦ રૂપિયા વધારાના આપ્યા હતા. પણ શરત એટલી જ હતી કે લખડાએ ક્યાય પણ મોઢું ખોલવાનું નહોતું કે એમના ગેસ્ટ હાઉસમાં આવી કોઈ વ્યક્તિ રોકાયેલ હતી. ડિસોઝાએ પોતાનો સામાન કિશનની જીપમાં નાખ્યો અને પોતાનો એક થેલો લઈને એ બોલ્યો.

Image Source

“ હું ચાલીને જ જેલમાં જાવ છું.. હું મારી ચિત્રકળાની શિબિર પૂરી કરીને બાર વાગ્યે બહાર નીકળીશ. તમે બબુડીયા ની દુકાન પાસે પેલી બાજુ જીપ લઈને ઉભા રેજો હું આવી જઈશ બાર વાગ્યા પછી”

ઓકે કિશન બોલ્યો અને એની જીપ શહેરથી થોડે દૂર અમદાવાદ જવા માટેનો હાઈવે નીકળતો હતો ત્યાં ગઈ અને આગળ થોડે દૂર એક નાનકડા ગામની બાજુમાં ગ્રોફેડના ગોડાઉનો હતા. ત્યાં જીપ ઉભી રહી. કિશન ત્યાં ઉતર્યો અને એક ચાવી થી એણે એક ગોડાઉન ખોલ્યું. ડીસોઝાનો સામાન એ અંદર લઇ ગયો. અગિયાર વાગ્યા સુધી કિશન અહી રોકાવાનો હતો.પછી એ ડિસોઝાને લઈને અહી આવવાનો હતો અને વળી સાંજે હકા ભીખાને અહી લાવીને પછી એને અને ડિસોઝા બેય ને અમદાવાદ સુધી મૂકી જવાની જવાબદારી તળશીએ કિશનની માથે નાંખી હતી. અને કિશન આવા જોખમી કામ ની ના કયારેય ના નહોતો પાડતો કારણ કે તળશીની માથાભારે અને ઘાટીલી પત્ની દક્ષાનો એ ખાસ હતો. ઘરમાં પડેલી ધન સંપતી અને ઘરનું બધી રીતે જ ધ્યાન રાખવાની જવાબદારી તળશીએ કિશનને સોંપી હતી અને કિશન બધાયનું પૂરેપૂરું ધ્યાન રાખતો, તળશી જયારે કોઈ કામ સબબ બહાર ગયો હોય કેટલીક વાર એ દિવસો સુધી બહાર જતો એ વખતે કિશન જ ઘરની બધી જ જ્વાબદારીઓ સંભાળી લેતો એમાં એ દક્ષાની જોખમી જવાબદારી પણ કિશન હસતા હસતા સ્વીકારી લેતો!! બસ કિશન ગોડાઉન ની આજુબાજુ આંટા મારતો હતો અને ત્યાંથી લગભગ અર્ધો કિલોમીટર દૂર પોતાની કારમાંથી મોના સુપર પાવરફુલ બાયનોક્યુલર થી કિશન અને એના લોકેશનને જોઈ રહી હતી. સહુ સહુના કામે લાગી ગયા હતા!!

કટીયો વહેલી સવારે જ વાડજ પોતાના નિવાસ સ્થાને પહોંચી ગયો હતો. કંકુ તો દવલને જોઇને ભેટી જ પડી. દવલની બહેન તો સાસરે હતી પણ ભાઈને મળવા આવી હતી એને દવલ તરત જ ઓળખી ગઈ. બધાની આંખમાં હરખના આંસુ હતા. કંકુ ને એક બાજુ બોલાવીને કટીયો બોલ્યો.

“ મારા ભાઈ બંધ ની પત્ની છે એટલે નથી સાચવવાની પણ હકા ભીખા મારો આત્મા છે એટલે ભાભીને સારી રીતે સાચવના છે અને આજુબાજુ વાળાને હમણા કોઈ જ જાણ નથી કરવાની. ભાભીને કોઈ જ પૂછપરછ કરવાની નથી. દવલ ભાભી સામેથી કહે તો સાંભળવાનું બસ એને હમણા આરામ કરવા દો મારા ખ્યાલથી હકા ભાઈ કાલે રાત્રે આવી જ જશે અને હા કાલે હું સવારે આઠ વાગ્યે આવીશ. મારું જમવાનું ન બનાવતી. હું ભદ્રકાળીના મંદિરે જાવ છું.. મારે ૨૪ કલાકના ઉપવાસ છે.. મનસુખને કહેજે કે રેસ્ટોરન્ટ સંભાળી લે જે” કહીને કટીયો પગમાં ચપ્પલ પહેરીને જતો રહ્યો અને કંકુ વિચારમાં પડી ગઈ!!

કોઈ એવી બાબત હોય તો જ કટીયો ૨૪ કલાકના ઉપવાસ કરતો. બસ ભદ્રકાળી માતાના મંદિર સામે બેસી જવાનું અને ૨૪ કલાક સુધી ઉભું જ નહિ થવાનું આંખો મીંચીને માતાજીનું નામ લેવાનું એ પણ એકધારું ચોવીસ કલાક.. કટીયો જયારે અમદાવાદ આવ્યો ત્યારે એને પ્રથમ વખત આવા ઉપવાસ કરેલા પછી તો કંકુ સાથે પ્રેમ થયો અને કંકુનો બાપ પહેલા આડો હાલ્યો અને આ રીતે ૨૪ કલાકના ઉપવાસ કર્યા પછી કંકુ કટિયાને પરણી ગઈ પછી તો કંકુ રેસ્ટોરન્ટ બનાવ્યું એ પહેલા ઉપવાસ કર્યા. પોતાના ત્રણ સંતાનોની ડીલીવરી વખતે કટીયો ભદ્રકાળી માતાને મંદિરે આવી જ રીતે પહોંચી ગયેલો પણ આજે એ એના ભાઈબંધ માટે ભદ્રકાળી માતાને મંદિરે જઈ રહ્યો હતો. અત્યાર સુધી પોતાના હિત માટે ભદ્રકાળી માતાને રિજવનાર કટીયો આજ હકા ભીખાના હિત માટે ૨૪ કલાકના ઉપવાસ પર બેસી રહ્યો હતો!!

સજુભાની વાડીએ તળશી અને સજુભા ચાર જણાને બધું સમજાવી રહ્યા હતા. જેલમાં હકા ભીખા અને ઘનશ્યામ પરબત નાહી ધોહીને તૈયાર થઈને પોતપોતાના કામે વળગવાની તૈયારીમાં હતા. હકા ભીખા ચિત્રકામમાં જવાનો હતો ડિસોઝા સાથે અને ઘનશ્યામ પરબત ને ખેતરમાં છેલ્લા શેઢા પર પાણી પાવાનું હતું . લસણની વાસ ખેતરમાં ફેલાઈ ગઈ હતી. ડિસોઝા જેલમાં આવીને આર ડી ઝાલા સાથે મીઠી મીઠી વાતો કરી રહ્યો હતો આજે બપોરે એ રવાના થઇ જવાનો હતો.. પઠાણ પણ ખુશ હતો આજ એને બીજા દસ હજાર મળવાના હતા. કિશન ગોડાઉન પર બેઠો હતો. અને દૂરબીન વડે કિશન પર નજર રાખવા વાળી મોના ત્યાંથી નીકળી ચુકી હતી અને એ ત્યાં જઈ રહી હતી કે જ્યાં થી પેલો ટેમ્પો હાઈજેક થવાનો હતો. એ સ્થળ જોઇને મોના બાર વાગ્યા પછી પાછા ગોડાઉન પર આવી જવાની હતી. મોનાને આ ખેલમાં મજા આવી રહી હતી. સહુ સહુ પોતપોતાના ટાર્ગેટ લઈને ગોઠવાઈ ગયા હતા!!! આજનો દિવસ બધા માટે હકીકતમાં “ટાઈટ શીડ્યુલ” જેવો રહેવાનો હતો.

*************ભાગ છવ્વીસ પૂરો**************

ક્રમશઃ

મિત્રો, જો તમે આ નવલકથાનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી કરીને અમને આ નવલકથાનો આગળનો ભાગ મુકવા માટે પ્રોત્સાહન મળી રહે અને આ નવલકથા માટેના રીવ્યુ પણ જરૂર આપજો, આગળ શું થવાનું તે જાણવા માટે રાહ જુઓ ભાગ 27ની, જલ્દી જ આવશે.
લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ”, શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ, મુ.પો ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.