મુકેશ સોજીત્રા લેખકની કલમે

“ગાળિયો” ભાગ – 24 – “ કયા છે એ સુટકેશ.. હું પહેલા રકમ આપવા તૈયાર છું. મારે એ જોઈએ છે??” – વાંચો રોમાંચક નવલકથા મુકેશ સોજીત્રાની કલમે

જે મિત્રોને ભાગ-1, ભાગ-2, ભાગ-3, ભાગ-4, ભાગ-5, ભાગ-6, ભાગ-7, ભાગ-8, ભાગ-9, ભાગ-10, ભાગ-11, ભાગ-12, ભાગ-13, ભાગ-14, ભાગ-15, ભાગ-16, ભાગ-17, ભાગ-18, ભાગ-19, ભાગ-20, ભાગ-21, ભાગ-22, ભાગ-23 વાંચવાનો બાકી હોય તેઓ જે તે ભાગ બાકી હોય તેના પર ક્લિક કરે.

“ જી સરસ પ્રમાણપત્રો છે.. સારા સારા નેતાઓ સાથે પણ ફોટાઓ છે.. હમમમ.. આ શું પોલીસની વર્દીમાં પણ ફોટાઓ છે.. વાહ શું વાત છે?? મને તો એમ કહેવામાં આવ્યું છે કે આપ એક જીવન ધોરણ સુધારનાર એનજીઓ સાથે સંકળાયેલા છો પણ આપના ફોટાઓ તો પોલીસના વેશમાં પણ છે” આર ડી ઝાલા સાહેબે ડિસોઝાના ફાઈલમાં રહેલા ફોટાઓ તરફ જોઇને કહ્યું.
“ હા સાચી વાત છે.. પોલીસ ખાતામાં પણ સેવાઓ આપી છે. પણ એક એન્કાઉન્ટરમાં સામેલ હતો પછી સાચી વાતની ખબર પડી કે એનકાઉન્ટર ખોટું હતું.અંતરાત્મા ડંખી ગયો મારો મેં સરેન્ડર કરવાનું વિચાર્યું. ઉપલા અધિકારીઓને વાત કરી.એણે મને સમજાવ્યો પણ આત્મા જાગી ગયા પછી કોઈ સમજાવટ કામ ન આવે એમ હું મારા નિર્ણયમાં અડગ રહ્યો. હું સમર્પણ કરું તો મારા ઉપલા અધિકારીઓ ઉપર રેલો આવે એમ હતો એટલે મારી સાથે રમત રમાઈ. મને અન્ડર વર્લ્ડના બાતમીદાર તરીકે ચીતરી દીધો. મને સસ્પેન્ડ કરવામાં આવ્યો અને પછી ડીસમીસ. હવે કદાચ હું મારી વાત મીડિયામાં કરું તો પણ મીડિયા મારી વાત સાચી માને નહિ કારણકે હું ડીસમીસ થયો હતો એટલે પોલીસ અને ઉપરી અધિકારીશ્રીની સામે બદલાની ભાવનાથી આ બધું કહું છું એમ બધા જ માને. હું ચુપ રહ્યો હા આત્મા ખુશ હતો કારણકે કાળી જિંદગીથી આઝાદી મળી ગઈ.પોલીસની નોકરી દરમ્યાન એટલો બધો નિષ્ઠાવાન હતો કે લગ્ન કરવાનો સમય પણ ન મળ્યો.આખરે આ સેવાભાવી સંસ્થામાં જોડાયો આમેય આગળ પાછળ કોઈ જ નહોતું અને લગ્ન પણ નહોતા કર્યા એટલે જે ભૂલ થઇ ગઈ હતી એના બદલામાં આવી સેવા શરુ કરી છે.આમેય મને ચિત્રો દોરવાનો ખુબ જ શોખ હતો.પોલીસમાં રહીને પણ હું અનેક ગુનેગારોના ચિત્રો દોરીને મુંબઈ પોલીસને ઉજળી કરી બતાવી હતી. બસ પછી તો જેલ અને અનાથાશ્રમના બાળકો સમક્ષ મારી કળા શીખવાડું છું. જેલના કેદીઓ જેલમાંથી છૂટ્યા પછી પોતાના પેટનો ખાડો પૂરો કરી શકે એ શુભ હેતુ છે. આ હજુ પ્રથમ તબક્કો છે એટલે ત્રણ દિવસ આ શીખવાડું છું. બે માસ પછી એક માસનો કાર્યક્રમ છે. એક માસ મારી પાસે જે શીખી જાય એ આમાં માસ્ટર થઇ જાય એની ગેરંટી છે. બસ જીવનના છેલ્લા શ્વાસ સુધી આ કામ કરવું છે. ઓછામાં ઓછા 200 કેદીઓના ચહેરા પર સ્મિત લાવવાનું ધ્યેય છે” દેવેન્દ્ર ડિસોઝાએ સાવ ઉપજાવી કાઢેલી બનાવટી વાત રજુ કરી. કદાચ આર ડી ઝાલા મુંબઈ તપાસ કરાવે અને ખબર પડે કે આ તો સસ્પેન્ડ અને ડીસમીસ પોલીસ છે તો પણ વાંધો ન આવે. કારણ કે કદાચ આર ડી ઝાલા મુંબઈના કોઈ પોલીસ દ્વારા માહિતી મેળવે તો પણ આર ડી ઝાલા સમજી જાય કે ડિસોઝા કહે એ વાત સાચી છે. ડિસોઝા પાણી પહેલા પાળ બાંધતો હતો.

“ સરસ સેવાકીય કાર્ય છે આપને અમારા તરફથી પુરતો સહયોગ મળશે. હકીકતમાં હું પણ આવા ઇનોવેટીવ અને જીવન સુધારણા માટેની પ્રવૃતિમાં ખુબ જ રસ છે. તમે કહો એમ પોલીસની નોકરીમાં આવા બધા જોખમ રહેલા છે.આ રાજકારણીઓ હમેશા પોલીસનો ઉપયોગ ચેસમાં આવતા મહોરા તરીકે જ કર્યો છે.સતા ટકાવવા માટે એ પોલીસનો ઉપયોગ સારી રીતે કરે છે. તમે નહિ માનો વીસ ટકા પોલીસ સ્ટાફ તો રાજકારણીઓનું ધ્યાન રાખવા માટે જ વપરાય છે. પબ્લિકનું જે થાવું હોય એ થાય. મોટા મોટા અધિકારીઓ રાજકારણીઓને ખુશ કરવા માટે એન્કાઉન્ટર દ્વારા રાજકારણીઓને નડતા લોકોને ફૂંકી મારે છે. પણ બહુ ઓછા લોકોમાં તમારા જેવો અંતરાત્મા હોય છે જે બળવો પોકારી ઉઠે છે. જયારે તમારો આત્મા બળવો પોકારે છે ને ત્યારે તમારામાં રહેલો સાચો માણસ જાગૃત થાય છે. વેલ ડન ડિસોઝા આઈ રીયલી એપ્રીકેટે યોર પોઈન્ટ ઓફ વ્યુ.. યુ આર રીયલી જીનીયસ મેન.. આઈ રીયલી ઈમ્પ્રેસ્ડ!! રીયલી!! નાઈસ ટુ મીટ યુ!! કહીને આર ડી ઝાલા ડીસોઝાથી હદ બહારના પ્રભાવિત થઇ ચૂકયા હતા. ડિસોઝાના માનસ પટલ પર ખુશીના દીવડા ઝળહળી ઉઠયા હતા. ધાર્યા કરતાં એનું કાર્ય હવે આસન બની રહ્યું હતું.
આર ડી ઝાલાએ પઠાણને સુચના આપી અને કેદીઓની કોટડી તરફ મોકલ્યો કે કોને કોને ચિત્રો શીખવામાં રસ છે. બપોરે ડિસોઝા માટે જમવાની વ્યવસ્થા પણ જેલમાં થઇ ગઈ. પઠાણે હકા ભીખા સહીત ત્રીસ કેદીઓના નામ વાળું લિસ્ટ આપ્યું અને બપોર પછી બે વાગ્યે ડીસોઝાની ચિત્રશાળા એક લીમડાના ઝાડ નીચે ગોઠવાઈ ગઈ. બે લીમડા વચ્ચે એક સુતરની દોરી બાંધીને ડિસોઝાએ આ શહેરના દોરેલ પેન્સિલ શેડિંગ ના ચાર્ટ ક્લિપ્સ દ્વારા લટકાવ્યા હતા.ડિસોઝા પોતાની સાથે એક મોટું સ્ટેન્ડ લાવ્યો હતો જે ફોલ્ડીંગ હતું એની પર એક સફેદ ચાર્ટ રાખીને એણે શરૂઆતમાં પેન્સિલ શેડિંગ શીખવા માટેના મુદ્દાઓ સમજાવવા માંડ્યો. ત્રીજી હરોળમાં હકા ભીખા બેઠો હતો. ડિસોઝા બોલતો હતો અને ઝાલા સાહેબ કુરેશી અને ગામીત છેલ્લે ખુરશી નાંખીને બેઠા હતા અને ડિસોઝાને સાંભળી રહ્યા હતા.
“ બધો જ કમાલ આ રેખાનો છે.. પેન્સિલ થાકી દોરાતી આ રેખાઓ ચિત્રમાં ભાવ સર્જન કરે છે. આ સીધી રેખા સ્થિરતાની નિશાની છે.. ત્રાંસી અને ત્રુટક ત્રુટક રેખાઓ ગતિ દર્શાવે છે. આ વળાંક વાળી રેખાઓ ચિત્રના જે મુખ્ય નવ રસ એટલે કે નવ ભાવ છે એ દર્શાવે છે” એમ કહીને એ બધી જ રેખાઓ દોરતો હતો. પેન્સિલના અલગ અલગ પ્રકાર પણ એ બતાવતો હતો.. આ 2B આ 4B આ 8B પેન્સિલ!! આ બધી પેન્સિલો પેન્સિલ શેડિંગ માં વપરાય છે. એવી જ રીતે ચિત્રમાં શાર્પનેસ લાવવા માટે 2H, 4H, 6H પેન્સિલ વપરાય છે B એટલે બ્લેક…H એટલે હાર્ડનેસ!! આવું બધું ડીટેઇલમાં સમજાવતો હતો. પછી બધાને એક એક સ્કેચ બુક અને સાથે રબ્બર અને પેન્સિલો આપવમાં આવી અને પછી પોતે બીજા ચાર્ટ્સ પર એક ઘડાનું ચિત્ર દોર્યું અને એને એવો શેઇડ આપ્યો કે સહુ આફરીન પોકારી ગયા પછી એણે બીજા ચાર્ટ પેપર પર આર ડી ઝાલાનું પેન્સિલ શેડિંગ બનાવ્યું અને ઝાલા સાહેબને ભેટમાં આપ્યું. ઝાલા સાહેબ તો પોતાનું એ ચિત્ર જોઇને એકદમ આનંદમાં આવી ગયા હતા. પછી ડિસોઝાએ બધાને અલગ અલગ બેસાર્યા અને અલગ અલગ ચિત્રો દોરવાનું કહ્યું જેવડુ આવે એવું.. બધા પાસે એ વારફરતી જાય અને સૂચનાઓ આપે. આર ડી ઝાલા અને કુરેશી પોતાની ઓફિસમાં ગયા કે તરત જ ડિસોઝા દૂર બેઠેલ હકા ભીખા પાસે ગયો અને એના ચાર્ટ પેપર તરફ જોઇને માર્ગ દર્શન આપતો હોય બોલ્યો.

Image Source
 • “ સુટકેસ સલામત છે ને?
 • “ હા સલામત જ છે”
 • “ કયા છે એ સુટકેશ.. હું પહેલા રકમ આપવા તૈયાર છું. મારે એ જોઈએ છે??”
 • “ હું બહાર નીકળું એટલે તરત તમને સુટકેસ મળી જાય”
 • “ પણ સાંભળ્યું છે કે તારી ઉપર ઘણા કેઈસ છે એટલે તું કયારે બહાર નીકળીશ એ નક્કી નહિ અને એ સુટકેસ વગર મારું કામ અટકી ગયું છે એ તો તને ખબર જ હશે.”
 • “ પણ સુટકેસ એવી જગ્યાએ અને એવી વ્યક્તિ પાસે છે કે હું કોઈને એ સરનામું ન આપી શકું. બાપના બોલથી કહું છું કે સુટકેસ તમને જ મળશે. રકમ તમારે જે આપવી હોય એ આપજો. હું બોલીનો પાકો છું. આ તો શંભુ અને જુસબ પકડાયા બાકી સુટકેસ તમને મળી જ જાત,, ભાગ્યમાં દુઃખી થવાનું લખ્યું હશે ને એટલે બધું આવું થયું છે”
  “ પણ તારી પાસે કોઈ આઈડિયા છે કે અહીંથી કઈ રીતે બહાર નીકળી શકાય?? ડિસોઝા બોલ્યો.
  “ હા છે ને એક વિચાર છે મારા મગજમાં પણ એને માટે તમારે આ સિટીના બે વ્યક્તિની મદદ લેવી પડશે. આ પઠાણને ખબર ન પડે એમ.. એને આ યોજનામાંથી બાકાત રાખવાનો છે. તમે જેલમાં આવ્યા એમાં કોની કોની મદદ લીધી એ કહો” હકા ભીખાએ કહ્યું.
  “ એક તો આ પઠાણ અને બીજો બબુડીયો.. ખૂણા પર ચા વાળો ને એણે જ પઠાણ ને ફોડી નાંખ્યો પણ પઠાણ છે લાલચુ અને એના પેટમાં જાજી વાત ટકે તો બિલાડીના પેટમાં ખીર ટકે એવું છે. મને શું ખબર કે આર ડી ઝાલા આટલી સરળતાથી આ બધું ગોઠવી દેશે નહિતર પઠાણને આમાં નાંખત નહિ.પઠાણને તો એટલા માટે ફોડ્યો કે જેલમાં આવ્યા પછી મારે તને મળવું હતું” ડીસોઝા બોલ્યો. પણ બબુડીયાનું નામ સાંભળીને હકા ભીખા મલકાઈ રહ્યો હતો. એ ઉત્સાહથી બોલ્યો.

“ તમારું કામ થઇ જશે ડિસોઝા.. બબુડીયાને હું જેવો તેવો ઓળખું છું. તમારે હવે આજે બબુડીયાને કહીને તળશીને મળવાનું છે. તળશી પાસે તમને બબુડીયો લઇ જશે. એને પૈસા આપવા પડશે પણ એ મારી જેમ જબાનનો પાકો છે. એક વખત એ કામની હા પાડશે પછી એ બધી જ વ્યવસ્થા ગોઠવી દેશે”
“ પણ છૂટવાની વ્યવસ્થા તળશી અને બબુડીયા પાસે છે?? મને કશું સમજાતું નથી.આટલા બધા માણસો ને આમાં નાંખીએ તો કદાચ કોઈને ખબર પડી જશે તો?? ઓકે થોડી વાર પછી આવું છું.” એમ કહીને ડિસોઝા બીજા કેદીઓ ને માર્ગદર્શન આપવા ગયો અને અર્ધી કલાક પછી હકા ભીખા પાસે આવી ગયો. અને ફરી પેન્સિલ હાથમાં લઈને હકા ભીખાની સ્કેચ બુકમાં કશુક દોરવા લાગ્યો. અને નજર નીચે રાખીને બોલવા લાગ્યો.
“ તું મને પહેલા તારો પ્લાન કહે બાકી મારો પ્લાન એ હતો કે બે દિવસ આ જેલમાં બધા કેદીઓ પાસે ચિત્રો દોરાવીને પછી આર ડી ઝાલા સાહેબ પાસે તમને બધાને ત્રીજા દિવસે આ જેલમાંથી બહાર લઇ જાઉં કોઈ મંદિરે અને ત્યાં બધાને ચિત્રો દોરાવું અને ત્યાં તને ભાગવાની તક મળે એવું ગોઠવું..પણ તારા મગજમાં બીજી કઈ યોજના છે કે જેનાથી તું આસાનીથી અહી છટકી શકે” ડિસોઝા બોલ્યો. જવાબમાં હકા ભીખા હસ્યો.
“ એમ કઈ રેઢું નથી પડ્યું કે આર ડી ઝાલા બધાને બહાર લઇ જવાની રજા આપે અને કદાચ આપે તો પણ પુરા બંદોબસ્ત સાથે અને પોલીસના ધામચડા સાથે એ સાથે પણ આવે ને..અને કદાચ એ બીજાને લઇ જવા દે પણ મને બહાર ન જ જવા દે એ પાકું છે. અને કદાચ હું ત્યાંથી નાસી જાઉં તો પણ ધોળે દિવસે કેટલેક જાવ.. અને પછી તમારું શું થાય એનો વિચાર કર્યો. આ કાઠીયાવાડ છે અહી બરડા સોજી જાય જો થાપ ખાઈ જઈએ તો.. પણ મારી પાસે એક યોજના છે એ એકદમ જડબેસલાક છે.અને એમાં દી આથમે ભાગી શકાય એમ છે અને રાતમાં હું ગમે ત્યાં જતો રહું એક રાત મળી જાય તો પણ બસ.. અને બીજી વાત કે એમાં તમારી પર શંકા ન જાય.. તમે ચિત્રમાં ન આવો એવું છે” અને ડીસોઝાની ઉત્કંઠા વધી ગઈ એ તરત જ એ વાત જાણવા આતુર થયો.

Image Source

અને પછી હકા ભીખાએ એને અર્ધી કલાક સુધી વાત કરી અને ડીસોઝાની આંખો ફાંટીને ફાટી રહી ગઈ. આટલી જડબેસલાક યોજના એના મગજમાં આવી જ નહોતી. એની આંખો ચમકી ઉઠી. હકા ભીખા બોલ્યો.“બસ આજે તમને કદાચ આર ડી ઝાલા રોકાવાનું કહેશે. પણ અહી તમે રોકાતા નહિ. આજે રાત્રે તમે બબુડીયાને લઈને તળશીને મળજો. જેટલા પૈસા ગુડવા પડે એ એને ગુડી દેજો. અહીંથી હું છુટું કે તરત જ બીજા દિવસે તમને સુટકેસ પણ મળી જશે અને એના બદલામાં મને ઓછા પૈસા મળે અથવા કઈ પણ ન મળે તો પણ મને વાંધો નથી. પણ તળશી એક વખત હા પાડી દે એટલે કામ થઇ ગયું માનજો. તમારું કામ થઇ જાય અને મારું કામ પણ થઇ જાય. મારું એક વખત કામ થઇ જાય એટલે હું બીજી વાર કોઈના હાથમાં નથી આવવાનો એ પાકું છે..”
“ ઓકે પાકું હું બબુડીયાને વાત કરીને તળશી ને આજે જ મળી લઈશ બોલ બીજું કઈ કામ હોય તો કહે” ડિસોઝા બોલ્યો.
“ એક બીજું કામ છે અને એ અગત્યનું છે. જો તળશી એમ કહે કે તારું કામ થઇ જશે તો પછી તરત જ ત્યાંથી નીકળીને બસ સ્ટેન્ડ પાસે એક એસ ટી ડી પીસીઓ છે. તે આખી રાત ખુલો રહે છે.ત્યાં એક બેઠી દડીનો માણસ બેઠો હશે એને ત્યાંથી હું આપું એ નંબર પર ફોન કરવાનો છે. સામેથી સુરજભાઈ સિંધી બોલતા હશે અથવા તો એના કોઈ કુટુંબી ફોન ઉપાડે તો એને કહેવાનું કે છકા ભાઈ નું કામ છે. મારો ભાઈ છકો એની બાજુમાં રહે છે. છકો અથવા એની પત્ની ફોન પર આવે તો એને એટલું જ કહેવાનું કે વાડજમાં આવેલ કંકુ રેસ્ટોરન્ટ પર એક સંદેશો પહોંચાડવાનો છે. કે દવલને નૈવેધ ધરાવી દેજો” આ સુચના હકા ભીખાએ ડિસોઝાને ત્રણ વાર સમજાવી દીધી હતી અને પાકા પાયે ફરીથી તળશીને શું કહેવાનું અને બબુડીયાને શું સમજાવવાનું એ બધું જ ફરી પાથીયે પાથીયે તેલ નાંખીને હકા ભીખાએ ડિસોઝાને સમજાવી દીધું.
સાંજના સાડા પાંચ વાગ્યે ડિસોઝા એ પોતાની કાર્ય શિબિર પૂરી કરી આર ડી ઝાલાએ પોતાની જીપ લઈને મૂકી જવાનું કહ્યું પણ ડિસોઝા એ કહ્યું.
“ ઝાલા સાહેબ આપનો આભાર હવે પોલીસની જીપમાં બેસતા પણ કંટાળો આવે છે. બધું જ વળગણ છૂટી ગયું છે અને હું ચાલીને જતો રહીશ. એ પણ જિંદગી જીવી લીધી કે જ્યારે મારી જીપ લઈને મુંબઈમાં નીકળતો અને ગુનેગારો મારું નામ સાંભળીને ફફડી જતા બસ પણ અત્યારે જે આનંદ આવે છે એવી માનસિક શાંતિ એ વખતે નહોતી. હું કાલે સવારે આઠ વાગ્યે આવી જઈશ. હજુ આ લોકો માટે થોડી ચીજ વસ્તુઓ લાવવાની છે પણ કાલે પાકું હું આ જેલમાં રહીશ એક રાત માટે અને પરમ દિવસે મારું કામ પુરુ” કહીને ડિસોઝા ચાલતો થયો. જેલનો મેઈન વટાવીને એ બહાર નીકળ્યો અને ફટાફટ બબુડીયાની ગરનારી ચા સેન્ટર પર પહોંચ્યો. અને પછી એણે બબુડીયા પાસે બેસીને ચા પીધી. અને તરત જ બબુડીયા એ દુકાન બંધ કરીને બસ સ્ટેન્ડ તરફ ચાલવા લાગ્યા અને એ ચાની કેબીનની સામે આવેલા ઘાટા બાવળિયાના ઝુંડ વચ્ચે દૂરબીન લઈને બેઠેલી મોના એને જોઈ રહી હતી. મોનાએ સવારે ડિસોઝાને જેલમાં જતો જોયો હતો. અને અત્યારે એ ત્રણેક વાગ્યાથી અહિયાં બેઠી હતી એકદમ સલામત સ્થળે અને એને ખાતરી હતી કે ડિસોઝા જેલમાંથી નીકળશે એટલે તરત જ બબુડીયા પાસે આવશે. મોનાને એ જાણવામાં રસ હતો કે ડિસોઝા એવી કઈ યુક્તિ અજમાવશે કે હકા ભીખા જેલમાંથી બહાર આવશે.!! એ ધીમા પગલે બનેનો પીછો કરવા લાગી.
બબુડીયો અને ડિસોઝા બને વાતો કરતા જતા હતા અને એમાં અચાનક જ એક રિક્ષા ત્યાં નીકળી અને બબુડીયા એ હાથથી એને રોકીને ફટાફટ એ અને ડિસોઝા એમાં બેસી ગયા અને રિક્ષા સીધેસીધી ચાલી અને મોના થાપ ખાઈ ગઈ એને એમ હતું કે આ બેય મહાકાલી ગેસ્ટ હાઉસ પર જ જશે. પણ ગેસ્ટ હાઉસ નો રસ્તો તો બાજુમાં વળી જતો હતો જયારે આ તો એકદમ સીધા રસ્તે ગયા હતા. હવે એ જ્યાં સુધી ગેસ્ટ હાઉસ પર ન આવે ત્યાં સુધી એણે અહિયાં રાહ જોવાનું નક્કી કર્યું. એ ગેસ્ટ હાઉસના રસ્તા પર એક ખૂણામાં આવેલ એક કાપડની દુકાન પર બેસીને રાહ જોવા લાગી!!

બબુડીયો અને ડિસોઝા તળશી ના ઘરે મફતિયા પરામાં પહોંચ્યા. સદભાગ્યે તળશી ઘરે જ હતો. બબુડીયાએ બધી જ વાત કરી અને પછી ડિસોઝા એ બધી વાત કરી. તળશી એ વાત સાંભળીને કહ્યું.
“ હકા ભીખા સાથે આમ બહુ ઓળખાણ નહિ પણ મરદ આદમી છે અને ભડ સાથે સંબંધ રાખવો એ તળશીનો નાનપણથી શોખ છે એટલે તમારું કામ થઇ જશે. આ કામમાં જોખમ તો છે જ પણ વિશ્વાસુ માણસ મુકવા પડશે એટલે વાંધો નહિ આવે. પી એસ આઈ ઠાકર સાથે બે ત્રણ વાર હકા ભીખા સાથે વાડીઓમાં પ્રોગ્રામ કરેલા છે. મૂળ તો હકા ભીખા આ પંથકમાં જે લુંટફાટ કરતો એમાં ઠાકર અર્ધો ભાગ લઇ જતો અને તોયે ઠાકરે હકા ભીખાને પોલીસ સ્ટેશનમાં મારેલો ત્યારે જ મેં ઠાકરને કીધેલું કે ઠાકર તારું ગાડે બેસીને આવ્યું છે. હકો તને મુકશે નહિ. એની આંખો જોઈ છે તે.. હું તળશી આંખ પરથી માણસને ઓળખી જાવ છું અને થયું પણ એવું જ પથ્થરની ખાણમાંથી પી એસ આઈ ઠાકરની મોઢું છુંદાયેલી લાશ મળી થોડા સમય પછી એટલે આ ધંધો એવો છે કે એમાં તમે વિશ્વાસઘાત કરો એટલે તમારું કમોત નક્કી છે”

“ સાચી વાત છે એટલે જ હકા ભીખાએ તમારું નામ લીધું છે અને ડિસોઝા ને કીધું છે કે તળશી ભાઈ એક વખત હા પાડી દે એટલે આખી દુનિયા જાય જખ મારવા.. ઈ કામ થાય અને થાય જ.. તળશી ભાઈ કહે એટલે લોઢામાં લીટો!! “ બબુડીયો બોલ્યો અને તળશીનો હાથ પોતાની મૂછો પર ગયો.“ જા ડિસોઝા સો જા તારું કામ થઇ જશે.. હું અત્યારથી જ ગોઠવણ કરું છું પણ પરમ દિવસ સુધીમાં ત્રણ લાખ રૂપિયા મને મળી જવા જોઈએ. તારી પાસે ન્હોય તો મુંબઈથી હવાલો પડાવી દે એટલે કામ પતે અને બોલ આ મંજુર હોય તો..અને તું નવો છો એટલે તને ખબર ન હોય પણ હું એક વાર રકમ બોલું પછી એમાં કોઈ જ બાર્ગેનિંગ નહિ એક રૂપિયો પણ ઓછો નહિ લઉં..બોલ્ય જો કબૂલ હોય તો હા પાડ્ય નહીતર આ કામ તું બીજા પાસે કરાવી લે. તું કદાચ બીજા પાસે કામ કરાવી લે તો હું તારા કામની આડો નહીં જ આવું. હું જાકુબીના જ કરું છું પણ એમાં પણ સિદ્ધાંતો છે મારા. ઝટ હા પાડ્ય એટલે એક વાતનો ફેંસલો આવે!! અને ડિસોઝાએ તરત જ હા પાડી દીધી અને તરત જ કહ્યું કે મુંબઈના આંગડીયા સાથે કાલે ફોન પર વાત કરાવીને તમારી રકમનો હવાલો પડાવી દઉં. અને તરત જ તળશી બોલ્યો. “ કિશન…. સુથી લાવ્ય…. સુથી” અને તરત જ બાજુના રૂમમાંથી એક એક વીસ વરસનો છોકરો આવ્યો અને એના હાથમાં એક મોટી બોટલ પ્રીમીયમ વ્હીસ્કીની હતી એ જોઇને બબુડીઓ બોલ્યો. “અહી કોઈ પણ સોદો થાય એટલે તળશી ભાઈ એના તરફથી આ બોટલ સુથી તરીકે સામેથી આપે છે.તળશી ભાઈ સમાજથી અવળા ચાલે છે. નહિતર સુથી એટલે કે એડવાન્સ કામ કઢાવવા વાળી પાર્ટીએ આપવાની હોય છે પણ અહી તળશીભાઈ સામેથી સુથી આપે છે અને એ પણ ઓરીજનલ માલ બાર વરસ જૂની એકદમ પ્રીમીયમ વ્હીસ્કી આપે છે બસ આ સુથી મળી જાય પછી અહી રોકાવાય નહિ એવો નિયમ છે કે કોઈ બીજાને પણ કામ હોય ને!! કહીને ડીસોઝાનો હાથ પકડીને બબુડીયો ઉભો થયો. અને બને ત્યાંથી નીકળ્યાં. મફતિયા પરા ને વટાવીને બને બબુડીયાને ઘેર ગયા. ત્યાં બે બે પેગ માર્યા અને પછી બબુડીયો પોતાના ઘરે રોકાઈ ગયો અને ડિસોઝાને બસ સ્ટેન્ડનો રસ્તો બતાવી દીધો અને ડિસોઝા બસ સ્ટેન્ડ તરફ ચાલતો હતો. બસ સ્ટેન્ડ પર એણે એસટીડી પીસીઓ જોયું અને હકા ભીખાની વાત યાદ આવી. એ તરત જ ત્યાં ગયો અને હકા ભીખાએ આપેલ નંબર એને મોઢે થઇ ગયો હતો.
ડિસોઝા એ અમદાવાદ કોલ લગાવ્યો. અને સામેથી અવાજ આવ્યો.
“ હેલ્લો કોણ”  “ છકા ભાઈનું કામ છે હકા ભાઈનો સંદેશો છે” “ ઉભા રહો બે મિનીટ બાજુમાંથી બોલાવી લાવું છું” થોડી વાર પછી સામેથી એક અજાણ્યો આવ્યો. “હેલ્લો હું છકો બોલો”
“ તમારા ભાઈ હકા ભાઈએ સંદેશો આપ્યો છે કે અત્યારેને અત્યારે વટવામાં આવેલ કંકુ રેસ્ટોરન્ટ પર જાવ અને એના મેનેજરને કહો કે દવલને નૈવેધ ધરાવી નાંખજો”
“ઓ કે” કહીને સામેથી ફોન મુકાઈ ગયો. અને ડિસોઝા પોતાના રસ્તે મહાકાળી ગેસ્ટ હાઉસ તરફ ગયો. મોનાએ એને આવતા જોયો પણ એકલો જ ડિસોઝા હતો તેની સાથે કોઈ નહોતું. આ ક્યાં ગયા હશે એનો કોઈ જ આઈડિયા મોનાને નહોતો. ડિસોઝા ગયો પછી દસ મિનીટ પછી મોના પર ગેસ્ટ હાઉસમાં ગઈ!!
આ બાજુ કાળુપુર રેલવે સ્ટેશનની સામે આવેલ એક મકાનમાં રહેતો છકા ભીખા સુરજભાઈ સીંધીના ઘરેથી બહાર નીકળ્યો. હકા ભીખાના કોલ અહીંજ આવતા હતા. આમ તો છકા ભીખાને સગવડ હતી કે એ ઘરે ફોન લઇ શકે પણ હકા ભીખાએ મનાઈ કરી હતી કે ઘરે ફોન હોય એટલે પકડાવાનું જોખમ વધી જાય. એ તરત જ રિક્ષા કરીને વટવામાં આવેલ કંકુ રેસ્ટોરન્ટમાં ગયો. કંકુ રેસ્ટોરન્ટનો મેનેજર એને જોઇને ઉભો થયો અને ભેટી પડ્યો અને પછી છકા ભીખા બોલ્યો.

Image Source

“ તારા જીગરી હકાનો ફોન અત્યારે જ આવ્યો છે અને દવલને નૈવેધ ધરાવી દેજો એમ કીધું છે.” અને મેનેજરની આંખો ચમકી ઉઠી. એણે તરત એક એક છોકરાને કહ્યું વસ્તાને બોલાવી લાવ્ય. એને કહેજે કનુભાઈ બોલાવે છે અને ટ્રક લઈને આવે તાત્કાલિક આવે અત્યારેને અત્યારે કાઠીયાવાડમાં જાવાનું છે અને સાથે બે મજૂર પણ લઇ લે!! અને તરત જ છકા ભીખા રવાના થયો અને કનુભાઈએ તૈયારીઓ શરુ કરી દીધી!!!
કનુભાઈ એટલે બીજું કોઈ નહિ પણ દીવ વાળો કટીયો હતો. હકા ભીખાએ દવલને ભગાડી પછી એકાદ વરસમાં કટીયો કુટુંબ સાથે અમદાવાદમાં આવ્યો હતો.વટવામાં સારું અને મોટું મકાન લીધું હતું અને પોતાની પત્નીના નામથી “ કંકુ રેસ્ટોરન્ટ “શરુ કર્યું હતું.
“ દવલ ને નૈવૈદ્ય ધરાવી દેજો” એ કોડ વર્ડ કટીયો સમજી ગયો હતો. એનો મતલબ થયો હતો કે મામાદેવના ખીજડાએથી દવલને સહી સલામત લઇ આવવાની હતી અને કટિયાએ એને પોતાના ઘરે બને છોકરા સાથે સલામત રાખવાની હતી. હકા ભીખા અમદાવાદ આવતો ત્યારે કટિયાને મળતો અને દવલ ક્યાં છે એની પૂરી માહિતી કટિયાને હતી. અને હકા ભીખાએ જ એને આ કોર્ડ વર્ડ કહેલો કે મારો આવો સંદેશો જયારે આવે ત્યારે તરત જ દવલને અને એના છોકરાને તારી પાસે લઇ આવજે.એમાં એક ઘડીક્નોય વિલંબ ન કરતો હતો. અને દસ જ મીનીટમાં કટીયો ટ્રકમાં બેસીને નીકળી ગયો હતો દવલને લેવા માટે!!
હકા ભીખા હવે પોતાની બાજીના પાનાં સંકેલવા લાગ્યો હતો. એણે ફક્ત બે બાજી ખુલ્લી રાખી હતી.એક ડિસોઝા સામે!! એ બાજી પૂરી થાય એટલે એ જેલમાંથી છૂટવાનો હતો અને બીજી બાજી ઘનશ્યામ પરબત સામે હતી. એ બાજીના પાનાં એ આવતી કાલે રાત્રે ખોલવાનો હતો.!! અને પછીની રાત્રે એ જેલમાંથી ભાગવાનો હતો. એક પછી એક ગાળિયા તૈયાર થઇ રહ્યા હતા!!!

*************ભાગ ચોવીસ પૂરો**************

ક્રમશ:
મિત્રો, જો તમે આ નવલકથાનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી કરીને અમને આ નવલકથાનો આગળનો ભાગ મુકવા માટે પ્રોત્સાહન મળી રહે અને આ નવલકથા માટેના રીવ્યુ પણ જરૂર આપજો, આગળ શું થવાનું તે જાણવા માટે રાહ જુઓ ભાગ 25ની, જલ્દી જ આવશે.
લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ”, શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ, મુ.પો ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.