મુકેશ સોજીત્રા લેખકની કલમે

“ગાળિયો” ભાગ – 23 – ઘનશ્યામને બધી વાત કઢાવવામાં રસ હતો એને હવે ભભૂતિયો ડુંગર અને સોનાનો ખજાનો દેખાતો હતો – વાંચો રોમાંચક નવલકથા મુકેશ સોજીત્રાની કલમે

જે મિત્રોને ભાગ-1, ભાગ-2, ભાગ-3, ભાગ-4, ભાગ-5, ભાગ-6, ભાગ-7, ભાગ-8, ભાગ-9, ભાગ-10, ભાગ-11, ભાગ-12, ભાગ-13, ભાગ-14, ભાગ-15, ભાગ-16, ભાગ-17, ભાગ-18, ભાગ-19, ભાગ-20, ભાગ-21, ભાગ-22, ભાગ-23, ભાગ-24 વાંચવાનો બાકી હોય તેઓ જે તે ભાગ બાકી હોય તેના પર ક્લિક કરે.

બીજે દિવસે જેલમાં સવારે બધું રાબેતા મુજબ ચાલતું હતું. ઘનશ્યામ પરબત અને હકા ભીખા પોત પોતાના કામમાં મસ્ત હતાં. જેલની જમીનમાં સારો એવો પાક લહેરાતો હતો. ઘનશ્યામ પરબતની મહેનત રંગ લાવી હતી. હકા ભીખાને નવું કામ સોંપવામાં આવ્યું હતું. આર ડી ઝાલાની ઓફીસથી કેદીઓને રહેવાની કોટડીઓ જે જુનવાણી મકાનોમાં હતી ત્યાં સુધીના રસ્તાની બને બાજુ ઓ એક લાંબી સર ખોદીને ત્યાં ફૂલ છોડ વાવવાના હતા. હકા ભીખાને આ ખોદવાનું કામ ફાવી ગયું હતું અને આમેય હકા ભીખાને નાનપણથી બથોડા ભરવાની ટેવ હતી. જન્મથી જ એ પરિસ્થિતિ સામે બથોડા ભરતા કે શીંગડા ભેરવતા શીખી ગયો હતો. અને જેલની જમીન સાથે ત્રિકમ અને પાવડાથી ઝનૂનપૂર્વક સર ખોદી રહ્યો હતો. આર ડી ઝાલા અને કુરેશી થોડી વાર માટે કોટડીની અંદર કેદીઓની રૂટીન મુલાકાત માટે ગયા હતા અને પઠાણને મોકો મળી ગયો અને ઝડપથી એ હકા ભીખા પાસે પહોંચી ગયો અને કાલની અલપઝલપ મુલાકાત પછી હકા ભીખાએ લાગ જોઇને સોગઠી મારીને પઠાણ પાસે તીસ નંબરની બે જુડીઓ મંગાવી લીધી હતી. પેલા તો આર ડી ઝાલા સાહેબ પાસેથી ઘનશ્યામ પરબત બીડીઓ લાવતો પણ હમણા અઠવાડીયાથી એ સિલસિલો બંધ થયો હતો હા વચ્ચે ઘનશ્યામ એક કે બે પેકેટ તાજના લાવ્યો હતો . પણ એ કેટલા દિવસ ચાલે. પઠાણે કહ્યું.

“ ડિસોઝા સાથે વાત થઇ ગઈ છે.. મેં તો એને ચોખ્ખું કહી દીધું કે તમારે એનું જે કામ હોય એની પહેલી શરત એને જેલમાંથી બહાર કાઢવાની છે. એ જેલમાંથી નીકળશે કે તરત જ તમારું કામ થઇ જશે” હકા ભીખાએ એની સામે થોડી વાર જોયું અને પઠાણે આપેલ બે જુડી તીસ નંબર બીડીએણે જુડીમાંથી તોડીને બે બીડી કાનની પાછળ ભરવી અને બાકીની એણે એના લેંઘાના નેફામાં સંતાડી દીધી. કાન પરથી એક બીડી એણે સળગાવી અને પૂછ્યું.

“ એ લગભગ સહમત જ છે અને એની વગર એને છૂટકો પણ ક્યાં છે.. પણ છે માલદાર પાર્ટી એમાં ના નહિ. તમારે જે સોદો થયો હોય એ પણ ઓછા લાકડાએ તમારે બળવાનું નથી. મો માંગી રકમ લઇ જ લેવી એવી સલાહ મારી છે. કાલથી ત્રણ દિવસ માટે એ આ જેલમાં એક ચિત્રકાર તરીકે આવશે. વીસ કે ત્રીસ કેદીઓ ને એ ચિત્રો દોરતા શીખવાડશે. એમાં તમારે નામ લખી દેવાનું છે. આમેય જેલમાં આવી પ્રવૃત્તિ થતી હોય તો કેદીને એમાં રસ છે કે નહિ એ પૂછવામાં આવે છે. જો મારે યાદી બનાવવાની થાય તો હું તમારું નામ લખીશ પણ કદાચ પેલા બે પાવસીયા છે ને કુરેશી અને ગામીત એમાંથી કોઈને પણ સોંપે તો તમારું નામ લખાવવાની જવાબદારી તમારી છે.એ અહી આવે ને તમારી સાથે મેળાપ કરાવી દેવાની જવાબદારી જ મારી છે બાકી આગળની કોઈ સર્વિસ જોઈતી હશે ડિસોઝાને તો એનો અલગ ચાર્જ થશે એ હું તમને અત્યારે કહી દઉં છું અને ડિસોઝાને પણ રૂબરૂ મળીશને બીજી વાર ત્યારે કહીશ.” કહીને આર ડી ઝાલા કોટડીઓ બાજુ થી આવતા હતા એને ભાળીને પઠાણે પોતાની જગ્યા તરફ ચાલતી પકડી. ઘનશ્યામ હકા મનોમન બબડ્યો.

“ ડિસોઝાને કોઈ ન મળ્યોને આ જ ભૂખડેશ જ મળ્યો.. જે થાય એક વાર ડિસોઝાને મળી લઉં પછી હું અને ડિસોઝા લડી લઈશું..” મનોમન બોલતો એ વળી પોતાના કામે વળગ્યો.

Image Source

બપોરે અગિયાર વાગ્યે સ્ટેટમાંથી એક ફોન આવ્યો અને ફોનમાં રાજ્યના જેલ નિર્દેશકના ઉપરી અધિકારી બોલતા હતા.
“મુંબઈની એક એન જી ઓ છે.. તેઓને કેદીઓનું જીવન ધોરણ સુધરે એમાં રસ છે… એમાં ત્યાં કાલે એક ચિત્રકાર આવશે એ ત્રણ દિવસો ચિત્રની નાનકડી શીબીર કરશે. એક જ વ્યક્તિ ત્યાં આવશે એની પાસે દોરેલા ચિત્રો અને કાચી સાધન સામગ્રી હશે. આપણે એ લોકોને સમય અને કેદીઓ જ આપવાના છે. બીજું કશું જ નહિ. હા એ વ્યક્તિને જમવાની અને રહેવાની વ્યવસ્થા કરવાની છે. જેલમાં એને ન રહેવું હોય તો બહાર ગેસ્ટ હાઉસમાં રહેવાની વ્યવસ્થા કરી દેશો પણ હા એનો ખર્ચ આપણે કાયદેસર ઉધારવાનો નથી. આ કોઈ સતાવાર કાર્યક્રમ નથી આ તો એક આપણા ધારાસભ્યની ભલામણ છે એટલે તમારી એક જ જેલમાં જ આ ચિત્ર શિબિર ગોઠવવાની છે.પછી કેદીઓના અને તમારા ફીડબેક પરથી આખા રાજ્યની જેલોમા આપણે ભવિષ્યમાં કાર્યક્રમ ગોઠવવો કે નહિ એ વિચારીશું. એટલે કાલે બને તેટલો સહકાર એ આવનાર વ્યક્તિને આપીને તમે તમારી રીતે આ બધું ટેકલ કરી લેશો” અને સામેથી ફોન મુકાઈ ગયો. અને આર ડી ઝાલા આ નવી પ્રવૃત્તિ વિષે વિચારવા લાગ્યા. સહુ રાબેતા મુજબ કામ કરતા રહ્યા અને સાંજ પાડવા આવી. રાત્રે પોતાના નિયત કરેલા સ્થળે જેલની જમીનના પ્રવેશ દ્વાર પાસે આવેલ બે ઓરડીઓમાં ઘનશ્યામ પરબત અને હકા ભીખાનું જે સતાવાર રહેઠાણ હતું ત્યાં બેય કાકો ભત્રીજો બેઠા હતા. અને ધીમે રહીને ઘનશ્યામે એક ડીરેકટર સ્પેશ્યલની અર્ધી બોટલ ખેતરના એક ચાસમાંથી કાઢી અને હકા ભીખાને કહ્યું.

“ હકાકા આજ માંડ માંડ મેળ આવ્યો છે. આ અને આના જેવી બીજી ઘણીય બોટલો વળી આજ ઝાલા સાહેબની બાજુના ઓરડામાં હતી. મેં ઉતાવળમાં એક બઠાવી લીધી.” હકીકતમાં આ બોટલ આર ડી ઝાલાએ ઘનશ્યામ ને સામે ચાલીને આપીને કહ્યું હતું કે આલે કાકાને પીવરાવજે કારણકે એને સહેજ પણ શંકા ન પડવી જોઈએ. વર્તન એકધારું સરળ અને પહેલા જેવું જ હોવું જોઈએ. આમ તો એના કારણે જ આપણને આટલી બધી કમાણી થઇ છે. બાકી હકા ભીખા આ કારસ્તાન ન કરત તો વિકે શેઠને આપણી જરૂરત જ ન પડત અને આપણને જે રકમ મળી છે એ પણ ન મળત ને એટલે હકા ભીખા આપણો કોઈ દુશ્મન નથી ઉલટાનો આપણો શુભ ચિંતક છે..અને રહી આ વાત ખર્ચની તો આ પેટીઓ વીકે શેઠ મુંબઈથી મોકલાવે છે.

“ વાહ ઘના વાહ.. તારા જેવો સથવારો હોય તો આ તો શું આવી સાત જેલમાં જવું પડેને તો વહમું જરાય નો લાગે હો” કહીને હકા ભીખાએ બોટલનું નિરિક્ષણ કર્યું અને કહ્યું.

“ વાહ અસલી મુંબઈની બ્રાંડ છે.. લઇ આવ્ય છાલિયા અને બનાવ્ય પેગ પણ શીંગ તો તે વાવી દીધી છે ને આજે બાઈટીંગ સાથે શું ખાશું”

“ હકાકા તમારે સહેજેય મોળું નહિ પડવાનું.. આખરે ભત્રીજો કોનો આજ તો ફૂલ તૈયારી સાથે આવ્યો છું આ જુઓ કહીને હકા એ પોતાના પહોળા લેંઘાનાં તૂટેલા પાઈસામાંથી એક લાંબુ પડીકું કાઢ્યું એમાં શેકેલા ચણા હતા. ચણા એક છાલિયામાં કાઢ્યા અને બે છાલિયામાં પેગ ભરીને બોલ્યો.

“ કેવાય છે ને કે જેણે દાંત આપ્યા ઈ ચાવણું આપે જ એમ બોટલ સાથે બાઈટીંગ પણ મળી રહે” એમ કહીને એણે હકા ભીખા સાથે છાલીયું ટકરાવીને ચીયર્સ કર્યું. અને હકા ભીખાને મોજના ફુવારા છૂટ્યા. અને હકા ભીખા શરુ થયો.

“ તને ખબર છે ઘના દવલ સાથે હું મામા દેવના ખીજડાએ ધામા નાંખ્યા પછી છ મહિના સુધી આ મુંબઈનો માલ બહુ પીધો. નાનજી હરસુખના ઘરેથી તફડાવેલ સોનું સાથે જ હતું અને વળી મામા દેવની આવક પણ શરુ જ હતી અને દવલનો સાથ પણ હતો ને એટલે એ સમયગાળો તો હું ભૂલી નહિ જ શકું. એકદમ સોનાને પતરે શરુ થયેલ મારું લગ્નજીવન.. ઓરીજનલ બ્રાંડ મળવી એ વખતે મુશ્કેલ પણ તો ય અઠવાડિયે એક ઓરીજનલ આખી પેટી હું મેળવી લેતો એવો આબાદ રસ્તો મેં શોધી લેતો. મામા દેવના ખીજડેથી લગભગ વીસ કિલોમીટર દૂર એક નાનકડું રેલવે સ્ટેશન હતું. ત્યાં શુક્રવારે રાત્રે એક માલગાડી આવતી દસેક વાગ્યે. સ્ટેશન માસ્તર યુ પી સાઇડનો હતો નામ હતું જગજીવન શુક્લા.પણ ખરો મારફાડ હો. એક બે વખત અમે સાથે પીવા બેઠા હઈશું અને પછી આપણો ભાઈબંધ થઇ ગયેલ. ભાઈ બંધ એટલે એમાં પાકો ભાઈ બંધ એમાં કઈ નો ઘટે. માલ ગાડીનો ગાર્ડ એણે સાધી લીધેલો તે દર શુક્રવારે એ માલગાડી મુંબઈથી આવતી અને સોમનાથ જતી એમાં એ શુક્લાની એક આખી પેટી ગાર્ડ લઇ આવતો. અમે બે જણા હતા એટલે એ માલ ઘટવા લાગ્યો એટલે પછીના શુક્રવારે એ શુક્લાએ બે પેટીઓ મંગાવી લીધી. બસ પછી તો દર શુક્રવારે રાતે દસ વાગ્યે મારી એક પેટી શુકલા પાસે પહોંચી જાય. અને શનિવારે હું એ આખી પેટી રેલવેના કોલસાથી ભરેલ એક કોથળાની વચ્ચે નાંખીને વટથી નાંખીને ધોળા દિવસે મામા દેવના ખીજ્ડે લઇ આવતો. દવલને એનો કોઈ જ વાંધો નહોતો. એને મન તો પીઠા વાચુર થી છુટકારો થયો એ જ મોટી વાત હતી. પણ સાત આઠ માસ એ જલસા કર્યા ઈ બધા જલસા કેવાય બાકી તો ઠીક મારા ભાઈ. મુંબઈના ભાવે જ આખી પેટી મળતી અને વળી કોઈને ખબર પણ ન પડે.પછી તો શુક્લાની બદલી થઇ અને પછી હું પણ જાકુબના ધંધા સાથે જાજો બહાર રેવા લાગ્યો.પણ ઈ જલસો હજુ યાદ આવે છે” કહીને હકા ભીખાએ એક છાલીયાનો પેગ પૂરો કર્યો અને ઘના એ બીજો પેગ ભર્યો અને હકા ભીખાએ શેકેલ ચણાના દાણા મોઢામાં મુકયા. ઘનશ્યામ પરબતે વાતનો દોર હાથમાં લીધો.

Image Source

“ હકાકા પેલી ખજાના વાળી વાતમાં મને રસ છે. મારે તમારી સાથે હવે ક્યાં સોખમણ જેવું છે એટલે પેટ છૂટી વાત કરું છું.આપણે એ ખજાનો લઇ આવીશું.અને સાથે મળીને વેચી લઈશું” આમ તો ઘનાને ઘણા બધા દિવસથી ચટપટી હતી કે હકાકા એ ખજાનાની વાત કરીને પછી સાવ પડતી કેમ મૂકી દીધી અને આ બાજુ હકા ભીખા માણસના મગજનો આબાદ પારખું હતો. એ વિચારતો હતો કે ઘનાના મગજમાં લાલચનું બીજ રોપાઈ ગયું છે એને કુંપળો ફૂટે અને લાલચનું એ ઝાડ એની મેળે મોટું થશે એમ ફળ આવશે એટલે જ્યાં સુધી ઘનશ્યામ સામે ચાલીને વાત ન કરે ત્યાં સુધી એ વાત હવે ઉખેળવી જ નથી. કોઈ કામ કરવું હોય તો સહમતીથી અને સામે ચાલીને કોઈ ઈચ્છા બતાવે તો એ કામ સો ટકા પૂરું થતું હોય છે બાકી પુંછડા ઝાલી ઝાલીને ઉભા કરેલ બળદ સરખી ખેડ પણ નો કરે એવું જ માણસનું છે એની પર પરાણે થોપેલા કામમાં જરા સરખું સિદ્ધિ કલ્યાણ હોતું નથી.

“ એ કામ તો તું કરી જ લઈશ એની મને પુરેપુરી ખાતરી છે.પણ પહેલા તું આર ડી ઝાલા સાહેબને મળીને કાલે જ પેરોલ પર છૂટવાની અરજી કરી નાંખ. તું અરજી કર્ય એટલે વીસેક દિવસમાં તને ખબર પડી જશે કે તને પેરોલ પર છૂટવા મળશે કે નહિ અને એક વખત તારું ત્રણેક દિવસ છૂટવાનું નક્કી થઇ જાય પછી હું તને એ આખી વાત કરીશ કે ભભૂતિયા ડુંગર પર એ ખજાનો કઈ રીતે મેળવી શકાય.!!”

“ ઓકે હું કાલે જ ઝાલા સાહેબને વાત કરી દઈશ કે મારે દિવાળી પર છ દિવસની પેરોલ પર રજા જોઈએ છે. છ દિવસની રજા માંગીશ એટલે વધુમાં વધુ ત્રણ દિવસની તો એ મંજુર કરશે અને એ કામ પતાવીને હું પાછો જેલમાં તમારી સંગાથે આવતો રહીશ, પણ તમે મને એ કીધું કે નહિ કે આ વાત તમને ક્યાંથી જાણવા મળી” ઘનશ્યામને બધી વાત કઢાવવામાં રસ હતો એને હવે ભભૂતિયો ડુંગર અને સોનાનો ખજાનો દેખાતો હતો. વાઘ જેમ માણસનું લોહી ચાખી જાય પછી એને બીજું કોઈ પ્રાણી ખાવા માટે ધ્યાનમાં ન આવે એમ એક વખત આવી અણધારી સંપતિ એક વાર હાથમાં આવે તો ભલભલા મહાત્મા ડગી જાય તો ઘનશ્યામ પરબત તો હજુ યુવાન હતો.એનામાં લાલસા જાગે એ સ્વાભાવિક હતી. જવાબમાં હકા ભીખા બોલ્યો.

“ એ બધી વાત ખુબ લાંબી છે અને હજુ આપણી પાસે ઘણો સમય છે તારી રજા મંજુર થાય પછી હું તને એકડે એકથી બધું જ બતાવીશ.અત્યારે એની કોઈ જરૂર પણ નથી યોગ્ય સમય પણ નથી અને તું પણ ખેડૂતનો દીકરો છો. અશ્વલેખા નક્ષત્રમાં પડેલ વરસાદ પછી જો મરચી વાવવામાં આવે તો એ મરચા એકદમ લાલ અને તીખા થાય.એમ દરેક વાતને એક યોગ્ય સમય હોય છે કહેવામાં” આટલું કહીને હકા ભીખાએ વાતને ટાળી દીધી અને એકી શ્વાસે છાલીયામાં વધેલું ડીરેકટર સ્પેશ્યલનું લાલ રંગનું અનેરું પ્રવાહી ગટગટાવી ગયો. અને થોડી વારમાં કાકો ભત્રીજો ઘસઘસાટ સુઈ ગયા.

*****

મહાકાળી ગેસ્ટ હાઉસમાં મોના ટ્રાન્સમીટર કાન પાસે રાખીને સુતી હતી. સવારમાં એ ફાર્મ હાઉસ પર જઈ આવી હતી. બપોરે પણ તે ત્યાં જ જમી હતી. પોતાના કપડા ત્યાં એણે ધોવા આપી દીધા હતા. બીજા ત્રણેક જોડ કપડા એ લઈને બપોર પછી મહાકાલી ગેસ્ટ હાઉસ પર આવી ગઈ હતી. મોનાને ચોક્કસ ખ્યાલ હતો કે ડિસોઝા જે કઈ આગળનો પ્લાન કરશે એ રાત્રે જ કરશે .પણ આજે ડિસોઝાને મળવા કોઈ જ આવ્યું નહોતું અને મોના પણ થાકી ગઈ હતી. આજ એણે વીકે શેઠ સાથે વાત કરી હતી. પેલા તો એણે મુંબઈ ફોન લગાવ્યો અને મુંબઈથી એના ખાસ માણસે કેન્યા ફોન લગાવ્યો અને મોના સાથે વીકે શેઠની વાત કરાવી આપી. મોનાએ વીકે શેઠને આખી યોજના સંભળાવી. વીકે શેઠે એને સાવચેત રહેવાનું કહ્યું હતું અને મોનાએ એને પૂરો સધિયારો આપ્યો હતો કે એ દરેક પગલું જોઈ વિચારીને ભરે છે. ચિંતાનું કોઈ કારણ નથી.

********

Image Source

બીજા દિવસે સવારે દસ વાગ્યે ડિસોઝા બે મોટા થેલા સાથે જેલના દરવાજા પાસે ઉભો હતો.પોતાના ડોક્યુમેન્ટ એ બહાર ઉભેલા ચોકીયાતને બતાવતો હતો. જેલની અંદર ચોકિયાતે લેન્ડલાઈન ફોન દ્વારા વાત કરી અને ડિસોઝાના થેલા ચેક કર્યા એમાં ચાર્ટ પેપર , પેન્સિલો અને રંગો અને પીંછીઓ સિવાય કશું જ નહોતું. અને વીસ મિનીટ પછી જેલનો દરવાજો ખુલ્યો અને દેવેન્દ્ર ડિસોઝા ઉર્ફે ડીડીની એન્ટ્રી જેલમાં થઇ. દેવેન્દ્ર ડિસોઝાને એક ચોકિયાત આર ડી ઝાલાની કેબીન સુધી મૂકી આવ્યો પણ રસ્તામાં જ હકા ભીખા ઝાલા સાહેબની ઓફીસ થી કેદીઓની કોટડીઓ સુધીના રસ્તા પર બે ય બાજુ ફૂલછોડ વાવવાની સર ખોદી રહ્યો હતો એણે ડિસોઝા ને જોયો અને ડિસોઝાએ એને જોયો બનેની આંખો મળી. બને અંદરથી ખુશ હતા પણ ચહેરા પરની રેખાઓમાં કશો જ ફેર ન પડ્યો. અને ઓફીસના પગથીયા પર પઠાણ ઉભો હતો એના ચહેરા પર ઉતેજનાની રેખાઓ આવી ગઈ હતી પણ ડીસોઝાની કરડી નજર થઇ અને પઠાણને યાદ આવ્યું કે ડિસોઝા એ એને કડક ચેતવણી આપી હતી કે જેલમાં કોઈ પણ કર્મચારીને એવું ન લાગવું જોઈએ કે આપણે બને ઓળખીએ છીએ. માટે ચહેરા પર અજાણ્યા ભાવ લાવવાના છે. એટલે તરત જ પઠાણ પોતાની રૂમમાં જતો રહ્યો. દેવેન્દ્ર ડિસોઝા આર ડી ઝાલા ની ઓફીસ આગળ ઉભો રહ્યો અને બોલ્યો.

“ મે આઈ કમ ઇન સર??” અને આર ડી ઝાલા એ ઊંચું જોયું અને એ દેવેન્દ્ર ડિસોઝાને થોડી વાર તાકી રહ્યા અને પછી બોલ્યા.

“ યસ યુ આર મોસ્ટ વેલકમ પ્લીઝ ટેઈક યોર સીટ” કહીને આર ડી ઝાલાએ એમના ટેબલ પર બેસવાની ખુરશી તરફ ઈશારો કર્યો. આર ડી ઝાલા સાથે હાથ મિલાવીને દેવેન્દ્ર ડિસોઝા ખુરશી પર બેઠો અને બોલ્યો.

“ થેંક યુ સર!!” અને ડિસોઝાએ પોતાની ફાઈલ આર ડી ઝાલાના ટેબલ ઉપર મૂકી અને શીળીના ચાંઠા વાળા ચહેરા તરફ ઝાલા સાહેબ જોઈ રહ્યા. સામાન્ય દેખાવ અને ધૂની દેખાતો આ ચિત્રકાર મુંબઈનો એક શાતિર બ્લેક્મેઇલર હશે એવી જરા જેટલી પણ શંકા ઝાલા સાહેબને આવે એમ નહોતી અને સાથોસાથ આર ડી ઝાલાને એ પણ ખબર નહોતી કે આ મુફલીસ જેવો દેખાતો ડિસોઝા હકા ભીખાને જેલમાંથી આબાદ રીતે છોડાવીને પોતાના નોકરીના કાર્યકાળ પર એક કાળો ધબ્બો લગાવવાનો છે!!!

*************ભાગ તેવીસ પૂરો**************

ક્રમશ:
મિત્રો, જો તમે આ નવલકથાનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી કરીને અમને આ નવલકથાનો આગળનો ભાગ મુકવા માટે પ્રોત્સાહન મળી રહે અને આ નવલકથા માટેના રીવ્યુ પણ જરૂર આપજો, આગળ શું થવાનું તે જાણવા માટે રાહ જુઓ ભાગ 24ની, જલ્દી જ આવશે.
લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ”, શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ, મુ.પો ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.