મુકેશ સોજીત્રા લેખકની કલમે

“ગાળિયો” ભાગ – 22 – આવો બળદિયો પછી હાથમાં નહિ આવે બબુડીયા હાથમાં નહિ આવે કોઈ દી – વાંચો રોમાંચક નવલકથા મુકેશ સોજીત્રાની કલમે

જે મિત્રોને ભાગ-1, ભાગ-2, ભાગ-3, ભાગ-4, ભાગ-5, ભાગ-6, ભાગ-7, ભાગ-8, ભાગ-9, ભાગ-10, ભાગ-11, ભાગ-12, ભાગ-13, ભાગ-14, ભાગ-15, ભાગ-16, ભાગ-17, ભાગ-18, ભાગ-19, ભાગ-20, ભાગ-21, ભાગ-22, ભાગ-23, ભાગ-24 વાંચવાનો બાકી હોય તેઓ જે તે ભાગ બાકી હોય તેના પર ક્લિક કરે.

ડિસોઝા પોતાના રૂમ પર આવ્યો. આવીને કપડા ચેન્જ કર્યો અને પલંગ પર આડો પડ્યો. રાત્રે આઠ વાગ્યે બબુડીયો એક જેલના કર્મચારીને લઈને મળવા આવવાનો હતો. જેના દ્વારા એ હકા ભીખાને મળવાનો હતો. સુટકેસ હકા ભીખાએ સાચવીને મૂકી હોવી જોઈએ અને હકા ભીખા જબાનનો પાકો હતો એ એને પણ અનુભવ હતો અને જુસબ અને શંભુ પણ કહેતા હતા કે બીજા ગમે તેટલા રૂપિયા આપે હકા ભીખા એ સુટકેસ કોઈને નહિ આપે. દેવેન્દ્ર ડિસોઝા વિચારી રહ્યો હતો કે આગળનું કામ કઈ રીતે પાર પાડવું. ખાલી હકા ભીખા સુટકેસનું સરનામું આપી દે તો પણ એ લઈને એનું હવે મુંબઈ જવું જરૂરી હતું. આ એક એવું કામ હતું કે એને જીવનભરની કમાણી આપી શકે એમ હતું. અને પછી એ લોનાવાલા બાજુ જતો રહેવાનો હતો. લોનાવાલા પુના હાઈવે પર એક નાનકડું મકાન અને આગળ થોડી ખુલ્લી જગ્યા રાખી લીધી હતી ત્યાં નાનકડી હોટેલ જેવું કરવાનો વિચાર હતો. સુમિત સોલકરની પત્નીને એણે આશ્વાસન આપ્યું હતું કે યોજના પાર પડશે તો વી કે શેઠ પાસેથી મોટી રકમનો તોડ કરીને એ આ ધંધાનો કાયમ માટે ત્યાગ કરી દેશે અને એના બદલામાં આશા સુમિત સોલકરનો કાયમ માટે ત્યાગ કરીને એની સાથે કાયમી આવી જશે.

ઘટના બન્યા પછી એ તરત જ મુંબઈ જતો રહ્યો હતો અને આશા એ જ એને ખબર આપ્યા હતા કે લુંટની ઘટના બન્યા પછી વીકે શેઠે એના તમામ જુના નોકરો ને છુટા કર્યા હતા. એ હિસાબે સુમિત પણ ડ્રાઈવરની નોકરીમાંથી છૂટો થયો હતો. પણ વીકે શેઠે બધાને એક વરસ સુધી જે પગાર હતો એ દર મહિનાની પહેલી તારીખે મળી જશે એવો નિર્ણય લીધો હતો જેથી વરસ દિવસમાં બધા પોતાની અનુકુળ નોકરી શોધી શકે!! આશાના સંપર્કમાં આવ્યા પછી ડીસોઝામાં એક પરિવર્તન આવ્યું હતું. હવે તેને બીજી સ્ત્રીઓમાં રસ નહોતો. આશાને ખરા દિલથી ચાહવા લાગ્યો હતો. એના જીવનમાં આ પ્રથમ સ્ત્રી આવી હતી જે તેના આત્માને ચાહતો હતો બાકી સ્ત્રીનું શરીર જ તેને ચાહવા માટેનું કારણ બની રહેતું હતું. આમેય આશાની વિગતોને આધારે જ તે આટલું સાહસ અને તે પણ મહારાષ્ટ્રની બહાર કરી રહ્યો હતો. અને જો યોજના પ્રમાણે સુટકેસ મળી ગઈ તો એનો બેડો પાર થઇ જવાનો એ વાતે તે અત્યારે જ આગોતરો આનંદ મેળવી રહ્યો હતો. આમેય એ પોલીસ ડીપાર્ટમેન્ટમાં જ હતો એટલે એને એ પણ ખાતરી હતી કે બ્લેક્મેઇલિન્ગ ના ધંધામાં છેલ્લું હાસ્ય તો બંદુક જ નું હોય છે. બ્લેકમેઈલરનું કુદરતી મોત હોતું નથી એ હમેશા કમોતે જ મરતા હોય છે. બસ ડિસોઝાનું મન કહી રહી હતું કે હવે બાકી છે એ જિંદગી આવી રીતે નથી વિતાવવી. બસ શાંતિ થી પહાડોમાં ઘેરાયેલા લોનાવાલામાં નાનકડા ઘરમાં વિતાવવાની છે.

સાત વાગ્યે બબુડીયાએ “ગરનારી ચા સેન્ટર” બંધ કરી ને ઉતાવળા પગે મફતિયા પરા તરફ જઈ રહ્યો હતો. શહેરથી થોડે દૂર એક સરકારે બનાવેલ વસાહત હતી. પછી એ વસાહતની આસપાસ માથાભારે લોકોએ ગેરકાયદેસર બીજી વસાહતો બનાવી હતી. માથાભારે લોકો અહિયાં રહેતા નહિ પણ વસાહતના મકાનો એ લોકોને ભાડેથી આપતાં. દેશી દારૂથી માંડીને શિવાઝ રીગલ સુધીની આઈટેમો આ મફતિયા પરામાં મળતી. શહેરમાં કોઈ પણ જગ્યાએ ચોરી થાય કે તરત જ ચોરાયેલ માલ મફતીયાપરા માં પહોંચી જતો. મફતીયાપરા માં ટેમ્પા વાળા , રિક્ષા વાળા. શહેરમાં ફરતા લારીવાળાઓ અને ફેરિયા , સરબત વાળા અને બકાલા વાળા રહેતા હતા!! બાપા બજરંગદાસ ચોક વટાવીને બબુડીયો લીમડાના ઝાડ હેઠળ એક મોટા મકાન પાસે આવી પહોંચ્યો. જીલ્લા પંચાયતના સભ્ય એવા તળશીનું ઘર હતું. મફતીયાપરામાં તળશીનું જ હાલતું. સ્થાનિક રાજકારણીઓ સાથે સાંઠગાંઠથી તળશી અહી બધાજ ગેરકાયદેસર ધંધાની એજન્સી રાખીને બેઠો હતો. એટલે જ ઘણા મફતીયાપરાને તળશીપરા જ કહેતા હતા.!! તળશીના ઘરની બીજી બાજુ ચાર નાનકડી દુકાનો હતી. છેલ્લી દુકાનમાં ખુલ્લેઆમ દારુ વેચાતો હતો. તમે જે કોઈ પણ બોટલ માંગો એ મળતી હતી. શહેરમાં જેટલો દારુ જોઈતો હતો એ બધો મફતીયાપરામાંથી મળતો હતો. બબુડીયાએ ઘણા સમય પહેલા તળશીની નીચે કામ કર્યું હતું. એનું કામ મોટેભાગે રાત્રે નવ વાગ્યે શરુ થતું અને સવારના ત્રણ વાગ્યે પૂરું થતું હતું. દીવથી આવેલ બે ખટારા શરાબની એ ડીલીવરી લેતો. અને પછી વારાફરતી કટિંગનું કામ ચાલતું. બધો જ વ્યવહાર રોકડામાં થતો. પોતે હિસાબમાં એક્સપર્ટ થઇ ગયો હતો અને તળશી એના કામથી ખુબ ખુશ હતો. આ બધું કામ મફતિયા પરાની પાછળ આવેલ એક ખળાંવાડમાં થતું. પોલીસની કોઈ જ બીક નહોતી કારણકે છેક સાબરમતી નદી સુધીના વિસ્તારમાં તળશીનું બાઈટીંગ જતું. બાઈટીંગ એટલે હપતા.. જેવો પોલીસ એવો હપતો!! બધું જ જડબેસલાક ગોઠવાઈ ગયું હતું. અને પછી બબુડીયાના લગ્ન થયા અને એની પત્નીએ આ ધંધા મૂકી દેવાનું કહ્યું અને તળશીએ એને જેલ પાસેની જગ્યા લઈ દીધી. અને ત્યારથી બબુડીયાએ ચા નો વ્યવસાય શરુ કર્યો હતો બાકી મફતીયાપરાના એક એક ગલીથી એ પરિચિત હતો. અને કયા ઘરમાં કેવા ધંધા થાય છે એની એને રજેરજની માહિતી હતી.

Image Source

ચોથી દુકાનેથી એણે રોયલ સ્ટેગની બોટલ લીધી અને ત્યાં બેઠેલ ભનુડાને કહ્યું.

“ જો તો તળશી ભાઈ ઘરે છે કે નહિ અને હોય તો એને કહો કે બબુડીયો આવ્યો છે.” ભનુડો ગયો એવો જ પાછો આવ્યો અને બબુડીયો અંદર ગયો. રાતનું અંધારું થવા આવ્યું હતું ને એક મોટો ખાટલો ઢાળીને તળશી એક મોટા તકિયાના આધારે આડો પડ્યો હતો. પડખે લેન્ડ લાઈન ફોન હતો. એકદમ ધોળી ચોરણી અને લાલ પહેરણમાં તળશીનું ભરાવદાર શરીર શોભતું હતું. બેય હાથમાં ચારેય આંગળીઓ પર સોનાની વીંટીઓ અને ગળામાં એક જાડો ચેઈન પહેર્યો હતો. મૂછોના આંકડા ચડાવેલા હતા. ત્યાં જઈને બબુડીયાએ એના ચરણ સ્પર્શ કર્યા અને તળશી એ બેસવાનો ઈશારો કર્યો અને બાજુમાં પડેલ સ્ટુલ પર બબુડીયો બેઠો અને બોલ્યો.

“ એક કામ હું હેન્ડલ કરું છું મારાથી નહિ થાય તો તમારે હેલ્પ કરવી પડશે. પાલટી મુંબઈ બાજુની છે. અને માલદાર પાલટી છે. જેલમાં એક કેદીને એ પાલટીને મળવું છું એના છેડા ગોઠવી દીધા છે. પણ કદાચ જો કેદીને ભગાડવાનો થાય તો તમારી હેલ્પની જરૂર પડશે”

“ જેલમાં તો સિંહ જેવો ઝાલા બેઠો છે ને.. ભારે વળનું પૂંછડુ છે.. ઓલ્યા ગીરીની કેબીન હટાવીને ત્યારે મેં આર ડી ઝાલાને કીધું હતું કે તમને એ ગીરીનું કેબીન જ નડે છે. ગરીબ માણસ રોટલો રળી ખાતો હોય તો શું વાંધો છે પણ જવાબમાં મારી સામે કાતર મારીને ઝાલા જતો રહ્યો અને બોલતો ગયો કે બુટલેગરની સાથે હું વાત નથી કરતો એટલે કયારેય મારી પાસે કોઈ કામે આવવું નહિ. બીજીવાર જો આવ્યોને તો હું સીધો અંદર કરી દઈશ.. જાણે એનું રાજ હોય એમ તતડાવી નાંખ્યો મને એટલે ઝાલા પર દાઝ તો મને પણ છે. પણ ત્યાં ચકલું પણ ફરકી શકતું નથી. અને ઝાલા એ ગોતી ગોતીને બીજા કર્મચારીઓ પણ એવા એવા ભર્યા છે કે કોઈ લાલચમાં આવતા નથી. ગીરીનો ગલ્લો બંધ થયો એમાં મારે રોજની સો બોટલનું વેચાણ ઓછું થઇ ગયું. જોકે તરત જ ગિરીને આપણે મામલતદાર ઓફીસ પાસે ગલ્લો કરાવી દીધો અને અત્યારે એ રોજની બસો બોટલ વેચી નાંખે છે.” તળશીએ કહ્યું.

“ તો ય આપણે જેલનો એક માણસ ફોડી નાંખ્યો છે અને અત્યારે એની સાથે હું મુંબઈ વાળી પાર્ટી સાથે મીટીંગ કરાવવાનો છું. જરૂર પડ્યે તમારે મદદ કરવાની છે. ચાલો મારે મોડું થાય છે હું જાવ બસ તમને આ બાબતમાં મળવા આવ્યો હતો’ કહીને બબુડીયો તળશીના ચરણ સ્પર્શ કરીને ત્યાંથી નીકળી ગયો અને ઝડપથી ચાલીને ટેલિફોન એક્સ ચેન્જ પાસે પહોંચ્યો અને ત્યાં એક માણસ ઉભો હતો. એ વ્યક્તિ પંજાદાર અને પહાડી હતો. પઠાણી પોશાક પહેર્યો હતો અને જેલમાં નોકરી કરતો હતો. એ હતો પઠાણ!! મુસ્તુફા પઠાણ!!

આર ડી ઝાલા એ પઠાણને કયારેય મહત્વનો ગણ્યો નહિ એના કારણે મનોમન પઠાણ ગીન્નાયેલો રહેતો હતો. એની કરતા જુનીયરને આર ડી ઝાલા પોતાના અંગત માણસોની જેમ કામ સોંપે એ જોઇને પેલા દેગામાને ઘણું બધું મહત્વ મળતું અને એની બદલી થયા પછી કુરેશી અને ગામીતને મહત્વના કામો મળતા હતા અને મલાઈ પણ મળતી હતી એ પઠાણ સારી પેટે સમજતો હતો. બાકી એનું કામ તો કેદી આવે તો એની નોંધ કરીને વિગતો ભરવાની. જેલમાં કોઈ મુલાકાતી આવે તો એની વિગતના ફોર્મ ભરવાના. દર દસ દિવસે બહારથી જેલ માટે કરિયાણું આવે જરૂરી ચીજ વસ્તુઓ આવે એ બધી સ્ટોર રૂમમાં મુકાવવી બસ બાકી આર ડી ઝાલા એને કોઈ કામ સોંપતા જ નહિ. પઠાણને મનોમન થતું કે જેલના ફોર્મ બધા મારે જ ભરવાના બાકી બીજાએ ખિસ્સા ભરવાના. આ આજકાલનો આવેલો કુરેશી આખી જેલનો દાદો થઈને ફરતો હતો. એનું એને ખુબ જ લાગી આવતું. જેલમાં શું શું ચાલી રહ્યું એનો એને ખ્યાલ જ હતો. અવારનવાર આર ડી ઝાલા ઘનશ્યામને બહાર લઇ જતા. કુરેશી પણ એવી જ રીતે ચાલુ નોકરીએ ગમે ત્યારે રજીસ્ટરમાં નોંધ કર્યા વગર જતો રહેતો અને ખાસ તો હમણા બનેલા કાપડના મોટા શો રૂમમાં કુરેશીએ ભાગ રાખ્યો એ સાંભળીને એના મગજમાં અને મનમાં તેલ રેડાયું હતું. આર ડી ઝાલાએ પણ પોતાના વતનમાં ચાલીશ વીઘા જમીન રાખી હતી એ પણ હમણા જ અને પેલા પી આઈ દવેએ પણ આ શહેરમાં બારસો વારનો એક પ્લોટ રાખ્યો હતો!! અને પોતે આ બધાથી સીનીયર હોવા છતાં ફાઈલ અને ફોર્મ ભર્યા કરતો અને ખિસ્સા બીજા ભરીને જતા હતા.. અને આવી ઉપેક્ષાને કારણે એ હવે ફૂટી ગયો હતો. પઠાણ સાઇકલ લઈને નોકરીએ આવતો ને ત્યારે બબુડીયાની ચા અવશ્ય પીતો અને નોકરી પૂરી કરીને જાય ત્યારે પણ એ ચા અવશ્ય પીતો. અને એને કારણે ઘણીવાર એ મનની બળતરા બબુડીયા આગળ રજુ કરતો. અને આવું કરવાથી મનને શાંતિ મળતી. અને બબુડીયા માટે તો આ ધોડવું હતુંને ઢાળ મળ્યો. ડિસોઝાને જેલની અંદરના કોઈ માણસની જરૂર હતી અને દસ હજારનીનોટ નું બંડલ એડવાન્સમાં આપીને બબુડિયાએ પઠાણને ફોડી નાંખ્યો હતો. પઠાણ પાસે આવીને બબુડીયો બોલ્યો.

Image Source

“ તળશીભાઈને કાને વાત નાંખી દીધી છે. એટલે કદાચ કોઈ તકલીફ થાય ને તો પણ તળશીભાઈ સંભાળી લે એમ છે. નાનપણથી હું એની નીચે કામ કરતો એટલે એ મારું બહુ રાખે. બધું નથી કીધું ખાલી એટલું જ કીધું કે જેલની અંદર રહેલા એક કેદી સાથે એક પાર્ટીનો મેળાપ કરાવવાનો છે. આટલું કીધું હોય ને કોઈ તકલીફ થાય તો પછી તળશી ભાઈ બધું સંભાળી લે અને આમેય ભાઈને સળગતા પકડવાનો બહુ જ શોખ છે”

“ વાંધો નહિ “ પઠાણ બોલ્યો અને એ બને આટલી વારમાં મહાકાલી ગેસ્ટ હાઉસ પર આવી પહોચ્યા. બીજા માળે રૂમ નંબર પાંચ પર જઈને એણે ટકોરા માર્યા. રાતના નવેક વાગી ચુક્યા હતા. અને અંદરથી ઉધરસ ખાવાનો અવાજ આવ્યો અને બારણું ખુલ્યું. ડિસોઝાએ આડા અવળું જોયું અને બનેને અંદર લઇ લીધા. પઠાણ અને ડિસોઝા પલંગ પર બેઠા અને બબુડીયો એક ટીપાઈ પર બેઠો અને રોયલ સ્ટેગની બોટલ ખોલીને ત્રણ પેગ ભરવા લાગ્યો અને પછી શીંગ અને વટાણાના મિશ્રણ પર ડુંગળી કાપીને નાંખતો હતો અને ઉપર એક લીંબુ નીચોવતો હતો અને બોલ્યો.

“ આ પઠાણ છે ડિસોઝા ભાઈ.. જેલમાં સીનીયર પોલીસ કર્મી પણ આર ડી ઝાલા સાહેબે તો સિનીયોરીટીની દઈ નાંખી છે. એની વાત જ પુછોમાં અને આપણા આ પઠાણ મિયા ઢીલા પડે છે ઢીલા . બાકી હમણા જ આવેલ કુરેશી તો પ્રોપર્ટી બનાવવા જ લાગ્યો છે.” અને આ બાજુ મોના ની આંખો પણ ચમકી ઉઠી હતી.અત્યાર સુધી એ સુતી હતી અને ટ્રાન્સમીટરનો હેડફોન કાન પર ભરાવેલો હતો.પણ અચાનક જ શરુ થયેલ વાતચીત એ સ્પષ્ટ રીતે સાંભળી શક્તિ હતી. અને પઠાણે તરત જ કહ્યું.

“ કાલે મને બબુડીયા એ વાત કરીને હું આજે જ હકા ભીખાને મળીને આવ્યો છું મેં એને એટલું જ કીધું કે કોઈ ડિસોઝા છે મુંબઈનો અને તને મળવા માંગે છે એટલે હકા ભીખાએ કહ્યું કે ફક્ત ડિસોઝા સાથે જ વાત કરશે. વાયા વાયા નહિ. કા તો એ જેલમાં આવી જાય અથવા તો મને બહાર કાઢે અહીંથી. કેમ કાઢવો એ એને વિચારવાનું અને હા એની વસ્તુ મારી પાસે સલામત છે પણ જ્યાં સુધી હું અહીંથી ન નીકળું ત્યાં સુધી એ એને નહિ મળે આટલું કહી દેજો” ડિસોઝાને તો થોડી વાર પઠાણ પર ગુસ્સો આવ્યો અને થયુ કે આટલું બધું દોઢું થવાનું આને કોણે કીધું હતું . આ પઠાણનો બચ્ચો હોવો જોઈએ એના કરતા વધારે દોઢો લાગે છે અને કદાચ આ લખણને કારણે જ આર ડી ઝાલા આની ઉપેક્ષા કરે છે એ યોગ્ય જ છે. મોના પઠાણની વાત સાંભળીને ગેલમાં આવી ગઈ. બસ ડિસોઝા જ સામેલ છે આ સુટકેશને લુંટવામાં બાકી હકા ભીખાનું આને શું કામ હોય બીજું?? અને પછી એ હસી પડી પોતાના પલંગ પર અને મનોમન વિચારતી રહી કે આ બેવકુફોને ખબર નથી કે જે વસ્તુ પાછળ તમે પડ્યા છો એ વસ્તુ તો એના મૂળ માલિક પાસે ક્યારનીય પહોંચી ગઈ. મોના ટ્રાન્સમીટરમાં આગળની વાતચીત સાંભળતી રહી.

“ તમારે એને કહેવાની જરૂર નહોતી હકા ભીખાને. તમારે ફક્ત હું જેલમાં આવુંને ત્યારે એનો મેળાપ કરી દેવાનો હતો અને કઈ રીતે મેળાપ કરાવવો એ હું તમને અત્યારે સમજાવવા માટે જ બોલાવ્યા છે પણ તમે એડવાન્સ નીકળ્યા. આ ધંધા કે આવા કામમાં જેટલું ઓછુ બોલાય એટલું વધારે સારું. જેટલું કહેવામાં આવે એટલું જ કરવું નહિતર પછી ભૂંડાઇના મોતે મરવું!! એ આ વ્યવસાયનું સૂત્ર છો તમે હજુ નવા નવા છો એટલે ખબર ન હોય પણ હવેથી ધ્યાન રાખશો.” ડિસોઝાએ પોતાનો ગુસ્સો દબાવીને બને એટલું મોઢું સારું રાખીને કહ્યું.

“ હા એટલું જ થશે પણ એ માટે બીજા દસ હજારની જરૂર પડશે..” પઠાણના શરીરમાં પેગ ગયો હતો અને એટલે એનામાં હિંમત આવી રહી હતી. બબુડીયો તો પઠાણની સામે ફાટી આંખે જોઈ રહ્યો.

“ જી મને મંજુર છે કાલે સાંજે બબુડિયા પાસે એ રકમ પહોંચી જશે અને પરમ દિવસે હું સવારમાં દસ વાગ્યે જેલમાં આવીશ. તમને આર ડી ઝાલા વીસ કેદીઓની યાદી બનાવવાનું કહેશે અને એમાં તમારે હકા ભીખાને સામેલ કરવાનો છે. બસ પછી એ કેદીઓ સાથે હકા ભીખાને હું મારી રીતે મળી લઈશ.અને મને જરૂર જણાશે તો ત્યાં હું તમને કહીશ તો તમારે હકા ભીખા સાથે મને દસેક મિનીટ સાવ એકાંત મળે એવી ગોઠવણ કરાવી દેવાની છે” ડિસોઝા બોલતો હતો અને પઠાણ ઝડપથી પેગ ગટગટાવી રહ્યો હતો

“ એ માટે બીજા દસ હજાર દેવા પડશે.. કારણકે એમાં જોખમ ઘણું છે” પઠાણના મનમાં પૈસા ભરાઈ ગયા હતા.

“ મને એ પણ મંજુર છે. તમારા બધા જ પૈસા હું આ બબુડીયાને આપી દઈશ. ત્યાંથી લઇ લેવાના અને જયા સુધી હું આ કામમાં છું અને આ શહેરનો છોડું ત્યાં સુધી દર રાત્રે તમારે આ બબુડીયા સાથે જ પીવા બેસવાનું છે. બીજા કોઈ ભાઈબંધ સાથે નથી પીવા બેસવાનું કે નથી ઘરે પણ વાત કરવાની તમને ઘણા બધા પૈસા આપવામાં આવશે. મારું કામ એક વાર થઇ જાય પછી” એક કડક પેગ બનાવીને ડિસોઝાએ બબુડીયા સામે જોયું. બબુડીયાએ કહ્યું.

“ પણ તમે જેલમાં જશો કઈ રીતે? એ ના સમજાયું મને” અને તરત જ ડિસોઝાએ જવાબ આપ્યો.

“ દિમાગ હોય તો બધે જઈ શકાય. જેલ તો મારા માટે બહુ નાની વસ્તુ છે. હું ચિત્રો દોરું છું ને તે જેલમાં કેદીઓને ચિત્રો શીખવાડવા જાવ છું.. કાલે આર ડી ઝાલા ઉપર સ્ટેટમાંથી મારી ભલામણનો ફોન આવશે કે આવેલ ભાઈ મુંબઈથી આવે છે એક એન જી ઓ સાથે સંકળાયેલા છે. અનાથાશ્રમમાં અને આવી જેલોમાં એ ચિત્રકામ કેમ કરવું એ શીખવાડે છે. એમાંથી પૈસા કેમ કમાઈ શકાય એ શીખવાડે છે. સેવાનું કામ કરે છે. એક પણ રૂપિયો લેતા નથી. જેલમાં રહેવાની ત્રણ દિવસની વ્યવસ્થા કરી દેવાની છે. મારી પાસે તમામ પ્રમાણપત્રો અને જરૂરી આધારો આવી ગયા છે કે એ જેના કારણે હું એક સામાજિક કળાકાર તરીકે કેદીઓને મદદ કરી શકું. અને એટલે જ હું પરમ દિવસે દસ વાગ્યે જેલમાં આવીશ અને જેલના વીસ કેદીઓને ચિત્રકામ શીખવાડીશ.. અને બબુડીયા હું આ શહેરની આજુબાજુ અને જેલના બહારના ચિત્રો એટલા માટે જ દોરતો હતો કે કોઈને પણ શંકા ન જાય કે આવેલ મુંબઈનો મોટો બ્લેક્મેઈલર છે. મોટો તોડ બાજ છે પણ એક વાત કહું કે જીવનમાં કોઈ એક કળા શીખવી જ જોઈએ. કળા ક્યારેય પણ કામમાં આવે. હું પ્રાથમિકમાં ભણતો હતો ત્યારે એક પાન્ડુંરંગા સાહેબે હતા એણે મને આ ચિત્રકામ કરતા શીખવાડેલું અને એ ચિત્રકામના કારણે હું જેલમાં ઇચ્છિત વ્યક્તિને મળીશ.. કળા ક્યારેય નિષ્ફળ નથી હોતી “ ડિસોઝાએ બધી વિગતે વાત કરી અને આઠ નંબરના રૂમમાં આ વાત ચિત સાંભળતી મોનાની આંખો પણ નવાઈના કારણે પહોળી થઇ ગઈ હતી. થોડી વાર બીજી વાતો થઇ જે મોનાના કામની નહોતી પણ તોય સાંભળી.અને પછી બબુડીયો અને પઠાણ જતા રહ્યા. મોના એ ટ્રાન્સમીટર દૂર મુક્યું.

Image Source

શરૂઆતમાં વાત સાંભળી ત્યારે મોનાને થયું હતું કે આજ રાત્રે જ ડીસોઝાનો ખેલ પૂરો કરીને મોક્ષ આપી દઉં. પણ પછી એને થયું કે શિકારને એ તૈયાર ન હોય અને અચાનક જ હુમલો કરીને પતાવવો એ યોગ્ય નથી. ભલે ડિસોઝાને જેટલા પાનાં ઉતરવા હોય એટલા ઉતરે.. જેટલા ખેલ ખેલવા હોય એટલા ખેલી લે. એને પણ જોવું હતું કે જેલમાં જઈને એ કેવી રીતે હકા ભીખાને છોડાવે છે. મોનાને એ વાતમાં રસ હતો કે જેલમાંથી કેદીને કઈ રીતે છોડાવી શકાય એ માટે ડિસોઝા કઈ યોજના બનાવે છે. અને મોના વિચાર કરતા કરતા સુઈ ગઈ!!

અને આ બાજુ ડિસોઝા પણ વિચારતો હતો કે હકા ભીખા જ્યાં સુધી બહાર નહિ નીકળે ત્યાં સુધી એનું કામ નેવું ટકા તો નહીં થાય. હકા ભીખા આબાદ રીતે બહાર નીકળી શકે એ માટે એની પાસે આબાદ આઈડિયા હતો. પણ એ માટે પઠાણ નો હાલે. એક વાર ફેસ ટુ ફેસ હકા ભીખાને મળી લઉં પછી પઠાણ ને સાઈડ લાઈન કરી દેવાનો. હકા ભીખાને કોણ ભગાડશે.. ક્યારે ભગાડશે અને કેવી રીતે ભગાડશે એ ફક્ત ને ફક્ત ડિસોઝા એકલો જ જાણતો હતો. છેલ્લે સહેજ ખડખડાટ હસીને બોલ્યો!!

“ હકાજી મૈ આ રહા હું.. તૈયાર રહના.. મૈ આ રહા હું” અને પછી ડિસોઝા ઘસઘસાટ સુઈ ગયો. ઘણા દિવસ પછી એને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ હતી.

અને રસ્તા પર પઠાણે ભારે કરી હતી.. બબુડીયો એનો હાથ પકડીને એને ઘરે લઇ જતો હતો અને પઠાણને લવારો ચડ્યો હતો.

“ બબુડીયા નીચના ડિસોઝાને કહી દેવાનું કે પઠાણ તારો બાપ છે બાપ એણે માંગેલ રૂપિયા એને મળવા જ જોઈએ નહિતર ભાળ્યો આ જમૈયો સીધે સીધે પેટમાં પરોવીશ તો વાંહે ઓડમાં નીકળશે. હવે આવી જા કુરેશી તને બતાવી દઉં. કુરેશીની સામે જ હું મારો પોતાનો શો રૂમ બનાવીસ. હું ડિસોઝા પાસેથી પાંચ લાખ લેવાનો છું પાંચ લાખ.. બબુડીયા કોઈને કહેતો નહીં તને એક લાખ અપાવીશ.. ડિસોઝા જેટલો દોવાય એટલો દોઈ લેવાનો છે..આવો બળદિયો પછી હાથમાં નહિ આવે બબુડીયા હાથમાં નહિ આવે કોઈ દી.. તારે એ ડિસોઝાને કહી દેવાનું કે પઠાણ એનો બાપ છે હો ન કે બબુડીયા.. હજુ તો લાખોનો વહીવટ કરવાનો છે લાખોનો વહીવટ!! હજુ તો આખું શહેર ખરીદવાનું છે!! હું પઠાણનો બચ્ચો છું. બબુડીયા તી ડિસોઝાને કહી દેજે!!!……….” અને બબુડીયાને પગે પાણી ઉતરી ગયા લથડીયા ખાતા પઠાણને પરાણે પકડીને એને ઘરે પહોંચાડવામાં. ઘરે પહોંચાડીને બબુડીયાએ રાહતનો શ્વાસ લીધો અને મનોમન બોલ્યો!!

“ મારો બેટો ઉંદર અફીણ પી ગયો છે. જીરવાય તો સારું નહિતર એને તો ઝાડા થઇ જશે પણ ભેગાભેગ મને પણ ઝાડા કરાવી નાંખશે.. આવા નો વિશ્વાસ ઝાલા સાહેબ તો કોઈ દિવસ ન કરે..માણસો દોઢા હોય એ ઘણીવાર જોયું.. પણ આ પઠાણ જેવા ડબલ દોઢા હોય એ પેલી વાર જોયું”

*************ભાગ બાવીસ પૂરો**************

ક્રમશ:
મિત્રો, જો તમે આ નવલકથાનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી કરીને અમને આ નવલકથાનો આગળનો ભાગ મુકવા માટે પ્રોત્સાહન મળી રહે અને આ નવલકથા માટેના રીવ્યુ પણ જરૂર આપજો, આગળ શું થવાનું તે જાણવા માટે રાહ જુઓ ભાગ 23ની, જલ્દી જ આવશે.
લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ”, શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ, મુ.પો ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.