મુકેશ સોજીત્રા લેખકની કલમે

“ગાળિયો” ભાગ – 21 ગમે તે થાય સૂટકેસ તો આપણને જ મળવી જોઈએ એના માટે ગમે તે કરવું પડે -વાંચો રોમાંચક નવલકથા મુકેશ સોજીત્રાની કલમે

જે મિત્રોને ભાગ-1, ભાગ-2, ભાગ-3, ભાગ-4, ભાગ-5, ભાગ-6, ભાગ-7, ભાગ-8, ભાગ-9, ભાગ-10, ભાગ-11, ભાગ-12, ભાગ-13, ભાગ-14, ભાગ-15, ભાગ-16, ભાગ-17, ભાગ-18, ભાગ-19, ભાગ-20, ભાગ-21, ભાગ-22, ભાગ-23, ભાગ-24 વાંચવાનો બાકી હોય તેઓ જે તે ભાગ બાકી હોય તેના પર ક્લિક કરે.

મોના અંદર ગઈ. સામેની દીવાલ પર એક કોટ અને ત્રણેક શર્ટ અને એટલા જ પેન્ટ ટીંગાતા હતા. પલંગની નીચે એક સુટકેસ હતી. મોનાએ સુટકેસ પલંગ પર મૂકી અને ખોલી. સુટકેસ ખોલતા જ ઉપર એક પારસલ હતું. પાર્સલ ખોલેલું હતું . પાર્સલ પર મુંબઈનો ભાયખલા પોસ્ટ ઓફિસનો સિક્કો હતો. પાર્સલની અંદર એક દેવેન્દ્ર ડીસોઝાનું આઈ કાર્ડ હતું. ભાયખલાની એક સામાજિક ઉત્થાન કરતી સંસ્થા તરફથી દેવેન્દ્ર ડિસોઝાને આ આઈ કાર્ડ ઈશ્યુ થયું હોય એમ લાગતું હતું.આઈ કાર્ડ એકદમ તાજું જ બનેલું હોય એમ લાગ્યું કારણકે તેના પ્લાસ્ટિક પર એક પણ સ્કેચ પડ્યો નહોતો. આ ઉપરાંત પાર્સલમાં કેટલાક પ્રમાણપત્રો હતા જેમાં મુંબઈની આર્થર રોડ જેલ તરફથી લેટરપેડ પર દેવેન્દ્ર ડિસોઝાને અભિનદન પત્ર આપતું લેટર પેડ પર લખાણ હતું. દેવેન્દ્ર ડિસોઝાએ ત્યાં જેલમાં કેદીઓને પેન્સિલ શેડીંગ અને નેચર ચિત્રો કેમ દોરવા એ વિષે જેલના કેદીઓને ત્રણ દિવસની એક શિબિરમાં માર્ગદર્શન આપ્યું હતું તેવો ઉલ્લેખ એ લેટર પેડમાં હતો. આવા ઘણા સન્માનપત્ર એ પાર્સલમાં હતા. ઉપરાંત ચાલીશેક જેટલા ફોટોગ્રાફ્સ પણ હતા. મુંબઈના મેયર સહીત અનેક રાજકારણીઓ સાથે દેવેન્દ્ર ડિસોઝાના ફોટાઓ હતા. મોના સમજી ગઈ કે ફોટાઓ સાચા હતા પણ જુના હતા. દેવેન્દ્ર ડિસોઝા એક સમયે ખુબજ પ્રતિષ્ઠા ધરાવતો હતો. મહારાષ્ટ્ર સરકાર તરફથી ત્રણ વાર એનું સન્માન થઇ ચૂકયું હતું. એ બાહોશ હતો એટલો જ કરપ્ટ હતો અને એના કારણે જ છેલ્લા ચાર વરસથી એ સસ્પેન્ડ હતો. અને સસ્પેન્ડ હોવા છતાં એ પોતાની હરકતોથી બાજ નહોતો આવ્યો એટલે સસ્પેન્ડના છ જ મહિનામાં એ ડીસમીસ થયો હતો. પણ એટલા સમયમાં જ એણે અઢળક પૈસો બનાવી લીધો હશે એવું મોનાના મગજમાં હતું. છેલ્લે બે ફોટામાં તો એ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સાથે હતો.મોનાએ બધા જ પ્રમાણપત્રો અને ફોટાઓ પાર્સલમાં મૂકી દીધા અને પાર્સલ સુટકેસમાં મૂકી દીધું. સુટકેસમાં બીજું કશું ખાસ નહોતું. સુટકેશ પાછી પલંગની નીચે જ્યાં પહેલા હતી ત્યાંજ મૂકી દીધી.
પલંગના એક ખૂણે બે ત્રણ સિગારેટના પેકેટ અને એક એશ ટ્રે હતી. એક બાજુના ખૂણામાં ચાર્ટ પેપર પડ્યા હતા એમાં શહેરના વિવિધ વિસ્તારના પેન્સિલ સ્કેચ હતા. બાજુમાં પેન્સિલો પડી હતી. પલંગની નીચે બુટ એક જોડી ચપ્પલ પહેર્યા હતા. મોનાએ રૂમની અંદર ચારે બાજુ ઝડપથી જોઈ લીધું. પલંગ ની નીચે હાથ ફેરવ્યો. પલંગ બરાબર વચ્ચે એક લોખંડના ટોપા વાળો ધ્રોબા ટાઈપનો ખીલ્લો હતો. પોતાના પર્સની અંદરથી એણે એક નાનકડું બટન જેવું માઈક્રોફોન કાઢ્યું અને ચુંબકના બે ટુકડાની મદદથી ત્યાં નીચે એ માઈક્રોફોન લગાવી દીધું. ખૂણામાં એક ખુરશી પડી હતી. બહુ જલ્દીથી એ ખુરશી દીવાલ પાસે લઇ ગઈ. દીવાલ પાસે ખુરશી લઈને એની પર ચડીને દીવાલની ઉપર લગાવેલ ટ્યુબ લાઈટનું સ્ટાર્ટર એણે ખેંચી લીધું. સ્ક્રુ ડ્રાઈવરની મદદથી એણે સ્ટાર્ટરમાં કાણું પાડ્યું અને એક સાવ ટચૂકડું માઈકોફોન એણે સ્ટાર્ટરમાં ફીટ કરી દીધું. અને એ બાથરૂમમાં ગઈ અને ત્યાં નહાવાનો એક સાબુ હતો તેમાંથી એક ટુકડો લાવીને સ્ટાર્ટરના કાણા પર લગાવીને એણે સ્ટાર્ટર પાછુ ટ્યુબલાઈટમાં ચડાવીને ટ્યુબલાઈટ ચાલુ કરીને ચેક કરી લીધું. બારણા ની પાછળની સાઈડમાં એક મિજાગરો હતો અને મિજાગરો જ્યાં દીવાલમાં ફીટ થતો હતો ત્યાં એક નાનકડી જગ્યા શોધી કાઢી અને ત્રીજું માઈક્રોફોન એણે ત્યાં ચિપકાવી દીધું. બસ હવે ડિસોઝાના રૂમમાં જે કાઈ વાતો થાય એ પોતાના રૂમમાં એ સાંભળી શકે એમ હતી. આ બધું જ એણે પાંચ મીનીટમાં પૂરું કરીને બિલ્લી પગે એ રૂમની બહાર નીકળી. બારણું બંધ કરીને તાળું એણે પોતાના માથાની ધારદાર પીન વડે બંધ કરી દીધું અને પછી રાહતનો શ્વાસ લીધો.
પોતાના રૂમમાં આવીને એણે સ્નાન કર્યું અને કાઠીયાવાડી પોષાકમાં એ સજ્જ થઈને બહાર નીકળી ગઈ. બપોરના જમવા માટે એ બસ સ્ટેન્ડ પર આવેલ હિંગળાજ પરોઠા હાઉસમાં ગઈ. ત્યાંથી બપોરનું ભોજન એણે પાર્સલ કરાવ્યું. એક થેલીમાં એ બધું લઈને એ પાછી પોતાના રૂમ પર આવીને થોડું જમીને એ ટ્રાન્સમીટર પોતાના કાન પાસે રાખીને એ સુઈ ગઈ.!!

Image Source

દેવેન્દ્ર ડિસોઝા સવારે મહાકાળી ગેસ્ટ હાઉસ પરથી નીકળીને જેલના રસ્તા પર આવેલ એક ચાની દુકાન પર ગયો હતો. ગરનારી ચાનો માલિક બબુડીયા સાથે એણે ભાઈબંધી બાંધી હતી. છેલ્લા ત્રણ માસથી તે માનસિક યાતના ભોગવી રહ્યો હતો . છેલ્લા ત્રણ માસથી પોતે એક કામમાં બરાબરનો સલવાઈ ગયો હતો. આમ તો સફળતા હાથ વેંતમાં જ હતી પણ છેલ્લી ઘડીએ એના ભાગ્યે દગો દીધો હતો અને હાથમાં આવેલ શિકાર અચાનક જ છટકી ગયો હતો. હકા ભીખા જેલમાં અને દેવેન્દ્ર ડિસોઝા બહાર લટકી ગયો હતો. બસ આજ એના માટે આશાભર્યો દિવસ હતો. છેલ્લા વીસ દિવસથી એ અહી આવ્યો હતો અને જેલમાં ઘુસવા માટેની એ કડી ગોતતો હતો અને નસીબજોગે બહુ ટૂંકા જ સમયમાં એ જેલમાં જઈને હકા ભીખાને મળી શકે એવા સંજોગો ઉભા થઇ રહ્યા હતા. પોતાની ધીરજ અને આતુરતાનો જાણે અંત આવ્યો હોય એમ લાગતું હતું. ચાની કેબીન ગરનારી ચા પર એણે કરેલ મહેનત હવે રંગ લાવી રહી હતી.!!!

ડિસોઝા યાની ડીડી!!દેવેન્દ્ર ડિસોઝા!! એક સમયનો મુંબઈનો કાબેલ પીએસઆઈ!! ચિત્રો ગજબના દોરતો. એણે દોરેલા ગુનેગારોના ચિત્રોના કારણે મુંબઈ અને મહારાષ્ટ્રના અસંખ્ય ગુનેગારો પકડાઈ ગયા હતા. મુંબઈ પોલીસમાં એક સમયે એનો માન મરતબો અને મોભો હતો. સારા સારા આઈ પી એસ અધિકારીઓ ડિસોઝાને સન્માન આપતા હતા. પણ કહેવાય છે કોઈ પણ ક્ષેત્રમાં તમે મહાજ્ઞાની બનો એટલે તમે અમુક વિષયમાં મહા વનાની પણ બનો એવી શકયતાઓ પ્રબળ હોય છે. જગતમાં વધારે રૂપ, વધારે બુદ્ધિ અને વધારે જ્ઞાન પચાવવું સહુથી અઘરું છે. ડિસોઝા અવળા રસ્તે ચડી ગયો. સ્ત્રી એની સહુથી મોટી કમજોરી બની ગઈ હતી. કલ્યાણ થી માંડીને વિરાર સુધી અને કોલાબાથી માંડીને મુલુંડ સુધીની ની તમામ નાઈટ કલબમાં એ પુષ્કળ પૈસા સ્ત્રીઓ પાછળ બગાડતો. પરિણામે એને પગાર ટૂંકો પડ્યો અને જેનો રોટલો ખાતો હતો એ જ ડીપાર્ટમેન્ટ એને જ દગો કરવા લાગ્યો. પોતાની ઈમેજને કારણે એ મુંબઈના મોટા મોટા ઓપરેશનમાં સામેલ થવા લાગ્યો પરિણામે એને મળતી માહિતી એ ઉંચી કીમતે અન્ડર વર્લ્ડમાં વેચી દેતો. મુંબઈ પોલીસના ઘણા બધા ઓપરેશન્સ આને કારણે નિષ્ફળ ગયા. ગુનેગારો અને સોનાની અને ડ્રગ્સની દાણચોરી કરવાવાળાને અગાઉથી ખબર પડી જતી હતી કે ક્યારે છાપો પડવાનો છે અને કોણ કોણ છાપામાં સામેલ છે. ડિસોઝા ધીમે ધીમે અન્ડર વર્લ્ડનો બાતમીદાર બની ગયો અને પુષ્કળ પ્રમાણમાં રૂપિયા બનાવ્યા. પણ પાપ છાપરે ચડીને પોકારે એમ મુંબઈના એક ડીજીપી ની નજરમાં આવી ગયો અને ક્રાઈમ માંથી એની બદલી મુંબઈ એરપોર્ટ પર થઇ ગઈ. પણ ત્યાં પણ એ ખબરી બનીને કામ કરવા લાગ્યો. કોઈ પણ ગુનેગારને એ એર પોર્ટ પરથી પોલીસની નજરમાંથી છટકાવીને મુંબઈમાં એન્ટ્રી કરાવી દેતો. અને ત્યાં સસ્પેન્ડ થયો. અને પછી છ જ માસમાં ડીસમીસ થઇ ગયો.

ઘણો સમય એણે પોલીસમાં વિતાવ્યો હતો એટલે એને શ્રીમંતોની રગ અને નબળી કડીઓ હાથમાં આવી ગઈ હતી અને ડિસોઝાએ એનો ભરપુર લાભ ઉઠાવ્યો. એણે બ્લેક્મેઇલિન્ગનો ધંધો શરુ કર્યો અને પૈસાનો સ્ત્રોત સતત શરુ રહ્યો. છેલ્લે એણે મોટા મુંબઈના મોટા મોટા ધનપતિઓના ડ્રાઈવરો અને નોકરો અને કામવાળીઓને પૈસાની લાલચ આપી આપી અને મુંબઈના ધનપતિઓના ઘર બહારની સ્ત્રીઓ સાથેના સંબંધો જાણી લે અને પછી રંગે હાથે પકડીને મોટી રકમનો તોડ કરતો થયો. જયારે એ મુંબઈ એરપોર્ટ પર હતો ત્યારે વીકે શેઠ વિદેશ જતા ત્યારે એ એને જોતો. પછી ઓકાયો ઓલોન્ગો એર પોર્ટ પરથી મુંબઈ આવે એ પણ એના ધ્યાનમાં હતું. પણ એના મનમાં શંકા દૃઢ થઇ હતી કે વીકે શેઠ અને ઓલન્ગો ઓકાયોનો બનેનો ડ્રાઈવર તો એક જ હતો સુમિત સોલકર!! વળી બને કોઈ દિવસ સાથે મુસાફરી કરતા નહોતા. કારમાં કા ઓકાયો ઓલંગો હોય અથવા વીકે શેઠ હોય !! બનેની ચાલ એક જ હતી ભલેને શરીરનો ગેટઅપ અલગ અલગ હોય!! એના ફળદ્રુપ ભેજામાં આ થીયરી ઘર કરી ગઈ હતી. એણે બે કે ત્રણ વાર વીકે શેઠનો પીછો પણ કર્યો હતો. આ યોજના એના મનમાં ઘોળાતી હતી ત્યાંજ એક આંતરરાષ્ટ્રીય સ્મગલર એરપોર્ટ પરથી ભાગ્યો. પોલીસના પૂરતા બંદોબસ્ત હોવા છતાં એ સ્મગલર એરપોર્ટ પરથી સલામત રીતે મુંબઈમાં ઘુસી ગયો હતો અને ડિસોઝા ડીસમીસ થઇ ગયેલો પણ વાત મનમાં રહી ગયેલી કે આ બને એક તો નહિ હોય ને!!
ડીસમીસ થયા પછી રાત્રે ડિસોઝા છુપા વેશે મોટી કલબ હાઉસ અને ફાઈવ સ્ટાર હોટેલની આજુબાજુ આંટા મારવાના શરુ કરી દીધા. શેઠિયાના ડ્રાઈવરો બહાર કાર પાર્ક કરીને ઉભા હોય અને શેઠિયાઓ પાર્ટીમાં વ્યસ્ત હોય અને દેવેન્દ્ર ડિસોઝા ડ્રાઈવરો સાથે સબંધો બાંધે. પુષ્કળ પ્રમાણમાં ખવરાવે પીવરાવે અને એકાદ માસમાં કોઈ એક શેઠિયાની એને ખાનગી માહિતી મળી જાય. સંસ્કૃતમાં એક શ્લોક આવે છે મુકમ કરોતિ વાચાલમ બસ એજ રીતે શરાબના નશામાં અને પૈસાની થોકડી આગળ મોટાભાગના ડ્રાઈવરો શેઠની કામ લીલા અને પાપલીલાના વર્ણન ડિસોઝા આગળ બકી જાય જેમ કે.
“ ડીડી તમને ખબર નો હોય પણ અમારા હરખ ચંદ શેઠ સિદ્ધિવિનાયકના પાકા ભક્ત દર મંગળવારે હું એને સિદ્ધિ વિનાયક મંદિરે લઇ જાવ..શેઠ ભારે ધાર્મિક હો ડીડી.. બે કલાક મંદિરમાં ગણપતિની આરાધના કરે. દસ કિલો મોદક લે સિદ્ધિ વિનાયકની બાજુમાં ભિખારીઓની લાઈન હોય ત્યાં એ મોદક વેચે. પછી શેઠની કાર ત્યાંથી સીધી પ્રભાદેવી બીચ પર જાય. પ્રભાદેવી પોલીસ ચોકીની ની આગળ એક કાજુની દુકાન આવે છે ત્યાંથી શેઠ પાંચસો ગ્રામ કાજુ લે. આગળ એક મીઠાઈની દુકાન આવે ત્યાં ચોખ્ખા ઘીમાં શેઠ પેલા કાજુ તળાવી નાંખે. ઉપર બે ત્રણ લીંબુ થોડું નમક અને ચટણી નાંખે અને સરસ મજાનું બાઇટીંગ તૈયાર થઇ જાય પછી રસ્તામાં જમણી બાજુ “ધ રીયલ બાર એન્ડ રેસ્ટોરન્ટ” આવે ત્યાંથી હું ચાર બીયર અને એક વ્હીસ્કીની બોટલ અને મારા માટે ઓલ્ડ મોન્ક રમ લઇ લઉં. પ્રભાદેવી બીચની આગળ જતા સાઈ મંદિર થયું છે ત્યાં એક રમવાનું મેદાન પણ છે. સાલું શું નામ એનું હા….. યાદ આવ્યું ઓમ પ્લે ગ્રાઉન્ડ.. ત્યાં એક વીસ વર્સની કોલેજીયન છોકરી સરિતા ઉભી હોય ત્યાંથી એ બેસે એટલે અમારા શેઠ પાછળ એની સાથે બેસી જાય અને જાય વરલી ફોર્ટ પાસે ત્યાં શેઠનો એક પ્રાઈવેટ બંગલો છે. હું બંગલામાં ગાડી પાર્ક કરું એટલે શેઠ મને હજાર રૂપિયા આપે અને કહે કે જા ભાઈ જા વરલીના દરિયા કિનારે તાજી હવાની મજા લે રમના ઘુંટડા ભર્ય અને બપોરે જમી લે જે અને સાંજના પાંચેક વાગ્યે આવજે.. જા અને મોજ કરો અને જલસા કરો… ડીડી મને ઘણી વાર કહેવાનું મન થતું કે અમે ડ્રાઈવર મોજ શું રાખ કરવાના .. મોજ તો મારા બટા તમે બધા કરો છો . અમારી પાછળ કશું જ વધવા નથી દેતા ને તો શું તંબુરો મોજ કરવાની… મારા શેઠની ઉમર પંચાવન ઉપરની છે તો પણ વીસ વરસની રૂપાળી ફટાકડી એને મળે બોલો દેવેન્દ્ર ડિસોઝા આમાં અફસોસ જ થાયને!! જેમ બોમ્બે એશી ટકા સંપતિ પર આવા દસ ટકા લોકોનો હાથ છે એવો સર્વે આવે છે પણ બીજો એક સર્વે મેં કરેલો છે. બોમ્બેની એંશી ટકા સુંદરતા પર આવા ધનિક શેઠિયાઓ જે માંડ પાંચ ટકા છે એનો હાથ છે. અને શું કહું તમને ડીડી સરિતા એટલે સરિતા અસલ પદ્મિની કોલ્હાપુરે જેવી જ લાગે. આંગળી મુકોને ત્યાં આંગળી પણ તમારી લપસી જાય.. હું વરલીના દરિયાકિનારે આંટા મારું એકાદ પાપલેટ પણ ખાઈ લઉં અને દત મંદિરે બેસું રમના ઘૂંટડા ભરતો જાવ અને આ બાજુ અમારા ધાર્મિક શેઠ સરિતા સાથે સાતેય ભવનું સુખ ભોગવે. અમારે ખાલી જોવાનું જ અને જીવ બાળવાનો હું તો વિઠોબા ને કહું છું કે આવતા અવતારે માણસ બનાવને તો લેડીઝ બનાવજે એય ને રૂપાળી સરિતા જેવી લેડીઝ એટલે જિંદગી સાલી એશમાં તો જાય બાકી આવા આવા ડ્રાઈવર તરીકેનો અવતાર ના આપતો હો!!”
ડ્રાઇવર શરાબના નશામાં પોતાના શેઠની તમામ કાળી બાજુઓ ડિસોઝા આગળ ખોલી નાંખે અને બસ દેવેન્દ્ર ડિસોઝા માટે આટલી માહિતી કાફી થઇ જાય અને પછીના મંગળવારે જડબેસલાક પ્લાન ડીડી યાને કે ડિસોઝા ગોઠવી દે. શેઠને રંગે હાથે પકડે કેમેરા લઈને ડીડીના માણસો બરાબર બપોરે પોલીસના વેશમાં ઘૂસે અને ખોટાની માને ખોટો પરણે એમ શેઠનો મોટો તોડ કરી નાંખે. વળી એ પોલીસ ખાતામાં હતો એટલે બધી તરકીબો આવડતી તેમ છતાં કોઈ પ્રોબ્લેમ થાય તો અગાઉ અન્ડર વર્લ્ડના માણસો માટે કામ કરેલું ને એ પણ કામ આવતું. સામાન્ય પોલીસ અધિકારીને ડિસોઝાના આ કારનામાની ખબર હતી પણ બધા આંખ આડા કાન કરતા હતા. ઘણા વાતો પણ કરતા આવો બાહોશ અધિકારી સસ્પેન્ડ અને ડીસમીસ થાય તો પછી પેટનો ખાડો પુરવા માટે એ આવું ન કરે તો બીજું શું કરે. ઘણાને ડિસોઝા પ્રત્યે સહાનુભુતી હતી.
મહીને એકાદ કેસ તો ડીડી ગોતી જ લે એવું નથી કે એ શેઠિયાને જ પકડે. શેઠિયાના છોકરા કે છોકરીના કરતુત એના ધ્યાનમાં આવે તો પણ એ જડબેસલાક તોડ કરી નાંખતો!! આ માટે એ કામવાળીઓ ને નોકરોને સાધી લે તો. એ માટે એને જે કરવું પડે એ કરતો. કામવાળીઓને એના ઘરે જઈને મળતો.જેવી જેની જરૂરિયાત એ એને આપી દેતો અને પરિણામે ધન્પતીઓના રાજ એ જાણી લેતો.

વીકે શેઠના ડ્રાઈવર સુમિત સોલકર સાથે ભાઈબંધી કરવામાં ડીડીને છ મહિના લાગી ગયા પણ ઘર કરતા વિશેષ સંબંધ ડીડી એ બાંધી લીધો. ગોરાઈ બીચ આગળ સુમિત અને એની પત્ની આશા રહેતા હતા. સુમિત આગળ એણે ઘણી બધી કોશિશ કરેલ પણ સુમિત વીકે શેઠનું એક પણ રહસ્ય ખોલ્યું નહિ. પણ ડિસોઝાએ હાર ન માની. હવે એ સુમિતના ઘર સુધી પહોંચી ગયો હતો. સુમિતના બે છોકરાઓ માટે મીઠાઈ અને કાર્ફેડ માર્કેટમાંથી મોંઘા મોંઘા કપડા લઇ જતો. સુમિતની પત્ની આશા નેચરલ બ્યુટી હતી. વગર મેક અપે આશા ડીમ્પલ કાપડિયા જેવી ખુબસુરત હતી. ડિસોઝાએ આશાના વખાણ શરુ કર્યા. વખાણથી ન ફુલાય તેવી એક પણ સ્ત્રી આ જગતમાં જન્મી જ નથી. આશા માટે ડિસોઝા છેક કાંજીવરમ અને મદુરાઈથી સ્પેશ્યલ સાડીઓ મંગાવી આપી અને ગોરાઈ બીચ પર જ આશાના કેટલાક અદ્ભુત પેન્સિલ સ્કેચ ડીડી એ બનાવેલા અને આશાના જન્મદિવસે એણે પાર્ટી પણ આપી અને સુમિતની હાજરીમાં પેલા પેન્સિલ સ્કેચ એણે આશાને અપાવેલા. આશા તો ડીડી યાની કે દેવેન્દ્ર ડીસોઝાથી અભિભૂત થઇ ગઈ હતી. વળી સુમિત સોલકર ને રોજ એ નવી નવી બારમાં લઇ જઈને મોંઘા ભાવનો વિદેશી શરાબ પીવડાવતો ડીડીને ખબર હતી કે ગમે તેટલો ખરચ થાય આખરે તેલ પાઈને આની પાસેથી એરંડીયુ કઢાવવાનું છે. સુમિત પાસેથી ખાસ માહિતી મળી નહિ પણ સુમિતની પત્ની આશા પાસેથી દેવેન્દ્ર ડિસોઝાને માહિતી મળી ગઈ. આશાને સુમિતે જ વાત કરી હતી. અને એ વાત આશા ડિસોઝાને કહી દીધી.
“ શેઠ એક સુટકેસ પોતાની કોન્ટેસા ગાડીમાં રાખે છે. એ ડ્રાઈવરની સીટની પાછળ એક ગુપ્ત જગ્યામાં રાખે છે અને શેઠની લાખોની કમાણીનું રહસ્ય એમાં સમાયેલું છે. સુમિત સોલકરની ગેરહાજરીમાં સુમિતના જ ઘરમાં ડીડીની બાહોમાં જ છુપાયેલી આશા ડીડીની આગળ રહસ્ય ખોલી રહી હતી.
“ શેઠ હમણા ગુજરાત જવાના છે. સુમિત કાયમ અમદાવાદ સુધી ગાડી લઈને શેઠની સાથે જવાના છે. બસ પછી તે ટ્રેઈનમાં મુંબઈ આવતા રહે છે. શેઠાણી સાથે શેઠ ત્યાંથી એકલા ગાડી ડ્રાઈવ કરીને જાય છે. દર વખતે એ પોતાના દેશમાં જાય ત્યારે આવું જ કરે છે. મુંબઈમાં શેઠની સાથે એક રૂપાળી અને ખતરનાક બાઈ હોય છે એ ભલભલાનું કાટલું કાઢી નાંખે એવી ચપળ છે વળી મુંબઈમાં શેઠના બહુ ઊંચા છેડા છે એટલે એ સુટકેસ જોઈતી હોય તો તમારે શેઠ અમદાવાદથી એ એકલા લગ્નમાં જાય ત્યારે વચ્ચે લુંટ કરવી પડે અને પેલી સુટકેસ મેળવવી પડે!!” આશા સાથે ડીડી યાને કે દેવેન્દ્ર ડિસોઝા એ વાયદો કર્યો હતો કે એક વખત એ સુટકેસ મળે એટલે કરોડોનો તોડ થાય એમ છે પછી હું તને પનવેલ લઇ જીઇશ. ત્યાં મારો એક બંગલો છે આપણે બેય જીવનભર સાથે રહીશું. અને બે છોકરાની મા આશા ડીડીની વાતમાં આવી ગઈ. વધુ પડતી સુંદરતા સ્ત્રીને આંશિક અંધ બનાવી દે છે. અને પછી તો આશા શેઠની તમામ વાતો સુમિતને ફોસલાવીને કઢાવી લેવા માંડી અને એ વાતો ડીડી સુધી પહોંચાડવા લાગી. આશાને તો બસ પનવેલ અને એ બંગલો દેખાતો હતો. જ્યાં એનું ભવિષ્ય ઉજળું દેખાતું હતું.

Image Source

અને પછી એક મહિના પછી શેઠ લગ્નમાં જવાના હતા. ક્યાંથી કયા જવાના હતા. કઈ જગ્યાએ શેઠ કેટલા વાગ્યે પહોંચે અને કયા આ ઘટનાને અંજામ આપવો એ બધું ડીડી જાતે મુંબઈથી અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં આવીને આખા રૂટની રેકી કરી ગયો!!મુંબઈમાં એ ઘણા ગુજરાતી બુટલેગરને ઓળખતો હતો એમાંથી એકના છેડા કરીને એ અમદાવાદમાં હકા ભીખા અને તેના બે માણસોને મળ્યો.
હકા ભીખાનો ભાઈ છકા ભીખા એની પત્નીને લઈને ઢાંકથી અમદાવાદ આવી ગયો હતો અને ગાંઠિયાની લારી કાળુપુર રેલવે સ્ટેશન પર કરી હતી. દવલને મામાદેવના ખીજડે મુકીને બે મહીને હકા ભીખા અમદાવાદ આંટો મારી આવતો હતો. જેમ ગામડામાં કોઈ માણસ ધંધો કરે અને પછી ધંધો સારો હાલે તો પછી એના મનમાં એ ધંધો શહેરમાં શરુ કરવાનો વિચાર આવે એમ હકા ભીખાને જાકુબના ધંધાની બ્રાંચ શહેરમાં ખોલવાની ઈચ્છા ખરી. એટલે એ અમદાવાદમાં આંટા ફેરા મારે. એમાં સરસપુર પાસેથી એને બે સાગરીતો ભટકાઈ ગયેલા એટલે ધીમે ધીમે અમદાવાદમાં પણ હકા ભીખાએ નાના પાયે જાકુબની બ્રાંચ શરુ કરેલી. એના ત્યાના સાગરીતો હતા શંભુ અને જુસબ હતા. શંભુ બગોદરાનો હતો અને જુસબ રીલીફ રોડ પર રહેતો હતો. ત્રણેયે મળીને નાના પાયે જાકુબના ધંધા શરુ કરેલા ખાસ તો કાળુપુર રેલવે સ્ટેશન પર ભીડનો લાભ લઈને લોકોના ખિસ્સા હળવા કરવા અથવા સોની બજારમાં સોનું લેવા આવેલ ગામડાના માણસોની થેલીઓ ગુમ કરવી. આ ત્રણેય ત્રિપુટી ધીમે ધીમે સારું કમાવવા લાગી હતી. અને એવામાં ડિસોઝાનો ભેટો થયો અને કાંકરિયા લેઈકના કિનારે ડિસોઝાએ માંડીને વાત કરી. અને છેલ્લે બોલ્યો.
“ શેઠ એની કુટુંબી બહેનના લગ્નમાં આવે છે. શેઠાણી નહિ નહીં તોય વીસ તોલાના ઘરેણા કાયમ આડા દિવસે પહેરે છે. પૈસા પણ પણ ઘણા હશે એ બધું તમારું. મારે કઈ નથી જોઈતું મારે તો પેલી સુટકેશ જોઈએ છે એ તમે આપી દેશો એટલે તમને મો માંગી રકમ મળશે. હું આ વિસ્તારનો અજાણ્યો છું અને તમે એ વિસ્તારના જાણીતા છો એટલે તમને કામ સોંપું છું પણ વિશ્વાસઘાત નહીં કરવાનો. કદાચ પકડાઈ જાવ તો મારું નામ નહિ આપવાનું. અને સુટકેસ મળી જાય ને તો પણ કોઈ પણ સંજોગોમાં બીજાને નથી આપવાની. ગમે તેટલી રકમ આપે પણ તમારે મારે વિશ્વાસઘાત નથી કરવાનો”

Image Source

“ બાપ હારે મારે લગભગ કોઈ લેણું નથી તોય બાપના બોલથી કહું છું કે જો મળશે તો એ સુટકેસ તમને જ મળશે બીજાને નહિ જાવ આ હકા ભીખા જબાન આપે છે” અને પાકે પાયે યોજના નક્કી થઇ ગઈ.સુમિત સોલકરની પત્ની આશા રોજ રાતે મુંબઈથી પીસીઓમાંથી ડિસોઝાને ફોન કરીને અપડેટ આપતી રહેતી હતી અને ડિસોઝા અમદાવાદ જ રોકાઈ ગયો હતો. શેઠની કાર મુંબઈથી નીકળી ગઈ હતી અને સવારે અમદાવાદ આવવાની હતી. આશા એ શેઠે અને શેઠાણી એ શું પહેર્યું છે એ પણ વિગતો આપી સુમિત અમદાવાદથી ટ્રેનમાં બેસી જશે એટલે સુમિત કાર લઈને કાલુપુર આવશે એમ પણ આશા એ કીધું હતું, લાલ રંગની કોન્ટેસાનો નંબર હકા ભીખા શંભુ અને જુસબને મોઢે થઇ ગયો હતો. બે બુલેટ લઈને આ ચારેય શેઠની કારનો પીછો કરવાના હતા અને શેઠને જ્યાં પહોંચવાનું હતું ત્યાંથી થોડે દૂર જ ડુંગરાળ વિસ્તારમાં રાત પડી જવાની હતી. ચાર દિવસ પહેલા આ ચાર જણા બે બુલેટ પર એ જગ્યાએ જઈ આવ્યા હતા. પણ છેલ્લે છેલ્લે ડિસોઝાના ભાગ્યમાં ભમરો નીકળ્યો.

શેઠ સવારે આવવાના હતા અને સાંજે ડિસોઝાને ભદ્રકાળી માના મંદિર પાસે એક વેસ્પા સ્કુટર ભટકાઈ ગયું અને ડિસોઝાના પગે ફ્રેકચર થઇ ગયું. ડિસોઝાને વીએસમાં દાખલ કર્યો જુસબના એક સંબંધી વી એસ હોસ્પીટલમાં ગેઇટ પર ધ્યાન રાખતા હતા. એને ભલામણ કરીને ડિસોઝાને રાત્રે જ ઓપરેશન કર્યું પગમાં અને ડિસોઝાના પગમાં પ્લાસ્ટર આવ્યું. હવે ઓછામાં ઓછો દસ દિવસનો ખાટલો હતો ડિસોઝાને. હકા ભીખાએ યોજના પડતી મુકવાનું કીધું. પણ ડિસોઝા ઉતાવળો બન્યો હતો એ માનવા તૈયાર નહોતો અને પછી ડિસોઝાના આગ્રહથી પછી હકા ભીખા ,જુસબ અને શંભુ આ ત્રણ જણા એક જ બુલેટ પર યોજનાને પાર આપવા નીકળી પડ્યા. સવારે સુમિત સોલકર કાળુંપુર રેલવે સ્ટેશન પર આવ્યો.ત્યાં ઉતર્યોની મુંબઈની ટ્રેનમાં ગોઠવાઈ ગયો. અને વીકે શેઠ અને અને તેના પત્ની કોન્ટેસા લઈને કાઠીયાવાડ બાજુ નીકળી ગયા!! અને આ જાકુબી ત્રિપુટીએ એનો સલામત અંતરે પીછો કર્યો અને સાંજે પાંચ વાગ્યે એમણે બુલેટ બીજે રસ્તેથી આગળ લઇ લીધુ અને કુબેરગઢની આગળ એ રાહ જોતા ઉભા જેવી દુરથી કોન્ટેસા દેખાણી એટલે હકા ભીખા બાવળની વાડમાં છુપાયો. જુસબ રોડ પર આડો સુઈ ગયો અને શંભુ લમણે હાથ દઈને એની પાસે બેઠો હતો. વીકે શેઠે આ જોયું અને માનવતાને ખાતર ગાડી રોકીને હેઠા ઉતર્યા કે વાડમાંથી બહાર નીકળેલા હકા ભીખાએ શેઠના માથામાં એક જોરદાર ફટકો માર્યો. પછી શેઠાણીને પણ એ રીતે માથાની પાછળ ફટકો મારીને બેભાન કરી દીધા અને સુટકેસ સાથે કારમાં જે કઈ હતું એ લુંટી લીધું.
બસો મીટર દૂર ખાળીયામાં સંતાડેલા બુલેટ પર તેઓ ભાગ્યા. આગળ એક ગામ આવ્યું ત્યાંથી હકા ભીખાએ બુલેટ એક ધાર પર લેવડાવ્યું. ત્યાં પીરના તકિયા જેવું હતું. ત્યાં સોનાના અને પૈસાના ભાગ પાડ્યા. જુસબ અને શંભુને તેનો હિસ્સો આપીને હકા ભીખાએ તેને બુલેટ લઈને જવાનું કહી દીધું અને કહ્યું કે આ સુટકેસ ડિસોઝા મને એક્સ્ટ્રા નાણા આપશે પછી જ આપીશું અને અત્યારે હવે એ પંદર દિવસ સાજો થઇ શકે એમ નથી મુંબઈ જઈ શકે એમ નથી તો આ સુટકેસ અમદાવાદમાં હોસ્પીટલમાં સાચવવી સલામત નથી. હું અહિયાં એક જગ્યાએ સંતાડી દઈશ. પછી આના બદલામાં જે મળે એના પાછા આપણે ભાગ પાડી લઈશું. એને વળાવીને હકા ભીખા પીરના તકિયા પાસે રહેતા એક માણસને કે જે એને ઓળખતો હતો એને થોડી રકમ આપી અને એનું રાજદૂત ચાર દિવસના વદાડે લઈને દવલ પાસે જવા નીકળ્યો. રાત્રે બારેક વાગ્યે એ દવલ પાસે પહોંચ્યો. રાત્રે જ પેલી વાદળી સુટકેસ એણે ખીજડા પર સંતાડી દીધી અને પછી એ જમ્યો કપડા બદલ્યા અને સુઈ ગયો.
શંભુ અને જુસબને કડક સુચના હતી કે ધીમે ધીમે બુલેટ હાંકીને અમદાવાદ જજો. વચ્ચે ક્યાય રોકાતા નહિ પણ તોય એ રસ્તામાં રોકાઈ ગયા એક સંબંધીને ત્યાં. ત્રણ દિવસ સુધી એ ત્યાં રોકાયા સંબંધીને ત્યાં રોજ રાતે પાર્ટી કરતા અને મોજ કરતા અને ચોથા દિવસે એ અમદાવાદ જવા નીકળ્યા રાતે બરવાળા પાસે એ લોકો પોલીસના હાથે ઝડપાઈ ગયા. અને ઘરેણા સાથે અને રોકડ રકમ સાથે જ્યાં ઘટના બની હતી ત્યાં લાવવામાં આવી રહ્યા. સવારમાં ઘટના સ્થળે અને સવારના આઠ વાગ્યે પેલી ધાર ઉપર પીરના તકિયા પાસે કે જ્યાં ભાગ પાડ્યા હતા ત્યાં પોલીસ આરોપીને લઈને પહોંચી ગઈ હતી. અને ત્યાંથી જ હકા ભીખા રાજદૂત લઈને ગયો હતો ક્યાં ગયો હતો એ પેલા માણસને ખબર નહોતી પણ એ સાંજ સુધીમાં આવી જશે એમ એનું કહેવું હતું. અને બપોરે ત્રણ વાગ્યે હકા ભીખા રાજદૂત આપવા આવ્યોને પકડાઈ ગયો. પકડનાર પી એસ આઈ ઠાકર હતો. હકા ભીખા જીવનમાં પહેલી વાર આટલી આસાનીથી પકડાયો હતો. જુસબ અને શંભુ તો બે કલાક માર પડ્યો એટલે પોપટની જેમ બધું જ કબુલી લીધું. જયારે હકા ભીખાએ ન કબુલ્યું. ઠાકર સાથે હકા ભીખાને ઘર જેવો સંબંધ હતો. હકા ભીખાની બે ત્રણ લુંટમાં ઠાકરને સારો એવો દલ્લો પણ મળ્યો હતો અને તેમ છતાં ઠાકર એને ઢોરમાર મારે એ હકા ભીખા સહન ન કરી શક્યો. વીકે શેઠ એને મળ્યા પણ ખરા સુટકેસ વિષે પૂછપરછ કરી પણ ઠાકરના મારથી ગીન્નાયેલો હકા ભીખા કશું બોલવા તૈયાર જ નહોતો. જુસબ અને શંભુને બીજી જેલમાં ટ્રાન્સફર કર્યા. હકા ભીખાને સહુથી સલામત જેલ માં શિફ્ટ કર્યો.
વી એસ હોસ્પીટલમાં પગની સારવાર લઇ રહેલા ડિસોઝાને આ સમાચાર સાત દિવસે મળ્યાં. જુસબના સંબધીએ જ સમાચાર આપ્યાં. ડિસોઝાને એક વાત નો સંતોષ થયો કે ત્રણેય આરોપીમાંથી કોઈએ એનું નામ નહોતું લીધું. નહિતર પોલીસ એને પણ ઝડપી લેત. તરત જ એ વીસ દિવસ મુંબઈ જતો રહ્યો. વીસ દિવસ પછી એ પરત આવીને સુટ્કેશ મળી કે નહિ એ જાણવા આતુર હતો. સહુ પ્રથમ એણે એક વકીલને સાધ્યો અને વકીલ ની મારફતે એ જેલમાં રહેલા જુસબ અને શંભુને મળ્યો. ત્યાં એને બધી બાબતોની ખબર પડી ગઈ કે સુટકેસ મળી છે પણ એ હકા ભીખા પાસે છે અને સલામત હશે.સુટકેસ માટે એણે હકા ભીખાને મળવું પડે અથવા જેલના કોઈ માણસને ફોડવો પડે.. એ વકીલની ભલામણ થી ડિસોઝાએ મહાકાળી ગેસ્ટ હાઉસમાં રોકાયો. જરૂરી પૈસા એ મુંબઈથી મંગાવી લેતો. અને જેલની આજુબાજુના વિસ્તારમાં એ ચિત્રો દોરતો. અને જેલમાં કઈ રીતે ઘૂસવું એની રીત વિચારતો. એવામાં એને એક આઈડિયા આવી ગયો કે એ આસાનીથી જેલમાં ત્રણ દિવસ જઈ શકે એમ હતો પણ ત્યાં જઈને પણ હકા ભીખાને મળવા માટે જેલનો જ એક માણસ તેની સાથે સામેલ હોય તો જ અનુકુળ પડે એમ હતું અને આજે એની વ્યવસ્થા થઇ ગઈ હતી.

Image Source

ગરનારી ચા સેન્ટર પર બેઠેલા બબુડીયાએ જેલનો જ એક જેલકર્મીને દસ હજારમાં ફોડી નાંખ્યો હતો જે ડિસોઝાને પુરેપુરી મદદ કરવાનો હતો અને આજે રાત્રે બબુડીયો અને પેલો ફૂટલો જેલ કર્મી અને ડિસોઝા મહાકાલી ગેસ્ટ હાઉસમાં રાત્રે નવ વાગ્યે મળવાના હતા. અને જેલમાં જઈને શું શું કરવાનું છે એની આગળ ચર્ચા કરવાના હતા. હકા ભીખાના ગ્રહો એકદમ પાવરફુલ થઇ ગયા હતા. વગર મહેનતે એ જેલમાંથી ભાગી શકે એવા ગ્રહોનું નિર્માણ થઇ ગયું હતું. હકા ભીખા ને જેલમાંથી છોડવાનો ગાળિયો ડિસોઝા દ્વારા તૈયાર થઇ રહ્યો હતો. એ ડિસોઝાને પણ ખબર નહોતી કે હકા ભીખા મારા દ્વારા જ જેલમાંથી ભાગશે. ડિસોઝાના મનમાં એક ઉચાટ હતો કે જેલમાંથી કોણ ફૂટી શકે??? કોઈ કર્મચારી એને એવો લાગતો જ નહોતો!! બધાના વિષે એણે માહિતી મેળવી લીધા હતી જવાબમાં બબુડીયા એ ચા ઉકાળતા ઉકાળતા કહ્યું.
“ એ તમે ચિંતા ન કરો રાત્રે નવ વાગ્યે તમને ખબર પડી જશે.તમે મને અત્યારે ત્રણસો રૂપિયા આપો એટલે રોયલ સ્ટેગ અને બાઇટીંગ ની વ્યવસ્થા હું કરી નાંખું . આજ રાતે તમારી બધી ઉપાધિ દૂર થઇ જશે.. કેટલાય સમયથી તમે જે હડિયા પાટી કરો છો એનો ઉકેલ હવે હાથવેંતમાં છે.” બબુડીયા ને પૈસા આપીને ડિસોઝા પોતાના રૂમ તરફ આવતો હતો. મહાકાળી ગેસ્ટ હાઉસના બીજા માળે રવેશમાં ઉભેલી મોનાએ દુરથી જ ડિસોઝાને જોયો અને પોતાના રૂમમાં સરકી ગઈ અને અંદરથી લોક કરીને બેડ પર સુતી. આજની રાત ઘણી રીતે મહત્વની હતી.!!

*************ભાગ એકવીસ પૂરો**************

ક્રમશ:
મિત્રો, જો તમે આ નવલકથાનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી કરીને અમને આ નવલકથાનો આગળનો ભાગ મુકવા માટે પ્રોત્સાહન મળી રહે અને આ નવલકથા માટેના રીવ્યુ પણ જરૂર આપજો, આગળ શું થવાનું તે જાણવા માટે રાહ જુઓ ભાગ 22ની, જલ્દી જ આવશે.
લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ”, શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ, મુ.પો ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.