મુકેશ સોજીત્રા લેખકની કલમે

“ગાળિયો” ભાગ – 20 – બે ત્રણ વાર એણે હેર પીન ઘુમાવી અને પછી એક જોરદાર આંચકા સાથે એણે હેરપીનને અવળી ફેરવી અને ફટાક દઈને તાળું ખુલી ગયું – વાંચો રોમાંચક નવલકથા મુકેશ સોજીત્રાની કલમે

જે મિત્રોને ભાગ-1, ભાગ-2, ભાગ-3, ભાગ-4, ભાગ-5, ભાગ-6, ભાગ-7, ભાગ-8, ભાગ-9, ભાગ-10, ભાગ-11, ભાગ-12, ભાગ-13, ભાગ-14, ભાગ-15, ભાગ-16, ભાગ-17, ભાગ-18, ભાગ-19, ભાગ-20, ભાગ-21, ભાગ-22, ભાગ-23, ભાગ-24 વાંચવાનો બાકી હોય તેઓ જે તે ભાગ બાકી હોય તેના પર ક્લિક કરે.

મોનાએ મુંબઈ ફોન જોડ્યો. વિકે શેઠ કેન્યા જવાની તૈયારી કરતાં હતા.

“ યાદ છે પેલો ગોરાઈ બીચ વાળો દેવેન્દ્ર ડિસોઝા!! ડીડી?? સસ્પેન્ડેડ પોલીસવાળો એ અહિયાં છે એક ગેસ્ટ હાઉસમાં એ રોકાયો છે. જેલની આગળ ચાની કેબીન પાસે એ જેલની દિવાલનું ચિત્ર બનાવતો હતો. એ દેવેન્દ્ર ડિસોઝાનું અહિયાં શું કામ?? મને દાળમાં કશુક કાળું લાગે છે. યાદ છે વીકે એ આપણો પીછો કરતો હતો. એક વાર હાજી અલી પાસે અને બીજી વાર દાદર પાસે એ વખતે જ હું એને ઉડાડી દેવાની હતી પણ તમે ના પાડી હતી કે પોલીસવાળો નાનો હોય કે મોટો એને બીજાની જેમ ન ઉડાડાય! પોલીસ સાથે દુશ્મની બને ત્યાં સુધી નહિ કરવાની એની સાથે સલામત અંતરેતો દોસ્તી કરવાની જ હોય એને સાચવવાના હોય.. લાડ કરે તો પણ સાચવી લેવાના. એટલે મેં માંડી વાળ્યું અને ત્યારબાદ એ લગભગ આપણા રસ્તામાં વચ્ચે આવ્યો નથી. અને પછી એકાદ મહિનામાં આ વાદળી સુટકેસ વાળું પ્રકરણ બન્યું છે. અને આટલા લાંબા સમય પછી આ ડીડી અહિયાં છે અને જેલમાં રહેલા હકા ભીખા સાથે તો કોઈ સાંઠ ગાંઠ તો નહિ હોયને?? મોના વીકે શેઠને સઘળી માહિતી આપી રહી હતી.

“ પણ હવે એનું શું?? ભલેને એ હકા ભીખા સાથે સંકળાયેલો હોય કે ન હોય??? માન કે એના કહેવાથી હકા ભીખાએ સુટકેસ ચોરી હોય તો પણ સુટકેસ એને મળવાની નથી જ.. પછી ખાલી ખોટી લપમાં શું કામ પડવાનું ડીયર મોનું!! વીકે શેઠને પણ ખબર હતી કે આ મોના છે એ લીધું લાકડું હવે મુકવાની નથી તેમ છતાં પોતાના પૂરતા પ્રયત્નો કરી રહ્યા હતા.

“ ના આ વખતે હું માનવાની નથી. હું પૂરતા પ્રયત્ન કરવાની જ છું.એનું અહિયાં આવવાનું કારણ તો હું જાણીને જ રહીશ અને સુટકેસ સાથે એને થોડા ઘણા છેડા હશે તો એ ડિસોઝા મુંબઈનો દરિયો ફરીવાર જોઈ નહિ શકે એ ફાઈનલ છે. મારે કદાચ વધારે રોકાણ પણ થાય. પણ આ વાતના મૂળ સુધી હું જઈશ જ બાય ધ વે હેપ્પી જર્ની ડીયર ટેઈક કેર!! ત્યાં કેન્યામાં બધો જ વહીવટ જલદીથી પતાવીને જલદી પાછા આવશો..આઈ એમ વેઈટીંગ!! લવ યુ વિકુ” કહીને મોનાએ ફોન મૂકી દીધો. વીકે શેઠને પણ ખબર હતી કે મોના એનું ધાર્યું કરીને જ જંપશે.અને જો એ શીળીના ચાંઠા વાળો ડિસોઝા આ સુટકેશ સાથે સંકળાયેલો હશે તો એનું આ વખત આવી જ બન્યું છે!!

મોના પોતાના રૂમમાં ગઈ. વીકે શેઠના સંબંધી સાથે થોડી વાતચીત કરી અને પોતાની યોજના સંભળાવી. અને કહ્યું કે.

“ મારે એ મહાકાળી ગેસ્ટહાઉસમાં થોડા સમય રોકાવું પડશે જો તમારી ઓળખાણ હોય તો વાંધો નહિ. હું ત્યાં મુંબઈની એક સામાજિક સંસ્થામાંથી આવેલ સ્ત્રી તરીકે રોકાઈશ. મારી પાસે રહેલા અનેક આઈ ડી કાર્ડમાંથી આ આઈ ડી કાર્ડ અત્યારે કામ આવશે” એમ કહીને મોનાએ એક આઈ ડી કાર્ડ પોતાની એટેચીમાંથી કાઢ્યું એ આઈ ડી કાર્ડ પર લખ્યું હતું.

“મુંબાદેવી વિમેન્સ હેલ્પ ઓર્ગેનાઈઝેશન.”
૪૫ વિલેપાર્લે સત્યમ બિલ્ડીંગ નીયર ટેલિફોન એક્સચેન્જ
C/O નયના ઉસગાવંકર

“ હું ત્યાં નયના ઉસ્ગાવંકર તરીકે રોકાઇશ. અહીની સ્ત્રીઓની સામાજિક સ્થિતિનું સંશોધન કરવા આવી છું એ કારણ ત્યાં હું લખાવીશ. તમારે ત્યાં મારી સાથે આવીને ઓળખાણ આપવાની છે.” મોનાએ કહ્યું.

“ એ ગેસ્ટ હાઉસમાં મારા ખ્યાલથી લખડો નોકરી કરે છે. હરદાસ ભાઈનો લખડો મારો જાણીતો છે. હું પહેલા તપાસ કરી આવું ત્યાં તમે થોડી વાર ઘરે રોકાવ” કહીને એ સંબંધી તપાસ કરવા જતા રહ્યા અને ત્રીસ મીનીટમાં જ એ પાછા આવ્યા અને કહ્યું.

“ લખડા સાથે વાત થઇ ગઈ છે. આખું ગેસ્ટ હાઉસ એ જ સંભાળે છે એની સાથે એક રજાક કરીને છોકરડો છે એ પણ મને ઓળખે છે. મેં એમને વાત કરી દીધી છે કે હમણાં એક મુંબઈ વાળા બહેન આવે છે એક સંસ્થામાંથી એ ત્યાં રોકાશે અને એને કોઈ જ જાતની અગવડ પડવી ન જોઈએ. એની માહિતી ગુપ્ત રાખવાની છે એવું પણ કીધું મેં અને લખડા એ મને ભરોસો આપ્યો છે કે કોઈ જ વાંધો નહિ આવે. તેમ છતાં હું દિવસમાં બે વાર આપના સમાચાર લેતો રહીશ. જો તમને વાંધો ન હોય તો”

Image Source

જવાબમાં મોના કશું જ ન બોલી અને સહેજ હસી ને એ પોતાના રૂમમાં ગઈ એક મોટો થેલો ખોલ્યો. એમાંથી બે નાની પિસ્તોલ લીધી. એક હતી કેલીબર સ્પ્રિંગફિલ્ડ ૯ મીમી અને બીજી હતી એચ કે વીપી ૯ બને એકદમ પાવરફુલ પિસ્તોલ હતી. સાઈનાઈડ વાળી આઠ પટ્ટીઓ લીધી ચાર જોડી કપડા લીધાં. થોડીક રોકડ રકમ હતી. એક મર્ફીનો પોકેટ રેડિયો લીધો. એક નેશનલ પાનાસોનીકનું સિગારેટના પાકીટ જેવું ખોખું હતું આમ તો એ પણ સિગારેટ કેસ જેવું જ લાગતું હતું પણ એ એક શક્તિશાળી ટ્રાન્સમીટર હતું જે પચાસ મીટરની ત્રિજ્યા સુધી વાતો સંભળાવી શકતું હતું. એની સાથે ચાર બટન જેવડા માઈક્રોફોન હતા. માઈક્રોફોન એકદમ વોટરપ્રૂફ અને ડસ્ટપ્રૂફ હતા. એ ટચુકડા માઈક્રોફોન પેલા ટ્રાન્સમિટર સાથે કનેકટેડ હતા. સાથે એક માઉથવોશ જેવા દેખાતા નાનકડા પેપર નેપકીન હતા એ પણ એક ગુલાબી બોકસમાં હતા. એ પેપર નેપકીનમાં કલોરોફોર્મ હતું ફક્ત એક જ વાર કોઈ વ્યક્તિના નાક આગળ એ દસ સેકંડ રાખવામાં આવે તો બસ પેલો વય્ક્તિ ત્રીસ મિનીટ સુધી ભાનમાં આવવાની શક્યતા નહોતી. અને છેલ્લે એટેચીમાં એણે બે ચપ્પા નાંખ્યા. બને જર્મન બનાવટના તીક્ષ્ણ ધાર વાળા ચપ્પુઓ હતા. કઈ વસ્તુની કયારે જરૂર પડે એ નક્કી નહિ મોના હમેશા જ્યાં પણ જતી વીકે શેઠ સાથે ત્યાં એની સાથે આ બધી જ વસ્તુઓ હતી. ભારતભરમાં એ લગભગ બધેજ ફરી ચુકી હતી. એના લીપ્સ્ટીક બોક્સમાં પણ એક લીપ્સ્ટીક જેવડી લીલીપુટ જેવી બે એમએમની મીની બંદુક હતી. વિદેશમાં જતી ત્યાં આવી એ ચીજ વસ્તુ લઇ જતી નહિ પણ વિદેશમાં ઉતરીને પહેલા એ આ બધી વસ્તુઓ ખરીદતી હતી. અને એના કારણે વીકે શેઠ અત્યાર સુધી સલામતી અનુભવતા હતા. મોના એ વીકે શેઠની બોડીગર્લ જ નહિ પણ ખરા અર્થમાં એક સફળ બોડી ગાર્ડ પણ હતી!!

ઘરેથી નીકળતા પહેલા એ ઘરના તમામ સભ્યોને મળી. એ ગેસ્ટ હાઉસમાં જવાની છે એ વાત ઘરના બધા સભ્યો જાણતા નહોતા. ઘરના સભ્યો એ વાત થી ટેવાઈ ગયા હતા કે વીકે શેઠની સાથે જે કોઈ પણ આવે એની સરભરા કરવી એના વિષે કોઈ વિશેષ પૂછપરછ કરવી પણ નહીં કે એના અંગત જીવનની જાણકારી નહિ મેળવવાની. વી કે શેઠના કારણે જ એ લોકો ઘણી બધી જમીન અને મોટા ફાર્મ હાઉસના માલિક હતા. બધા જ આ નિયમનું પાલન કરતાં હતા. અને મોના મહાકાળી ગેસ્ટ હાઉસ તરફ ચાલી નીકળી. અને સંબંધીને કહ્યું કે આ કાર હમણા ક્યાં લઇ ન જતા. આ કારની ચાવી સામેના દિવાલના ગોખલામાં રાખજો. મને ગમે ત્યારે જરૂર પડે હું આવીને લઇ.

મોના થોડી વાર મહાકાળી ગેસ્ટ હાઉસની બહાર રોકાઈ. પછી એ અંદર પ્રવેશી. ગેસ્ટ હાઉસ બે માળનું હતું. અંદર પ્રવેશતા જ વચ્ચે એક મોટો હોલ હતો હોલની સામેની બાજુએ જ એમ મોટું ટેબલ હતું. ટેબલ પર કાળા રંગનો એક ફોન હતો બાજુમાં જ એક સોફો હતો સોફાની સામે એક પીરામીડ કંપનીનું મોટું ટીવી હતું ત્યાં એક ટીપોઈ પણ હતી એની પર ફિલ્મફેર આસપાસ એવા બે ત્રણ સામયિકો હતા. ટેબલ ની બાજુમાં એક ત્રીસેક વરસનો આદમી બેઠો હતો. માથે મોટી ટાલ અને પીળા પડી ગયેલા હોઠ. બાજુમાં જ એક ચાર ભાઈ બીડીની જુડી હતી અને એની બાજુમાં કપાસનું ચિત્ર દોરેલું એક બાકસ હતું. પેલાએ કપાસ છાપ બાકસ હાથમાં લીધું એમાંથી એક દીવાસળી કાઢીને પેટાવી. ચાર ભાઈ બીડીની જુડીમાંથી એક બીડી કાઢી સળગાવી અને પછી પગના ધક્કાથી ખુરશીને દીવાલ બાજુ ખસેડી અને પગ લાંબા કરીને એક સટ મારીને મોનાની સામે જોઇને બોલ્યો.

“ નયનાબેન સાચું?? મુંબઈ વાળા સાચું?? હમણા જ રતનજી ભાઈ આવ્યા હતા તમારી ભલામણ કરવા એટલે ખબર હો.. ખોટું હોય તો પાછુ આપવાની છૂટ તમને બાકી આ લખમણ કાનજી આપણું ધારેલું ખોટું ન પડે. બોલો કેટલા દિવસ રોકાવાનું છે??” કહીને એણે ટેબલના ખાનામાંથી ચોપડો કાઢ્યો.

મોના એને ઘડીક તો જોઈ રહી પણ મનમાં એને શાંતિ થઇ કે માણસ ભલે ડફોળ દેખાય પણ છે કામનો. મોનાએ ટેબલ પર બે હાથ ટેકવીને જુકીને ઉભી રહી. પેલાએ માથાપર ચડાવેલા ચશ્માં આંખ પર લગાવ્યા અને નજર ઝીણી કરીને મોનાની છાતી તરફ તાકી રહ્યો. અને ત્યાંજ મોના બોલી ટટ્ટાર થઈને.

“ લખમણજી એમાં એવું છે ને કામ ક્યારે પૂરું થાય એ નક્કી નહિ દસ દિવસ પણ લાગે અને દસ અઠવાડિયા પણ તમે ભાડું બોલો પહેલા પછી રૂમ બતાડો પછી હું તમને ફાઈનલ કહું”

આખો મલક એને લખડો કહેતા અને કોઈ સારું માણસ અને એમાં બાઈ માણસ અને એય રૂપાળું લખમણભાઈ કહે એટલે લખડો તો ગેલમાં આવી ગયો એ બોલ્યો.

“ખાલી લખમણ અથવા લખું કહો તો પણ ચાલશે નયનાજી. આના જેવું એકેય ગેસ્ટ હાઉસ તમને આખા શેરમાં ક્યાય નહિ મળે. બે પ્રકારના રૂમ છે આપણે નયા. સેમી અને ડીલક્સ!! સેમી અને ડીલક્સમાં ફેર એટલો કે ડીલક્સ માં તમને ટીવી જોવા મળશે સવાર સાંજ અને એ પણ પીરામીડ કંપનીનું એકદમ વ્હાઈટ ચિત્ર દેખાય પણ રંગબેરંગી કાચ પણ છે આપડી પાસે એ ટીવીની આગળ રાખો એટલે નીચેનું બધું લીલું દેખાય અને વચ્ચે લાલ અને ઉપર વાદળી દેખાય એટલે રંગીન ફિલ્મ જેવું જ દેખાય પણ સવારે નવ વાગ્યાથી રાતના છ વાગ્યા સુધી ઝરમરિયા આવે એ પહેલા કહી દઉં કારણકે ટીવીનું ટેશન આઘું પડે છે હા વહેલી સવારે અને સાંજથી મોડી સાંજ સુધી ડીડી અને હમણા શરુ થયેલ મેટ્રો એમ બે ચેનલ બતાઈ જાય. શુક્રવારે ચિત્રહાર અને શનિવારે ફિલ્મ જુઓ તો પણ પૈસા વસુલ છે. બીજું કે ડીલક્સ રૂમમાં એક કાચબા છાપ અગરબતી પણ સાંજે મુકવામાં આવે છે આ બાજુ મચ્છર પણ સાલા ડાંસલા જેવા છે અને એમાય સારા માણસનું લોહી પીવાની એને બહુ જ ઉતાવળ હોય છે. સેમીમાં સાબુ અને બ્રશ ઘરનું લાવવું પડે જયારે ડીલક્સ રૂમમાં એ બધું અમારે આપવાનું હોય. સેમીમાં ગાદલાના કવર અને ઓશિકા અઠવાડિયે ધોવાય જયારે ડીલક્સમાં એ બધું ત્રણ દિવસે ધોવાઇ જાય અને એ પણ ભાવનગરનો પ્રખ્યાત કાળા સાબુથી એટલે વાસ બધી જતી રહે. બોલો કયો રૂમ નક્કી કરીશું સેમી કે ડીલક્સ?? કહીને લખડા એ વળી આંખો ઝીણી કરીને મોનાનું પગથી માથા સુધીનું રસપાન કરતો રહ્યો.

“પેલા રૂમ જોઈ લઈએ સેમી અને ડીલક્સ બેય” મોના બોલી.

Image Source

“ સેમી રૂમ બધા હેઠે છે.. સેમીમાં હવા ઓછી આવશે એ પહેલા કહી દઉં કારણકે બારીઓ એક બાજુ જ છે બધીય ગેલેરી બાજુ વાંહે ધોબીના મકાન છે એટલે એ બારીયું નો મુકવા દે પણ ડીલક્સ રૂમ બધા બીજે માળે છે અને ત્યાં કોઈ મકાનની આડશ નથી ધોબીના બધા મકાન એક માળિયા છે બે માળનો એને વેંત નથી એટલે ચારે બાજુ ખુલ્લું છે એટલે બેય બાજુ સામ સામી બારીયું છે. ઉપર અગાશી પણ છે ત્યાં બેસવું હોય તો પણ બેસી શકાય આખું શેર દેખાય અગાશીમાંથી બે ત્રણ ટેબલ અને ખુરશી પણ છે સારા માણસો બધા ઉપર રે છે ચાર નંબર અને પાંચ નંબર અપાઈ ગયા છે ચાર નંબરમાં બેંકના ઓડીટ વાળા સાહેબો છે અને પાંચ નંબરમાં એક ભાભડ ભૂતડા વાળો રે શે બસ સવારે આઠ વાગ્યે થેલો લઈને વહ્યો જાય આખા શેરના ચિત્રો બનાવે છે સાંજે લગભગ ચારેક વાગ્યે કે પાંચ વાગ્યે આવે. રજાકને પૈસા આપે એટલે કાદરની લારીએ જાય પરમાટી લઇ આવે એટલે એ ગળચી લે. અને પાણીના ત્રણ મોટા મોટા બાટલા આખા દિવસમાં પી જાય છે. આવું હું તો ન ચલાવી લઉં. અમે તો શાકાહારીને જ રેવા દઈએ. ધરમ જેવી કોઈ ચીજ તો હોય ને પણ એ રહ્યા બારના મલકના અને સહુથી મોટી વાત તો એ કે આ તો અમારા એક વકીલની ભલામણ હતી એટલે એને રૂમ આપી. વકીલ પોલીસ અને સરકારી અધિકારી એટલાથી અમને બહુ બીક લાગે બાકી અમે કોઈના બાપથી પણ નો બીવી..આવું છે નયનાજી”

દાદર ચડતા ચડતા લખડો બોલતો હતો. અને મોનાએ આંખ પર કાળા ગોગલ્સ ચડાવી લીધા વાળની બે લટો આગળ કરી લીધી કદાચ ડીસોઝાનો બીજા માળે ભેટો થઇ જાય તો એને ઓળખવો ન જોઈએ. પણ એવું બન્યું નહિ ચાર નંબરના ઓડીટવાળાના રૂમમાં બહારથી તાળું લટકતું હતું અને પાંચ નંબરનો રૂમ અંદરથી બંધ હોય એમ લાગ્યું. એટલે ડિસોઝા અંદર હતો. મોનાએ આઠ નંબરનો રૂમ પસંદ કર્યો, લખડા એ રૂમ બતાવ્યો અને સુવિધા પણ.

“ આ રૂમમાં ઓરીજનલ સીન્નીનો પંખો છે બાકીના રૂમમાં લોકલ કંપનીના ભાઠા જેવા પંખા છે. આ પંખો અવાજ ઓછો કરે અને હવા વધુ આપે જયારે બીજા આપવાનું હોય એ હવા ઓછી આપે અને માથું ચડાવી દે ગમે એવા સારા બેરીંગ નાંખો પણ એ પંખાની ફેરણી જ એવી કે બેરીંગ ભરડી જ નાંખે. વળી જો આ રૂમમાં બાથરૂમ પણ મોટું અને સંડાસ પણ અલગ છે.જયારે નીચે સેમીમાં બધુય ભેગું આવે, આ અરીસો અને દાંતિયો પણ છે. તમે ટુવાલ તો લાવ્યા જ હશો ન લાવ્યા હોય તો આ ખૂણે પીતાંબર વાણીયાની દુકાને ખાદીના સારા સારા અને એકદમ સુંવાળા ટુવાલ મળે છે કેશો તો બે મંગાવી દઈશ. બોલો છે ને જક્ક્કાસ રૂમ.. ખોટું હોય તો પાછું આપવાની છૂટ નયનાજી!!” લખડો બોલવાનું શરુ કરે પછી એને બંધ થવાની ખબર નહોતી પડતી એમ મોનાને લાગ્યું. એણે તરત જ પૂછ્યું.

“ એ ચિત્રકારનું નામ શું છે જે બાજુના પાંચ નંબરના રૂમમાં રોકાયો છે.?”

Image Source

“ નયનાજી આ તો તમે ઘર જેવા થઇ ગયા છો અને વળી તમારી ભલામણ રતનજીભાઈ કરી ગયા છે એટલે કહું છું બાકી બીજાને તો હું ગાંઠું પણ નહિ. બધા ધંધામાં મોનોપોલી હાલે એમ અમારે પણ હાલે. અમે કઈ હરિચંદ્રના દીકરા તો નથી અમારે પણ એક બાજુ પેટ છે ને.. બેય બાજુ વાન્હા તો નથીને એટલે એ પાંચ નંબરમાં જે ભાભડ ભુતડો રહે છે એ વગર નામે રહે છે. આ તો આ શેરના મોટા વકીલ શરાફ ભાઈની ભલામણ છે એટલે એને રેવા દીધા છે એમને એમ પણ હા શરાફ્ને મેં મોઢે કહી દીધું કે સંબંધ સંબંધની જગ્યાએ પણ વેવારે કાગડો કાળો એટલે જો વગર નામ લખાવ્યે રેવું હશે ને તો ડબલ ચાર્જ થાશે પછી કેતા નહિ કે લખડો સોરી હો લખુ બોલ્યો નહિ. બધા મને લખડો જ કહે છે એટલે એ નામ જીભ પર આવી જાય છે, એટલે વીસેક દિવસ થી રહે છે અને મહિનાનું ભાડું અને એ પણ ડબલ આપી દીધું. એટલે આપણે એનું નામ પણ નથી પૂછ્યું કે નથી એનું ગામ પૂછ્યું .આપણે તો શું વાંધો હોય પણ એ માણસ ધૂની જેવો લાગે છે કયારેક ઉપરથી નીચે આવે તો દાંત પણ ન કાઢે આખી દુનિયાનો ભાર લઈને ફરતો લાગે છે. મને તો એનામાં દાંત કાઢવાનું વિગત એના શરીરમાં ભગવાન નાંખતા જ ભૂલી ગયા લાગે છે પણ આપણને એમાં શું વાંધો નયનાજી બોલો ખોટું હોય તો પાછું આપવાની છૂટ છે. આપણે તો અહિયાં મેનેજર છીએ ગેસ્ટ હાઉસ કયા આપણા બાપનું છે આ તો મોરાભાભાએ બંધાવેલું છે અને એના ચારેય છોકરા કાલીકટમાં રે છે. દર વૈશાખ મહિનામાં એ એના સુરધનને નીવેદ કરવા આવે ને ત્યારે બધા ભાઈઓ અહિયાં ઉપર ડીલક્સ રૂમમાં રોકાય અને આખા વરસનો હિસાબ સમજી લઈએ. એ બધા પૈસાવાળા છે એમને કોઈ વસ્તુની કમી નથી. ચોપડે જે નોંધાયેલા હોય એનો હિસાબ કરી નાખીએ વળી ગેસ્ટ હાઉસમાં કાઈ વેરેન્ટાઈઝ આવ્યું હોય એ બાદ કરીને મારો અને રજાક નો બાર મહિનાનો પગાર વાળી ને જે રકમ હોય એ એને આપી દેવાની. ઈ રકમ પણ ઈ ચારેય છોકરા રાખતા નથી અહિયાં ગાયોની નીરણ માટે આપતા જાય છે અને પછી જાય તે આવે ચૈતર મહિનામાં.. આ ગેસ્ટ હાઉસ એના બાપાએ બંધાવેલું ને એટલે એની યાદમાં રાખ્યું છે બાકી એ આવામાં નો રે… પણ મોરા ભાભાએ આ ગેસ્ટ હાઉસ બંધાવ્યુંને પછી એને સારું થયેલું આ જગ્યા એના માટે લકી સાબિત થયેલી. આમ તો એને પેલા લીમડાવાળા ચોકમાં નાળીયેરની દુકાન જ હતી. લીલા અને સુકા એમ બેય નાળીયેર એ જથ્થાબંધ વહેંચતા. લીલા નાળીયેર મહુવાથી આવે અને સુકા કાલીકટથી આવતા. એમાં ધંધો જામી ગયો. પછી તો મોરા શેઠે આજુબાજુના આઠ જીલ્લાની એજન્સી રાખેલી અને કાલીકટથી કાળિયા અહી આવવા મંડ્યા આઠેય જીલ્લામાંથી પણ વેપારીઓ બેય નાળીયેર લેવા આવતા તે રાત વરતના રેવાની ભારે માથાકૂટ થાય કયારેક તો એકી હારે વીસ વેપારીઓ પણ ભેગા થઇ જાય એ બધાને સાચવવા કયા દક્ષિણ બાજુના આવે ઈ બધાને ઘરે રેવાનું ય નો ફાવે અને ખાવાનુય નો ફાવે એ બધા નો ખાવાનું ભાત હારે ખાય એટલે એને ઉતારો કયા આપવો એમાં થયું એવું કે મોરા શેઠની અહિયાં જમીન હતી એટલે આ ગેસ્ટ હાઉસ બાંધ્યું એ બધા આવનારને રહેવા માટે અને હું દસ વરસનો હતો ત્યારથી જ અહિયાં કામ કરું છું. અને પછી મોરા શેઠની કિસ્મતનું પૈડું ભમભ્માટી કરતુ ફર્યું અને થઇ જાહોજલાલી. આ ગેસ્ટ હાઉસ બનાવ્યે પાંચ જ વરસમાં એ બધા કાલીકટ જતા રહ્યા અને નાળીયેરના બગીચા રાખ્યા. ત્યાં એમને ટોપરાનું તેલ બનાવતી ફેકટરી પણ છે. એના છોકરાઓ પણ ક્યાંના કયા પોગ્યા . મરતી વખતે મોરા શેઠ એના છોકરાને કહી ગયા કે આ ગેસ્ટ હાઉસ કયારેય નહિ કાઢવાનું અને ધરમ ક્યારેય નહિ ભૂલવાનો એટલે જ એના છોકરાના છોકરા ગમે ત્યાં હોય દેશમાં હોય કે વિદેશમાં હોય ચૈત્ર મહિનામાં સુરધનને નીવેદ કરવા આવી જ જાય!! બસ હું નાનો હતોને ત્યારથી અહિયાં છું. એ ગયા પછી આ ગેસ્ટ હાઉસ મને સોંપી દીધું. અમારું પણ પેટ ભરાયને તમારા જેવા સારા માણસને રેવાનું ઠેકાણું પણ મળી રહે!! ખોટું હોય તો પાછું આપવાની છૂટ છે નયનાજી આવું છે અમારે બધું” મોના રસથી લખડાને સાંભળતી હતી. ઘડીક તો એને પણ થયું કે હું મોના નથી પણ નયનાજી છું. મોના બોલી.

“ તમારા જેવા વિશ્વાસુ બધે નો મળેને લખુજી.. સરસ ગેસ્ટ હાઉસ છે પણ હું તમને એક વાત કહું મારે પણ વગર નોંધણી કરાવે રેવું હોય તો રહી શકુને”??

“ હવે તમને ક્યાં ના પાડવી રતનજી ભાઈ ભલામણ કરી ગયા એટલે લોઢાંમાં લીટો જ હોય ને પણ સંબંધ સંબંધની જગ્યાએ અને વેવાર વેવારની જગ્યાએ ભાડું ડબલ થશે સાચું હોય તો જ હા પાડવાની બાકી ખોટું હોય તો પાછું આપવાની છૂટ છે તમને” કહીને લખડાએ કપાસ છાપ બાક્સનું ખોખું કાઢ્યું ચારભાઈની જુડી ખિસ્સામાંથી કાઢી અને બીડી સળગાવી.

“ કેટલું ભાડું થશે રોજનું??” મોનાએ પૂછ્યું.

“કાયદેસર તો પચવી રૂપિયા થાય પણ તમારે વગર નામ લખાવ્યે રહેવું હોય તો રોજના પચાસ થશે. આ શેરમાં બહુ માણસ નથી આવતા એટલે ઓછુ ભાડું રાખીએ છીએ બાકી જાવ રાજકોટ કે અમદાવાદ તો આના કરતા પણ ખરાબ સુવિધાવાળા રૂમના મારા બેટા બસો બસો તોડાવે તમને તો ક્યાં નથી ખબર નયનાજી.” લખડો બોલતો બંધ નહોતો થવાનો પણ મોનાએ એના હાથમાં ૧૦૦૦ રૂપિયા મુક્યાને એટલે એ બંધ થઇ ગયો. મોના બોલી.

“ આ વીસ દિવસના એડવાન્સ.. મારી વિગત કોઈને કહેવાની નથી. હું અહિયાં બોલાવું નહિ ત્યાં સુધી આવવાનું નહિ. પોલીસ વાળા આવે તો તારે ફોડી લેવાના છે કોઈને કાનોકાન વાત પણ નથી કરવાની ઓકે બાકી મારે જરૂર હશે ને તો હું તમને મળી જઈશ બાકી મને ફાવે છે કે નહિ કોઈ વસ્તુની જરૂર છે કે નહીં અને હું કયા જાવ છું એ કોઈ પૂછપરછ નથી તો તારે કરવાની કે નથી તારા સાથીદાર રજાકે કરવાની ઓકે” મોનાએ સતાવાહી અવાજે કહ્યું.

“ ઓકે સમજી ગયો સમજી ગયો.. મારે તો આ રોજનું થયું. અહી ડીલક્સ રૂમમાં આવા જ આવે છે વહીવટ વાળા જ આવે.આપણને શું વાંધો હોય અને પોલીસને તો હું સાચવું જ છું ને. એને પણ વહીવટ હોય ને એ પૈસા નો આપે કોઈને એટલે એ બધાય નીચે સેમિના રૂમમાં ગમે એને લઈને આવતા રહે કલાક બે કલાકમાં નીકળી જાય. ક્યારેક મોટા નબીરા આવે વગર નામ લખાવ્યે બે ત્રણ કલાક રૂમ જોતા હોય એના હું સો રૂપિયા લઉં છું આ તો તમારી ઓળખાણ હતીને એટલે બાકી સાચું હોય તો જ્ કહેવાનું જો ખોટું હોય તો….” લખડો એકની એક વાત કહેતો હતો ત્યાં મોનાએ એની સામે હાથ જોડ્યા અને ચાલતો થયો અને ચાલતો કહેતો ગયો.

“ આ બારણા ને આમ તો આગળિયો અને ડબલ સ્ટોપર છે તોય પવનનું કદાચ હાલે પણ ખરું તો આ ચાર ઈંટ છે નીચે એને આડી મૂકી દેવાની એટલે બારણું એકદમ પેક થઇ જશે” અને એ ગયો કે તરત મોનાએ બારણું બંધ કર્યું અને બેડ પર આડી પડી.આજ એણે કશું જ નહોતું ખાધું અને ખાવાની ઈચ્છા પણ નહોતી. એમને એ ઊંઘી ગઈ..

Image Source

બીજે દિવસે સવારે એ આઠેક વાગ્યે મોના ઉઠી. નાહી અને બ્રશ કર્યું. અને પલંગમાં બેઠી. રેડીયોમાં બીજા બેન્ડ પર બીબીસીના સમાચાર સાંભળ્યા અને નવેક વાગ્યે એ ડ્રેસ પહેરીને આંખ પર ચશ્માં લગાવીને નીચે ઉતરી. ડિસોઝાના રૂમ પર તાળું લટકતું હતું. નીચે લખડો બેઠો હતો પગ લાંબા કરીને ચાર ભાઈ બીડી પીતો હતો. મોના એના તરફ એક સ્માઈલ ફેંકી ને ચાલતી થઇ. બેંક વાળો ખાંચો વટાવીને એ એક તાળા વાળાને ત્યાં રોકાઈ. ઓરીજનલ ત્રાંબાનું એક મોટું તાળું ખરીદ્યું બે ત્રણ પાતળા સ્ક્રુ ડ્રાઈવર લીધા. એક મોટી સ્ટોપર લીધી એક કાળી સેલો ટેપ પણ લીધી. આગળ એક રેડિયો રીપેર કરનારની દુકાન હતી ત્યાંથી એણે મફતના ભાવમાં મોટા મોટા લોહ ચુંબક પણ લીધા અને એના ટુકડા કરાવ્યા. ત્યાં એણે એનો પરિચય શિક્ષીકા નો આપ્યો અને કહ્યું કે બાળકોને પ્રયોગ કરાવવો છે ચુંબકનો એટલે આ બધું જોઈએ છે. ગાંઠિયા અને જલેબી લીધી.. બસો બસો ગ્રામ કાજુ બદામ અને અખરોટ લીધા. બીજી થોડીક વસ્તુઓ પણ લીધી અને કલાકમાં એ રૂમ પર આવી ગઈ. સહુ પ્રથમ એણે પોતાનું લોક બદલી નાંખ્યું. બારણાંના સ્ટોપર સ્ક્રુ ડ્રાઈવરની મદદથી ઠીક કર્યા એક બીજું મોટું સ્ટોપર એ બજારમાંથી લાવી હતી એ ફીટ કરીને બારણું એકદમ જડબેસલાક ફીટ કર્યું.

પછી ગેલેરીમાં આમ તેમ આંટા માર્યા અને પોતાની એક નાનકડી પર્સમાં એણે અમુક વસ્તુઓ નાંખી અને એટેચીમાંથી એક પિસ્તોલ કેડમાં ભરાવી અને એ બહાર નીકળી. રૂમને લોક કર્યો તાળાની ચાવી પર્સમાં નાંખીને એ ડિસોઝાના રૂમ તરફ ગઈ. લખડાના કહેવા પ્રમાણે ડિસોઝા સાંજે ચાર કે પાંચ વાગ્યે આવવાનો હતો. એણે તાળું જોયું. માથામાંથી એક મજબુત અને ધારદાર હેર પીન કાઢી અને તાળામાં ભરાવી અને કાન તાળા પાસે લઇ ગઈ અને અંદર અવાજ સાંભળવા લાગી બે ત્રણ વાર એણે હેર પીન ઘુમાવી અને પછી એક જોરદાર આંચકા સાથે એણે હેરપીનને અવળી ફેરવી અને ફટાક દઈને તાળું ખુલી ગયું. આજુબાજુ મોનાએ આજુબાજુ નજર ફેરવી અને એ ડિસોઝાના રૂમમાં ગઈ અને અંદરથી એણે રૂમ બંધ કરી દીધો.

*************ભાગ વીસ પૂરો**************

ક્રમશ:
મિત્રો, જો તમે આ નવલકથાનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી કરીને અમને આ નવલકથાનો આગળનો ભાગ મુકવા માટે પ્રોત્સાહન મળી રહે અને આ નવલકથા માટેના રીવ્યુ પણ જરૂર આપજો, આગળ શું થવાનું તે જાણવા માટે રાહ જુઓ ભાગ 20ની, જલ્દી જ આવશે.
લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ”, શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ, મુ.પો ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.