“ગાળિયો” ભાગ – 2 – યાર પોલીસની જિંદગીમાં કપડાનો રંગ પણ ખાખી અને જીંદગી પણ સાવ ખાખી – વાંચો મુકેશ સોજીત્રાની કલમે

0
Advertisement

જે મિત્રોને ભાગ-1 વાંચવાનો બાકી હોય તેઓ જે તે ભાગ બાકી હોય તેના પર ક્લિક કરે.

પોલીસ સ્ટેશનમાં રહીને ભારતી સતત વાંચ્યા કરે આગળની પરિક્ષાની તૈયારી પણ કરે. સહુ કોન્સ્ટેબલ ઈર્ષ્યામાં ને ઈર્ષ્યામાંમાં બળ્યા કરે પણ જેના તાબામાં નોકરી કરવાની છે. એવા પી આઈ દવેને કોઈ જ ના કહે. અને શા માટે કહે કારણ કે કહીને આંખે જ થવાનું ને?? બળબળતા બપોરમાં કે વરસતા વરસાદમાં ટ્રાફિક નિયમનનું કામ કરવાનું ને?? એટલે સહુ જ ચુપ હતાં. પછી તો ભારતી લગભગ પોલીસ સ્ટેશનમાં આવતી જ નહિ. શહેરમાં જ એક વિસ્તારમાં પી આઈ દવે ભાડે રહેતા હતા. એમની પત્ની પાયલ લગભગ બસો કિમી દૂર આવેલ એક ગામડામાં રહેતી હતી. એ શિક્ષિકા હતી. પી આઈ દવે એ સાંત્વના આપેલી કે બહુ જલદી એની બદલી થઇ જશે અને એ નજીક આવી જશે. સંતાનમાં પી આઈ દવે ને એક પુત્ર પણ હતો. આ પોલીસ ચોકી સાવ નવી જ બની હતી અને પોલીસ માટેના ક્વાર્ટસ પણ હજુ બન્યા જ નહોતા અને લગભગ બનવાના પણ નહોતા. કારણ કે હમણા હમણા તાલુકો બનેલો અને જમીન ક્યાય મળે એમ નહોતી. જે સરકારી જમીન હતી એ સ્થાનિક રાજકારણીઓએ પચાવી પાડેલી હતી. અને એ સ્થાનિક આગેવાનો સતાપક્ષના એટલે જમીન ખાલી થવાનો પ્રશ્ન જ નહોતો. બસ બે જ મહિનામાં ભારતી લગભગ પી આઈ દવેના ભાડાના મકાનમાં રહેતી થઇ ગઈ. આજુબાજુ વાળાને પણ અચરજ થતું પણ ખાખી વર્દીની બીક લાગે એટલે કોઈ બોલતું નહિ બસ ત્રણ ટાઈમ રાંધીને ખાવાનું અને પી આઈ દવેને ખવરાવવાનું આટલી જ ડ્યુટી એણે કરવાની. ઘરમાં સાફ સફાઈ માટે એક કામવાળી રાખી લીધી હતી. કામવાળી સફાઈ અને કપડાં ધોવાનું કામ કરતી હતી. ભારતીને કોઈ વાતની ખોટ નહોતી. પાણી માંગો ત્યાં દૂધ હાજર થઇ જાય એવી પરિસ્થિતિ. એને અભ્યાસ માટેના જે જે પુસ્તકો ઘટતા એ પી આઈ દવે કોટા રાજસ્થાનમાં થી અથવા તો દિલ્હીના માર્કેટમાંથી પોસ્ટ દ્વારા મંગાવી લેતા હતા. ભારતીને એણે વચન આપ્યું હતું કે તું મહેનત કર તારામાં મને સ્પાર્ક દેખાય છે. તું ફક્ત પોલીસ કોન્સ્ટેબલ બનવા નથી જન્મી તારા નામની આગળ જ્યાં સુધી આઈપીએસની ડીગ્રી નહિ લાગે ત્યાં સુધી પાછી પાની નહિ કરું. આવું વાત્સલ્ય અને હૂંફ ભારતીને ક્યાંથી મળે. એ તો મન દઈને અભ્યાસ કરવા લાગી.

Image Source

પી આઈ દવે પ્રોબેશન પીરીયડમાં હતાં ત્યારથી એ આર ડી ઝાલાને ઓળખતાં હતાં, એના એક મિત્ર મકવાણા ના ખાસ મિત્ર પણ હતાં. અવારનવાર દવે મકવાણા અને ઝાલા ભેગા થઇ જતા કોઈને કોઈ સરકારી ફંકશનમાં. એના મિત્ર મકવાણા નાયબ કલેકટર હતાં.

છ મહિના પછી પી આઈ દવેએ રજા લીધી વીસ દિવસની અને એ મહાબળેશ્વર જતાં રહ્યા. પોતાના ઘરે એણે કહી દીધું કે એક ગુનેગારને પકડવા માટે એ મહારાષ્ટ્રમાં જાય છે. આમ તો સરકારી કામ કાજ સબબ જવાનું હોય તો ઓન ડ્યુટી ગણાય. રજા ના મુકવાની હોય પણ એ એટલા માટે રજા મુકે છે. જેની તપાસ કરવાની છે એને સહેજ પણ ગંધ ના આવે. આમ તો કોઈને પણ આ વસ્તુ કહેવાની ના પાડી છે પણ તોય હું તને કહું છું. અને એની પત્ની પાયલ માની પણ ગઈ. પાયલ હતી તો શિક્ષિકાને જ અને પ્રેમથી કોઈ વાત શિક્ષિકાને કહેવામાં આવે તો એ ઝડપથી માની જાય છે . પી આઈ દવે કોઈ કચાશ રાખવા માંગતા પણ નહોતા. એણે એ પણ જણાવી દીધું કે એની સાથે એક પોલીસ કોન્ટેબલ ભારતી પણ આવશે. આ તો ભારતી બધાની દ્રષ્ટીએ પોલીસ કોન્સ્ટેબલ છે બાકી એ આઈ બી ની ઓફિસર છે. જો આ ઓપરેશન સક્સેસફૂલ થાય ને તો સરકાર મારા પર ખુશ થઇ જશે અને મને માંગ્યા પ્રમાણે સાવ તારી નજીક જ પોસ્ટીંગ આપી દેશે.

ભારતી અને દવે બને અમદાવાદથી ટ્રેનમાં મુંબઈ ગયા. મલાડ વેસ્ટના એક આધુનિક શો રૂમમાંથી ભારતી માટે સરસ મજાના અને સુંવાળા ટૂંકા ટૂંકા કપડા પણ ખરીધા. ત્રણેય ઋતુઓ માટે અલગ અલગ કપડા ખરીદ્યા પછી તેઓ અને ત્યાંથી સ્પેશ્યલ કારમાં મહાબળેશ્વર ગયા. પંચગીની અને મહાબળેશ્વર એ પોતાનું હનીમુન મનાવી રહ્યા હતા. અને એ જે હોટેલમાં રોકાયા હતા ત્યાં ત્રણ દિવસ પછી જ ઓચિંતા આર ડી ઝાલા સપરિવાર આવી ગયા. સવારે બ્રેકફાસ્ટ કરતી વખતે જ આર ડી ઝાલા એને કેન્ટીનમાં મળી ગયાં. અને પી આઈ દવેનું મોઢું પડી ગયું. ઝાલા પરિસ્થિતિ સમજી ગયા પણ અજાણ બનીને રહ્યા. પણ સાંજે પાંચ વાગ્યે એ પી આઈ દવે ને લઈને બેન્કો બારમાં ગયા. રેડ લેબલ વાઈનની ચૂસકી મારતા આર ડી ઝાલા બોલ્યાં.

Image Source

“ પોલીસને આ લફરા ન શોભે દવે.. આમ તો મકવાણા એ મને વાત કરી જ હતી કે હમણા હમણા દવેએ એક ખુબસુરત પ્લોટમાં રોકાણ કર્યું છે પણ હું મકવાણાની વાત માનતો નહોતો કારણ કે એને તો હું કોલેજથી ઓળખું છું. એ ફાંકા મારવાની ટેવ ધરાવે અને થોડો રંગીન મિજાજી પણ ખરો. અને રંગીન મીજાજીને આખી દુનિયા રંગીન જ લાગે બાય ધ વે તારી કોન્સ્ટેબલ છે મજબુત બાંધાની. પણ ક્યાં સુધી આ ચાલશે. હું તો એને બહુ ઓળખતો નથી પણ એની આંખો પરથી કહી શકું છે છોકરી છે ચાલાક એની આંખોમાં મને લુચ્ચાઈ દેખાઈ આવે છે તને એની આંખોમાં સાત સમંદર દેખાતા હોય પણ જાળવજે દવે. નહિતર મારી જેલમાં આવવાનું થશે તો મકવાણાને ખોટું લાગશે”

“ સમય આવ્યે બધું શોભે ઝાલા સાહેબ.. યાર પોલીસની જિંદગીમાં કપડાનો રંગ પણ ખાખી અને જીંદગી પણ સાવ ખાખી. યાર કેવા કેવા કેઈસ આવે છોકરામાં કાઈ કાઢી ના લેવાનું અને સારા ઘરની છોકરીને એ લઈને ભાગે અને પકડાઈ ને પછી આવે પોલીસ સ્ટેશને.. મારો તો સાલો જીવ બળી જાય હો સાહેબ. દુનિયા આખીને જેમાં સુખ દેખાય એવી પ્રવૃતિમાં આપણે કાયદા પ્રમાણે ચાલવાનું યાર જીવન થોડું તો હરિયાળું હોવું જોઈએ કે નહિ. અને આમાં ક્યાં બળજબરી છે?? સહમતી એજ સન્મતિ છે” એકીસાથે રેડ વાઈનનો આખો ગ્લાસ ગટગટાવીને પી આઈ દવે બોલ્યાં.

“ વાહ સહમતી એ જ સન્મતિ છે પણ તને નહિ ખબર હોય આવેગ છે એ અધોગતિ છે. જે પદ પર તું છો એ પદ માટે લગ્નજીવન બહારના લફરાં સ્વીકાર્ય નથી. જો વાત બહાર ગઈ કે તારી આ મનભાવન ભારતીએ કશુક એવું કર્યું ને તો તારે તો સીધું જ ડીસમીસ થવાનું અને તારે ખજાને કયાં ખોટ છે?? તારે સરસ મજાની અને રૂપાળી પત્ની છે અને એ પણ શિક્ષિકા છે. શું નામ એનું.. હમ્મ્મ્મ યાદ આવ્યું પાયલ જ ને!! જો દવે તને એક વાત કહી દઉં. શિક્ષિકા બહુ ઓછાના નસીબમાં હોય છે. તને એ સૌભાગ્ય સાંપડ્યું છે પણ એ સૌભાગ્યને તું દુર્ભાગ્યમાં પલટાવવા બેઠો છે. શિક્ષિકાઓને હું બહુ જ નજીકથી ઓળખું છું. હું જેની પાસે ભણ્યો એ ગીતાબેન અને શંભુભાઈ બને પતિ પત્ની અમારા ગામની શાળામાં ભણાવતા અને ગામમાં જ રહેતાં. ગીતાબેન એકદમ સુંદર જયારે શંભુભાઈમાં કાઈ કાઢી લેવાનું નહિ. એજ શંભુભાઈ એક આંગણવાડીમાં કામ કરતી છોકરીના પ્રેમમાં પડ્યા. મારી ઉમર ત્યારે લગભગ આગિયાર વરસની અને હું પાંચમામાં ભણતો હતો અને પોતાના પતિદેવના આ લફરાની વાતની જાણ ગીતાબેનને થઇ ગઈ. પાકા પાયે વાત જાણી લીધી અને ખાતરી કરી લીધી કે હવે પાણી ઉપરવટ જતું રહ્યું છે. મને હજુ યાદ છે કે ગીતાબેને ચાલુ નિશાળે જ એના પતિને એક તમાચો મારીને કહી દીધું કે આજ થી તારે ને મારે કશો જ સંબંધ નહિ. પછી તો ઘણી ધમાલ થઇ, સ્ટાફ વાળા ભેગા થયા અને માફી પણ મંગાવી પણ ગીતાબેન એકના બે ન થયા. એને એક દીકરી હતી એ ગીતાબેને પોતાની પાસે રાખી. શંભુભાઈ ની બદલી બીજા ગામમાં થઇ ગઈ. ગીતાબેન અમારા ગામમાં જ નિવૃત થયા. એની દીકરી પરણી ત્યારે આખું ગામ એના પ્રસંગમાં આવ્યું હતું. શંભુભાઈ પણ આવ્યાં. એકદમ સુકલકડી શરીર અને આખું શરીર ધ્રુજતું હતું. અને ગીતાબેને માંડવા વચ્ચે જ કહી દીધું કે તારું મેં એ દિવસે જ નાહી નાખ્યું હતું. તારેને મારે કોઈ સંબંધ જ નથી. અને શંભુભાઈને એની દીકરીને પણ વળાવતી વખતે પણ મળવા ના દીધાં. ગામ આખું ગૌરવથી ગીતાબેનને જોતું હતું. હું તને આ એટલા માટે કહું છું કે તું જે પ્લોટમાં રોકાણ કરશો એ પ્લોટ લપસણી જમીન પર છે ત્યાં કયારેય ઈમારત નહિ બને”

આર ડી ઝાલા રેડ વાઈનની અસર નીચે બોલ્યે જતાં હતાં.

“ પણ ઝાલા સાહેબ એવું કશું જ નહિ બને મને ભારતી પર પૂરો ભરોસો છે. અમે એક બીજાના ગળાડૂબ પ્રેમમાં છીએ. એ કોઈ દિવસ કશી ફરિયાદ નહિ કરે સાહેબ એની મને ખાતરી છે. મેં પણ દુનિયા જોઈ છે “ પી આઈ દવે એ છેલ્લો ગ્લાસ ગટગટાવીને પોતાની રૂમ તરફ હાલતો થયો અને આર ડી ઝાલા બોલ્યાં.

Image Source

“ આ બાબતમાં તને શુભેચ્છાઓ નહિ આપું પણ એટલું કહીશ કે જાળવજે ભઈલા!! જાળવજે”

અને પછી પી આઈ દવે નો પ્રેમ સાતમાં આકાશે પહોંચ્યો. પોતાની આવકની અર્ધી રકમ તો ભારતી જ વાપરી જતી અને એમાં ભારતી યુપીએસસી ની પરિક્ષામાં પાસ થઇ ગઈ. દવે એ તો એની ભારોભાર પેંડા વેચ્યા પેંડા.. એ તાલીમમાં પણ ગઈ દોઢેક વરસ પછી મધ્યપ્રદેશમાં આઈ પી એસ તરીકે નિમણુક થઇ ગઈ. ત્યાં સુધી કોન્ટેક્ટ ચાલુ રહ્યો પછી કોન્ટેક તુટતો ગયો. એકાદ મહિના પછી દવે ઇન્દોર ગયો અને ત્યાં જઈને એણે ભારતીને મળવાનો પ્રયાસ કર્યો. ભારતી મળી પણ ખરી એનો રુઆબ બદલાઈ ગયો હતો. બધી રીતે ફાયદો ઉઠાવીને એણે પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું હતું. દવેને તાકીદ કરી કે હવે પછી અહી ધક્કા ન ખાવા. તું તારા રસ્તે અને હું મારા રસ્તે! અને પી આઈ દવેને જબરદસ્ત આઘાત લાગ્યો. એની માનસિક સ્થિતિ એકદમ ખરાબ થઇ ગઈ. સારા એવા મનોચિકિત્સક ની ત્રણ મહિના દવા લીધી. પી આઈ દવેને આ આઘાતની કળ વળતાં છ માસ લાગેલાં. પણ વરસ દિવસમાં પાછી એક નીપા નામની કોન્સ્ટેબલ સાથે હૈયાનો હરખ વહેંચવાનો અભરખો થયો અને સિલસિલો શરુ થયો.

ભૂતકાળમાંથી દવે વળી વર્તમાનમાં આવ્યાં.

“ આ વખતે સાવધ છું ઝાલા સાહેબ.. આપણે કોઈ જ ખર્ચ નથી જ.. બધું જ નીપાના પૈસાએ જલસા. ભારતી મને એક બોધપાઠ આપતી જ ગઈ છે. ઘરની સ્ત્રી સિવાય ક્યાય પણ પૈસો ન વપરાય.. હા એમને એમ બધું જ મળતું હોય તો મોકો નહિ મુકવાનો ને નહિ ચૂકવાનો પણ એક લિમિટમાં!! ચાલો ત્યારે રજા લઉં. આવતા વીક એન્ડમાં આવો. હું મકવાણાને બોલાવી લઈશ. યાર ત્રણેય ક્યાય જતા રહીશું ઘણા દિવસથી ગીરમાં નથી ગયો. મધ્ય ગીરમાં બે દિવસ સુવાણ કરીશું” કહીને પી આઈ દવે ઉભા થયા.

“ચોક્કસ મળીયે દવે” આર ડી ઝાલા બોલ્યાં અને એ પણ પોતાની ઓફિસમાંથી બહાર આવ્યાં અને ફટાફટ દવે પરમાર સાથે જેલના ગેઈટની બહાર નીકળી ગયા.

“ સાચું છે સાચું છે કોઈકે સાચું જ લખ્યું છે કે પ્રેમ ક્યારેય મરતો નથી ફક્ત એક પાત્રમાંથી બીજા પાત્રમાં રૂપાંતર થાય છે. દવે પણ એમાંથી બાકાત નથી” આર ડી ઝાલા બબડ્યા અને ખિસ્સામાંથી પનામા નેવી કટ કાઢી સળગાવી અને ધુમાડાના ગોટેગોટા કાઢતા એ ખુલ્લી જગ્યામાં લટાર મારવા નીકળી ગયા!!!

*******************************************************************

કેદી નંબર ૫૨૦ એ પાણી પીધું. કોટડીમાં ચારે બાજુ નજર નાંખી. ઉંચી અને સખત દીવાલો મજબુત લોખંડી સળિયા થી કોટડી બનેલી હતી. કેદી નંબર ૫૨૦ એ એક સળીયો પકડ્યો અને તપાસ્યો અસલ ટાટા નું લોખંડ અને સોળ આની સળીયો હતો. એણે ઉંચે જોયું એક જાળીયામાંથી પ્રકાશ આવતો હતો બાકી અંધારું હતું. એ નીચે બેસી ગયો!! અત્યાર સુધી એ ઘનશ્યામ પરબત હતો!! આજથી એ કેદી નંબર ૫૨૦ હતો. પોતે નાનપણથી જ કઠણીયો હતો એમ એની બા કહેતા હતા એટલે જ આજે જયારે કોર્ટે એને સાત સાલની સજા ફરમાવી હતી ત્યારે એ સહેજ પણ રડ્યો નહોતો. કોર્ટ રૂમની બહાર એ પોલીસ પ્રોટેકશનમાં જ એની બાને ભેટી પડ્યો હતો. બા સાથે બીજા રડતાં હતા. બાપા તો દવાખાને હતાં. બા એ કીધું હતું એના કાનમાં!!

“ સાત વરસ હમણા પુરા થઇ જશે.. બેટા હું તને અપરાધી માનતી જ નથી.. ભગવાનને ગમ્યું એ ખરું.. સાત વરહ રમતાં રમતા વહ્યા જશે.. તું મારી કે તારા બાપાની ચિંતા જરાય કરતો નહિ. તું તારો ખ્યાલ રાખજે ઘના!! બસ તું પાછો આવીશ ત્યાં સુધી તો હું જીવવાની જ છું એ ખ્યાલ રાખજે!! આવજે બેટા તબિયત સાચવજે!!” એને બધું યાદ આવતું હતું. પોતે કઠણીયો હતો પણ આ જેલની કોટડી નંબર ૭૪મા એ રડી પડ્યો!! આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. એ સમયના એક ચક્રવ્યુહમાં ફસાઈ ગયો હતો!! એને ભૂતકાળ યાદ આવી રહ્યો હતો!!

એણે જમીન પર જ લંબાવી દીધું હતું. જાળિયામાંથી આવતો પ્રકાશ સામેની દીવાલે ટકરાતો હતો. પ્રકાશના પ્રતિબિંબમાં આખું જાળિયું દેખાતું હતું. જાળીયામાં લોખંડના સાત સળીયાની આકૃતિ દેખાતી હતી. સાત સળિયા જોઈ વળી એને સાત સાલની સજા યાદ આવી હજુ કલાક પહેલા જ જીલ્લાની અદાલતે એને સજા સંભળાવી હતી.

Image Source

“ મજકૂર આરોપી ઘનશ્યામ પરબત ઉર્ફે ઘનો રેવાશી નવલગઢ ભારતીય દંડ સંહિતા ૩૦૪ અન્વયે ખૂનના આરોપસર સાત સાલની જેલની સજા સંભળાવવામાં આવે છે.” કોર્ટના માનનીય જજ સાહેબ શ્રી કોઠારી એ આ ફેંસલો સંભળાવ્યો હતો. એ ટગર ટગર આંખે પાટા બાંધેલ ન્યાયની દેવીને જોઈ રહ્યો હતો. જોકે એના વકીલ ઓઝાએ એને આજ સવારે કહ્યું હતું કે,

“ ઘના મને વિશ્વાસ છે કે તને આજીવન કેદ તો નહિ જ થાય, હત્યા ભલે તારા હાથે થઇ પણ હત્યા કરવાનો તારો ઈરાદો નહોતો એવું હું માનનીય કોર્ટના ગળે ઉતારી ચુક્યો છું. અને મને ગળા સુધી ખાતરી છે કે તને વધુમાં વધુ સાત સાલની સજા થશે અથવા એનાથી ઓછી સજા થશે. અને બીજી વાત કોર્ટ આપણને આગળની અદાલતમાં જવાની પરવાનગી આપશે. પણ આ એક વરસમાં મેં તને નજીકથી જોયો છે તારા માતા પિતાને પણ જોયા છે એટલે હું તને ખોટા રસ્તે નહિ ચડાવું. કદાચ માની લે કે આપણે ઉપલી અદાલતમાં જઈએ તો પણ ત્યાં કેસનો ભરાવો જ એટલો છે કે ઓછામાં ઓછા પાંચ કે છ વરસ તો ફેંસલો આવતા નીકળી જશે. અને પછી કદાચ સજા માફ થાય તો પણ શું? તારે રહેવાનું છે તો અહીંજ ને?? છ વરસ કરતા વધારે સજા પડેલ કેઈસમાં લગભગ જામીન મળતા નથી અને માની લે કે ઉપલી અદાલતમાં વધારે સજાનો ફેંસલો આવ્યો તો?? એટલે બધી જ રીતે ખુવારી વેઠવા કરતાં આ સાત વરસ બહુ ન કહેવાય એટલે આમાં આગળ વધવા જેવું નથી. જે ફેંસલો આવે એ સ્વીકારી લેવાનો. પછી જેલમાં સારું વર્તન હોય તો એકાદ વરસ સજા હળવી પણ થઇ શકે પણ એ પછીની વાત છે”

અને એટલે જ ઘનશ્યામ પરબત ઉર્ફે ઘના એ નક્કી જ કરી લીધું હતું કે ઉપલી અદાલતમાં એ કયારેય નહિ જાય!! કેદી નંબર ૫૨૦ ઉર્ફે ઘના એ આંખો મીંચી દીધી. કાલ આખી રાત એ ઊંઘી નહોતો શક્યો. એનું ભવિષ્ય એને ધૂંધળું લાગતું હતું પણ આજ એનું ભવિષ્ય સ્પષ્ટ થઇ ગયું હતું. એ ઘસઘસાટ ઊંઘી ગયો!!

******************************************************************

દેગામાં જેલની કોટડીઓ પસાર કરતો કરતો લટકતી અને મલપતી ચાલે શ્વાસભર્યા શરીરે લગભગ દોડી રહ્યો હતો. આગળના વિભાગનો દરવાજો ખોલીને એ લગભગ દોડતો દોડતો આર ડી ઝાલા આંટા મારતા હતા ત્યાં આવ્યો ને અને સલામ ભરીને બોલ્યો..

“ ઝાલા સાહેબ ઝાલા સાહેબ.. હકા ભીખા એ નાનજી નથુને મુતરડી પાસે જ ઢીંકે ને ઢીંકે ઢીબી નાંખ્યો છે. આમ તો હકા ભીખા એને પતાવી જ દે ત આ તો હું અને પાટીલ બેય દોડીને ગયા અને નાનજી નથુ ને હકા ભીખાના કબજામાંથી છોડાવ્યો એણે તો નાનજીનો નઢીયો જ દબાવી દીધો હતો. મહા મહેનતે અમે એને આઘો લઇ ગયા છીએ”

આર ડી ઝાલાની આંખો કરડી બની એણે એક સટમાં થોડી વધેલી નેવી કટ સિગારેટ પૂરી કરીને સિગારેટના ઠુંઠાનો ઘા કરીને ઉતાવળા ડગલે એ કેદીઓની કોટડી તરફ ચાલવા લાગ્યા!!

***********ભાગ બે પૂરો *********

ક્રમશ :
આગળ શું થવાનું તે જાણવા માટે અહીં ક્લિક કરી વાંચો 👉 ભાગ 3

મિત્રો, જો તમે આ નવલકથાનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી કરીને અમને આ નવલકથાનો આગળનો ભાગ મુકવા માટે પ્રોત્સાહન મળી રહે અને આ નવલકથા માટેના રીવ્યુ પણ જરૂર આપજો, આગળ શું થવાનું તે જાણવા માટે રાહુ જુઓ ભાગ 3ની, જલ્દી જ આવશે

લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ”, શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ, મુ.પો ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here