મુકેશ સોજીત્રા લેખકની કલમે

“ગાળિયો” ભાગ – 19 – આમ તો આ સિગારેટ સારી પણ એનો સ્વાદ ગળ્યો આવે છે કોણ જાણે તમાકુમાં ગોળ નાંખતા હોય કે ખાંડ પણ– વાંચો રોમાંચક નવલકથા મુકેશ સોજીત્રાની કલમે

જે મિત્રોને ભાગ-1, ભાગ-2, ભાગ-3, ભાગ-4, ભાગ-5, ભાગ-6, ભાગ-7, ભાગ-8, ભાગ-9, ભાગ-10, ભાગ-11, ભાગ-12, ભાગ-13, ભાગ-14, ભાગ-15, ભાગ-16, ભાગ-17, ભાગ-18, ભાગ-19, ભાગ-20, ભાગ-21, ભાગ-22, ભાગ-23, ભાગ-24 વાંચવાનો બાકી હોય તેઓ જે તે ભાગ બાકી હોય તેના પર ક્લિક કરે.

કલાક પછી વી કે શેઠ નીચે આવ્યાં અને જમવાના ટેબલ પર સહુ ગોઠવાયા. ઘનશ્યામ પરબતની એક બાજુ વીકે
શેઠ અને એક બાજુ આર ડી ઝાલા હતા પછી ક્રમશઃ પી આઈ દવે, નીપા , લતા કુરેશી અને પરમાર હતા!! જમવામાં દેશી જ બનાવ્યું હતું જુવારના રોટલા અને રીંગણ ટમેટાનો ઓળો સાથે માખણ અન ભરેલા મરચા હતા. બહુ સારી રીતે જમ્યા હતા પછી થોડીક આડા અવળી વાતો કરીને સહુ સહુ પોતપોતાની કુટિરમાં જતા રહ્યા ફક્ત વીકે શેઠ અને ઘનશ્યામ પરબત બને જણા સ્વીમીંગ પુલ પાસે ઉભા રહ્યા હતા. ઘનશ્યામ પરબત બોલ્યા.
“શેઠ શેઠાણી જમ્યા કે નહિ??” મોના માટે શેઠાણીનું સંબોધન વી કે શેઠને ખુબજ ગમ્યું. વીકે શેઠના ચહેરા પર સ્મિત
આવ્યું અને એ બોલ્યાં.

“હું ઉપર હતો ત્યારે જ એની થાળી બીજા દરવાજેથી અંદર આવી ગઈ હતી. એણે જમી લીધું પછી જ હું નીચે આવ્યો છું. હવે આપણે કદાચ બહુ મોડા મળીશું. તારી સજા જેટલી ઓછી થાય એટલી ઓછી કરાવીશ. પણ એ બધું હું આડકતરી રીતે કરીશ. હવે હું કાલે સવારે જ નીકળી જઈશ મુંબઈ જવા માટે. મોના લગભગ પંદર દિવસ અહી રોકાશે. આ સુટકેસ મારી પાસેથી લુંટવાની વાત હકા ભીખાને કોણે કરી એ જાણવામાં એને રસ છે. મેં તો એને હમણા જ કહી દીધું કે આપણું કામ પતી ગયું છે, જે જોઈતું હતું એ મળી ગયું છે પછી ખોટી માથાકુટ શા માટે કરે છે.પણ મોના એની વાતમાં અડગ છે. એક વખત હું એને ના પાડું કોઈ પણ કામની પણ તોય જો એ કામ માટે વળગી રહે તો પછી હું એને બીજા વાર ના નથી પાડતો. આટલા વરસોના સહવાસ પછી હું પણ એને હજુ પૂરો સમજી શક્યો નથી. એનું મગજ તેજ ગતીએથી દોડે છે પણ એક જ વાતની તકલીફ છે એક વખત સળગતું લાકડું એ હાથમાં લે પછી એ કોઈ કાળે મુકતી નથી. ભૂતકાળમાં ઘણાં કામ એણે આવી રીતે જીદ કરીને કર્યા છે અને એમાં એને સફળતા મળી છે. એ સફળતાએ જ મને પૈસા વાળો બનાવ્યો છે. મોના મારા માટે શારીરિક તૃપ્તિ તો લાવે જ છે સાથોસાથ ધંધા અને કારોબારમાં પણ અનેકગણો નફો કરાવી આપે છે. આટલું કરવા છતાં એને કોઈ જ જાતનું ચોક્કસ સ્થાન જોઈતું નથી. બીજી હોય તો એના નખરા વધી જાય. મારી તમામ સંપતિમાં આજ સુધી એણે કદી પણ કોઈ હિસ્સો માંગ્યો નથી એના કુટુંબ અને એના ભાઈઓ માટે હું આપું એ રકમ એ લઇ લે પણ પોતાના પર્સનલ જીવન માટે કોઈ પણ રકમ એણે માંગી નથી કે નથી કદી કોઈ વિશ્વાસઘાત કર્યો. એ ધારે તો મારા જેવું આખું સામ્રાજ્ય બનાવી શકે છે. પણ એવી કોઈ એષણા એના મનમાં કયારેય આવી નથી”

Image Source

“અમુક સંબંધો જન્મોજનમથી ચાલ્યા આવતા હોય છે શેઠ એ નિભાવવા જ પડે.” ઘનશ્યામ પરબત બોલ્યો.
“સાચી વાત છે તારી.. વિશ્વાસવાળા સંબંધો ઉપરથી જ નિર્માણ થતાં હોય છે. ચાલ હવે તને ફરી એક વખત એકની એક વાત કહી દઉં. પછી આપણે છુટા પડીએ.. મોના વિષે તારે ક્યારેય પણ કોઈની આગળ એક પણ શબ્દ નથી બોલવાનો. વાદળી સુટકેશમાં છું હતું એ વિષે આર ડી ઝાલા પૂછે કે દવે તારે એક પણ શબ્દ નથી બોલવાનો. તને આપવાની રકમ કરતા વધારે રકમ મોના તારા ઘરે પહોંચાડી દેશે. તારા માતા પિતા આગળ મોના મારી પત્ની તરીકે જઈ આવી છે અને હજુ પણ જશે. તારા ગામ વિષેની અને તારા ભૂતકાળ વિશેની તમામ માહિતી મોનાએ એકઠી કરી લીધી છે. આ બધી માહિતીનું એના મનમાં વર્ગીકરણ થાય પછી એ નિર્ણય લે છે. જ્યારે મને આર ડી ઝાલા સાહેબનો ફોન આવ્યો કે હકા ભીખા પાસેથી વાત કઢાવવા માટે એક યોગ્ય કેદી જેલમાં આવ્યો છે એટલે તરત જ એ વિગતો મેં મોનાને પહોંચાડી દીધી છે. મોનાએ તારા વિષે ઝીણવટભરી માહિતી એકઠી કરીને માનસિક રીતે તારો તાગ મેળવી લીધો હતો અને આ યોજનાને આખરી ઝંડી આપતી હતી. મોના તારી ઘરે રકમ આપવા જશે ત્યારે એક સીલબંધ કવર હશે. એ કવર વિષે મોના જરૂરી સૂચનાઓ તારા માતા પિતાને આપશે. તું જેલમાંથી છૂટેને ત્યારે એ કવરમાં આપેલી વિગતો પ્રમાણે મુંબઈમાં મારો સંપર્ક સાધી શકે છે. માની લે કે એ વખતે હું દુનિયામાં ન પણ હોવ તો તારે મોનાનો સંપર્ક કરવાનો છે કઈ જગ્યાએ તને મોના મળશે એ વિગતો તને એ કવરમાં મળશે. તારા માટે અમુક રકમ હું રીઝર્વ રાખતો જવાનો છું, ટૂંકમાં જેલમાંથી છૂટ્યા પછી તારે પહેલું કામ એ કવરને અનુસરવાનું છે. આ વાત તારે કોઈને પણ કરવાની નથી. ચાલ હવે સુઈ જઈએ જીવનમાં બહુ ઓછા માણસો મને તારા જેવા મળ્યા છે બોલ તારી હજુ પણ કોઈ
ઈચ્છા હોય તો જણાવી દે!!કહીને વી કે શેઠ ઘનાને ભેટી પડ્યા. ઘનાને વીકે શેઠ પ્રત્યે એકદમ માન વધી ગયું હતું. ઘનશ્યામ પરબત બોલ્યો.

“ઘીના ઠામમાં ઘી પડી ગયું છે ત્યારે હું ઈચ્છું કે હવે હકા ભીખા પ્રત્યે તમને જે રાગ દ્રેષ હોય એ કાઢી નાંખો. એણે
આમ તો તમારું કશું બગાડ્યું નથી. પૈસા માટે એણે આ કામ કર્યું હશે એમ હું માનું છું અને એ ન્યાયે આપણે બધા પણ એક જાતના હકા ભીખા જ છીયેને. આપણે બધાએ પૈસા માટે જ આ કર્યું ને?? આ ઝાલા સાહેબથી લઈને કુરેશી સુધીના તમામ હકા ભીખા જ છીએ ધંધાકીય રીતે!! હવે હકા ભીખા છેક સુધી જીવવો જોઈએ સાહેબ આ મિશન સફળ થાય પછી હકા ભીખા માટે તમે અને ઝાલા સાહેબે જે વિચાર્યું હોય એ બધું મુલતવી રાખજો. સહુ સહુની જિંદગી સહુ જીવી લે એમાં જ મને શાંતિ દેખાય છે.અને આમેય એ હવે આપણને નડવાનો તો નથી જ હા એક વાત છે કે એની સજા પૂરી થઇ જાય અને એ છૂટે અને એને જાણ થાય કે સુટકેસ તો આ લોકો લઇ ગયા છે ત્યારે શું કરવું એ ત્યારની વાત છે પણ હાલ તો એ જીવે એમ જ જીવવા દો એવી મારી વિનંતી છે!!”

“વાહ હીરો વાહ ખરી કાઠીયાવાડી ખુમારી અને ખમીરાઈ!! વીકે શેઠ ઘનાને ફરીવાર ભેટી પડ્યા.
સવાર તો છ વાગ્યાની પડી ચુકી હતી પણ બધા જ નવ વાગ્યે ઉઠયા હતા. વીકે શેઠ નીકળવાની તૈયારીમાં હતા.
સહુને મળ્યા. વીકે શેઠ બોલ્યા.

“દવે આ ફીઆટ બસ સ્ટેન્ડ પાસે એક ભાવસારનો ડેલો છે ને ત્યાં મૂકી દેજે અને ચાવી બાજુમાં જ આવેલા
ફારુખ પંચરવાળાને ત્યાં આપી દેજે અને ફારુખને કહેજે કે શેઠની ગાડી ઠેકાણે પહોંચાડવાની છે એટલે એ એનું કામ સમજી જશે, અને ઝાલા સાહેબ હવે આ હીરોને તો કોઈ તકલીફ નહિ પડે એની ખાતરી મને તો છે જ પણ એક વધારાનું કામ સોંપું છું એના હકાકા ને પણ કોઈ તકલીફ ન પડે એવું જોજો. ઘનાની ઈચ્છા છે કે કામ પતી ગયું છે એટલે હકા ભીખાને બીજી જેલમાં ટ્રાન્સફર કરવાની જે યોજના હતી એ મુલતવી રાખવી. ટૂંકમાં જયારે ઘનો કહે કે કાકાને ફેરવો ત્યારે જ કાકાને ફેરવવાના છે. કાકાને રોજ થોડું થોડું પીવાનું મળે એની વ્યવસ્થા શરુ રાખજો. એ ,માટેની વ્યવસ્થા જેમ પહેલા થતી હતી એમ જ થશે. માલ તમારા ઘર સુધી પહોંચી જશે. વિશેષમાં તમને મેં મારા પર્સનલ નંબર અને એના પાસવર્ડ આપી જ દીધા છે ને એના પર મારો સંપર્ક કરજો પણ મહિના પછી બાકી હાલ તો હું કેન્યા જઈને મારા ધંધામાં ધ્યાન આપવા માંગુ છું.

Image Source

છેલ્લી વાર મળીને સહુ છુટા પડ્યા. જેલના રસ્તે ઘનાને જીપમાં બેસાડીને આર ડી ઝાલા અને કુરેશી નીકળ્યા હતા. રસ્તામાં ઘનાને હકા ભીખા આખી ઇન્ક્વાયરી કરે તો શું જવાબ દેવા એ સમજાવી રહ્યા હતા. વીકે શેઠની કોન્ટેસા કાર અમદાવાદના રસ્તે પુરપાટ જતી હતી. પી આઈ દવે એ નીપા , પરમાર અને લતા ને બસ સ્ટેન્ડ આગળ ઉતારીને કારને ભાવસારના ડેલા આગળ પાર્ક કરીને ચાવી ફારુખ પંચરવાળા ને આપી દીધી.

ઘનો જેલમાં આવી ગયો.પોતાના જેલના કપડા પહેરીને એ પોતાની જગ્યાએ ગયો ત્યાં હકા ભીખા ઓરડી પાસે આડો પડીને સુતો હતો. ઘનાને જોઇને એ બોલ્યો.
“ઘના સાવજ કે શિયાળ??
“કાઈ સમ જાણું નહિ કાકા આ સાવજ કે શિયાળમાં? ઘના એ જવાબ આપ્યો.
“ઉપલી કોર્ટમાં શું થયું?? વહેલા છૂટીશ કે પૂરી સજા ભોગવવાની એમ પૂછું છું” હકા ભીખાએ બેઠા થઈને પૂછ્યું.
“એ હજુ કઈ નક્કી નથી. જજ સાહેબે અમારી અરજી લઇ લીધી છે અને કેસની ફાઈલો મંગાવી લીધી છે પંદર દિવસ પછી એ મારા વકીલને જણાવશે કે અરજી માન્ય રાખી કે નહિ. જો માન્ય રહેશે તો આખો કેસ ફરીથી ચલાવીને પછી એ
રીવીઝન ચુકાદો સંભળાવશે. જે આવે ઈ મને કાઈ ફેર નો પડે જ્યાં સુધી તમારા જેવા કાકા છે ત્યાં સુધી અહી તો મારે ગોળના ગાડા છે ગોળના ગાડા. કરમમાં લખેલું ભોગવવું જ પડે કાકા!! ભગવાનને પણ ભોગવવું પડ્યું હતું તે આપણે વળી કયા વળી મોટા તીસમારખાના દીકરા છીએ” ઘનશ્યામ પરબત આર ડી ઝાલાએ જે શીખવ્યું હતું એ જ બોલતો હતો. આર ડી ઝાલાએ તો ઉપલી અદાલત કયા આવી આજુ બાજુ કેવા ઝાડવા છે. કેટલા માળ છે. કઈ જગ્યાએ ત્યાં જમવાનું છે રોડ પર. બે દિવસ શું કર્યું ક્યાં શું ખાધું એ તમામ વિગતો જણાવી હતી. આ બધું એટલા માટે કે હકા ભીખાને પાકે પાયે ખ્યાલ આવવો જોઈએ ઘનો ખરેખર ઉપલી અદાલતમાં ગયો હતો. કારણકે ઝાલા સાહેબને ગળા સુધી ખાતરી હતી કે એક વખત હકા ભીખા જાણી જાય કે સુટકેસ ગાયબ થઇ છે તો એને સહુથી પેલો શક તો ઘના પર જ પડવાનો પણ હકા ભીખા જ્યાં સુધી જેલમાં છે ત્યાં સુધી તો એને ગંધ સરખી પણ નથી આવવાની!!

“સારું ત્યારે તું બે દિવસ બહાર ફરી આવ્યોને બાકી અમારે તો કયારે બહારની તાજી હવા મળે એ નક્કી નહિ. જોકે
અહિયાં પણ કોટડી કરતાં સારું છે. ઝાલા સાબે કીધું એ પ્રમાણે ફૂલોનો ક્યારો બની ગયો છે હવે જે કામ સોંપે એ કરીશું અને જેલના રોટલા તોડીશું બીજું છું.” હકા ભીખાએ તીસ નંબરની બીડીનો એક મોટો અને છેલ્લો સટ માર્યો અને કહ્યું.
“હકાકા તમારા માટે આ બે પેકેટ લઇ આવ્યો છું. તાજ છાપ કાળી સિગારેટ હવે બે દિવસ આ ઠપકારો” કહીને
ઘનાએ બે તાજ છાપ સિગારેટના બે પેકેટ આપ્યા. હકા ભીખાએ તે લઈને બોલ્યો.
“આમ તો આ સિગારેટ સારી પણ એનો સ્વાદ ગળ્યો આવે છે કોણ જાણે તમાકુમાં ગોળ નાંખતા હોય કે ખાંડ પણ
તાજ ગળી બહુ લાગે. આનો એક કિસ્સો હમણા હમણા છાપામાં આવ્યો હતો. તાજ બીડી સળગાવીને એક મરદ મુછાળો બસમાં બેઠો હતો અને બસ શરુ થઇ. થોડી વારમાં બસમાં ચેકિંગ આવ્યું અને એ ચેકિંગવાળા એ મરદ મુછાળાને કહ્યું કે કાકા સિગારેટ બહાર નાંખી દો નહીતર દંડ ભરવો પડશે. એટલે પેલો કહે દંડ ભલે ભરવો પડે પણ આ જામેલી તાજ છે. અને જામેલી સિગારેટ પૂરી જ કરવાની જ હોય.. એ ધરાહાર ન માન્યો અને દંડ ભર્યો પણ આ સિગારેટ એણે પૂરી કરી આ કિસ્સો છાપામાં પણ આવ્યો અને પછી એવા વાવડ મળ્યા કે તાજ સિગારેટ વાળા એને શોધતા શોધતા ઘરે ગયા એનું સન્માન કર્યું અને આજીવન જેટલી તાજ સિગારેટ પીવી હોય એ મફત આપવાની ખાતરી આપી. આપણે તો વાતું સાંભળેલી સાચું ખોટું રામ જાણે.. ઘણીવાર બંધાણ પ્રસિદ્ધિ પણ અપાવે પણ મોટે ભાગે બંધાણ રોટલા પણ અજમાવે.. આવું છે ઘના આ સિગરેટનું” કહીને હકા ભીખા ફિક્કું હસ્યો.

સાંજ પડવા આવી હતી. એક કેદી આવીને બનેને જમવાનું દઈ ગયો .જમીને ઘનશ્યામ પરબત અને હકા
ભીખા આડા પડ્યા. થોડી વાર પછી હકા ભીખા બોલ્યો.
“ઘનશ્યામ તને પેરોલ પર રજા મળે. તારેને આર ડી ઝાલા સાહેબને ઘર જેવો મેળ થઇ ગયો છે એટલે ઝાલા
સાહેબ તને વધુમાં વધુ દસ દિવસની રજા અપાવી શકે. વગર પેરોલે પણ તને જવા દે..આ આપણી બને વચ્ચેની વાત છે એટલે કોઈને કહેતો નહિ.. પણ જો તને દિવાળી પર રજા મળે એમ હોય તો હું તને એક એવો રસ્તો ચીંધુ કે જેલમાંથી છૂટ્યા પછી તારી સાત પેઢી ખાઈને તો પણ ન ખૂટે એટલી અખૂટ અને દુર્લભ સંપતિ છે. વિશેષ કશું કરવાનું નથી. આંકડે મધ છે અને તે પણ માખીઓ વગરનું છે. હું તને માંડીને વાત કરીશ પણ પહેલા આવતી દિવાળી સુધીની રજા મંજુર કરવાના પ્રયત્નો કરી દે..ઝાલા સાહેબને અત્યારથી રીઝવવા માંડ તો કામ થઇ શકે એમ છે. અહીંથી એક વખત પેરોલ પર છૂટવાનું તારું ફાઈનલ થઇ જાય પછી હું તને માંડીને વાત કરીશ. આ કામ તારા સિવાય બીજું કોઈ કરી શકે એમ મને નથી લાગતું અને તારા જેવો વિશ્વાસુ માણસ મને બીજે ક્યાં મળવાનો છે. તનેય ઓળખું છું અને તારા બાપાને તો તારા જન્મ પહેલાનો ઓળખું છું. એટલે તું ભરોસા લાયક માણસ છે એમાં ના નહિ”

Image Source

“પણ કામ શું એ કહો એટલે ખબર પડે.. બાકી સંપતિનો મને મોહ નથી.. છે જીવનમાં ઘણું બધું. ગામડામાં નિરાંતે
રહી શકીએ એટલું તો છે જ. જમીન પણ છે અને પાણી પણ છે મારા બાપાનો એકનો એક દીકરો એટલે ભાયુભાગ પણ પડે એમ નથી.. એટલે બહુ લાલચમાં હું પડવા માંગતો નથી હકાકા” ઘનશ્યામ પરબતે પોતાના વિચારો રજુ કર્યા.

“વાત તો સાચી પણ સંપતિ એ સંપતિ છે.. એ હોય એટલે કોઈ કમીના ન રહે.. આ તાતા અને બિરલા વાળા પાસે શું
ઓછી સંપતિ છે?? તોય એ નવા નવા પ્લાન્ટ મારા બેટા નાંખ્યા જ કરે છે બાકી એની સાતસો પેઢી ખાય એટલું ભેગું થઇ ગયેલું છે.. વિચારો હમેશા ઊંચા રાખવા જોઈએ. પૈસો હોય એટલે પાવર આપોઆપ આવી જાય બાકી તો જેવી જેની વિચારસરણી.. આ તો તારી ઈચ્છા હોય તો અને જો કોઈ બીજી શંકા મનમાં હોય તો કાઢી નાંખજે. હું જે સંપતિની વાત કરું છું એ માટે કોઈના ખૂન ખરાબા નથી કરવાના કે કોઈના ઘરમાં કે ખેતરમાં ખાતર નથી પાડવાનું.. નથી કોઈ જાન લુંટવાની કે નથી કોઈ બેંક લુંટવાની. આ સંપતી જમીનમાં દટાયેલી છે એ લેવાની વાત છે.આપણો બેયનો પચાસ પચાસ ટકા ભાગ જો મંજુર હોય તો. તું પેરોલ પર જા અને દસ દિવસમાં કામ પતાવીને આવતો રહે ને જે મળે એ અત્યારે ભલે તારી પાસે રહે બાકી હું અને તું બે ય જેલમાંથી છૂટીએ પછી બધાય ધંધા મુકીને ખાલી બેસી બેસીને ખાઈએ એટલું મળી જાય એમ છે. તું તારા દેવચંદ શેઠ કરતા દસગણું મોટું હીરાનું ફેકટરૂ સુરતમાં કરી શકે એમ છો. તું અને વર્ષા જલસા કરી શકો એમ છો. હું અને દવલ પણ હવે કોઈ એક જગ્યાએ ઠરીઠામ થઇ જઈશું. બોલ્ય વિચાર કરી લે દિવાળી આડે હવે માત્ર દોઢ મહિનો બાકી રહ્યો છે.” હકા ભીખાએ બરાબરનું તીર ફેંક્યું હતું.

ઘનાએ આખી રાત વિચાર કર્યો. વીકે શેઠ અને મોનાને જોઇને એને વૈભવશાળી જિંદગીના સપના તો આવવાના
જ હતા પણ આ સપના જલ્દીથી પુરા થાય એની તક પણ સામે ચાલીને આવી રહી હતી. ઘનો વિચાર કરતો હતો કે માણસ પૈસા કમાવવા માટે ફોરેન જાય.. બીજા રાજ્યોમાં જાય અને બે પાંદડે થાય જયારે પોતે તો જેલમાં આવ્યો ત્યારથી જ સંપતિ આવી રહી હતી. વીકે શેઠને કારણે એને ન ધારેલ પૈસા મળી ગયા હતા.અને જેલમાંથી છુટ્યા પછી પણ એને કમાવવા માટે કોઈ વિશેષ પ્રયત્નો કરવા તેમ નહોતા છતાં પણ ઘનશ્યામના મનમાં લાલચ જાગી ચુકી હતી. જમીનમાં સંઘરાયેલી સંપતિ તો એમને એમ મળી જતી હોય તો જવા શું કામ દેવી. જોકે હકા ભીખાએ એને બીજી કોઈ વાત નહોતી કરી પણ હકા ભીખાની કોઈ વાત ખોટી ન હોય એમ તો એ માનતો જ હતો.

“વિચાર કરી લઉં થોડો સમય માટે પછી તમને કહું. આ જેલમાં આવીને એક ભૂલ તો થઇ જ ગઈ છે હવે બીજી
ભૂલ કરતા પહેલા વિચાર તો કરવો જ પડે ને હકાકા” ઘના એ વિચારવાનું કીધું એટલે હકા ભીખાને વિશ્વાસ બેસી ગયો હતો કે ટૂંક સમયમાં જ ઘનશ્યામ તૈયાર થઇ જશે.. માણસનો એને બહોળો અનુભવ હતો. જેને કામ ન જ કરવું હોય એ પહેલે ધડાકે જ ના પાડી દે પણ હું થોડો વિચાર કરી લઉં એનો મતલબ એમ કે એના મનમાં લાલચનું બીજ વવાઈ ગયું છે બસ એને કુંપળો ફૂટે એટલી જ વાર છે!!

હકા ભીખાએ પોતાનો ગાળિયો તૈયાર કરવાનું તો શરુ કરી જ દીધું હતું.પણ હજુ ઘણા કામ એને બાકી હતા. એ
ધીમે ધીમે એ બાબતમાં વિચારી રહ્યો હતો.એનું મગજ સતત વિચારમાં ગતિમાન હતું. આ કાર્યને પાર પાડવા માટે કા એ બહાર જોઈએ અથવા એનો વિશ્વાસુ માણસ બહાર જોઈએ. વળી જેલમાં પણ એને બે ત્રણ દિવસે કાર્ય બાબતના સમાચાર મળવા જોઈએ. જે આ જેલમાં શક્ય નહોતું. એક પાનનો ગલ્લો હતો એ પણ પોલીસે હટાવી દીધો હતો. જેલ એના માટે ખરા અર્થમાં બીજો ગ્રહ બની ચુકી હતી. રોજ એ નવા નવા વિચાર કરતો હતો કે અહીંથી બહાર કનેક્શન કઈ રીતે ગોઠવવું. દીવાલો એટલી ઉંચી હતી કે ત્યાંથી તો બહાર જઈ જ ન શકાય. મેઈન દરવાજે આવેલ જેલકરમી એકદમ સીધા હતા. નવા આવેલ કુરેશી અને ગામીત તો બસો ટકા હરિચંદ્રના દીકરા હતા. પણ તોય એનું મન સતત વિચાર કર્યા કરતુ હતું કે એવી કઈ નબળી કડી છે આ જેલની કે જ્યાંથી છટકી શકાય કે બહારની વ્યક્તિઓ સાથે કોન્ટેકમાં રહી શકાય!!

***
મોના બીજા જ દિવસે નવલગઢ ગઈ. ઘનશ્યામ પરબતના માતા પિતાને મળી અને તેને આપવાની રકમ આપી
દીધી, ઘનશ્યામ પરબત જેલમાં સલામત છે એમ પણ કીધું,પોતાની ઓળખ એને વીકે શેઠની કંપનીની મેનેજર છે એમ કહ્યું અને એક સીલબંધ કવર આપ્યું ચંપાબેન ને અને કહ્યું.

“ઘનશ્યામની સજા પૂરી થાય ત્યારે આ કવર એને આપજો. ત્યાં સિવાય આને ખોલવાનું પણ નથી. તમે હવે તમારા
દીકરાની જરા પણ ચિંતા ન કરશો અમારા શેઠ એની પર ખુબ જ ખુશ છે. જેમ બને એમ એની સજા ઓછી થાય એવા પ્રયત્નો કરજો છ છ મહીને હું અહિયાં આવિશ. મારી ઓળખાણ તમારે બીજા કોઈને આપવાની જરૂર નથી કે ગામમાં વીકે શેઠના વખાણ કરવાની પણ જરૂર નથી.કોઈ કદાચ ઘનશ્યામ વિષે પૂછે તો પણ તમારે એ જેલમાં છે એટલું જ કહેવાનું. ઘનશ્યામ વહેલા છૂટવાનો છે કે મુંબઈવાળા શેઠ એને મદદ કરે છે એ પણ તમારે કહેવાનું નથી આ બધી રકમ સાચવીને રાખજો અને તમે જે રીતે સાદાઈથી જીવો છો એમ જ જીવજો. તમે નહિ ભાળ્યું હોય એવું સુખ તમારા અને તમારા દીકરાના ભાગ્યમાં લખાયેલું છે” ચંપાબેન અને પરબતભાઈ આ સાંભળીને ગળગળા થઇ ગયા.

Image Source

મોના ત્યાંથી આવીને સીધી જિલ્લામથકે આવી. ત્યાંથી એ ફાર્મ હાઉસ પર જવાની હતી. વીકે શેઠે એના
માટે એક કારની વ્યવસ્થા ફાર્મહાઉસના માલિક અને વીકે શેઠના સંબંધી પાસે કરાવી હતી. મોના એ કાર લઈને ડ્રાઈવર સાથે જ નવલગઢ ગઈ હતી. જીલ્લા મથકે એણે ડ્રાઈવરને ઉતારી દીધો અને પોતાની કાર લઈને એ જેલ ની આજુબાજુ આંટો મારવા ગઈ. જેલની બહારના રસ્તે ખૂણા પર એક ચા ની દુકાન હતી ત્યાં એ અચાનક થંભી ગઈ એણે એક માણસ જોયો. જીન્સનું બેગી ટાઇપનું પેન્ટ!! વધી ગયેલી મોટી દાઢી અને શીતળાના ચાંઠા વાળો માણસ એનો જાણીતો લાગ્યો. એણે કાર થોભાવી ચાની દુકાનેથી એણે પારલેનું પડીકું લીધું. એણે એ માણસને નીરખીને આડી નજરે જોયો. જાણીતી ચહેરો હતો માથે ટોપી પહેરી હોવાથી એનું કપાળ ઢંકાયેલું હતું. પેલા માણસે ઉંચે જોયું અને કપાળ પર ટાંકા ના નિશાન જોયા અને મોના એને ઓળખી ગઈ અને મનોમન બોલી..

“આ તો ડિસોઝા લાગે છે દેવેન્દ્ર ડિસોઝા યાની કી ડીડી!!” આ નપાવટ અહિયાં શું કરતો હશે. ડીસોઝાની
બાજુમાં એક મોટો કાળો થેલો હતો એમાં અમુક કેટલાક દોરેલા ચાર્ટ પણ હતા. થોડી વાર પછી ડિસોઝા ઉભો થયો ચા પીધી હશે એના પૈસા આપ્યા.અને જેલના રસ્તે આગળ જઈને પોતાના થેલામાંથી લાકડાની ત્રણ પગવાળી નાનકડી ફોલ્ડીંગ ઘોડી કાઢી અને એની પર એક બોર્ડ લગાવ્યું , એની પર એક સફેદ કાર્ડ પેપર લગાવીને પછી ખિસ્સામાંથી એક નાનકડું ચપ્પુ કાઢ્યું અને બીજા ખિસ્સામાથી પેન્સિલ કાઢી અને પેન્સિલ છોલીને અણી કાઢી અને કાર્ડ બોર્ડ પર જેલના ચિત્ર દોરવા લાગ્યો. એ મોનાને ઓળખતો નહોતો પણ મોના એને ઓળખી ગઈ હતી એ ડિસોઝા જ હતો. મોનાએ ત્યાંથી કાર આગળ જવા દીધી. ખૂણા પર એક વળાંક આવતો હતો ત્યાં કાર આગળ પાર્ક કરી રસ્તાની એક સાઈડ અને પછી એક વીજળીના થાંભલાની આગળ સંતાઈને ઉભી રહી ગઈ. આ ડીસોઝા ચિત્ર દોરીને કયા જાય છે એને એમાં રસ હતો.

કલાક પછી ડિસોઝા એ પોતાના ચાર્ટ પેપર થેલામાં નાંખ્યા અને. પાટિયું ને ફોલ્ડીંગ ત્રણ પગવાળી ઘોડી સંકેલીને
મેઈન રસ્તા પર ચાલવા લાગ્યો. મોના પોતાની કાર એ તરફ વાળીને થોડા અંતરેથી એનો પીછો કરી રહી હતી પછી એણે સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રની એક શાખા પાસેના લીંબડા ના ઝાડ નીચે ગાડી પાર્ક કરી. અને ચાલતા ચાલતા જ એણે ડીસોઝાનો પીચો કર્યો. ડિસોઝા પોસ્ટ ઓફીસના રસ્તા બાજુ વળ્યો અને સામે આવેલ એક નાનકડી બિલ્ડીંગમાં ગયો. ત્યાં એક બોર્ડ હતું મોનાએ તે બોર્ડ વાંચ્યું તેની પર લખેલું હતું.

“મહાકાળી ગેસ્ટ હાઉસ”
રહેવા તથા જમવાની ઉત્તમ સગવડ

“હ.. તો આ રાસ્કલે અહિયાં પડાવ નાંખ્યો છે એમ!! મોના મનોમન બબડી. અને તરત જ મોનાએ ફાર્મ હાઉસવાળા સંબંધીને ત્યાંથી મુંબઈ વીકે શેઠને ફોન જોડ્યો. મોના મનમાં ખુશ હતી એને લાગતું હતું કે નક્કી વીકે શેઠની વાદળી
સુટકેશ ચોરવામાં આનો જ હાથ હોવો જોઈએ અને જો એ સાચું હોય તો પોતે જે શોધવા અહી આવી હતી એ શોધ પૂરી થશે અને ડીસોજાનો મોક્ષ એના હાથે થશે!!

*************ભાગ ઓગણીસ પૂર્ણ**************

ક્રમશ:
મિત્રો, જો તમે આ નવલકથાનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી કરીને અમને આ નવલકથાનો આગળનો ભાગ મુકવા માટે પ્રોત્સાહન મળી રહે અને આ નવલકથા માટેના રીવ્યુ પણ જરૂર આપજો, આગળ શું થવાનું તે જાણવા માટે રાહ જુઓ ભાગ 20ની, જલ્દી જ આવશે.
લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ”, શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ, મુ.પો ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.