મુકેશ સોજીત્રા લેખકની કલમે

“ગાળિયો” ભાગ – 18 – રેડવાઇનના નશામાં એને મોનાનું શરીર દેખાતું હતું અને પછી મોનાએ ફેંકેલ શસ્ત્ર અને તરફડીયા મારતો કરોળિયો – વાંચો રોમાંચક નવલકથા મુકેશ સોજીત્રાની કલમે

જે મિત્રોને ભાગ-1, ભાગ-2, ભાગ-3, ભાગ-4, ભાગ-5, ભાગ-6, ભાગ-7, ભાગ-8, ભાગ-9, ભાગ-10, ભાગ-11, ભાગ-12, ભાગ-13, ભાગ-14, ભાગ-15, ભાગ-16, ભાગ-17, ભાગ-18, ભાગ-19, ભાગ-20, ભાગ-21, ભાગ-22, ભાગ-23, ભાગ-24 વાંચવાનો બાકી હોય તેઓ જે તે ભાગ બાકી હોય તેના પર ક્લિક કરે.

કોન્ટેસા અને ફિઆટ પોતાના મુકામ તરફ પરત આવી રહી હતી. બને કારમાં બેઠેલાઓ ખુશનુમા વાતાવરણનો અહેસાસ કરી રહ્યા હતા. વાતાવરણ લગભગ મિજાજ પર અસર કરતુ નથી. પણ મનની સ્થિતિ સાનુકુળ હોય તો ગમે તેવું પ્રતિકુળ વાતાવરણ પણ સાનુકુળ બની જતું હોય છે.

સાંજના ચારેક વાગ્યે બધા ફાર્મ હાઉસ પર પહોંચ્યા. જઈને સહુ પ્રથમ ફ્રેશ થયા. પોતાના રૂટીન કપડા પહેરી લીધા. બધા હળવાફૂલ થઇ ગયા હતા અને સ્વીમીંગ પુલની ચારે બાજુ મુકવામાં આવેલી આરામ ખુરશી પર બેઠા હતા. વી કે શેઠે એના માણસોને સુચના આપી દીધી હતી એટલે બે માણસો શહેરમાં સાંજે જમવા માટેની વસ્તુઓ લેવા ગયા હતા. વી કે શેઠ આજની રાત યાદગાર બનાવવા માંગતા હતા. વી કે શેઠ પોતાની કોન્ટેસા પાસે ગયા પાછળની સીટના ચોર ખાનામાંથી રૂપિયાના કેટલાક બંડલો લઇ આવ્યા. જેટલા આ મિશનમાં જોડાયા હતા એને એની રકમ આપી દીધી. નક્કી કર્યા કરતા વધારે સહુને મળતું હતું કોઈને સવાલ કરવાનો કે દુઃખી થવાનો પ્રશ્ન જ નહોતો. વીકે શેઠ બોલ્યાં.

“ અહી સહુનો હું જાહેર આભાર માનું છું. તમારી સાથે મારો કાયમી સંબંધ છે. કોઈ પણ વસ્તુની જરૂર હોય તો મને કહેજો. હું તમને એક મારો પર્સનલ લેન્ડ લાઈન નંબર આપતો જઈશ. આમ તો મારો એ પ્રાઇવેટ લેન્ડ લાઈન નંબર છે એ હું કોઈને આપતો નથી પણ આ ઝાલા સાહેબ અને દવે સાહેબને હું એ નંબર આપતો જઈશ. એની પર એ મારો સંપર્ક સાધી શકશે. હું કદાચ ભારતમાં એ વખતે હાજર નહિ હોવ તો પણ મને આપનો સંદેશો મળી જશે. હા તમને તમારા કોડ વર્ડ આપવામાં આવશે. તમારું નામ જે ફોન ઉપાડશે એને આપી દઈશ. મારા આખા બિજનેસનો પથારો પથરાયેલો છે એમાં બહુ આંગળીના વેઢે ગણાય એટલા માણસોને જ આ નંબર આપેલો છે. વળી એ નંબર બહુ ખાનગીમાં લેવામાં આવ્યો છે. મારા કુટુંબના કોઈ સભ્યના નામે એ નંબર રજિસ્ટર થયેલ નથી. કારણ કે આપ તો પોલીસ ખાતામાં છો એટલે તમને ખબર જ હશે કે અમારા જેવાના નંબરો ખાનગી રીતે અથવા કાયદેસરની રીતે સરકાર ટેપ કરતી જ હોય છે. એટલે વ્હાઈટ ધંધાની ચર્ચાઓ અમે અમારા ઘરે જે ટેલિફોન આવેલા છે એની પર કરીએ છીએ. આ બધા નંબરો સાર્વજનિક છે. પણ આ એક નંબર પર મારા કાળા ધંધાઓ ચાલતા હોય છે. એ નંબરની જાણ સરકારને પણ નથી કે ટેલિફોન ખાતાને પણ નથી અને હવે તમે પણ એ બાબત ગોપનીય રાખશો.” વી કે શેઠે વાત પૂરી કરી એટલે આર ડી ઝાલાએ સૌજન્ય દાખવ્યું અને કહ્યું.

“ તમે અમને નિર્ધારિત કરેલ રકમ કરતા લગભગ દોઢી રકમ આપી પણ દીધી. પણ એ આપતા પહેલા તમે વાદળી સુટકેસ ખોલીને ચેક કરી લીધું છે ને કે એમાં એ વસ્તુઓ છે કે નહિ.”

“ એની કોઈ જ જરૂર નથી. સુટકેસ મારા વગર કોઈ ખોલી જ ન શકે. અને પાસ વર્ડ વગર ખોલે બીજી રીતે તો એ ધડાકાભેર સળગી ઉઠે છે અને અંદર રહેલ તમામ વસ્તુઓ સળગીને ક્ષણ વારમાં જ રાખ થઇ જાય. વળી પાણી કે અગ્નિ પણ આને નુકશાન ન કરી શકે એટલે સુટકેશ મળે એટલે એમાં બધું સલામત જ હોવાનું. એટલે એને હું નિરાંતે ચેક કરીશ. ચાલો તમે હવે લોકો ડ્રીંક શરુ કરો.જેમ સુરજ ઢળતો જાય એમ એમ આ પીણું પીવાની ખુબ જ મજા આવે. તમે લોકો ધીમે ધીમે એન્જોય કરો હું અને ઘનશ્યામ આ સુટકેસ લઈને મારી કુટિરમાં ચેક કરતા આવીએ.” કહીને વીકે શેઠ ઉભા થયા અને તરત જ ઘનશ્યામ પણ ઉભો થયો. આર ડી ઝાલાના પગ પાસે એક મોટું બોક્સ હતું એમાં બ્લેક ડોગ પ્રીમીયમ વ્હીસ્કીની ની મોટી બોટલ્સ હતી. પી આઈ દવે કાચના પ્યાલા લઇ આવ્યાં. રસોડામાંથી અને અગાઉથી ઘીમાં તળેલા કાજુઓ અને નાળીયેર પાણી છાંટી છાંટીને બનાવેલ ખારી શીંગ પણ તૈયાર જ હતી. આર ડી ઝાલા , પી આઈ દવે, નીપા પરમાર , કુરેશી સહુ પેગ ભરીને બેઠા હતા. જયારે લતા માટે ગોલ્ડ સ્પોટ કોલ્ડ ડ્રીન્કસની બોટલ હતી. લતા વાઈન વ્હીસ્કી કે બીયર લગભગ પીતી નહોતી. સહુએ ચીયર્સ કર્યું. અને ધીમે ધીમે કડવા કડવા ઘૂંટ ભરવા લાગ્યા હતા. જીભને કડવો લાગતો સ્વાદ હોજરીમાં જઈને મીઠો બની જતો હતો અને એના પ્રત્યાઘાતના તરંગો મગજમાં પહોંચીને મુડને એકદમ રીફ્રેશ કરી નાંખતા હતા.

વી કે શેઠ અને ઘનશ્યામ પરબત એક મોટી કુટિરમાં ગયા. કુટિરની અંદર એક વિશાળ સોફો હતો. સોફાની બાજુમાં એક લોખંડનું બારણું હતું. વીકે શેઠે બારણું ખોલ્યું અને ત્યાં એક સિસમમાંથી બનાવેલો દાદર ઉપરની તરફ જતો હતો. વીકે શેઠે કુટીરનો દરવાજો અંદરથી બંધ કર્યો અને દાદર વાળું બારણું પણ અંદરથી બંધ કરીને તે ઘનશ્યામ પરબતની સાથે દાદર ચડી ગયા. દાદર ગોળાકાર હતો ઉપરથી પ્રકાશ આવતો હતો. દાદર ચડીને ઘનશ્યામ પરબત ઉપર પહોંચ્યો તો એ છક થઇ ગયો ઉપર એક ગોળાકાર રૂમ હતો. ચારે બાજુ મલમલના કાપડથી મઢેલા એકદમ ત્રિકોણ આકારના સોફા હતા. રૂમની બરાબર વચ્ચે ગોળાકાર કિંગ સાઈઝના બેડ પર એક રેશમી વસ્ત્રોમાં સજ્જ થયેલી અત્યંત આકર્ષક અને લચીલી દેહ સૃષ્ટી ધરાવતી એક યુવતી બેઠી હતી. ઘનશ્યામ એને જોઇને ચમક્યો અને વીકે શેઠ હસીને બોલ્યા.

Image Source

“ મોના ડ્રીન્કસની તૈયારી કર.. અને તું ફ્રેશ થઈને આવ ત્યાં સુધીમાં હું આ હીરો સાથે ચર્ચા કરી લઉં. બાય ધ વે મોના આ ઘનશ્યામ જેને તું નામથી જાણે છે. મારી આખી ડૂબતી સંપતિ પાછી લાવવામાં આ યુવાનનો મોટો ફાળો છે” અને ઘનશ્યામ પરબત તો એકીટશે એની સામે જોઈ જ રહ્યો હતો અને મનમાં વિચારતો હતો કે ચાર પાંચ વરસુડીને ભાંગીને જાણે મોનાને ન બનાવી હોય. એકદમ સ્નિગ્ધ મુલાયમ ચામડી. ક્યાય સહેજ પણ કાળાશ નહિ. વસ્ત્રો પરિધાનને કારણે યુવતીઓ શોભતી હતી પણ અહિયાં તો મોનાની સુંદરતાને કારણે એના શરીર પરના વસ્ત્રો શોભી રહ્યા હતા. વસ્ત્રો એકદમ ટૂંકા હતા પણ આખા શરીર પર ક્યાય સળ પણ નહોતા. નખથી શીખા સુધી ભારોભાર સુંદરતા ભરી હતી. અફાટ સુંદરતાનો ઘૂઘવતો એટલે મોના!!

“ ક્યાં ખોવાઈ ગયો હીરો “ વીકે શેઠે ઘનશ્યામનો હાથ પકડીને સોફા પર બેસાડ્યો અને ઘનશ્યામ પરબત છોભીલો પડી ગયો. એને બોલવામાં સહેજ વાર લાગી પણ તોય બોલી ઉઠ્યો કે.

“ આમ તો મને આર ડી ઝાલા સાહેબે કીધું હતું કે આ ફાર્મ એમના એક સંબંધીનું છે. પણ તમે તો જાણે અહિયાં કાયમ રોકાતા હોવ એવી વ્યવસ્થા છે અને આ યુવતી મોના અહિયાં રહે છે?? કે પછી તમે લઇ આવ્યા છો. આપણે સવારે ગયા ત્યારે તો એ સાથે નહોતી આવી.” ઘનશ્યામ પરબત આવું બધું પૂછીને એ જે ઘૂરી ઘુરીને મોનાને જોતો હતો એ ચોરી છુપાવવા બોલતો હતો.

“ એ મોના છે. મારી ખાસ અંગત છે. મારો પડછાયો કહો તો પણ ચાલશે. ભારતમાં હું ગમે ત્યાં હોવ મોના મારી સાથે જ હોય. આમ તો એ સારા અને સાધારણ કુટુંબની છે. જેટલી સુંદર છે એના કરતા તીવ્ર બુદ્ધિશાળી છે. મારી એક ફેકટરી છે કલ્યાણમાં ત્યાનો એ વહીવટ સંભાળે છે. લગ્ન નથી કર્યા એણે. લગ્ન વગર એ મારી સાથે રહે છે. એક વખત વિમાનમાં જતી વખતે મને એ એર હોસ્ટેસ તરીકે પરિચય થયો હતો. બી એસ સી પૂરી કરીને એ સુંદર હતી એટલે એર હોસ્ટેસમાં પસંદ થઇ ગઈ હતી. એની ટ્રેઈનીંગનો પહેલો જ દિવસ હતો.અને મને એ વિમાનમાં જ મળી ગઈ. મારી આંખો એની સાથે ટકરાઈ ગઈ. હું નૈનીતાલ જતો હતો. દિલ્હી સુધીની ફ્લાઈટ હતી. દોઢ કલાકની ફલાઈટમાં અમારા હૈયા મળી ગયા અને મેં એને ઓફર કરી કે એર હોસ્ટેસ બનીને ઉડાઉડ કરવા કરતા મારી સાથે આવી જા પગારમાં કોરો ચેક આપું રકમ તારે લખવાની. કોણ જાણે મને પહેલી મુલાકાતમાં જ એના પર પૂરો ભરોસો બંધાઈ ગયો અને જયારે દિલ્હી પ્લેન લેન્ડ થયું ત્યારે હું એની સાથે પ્રેમમાં ટેઈક ઓફ થઇ ગયો હતો. એણે દિલ્હીમાં ઉતરીને સીધું જ રાજીનામું આપી દીધું. અને હોટેલમાં મારી સાથે રોકાઈ ગઈ. બસ ત્યારથી એ મારી સાથે છે. આમ તો એના માતા પિતા રત્નાગીરીમાં રહે છે. મરાઠી છે. પણ પછી તો મારી સાથે દુનિયા ફરી છે. એટલે લગભગ બધી જ ભાષાઓ આવડે છે. એ મારી સાથે જ અમદાવાદ પ્લેનમાં આવી હતી.અને ત્યાંથી મારા સબંધી ને ત્યાં એ રોકાઈ હતી.આપણે અહી આવ્યા પહેલા એ અહી આવી ગઈ. અને રહી આ જમીનની વાત તો આ બધું આમ તો મારા એ મિત્ર અને સંબંધીનું છે પણ એના તમામ પૈસા મેં રોકેલા છે. બધું જ મારા નામે નથી ઘણું બંધુ મારા સંબંધીના નામે છે. દુનીયાપારના દેશોમાં તમારે ધંધા ચલાવવા હોય તો કાયમ તમારે આવો સુંવાળો સહવાસ અને સથવારો જોઈએ બાકી આ બધા પૈસા અને સંપતિને શું ધોઈ પીવાની. તમારી પત્ની હોય એને સંતાનો હોય..અનેક જવાબદારીઓ હોય એ તમારી સાથે બધે ન આવી શકે એટલે ઘરના વહેવાર સાચવી લે છે અને મોના મારા તમામ તહેવારો સાચવી લે છે. અને ઘના મારે ત્રણસોને પાસઠ દિવસ રોજ તહેવાર હોય છે. બાકી એક મારી પત્ની અને એક આ મોના સિવાય આ વી કે શેઠ ક્યાય જતા નથી. મોનાના ભાઈઓને તમામને મેં વેલ સેટ કરી દીધાં છે.એમને પણ પુરતો સંતોષ અને બદલામાં મોના તરફથી મને પૂરો સંતોષ. અહી છે એવી મારીસંપતિ માથેરાનમાં છે. મહા બળેશ્વરમાં છે, દાર્જીલિંગમાં છે. નૈનીતાલમાં છે. ઉટીમાં પણ છે. બસ હું અને મોના ત્યાં સમયાન્તરે જતા રહીએ છીએ. અને હવે તો સુટકેસ મળી ગઈ છે એટલે તમામ સંપતિ એક જ જગ્યાએ ટ્રાન્સફર કરી દેવી છે. બસ પછી જે ધંધા છે એમાં જ ધ્યાન આપવું છે. વિશેષમાં જિંદગીનો છેલ્લો પડાવ ચાલી રહ્યો છે. એટલે કોઈ અબળખા હવે બાકી નથી” વીકે શેઠ બોલતા હતા અને ઘનશ્યામ પરબત સાંભળતો હતો એવામાં મોના રેડ વાઈનના ત્રણ ડ્રીન્કસના ગ્લાસ એક ટ્રેમાં લાવી. મોના ફ્રેશ થઈને આવી હતી. એકદમ કાળા સાટીનની બનેલી પારદર્શક નાઈટીમાં હિલોળે ચડેલું યૌવન ડોકાતું હતું. એકદમ વીકે શેઠની બાજુમાં બેસીને એણે બેય હાથથી વીકે શેઠનું મો પકડીને હળવું ચુંબન આપ્યું. અને પછી એક ગ્લાસ ઘનશ્યામને આપ્યો અને વીકે શેઠને અને એક ગ્લાસમાંથી એણે રેડ વાઈનનો ઘૂંટ ભર્યો.!! ઘનશ્યામ પરબત અને વીકે શેઠ મોના ને અનુસર્યા. પછી ઘનશ્યામ શેઠ ઉભા થયા. એક સોફાના નીચલા ખાના પર ત્રણ હળવા ટકોરા માર્યા અને તરત જ એક ખાનું સ્પ્રિંગની જેમ બહાર આવ્યું એમાં આજે જ લાવેલ વાદળી સુટકેસ હતી.

વાદળી સુટકેશ પોતાના ખોળામાં રાખીને વીકે શેઠે રેડ વાઈનનો બીજો ઘૂંટ ભર્યો અને બોલ્યા

“ઘના આનો પાસવર્ડ શું હશે તને કઈ આઈડિયા આવે છે “??

“ મને શું ખબર શેઠ મોટા માણસોના પાસવર્ડ પણ મોટા જ હોય છે” ઘનશ્યામ પરબતે મોનાની તરફ જોઇને બોલ્યો. મોના બીજા ત્રણ ગ્લાસમાં રેડ વાઈન ભરતી હતી અને જે રીતે અંગડાઈ લઈને પગની આંટી ચડાવીને માદક નજરે ઉભી હતી અને વાળની બે બે લટ બે ય બાજુથી આગળની સાઈડ પોતાના જ ઉભાર પર લટકતી હતી તેને જમણા હાથ વડે એ રમાડતી હતી અને ત્રાંસી નજરે એણે ઘનશ્યામ પરબતની સામે જોયું અને આંખ દ્વારા કાતિલ સ્મિત કર્યું.

Image Source

“ જયારે મેં આ સુટકેસ બનાવવાનો ઓર્ડર આપ્યો ત્યારે મને એના સ્પેશયલ સ્પેસીફીકેશન પૂછ્યા હતા ત્યારે મેં એને કહ્યું હતું કે એકદમ મજબુત અને સલામત મને આંકડાઓ બહુ યાદ નથી રહેતા આગળ નંબરની જે પેટર્ન મેળવવી પડે એ સાદી રાખશો. એ લોકોએ ઘણા વિચાર પછી મારા માટે એકદમ યુનિક કહી શકાય એવો પાસવર્ડ ફીટ કર્યો છે, આ સુટકેસમાં ૧૦૦ વરસ સુધી બંધ ન પડે એવી એક ઘડિયાળની રચના અંદર ફીટ કરેલ છે. અને દરરોજ રાત્રે ૧૨ વાગ્યે આ ઘડિયાળમાં પાસવર્ડ આપોઆપ ફરી જાય છે. આ સુટકેશનું આયુષ્ય પુરા સો વરસનું છે. સો વરસ થાય એટલે અંદર ચાલતી ઘડિયાળ બંધ થાય અને પછી સુટકેસ આપોઆપ સળગી ઉઠશે ધડાકા સાથે અથવા તો કોઈ એને યાંત્રિક ઓજારથી કાપે તો પણ એ સળગી ઉઠે એની તો તને ખબર જ છે ને” વીકે શેઠ સુટકેશ લઈને ઘનશ્યામને બધું જ સમજાવતા હતા. મોના આવી અને વીકે શેઠને એક પેગ આપ્યો. ઘનશ્યામને પણ એક પેગ આપ્યો. ઘનશ્યામને પેગ આપતી વખતે મોનાએ પોતાની આંગળીથી ઘનશ્યામના અંગુઠાને જાણી જોઇને સ્પર્શ કર્યો હતો એવું ઘનશ્યામને લાગ્યું.

“ એક તો તમે કહો છોકે તમને પાસવર્ડ યાદ નથી રહેતા. એટલે જ સ્વીસ બેન્કના તમામ ખાતાઓ ના નંબરો તમે આ સુટકેસમાં નાંખ્યા છે. વળી પાસપોર્ટ પણ આમાં છે. પણ એક પાસવર્ડ નથી યાદ રહેતો તો રોજ રાત્રે બદલાતો પાસવર્ડ તમને કઈ રીતે યાદ રહેતો હશે. કઈ સમજાતું નથી મને વીકે શેઠ આમાં તમારી આ સુટકેસ.. તમે પોતે અને હવે આ તમારી સેક્રેટરી મોના તમે બધાજ રહસ્યમય ચીજ વસ્તુઓ લાગો છો.” ઘનશ્યામને હવે રેડ વાઈનની અસર થવા લાગી હતી. વાઈનનો નશો ત્યારે જ ચડ્યો કહેવાય કે તમારામાં હિમ્મત આવે અને દુનિયાની દરેક વસ્તુઓ ખુબસુરત લાગે અને જે વસ્તુઓ પહેલેથી ખુબસુરત હોય એ મેળવવાની ઝંખના દિલમાં જાગી ઉઠે!!

“ અરે એ તો બહુ જ સિમ્પલ છે… આઠ આંકડાનો પાસવર્ડ બહુ સહેલાઇથી યાદ રહી જાય એમ છે.. આ સુટકેશનો પાસવર્ડ એ દરરોજની તારીખ છે.!! જો આજની તારીખ કઈ છે?? પંદરમી સપ્ટેમ્બર ઓગણીસમીસો નેવ્યાશી બરાબર તો આ સુટકેશ ઉપર આ આઠ ચકરડા છે જેમાં ૧થી ૦ સુધી દસ નંબરો લખેલા છે એ બધાય આ તારીખ પ્રમાણે મેળવવાના એટલે આઠ આંકડા થઇ જશે.. જો અ પહેલા ચકરડામાં ૧ રાખવાનો અને બીજામાં ૫ રાખવાનો અને ત્રીજા અને ચોથામાં ૦ અને ૯ એટલે એ થઇ ગયો મહિનો હવે વધ્યા વરસના ચાર ખાના તો એમાં વારાફરતી ૧ ૯ ૮ ૯ લખી નાંખો એટલે પાસવર્ડ સેટ થઇ ગયો અને જો આ બેય બાજુ લીલી લાઈટ થઇ એનો મતલબ કે પાસવર્ડ સેટ થઇ ગયો છે. બસ આ સુટકેસ જયારે ખોલવી હોય ત્યારે એ દિવસની તારીખ નાંખવાની કોઈ ઝંઝટ જ નહિ. રાત્રે બાર વાગ્યે સુટકેસમાં ફીટ કરેલ ઘડિયાળમાં તારીખ બદલે એટલે પાસવર્ડ પણ બદલાઈ જાય. હવે આ નીચે બેય બાજુ લાલ બટન જેવા સંકેત છે ને ત્યાં આંગળીઓ રાખો અને જો આ વાદળી સુટકેશ ખુલી ગઈ” વિકે શેઠ આટલું બોલ્યા અને ત્યાંજ સુટકેસ ખુલી ગઈ. મોના મસ્તીનું હસી અને ઘનશ્યામની આખો પહોળી થઇ ગઈ. વાદળી સુટકેસની અંદર બધી જ વસ્તુઓ દેખાતી હતી.

સુટકેશ ખુલી અને એમાંથી સહુ પ્રથમ વાદળી રંગનું ટી શર્ટ બહાર કાઢવામાં આવ્યું. ટીશર્ટમાં સ્વાહિલી ભાષામાં સ્વીસ બેન્કનો કોડ આખા ટી શર્ટમાં ચોક્કસ પેટર્ન પ્રમાણે ગોઠવાયેલો હતો. આ ટી શર્ટ મોનાએ લીધું અને એક ડાયરી લાવીને એમાં એ કશું નોંધવા લાગી. પછી ઓલોન્ગો ઓકાયોનો પાસપોર્ટ પણ બહાર કાઢ્યો વીકે શેઠે એ પાસ પોર્ટ ઘનશ્યામ પરબતને જોવા આપ્યો.પોતાના પાસ પોર્ટ વીકે શેઠના પિતાજીના બેય પાસપોર્ટ પણ એમાં હતા. જે વસ્તુઓ વીકે શેઠને જોઈતી હતી એ તમામ એને મળી ગઈ હતી. સુટકેસમાં બધું જ સલામત હતું. વીકે શેઠનો ચહેરો અને દિલ હવે બરાબર ઝૂમી ઉઠયું હતું એ સોફા પર લાંબા થયા અને આરામથી બેઠા અને મોના એની બાજુમાં આવીને એના માથા પાછળ બેસી ગઈ. અને એ સહેજ નમી એટલે એના આ વાળની આગળની બે લટો વીકે શેઠના ચહેરાની આગળ આવી ગઈ અને વીકે શેઠ એ બે લટને આરામથી રમાડતા રમાડતા બોલ્યા.

“ મોના તારી ઘરે બાકીના સાત લાખ તને જે દેવાના છે ને એ પહોંચાડી દેશે.. મોના તને અત્યારે ભલે આધુનિક લગતી હોય પણ એ કોઈ પણ વાતાવરણ અને કોઈ પણ ડ્રેસમાં ફીટ થઇ શકે છે.. મારી મોનામાં એ ગુણો ઠાંસી ઠાંસીને ભર્યા છે. આ બનાવ બન્યો છે ત્યારથી હું મોટે ભાગે મુંબઈ હોવ છું. અહી બધી જ જવાબદારી લગભગ મોના સંભાળે છે તેમ છતાં ઘનશ્યામ મોનાનો પરિચય આ ફાર્મ હાઉસ વાળા અને મારા સંબધી જેવા અંગત મિત્રોને જ છે.આ આર ડી ઝાલા અને પી આઈ દવે ને કોઈને પણ આ મોના વિષે ખબર નથી. અને હવે આજથી તને ખબર છે. જોકે મારા તમામ રહસ્યો મેં તને કહી જ દીધા છે. એ વાત તારા પેટમાંથી બહાર નહીં જાય એની મને ખાતરી છે. હકા ભીખાને આ સુટકેસ લાવવાનું કામ કોણે સોંપ્યું એ માણસ ને શોધવાની જવાબદારી આ મોનાએ સામે ચાલીને લીધી છે. એ ફૂટલો માણસ મારો સહુથી નજીકનો જ હોવાનો અને એને મોના પકડી પાડશે. તને ફક્ત આ સુંદરતા જ દેખાય છે ને પણ સુંદરતાની અંદર ભારોભાર નીડરતા અને તાકાત પણ છુપાયેલી છે. ચલ તને હું પરિચય કરાવું”

એમ કહીને કુટિરની ચારેબાજુ ગોળાકાર દીવાલ ઉપર વીકે શેઠ જોઈ રહ્યા અને પછી દીવાલની સહુથી ઉપર એક કરોળિયો જતો હતો અને ત્યાં આંગળી ચીંધીને વીકે શેઠ બોલ્યા.

“મોના પેલો કરોળિયો મોક્ષ માંગે છે” વીકે શેઠ આટલું બોલ્યા ત્યાતો એક પળના છઠા ભાગમાં જ મોનાનું ડોકું એક ઝટકા સાથે બાજુમાં વળ્યું એનો ડાબો હાથ એના હીપ્સ પર ગયો અને હીપ્સમાંથી બે ઇંચ લંબાઈ ધરાવતી એક ચાંદીની જેમ ચળકતી પટ્ટી મોનાના હાથમાં આવી અને મોનાએ ત્વરિત વેગથી એ પટ્ટી કરોળિયાના શરીર તરફ ફેંકી અને ઘનશ્યામનું મોઢું પહોળું જ રહી ગયું. મોનાનું નિશાન એકદમ પરફેકટ હતું. કરોળીયાના શરીરની બરાબર વચ્ચે એ ચમકતી પટ્ટી ખૂંચી ગઈ હતી.” અને વીકે શેઠ બોલ્યા.

Image Source

“ ટૂંકા વસ્ત્રોમાં પણ મોના આવા શસ્ત્રોથી સદાય સજ્જ હોય છે. એની સાથે દગો કરનારને એ પળવારમાં મોક્ષ કરી આપે છે. એણે પેહેરેલા ડ્રેસમાં ઘણી જગ્યાએ આવી ચમકતી પટ્ટીઓ છુપાવેલી હોય છે.મોના એકદમ પરફેકટ નિશાને બાજ છે. એનું નિશાન ક્યારેય ખાલી જતું નથી. મોનાએ ફેંકેલ પટ્ટી જે તે વ્યક્તિના શરીરને અડે કે તરત જ એનું મોત નક્કી છે. આ પટ્ટીઓ પણ વિશિષ્ઠ છે એનો કોઈ પણ છેડો ગમે ત્યારે કોઈની સાથે અથડાય ત્યારે એ છેડામાંથી તરત જ એક ટીપું સાઈનાઇડનું નીકળે છે અને એ પોટેશ્યમ સાઈનાઈડ માણસના શરીરમાં ભળે કે તરત જ માણસનો મોક્ષ થઇ જાય છે.. પોટેશ્યમ સાઈનાઈડ માટે કહેવાય છે કે ટચ એન્ડ ગો.. મુંબઈમાં રહીને મોનાએ કેટલાયને મોક્ષ અપાવી દિધો. માટે ઘનશ્યામ તને જે કહેવામાં આવ્યું છે એ તારે સિક્રેટ જ રાખવાનું. તને કદાચ આ મોનાની સુંદરતામાં રસ પડ્યો પણ હોય પણ મોનાની સુંદરતા ફક્ત મારા માટે જ છે.. મોનાની અંદર જે ઘાતકીપણું અને જંગલીપણું છે એ મારા દુશ્મનો માટે છે. મારે તો મોનાની સુંદરતા જ માણવાની છે. હા મોનાની એક કાકાની દીકરી છે એકદમ સુંદર છે તું જેલમાંથી છૂટીને આવે ને પછી મોના તને એનો પરિચય કરાવશે. નામ એનું પલ્લવી છે તારા જેટલી જ ઉમરની છે. તું છૂટીને આવ અને પછી તારે મારા બિજનેશ કદાચ જોડાવું હોય તો હું તને પલ્લવી સાથે મેળાપ કરાવી દઈશ અને મોના એના કાકાને સમજાવીને તારી સાથે પરણાવી પણ દે !! તને જે વાત ખાનગી રાખવાની કીધી છે એ ખાનગી જ રાખજે!! બસ હવે તું નીચે જા હું કલાક પછી આવું છું.. મોના જયારે જયારે કોઈનો શિકાર કરે છે ત્યારે એ સેલિબ્રેશન કરે છે. ભલે એણે આજે કરોળિયાનો શિકાર કર્યો પણ સેલિબ્રેશન તો બનતા હૈ !! શિકાર કોઈ દિવસ નાનો કે મોટો હોતો નથી.શિકાર એ શિકાર હોય છે!!” અને પછી તરત જ ઘનશ્યામના પગ દાદર તરફ વળ્યા અને વીકે શેઠને મોના વેલની જેમ વીંટળાઈ ગઈ હતી. નીચેનો દાદરનો દરવાજો બંધ કર્યો અને ઘનશ્યામ નીચે આવ્યો. આર ડી ઝાલા એન્ડ કંપની ગ્લાસ ઉપર ગ્લાસ ખાલી કર્યે જતી હતી. અને અવનવી વાતો કર્યે જતા હતા. ફક્ત એક લતા જ પુરા ભાનમાં હતી કારણકે એણે ડ્રીન્કસ નહોતું લીધું ફક્ત ગોલ્ડ સ્પોટ જ પીધું હતું. ઘનશ્યામ લતાની બાજુમાં જ બેઠો. પી આઈ દવે ની બાજુની ખુરશીમાં નીપા આવી ગઈ હતી. બધા આનદથી પોતાનું સેલિબ્રેશન કરી રહ્યા હતા.

“ ઝાલા સાહેબ વી કે શેઠ કલાકમાં આવશે એમ એણે કીધું છે” ઘનશ્યામે આટલું કહ્યું ત્યાં જ ઝાલા સાહેબ બોલી ઉઠ્યા.

“ કાઈ વાંધો નહિ હીરો કાઈ વાંધો નહિ. હજુ પેલા શહેરમાં ગયા છે એ આવ્યા પણ નથી અને આવ્યા પછી રાંધવામાં એકાદ કલાક તો જતી જ રહેશે. જમીને આ લોકો કદાચ રવાના થશે પણ આપણે તો સવારે વહેલા જ નીકળવાનું છે અહીંથી નિરાંતે અને હકા ભીખા તને પૂછે તો તારે એને શો જવાબ આપવાનો એ હું તને સવારે કહીશ જ્યારે તને શરાબનો નશો ઉંતરશેને ત્યારે પણ વીકે શેઠ એની કુટિરમાં ખુબ ભારે માયલી બોટલ્સ રાખતા લાગે છે નહિ”””

“ હા ખુબ જ ભારે માયલી બોટલ્સ વીકે શેઠ રાખે છે. તમે અડો ને તો તરત જ સળગી જાવ એવી બોટલ્સ પણ છે જેટલી સુંદર દેખાય બોટલ એટલી જ ખતરનાક છે “કહીને ઘનશ્યામ પરબત હસ્યો. રેડવાઇનના નશામાં એને મોનાનું શરીર દેખાતું હતું અને પછી મોનાએ ફેંકેલ શસ્ત્ર અને તરફડીયા મારતો કરોળિયો. ઘનશ્યામના દિમાગ પરથી મોના ખસવાનું નામ જ નહોતી લેતી..

*************ભાગ અઢાર પૂર્ણ**************

ક્રમશ:
મિત્રો, જો તમે આ નવલકથાનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી કરીને અમને આ નવલકથાનો આગળનો ભાગ મુકવા માટે પ્રોત્સાહન મળી રહે અને આ નવલકથા માટેના રીવ્યુ પણ જરૂર આપજો, આગળ શું થવાનું તે જાણવા માટે રાહ જુઓ ભાગ 19ની, જલ્દી જ આવશે.
લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ”, શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ, મુ.પો ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.