મુકેશ સોજીત્રા લેખકની કલમે

“ગાળિયો” ભાગ – 17 – વાહ હીરો વાહ બાકી બુદ્ધિ તો તારા બાપની હો, વાહ શું દિમાગ કામ કરે છે તારું! – વાંચો રોમાંચક નવલકથા મુકેશ સોજીત્રાની કલમે

જે મિત્રોને ભાગ-1, ભાગ-2, ભાગ-3, ભાગ-4, ભાગ-5, ભાગ-6, ભાગ-7, ભાગ-8, ભાગ-9, ભાગ-10, ભાગ-11, ભાગ-12, ભાગ-13, ભાગ-14, ભાગ-15, ભાગ-16, ભાગ-17, ભાગ-18, ભાગ-19, ભાગ-20, ભાગ-21, ભાગ-22, ભાગ-23, ભાગ-24 વાંચવાનો બાકી હોય તેઓ જે તે ભાગ બાકી હોય તેના પર ક્લિક કરે.

બીજે દિવસે સવારે પાંચ વાગ્યે આર ડી ઝાલા જાગ્યા અને ફટાફટ જેલ પર આવી પહોંચ્યા. ઘનશ્યામ પરબત દસ મીનીટમાં જ તૈયાર થઇ ગયો હતો. આર ડી ઝાલાએ પૂછ્યું.

“ કેમ છે હકાકા ને કાલે પેગ લીધા વગર ઊંઘ આવી હતી કે નહિ.. હું એ વ્યવસ્થા કરવાનું ભૂલી ગયો હતો પણ કઈ વાંધો નહિ આપણે પરત આવીએ પછી પાછુ શરુ કરીશું. અચાનક જ બધું બંધ કરીએ તો એને શંકા કુશંકા જાય એવું આપણે નથી કરવું. આપણા નસીબ જોર કરતા હશે તો આજે સફળતા મળી જ જશે.. શું કહે છે તારો આત્મા ખોંખારો ખાઈને કહે.”

“ આત્મા તો કહે છે કે આજે વીકે શેઠના જીવનનો સહુથી આનંદનો દિવસ હશે” ઘનશ્યામે આત્મ વિશ્વાસ થી કહ્યું અને ઝાલા સાહેબ મલકી ઉઠયા. આર ડી ઝાલા સાહેબની ઓફિસની બાજુમાં જ આવેલ ઓરડાની અંદર આવેલ એક બીજા ઓરડામાં ઘનશ્યામ પરબત ગયો. ત્યાં જેલના કપડા ઉતાર્યા અને આસમાની રંગના ચેક્સ શર્ટ સાથે એક જીન્સનું પેન્ટ પડ્યું હતું એ પહેરી લીધું. માથામાં બે ટીપા તેલ નાંખ્યું અને એજ કબાટમાં પડેલા કાળા રંગના ગોગલ્સ પહેરી લીધા. વધેલી દાઢી અને મૂછને કારણે એ હવે જુવાન જોધમાં થી એક આધેડ આદમી જેવો લાગતો હતો અને ઘનશ્યામે સીટી મારી અને ફટાફટ પાછલા બારણેથી નીકળ્યો અને ત્યાં ઉભેલી જીપમાં ગોઠવાઈ ગયો. જીપમાં આર ડી ઝાલાની સાથે કુરેશી પણ હતો અને ઝાલા સાહેબની જેમ પણ સાવ સાદા વેશમાં હતો. અને જીપ જેલનો રસ્તો વટાવીને મુખ્ય માર્ગ પર ચડી અને દસેક કિલોમીટર આગળ એક રસ્તો ફંટાતો હતો ત્યાં ઉભી રહી. દુરથી ધૂળની ડમરી ઉડતી હોય એમ લાગ્યું, સવાર પડી ચુક્યું હતું. કાચા માર્ગેથી બે કાર આવી એક કોન્ટેસા હતી અને એક ફિઆટ હતી. કોન્ટેસામાંથી ફાર્મ હાઉસનો ગુરખો ઉતર્યો અને આર ડી ઝાલાએ એને જીપની ચાવી આપી. ગુરખો એ જીપ લઈને ફાર્મ અ હાઉસ પર જતો રહ્યો. ઘનશ્યામ આર ડી ઝાલા અને કુરેશી કોન્ટેસામા બેઠા. ફિઆટમાં પી આઈ દવે , નીપા લતા અને પરમાર હતા!!

“ હીરો તું કુરેશી અને ઝાલા સાહેબ કોફી અને નાસ્તો કરી લો. ફાર્મ હાઉસ પર ગરમા ગરમ મેથીના થેપલા સાથે ગોળ કેરીનું અથાણું છે તમને મજા પડી જશે. આમ કહીને એણે આગળ પડેલું કોફીનું થર્મોસ અંબાવ્યું અને પીતળના ગરવામાંથી થેપલા કાઢીને આપ્યાં. ત્રણેય જણાએ નાસ્તો કરી લીધો ગાડી ચાલીશેક કિમી આગળ ગઈ હશે ત્યાં એક નાનકડી હોટેલ જેવું આવ્યું અને સહુ ઉભા રહ્યા.પછી પી આઈ દવેની ગાડી આગળ થઇ અને વીકે શેઠ એની કોન્ટેસા લઈને એને ફોલો કરવા લાગ્યા. રાજકારણની અને સમાજકારણની વાતો થવા લાગી કલાક પછી જીપ મેઈન રસ્તા પરથી નીચે ઉતરીને એક ખડકાળ ગાડા માર્ગ પર ચાલવા લાગી. બને કાર બહુ ધીમી ચાલતી હતી અને આમને આમ બીજી ત્રીસ મિનીટ જતી રહી હવે લીલોતરી વધતી જતી હતી અને બને બાજુ પર આવેલી ટેકરીઓ ખાસી મોટી થઇ ગઈ હતી.એકદમ જંગલ વિસ્તારમાં બને કાર પ્રવેશી રહી હતી અને પછી પી આઈ દવેની ફિઆટ ઉગમણા મોઢે ચાલવા લાગી. રસ્તો સુમસાન હતો. રસ્તામાં રડી ખડી બે ત્રણ રિક્ષાઓ મળી હતી.તેમાં લોકો બંડી અને ચોરણી પહેરીને હાથમાં ડાંગ લઈને માથે ફાળીયા બાંધીને જતા હતા. થોડી જ વારમાં ટેકરીઓ દૂર જતી રહી બને બાજુ નાના નાના ખેતરો આવવાના શરુ થઇ ગયા. રસ્તાની બેય બાજુએ ગાયો અને ભેંશો ચરતી હતી અને પછી વળી રસ્તો સાંકડો થયો અને અચાનક જ સામે ગામ દેખાયું અને ગામની પહેલા પાંચસો મીટર દૂર ખીજડાઓ દેખાયા. બધા ખીજડાની વચ્ચે એક મોટો ખીજડો દેખાયો અને એની બરાબર સામે જ એક મોટું મંદિર કહી શકાય તેવું ઘર દેખાયું. ગામના ત્રણ માણસો ખીજડા પાસે ઉભા હતા. જેમ જેમ ખીજડાઓ નજીક આવતા ગયા એમ ભવ્યતામાં વધારો થતો ગયો.

Image Source

બાર તેર ઘેઘુર ખીજડાઓથી જગ્યા એકદમ ભવ્ય લાગતી હતી. બને ગાડીઓ આવીને એક ખીજડાના ઝાડ નીચે રોકાઈ. ચારે બાજુ લગભગ શાંતિ હતી. થોડે દૂર છ છોકરાઓ બેટ દડે રમતા હતા બે ખીજડાના ઝાડ નીચે નાનકડી દુકાનો હતી એ થોડી દૂર હતી. જમણી બાજુ એક કૂવો હતો અને ત્યાં એક ડોલ અને મોટું ચિંચણ પડ્યું હતું. બધા નીચે ઉતર્યા અને આળસ ખંખેરી. નીપાએ લાલ સાડી અને વાદળી બ્લાઉઝ પહેર્યું હતું. ગળામાં એક નાનો એવો સોનાનો હાર હતો. લતાએ વાદળી સાડી અને સફેદ બ્લાઉઝ પહેર્યા હતા. આર ડી ઝાલાએ કાળા પેન્ટ પર સફેદ શર્ટ પહેર્યો હતો. વી કે શેઠ રેશમી સુરવાલ પાયજામો પહેર્યા હતા. બધા કોઈ શહેરના નબીરા હોય એમ લાગતું હતું. ઘનશ્યામ પરબત આજુબાજુ જોઈ રહ્યો. સહુથી મોટા ખીજડાના ઝાડથી લગભગ બસો મીટર દૂર એક પાકું મકાન હતું. એ વખતે ગામડામાં હજુ સ્લેબ ભરવાનું શરુ જ થયું હતું. એ સ્લેબ ભરેલ મકાન હતું એનો દરવાજો કથ્થાઈ રંગનો હતો મકાનની માથે ધજા લટકતી હતી. નક્કી એ જ દવલનું મકાન સહુએ અનુમાન બાંધ્યું. બધા મામાદેવના એ સહુથી મોટા ખીજડા પાસે આવી પહોંચ્યા. પાકા ઓટા થી ખીજડો નીચેથી ચણી લીધેલ હતો. ખીજડા ના થડીયા પાસે એક મોટો પથ્થર હતો એ સિંદૂર થી એકદમ લાલચોળ હતો. ત્યાં મકોડા અને કીડીઓની લાંબી લાઈનો હતી. બાજુમાં બીસ્ટોલ અને પેંડા ના પડીકા પડ્યા હતા.મોટાભાગના પેંડા ના પડીકા ખાલી હતા અમુક ભરેલા હતા. બાજુમાં નીચે એક મેલો ધોળા રંગનો અને એક લાલ રંગનો કુતરો હતો. બધા એ ખીજડા પાસે આવીને ઉભા રહ્યા અને દવલના મકાનની સામું જોઈ રહ્યા હતા.

જે છોકરાઓ ક્રિકેટ રમી રહ્યા હતા. તેમાંથી એક ઉંચો અને ફૂટડો છોકરો રમત પડતી મુકીને આવ્યો અને બોલ્યો.

“ માનતા પૂરી કરી નાંખો ત્યાં માતા આવી જશે..હજુ અર્ધો કલાક પછી માતા આવશે”

“શું નામ છે તારું?? ભણે છે કે નહિ??” આર ડી ઝાલાએ પૂછ્યું.

“ મારું નામ વિવેક છે. માતાનો છોકરો શું કહીને એ પેલા ઘર ની અંદર ગયો અને વળી પાછો ત્યાંથી નીકળીને એ બીજા છોકરા સાથે રમવા જતો રહ્યો. બધા ત્યાં બેઠા અને આજુબાજુનું નિરિક્ષણ કરવા લાગ્યા. પી આઈ દવે અને કુરેશી કારની અંદરથી થેલીઓ લાવ્યા અને એમાંથી પેંડા અને બીસટોલના પેકેટ કાઢ્યા અને મામા દેવ આગળ મુક્યા અને અગરબતી કરી. અને સહુ ત્યાં આગળ આવેલ બાંકડા પાસે બેઠા કે પેલા છોકરાઓ આવ્યા અને પેંડાનું એક પડીકુ લીધું અને બધાને એમાંથી એક એક પ્રસાદરૂપી પેંડો આપ્યો અને એક છોકરો બોલ્યો.

“ હવે માતા આવશે એટલે પેંડાનું એક પેકેટ પાછું આપશે એ તમે ઘરે લઇ જજો. અને આ બીસટોલ પ્રસાદી તરીકે પાછી નહિ લઇ જવાની. અહી પીવી હોય તો છૂટ છે બાકી જેટલી બીસટોલ હોય એ રાતના મામાદેવ આવીને પી જાય છે. સવારમાં તમને એક પણ બીસટોલ નહિ જોવા મળે કે એનું એક પણ ઠુંઠું નહિ જોવા મળે” બધા એની વાતો સાંભળતા હતા અને ઘનશ્યામ પરબત ચુપચાપ બધે જ જોઈ રહ્યો હતો. ખાસ તો એ ખીજડાને જોઈ રહ્યો હતો.

ખીજડાનું થડીયાનો ઘેરાવો પાંચેક મીટર તો હશે જ આવું ઝાડ એણે જીવનમાં ક્યારેય જોયું નહોતું. ખીજડા પર કાચા અને પાકા સાંગરા આવેલ હતા એને પાકા અને ગળચટા સાંગરા ખુબ જ ભાવતા હતા. નાનપણમાં શંભુ કેશવની ખારચીમાં ત્રણેક ખીજડા ના ઝાડ હતા અને ત્યાં એ સાંગરા ખાવા જતો હતો. ખીજડાનું થડ એકદમ ચમકીલું લાગતું હતું એના થડીયાની ચારે બાજુ એરડીયાનું તેલ લગાવેલ હોય એમ લાગ્યું. કદાચ કીડી અને મકોડા પેંડાની લાલચે અહી આવે અને ખીજડા પર ન ચડે એ હિસાબે આવું કર્યું હશે એમ ઘનશ્યામે માની લીધું. ખીજડાના થડીયામાં ઠેક ઠેકાણે પાવલી વીસ પૈસા અને દસ પૈસા ના સિક્કાઓ ખીલીઓ મારીને લગાવેલા હતા અને ખીજડાની જે ડાળીઓ જ્યાં જ્યાં નમી હતી ત્યાં લાલ પીળા અને કેસરી કાપડના ટુકડાઓ લગાવેલા હતા અને અમુક જગ્યાએ ધજા આકારના કપડાના કટકા પણ લટકતા હતા. ધજા આકારના કપડાના કટકાનો રંગ એકદમ સફેદ હતો.

અને થોડી જ વારમાં એક સ્ત્રી ત્યાં આવી. સહુ એને જોઈ જ રહ્યા. સફેદ સાડી અને સફેદ બ્લાઉઝમાં એ સ્ત્રી જાજરમાન લાગતી હતી. માથે લાંબો સેંથો પૂર્યો હતો. બેય આંખમાં સોયરો અને કાજલ લગાવ્યું હતું. માથામાં આડો એક સફેદ પટ્ટો હતો. ચાલીશેક આસપાસની એ સ્ત્રી હજુ ભરજોબનમાં હતી એમ આર ડી ઝાલા ને લાગ્યું. હાથમાં બેય બાજુ મોટી મોટી લીલી બંગડી પહેરી હતી.પગમાં ચાર ચાર તોલાના ઝાંઝર હતા અને ચાલતી વખતે એ ઝાંઝરની ઘૂઘરીઓ રણકતી હતી. એ જ દવલ હતી એ વિશે કોઈને તલ ભાર પણ શંકા નહોતી. એ સ્ત્રી આવીને મામા દેવના સ્થાનકે થોડી વાર આંખો મીંચીને ઉભી રહીને પછી એક પેકેટમાંથી બે ત્રણ પેંડા લીધા અને પડખે ભરેલ માટલામાંથી પાણી લઈને એક કુંડાળું કર્યું અને પેલા પેંડા એ કુંડાળામાં મુકીને પછી એ પેંડાનું પડીકું કુતરા આગળ મુક્યું અને સહુની નવાઈ વચ્ચે કુતરાઓ પેંડા ખાવા લાગ્યા. અને એ સ્ત્રી પલાંઠી વાળીને ત્યાં બેસી ગઈ એકદમ સીધી અને વેધક નજરે સહુને એ નીરખી રહી હતી. અને આર ડી ઝાલા બોલ્યા. બેય હાથે નમન કરીને

“માતા માનતા એ આવ્યા હતા. મામા દેવને માનતા તો પહોંચી ગઈ છે ને”

જવાબમાં પેલી સ્ત્રીએ હકારમાં ડોકું હલાવ્યું. અને વારફરતી સહુએ પચાસ પચાસ રૂપિયાની નોટ કાઢીને માતાને ચરણે ધરીને સહુ પગે લાગ્યા. દવલ તોય કશું જ ન બોલી સાવ નિર્લેપભાવે એ સહુ સામે તાકી રહી. બધા એને જોઈ રહ્યા હતા. પછી એ ઉભી થઇ અને એક પેંડાનું પડીકુ આર ડી ઝાલાને આપ્યું અને પોતાના મકાન બાજુ ચાલતી થઇ કે તરત જ પેલો ક્રિકેટ રમતો છોકરો વળી બેટ મુકીને આવ્યો દોડતો દોડતો. બધાયે મુકેલા પૈસા લઈને એ દવલની પાછળ પાછળ ગયો અને તરત જ પાછો આવ્યો અને બોલ્યો.

“ માતા એ ચા મૂકી છે એ પીને જ જો નિરાંતે બેસો હમણાં માતા ચા બનાવી દેશે” અને વળી પાછો એ છોકરા ભેગો રમવા જતો રહ્યો. ઘનશ્યામ પરબત ઉભો થયો ઘેઘુર ખીજડા નીચે ઉભો રહ્યો અને વળી એની ચારે બાજુ ચક્કર માર્યા અને વીકે શેઠ અને આર ડી ઝાલા ને એક બાજુ લઇ ગયો અને તેમને કશીક વાત કરી. આર ડી ઝાલા અને વી કે શેઠની આંખમાં ચમક આવી ગઈ હતી.

Image Source

થોડી વારમાં દવલ આવી એના હાથમાં ચાની કીટલી અને અડાળીઓ હતી. ઘનશ્યામ પરબત તેની પાસે ગયો અને ચાની કીટલી અને અડાળીઓ લીધી અને દવલ ના શરીરમાંથી રાત રાણી અને પારિજાતની ખુશ્બુનો અહેસાસ થયો અને તેને કાલ વાળી વાત યાદ આવી હકા ભીખા કહેતો હતો કે દવલ નાનપણથી જ પારિજાત અને રાતરાણીનું અતર બનાવતી અને એના શરીર પર માલીશ કરતી. ચા પીવાઈ ગઈ એટલામાં વળી પેલો છોકરો આવીને કીટલી અને અડાળી લઇ ગયો અને ઘરે મૂકી આવ્યો અને કથ્થાઈ દરવાજો અંદરથી બંધ થઇ ગયો.

વીકે શેઠ અને આર ડી ઝાલા બધાયને પેલા છોકરાઓ ક્રિકેટ રમતા હતા ત્યાં લઇ ગયો. એક માત્ર ઘનશ્યામ પરબત ખીજડાના ઝાડ પાસે રોકાયો. એ ખીજડાના ઝાડની પાછળ જતો રહ્યો અને ઉંચે જોઈ રહ્યો હતો. વીકે શેઠ અને બાકીના બધા દૂર ઉભા હતા અને ક્રિકેટ રમતા છોકરાને વચ્ચે બેસારીને વાતો કરી રહ્યા હતા. મામા દેવના ખીજડાની પાસે આગળથી કોઈ દેખાતું નહોતું પણ પાછળ ઘનશ્યામ છુપાયો હતો. ઘનશ્યામે ખીજડાના થડીયે હાથ લગાડ્યો એકદમ ચીકણું એનું થડિયું હતું, ઘનશ્યામની નજર બાજુમાં જ આવેલ કુવા અને ત્યાં કાંઠા પર પડેલું ડોલ સાથેનું સીંચણ જોયું એ તરત જ સિંચણ અને ડોલ લઇ આવ્યો અને એક ગાળિયો કરીને ડોલ સાથેનું સીંચણ ખીજડા ના થડીયા ઉપર જે મોટી ડાળી હતી ત્યાં ફેંક્યું. સીંચણ એ ડાળી ઉપરથી બીજી તરફ નીચે આવ્યું કે તરત એને ડોલ સાથે બીજો છેડો બાંધીને ઘનશ્યામે સીંચણ ખેંચીને જોયું. અને પછી દોરડાને ખેંચીને એના સહારે એ થડીયાની ઉપર ચડતો હતો. વીસેક ફૂટ એ ઉપર ચડતા ચડતા એના પગ ઘણી વાર લપટી જતા હતા પણ અંતે એ ત્યાં ત્યાં પહોંચ્યો જ્યાં એને પહોંચવું હતું. ખીજડાની ચાર ડાળિયો થડમાંથી ફૂટી હતી ત્યાં એક મોટા બાકોરા જેવું હતું અને એની પર લીલો પ્લાસ્ટીકનો કાગળ હતો અને એ કાગળ દૂર કર્યો કે તરત જ એને વાદળી સુટકેશ દેખાણી!!

પળ વારમાં એણે વાદળી સુટકેસ લઇ લીધી અને દોરડાના સહારે એણે પગની ચાર ઠેક લગાવીને સીધો જ નીચે ઉતરી ગયો. અને ફટાફટ દોરડું ડોલ સાથે છોડીને ડોલ અને સીંચણ એ કુવા પાસે મૂકી આવ્યો અને આ બાજુ તો પેલા બધા છોકરાને ઘેરીને બેઠા હતા. જે કામ માટે આટલું બધું આયોજન કર્યું હતું એ કામ ફક્ત પાંચ જ મીનીટમાં પતાવી નાંખ્યું હતું. અને પછી ઘનશ્યામ પરબતે હાથથી ઈશારો કર્યો અને સહુ ત્યાં આવી ગયા અને છોકરાઓ વળી ક્રિકેટ રમવા લાગ્યા. ઘનશ્યામ પરબતે ખીજડાના થડીયાની પાછળ રાખેલ સુટકેસ વીકે શેઠને બતાવીને ત્યાં જ વીકે શેઠ ઘનશ્યામને ભાવાવેશમાં આવીને ભેટી પડ્યા. આર ડી ઝાલા એ તરત જ પી આઈ દવે ને હુકમ કર્યો અને ફટાફટ કાર ચાલુ થઇ અને સહુ એમાં બેઠા કે કાર પુરપાટ ચાલી નીકળી. અર્ધો કિલોમીટર સુધી તો કોઈ કશું જ ન બોલ્યું પછી આર ડી ઝાલા બોલ્યા.

“ તને કેમ ખબર પડી ઘના કે ખીજડાની ડાળીઓ વચ્ચેના પોલાણમાં છેક થડીયા ઉપર જ સુટકેશ હશે”

“ હકા ભીખા એ આખા જીવનની વાત મને કહી દીધી એમાં એ નાનપણમાં એ સંસ્થામાંથી ભાગ્યાને ત્યારે સાથે જે રૂપિયા હતા એ એણે ઝાડવા માથે સંતાડેલા અને એ ઘણી વાર બોલતા કે આકાશ સંઘરે એને કોઈ જ જોઈ ન શકે. જમીનમાં સંઘરેલું તો તણાઈ જાય કોઈ લુંટી જાય પણ ઉપર સંઘરેલું કોઈની નજરે ન ચડે.. છેલ્લે જ્હોની વોકરની બે બોટલ જે તમે મને હકા ભીખા સાથે પાર્ટી કરવા આપી હતી અને વાત કઢાવવા આપી હતી એમાંથી એક બોટલ એ મશીનની ઓરડી છે ને કુવા પાસે ત્યાં લીમડા પર ચડીને એક ડાળીમાં સંતાડી આવ્યો હતો બોલો અને મને મનમાં પાકું થઇ ગયું કે નક્કી એ સુટકેશ દવલ જ્યાં રહે છે ત્યાં ખીજડાના મોટા ઝાડ પર જ હોવી જોઈએ વળી ખીજડાના એ કે ઝાડ ને ચીકણું તેલ કે એરડિયું લગાવેલ હતું એ એટલા માટે જ કે કે કોઈ એના પર ચડી ન શકે!! જ્યારે આ બધું મેં જોયું ત્યારે જ ખ્યાલ આવી ગયો હતો કે નક્કી ખીજડા પરના મામાદેવ જ સુટકેસની રક્ષા કરતા હશે. અને સુટકેશ સહીસલામત જ હશે. કારણકે કોઈ ટાઢ તડકો કે વરસાદ એને નુકશાન પહોંચાડી શકે એમ તો હતો નહિ.” ઘનશ્યામ પરબતે આટલું કહ્યું ત્યાં જ વી કે શેઠ બોલી ઉઠ્યા કે

“વાહ હીરો વાહ બાકી બુદ્ધિ તો તારા બાપની હો, વાહ શું દિમાગ કામ કરે છે તારું!! પણ માની લે કે ત્યાં કોઈ માણસો હતા નહિ પણ વધારે માણસો હોત તો તું શું કરત!!”?

“ તો સાથે આવેલ બેમાંથી એક લેડી કોન્સ્ટેબલ ને બેભાન કરવી પડત તમે જયા દૂર ગયા તાને ત્યાં.અચાનક જ એને નીચે પડી જવાનું અને બેભાન થઇ જવાનું નાટક કરવું પડત અને જેટલા લોકો ત્યાં હોય એ બધા ટોળે વળી જાત અને મને મોકળું મેદાન મળી જાત. ટૂંકમાં પરિસ્થિતિ એવી સર્જવાની હતી. મામા દેવના ખીજડા આગળ મને ફક્ત અને ફક્ત દસ મીનીટનું એકાંત મળવું જોઈએ વળી ખીજડાનો જે ઘેરાવો હતો એ ફાયદાકારક હતો હું પાછળથી ખીજડા પર ચડ્યો એ આગળ કોઈ થડીયા પાસે હોય તો પણ એને દેખાય નહિ.. માની લો કે એ પણ શકય ન બને તો રાત રોકાઈ જાત અને રાતે સુટકેસ લઇ લેત. અને એ રાત્રે પણ શક્ય ન બને અને રાત્રે પણ જો માણસો હોય તો પછી તમે જે પિસ્તોલ લાવ્યા હતા ને વીકે શેઠ એ કાઢીને ઉઘાડા છોગે બધા ભાળે એમ સુટકેશ લઈને ખીજડા પરથી ઉતરવાનું હતું એ નક્કી હતું પણ એ બધા વિકલ્પો હતા. મનમાં ધારેલ સંકલ્પો પુરા ન થાય તો એ વિકલ્પો હતા પણ પહેલા ધડાકે જ મેં મનમાં ધાર્યો હતો એ સંકલ્પ પૂરો થઇ ગયો એટલે વિકલ્પો બચી ગયા“

ઘનશ્યામ પરબતે આટલી વાત કરી ત્યાં જ આર ડી ઝાલા બોલ્યા.

Image Source

“ મેં પી આઈ દવેને કહ્યું હતું કે જયારે ઘનશ્યામ પરબતને જેલમાં લાવ્યા ત્યારે કે અહી આવનાર રીઢા ગુનેગારો સુધરી જાય એવું પણ બને અને અહી આવનારા સીધા માણસો રીઢા ગુનેગાર બની જાય એવું પણ પણ બને આ ઘનશ્યામ જેલમાં આવ્યો એને ચાર માસ પણ નથી થયા અને આ ચાર માસમાં એનું દિમાગ એટલું ફળદ્રુપ થઇ ગયું છે કે ન પૂછો વાત.”

“ સાહેબ ગમે તેવી ખારોપાટ કે બાવળિયા વાળી ઉજ્જડ જમીન હોય ખેડુંનો દીકરો એને બે હાથ લગાડે બે વરસ વાવે ત્યાં ફળદ્રુપ થઇ જતી હોય તો અમારું દિમાગ તો અમારી સાથે કાયમ હોય એ તો ફળદ્રુપ હોવાનું જ ને.. ખેડૂતનો દીકરો છું એટલે કા જમીન ફળદ્રુપ હોય અને કા દિમાગ ફળદ્રુપ હોય આ બેમાંથી એક તો હોવાનું.. જે ગામડામાં રહી ગયા એણે ખેતી સુધારી અને જે સુરત મુંબઈ અને અમદાવાદ ગયા એણે પોતાનું મગજ સુધાર્યું આ વીકે શેઠ અને એના બાપાનો જ દાખલો લ્યોને દિમાગ માણસને કયાંથી કયા સુધી પહોંચાડે છે!! કહેવાય છે કે સહુથી વધારે સ્પીડ અત્યારે વિમાનની છે. પણ એ વિમાન શોધ્યું તો એક દિમાગે જ ને તો સ્પીડ વધારે કોની થઇ!! દિમાગની જ ને “ ઘનશ્યામ પરબતનું આ નવું સ્વરૂપ જોઇને આર ડી ઝાલા વીકે શેઠ અને કુરેશી સહુ સ્તબ્ધ હતા.!! કાર ફૂલ સ્પીડમાં હવે ચાલતી હતી. વીકે શેઠના મનમાં ઉમંગ હતો. જે સુટકેશમાં એના જીવનભરની કમાણી હતી એ સુટકેશ એના હાથમાં આવી ગઈ હતી. એ સુટકેશમાં એની બેવડી લાઈફના પાસપોર્ટ હતા. સ્વીચ બેન્કના ખાતા નંબરો હતા. આખા જીવનની કમાણી હતી. જે અચાનક જ ખોવાઈ ગઈ હતી અને આજે ઘનશ્યામ પરબતના ફળદ્રુપ દિમાગે એ કમાઈ પાછી આવી રહી હતી. બને કારો વીકે શેઠના સંબંધીના ફાર્મ હાઉસ તરફ ઝડપભેર દોડી રહી હતી. બધાને ફાર્મ હાઉસ પર પહોંચવાની ઉતાવળ હતી. સહુ ખુશ હતા. આજની રાત્રે વીકે શેઠ સેલિબ્રેશન પાર્ટી આપવાના હતા. બધાંને ખુશ કરવાના હતા. ઘણા સમયથી આ લોકો મિશનમાં જોડાયેલા હતા. માનસિક ભાર હેઠળ હતા આજે એ ભારમાંથી મુક્તિ મળી હતી. સહુ રંગીન સપનામાં ખોવાયેલા હતા.!!

*************ભાગ સત્તર પૂર્ણ**************

ક્રમશ:
મિત્રો, જો તમે આ નવલકથાનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી કરીને અમને આ નવલકથાનો આગળનો ભાગ મુકવા માટે પ્રોત્સાહન મળી રહે અને આ નવલકથા માટેના રીવ્યુ પણ જરૂર આપજો, આગળ શું થવાનું તે જાણવા માટે રાહ જુઓ ભાગ 18ની, જલ્દી જ આવશે.
લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ”, શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ, મુ.પો ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.