મુકેશ સોજીત્રા લેખકની કલમે

“ગાળિયો” ભાગ – 16 – હકા ભીખાનું પ્લાનિંગ ધીમું હોય પણ એકદમ પરફેકટ હતું એમ એનો ભૂતકાળ સાક્ષી હતો – વાંચો રોમાંચક નવલકથા મુકેશ સોજીત્રાની કલમે

જે મિત્રોને ભાગ-1, ભાગ-2, ભાગ-3, ભાગ-4, ભાગ-5, ભાગ-6, ભાગ-7, ભાગ-8, ભાગ-9, ભાગ-10, ભાગ-11, ભાગ-12, ભાગ-13, ભાગ-14, ભાગ-15, ભાગ-16, ભાગ-17, ભાગ-18, ભાગ-19, ભાગ-20, ભાગ-21, ભાગ-22, ભાગ-23, ભાગ-24 વાંચવાનો બાકી હોય તેઓ જે તે ભાગ બાકી હોય તેના પર ક્લિક કરે.

“ આપણે છેલ્લા પડાવે પહોંચી ગયા છીએ. સફળતા હાથ વેંતમાં છે આપણે જરા જેટલી બેદરકારી દાખવવાની નથી બધું સમું સુતરું પાર ઉતરવું જોઈએ. કાલે સવારે આઠ વાગ્યે આપણે નીકળીશું. વીકે શેઠ એક કોન્ટેસા લઈને આવે છે ઉપરાંત બીજી એક ફિઆટની વ્યવસ્થા એ આપણને કરી દેશે. એક કારમાં હું વીકે શેઠ ઘનશ્યામ અને કુરેશી આટલા હઈશું. બીજી કારમાં તું નીપા અને પરમાર અને બીજી એક લેડી કોન્સ્ટેબલ! બસ આટલા વ્યક્તિ જ વધારે કોઈ નહિ” શિવાલયની નજીક આવેલ એક ડુંગરની ની કોતરમાં આર ડી ઝાલા પી આઈ દવેને સમજાવતા હતા.

“બરાબર છે બધા પરંપરાગત ગામઠી પોષાકમાં જ હશે. પરમાર નીપા અને બીજી કોન્સ્ટેબલ કે જે નીપાની જ બહેનપણી છે ને એ લતા એ બધાયને બધું જ સમજાવી દીધું છે . આ મિશન સફળ થાય કે નિષ્ફળ પણ એ લોકો એનું મો કાયમ માટે બંધ રાખશે. એમને એમની રકમ મળી જશે વીકે શેઠ તરફથી એક વખત આ કામ પૂરું થઈ જાય પછી કોઈએ વી કે શેઠ કે દવલ નો કે એ ખીજડા વાળા મામાદેવની જગ્યાનો સંપર્ક નથી કરવાનો એ ખાસ કહી દીધું છે.” પી આઈ દવે એ બધું વિગતવાર કીધું છે.

“ બરાબર અને બીજી વાત કે આપણને કોઈ જગ્યાએથી એ સુટકેસ માનો કે મળી જાય તો આપણે ફક્ત સુટકેસ જ લેવાની છે. કદાચ હકા ભીખાની ચોરીનો માલ પણ હોય સોનું કે ઝવેરાત પણ મળી આવે એને કોઈએ હાથ અડાડવાનો નથી એ ખાસ ખ્યાલ રહે. વધારે પડતી લાલચ કે લોભ કોઈ પણ કાર્યનો અંજામ બગાડે છે.. અને છેલ્લી અને ફાઈનલ વાત સુટકેસ મળી જાય એટલે આપણે વીકે શેઠને આપી દેવાની છે પણ એ સુટકેસમાં શું છે એ પૂછવાનું પણ નથી અને જાણવાનું પણ નથી. એ બાબત મેં મારા બનેવી સાબ સાથે પણ નથી થઇ કે વીકે શેઠને મેં પૂછ્યું પણ નથી. ઘણી વખત શું થાય કે આપણે રહ્યા પોલીસ એટલે જાણવાની તાલાવેલી જાગે કે એમાં એવી તે કઈ કીમતી વસ્તુ હશે કે વીકે શેઠ આમ પાણીની જેમ પૈસા વાપરી રહ્યા છે. મોટા અને ધનાઢ્ય માણસોના ધંધા અને રહસ્યો પણ ખુબ જ મોટા હોય છે આપણે કોઈએ એમાં પડવાનું નથી. અને હા ઘનશ્યામ પરબતને એણે બધું કદાચ કીધું હોય કે એ વાદળી સુટકેસમાં શું છે આપણે ઘનશ્યામને પણ નથી કહેવાનું. આપણું કામ પુરુ એટલે પછી પૂરું બરાબર “ આર ડી ઝાલા એ સીગારેટનો કશ લેતા લેતા કહ્યું.

“ ઘનશ્યામને તમે જેલમાંથી કઈ રીતે બહાર લાવશો?? હકા ભીખાને ખબર તો પડશેને જ ઘનશ્યામ કાલનો દિવસ બહાર કેમ ગયો હશે” પી આઈ દવે એ પોતાનો સંશય રજુ કર્યો.

“ એની વ્યવસ્થા થઇ ગઈ છે.. ઘનશ્યામ આજે રાતે હકા ભીખાને કહી દેશે કે એના વકીલે ઉપલી કોર્ટમાં આ ચુકાદા વિરુદ્ધ અરજી કરી છે એટલે કાલે એને કોર્ટમાં જવાનું છે. અને ઝાલા સાહેબને પણ કંઇક કામ છે એટલે એ ખુદ એને લઈને મોટી કોર્ટમાં જશે બાકી તો કુરેશી કે પઠાણ કે ગામીત ગમે એ જાય તો પણ ચાલે “ આર ડી ઝાલા એ કહ્યું.

“ ઓકે સાથે બીજા કોઈ હથિયાર લેવાના છે કે નહિ એ કહેજો. જો કે આમ તો આપણે ત્યાં કોઈ બબાલ કરવા નથી જતા.હું અને નીપા ત્યાં લગબગ ચાર કલાક રહ્યા છીએ. કોઈ વાંધો નથી આવે એમ પણ તેમ છતાં આજુબાજુના કોઈ માણસ એના સાગરીતો હોય અને છેલ્લે કશું એવું બને અને સ્વ રક્ષણ માટે સાથે કશું જ ન લાવ્યા હોય તો તકલીફ થાય એટલે પૂછું છું.” પી આઈ દવે એ પૂછ્યું.

“ બે ય ગાડીમાં બે પિસ્તોલ અને એક તમંચાની વ્યવસ્થા થઇ ગઈ છે. વીકે શેઠે એની વ્યવસ્થા કરી લીધી છે આપણે કશું જ કરવાનું નથી ચાલ અત્યારે આપણે શહેરના એક ફાર્મ હાઉસમાં બધાએ ભેગું થવાનું છે. વીકે શેઠના એક નજીકના ભાઈ બંધનું એ ફાર્મ હાઉસ છે. ત્યાં આપણા બધાનાપોશાક પણ આવી ગયા હશે. આખી રાત ત્યાં રહેવાનું છે. બધી જ વ્યવસ્થા ત્યાં છે. તારે જેટલા માણસોને લાવવાના છે એ બધાને ત્યાં આપણે સાથે રાખવાના છે. આવા પ્લાનીંગમાં છેલ્લી ઘડીએ કદાચ કોઈ ફેરફાર થાય એ માટે ટુકડીના તમામ સભ્યો એકી સાથે હોવા જોઈએ. એટલે કોઈ જ ગરબડ નહિ થાય. ફક્ત હું મારી ગાડી લઈને ઘનશ્યામને લઇ આવીશ જેલમાંથી અને એ પણ કોઈ જ રજીસ્ટરમાં નોંધ કર્યા વગર!! ચાલ હવે આપણે ફાર્મ હાઉસ પર જઈએ તું જોઈ લે પછી તું તારી સાથે આવનાર પરમાર નીપા અને લતાને લેતો આવ્ય. રાત્રે આઠેક વાગ્યે વી કે શેઠ પણ આવી જશે.” આર ડી ઝાલા બોલ્યાં અને બને પોતપોતાની કાર લઈને શહેરની બહાર લગભગ પંદર કિલોમીટર દૂર આવેલ એક ફાર્મ હાઉસમાં પહોંચી ગયા.

Image Source

બહારથી લોખંડનો એક જુનો પુરાણો ગેઇટ જ દેખાતો હતો. અને આંબાના થડીયા હતા. અંદર લગભગ અરધો કિલોમીટર ગાડીઓ ચાલી પછી અસલી ફાર્મ હાઉસ દેખાયું. ચીકુડી અને નીલગીરીના ઊંચા ઊંચા ઝાડવાની નીચે નાનકડો સ્વીમીંગ પુલ હતો. સ્વીમીંગ પુલની આજુ બાજુ દરિયાઈ રેતી હતી. બસ નાનકડા વીસેક દસેક કોટેજ હતા. બે ત્રણ મોરલાઓ ટહુકતા હતા. આ બધાનું ધ્યાન રાખવાવાળો એક ગુરખો હતો અને બાકીના ચાર સ્થાનિક માણસો હોય એમ લાગ્યું. સ્વીમીંગ પુલની બાજુમાં ઢાળેલ ચાર આરામ ખુરશીમાંથી બે ખુરશી પર પી આઈ દવે અને આર ડી ઝાલા બેઠા અને આજુબાજુનો નજારો જોઈ રહ્યા હતા. થોડી વાર થઇ ત્યાં ચા અને નાસ્તો આવ્યો. થોડો થોડો નાસ્તો ચાખ્યો અને ચાને ન્યાય આપીને આર ડી ઝાલા બોલ્યાં.

“દવે હવે તું જા આ તારી જીપ તું ઘરે મૂકી દેજે અને બરાબર સાત વાગ્યે લોહાણા મહાજન વાડી છે ને ત્યાં છેલ્લે એક પાનનો ગલ્લો છે ત્યાં એક કાળા રંગની ફિઆટ આવશે એ ભાઈ ગલ્લા પાસે આવશે પોતાના માટે પાન માંગશે અને તને પૂછશે. કે તમારે કેવું પાન ખાવું છે જવાબમાં તારે બંગલો કાશી દેશી રાજરત્ન કીમામ સાથે ડબલ પાઉડર એવું બોલવાનું છે. પછી એ ભાઈ તને ફિઆટની ચાવી આપી દેશે. તમારે બીજી કોઈ વાતચીત કે પરિચય નથી કેળવવાનો એ ફિઆટની વ્યવસ્થા વીકે શેઠે કરી છે.. તારે એ ભાઈને જવાબમાં શું કહેવાનું છે એ યાદ રાખજે બંગલો કાશી દેશી રાજરત્ન કીમામ સાથે ડબલ પાઉડર આટલું બોલીશ તો જ તને ફિઆટ મળશે” આર ડી ઝાલા બોલ્યા અને પી આઈ દવે એ વિદાય લીધી અને ઝાલા સાહેબે આંખો બંધ કરીને લંબાવ્યું.. વીકે શેઠને આવવવાની હજુ કલાક ઉપરની વાર હતી.

સાંજના સમયે પાંચેક વાગ્યે ઘનશ્યામ પરબત હકા ભીખા જેલની દીવાલની પાસે લાંબા લાંબા ક્યારા કર્યા હતા ત્યાં ગયો. કયારા હવે પુરા ઊંડા અને બરાબર પહોળા થઇ ગયા હતા એમાં હવે ફૂલ છોડ વાવવાના હતા. ત્યાં જઈને ઘનો બોલ્યો.

“ હકાકા કયા કયા છોડવા તમે વાવશો.. મને તો ગલ અને ગુલાબ ખુબ જ ગમે છે એ વાવશોને”

“ એ તો વાવીશ જ પણ રાતરાણી અને પારિજાત પણ મને ખુબ જ ગમે છે.. મને એટલે દવલને પણ ખુબ જ ગમતી રાતરાણી અને પારિજાત.. હું કટિયાને ત્યાં એક મહિનો રોકાયોને ત્યારે દિવસે તો ક્યાય આંટો મારવા ન જવાયને પછી હું અને દવલ ત્યાં એના ઘરની આસપાસ બાવળ અને બીજા ઘેઘુર ઝાડ હતા ત્યાં કલાક સુધી આંટા મારીને પગફેર કરતા હતા ત્યારે ત્યાં રાતરાણી અને પારિજાત ના થોડા છોડ હતા અને એની બહુ મસ્ત સુવાસ આવતી હતી. દવલને એ સુવાસ ખુબ જ ગમતી પછી તો અમે શું કરતા ખબર છે કે રાત્રે અંધારામાં પણ નીચે ખરી પડેલ રાતરાણી અને પારિજાતના ફૂલો ભેગા કરતા અને બીજે દિવસે તડકામાં સુકવી દેતા હતા. ઘણા બધા ફૂલ સુકાયા પછી અમે એક દિવસ એક મોટા તપેલામાં પાણી ભરીને એ તપેલા નીચે આગ પેટાવીને એ ફૂલો ઉકાળ્યા. ફૂલો બહુ ઉકળવા લાગ્યા એટલે એની પર છીબુ ઢાંકી દીધું અને પછી છીબા પર અંદર વરાળના જે ટીપા થઇ ગયા હોય એ અલગ છાલીયામાં કાઢી લીધું અને એ હતું ઓરીજનલ અત્તર. બસ એ અતર દવલ એના શરીર પર માલીશ કરતી અને એના કારણે એનું શરીર મઘમઘી ઉઠતું. દવલ નાનપણથી આવું કરતી એમ મને કહેલું. એ નાની હતી ત્યારે એની માતા આવી રીતે અતર બનાવતી અને એના શરીરને લગાવતી.. એક વાત કહું ઘના સ્ત્રીને તમારા શરીરના કોઈ ભાગ પર વધારે સ્નેહ હોય છે. દવલને મારી મૂછો ખુબ પસંદ પડતી.” વાત વાતમાં હકા ભીખા વળી પાછો દવલમય થઇ ગયો એની આંખોમાં એક અજબ ખુમારી અને ચમક હતી એ ઘનશ્યામ પરબત જોઈ રહ્યો હતો.

“ વાત સાચી હકા કા મારે પણ આવો જ અનુભવ છે વરસુડીને પણ મારા બે ય ગાલની સાવ નીચે આ સાવ આછું લાખું છે ને એ બહુ જ ગમતું. દુરથી તો એ કોઈને પણ ન દેખાય પણ સાવ નજીક આવેને તો દેખાય માણસ ને તલ હોય ચહેરા પર અથવા એકાદ લાખું પણ હોય મારે બેય સાઈડ એકસરખું ત્રિશુલ આકારનું લાખું છે. બસ વરસુડી સહુ પ્રથમ મને ત્યાં ચુંબન કરતી અને પંપાળ્યા કરતી અને કહેતી કે ભાગ્યશાળીને તલ હોય પણ વધારે ભાગ્યશાળી હોય એને બે ય બાજુ આવું સહેજ સહેજ લાખું હોય. બસ વરસુડી મારા લાખામાં ખોવાઈ જતી અને હું તેના યૌવન સાગરમાં ખોવાઈ જાતો. તમારી વાત સાચી છે હકાકા દરેક સ્ત્રીને કૈંક ને કૈંક એના મનના માણીગરમાં ગમતું જ હોય છે” ઘનશ્યામ પરબત પણ વર્ષામય થઇ ગયો હતો. અને હકા ભીખા ઘનશ્યામ પરબતનું બેય ગાલે સાવ નીચે આવેલ બે ય લાખાને ધારી ધારીને જોઈ રહ્યો હતો જાણે પહેલીવાર કેમ જોતો હોય!! જોકે એ જેલમાં ઘનશ્યામ પરબતને પેલી વાર મ્લ્યોને ત્યારે જ એણે એ બેય લાખા જોઈ લીધા હતા અને એટલે જ એ હરખાઈ ગયો હતો.!!

“ તારો જન્મ પૂનમે થયો હતોને.. મેં એવું સાંભળ્યું હતું કે પૂનમે જે વય્ક્તિ જન્મે અને ગાલ પર આવા લાખા હોય અને જન્મતી વખતે એ બાળક આડું આવ્યું હોય એને દેશી ભાષામાં લંઘો કહે છે અમારી બાજુ એ ખુબ ભાગ્યશાળી હોય છે” હકા ભીખાએ છેવટે પોતાના મનમાં સંતાડેલી વાત કહી જ દીધી.

Image Source

“ સાવ સાચી વાત છે.. હું પુનમના દિવસે જ જન્મેલો અને આડો જ આવેલો એટલે તો નવલગઢના જે લોકોને ટચકિયું થઇ જતું એ લોકો મારી પાસે આવતા અને હું દેશી નળિયાની ઠીકરીઓ એના શરીર પર મુકીને ઉપર પગ થી ચાલુ ને તરત જ સામેની વ્યક્તિનું ટચકયું મટી જતું હતું.” જેવું ઘનશ્યામ પરબત આવું બોલ્યો કે હકા ભીખાના બત્રીસ કોંઠે દીવા થયા અને એ ઘનાને ભેટી પડ્યો. ઘનો પણ મૂંઝવણમાં મુકાઈ ગયો કે કાકા ને આટલું હેત કેમ ઉભરાઈ ગયું.હવે આજની રાત છે કાલ તો એ ગાળિયો કરીને પેલી સુટકેસ લગભગ લઇ જ લેવાનો છે. પણ મારી આ ગાલની નીચે લાખાવાળી વાત સાંભળીને પુનમના દિવસે જન્મ થયેલો આ વાતો જાણીને હકા ભીખા આટલો આનંદમાં કેમ આવી ગયો એ સમજ ન પડી.

“ કાલે મારે આર ડી ઝાલા સાથે ઉપલી કોર્ટમાં જવાનું છે મારા વકીલે અને મારા હીરાના શેઠે ઉપલી કોર્ટમાં અરજી કરી છે કે મને જે સજા આપી છે એમાં ફેર વિચારણા કરો એટલે કોર્ટમાં જવું પડશે એટલે કાલે આખો દિવસ અને કદાચ હું અહી નહિ હોવ પણ હા હકા કાકા તમારા માટે સિગારેટ ખરીદતો આવીશ બહુ પીધી હવે તીસ નંબર.. મારા વકીલ અને શેઠને કહીશ કે ઝાલા સાહેબને સમજાવીને મને બીસટોલના ત્રણ ચાર પેકેટ લઇ જાવા દો. જોકે ઝાલા સાહેબ ના પાડે એવું લાગતું નથી. તમારે બીજું કાઈ મંગાવવું હોય તો કહી દેજો કદાચ મેળ પડે તો હું લેતો આવું” ઘનશ્યામ પરબતે મુદ્દાની વાત કરી જે એને આર ડી ઝાલાએ શીખવાડી હતી. ઝાલા સાહેબ એને વહેલી સવારે છ વાગ્યે જેલમાંથી લઇ જવાના હતા!!

“ બસ કશું જ નહિ.. જેલમાં છું હું મહેલમાં થોડો છું કે મારી કોઈ ઈચ્છા હોય ઘના.. આ તો તારા જેવી યુવાન સુવાણ મળી ગઈ છે એટલે બાકી અહી તો કંટાળો આવે કંટાળો જો કે હવે હું કંટાળાથી ટેવાઈ ગયો છું. જતો આવ્ય મોટી કોર્ટમાં અને હું તો ઈચ્છું કે તને જે સજા પડી છે ને એ સાવ ખોટી છે. તને નિર્દોષ છોડી મુકવો જોઈએ અથવા સજામાં સારો એવો ઘટાડો કરવો જોઈએ” હકા ભીખાના ચહેરા પર ઘનશ્યામને સ્નેહ છલકાતો દેખાતો હતો એના મનમાં થોડું દુખ પણ થયું કે હકા ભીખાએ એની પર વિશ્વાસ મુક્યોને એ એને દગો કરવા જઈ રહ્યો હતો. પણ એને પોતાનું ઉજળું ભવિષ્ય દેખાયું. પોતે જેલમાં આવ્યો પણ સારી એવી કમાણી કરી લીધી એ યાદ આવ્યું અને એમાં જો કાલ પેલી વાદળી સુટકેશ મેળવવામાં સફળતા મળી ગઈ તો વીકે શેઠ એને ન્યાલ કરી દેશે અને સજા પૂરી થાય પછી પણ વીકે શેઠ એને હીરાના ધંધામાં લઇ લેશે એવું વચન પણ એને યાદ આવી ગયું અને એ સોનેરી આશાઓ મનમાં ઉગી અને મનમાં જે વિશ્વાસઘાત નો રંજ હતો એ હવા ઉડી ગયો!!

****

બરાબર સાત વાગ્યે પી આઈ દવે લોહાણા મહાજન વાડી પાસે આવેલ એક પાનના ગલ્લા પાસે ઉભો રહી ગયો. હવામાં સહેજ અંધકાર સાથે ઠંડીની ઝલક હતી થોડીવારમાં એક કાળા રંગની ફિઆટ આવી અને રસ્તાની સાઈડમાં પાર્ક થઇ અને અંદરથી એક કર્લી વાળ વાળો સોહામણો યુવાન ઉતર્યો અને ગલ્લા પાસે આવ્યો અને કહ્યું.

“ બોસ એક ૩૦૦ નંબરનું પાન બનાવજો અને પી આઈ દવે સામે જોઈને બોલ્યો. તમે કેવું પાન ખાશો”??

“ બંગલો કાશી દેશી રાજરત્ન કીમામ સાથે ડબલ પાઉડર” પી આઈ દવે બોલ્યા કે તરત જ પેલા યુવાને ફિઆટની ચાવી હાથમાં મૂકી અને પોતાનું પાન લઈને રવાના થયો અને શેરીમાં અદ્રશ્ય થઇ ગયો. અને પી આઈ દવે એ ત્યાંથી ફિઆટ હંકારીને બસ સ્ટેન્ડ પાસે આવેલ મુખ્ય રોડની ડાબી બાજુએ હિંગળાજ પરોઠા હાઉસ પાસેથી પરમારને બેસાર્યો અને ત્યાંથી ફિઆટ આગળ ચાલી અને જમણી બાજુની સાંકડી ગલીના છેલ્લે ખૂણે એક નાનું બસ સ્ટોપ હતું ત્યાંથી એણે કોન્સ્ટેબલ નીપા અને લતાને બેસાડીને ફીઆટ જમણી બાજુના રસ્તે ચાલી થોડી વારમાં સર્વોદય સોસાયટી અને કલ્પતરુ સોસાયટી વટાવીને ફિઆટ ડુંગરાળ રસ્તે ચાલવા લાગી. ચારે બાજુ ગાઢ અંધારું છવાવા લાગ્યું હતું અને દસેક કિલોમીટર ચાલ્યા પછી ફિઆટ એક નાનકડા રસ્તા પર ચાલી અને થોડી જ વારમાં લોખંડના મોટા ગેઇટ આગળ આવીને ઉભી રહી.ગેઇટ પાસે જ આર ડી ઝાલા ઉભા હતા અને નેપાળી ગુરખા સાથે કશીક વાતચીત કરી રહ્યા હતા અને સિગારેટ પી રહ્યા હતા. ગેઇટ ખુલ્યોને કાર અંદર આવી અને ઉભી રહી આર ડી ઝાલા બોલ્યા.

Image Source

“ હું ચાલીને આવું છું તમે આગળ જાવ” ફિઆટ આગળ વધી ને તેની પાછળ આર ડી ઝાલા ચાલતા આવતા હતા.

રાત્રે સ્વીમીંગ પુલની ચારે કોર નાનકડા ફાનસ સળગતા હતા. દૂર મોટા ખૂણામાં બે પેટ્રોમેક્સ બતી સળગતી હતી. સ્વીમીંગ પુલની એક સાઈડમાં આરામ ખુરશી ઓ પથરાયેલી હતી. એક સાઈડ મોટું ટેબલ હતું તેની આસપાસ ખુરશીઓ હતી. વાતાવરણમાં ચામાચીડિયા ના અવાજો આવતા હતા. અને એક આરામ ખુરશી પર એકદમ લાઈટ બ્રાઉન કલરના નાઈટ ડ્રેસમાં વીકે શેઠ ચિરૂટ પીતા પીતા બેઠા હતા. ફિઆટમાં થી સહુ નીચે ઉતર્યા. વીકે શેઠે તેમને આવકાર્યા. વીકે શેઠના શરીરમાંથી વિદેશી સેન્ટની મદમસ્ત સુવાસ આવતી હતી. બધા બેઠા ત્યાં આર ડી ઝાલા આવી પહોંચ્યા. થોડી આડા અવળી વાતો થઇ અને વીકે શેઠે એક નોકરને હુકમ કર્યો અને તે એક શેમ્પેઇનની બોટલ લઇ આવ્યો અને સહુના ગ્લાસમાં વી કે શેઠે શેમ્પેઇન ભર્યું અને બધા જ સાથે ગ્લાસ ટકરાવીને ચીયર્સ કહીને પોતે એક ઘૂંટ ભર્યો અને બોલ્યા.

“ કાલે છેલ્લી ટ્રાય કરી લઈએ બીજું શું?? ભાગ્યમાં હશે તો મળી જશે મારે જે જોઈએ છે બાકી હવે તમને બધાને બહુ જોખમમાં મુકયા વધારે જોખમમાં નથી મુકવા.” કોઈ કશું જ બોલ્યા નહિ. નીપા માટે ડ્રીન્કસ કોમન વાત હતી પણ લતા માટે આ ભારે ડોઝ હતો એટલે એનું મોઢું થોડું કટાણું થઇ ગયેલું એ જોઇને વી કે શેઠ બોલ્યાં.

“ શેમ્પેઇન પીવાની પણ એક રીત છે.. શરુઆતમાં બહુ કડવું લાગે પણ એક કે બે ઘૂંટડા સીધા જ ગળે ઉતારી જાવાના અને પછી ત્રીજો ઘૂંટ ચીપી ચીપીને પીવો તો એનો ટેસ્ટ આવે અને નશો પણ ચડે!! મારી પત્ની પણ પહેલા નોતી પીતી પણ હવે તો એ માસ્ટર થઇ ગઈ છે. આપણે ભારતીય રહ્યા એટલે થોડોક સંકોચ થાય બાકી હું રશિયા ગયો હતો ત્યાં તમામ લોકો બીયર પીવે.અમુક હોટેલ્સમાં પાણી બીયર કરતા પણ મોંઘુ મળે બોલો. રશિયન લોકો અને ઓસ્ટ્રેલીયન લોકો બીયરના જબરા શોખીન અને મારા બેટા લાલ ટામેટા જેવા હોય એ વળી પાછી અલગ વાત” આ વાત સાંભળીને આર ડી ઝાલા બોલ્યા.

“ નીપા એને બધું જ શીખવાડી દેશે એટલે વાંધો નહિ આવે.” આ સાંભળીને લતાના ગાલ શરમથી લાલ થઇ ગયા. વી કે શેઠ બોલ્યા.

“ તમે જે પ્લાનિંગ કર્યું હોય એ પણ સુટકેશ મેળવવા માટે લોહી નથી વહાવવું એ ફાઈનલ છે. જોકે સામેથી હુમલો થાય અને નાછૂટકે આપણા તમામનો જીવ જોખમમાં આવી જાય તો આપણે એની વ્યવસ્થા કરી છે. પણ મારું મન કહે છે કે એ વસ્તુ ચોક્કસ મળી જશે.. બાય ધ વે આપણો હીરો ક્યારે આવવાનો છે”

“એને કાલ સાડા સાતે હું લઇ આવીશ અને બપોર પહેલા આપણે આપના મુકામે પહોંચી જઈશું અને મોડી રાત્રે આપણે પાછા ફરીશું એમ લાગે છે.”આર ડી ઝાલા એ વિગતે બધી જ વાત સંભળાવી. પછી જમણવાર શરુ થયો દેશી આખા રીંગણનું શાક અને જુવારના રોટલા સહુ જમ્યા. જમીને આડા અવળી વાતો થઇ અને સહુને એક કુટીર ફાળવેલી હતી ત્યાં સુઈ ગયાં.

સુતી વખતે પી આઈ દવે એ આર ડી ઝાલાની મજાક કરી.

“ સાહેબ તમે પણ ચાલો હું અને નીપા તો એક જ કુટિરમાં છીએ પણ લતાને તમે કંપની આપો તો એને એકલું ન લાગે આમેય જયારે મળો છો ત્યારે મારી રામ કહાણી મને સંભળાવો જ છોને તો આજે મોકો છે પછી મને ન કહેતા હો થઇ જાવ ભાયડા આમાં તો ઝાલા સાહેબ એવું છે ને કે જીગર હોય તો ફિગર મળે.. આવો મોકો વારંવાર નહિ મળે.શરમમાં ન રહેતા હો દુનિયામાં આવ્યા છીએ તો મોજ કરી લેવાય મારા મોટા સાહેબ”

“ દવે તું ખોટી મહેનત કર્ય છો.. સિંહ ભૂખ્યો મરે પણ ઘાસ ન ખાય.. અત્યારે મારું મગજ થોડું ટેન્શનમાં છે અને હવે તું મારા મોઢેથી સાંભળવાનો થયો લાગે છે. એ બધું તને સોંપ્યું છે તું કર્ય જલસા .. એક વખત આ જલસા ભારે પડી ગયા હતા અને માંડ માંડ તારી ગાડી પાટે ચડી છેને તું હવે મને સલાહ આપશો જા તું તારે એન્જોય કર્ય એનો મને વાંધો નથી” આર ડી ઝાલાએ એના સ્વભાવગત લહેકાથી કહ્યું.

Image Source

“ આ તો દુનિયામાં બે પ્રકારના લોકો રહે છે એક મારા જેવા જે જલસામાં જીવે છે અને બીજા આપના જેવા જે કોણ કોણ જલસા કરે એનું ધ્યાન રાખે છે બાકી સાહેબ લતા એટલે લતા એમાં કઈ નો ઘટે બેનપણી કોની નીપાની જ ને” અને પી આઈ દવે આટલું બોલ્યો ત્યાં આર ડી ઝાલાની નજર કરડી થઇ અને પી આઈ દવે એ સલામી આપી અને જોરથી સેલ્યુટ મારી અને બોલ્યો.

“ ગુડ નાઈટ સર!! સોરી સર વધારે બોલાઈ ગયું હોય તો” અને લથડિયું ખાતા ખાતા રહી ગયો અને પોતાની કુટીર તરફ ચાલતો થયો. આર ડી ઝાલા મનોમન હસ્યા મનોમન બોલ્યા રોજ વેટ ૬૯ પીતો આ માણસ આજ શેમ્પેઇન ચાખી ગયો છે એટલે અસર તો થાવાની જ ને!!

પોતે બહાર સ્વીમીંગ પુલના ટેબલ પાસે પથારી મંગાવીને ત્યાંજ આર ડી ઝાલા સુઈ ગયા અને ત્યાં કામ કરતા માણસને કહ્યુકે એને પાંચ વાગ્યે જગાડે!!

*****

અને આ બાજુ હકા ભીખા અને ઘનશ્યામ પરબત જેલની જમીન પાસેની ઓરડીમાં સુતા હતા. જે પીવાનું હતું એ ખલાસ થઈ ગયું હતું એટલે આજે એ લોકો વહેલા સુઈ જવાના હતા. બને પોતપોતાની પથારીમાં પડ્યા પડ્યા વિચાર કરી રહ્યા હતા. ઘનશ્યામ કાલ સવાર પડે એની રાહમાં હતો સવારે છ વાગ્યાની આસપાસ આર ડી ઝાલા એએને લેવા આવવાના હતા.ઘનશ્યામ ખુબ જ ઉત્સાહિત હતો પોતે ધારેલી જગ્યા સાચી પડે તો કાલ્ય આવા ટાણાએ સુટકેશ વીકે શેઠને મળી જવાની હતી. પોતે ફેંકેલ ગાળીયામાં હકા ભીખા આબાદ આવી ગયો હતો ભલેને એણે દવલનું રહેઠાણ અને સુટકેશ કયા મૂકી છે એ છુપી જગ્યા બતાવી નહોતી પણ તોય એનો અંદાજ હતો કે ચોક્કસ આ જગ્યાએ સુટકેશ હોવી જોઈએ અને હકા ભીખા પણ મગજમાં અંકોડા ગોઠવી રહ્યો હતો એના અંકોડામાં ભભૂતિયો ડુંગર દેખાતો હતો.. ત્યાં ત્રણ ટેકરીઓ વછાળ આવેલી એક નાનકડી ખાઈ દેખાતી હતી અને ખાઈની દક્ષિણ બાજુ એક બારમાસીધોધ દેખાતો હતો અને ધોધની સાઈડમાં એક ગુફા જેવું હતું અને ત્યાં એક કાળોતરો નાગ ચોકી કરતો હતો. ત્યાં બહુજ કીમતી અને જુના જમાનાનું હીરા ઝવેરાત દટાયેલું અને સલામત પડ્યું હતું. એ ઝવેરાત ફક્ત એ જ વ્યક્તિ મેળવી શકે કે જેનો જન્મ પુનમના દિવસે થયેલો હોય બેય ગાલની સહુથી નીચે ત્રિશુળ આકારના બે લાખા આવેલા હોય અને અને જન્મતી વખતે એ છોકરો ઉંધો આવેલો હોય એને જ આ ખજાનો મેળવી શકે એવી બગલા મુખી વિધિ એ ગુફા પર કરવામાં આવી હતી. બીજો કોઈ પ્રયત્ન કરે તો એ કાળોતરો નાગ એને મોતને ઘાટ ઉતારી દે એમ હતો. આ બધી વાતો હકા ભીખાને એક રાજસ્થાની સાધુ બાબા મનમાનંદજીએ કરી હતી. બાબા મનમાંનંદજીએ આ જગ્યા હકા ભીખાને બતાવી હતી અને બધી જ વાત કરી હતી ખજાના વિશે. અને આજે હકા ભીખા ખુશ હતો ઘનશ્યામ પરબતમાં આ બધા જ લક્ષણો હતા. હકા ભીખા ઘનશ્યામ નો ઉપયોગ કરીને વરસોથી સંઘરેલો એ ખજાનો લેવા માટે હવે અધીરો બન્યો હતો અને મનમાં ને મનમાં એ વિચાર કરતો રહ્યો. ઘનો ખજાનો લઇ આવે તો કામ થઇ જાય એમ હતું. કદાચ ખજાનો લેવા જતી વખતે ઘનાના પ્રાણ ચાલ્યા જાય તો પણ હકા ભીખાને કોઈ અસર નહોતી થાય એમ કારણકે ઘનો ક્યાં એના બાપનો દીકરો થતો હતો!!. આ તો એના બાપની ઓળખાણ નીકળી અને મનમાનંદજીએ કહ્યા પ્રમાણે એના બેય ગાલ પર બે ત્રિશુળ આકારના લાખા હતા. આમેય જ્યારથી હકા ભીખાએ આ વાત સાંભળી હતી ત્યાર પછી એ ગમે તે માણસને જુએ કે એની નજર ગાલ પર જતી અને એની આંખો ગાલ પર બે લાખા છે કે નહિ શોધતી હતી પણ એને કાયમ નિરાશા સાંપડતી હતી. પણ ઘનાને જોઇને એની આશા સજીવન થઇ ગઈ હતી અને એ યોગ્ય મોકાની રાહમાં હતો અને મોકો હવે એની પાસે આવી રહ્યો હતો. આજે ઘના દ્વારા જ જાણવા મળ્યું હતું કે એનો જન્મ પુનમના દિવસે થયો હતો અને એ લંઘો હતો એટલે કે એનો જન્મ ઉંધો થયો હતો. હકા ભીખાનું પ્લાનિંગ ધીમું હોય પણ એકદમ પરફેકટ હતું એમ એનો ભૂતકાળ સાક્ષી હતો. અને ધીમે હકા ભીખાના મનમાં ઘનશ્યામ પરબત માટેની એક આખી યોજના તૈયાર થઇ રહી હતી. ઘના માટેનો એક ગાળિયો હકા ભીખાના મગજમાં આકાર લઇ લઇ રહ્યો હતો.

ઘનશ્યામ પરબતે હકા ભીખા માટે બનાવેલ ગાળિયો કાલે પૂરો થઇ રહ્યો હતો અને ત્યાંજ હકા ભીખાએ એક નવોજ ગાળિયો ઘનશ્યામ પરબત માટે તૈયાર કર્યો હતો.

*************ભાગ સોળ પૂર્ણ**************

ક્રમશ:
મિત્રો, જો તમે આ નવલકથાનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી કરીને અમને આ નવલકથાનો આગળનો ભાગ મુકવા માટે પ્રોત્સાહન મળી રહે અને આ નવલકથા માટેના રીવ્યુ પણ જરૂર આપજો, આગળ શું થવાનું તે જાણવા માટે રાહ જુઓ ભાગ 17ની, જલ્દી જ આવશે.
લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ”, શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ, મુ.પો ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.