મુકેશ સોજીત્રા લેખકની કલમે

“ગાળિયો” ભાગ – 15 – લફરા અને છાનગપતિયા પરણેલા હોય સંતાનના પિતા હોય અને ગામની બે કુંવારી છોકરી સાથે સંબંધ હોય એને કહેવાય મોટા ભાઈ – વાંચો રોમાંચક નવલકથા મુકેશ સોજીત્રાની કલમે

જે મિત્રોને ભાગ-1, ભાગ-2, ભાગ-3, ભાગ-4, ભાગ-5, ભાગ-6, ભાગ-7, ભાગ-8, ભાગ-9, ભાગ-10, ભાગ-11, ભાગ-12, ભાગ-13, ભાગ-14, ભાગ-15, ભાગ-16, ભાગ-17, ભાગ-18, ભાગ-19, ભાગ-20, ભાગ-21, ભાગ-22, ભાગ-23, ભાગ-24 વાંચવાનો બાકી હોય તેઓ જે તે ભાગ બાકી હોય તેના પર ક્લિક કરે.

અને બીજે દિવસે છાપામાં સમાચાર આવ્યાં એ પહેલા ગામડાઓમાં સમાચાર પહોંચી ગયા હતા કે મેળામાં માથાકૂટ થવાથી ઝપાઝપી થઇ અને ગોગન ગરેડાનું કુવામાં પડી જવાથી થયેલ મોત. એસટી બસમાં આ જ વાત ચર્ચાનો વિષય બની ગઈ હતી. ગામડે અમુકની ઘરે જ લેન્ડ લાઈન ફોન જ હતા બાકી લોકો સાંભળેલી વાતો પર વિશ્વાસ કરતાં હતાં. ઘનશ્યામ તો ઘરે આવી ગયો હતો એની માતાને બહુ આઘાત ન લાગ્યો પણ પરબત ભાઈ ભાંગી પડ્યા હતા. એના જીવનમાં કે કુટુંબમાં આ એક અલગ જ અનુભવ હતો એના ચહેરા પર હતાશા અને અકથ્ય દુખની લાગણીઓ દેખાઈ આવતી હતી. ગામમાં જેમ જેમ ખબર પડતી ગઈ એમ એમ લોકો આવી રહ્યા હતા અને રાત્રે તો લગભગ સો એક માણસો ચોફાળ અને બુંગણ પાથરીને પરબત બચુની ઘરની આગળ ખુલ્લા પડથારમાં બેસી ગયા હતા. સહુને ઘનશ્યામ પ્રત્યે લાગણી હતી. હવે આગળ શું થશે એનો કોઈની પાસે ઉતર નહોતો.

“ આગોતરા જામીન લઇ લેવાય અને નો મળે ત્યાં સુધી ઘનાએ ફરાર થઇ જવાય બાકી ખાતાને તો તમે જાણો જ છો ને વળી આ રાજકીય મામલો છે. રાણીયાનો ડાબો ગણો તો ડાબો અને જમણો ગણો તો જમણો હાથ હતો ગોગનો એટલે એ એનો ભાગ ભજવીને જ રહેશે” ગામના માજી સરપંચ એવા શિવા ભાઈએ કહ્યું.

“ફરાર થવાનો સવાલ જ નથી. ગોગનો કાઈ સજ્જન કે સંત મહાત્માનો દીકરો તો હતો નહિ એટલે એટલું બધું બીવાની જરૂર નથી અને મારે અત્યારે જ રાણા ભાઈ હારે વાત થઇ છે. એ આ કેસ ઠરી જાય એમાં જ રસ લેવાના છે. એનેય જનતાના મુડની ખબર પડી ગઈ છે. મૂળ એફ આઈ આરમાં હળવી કલમો લગાવવાની છે. મર્ડરનો કોઈ અગાઉથી મોટીવ હતો નહિ એમ એ કહેતા હતા હવે મોટીવ એટલે શું એ મને ખબર નથી કદાચ રામશંકર માસ્તરને ખબર હોય” ગામના હાલના સરપંચ અને રાણાભાઈ ઉર્ફે રમણીક નારણ પ્રમુખના ના ખાસ ભાઈબંધ એવા રમજુભાઇએ કહ્યું.

“ મોટીવ એટલે હેતુ અથવા ખૂનનું કોઈ ચોક્કસ કારણ” રામ શંકર ભાઈ માસ્તરે વ્યાખ્યા કરી. રમજુભાઇ સરપંચે ફરીથી ચલાવ્યું.

“ પોલીસ ગામમાં આવશે તો એકલી નહીં આવે પ્રમુખને ભેગી લઈને જ આવશે મેં તો પ્રમુખને કહી જ દીધું કે રાણા ભાઈ તમારે ને મારે સંબંધ એ લાખ રૂપિયાનો પણ ગામ આખું મારું છે મારે એની હારે કરોડનો સંબંધ છે એટલે ગોગનો કાઈ સારા ધંધા તો નહોતો જ કરતો.એટલે તમારે આમાં રસ લેવાનો નથી બાકી જો પોલીસ આવીને ઘના ને મારકૂટ કરી કે એના પરિવારને જરા પણ પજવ્યો તો ગામ આખું પાણાવાળી કરશે પછી મને નો કહેતા અને ઘનશ્યામ પરબતને વાહે વાહો નથી એમ પણ ન સમજવું. હું બેઠો છું ત્યાં સુધી મારા ગામનો એક પણ જુવાનીયો ખોટી રીતે હેરાન ન થાય એ જોવાની મારી પહેલી ફરજ છે. વરસ દિવસ પછી જ ચૂંટણી આવવાની હતી એટલે રમજુભાઇ આ મેટરનો જેટલો લાભ લેવાય એટલો લઈ લેવા માંગતા હતા. સહુ પોતપોતાની રીતે વાતો કરતા હતા અને એમાં રાતના નવેક વાગ્યાનો સમય થયો હશે ને બે પોલીસની જીપ ધૂળની ડમરી ઉડાડતી આવી. થોડાક તો પોલીસની જીપ જોઇને જ આડા અવળા થવા માંડ્યા. જીપ આવીને ઉભી રહી. પેલી જીપમાંથી રાણાભાઇ પ્રમુખ.પી આઈ દવે અને વકીલ કેવલ ઓઝા ઉતર્યા અને બીજી જીપમાંથી પી એસ આઈ અલગોતર ઉતર્યા અને બે પોલીસ કોન્સ્ટેબલ ઉતર્યા અને આજુ બાજુ નજર નાંખીને પોતે અમુક અંતરે ઉભા રહી ગયા. સહુ સપડાક થઈને બેઠો હતો. ઘનો એના ભાઈ બંધ સાથે સુનમુન બુંગણ ના એક છેડે બેઠો હતો.

“ દેવચંદ કાનજીને બોલાવો એનો ફોન આવ્યો હતો એનો ફોન આવ્યો હતો. અમુક ચોખવટ અત્યારથી સારી અને ગામના કે ઘનશ્યામ કે એના કુટુંબીજનોએ કશું બીવાની જરૂર નથી. કાયદા પ્રમાણે થશે પણ આપણે કહીએ એ કાયદો આ તાલુકામાં ચાલે છે. પાણી આપો બધાને અને સરપંચ ચા મુકાવો ઘણા દિવસથી તમે કેતા હતાને રાણા ભાઈ ક્યારેક તો અમારા ઘરે આવો તે આજ આવી ગયા લો. ખાલી ચા પાણી જ નહિ પણ અમે બધા વાળું કરીને જવાના છીએ, ઘરે કેવરાવી દ્યો કે આઠ નવ જણાનું રાંધી નાંખે.” રાણા ભાઈએ બહુ સહજતા થી વાત કરી એટલે સહુના જીવમાં જીવ આવ્યો.

Image Source

દેવચંદ કાનજી આવ્યો. નીમાણો થઈને મોઢું નીચે રાખીને બેઠો હતો. ચા આવી બધાએ પીધી અમુકે મોટી જીવરાજ તો અમુકે નાની જીવરાજ બીડીઓ કાઢીને સળગાવી. વકીલ કેવલ ઓઝાએ શરુ કર્યું. કેવલ ભટ્ટ બેઠી દડીનો વધારે પડતો જાડો હતો માથું નાનું અને પેટ ઘણું મોટું હતું. બેઠો હોય ત્યારે મોટા ગોળા પર નાનું એવું બુઝારું ઢાંક્યું હોય એવું લાગતું હતું. સોડા બાટલીના કાચ જેવડા કાચ વાળા ચશ્માં ચડાવીને એણે એક કાળી નોટબુક કાઢી અને પોતાની વાત શરુ કરી.

“ કોઈ પણ ઝગડો થાય અને કોઈને વાગે અને એ આરોપીનું મોત જો ૨૪ કલાક પહેલા થઇ જાય તો ફરજીયાત ૩૦૨ લગાડવી જ પડે પણ સાથોસાથ ૩૦૪ પણ લગાવવી પડે આવા કિસ્સામાં એ કલમ નો અર્થ એટલો કે હત્યા એ કોઈ પૂર્વ નિયોજિત કાવતરું નહોતું પણ ઝગડો થતો હતો અને અકસ્માત વશ મોત થયેલ છે. કેસ તો ૩૦૨નો ચાલે પણ પુરાવા એવા જ આપવાના કે આ ઘટના આકસ્મિક ઘટી છે. ઘનશ્યામ અત્યારે પોલીસની સામે હાજર થઇ જાય એટલે જામીન મેળવતી વખતે વાંધો ન આવે અને આ પોલીસને પણ તમારી રૂબરૂ કહું છું કે આમાં એને કોઈ પ્રકારની મારકૂટ નહીં થાય. પરબત ભાઈ કે જે ઘનશ્યામના પિતા છે એ કોઈ પણ વ્યક્તિને ઘનશ્યામની સાથે મોકલી શકે છે. ઘનશ્યામ લોક અપમા રહેશે અને એની સાથે આવેલ વ્યક્તિ પોલીસની સાથે રહેશે. આવું કોઈ દિવસ કરવાનું ન હોયપણ પ્રમુખ સાહેબની લાગણી છે કે ઘનશ્યામ નો કોઈ જ વાંક નથી પણ એ હોળીનું નાળીયેર બની ગયો છે એટલે મારા તાલુકાના કોઈ પણ પ્રજાજન વગર વાંકે હેરાન ન થાય. એ જોવી એમની ફરજ છે અને એટલે જ મને વકીલ તરીકે રાખ્યો છે. હું વકીલ તરીકે હોવ એટલે ફરિયાદીના મોતિયા જ મરી જાય અને આમાં ફરિયાદી તરીકે પોલીસ જ છે એટલે એનો પણ કોઈ વાંધો નથી. ગોગનના માણસો સુરત છે ત્યાં સમાચાર પહોંચાડ્યા છે પણ લગભગ ત્યાંથી કોઈ આવશે નહિ કારણ કે સાંજે જ મારે સુરત એક ડી વાય એસપી સાથે વાતચીત થઇ એનું કહેવું એમ છે કે જેવા ગોગન ના મોતના સમાચાર આવ્યા કે ગોગનના માણસો ત્રણ ભાગમાં વહેંચાઇ ગયા છે. અને ત્રણ નવી ગેંગ બની ગઈ છે એટલે એ કોઈને હવે ગોગનની પડી નથી.

“ પ્રમુખને પણ હવે ગોગનની ક્યાંથી પડી હોય?? લાભ લેવો હતો એટલો પ્રમુખે લઇ જ લીધો હતો બાકી આ શુળ કયો તો શુળ અને ઠોંસો કયો તો ઠોંસો આ તાલુકામાં લાવવા વાળો પ્રમુખ જ છે.” માજી સરપંચ શીવાભાઈએ પ્રમુખના મોઢા પર ઝાપટી દીધું. શિવા ભાઈ પણ મોકો મળે એટલે રાજકીય રોટલો શેકવામાં પાછા પડે એમ નહોતો.

“ જે કહેવું હોય એ કહી શકો શીવાભાઈ પણ અત્યારે આપણે ઝગડવા ભેગા નથી થયા અત્યારે ઘનાને ઓછા ઓછી કલમો લાગે એમાં સહુનો રસ હોવો જોઈએ. બાકી ચૂંટણી આવે ત્યારે તમે ઓછા ન ઉતરતા પણ ભલા થઈને અત્યારે તેલ જુઓ અને તેલની ધાર જુઓ. અને હા બીજી વાત આ આખું પ્રકરણ વર્ષાની બાબતને લઈને બન્યું છે. દેવચંદ કાનજીની ઈચ્છા છે કે એની બહેનનું નામ ન આવે તો સારું કારણકે કોર્ટના ધક્કા ગામની કોઈ દીકરી ખાય એ સારું ન ગણાય”

સભામાં થોડો ગણગણાટ થયો અમુકને આ વાત જરા પણ રૂચી એટલે વકીલ કેવલ ઓઝા બોલ્યા.

“ વર્ષાની છેડતીને કારણે આ ડખો થયો એવું ફરિયાદમાં લખાવીશું એટલે પછી આ હત્યા એ અકસ્માત છે એવું સાબિત કરવામાં તકલીફ થશે. કારણકે મોટા ભાગની હત્યાઓ ત્રણ કારણ સર થાય છે જર જમીન અને જોરુ!! કોર્ટનું અવલોકન એ બાબતનું હશે કે ગોગન વર્ષાની છેડતી કરતો હતો એટલે એ દાઝ રાખીને ઘનશ્યામે એને પતાવી દીધો અને ૩૦૨ નો મજબુત કેસ થશે એના કરતાં વર્ષાને આપણે સાઈડ લાઈનમાં મુકીએ અને ફરિયાદી પક્ષ એવું લખાવે કે ત્યાં કુવા પાસે બાઈક મુકવામાં અને ત્યાં બેસવામાં ગોગન સાથે ગાળાગાળી થઈ અને ગોગન ગરેડો પોતાનું બાઈક લઈને ઘનાની પાછળ પડ્યો અને અકસ્માતે એ બાઈક સાથે કુવામાં પડ્યો અથવા તો ગોગનનો ઝપાઝપીમાં પગ લપસ્યો અને એ કુવામાં પડ્યો. એટલે કોઈ માથાકૂટ નહીં કેસ એ રીતે ચાલે અને કદાચ વધારે ચાલે તો પણ પાંચ વરસથી વધુ સજા એને ન થાય. લગભગ તો નિર્દોષ જ છૂટી જશે પણ પછી જજ કોણ છે એના પર આધાર રાખે છે”

કલાક સુધી ચર્ચા ચાલી અને પછી વકીલે જેમ કહ્યું એમ બધાએ કહ્યું. અને રાણા ભાઈ બોલ્યા.

“ પરબત ભાઈ તમે જમ્યા તો નહીં જ હો હાલો તમે અને ઘનશ્યામ અમારી સાથે બટકું બટકું જે ભાવે ઈ ખાઈ લ્યો. તમે નહિ ખાવ તો અમે પણ સરપંચના ઘરે નહિ જમીએ અને મારા પર ગળા સુધી વિશ્વાસ રાખો તમારો દીકરો એ મારો દીકરો.” અને એ પરાણે પરાણે જમ્યા. જમીને ઘનો જીપમાં બેઠો પરબત ભાઈ રડવા લાગ્યા એટલે તરત જ ચંપાબેન બોલ્યા.

Image Source

“ ભાયડા થઈને શું રોવો છે.. ઘના તું કઠણીયો છો કઠણીયો. તે જે કર્યું એ બેટા જોઇને મારા મનમાં થાય છે કે મારું ધાવણ એળે નથી ગયું હો.. બાકી સહુ પોતપોતાની આબરુને કારણે ભાગી રહ્યા છે બાકી મલક આખો જાણે છે કે તે કોના કારણે આવું કર્યું છે. બધાને ખબર જ છે કે દેવચંદ શેઠની આબરૂ તે બચાવી છે. એની આબરૂ બચી ગઈ છે ને બેટા એટલે એ હવે આબરૂવાળા થઇ ગયા છે અને આબરૂવાળાની બહેન દીકરી થોડી કોર્ટના પગથીયા ચડે. કોર્ટના પગથીયા તો બેટા સવા શેર સુંઠ ખાધી હોય એ ચડે બાકી તાણી કાઢેલના હોય ને ઈ બધા ખરા સમયે પાણીમાં બેસી જાય અને આમેય નપાણીયા હોય ઈ જલ્દીથી પાણીમાં બેસી જાય.. જા દીકરા જા તને કશુય નહીં થાય આ તારી મા આખા ગામમાં માથું ઊંચું કરીને ફરશે હો બેટા અને અમારી જરાય ચિંતા ન કરતો હો બેટા” અને દેવચંદ શેઠ ચંપાબેનની નજરમાં જે ધાર હતી જે તાપ હતો એ સહન ન કરી શક્યા અને નીચી મુંડી કરીને ઝડપથી ટોળામાંથી દૂર જતા રહ્યા. અને ઘનશ્યામને લઈને પોલીસની બે જીપો જે રસ્તેથી આવી હતી એ જ રસ્તે પાછી જતી રહી.

પછી તો એફ આઈ આર થઇ. ઘનશ્યામને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો.પાંચ દિવસના રિમાન્ડ મજૂર કરવામાં આવ્યા. પછી વધારે દલીલો તો પોલીસે પણ કરી નહીં. જજ સાહેબ જે હતા એ વધારે પ્રેકટીકલ હતા.પંદર જ દિવસમાં ઘનશ્યામ પરબતને જામીન મળી ગયા.

પંદર દિવસમાં દેવચંદ કાનજીનું આખું વાજું જ ફરી ગયું. ઘરે પણ વર્ષા ઉપર પહેરો લાગી ગયો. કોલેજ જવાનું પણ બંધ કરવામાં આવ્યું. એક દિવસ વર્ષા ને દેવચંદ જીવનમાં પહેલી વાર સામ સામે આવી ગયા.

“ ભાઈ આ બરાબર નથી. ઘનશ્યામ તો આ આખા ઘરનો એક મજબુત થાંભલો હતો. એવો થાંભલો કે એણે આખા ઘરની આબરૂ તુટતી બચાવી ભાઈ. તમારે એનું માન જાળવવું જોઈએ ઊલટું તમે એને નફરતની નજરથી કેમ જુઓ છો”

“ ગોગને તને કૈક કર્યું હોત તો હું ય ગોગન ને જોઈ લેત પણ આ તો એ હીરો થઇ ગયો અને એની મા આખા ગામમાં મારી વગોવણી કરતી ફરે છે. હું તાણી કાઢલનો છું. હું પાણી વગર્યનો છું એમ કહે છે. મારે એને રાખવો જ નથી કારખાને. મેં એનું અત્યાર સુધીમાં ઘણું રાખ્યું છે. એના જે માન પાન હતા આખા ગામમાં એ મારા કારખાનામાં એના હોદ્દાને લીધે હતા એણે એના શેઠ પ્રત્યેની ફરજ બજાવી છે વિશેષ કશું જ નથી કર્યું. એનો હિસાબ કરી દેવાનો છે અને ઉપરીયામણ દસ હજાર એની ડુંટી પર મારવા છે બાકી કારખાના અને આ ઘરના દરવાજા એના માટે સદાય બંધ જ છે આજથી” દેવચંદ કાનજીની બળતરા બહાર આવી રહી હતી.

“ વાહ ભાઈ વાહ.. મને નહોતી કે એના પ્રત્યે તમારા મનમાં આટલું કાતિલ ઝેર હશે. એની માતા બોલી એની દાઝ તમે એના પર ઉતારો છો વાહ ભાઈ વાહ” વર્ષાએ હસતા હસતા કહ્યું.

“ આખા ગામમાં તારી અને ઘનાની વાત થાય છે. એ પણ હું સહન નથી કરી શકતો. હવેથી તારે એની સાથે કોઈ જ સંબંધ નથી. તારે માટે સારામાં સારો મુરતિયો હું શોધવાનો છું. આવા લફરા અને છાનગપતિયા આ ઘરમાં હવે ન જોઈએ” દેવચંદ કાનજીએ છેલ્લે પોતાના મનની વાત કહી દીધી.

“ કોઈ જ લફરા નથી મારે. એ લફરું નથી હું એને ચાહું છું મોટા ભાઈ. બે કુંવારા અને યોગ્ય ઉમરના વ્યક્તિઓ એક બીજા પ્રત્યે લાગણી રાખે એ લફરાની વ્યાખ્યામાં ન આવે અને આ લફરા અને છાનગપતિયા જેવા શબ્દો તમારા મોઢામાં શોભતા નથી ભાઈ. લફરા અને છાનગપતિયા પરણેલા હોય સંતાનના પિતા હોય અને ગામની બે કુંવારી છોકરી સાથે સંબંધ હોય એને કહેવાય મોટા ભાઈ. આજ તો ભાભી ઘરે નથી એટલે તમને કહી દઉં એટલે તમને ખબર પડે કે મારે ફક્ત કાન જ નથી પણ ભગવાને બે સરસ મજાની આંખો પણ આપી છે. જીવા વાલજીની મંજુ સાથે અને કનુ લખમણની ગૌરી સાથે તમારા કેવા સંબંધો છે એની મને રજ રજ ખબર છે. હીરાના કારખાનાની કેટલી રકમ તમે એની પાછળ વાપરો છો એ મને ખબર છે મોટાભાઈ.એક બહેન તરીકે મારે આવી વાત તમને ન કરવી જોઈએ પણ તમે જ મારા મોઢામાં આંગળા નાંખીને બોલાવો છો એટલે મારા આ બધું ના છૂટકે કહેવું પડે છે. ગામ આખું તમારા આ લફરાને જાણે છે અને તમે આબરુની વાત કરો છો. તમે મારા રસ્તામાં ન આવતા કયારેય નહિતર ભાભીને હું વાત કહી દઈશ અને આ વર્ષા પાસે બધાય પ્રૂફ છે. તમે અત્યાર સુધીમાં એને શું શું લઇ દીધું અને ક્યાં કયા ફરી આવ્યા એ પણ ખબર છે.શરમ આવવી જોઈએ મોટાભાઈ શરમ આવી રૂપાળી પત્ની ઘરે હોવા છતાં ગધેડાની જેમ જ્યાં ત્યાં ઓખાર કરો છો તો તમને શરમ આવવી જોઈએ!!” અને દેવચંદ કાનજી તો જાણે કાપો તોય લોહી ન નીકળે એવી સ્થિતિમાં આવી ગયો. અત્યાર સુધી ઉન્નત મસ્તકે વાત કરતો દેવચંદ કાનજી આજ એના જ ઘરમાં કોડીનો થઇ ગયો હતો. પછી એણે વર્ષાને એક પણ અક્ષર ન કહ્યો.

Image Source

દેવચંદ શેઠના કારખાનેથી ઘનશ્યામ એની મેળે છૂટો થઇ ગયો. પોતાના ખેતીકામમાં લાગી ગયો. વર્ષાના બહુ કહેવાથી એ એને એકાદ માસ પછી મળ્યો. એજ ખેતર અને એજ માંચડો અને એજ અજવાળી રાત!!

કેઇસ કોર્ટના ફ્લોર પર આવી ગયો અને વધારે પડતા પ્રેક્ટીકલ એવા જજ સાહેબની બદલી થઈ અને નવા આવેલા જજ એકદમ નવી જ ભરતીના હતા જે કાયદાની કલમો સિવાય બીજા કોઈ સાથે સગપણ રાખતા નહોતા.

અને કહેવાય છે કે કઠણાઈઓ આવે ત્યારે બધી જ બાજુએથી આવે એમ સરકારી વકીલની પણ બદલી થઇ અને રાણાભાઇ ઉર્ફે રાણીયા ઉર્ફે રમણીક નારણ નો જે વિરોધી હતા એણે જોયું કે ગોગન ગરેડાના શબ પર આ પગ રાખીને મારો બટો આ નક્કી ધારસભ્ય બની જશે એટલે એ લોકો ભેગા થયા અને સમાજથી વિપરીત દિશામાં ચાલવા વાળા કેટલાક અવળચંડા ખાદીધારીઓને સાધ્યા અને થયું ટોળું ભેગું અને છાપામાં આર્ટીકલ આવ્યો. “ગોગન ગરેડાને ન્યાય મળશે??” “ “ફરિયાદી અને આરોપી ની મિલી ભગત અને ન્યાય તંત્રની મજાક” અને આ આ બાજુ રાણાભાઇ એ નવા જજ સાહેબનો દાણો દાબી જોયો અને એ પાસા અવળા પડ્યા. સુરતથી ગોગન ગરેડાનો ભાઈ આવ્યો. એણે વાંધા અરજી આપી. બીજો એક વકીલ રાખ્યો. હવે કેવલ ઓઝાએ પોતાના પ્રયત્નો કર્યા. કેઈસ ફટાફટ ચાલવા લાગ્યો. રાણાએ ફોડેલા સાક્ષીઓ અને મેળામાં જે એના સાગરીતો હતા એમાં ને બે સાક્ષીઓ પાછા હતા ત્યાને ત્યાં આવી ગયા. આ બધું રાણા ના વિરોધીઓ કરતા હતા. પણ અત્યાર સુધીમાં રાણાએ ઘણો ખરો ફાલ વાઢી લીધો હતો. એક વરસ સુધી કેસ ચાલતો રહ્યો અને રાણા ભાઈનું જે વલણ હતું એ જોતા સ્વયંભુ લોક જુવાળ રાણા ભાઈને ફાયદો કરાવી ગયો. પાતળી લીડથી રાણા ભાઈ ઉરફે રાણીયો ઉર્ફે ધારાસભ્ય બની ગયા હતા. હવે ઘનાનું જે પરિણામ આવે એ એમાં આ નવોદિત ધારસભ્યને રસ જ નહોતો. કાયદો કાયદાનું કામ કરશે એ કેસેટ એના મોઢે ચડી ગઈ હતી.

દોઢેક વરસ પછી ફેંસલો આવ્યો. જે ઘનો લગભગ નિર્દોષ છૂટી જવાનો હતો એને રાજકારણ અડી ગયું હતું અને ઘનશ્યામ પરબતને આજીવન કેદ તો ન થાય પણ હત્યા પૂર્વનિયોજિત નહોતી એ વાત ન્યાયધીશના ગળે ઉતારી શકયા હતા. ન્યાયધીશ જાણે કાયદાકીય રીતે દાખલો બેસાડવાના મિજાજમાં હોય તેમ સાત વરસની સજા આપી દીધી. ઘનશ્યામને સજા તો થઇ એની પહેલા એના બાપા પરબત બચું ને દુખાવો ઉપડ્યો અને એ હોસ્પીટલમાં હતા. એની માતા એ સમયે હાજર હતા. બસ અને આવી રીતે ઘનશ્યામ પરબત આવી ગયો જેલમાં!!

“ હકાકા આવી હતી મારી પ્રેમ કહાની બોલો.. તમારા જેવી તો નથી પણ અમારે છોકરાને આવી કહાની તો આવી કહાની ચાલે ખરી” મોડી રાતે કાકા ભત્રીજાએ જોની વોકરની બોટલ ખાલી કરતા વાત પણ પૂરી કરી.

“ અરે મારા કરતા પણ તારી કહાની જોરદાર છે હો ઘના. તારી વાર્તામાં વર્ષાની આડે આવનાર વિલન ને તું ઉલાળી નાખે છો જયારે મારી વાર્તામાં પીઠા વાચુર એની મેળે જ ગાંડો થઈને મરી જાય છે એટલો જ ફર્ક છે. દવલને હું લઇ આવ્યો અને પછી એકાદ વરસ પછી હું કટીયાને મળવા દીવ ગયો હતો. અને ત્યાં જઈને જાણવા મળ્યું કે છ મહિનામાં જ પીઠા વાચુર ગાંડો થઇ ગયો હતો અને દવલ દવલ એવી રાડો નાંખ્યા કરે.. આંખમાંથી આંસુડા જતા હોય. તેની બે પત્નીઓ પણ જુદી થઇ ગઈ. બેય અલગ અલગ રહેવા જતી રહી છે. પીઠા વાચુરનું મગજ જ કામ કરતુ બંધ થઇ ગયું હતું એટલે આવક અને ધંધા બંધ થઇ ગયા હતા. જે મિલકત હતી એ એની બાયુએ અને પીઠા વાચુરના ભાયુએ સરખે ભાગે વેચી લીધી. બે વરસ આવી રીતે પીઠા વાચુર દીવમાં ગાંડાની જેમ રખડ્યો અને છેલ્લે છેલ્લે એક મીઠાના ટ્રક નીચે આવી ગયો. આખા દીવને એક સમયે ધ્રુજાવનાર પીઠા વાચુરની અંતિમ યાત્રામાં વધુમાં વધુ બાર જણા હતા. બસ આ જ છે કુદરતી ન્યાય ઘના!!” હકા ભીખાએ વાત પૂરી કરી અને પછી પોતપોતાની પથારીમાં સુઈ ગયા.

Image Source

બીજે દિવસે સવારમાં આર ડી ઝાલાને ફોન આવ્યા અને એનું અંતર નાચી ઉઠયું. પી આઈ દવેનો પાડોશના લેન્ડ લાઈન પર ફોન આવ્યો હતો. દવલનું ઠેકાણું અને મામાદેવના ખીજડા મળી ગયા હતા. બહુ દૂર નહોતા જેલથી ૯૫ કિલોમીટર દૂર આવેલા હતા. તરત જ આર ડી ઝાલાએ વિકે શેઠને વાત કરી દીધી અને વીકે શેઠ મુંબઈથી તરતજ રવાના થઇ ગયા હતા. એટલે આવતી કાલે સવારમાં ઘનશ્યામને લઈને આર ડી ઝાલાએ બાકીના સભ્યો સાથે દવલ અને મામા દેવના ઠેકાણે નીકળવાનું નક્કી કર્યું. આર ડી ઝાલાએ ઘનશ્યામ પરબતને બોલાવ્યો.

“ દવલ અને ખીજડાવાળા મામાદેવનું ઠેકાણું મળી ગયું છે કાલે આપણે નીકળવાનું છે. તને જેલમાંથી બહાર લઇ જવા માટે મેં બહાનું વિચારેલું છે. તારે હકા ભીખાને એટલું જ કહેવાનું છે કે તારી આ સજા વિરુદ્ધની અપીલ ઉપલી કોર્ટમાં થઇ છે એટલે એ કોર્ટમાં જવાનું છે એટલે ઝાલા સાહેબ સાથે મારે કાલે બહાર જવાનું છે એટલે બે દિવસ જેટલો સમય લાગી શકે છે” ઘનાએ વાત સાંભળી સહમતી આપી અને પોતાના કામ કરવાના સ્થળે બીજા કેદીઓને લઈને જતો રહ્યો. અને હકા ભીખા તો પોતાના ક્યારા કરવાના કામમાં મશગુલ હતો.

અને આ બાજુ આર ડી ઝાલાથી રહેવાણું નહિ એ સઘળી વિગતોનું આયોજન તાત્કાલિક કરવા માંગતા હોય એમ પી આઈ દવે ને ફટાફટ પેલા શિવાલયે બોલાવ્યાં અને કહ્યું કે વીકે શેઠ અને ઘનશ્યામ આપણી સાથે હોય એ પહેલા આપણે કેટલીક વાતો કરીએ. સાથે સાથે નીપા અને બીજી બે લેડી કોન્સ્ટેબલને લાવવાનું કહ્યું કારણે દવલના ઠેકાણે જવાનું છે ત્યાં કુટુંબ તરીકે જવાનું હતું એટલે જેટલા પુરુષો હોય એની જેટલી જ સ્ત્રીઓ પણ હોય તો કોઈને જરા પણ શંકા ન જાય. વળી પી આઈ દવે સાથે કોણ શું પોશાક પહેરશે એ પણ નક્કી કરવાનું હતું. દિવસે ત્યાં મેળ ન પડે તો રાત પણ રોકાવવાનું હતું રાત કયા કારણોસર રોકાવાની છે એની પણ ચર્ચા કરવાની હતી . યોજના એટલી જબરદસ્ત બનાવવાની હતી કે કોઈને સહેજ પણ ખબર ન પડે અને કામ પૂરું થઇ જાય. આવી સુચના આપીને આર ડી ઝાલા પોતાની જીપ લઈને જેલ અને શહેરથી દૂર એકાંતમાં અને નિર્જન વગડામાં આવેલ શિવાલય તરફ જઈ રહ્યા હતા. ત્યાં પી આઈ દવે એની સાથે ચર્ચા કરવાના હતા. અને આ બાજુ વીકે શેઠ અમદવાદના એર પોર્ટ પર ઉતરી રહ્યા હતા. વાત સાંભળીને એ તરત જ ફ્લાઈટમાં બેસી ગયા હતા. અમદાવાદથી એ કોન્ટેસા લઈને આવવાના હતા.!! બધું જ ગોઠવાઈ રહ્યું હતું. પણ ગાળિયાનો મુખ્ય છેડો ઘનાના હાથમાં હતો. ઘના વગર ગાળિયો સફળ થાય એમ જ નહોતો!!

*************ભાગ પંદર પૂરો**************

ક્રમશ:
મિત્રો, જો તમે આ નવલકથાનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી કરીને અમને આ નવલકથાનો આગળનો ભાગ મુકવા માટે પ્રોત્સાહન મળી રહે અને આ નવલકથા માટેના રીવ્યુ પણ જરૂર આપજો, આગળ શું થવાનું તે જાણવા માટે રાહ જુઓ ભાગ 16ની, જલ્દી જ આવશે.
લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ”, શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ, મુ.પો ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.