મુકેશ સોજીત્રા લેખકની કલમે

“ગાળિયો” ભાગ – 10 – પ્રેમથી પતન પણ થાય અને પ્રગતિ પણ થાય…..!! પ્રેમ પુરુષાર્થ પણ છે પ્રેમ પાંગળો પણ છે..!! – વાંચો રોમાંચક નવલકથા મુકેશ સોજીત્રાની કલમે

જે મિત્રોને ભાગ-1, ભાગ-2, ભાગ-3, ભાગ-4, ભાગ-5, ભાગ-6, ભાગ-7, ભાગ-8, ભાગ-9, ભાગ-10, ભાગ-11, ભાગ-12, ભાગ-13, ભાગ-14, ભાગ-15, ભાગ-16, ભાગ-17, ભાગ-18, ભાગ-19, ભાગ-20, ભાગ-21, ભાગ-22, ભાગ-23, ભાગ-24 વાંચવાનો બાકી હોય તેઓ જે તે ભાગ બાકી હોય તેના પર ક્લિક કરે.

સાંજે પહેલી વાર હકા ભીખા અને ઘનો કોટડીની બહાર પણ જેલના પટાંગણમાં જ જમ્યા. બે નાનકડાના વડલાના ઝાડ હતા ત્યાં નીચે રાજુલાના પથ્થરથી બનાવેલ બે બેઠક હતી. જેની પર કેદીઓને મળવા આવતા સગા સંબંધીઓ રાહ જોઇને બેસતા પણ કોઈ કેદીઓ કોઈ દિવસ ત્યાં બેસતા નહિ. પણ આ એક નવીનીકરણ પ્રયોગ હતો. હકીકતમાં ઉપરથી આવો કોઈ આદેશ આવ્યો નહોતો. આ કેદીઓ માટેનો નવીન પ્રયોગ એ ફક્ત જેલ અધીક્ષક આર ડી ઝાલાના મનની પેદાશ હતી અને એ પણ ફક્ત વી કે શેઠનું કામ આસાનીથી થઇ જાય એ માટે… અને હકા ભીખા ખુશ રહે અને મોકળાશથી બધી વાતો કરી શકે એ માટે વાતાવરણ પૂરું પાડવાનું હતું અને એ જ રીતે આર ડી ઝાલા આગળ વધી રહ્યા હતા.

આમ તો આર ડી ઝાલા નિષ્ઠાવાન અને પ્રામાણિક હતા. નિયમ એના જીવનમાં શ્વાસોશ્વાસની જેમ વણાઈ ગયા હતાં. નાનપણથી જ ઘરમાં પણ તાલીમ પણ એવી મળી હતી. એના પાપા ડી એમ ઝાલા મિલિટરીમાં લાન્સ નાયક હતા. ઘરમાં શિસ્તવાળું વાતાવરણ હતું. પણ આ હકા ભીખાના કિસ્સામાં એ વીકે શેઠનું કામ કરવા એ કેમ તૈયાર થયા એની પાછળ એના બનેવી કારણભૂત હતા. આર ડી ઝાલા ની એકની એક બહેન અનસુયા મુંબઈમાં પરણીને સ્થિર થઇ હતી. એના બનેવી અને વીકે શેઠને ઘર જેવો સંબંધ હતો. એટલે જ આર ડી ઝાલા એના બનેવીને ના ન પાડી શક્યા. જોકે આમાં એને નિયમો ના પાડતા હતાં એના કરતાં એનો અંતરાત્મા વધુ ના પાડતો હતો. પણ એની બહેન અનસુયા એની નબળાઈ હતી. આર ડી ઝાલા એની બહેનને ગમે એ હમેશા કરતા જ. લગ્નના આટલા વરસોમાં એની બહેન ક્યારેય દુઃખી નહોતી થઇ. એના બનેવી એની બહેનને ખુબ જ સારી રીતે સાચવતા. પોતાના સમાજમાં પણ આ દાખલો દેવાતો. લોકો કહેતા કે ડી એમ ઝાલાએ બાકી જમાઈ ગોતી જાણ્યો હો. જેવી રીતે અનસુયા સુખી છે એવી રીતે આપણી તમામ દીકરીઓ સુખી હોવી જોઈએ. બસ આ જ વાતને લીધે અને બનેવીએ જીવનમાં પહેલી જ વાર કોઈ કામ સોંપ્યું હતું એટલે એ તરત જ એણે હા પાડી દીધી હતી. જીવનમાં પહેલી વાર એ નિયમો વિરુદ્ધ કામ કરવા જઈ રહ્યા હતાં. જોકે બનેવીએ એમ પણ કહ્યું હતું કે આ કામ કરવાથી કદાચ એની નોકરી પર જોખમ આવે તો વીકે શેઠ આજીવન અત્યારે જેટલો માસિક પગાર મળે છે એના કરતા બમણો પગાર આપશે. માટે ચિંતાનું કોઈ જ કારણ નથી.
જમીને ઘડીક ઘનો અને આર ડી ઝાલા ઓફીસ આગળ ઉભા રહ્યા. આર ડી ઝાલા એને કશુક સમજાવી રહ્યા હતા. હકા ભીખા એને દુરથી જોઈ રહ્યો હતો. વીસેક મિનીટ પછી હકા ભીખાએ ઘનાને પૂછ્યું.

“ શું કહેતા હતા મોટા સાહેબ ?”
“ કશું જ નહિ ફક્ત એટલું જ કે તમારે આ કેમ્પસમાં રાત્રે મોડે સુધી જાગતા રહેવાનું છે. બિલ્ડીંગ ફરતાં આંટો મારવાનો છે. બે ચોકિયાત તમારું ધ્યાન રાખશે. બહાર મુક્ત વાતાવરણમાં કાઢ્યા એનો મતલબ નથી કે ખાઈ પીને વહેલા સુઈને આળસુ અને એદી થઇ જવાનું. બસ એવી સૂચનાઓ આપતા હતા. બસ બીજું કાઈ નોતા કહેતા.”

Image Source

“ હમમમ આને નોકરી મગજમાં ઉતરી ગઈ છે. બાકી આની પહેલા જે જેલર હતા એને તો અગિયારથી પાંચમાં જ રસ હતો. પણ આ તો ૨૪ કલાકના જેલર લાગે છે. બહુ ચીકણા જેલર છે નહીં ને ઝાલા સાહેબ. બાકી આ નોકરી એવી છે ને કે આમાં મહીને પગાર કરતા દસ ગણું મળી રહે પણ કમાતા આવડવું જોઈએ” હકા ભીખાએ ચાલતા ચાલતા તીસ નંબર બીડી સળગાવતા કહ્યું.

“ સાચી વાત છે તમારી હકાકા.. જે સિદ્ધાંતવાદીનું પુંછડું.. અમુક લોકો જન્મથી અવગુણ લઈને જન્મે અમુક જન્મથી સિદ્ધાંત લઈને જન્મે છે. આ બદલી થઈને આવેલા જેલ કર્મી પણ ચા કરતાં કીટલી ગરમ હોય એમ વર્તે છે. એમાય કુરેશીએ જેલમાં બે કેદીના બરડા સોજવાડી દીધા છે એવા સમાચાર આપણને જે જમવા આપવા આવ્યો હતો એણે કહ્યું. ગામીત અને કુરેશી બે ય ખતરનાક આઈટેમો આવી છે. બધા ભયભીત છે કોટડીઓમાં “ હવે ચાલતા ચાલતા બને દૂર નીકળી ગયા હતા એ ઘનાએ પણ તીસ નંબર સળગાવી.

“ શરૂઆતમાં જેટલો વધારે કડક અધિકારી હોય એટલો જ એ કોડો પાછળથી મહા ખાઉંકુડીયો બને છે. આ મારો જાત અનુભવ છે. પોલીસમાં તો આ રેશિયો ૯૦ ટકા જેટલો સાચો છે. આમ તો આ જેલ વાળા અને પોલીસવાળા સરકારી નોકર જ ગણાયને પણ આ બે ય ને જનતાને મારવાની છૂટ છે એવું જનતા માની લે છે. એટલે આ લોકોને તડાકા પડી જાય છે. બધા ખરાબ નથી હોતા એમ બધા જ સારા નથી હોતા પણ આ હકા ભીખાનો આત્મા કહે છે કે આ બેય ખાતામાં ૯૦ ટકા બગડેલા છે અને દસ ટકા જ પ્રમાણિક છે. બાકી શરૂઆતમાં આ બધા નાટક હોય છે. પૈસા આગળ સહુ વેચાય જાય છે. પેલો કોડીનારમાં નવો નવો મિશ્રા આવ્યો પી એસ આઈ તરીકે અને દાનસંગને પોલીસ કસ્ટડીમાં મારીને ખતમ નહોતો કરી દીધો અમારા બેયની પતરાવાળી ઓરડીઓ ખેદાન મેદાન કરી નાંખી હતી અને પછી યુનિયન વાળાએ અમને ટેકો આપ્યો અને પોલીસ સ્ટેશન આગળ ધરણા કર્યા હતા એ વાત તો મેં તને કરી જ હતીને” બસ પછી એ મિશ્રા બીજા જીલ્લામાં એસ પી બન્યોને ત્યારે રૂપિયાના કોથળા ભર્યા હતા. પછી તો એ દીવ જાતોને ત્યારે અહી મને મળવા આવતો. મેં એની સાથે બેસીને ખુબ પીધું છે. એમાં એવું છે ને ઘના દરેકમાં બધાજ પ્રકારના અપ લખણ ભરેલા હોય છે પછી જેવું વાતાવરણ અનુકુળ થાય કે તરત જ અપલખણ બહાર આવી જાય. બહારથી ઉજળા પણ મનથી તો નવ્વાણું ટકા મેલા જ હોય છે” હકા ભીખા જેમ અંધારું થતું ગયું એમ એમ ઉંચી ઉંચી વાતો કરતો ગયો.
બે ત્રણ આંટા માર્યા પછી બને પોતાને જ્યાં રાત્રી વિતાવવાની હતી એ જેલની જમીન પાસેના બે મકાન હતા ત્યાં આવી પહોંચ્યા. ત્યાં બેઠા અને વળી એક એક બીડી પીધી અને પછી ઘનો બોલ્યો.

“ ઓલ્યું ઉદ્ઘાટન કરીશું બોટલનું?? મેં તમને સવારે કુવા પાસે બતાવી હતી એ??”
“ પણ એની સાથે બાઈટીંગ જોઇશે એનું શું?? કિસ વગર પ્રેમ ન થઇ શકે એમ બાઈટીંગ વગર પીવાની સહેજ પણ મજા ન આવે.” હકા ભીખાએ કહ્યું.

“ ઉનાળુ શીંગ કરવાની છે એટલે પછીયું કરીને પછી શીંગ વાવવાની છે. એનું બિયારણ કાલે જ આવી ગઈ છે. આ ઓરડીમાં જ એ શીંગ પડી છે. કાચી શીંગ હાલશે કે એને શેકી નાંખીએ. બોલો તમે કહો તેમ કરીએ.” ઘનો બધી જ તૈયારી કરીને આવ્યો હતો અને તૈયારી પણ એવી કે કોઈને પણ એ સાહજિક ક્રિયા લાગે અને શંકા ઉત્પન્ન થવા માટે એક ટકાનો પણ ચાન્સ ન રહે.

“ તારે પણ પાવળું પાવળું લેવું પડશે ફક્ત એક જ પેગ.. હું વધારે આગ્રહ નહિ કરું પણ આ વસ્તુ જ એવી છે ને કે હમેશા બે જણા જોઈએ. જેવી રીતે લગ્ન પછી હનીમુન માટે પણ બે જણા જોઈએ એમ પીવા માટે પણ બે જણા જોઈએ.” હકા ભીખાની વાત સાથે ઘનો થોડી વાર પછી સમંત થયો અને હકા ભીખાએ લીલી ઝંડી આપી એટલે કુવા પાસે મશીનની ઓરડીની ઉપર એક ખપાટિયામાં સંતાડેલું “ ડીરેકટર સ્પેશ્યલ વ્હીસ્કીનું કોટરીયુ લઈને આવ્યો સાથે બે સ્ટીલના છાલિયા પણ હતા.

“ પાણીનું કેમ કરીશું??”
“ હું આર ડી ઝાલા સાહેબની ઓફિસમાંથી લેતો આવું” કહીને ઘનો આર ડી ઝાલા સાહેબ પાસે ગયો અને ફટાફટ વાતો કરી. અને પાણીના બે મોટા જગ લઈને હાલતો થયો. બે ય જગ પીતળના હતા અને ખુબ જ વજનદાર હતા. હજુ હમણા જ આવ્યા છે મુંબઈથી એમ આર ડી ઝાલા કહેતા હતા. હકીકતમાં બે ય જગની નીચેના ભાગમાં ટ્રાન્સમિશર ફીટ કરેલા હતાં!! ખાસ તો કેન્યા અને રવાન્ડામાં અંગ્રેજ સૈન્ય હતું એની પાસે આવા પાવરફુલ ટ્રાન્સમીટર હતા. જે વીકે શેઠ પોતાની પાસે ભારતમાં પોતાના ઓફિસમાં રાખતા હતા. અમુક ટ્રાન્સમીટર વી કે શેઠે પોતાના કાર્યાલયની બહાર સ્ટાફ રૂમમાં પણ રાખ્યાં હતા.પરિણામે એનો જ સ્ટાફ એના વિષે શું વાતો કરે છે એ નવરા બેઠા બેઠા સાંભળતા અને એ પ્રમાણે એ ક્યાં કર્મચારીને કયું કામ સોંપવું અને ખાસ તો કોને કાયમી રાખવા અને કોને કાઢી મુકવા એ નક્કી કરતા. આ જે ટ્રાન્સમીટર હતા એ ખુબ લાંબી રેંજ સુધી વાતચીત પ્રસારિત કરી શકતા હતા. જે આખી જેલનો એરિયા કવર કરી લેતા હતા. જેની હકા ભીખાને તો ખબર નહોતી પણ ઘનાને પણ ખબર નહોતી!! હકા ભીખા અને ઘનો પીતા પીતા જે કાઈ વાત કરે એ ઝાલા સાહેબ પોતાની ઓફિસ બેઠા બેઠા સાંભળવાના હતા.!!! આર ડી ઝાલા કોઈ જોખમ લેવા માંગતા હતા. ન કરે નારાયણ હકા ભીખા પાસેથી સુટકેસની માહિતી ઘનાને મળે અને પછી ઘનો અને હકા ભીખા બને મળી જાય અને પછી વીકે શેઠ પાસે અધધ રકમની માંગણી કરે તો?? કારણકે સુટકેસમાં શું છે અને એ કેટલી મહત્વની છે એ ઘનો પૂરી રીતે જાણી ગયો હતો અને એ કદાચ ભાવાવેશમાં આવીને હકા ભીખાને કરી દે તો?? આમ પોતાને કોઈ ડબલ ક્રોસ ન કરી જાય એ માટે તેઓ એકદમ સતર્ક હતા.
અને ડાયરો ગોઠવાયો. બે પથ્થરની છીપર પર મકાન પાસે બેય બેઠાં. હકા ભીખાએ પોતાની સ્ટાઈલમાં બોટલ ખોલી. અને વાત શરુ કરી.

Image Source

“ જેમ કોઈ પણ છોકરી એના આંખના ઉલાળા અને દેહના ઉલાળા પરથી ખબર પડી જાય કે આ બાપનું નામ રાખશે કે બાપનું નામ બોળશે એમ જ બોટલનું ઢાંકણ જે રીતે ખોલે એ ઉપરથી ખબર પડે કે આ પીવાનો ટાયો છે કે નહિ. બોટલનું ઢાંકણ પરફેકટ રીતે ખુલે તો જ પેગ માપે ભરાય. પેગ કેમ ભરવો એની પણ એક આગવી ઢબ છે!!” હકા ભીખા સ્ટીલના છાલિયા પેગ બનાવતો હતો. કારણકે આજ ગ્લાસ ઉપલબ્ધ નહોતા.

“ ચીયર્સ… ચીયર્સ…”!! કહીને હકા ભીખાએ બે ય છાલિયા ભટકાડયા અને એક ઘૂંટ ભર્યો અને મોઢું કટાણું કર્યું. ઘણા દિવસે લાલ પાણી પેટમાં ગયું હતું. ઘના એ પણ એક હળવો ઘૂંટ ભર્યો. એને આર ડી ઝાલાની કડક અને કડક સુચના હતી કે કોઈ પણ સંજોગોમાં એક પેગથી આગળ નથી વધવાનું. નહિતર અવળું થઇ જશે જે વાત હકા ભીખા પાસેથી કઢાવવાની છે એ વાત તો નહિ નીકળે પણ ઊલટું હકા ભીખા તારા પેટની વાત જાણી જશે તો આપણા તમામ પાસા ઉંધા પડશે. માટે એક પેગ જ્યાં સુધી આખી બોટલ હકા ભીખા ખાલી ન કરે ત્યાં સુધી પૂરો ન કરવો. પેગ પૂરો થાય તો બીજો પેગ આપેને.. પેગ ધીમે ધીમે ચૂસકી લઈને પીવાનો. આ કેમ્પા કોલા કે ગોલ્ડ સ્પોટ નથી કે ગટગટાવી જાવાની. એટલે ઘનાએ હળવો ઘૂંટ ભર્યો અને પછી વળી એમાં પાણી નાંખ્યું અને બોલ્યો.

“ આ કડવું છે બહુ બહુ કડવું.. ખબર્ય નહીં કે દુનિયા આની પાછળ કેમ ગાંડી હશે” ઘના એ નાટક શરુ કર્યું બાકી વાર તહેવારે એ પોતાના શેઠની વાડીએ અને લગ્ન પ્રસંગોમાં શિયાળાની રાતમાં એ મોડેથી પેગ પર પેગ પીતો જ હતો. પણ કાયમી ધોરણે નહિ તદન હંગામી ધોરણે એ પીતો.

“ શરૂઆતમાં એ એવું જ લાગે જેટલું જેટલું કડવું કડવું હોય એ બધું જ શરીર માટે ગુણકારી હોય.. જેટલું ગળ્યું એટલું જ એ શરીર માટે બળ્યું!! એ કડવાનો પણ એક અનેરો આનંદ હોય છે.. પ્રેમ પણ આવો જ હોય છે. પહેલા મીઠો લાગે એ પાછળથી કડવો લાગે.. પહેલા કડવો લાગે એ પાછળથી મીઠો લાગે. જીવનમાં પ્રેમ કરવો જ જોઈએ. ઘણા કહે છે કે પ્રેમ આપોઆપ થઇ જાય શું થઇ જાય તંબુરો.. સાવ ખોટીના એ બધા.. પ્રેમ રીતસર કરવો પડે.. રીતસર કરવો પડે…!!!” ઘણા દિવસે હકા ભીખાના પેટમાં વ્હીસ્કી ગઈ અને એ પણ ઓરીજનલ અને દસ વરસ જૂની બ્રાન્ડની બોટલ એટલે અસર તો થવાની જ હતી. હકા ભીખાને એક જ પેગમા મોજુના ફુવારા છૂટવા મંડ્યા.

“ ઘના આમ તો તું હજુ નાનો કહેવાય..!!! ભલે જુવાન ખરો પણ નાનો..!!! માણસ પ્રેમ કરે પછી જ મોટો થાય….!!! એટલે જ પ્રેમ સહુથી મોટો છે…..!! માણસ નાનો હોઈ શકે પણ પ્રેમ હમેશા મોટો જ હોય એ નાનો ન હોય!!!”

“ પ્રેમથી પતન પણ થાય અને પ્રગતિ પણ થાય…..!! પ્રેમ પુરુષાર્થ પણ છે પ્રેમ પાંગળો પણ છે..!! તમે કેવા પ્રેમને પસંદ કરો એના પર આધાર છે…..!! હકા ભીખા હવે આડેધડ ફિલસુફી ઝીંકવા માંડ્યો હતો. પણ ઘનાએ જયારે આ શબ્દો સાંભળ્યા “ પ્રેમથી પતન પણ થાય અને પ્રગતિ પણ થાય” ત્યારે ઘનાએ પોતાનો વિચાર કર્યો. પોતાના પ્રેમે એને શું આપ્યું પ્રગતિ કે પતન.. ઘનો એ નક્કી નહોતો કરી શકતો. જેલમાં ગયો.. એ પણ ખૂનની સજામાં.. જેલમાં પણ મહેલ જેવી સગવડો મળી.. એકી સાથે કેટલાય મહિનાની કમાણી વીકે શેઠ તરફથી મળી ગઈ. વળી જેલમાંથી છૂટશે ત્યારે પણ એને કામ ધંધો શોધવો નહિ પડે. વીકે શેઠ બધી જ તૈયારી કરીને બેઠા હશે. તો શું આને પ્રગતિ ન કહી શકાય?? ઘનો નક્કી નહોતો કરી શકતો એ સ્ટીલના છાલીયામાં ભરેલ વ્હીસ્કી તરફ જોઈ રહ્યો. આકાશમાં ચાંદો ખીલ્યો હતો એનું પ્રતિબિંબ છાલીયામાં ભરેલા શરાબમાં પડતું હતું.એમાં ચાંદો દેખાયો. ઘનો પણ વ્હીસ્કીની અસર નીચે આવી ગયો હતો એને એમાં વર્ષા દેખાણી!! પોતાની વરસુડી!! એની એ નખરાખોર આંખો અને મસ્તી ભર્યા ભરાવદાર ચણોઠી જેવા લાલ ગુલાબી હોઠ.. ડાબી બાજુએ એક કાળો તલ. માથું એકદમ ગોળ અને વાન રૂપાળો. વાળ તો એના જન્મથી જ લાંબા હતા.પણ અરીઠા અને શિકાકાઈ થી એ ઘસી ઘસીને રોજ ન્હાતી એટલે વાળ એકદમ મુલાયમ તો હતા પણ છેક જમીન સુધી આંબે એટલા લાંબા હતા. ભરાવદાર ઉભાર એ વરસુડીની મોટી મૂડી હતી.ટૂંકમાં કમનીય કાયા અને આકર્ષક અને લલચામણા દેહ વળાંકોએ વરસુડી ઉર્ફે વર્ષા એ ગામ ગાંડું કર્યું હતું. વર્ષા પાછળ ગામના યુવાનો ગાંડા હતા પણ વર્ષા ઘના પાછળ ગાંડી હતી. ઘના પાછળ તો બીજી ઘણીય છોકરીયું ગાંડી હતી પણ ઘનો કોઈનેય કોઠું નહોતો આપતો પણ એ પણ વરસુડીની આગળ હારી ગયો હતો.. બસ આવી જ પૂનમની કેટલીય રાતો વર્ષા અને ઘનાએ સાથે ગાળી હતી.. પોતાના ઘરની બાજુમાં જ રામજી શામજીનું ખેતર.. બસ એ ખેતરની વચ્ચે એક પંખી ઉડાડવાનો માંચડો હતો.. જ્યાં ગોફણ અને પથ્થર પડ્યા હોય.દિવસે તો રામજી આતા હોલા અને પારેવા કે ચકલાને ગોફણના ગોળાથી ઉડાડે, પણ લગભગ નક્કી કરેલા દિવસે રાત્રે આ પ્રેમી પંખીડા માંચડા પર મળતા અને વરસુડીની છાતી પર પોતાનું માથું મુકીને ઘનો ચાંદા તરફ જોતો. ઉપર નીચે થતી વરસુડીની છાતી પર માથું રાખીને સુવાની એને મજા આવતી. એક સુવાસિત શરીર અને એમાં પણ જયારે હેત ભળે ત્યારે એ પ્રસંગનું કોઈ વર્ણન ન થઇ શકે એમ જયારે વર્ષા ઘનાને બાહુપાશમાં લેતી એ દ્રશ્યનું કોઈ કાળે વર્ણન થઇ શકતું નહિ.

Image Source

“ એય ઘના ક્યાં ખોવાઈ ગયો??? કેમ ઊંધું જોઇને છાલિયા સામું જોઈ રહે છે?? એક ઘૂંટમાં આટલો બધો ચડી ગયો કે શું??” હકા ભીખાએ એને હલબલાવ્યો ત્યારે ઘનો પોતાની વર્ષા ઉર્ફે વર્સુડીમાં બહાર આવ્યો.અને આંખો પટપટાવીને પરિસ્થિતિ સંભાળી લીધી. તરત જ એ બોલ્યો.

“ કાકા હું તમારા શબ્દો પર વિચાર કરતો હતો.. તમે બહુ મોટા પ્રેમી છો એ વાત નક્કી. તમારા પ્રેમ વિષે અમને કહો તો અમારા જેવા શીખાઉ છોકરાને કામ લાગે ને આમેય કાકાનો જન્મ જ ભત્રીજાને લાઈન દોરીએ લઇ જવા માટે થયો હોય છે ને” ઘના એ વાતને સીધા પાટે ચડાવવાનો પ્રયાસ કર્યો.
બીજો પેગ ભરીને હકા ભીખા બોલ્યા.

“ પ્રેમ તો મેં એક જ વખત કર્યો છે અને આજ સુધી ચાલે છે એને પ્રેમ કહેવાય.. પણ મારી પહેલા મારા ભાઈને પ્રેમ થઇ ગયો. બોલ્ય.. મારો ભાઈ છકો ખરોને એને મારી પહેલાં પ્રેમ થઇ ગયો બોલ્ય પછી મને પ્રેમ થયો .. આવું છે.. પ્રેમ નાનું મોટું ન જુએ.. પ્રેમ સારું મોળું ય ન જુએ… પ્રેમ ધર્મ બર્મમાં ય નો માને.. પ્રેમ કોઈ જ્ઞાતિથી ન થાય પ્રેમ દિલથી દિલ વચ્ચે ડાયરેક કનેક્શન કહેવાય.. હમણા છાપામાં નહોતું આવ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે હોટલાઈન ગોઠવાણી છે આપણા વડાપ્રધાન રાજીવ ગાંધી અને પાકિસ્તાનના વડા પ્રધાન સીધા હોટ લાઈન થી વાત કરશે એવી લાઈનો ટેલીફોનની નંખાણી છે.!!! બસ પ્રેમ એ એક પ્રકારની હોટ લાઈન છે..!! પ્રેમમાં વચેટિયા નો હોય..!!એમાં કોઈ દલાલી નો હોય..!!!” બીજો પેગ પૂરો કરીને વળી હકા ભીખાએ આડેધડ ભરડવાનું શરુ કરી દીધું હતું.

“ કાકા તમે પોઈન્ટ ટુ પોઈન્ટ વાત નથી કરતા.. આ હોટ લાઈન જેવી જ વાત કરોને જેમાં તમારા અને તમારા ભાઈને થયેલ પ્રેમ સિવાય બીજું કાઈ વર્ણન ન આવે.. બસ સીધે સીધી વાત..” ઘનો વાતની ગાડી બરાબર ટ્રેક પર ગોઠવાઈ એ જોવા માંગતો હતો.
અને હકા ભીખાએ ત્રીજો પેગ ભર્યો અને કોટરિયું ખાલી કર્યું. અને ઊંધું મુક્યું. પોતે એક ઘૂંટ ભર્યો અને વાત શરુ કરી.

“ મારો ભાઈ છકો જે મોટે ભાગે પતરાની ઓરડીમાં જ રહેતો કારણકે ત્યાં અમે પેલા નોટોના બંડલ દાટેલા હતા ને તે ત્યાં ખૂટ્યા સુધી છકો ઘરે ને ઘરે.. મેં એને મર્ફીનો રેડિયો લઇ દીધેલો.. એમાંથી આખો દિવસ ગીત વગાડ્યા કરે..એમાં થયું એવું કે બાજુમાં એક બહુ મોટા માણસનું ખેતર અને એની છોડી હારે આપણા આ છકા ભાઈ પડ્યા પ્રેમમાં. મને તો ચાર વરસ પછી ખબર પડી કે મારો નાનો ભાઈ છકો કે જેને હું નાનો માનતો હતો એ ચાર વરસથી મંજુને પ્રેમ કરે છે. એ છોડીનું નામ મંજુ હતું. કોઈને પણ ખબર નહિ કે આ બને જણા વચ્ચે આવો મનમેળ હશે. કારણ એટલું કે એ બને લોકો પોતાના પ્રેમની પબ્લીસીટી કરવા માંગતા નહોતા. જયારે આજકાલના તમારા જેવા જુવાનીયા કાઈ હોય નહીં તોય પબ્લીસીટી કરે ઝાઝી.. કોઈ હસીને તમારી સામું જુએ કે તરત જ તમે તમારા ભાઈ બંધોને કહી દો કે પેલી કાલે મને બગીચામાં બે કલાક મળી બોલો!! આવી ખોટી પબ્લીસીટીને કારણે આજ કાલ પ્રેમ બદનામ થાય છે. છોકરા એકલા જ ફાંકા મારે એવું નથી છોકરીયું ફાંકોડી થઇ ગઈ છે. છકાના પ્રેમની મને ત્યારે ખબર પડી કે એક વખત પાંચ વાગ્યે છકો અને મંજુ પોતાની સુટકેશ લઈને મારી રજા લીધી.

“ મોટા ભાઈ આ મંજુ સાથે જાવ છું. અમે લગ્ન નથી કર્યા પણ દિલથી એક બીજાના પતિ પત્ની છીએ. તમારા આશીર્વાદ જોઈએ છે મોટા ભાઈ! બસ આ લાઈનમાંથી નીકળવા માંગુ છું. ઘરમાં જેટલા પૈસા હતા એ બધાય હું લઇ જાવ છું. તમારે જરૂર પડે તો બીજા કમાઈ લેજો. પૈસા કમાવવા એ તમારા માટે ડાબા હાથનો ખેલ છે” છકો મારી સામે ઊંચું માથું કરીને બોલતો હતો. મેં એ છોકરી સામે જોયું. અને છકો બોલ્યો.

“ આ બાજુના ખેતરવાળાની છે પણ એના ઘરે કોઈને ખબર નથી કે અમે પ્રેમમાં છીએ. એવા હરખ પદુડા અમે થયા જ નથી. અમને જે ગમતું ગયું એ અમે ચુપચાપ કરતાં ગયાં, એણે પણ ઘરેથી પૈસા લઇ લીધા છે. એની બે બહેન પરણી એમાં જે ખર્ચ થયો એના પિતાજીને એટલા જ પૈસા મંજુએ લઇ લીધા છે. વધારે એક રૂપિયો પણ નહિ અમને રજા આપો. તમારી પર કોઈ જ શંકા નહિ કરે.” અને ઘના બોલ્ય છકો અને મંજુ અહીંથી ઢાંક બાજુ જતા રહ્યા. ત્યાં એક મકાન લીધું થોડી જમીન પણ લીધી વાવવા માટે અને બકાલું પણ વાવેલું. શાકભાજીનો વ્યવસાય શરુ કરેલો એકાદ વાર હું એના ઘરે પણ જઈ આવ્યો છું. ત્રણ વરસ પછી છકો અને મંજુ અમદાવાદ બાજુ જતા રહ્યા હતા. મંજુના પિતાજીને પણ ખબર પડી ગઈ કે મંજુ ઢાંકમાં છે. એ ખબર કેમ પડી એની પણ એક રસપ્રદ વાત છે ઘના. મંજુ મારા ભાઈ સાથે ભાગી ગઈ પછી એના પિતાજીએ ઘણી શોધખોળ કરી. મંજુને કોઈ લઇ ગયું હશે?? મંજુ જાતે જ નાસી ગઈ હશે?? મંજુના પિતાજીને ખબરહતી જ છોકરી નાસી જ ગઈ છે કારણકે ઘરે થી મોટો દલ્લો લઈને ભાગી હતી. મંજુના પિતાજી એ સગા સબંધીઓને પણ કહી દીધું કે આડા અવળા તમે પણ તપાસ કરો પણ કોઈ જ પરિણામ ન આવ્યું. અને પોલીસ કોઈ નક્કર થીયરી પર પહોંચી જ ન શકી. શહેરમાંથી લગભગ વીસેક શકમંદોને ખંખેર્યા પણ કોઈ કરતા કોઈ બાતમી હાથમાં ન આવી. એક કહેવત છે કે પ્રેમ છૂપ્યો ના છુપાય. પણ આ મંજુ અને છકાના પ્રેમની બીજા કોઈને ખબર પણ નહોતી. ધીમે ધીમે વાત વિસરાતી ગઈ. આશરે ત્રણ વરસ પછી મંજુના પિતાજી ઢાંક બાજુ એક જાનમાં ગયા. જાનના ઉતારે થી એ ગામની બજારોમાં બીજા ભાઈ બંધો સાથે ફરવા જોયા. અને એક ઘર આગળ એ અચાનક રોકાઈ ગયા અને બુમ પાડી!!

Image Source

“મંજુ બેટા”!!!!, મંજુ બેટા!!!!!, મંજુ બેટા!!!!”
અને તરત ઘરમાંથી મંજુ અને છકો બહાર આવ્યા મંજુના હાથમાંદોઢ વરસનું બાળક હતું.પોતાના પિતાજીને જોઇને મંજુ સ્તબ્ધ થઇ ગઈ!! કોણે સરનામું આપ્યું હશે અહીનું?? એવું ચકો વિચારતો રહ્યો. પિતાજીને ખાટલો ઢાળીને બેસાડ્યા. બધી જ વાત કરી. મંજુના પિતાજી છકાને ઓળખતા પણ નહોતા. મંજુએ જ પરિચય કરાવ્યો કે આપણા ખેતર ના શેઢા પર રસ્તામાં જે ઝુંપડા છે ને તેમાં પતરાવાળું મોટું ઝૂંપડું એ એનું હતું. જવાબમાં મંજુના પિતાજી એટલું બોલ્યા. ભાગવુ જ હોય તો કહીને ભગાય ને હું થોડો ના પાડત. એટલું કહીને એણે મંજુના બાળકના હાથમાં સો રૂપિયા પણ આપ્યા અને જણાવ્યું કે હવે નિરાંતે બને જણા ઘરે આંટો મારી જાજો જે થયું એ થયું!! પણ મંજુથી ના રહેવાયું એ પૂછી બેઠી બાપુજી તમે કઈ રીતે જાણી ગયા કે આ ઘરમાં હું જ રહું છું અને સીધો સાદ જ પાડ્યો. જવાબમાં મંજુના બાપા બોલ્યા.

“ બાપ દીકરીને લાખોની વચ્ચે પણ ઓળખી કાઢે.. નાનપણમાં તું ફળિયું વાળતીને ત્યારથી તને જોતો આવ્યો છું. તું ફળિયું સાવરણા વડે વાળય કે પછી સાવરણી વડે પણ એક અર્ધ ચંદ્રાકાર ભાત ફળિયામાં ઉપસી આવે. એક જ સરખી ભાત આખા ફળીયામાં જોવા મળે. બસ તને એ નોતી ખબર પણ મને એ તારી ખાસીયતની ખબર હતી. નાનપણથી તું વાળતી એ દ્રશ્ય જોતો આવ્યો છું. તારામાં બહુ બધું પરિવર્તન આવી ગયું. ફળિયું વાળવાની રીત તો એની એ જ રહી. તું ઘરેથી ગઈ પછી હું રોજ ફળિયું જોતો અને તારી યાદ આવી જતી. બસ પછી બહારગામ જાવ.. કોઈના ઘરે મહેમાન થાવ કે ગમે ત્યાં જાવ. મોકો મળે એટલે દરેક ઘરના ફળિયા જોતો જાવ અને આજ અચાનક આ ઘરેથી નીકળ્યો અને વાળેલું ફળિયું જોયું અને મનમાં ગોઠવાઈ ગયું કે આ જ મારી મંજુનું ઘર!!” બોલ્ય ઘના મંજુના બાપાએ મંજુને એ રીતે ઓળખી કાઢી!! વાળવાની રીત પરથી જ!!

જેવા મંજુના પાપા ગયા કે તરત જ મંજુ બોલી અને છકાને કહ્યું કે હવે અહી નથી રહેવાનું. મારા પિતાજીને હું જાણું છું. અત્યારે તો એ મીઠું મીઠું બોલીને ગયા છે સંબંધ સુધારીને ગયા છે. તમને એમ થતું હશે કે હવે ત્યાં જવામાં પણ વાંધો નહિ. એ આ રીતે ભલભલાના કાસળ કાઢી નાંખે એવા છે . એ વેર ક્યારેય ભૂલતા નથી. એ જેવી રીતે મને ઓળખે છે એમ હું પણ મારા પિતાજીને સારી રીતે ઓળખું છું. હવે આપણે એવી જગ્યાએ રહેવાનું છે કે જયા ફળિયા જ ન હોય!! અને એકજ દિવસમાં બધું સંકેલીને વેચીને એ અમદાવાદ જતા રહ્યા. પછી મને ટપાલ આવેલી એમાં છકાએ લખેલું કે મંજુનું કહેવું એમ છે કે તમે પણ એ જગ્યા છોડી દો. કારણકે મંજુના બાપાને ખબર છે કે હકા ભીખાનો ભાઈ છકા ભીખા છે એટલે એ નક્કી તમને પણ દુઃખીના દાળિયા કરી જ દેશે!! બોલ્ય ઘના મારા ભાઈની આવી લવ સ્ટોરી છે!! બસ એ લોકો અમદાવાદમાં એક વખત મને મળ્યા હતા પછી નથી મળ્યાં” કહીને હકા ભીખાએ વાત પૂરી કરી અને ત્રીસ નંબર સળગાવી. ઘના એ પણ પોતાનો એક પેગ પૂરો જ કર્યો હતો. ઘનો બોલ્યો.

“ તમારી પ્રેમ કહાની મારે જાણવી છે.. તમારા ભાઈની તો પ્રેમ કહાની દાન્ડવા પણ તમારી પ્રેમ કહાની દવલ સાથેની એકદમ ચાકા જેવી હશે એ સાંભળવી છે.. ઝડપથી એ કહો.”

“ મોડી રાત થઇ ગઈ છે એટલે હવે સુવું જોઈએ.. મારી કહાની હું કાલ્ય કહીસ.. પણ ભત્રીજા તારી કહાની પણ પછી મને કહેવી પડશે.. તું એક છોકરીના લફરામાં જ અહી આવ્યો છે જેલમાં એ મને ખબર છે!! આમેય હું તારા કાકા જેવો તો છું જ ને અને કાકાની આજ્ઞા પ્રમાણે ભત્રીજાએ ચાલવું જોઈએ.. બોલ્ય વચન આપ્ય કે કાલ તને હું મારી લવ સ્ટોરી કહું પછી તારે મને તારી આખી સ્ટોરી કહેવાની છે.” હકા ભીખાએ કહ્યું. અને ઘના ઉર્ફે ઘનશ્યામ પરબતે વચન આપ્યું.
આર ડી ઝાલાએ એને કહ્યું પણ હતું કે કુદરતી રીતે એ એની સ્ટોરી કહે એમાં જ આપણી ભલાઈ છે. એ જયારે પણ કહે એની રીતે જ કહે એ યોગ્ય છે. અને એટલે જ આજે ઘના એ કોઈ હઠા ગ્રહ પણ ન કર્યો હકા ભીખાની લવ સ્ટોરી સાંભળવાનો. હકા ભીખા થોડી જ વારમાં ઘસઘસાટ સુઈ ગયો. ઘનાને થોડી વાર ઊંઘ ન આવી પછી એ સુઈ ગયો!!
આ બાજુ આર ડી ઝાલા પોતાની ઓફિસની બાજુમાં એક મકાન હતું એની અંદર એક મકાન હતું ત્યાં એક ગોળાકાર ટેબલ હતું. ત્યાં બેઠા બેઠા કાનમાં હેડફોન ભરાવીને પેલા જગમાં રહેલા ટ્રાન્સમીટર દ્વારા હકા ભીખા અને ઘનાની વાત સાંભળતા હતા. આર ડી ઝાલાએ પણ કાન પરથી હેડ ફોન હટાવીને સુવાની તૈયારી કરી.. બસ કાલે હકા ભીખા પોતાની પ્રેમ કહાની કહે અને એમાં દવલનું અત્યારનું સરનામું મળે એટલે બાકીનું એ ફોડી લેશે!!

કાલે હકા ભીખા ગાળીયામાં આવી જ જશે એની પુરેપુરી ખાતરી થઇ જતા આર ડી ઝાલા ઊંઘમાંને ઊંઘમાં મુસ્કુરાઈ રહ્યા હતા!!

*************ભાગ દસ પૂર્ણ**************

ક્રમશ:
મિત્રો, જો તમે આ નવલકથાનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી કરીને અમને આ નવલકથાનો આગળનો ભાગ મુકવા માટે પ્રોત્સાહન મળી રહે અને આ નવલકથા માટેના રીવ્યુ પણ જરૂર આપજો, આગળ શું થવાનું તે જાણવા માટે રાહુ જુઓ ભાગ 10ની, જલ્દી જ આવશે.
લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ”, શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ, મુ.પો ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.