એકનો એક દીકરો ગળતેશ્વરમાં નાહવા માટે ગયો, અને ઊંડા પાણીમાં જતા ડૂબી જવાથી થયું મોત, માતા પિતા ઉપર તૂટ્યો દુઃખોનો પહાડ

મિત્રો સાથે ગળતેશ્વર મહીસાગરમાં નાહવા ગયો પ્રાંતિજનો યુવક, ડૂબી જવાથી થયું મોત, પરિવારના માથે તૂટ્યું આભ

કોરોના વાયરસની બીજી લહેરનો પ્રકોપ ઓછો થવાના કારણે ઘણા લોકો હવે ફરવા માટે બહાર નીકળી રહ્યા છે, આ દરમિયાન ધાર્મિક તેમજ હિલ સ્ટેશનો ઉપર ભારે ભીડ એકથી થતી પણ જોવા મળી રહી છે, ત્યારે આવા સ્થળો ઉપરથી દુર્ઘટનાના સમાચારો પણ સતત સાંભળવા મળી રહ્યા છે. હાલ એવી જ એક ઘટના મહીસાગર જિલ્લાના ગળતેશ્વરમાંથી સામે આવી છે, જ્યાં પ્રાંતિજનો એક યુવક ફરવા માટે ગયો હતો અને નદીમાં ડૂબી જવાના કારણે તેનું મોત થયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પ્રાંતિજ તાલુકાના કાટવાડ ગામના દિનેશસિંહ લાલસિંહ મકવાણા પોતાના કાકાના દીકરા સાથે પાવાગઢ મહાકાળી માતા અને ગળતેશ્વર મહાદેવના દર્શન કરવા માટે એક ખાનગી ટ્રાવેલ્સમાં ગયા હતા. આ દરમિયાન તેઓ ગળતેશ્વર નદીએ નાહવા માટે રોકાયા હતા. જ્યાં દિનેશ પણ નહાવા માટે ગયો હતો.

ગળતેશ્વરમાં વહેતી મહીસાગર નદીના પ્રવાહમાં મસાણીયા પથ્થર પાસે રહેલા વધુ ઊંડા પાણીની અંદર દિનેશ નાહવા માટે ગયો હતો, પરંતુ પાણી ઊંડું હોવાના કારણે તે અંદર ડૂબી ગયો હતો. તેને ડૂબતો જોઈને તેની સાથે આવેલા લોકોએ બુમાબુમ કરી હતી જેના બાદ સ્થાનિક તરવૈયાઓએ તેને શોધવા માટે નદીમાં ઝંપલાવ્યું પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઇ ગયું હતું અને આખરે દિનેશની લાશ પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

દિનેશની લાશને સેવાલિયા પોલીસે પંચનામું કર્યા બાદ પોસ્ટમોર્ટમ માટે મોકલાવી હતી. દિનેશ તેના પરિવારનો એકમાત્ર દીકરો હતો. દીકરાના આમ અચાનક નિધનથી પરિવાર માથે પણ આભ તૂટી પડ્યું છે.

Niraj Patel