દુનિયાને નવીનતા પસંદ છે. અહીં જે કોઈ વ્યક્તિ ચીલાચાલુથી કંઈક અલગ કરી દેખાડે એ ખાટી જાય છે! આપણા ઘરમાં આવતું ખુરશી, ટેબલ કે કબાટ જેવું ફર્નિચર બનાવવા માટે લાકડાંની જરૂર પડે છે. એ માટે વૃક્ષોને કાપવા પડે છે. આ શિરસ્તો વર્ષોથી ચાલ્યો આવે છે. પણ એવું બને ખરું કે વૃક્ષોને જ ખુરશી કે ટેબલ આકારમાં ઉગાડી શકાય? વાત થોડી હાસ્યાસ્પદ ભલે લાગતી હોય પણ આનો જવાબ ‘હા’ છે! અને એ કરી દેખાડ્યું છે ઇંગ્લેન્ડનાં એક દંપતિએ. તેમણે શી કમાલ કરી અને એને પરિણામે આજે તેઓ કેટલું કમાય છે એ જાણવું હોય તો વાંચો નીચે :

હું ફર્નિચર ઉગાડું છું!
ગેવિન મુનરો અને એલિસ મુનરો : આ બંને પતિ-પત્નીના ખેતરમાં ઉગતા છોડવા ખુરશી કે ટેબલ આકારના હોય છે! આ અનોખું હુન્નર અજમાવીને તેઓ આજે લાખો રૂપિયા કમાઈ રહ્યાં છે. મુનરો દંપતિનું માનવું છે, કે આપણે ફર્નિચર બનાવવા માટે ૫૦ વર્ષ જૂનું ઝાડ કાપી નાખીએ એના કરતા ઝાડ જ એવું વાવીએ કે જેનો આકાર ફર્નિચર જેવો હોય તો શું ખોટું?

એક ટેબલની કિંમત ૧૧ લાખ
ગેવિન અને એલિસે આજે ફર્નિચર ઉગાડવાનો બિઝનેસ ચાલુ કર્યો છે. પોતાની કંપની પણ ખોલી છે. ખેતરમાં તે છોડ વાવે છે અને પછી એને એની ડાળીઓને એવી રીતે શરૂઆતથી જ વિવિધ પ્રકારે વાળી દે છે કે મહિનાઓ બાદ એ છોડ પર તમે ખુરશીમાં બેઠા હો એમ બેસી શકો કે એને ટેબલ સમજીને એના પર પોતાનું લેપટોપ, ચોપડીઓ કે ડોક્યુમેન્ટ્સ પણ રાખી શકો! મુનરો કપલના કહેવા પ્રમાણે, છોડને પોતાની ઇચ્છા મુજબ મરોડવાની અને એ પ્રમાણે તેની વૃધ્ધિ થાય એ રીતે નિયંત્રણ રાખવાનું કામ ઘણું અઘરું છે પણ સમયાંતરે તેઓએ તેમાં હુન્નર કેળવી લીધું છે. હવે તેઓ ચપટી વગાળતામાં જાણી જાય છે કે, ખુરશી બનાવવા માટે આ છોડની ડાળખીઓને આ રીતે મરોડવી પડશે અને ટેબલ બનાવવા માટે અહીંથી આ રીતે!

આ પ્રકારે અત્યાર સુધીમાં તેમણે ૨૫૦ ખુરશીઓ અને ૫૦ જેટલાં ટેબલ બનાવી નાખ્યાં છે. એ ઉપરાંત, ૧૦૦ જેટલા લેમ્પનું પણ નિર્માણ કર્યું છે. તૈયાર થયેલાં એક ટેબલની કિંમત ૧૧ લાખ જેટલી હોય છે, ખુરશી ૮ લાખમાં પડે છે અને લેમ્પ ૮૦ હજારમાં! એક ખુરશીને તૈયાર થતા લાગતો ૬ થી ૭ મહિનાનો સમય અને પછી એટલો જ સમય એને સૂકવવા પાછળ લાગે છે એ જોતા કિંમત અને મહેનતનો રેશિયો થોડેઘણે અંશે બંધબેસતો જણાય એવો છે.

પહેલી વાર ટેબલ-ખુરશી સસલાં ચરી ગયાં!
આ રીતનો નુસ્ખો અજમાવવાનો વિચાર ગેવિનને એકદમ નાનપણમાં જ આવ્યો હતો. એમણે એક બોનસાઇનું ઝાડ જોયેલું, જેની ડાળીઓ એવી કઢંગી રીતે વળી ગઈ હતી કે તે ખુરશી જેવું જ લાગવા માંડેલું! ગેવિનના મનમાં ઝબકારો એ વખતે થયેલો, કે આનો ધંધો થઈ શકે! ૨૦૦૬માં તેમણે પોતાના ખેતરમાં બે ખુરશીઓ તૈયાર કરી હતી. એ પછી છ વર્ષ વીત્યાં અને એલિસ સાથે તેમનાં લગ્ન થયાં. લગ્ન બાદ બંનેએ આ અનોખા ફિલ્ડમાં આગળ વધવાનું વિચાર્યું. કારોબાર વધારવા માટે પોતાની એક કંપની પણ ખોલી.

ખેતરમાં પહેલી વાર ટેબલ-ખુરશીઓની ફસલ લેવા માટે શરૂઆત કરી. પણ કમભાગ્યે ઉગતાં ટેબલ-ખુરશીને ગાય અને સસલાં જેવાં પ્રાણીઓ ચરી ગયાં! આખો પાક બરબાદ થઈ ગયો. પણ બંનેએ હાર ન માની અને પ્રયત્નો ચાલુ રાખ્યા.

પ્રયોગોનું પરિણામ તો ઉપર ફર્નિચરની કિંમતો જણાવીને રજૂ કરી જ દીધું છે! આ પ્રકારનો ભેજાંફાડ તુક્કો કાંઈ નવો નથી. પ્રાચીન વખતમાં રોમન, ચીનીઓ અને જાપાનીઓ આ પ્રકારે જ ઝાડોને ઉગાડીને પોતાની ઇચ્છા મુજબનું ફર્નિચર તૈયાર કરતા હતા.
Author: કૌશલ બારડ GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.