અમદાવાદના નવા વાડજમાં વાહનોમાં તોડફોડ કરનારા 4 આરોપી ઝડપાયા, એક તો હતો માથાભારે રોહિત ઠાકોર

ગુજરાતમાંથી ઘણીવાર ગુનાહિત પ્રવૃત્તિઓના કિસ્સાઓ સામે આવતા રહે છે અને તેમાં સુરત, વડોદરા, રાજકોટ અને અમદાવાદ અગ્રેસર જણાય છે. અમદાવાદમાં લગભગ બે-ત્રણ દિવસ અગાઉ નવા વાડજ વિસ્તારમાં બાઇક પર નીકળેલા કેટલાક ઇસમોએ 15 જેટલા વાહનોમાં તોડફોડ કરી હતી

અને આ ઘટનામાં અમદાવાદ પોલિસે 16થી વધુ આરોપીઓને ઝડપી પાડ્યા છે. જો કે, ચાર આરોપી જે શહેર છોડી ભાગવાનો પ્લાન બનાવી રહ્યા હતા તેમને ગોતા પાસેથી દબોચી લેવામાં આવ્યા હતા. ક્રાઇમ બ્રાંચે માથાભારે રોહિત ઠાકોર, અજય ઠાકોર, વિશા અને જયેશ ઠાકોરની ગોતા બાજુથી ધરપકડ કરી હતી.

આરોપીઓ શહેર છોડવાની ફિરાકમાં હતા પરંતુ ક્રાઇમ બ્રાંચે બાતમીને આધારે તેમને શહેર છોડે તે પહેલા જ દબોચી લીધા હતા. ઘટનાની વિગત તપાસીએ તો, નવા વાડજમાં રેવા આવાસ યોજના ઔડાના મકાનો અને નંદનવન આવાસ મકાનો બહાર જાહેર રોડ પર રવિવારના રોજ મોડી રાત્રે વાહનોમાં તોડફોડ કરી હતી અને ભયનું વાતાવરણ ફેલાવ્યુ હતુ.

આ ઘટનામાં રોહિત ઠાકોર, અજય ઠાકોર, વિશા અને જયેશ ઠાકોર ઉપરાંત અન્ય 10-12 બીજા ઇસમો પણ સંકળાયેલા હતા, જેમણે ફરીયાદી પાસેથી મોબાઇલ અને રૂપિયા લેવા છરા, લાકડીઓ અને લોખંડની પાઇપો જેવા હથિયારો સાથે ઇજા પહોંચાડી અને સોસાયટી બહાર જે ફોર વ્હીલર અને બીજા કેટલાક સાધનો હતા તેને તોડફોડ કરી અને નુકશાન કર્યુ હતુ.

આ આરોપીઓને પોલિસે બાતમીને આધારે બુધવારના રોજ ગોતા વસંતનગર ટાઉનશીપના ગેટ પાસેથી ઝડપી પાડ્યા હતા. તેઓ શહેર છોડી ભાગવાની તૈયારીમાં હતા પરંતુ તે પહેલા જ પોલિસે તેમને દબોચી લીધા. જે ચાર આરોપી પકડાયા છે તેમાંનો એક રોહિત ઠાકોર પોતે ગેંગ લીડર છે તેવા વહેમમાં ફરે છે. પોલિસે આરોપીઓ પાસેથી હથિયારો જપ્ત કર્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રોહિત ઠાકોરની વાત કરીએ તો, તે ગેંગનો મુખ્ય સુત્રધાર છે તેવા વહેમમાં ફરતો હતો. તે વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ જમાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તેણે રવિવારે ફરિયાદીને ધમકાવ્યો હતો અને 20 હજાર રોકડા અને મોબાઇલ પડાવી લીધો હતો. આ આરોપીઓ વિરૂદ્ધ પોલિસે હત્યાનો પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે.

રોહિત આ ઉપરાંત વાડજ, રાણીપ અને અસલાલીમાં ચાર મારામારીના ગુનામાં અગાઉ પકડાઇ ચૂક્યો છે. તે સાબરમતીના ગુનામાં નાસતો ફરે છે તે એકવાર પાસા હેઠળ રાજકોટ જેલમાં પણ ગયો છે. અન્ય આરોપી વિશાલ ઠાકોરની વાત કરીએ તો, તે લગભગ પાંચ વર્ષ પહેલા રાણીપ પોલિસ સ્ટેશનમાં હત્યાના ગુનામાં પકડાયો હતો.

Shah Jina