બોલો, મુંબઈથી થાઇલેન્ડ જતી ફ્લાઇટના જમવામાં નીકળ્યો મરેલો વંદો, વિમાન કંપનીએ આપ્યો આ જવાબ

જો તમે ફ્લાઇટમાં હોવ અને તમને પીરસવામાં આવતા ખોરાકમાં વંદો જોવા મળે તો તમે શું કરશો ? એર વિસ્તારાની ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા એક વ્યક્તિ સાથે પણ કંઈક આવું જ થયું. એક એરલાઇન પેસેન્જરે ટ્વીટ કરીને ખોરાકમાં કોકરોચ મળવાની ફરિયાદ કરી છે. નિકુલ સોલંકી નામના આ વ્યક્તિને જે ભોજન પીરસવામાં આવ્યું હતું તેમાં વંદો હોવાનું બહાર આવ્યું છે. જ્યારે તેણે આ ફૂડનો ફોટો ટ્વીટ કર્યો તો 10 મિનિટમાં જ વિસ્તારાએ ટ્વીટ કરી પોતાનો જવાબ આપ્યો હતો.

નિકુલ દ્વારા ટ્વીટ કરાયેલ ફોટોમાં ઇડલી સાંભર અને ઉપમા છે. તેણે લખ્યું કે એર વિસ્તારાના ખોરાકમાં એક નાનો વંદો. આ પછી, એર વિસ્તારાના સત્તાવાર હેન્ડલથી તેનો જવાબ આપવામાં આવ્યો. તેમાં લખ્યું હતું, ‘હેલો નિકુલ, અમારું આખું ભોજન ગુણવત્તાના સર્વોચ્ચ ધોરણો અનુસાર તૈયાર કરવામાં આવે છે. કૃપા કરીને અમને તમારી ફ્લાઇટની વિગતોનો સંદેશ આપો. અમે આ બાબતની તપાસ કરીશું અને ત્યાર બાદ શક્ય તેટલી વહેલી તકે તમને જવાબ આપીશું.

કંપનીના જવાબ પર પેસેન્જરે કોમેન્ટમાં પોતાની પ્લેનની ટિકિટ શેર કરી, જેના પર તેની વિગતો લખેલી હતી. હાલમાં, એરલાઇન કંપનીએ પેસેન્જરને થયેલી અસુવિધા માટે ખેદ વ્યક્ત કર્યો છે અને સમગ્ર મામલાની તપાસની વાત કરી છે. સોશિયલ મીડિયા પર લોકો આ મામલે અલગ-અલગ રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે. પ્રવાસીએ ખાદ્યપદાર્થોમાં શૅર કરેલા વંદોનો ફોટો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

પ્રવાસીએ બે ફોટા ટ્વીટ કર્યા છે. એકમાં ઇડલી સાંભર, ઉપમા છે અને બીજી તસવીરમાં મરેલો વંદો દેખાય છે. એક યુઝરે કહ્યું- ફ્લાઇટમાં બગડેલું ભોજન મળવાનો આ પહેલો મામલો નથી. ત્યાં અન્ય યુઝરે લખ્યું – એરલાઇનમાં આવી ઘટના સ્વીકાર્ય નથી. અહીં અમે શ્રેષ્ઠ ખાવાની અપેક્ષા રાખીએ છીએ.

Shah Jina