એક જ પરિવારના 6 લોકોની અર્થી ઊઠી: સુણદા ગામમાં એકસાથે 6 લોકોની અંતિમયાત્રા નીકળતા ગામ આખુ હિબકે ચડ્યુ
6 people of Sunda village died in accident : ગુજરાતમાં અકસ્માતની ઘણી ઘટનાઓ છાસવારે સામે આવી રહી છે, જેમાં કેટલાય લોકો મોતને ભેટતા હોય છે. ગત રોજ એવી જ એક ગોઝારા અકસ્માતની ઘટના બગોદરા બાવળા હાઇવે પરથી સામે આવી હતી, જેમાં ચોટીલા માતાજીના દર્શન કરીને આવી રહેલા લોકોને એક ભીષણ અકસ્માત નડ્યો. જે છોટાહાથીમાં આ લોકો આવી રહ્યા હતા તે રોડ પર ઉભેલી ટ્રકની પાછળ ધડાકાભેર ઘુસી ગઈ હતી અને તેમાં 10 લોકોના મોત નિપજ્યા હતા. તમામ મૃતકો કપડવંજ અને બાલાશિનોરના હોવાનું સામે આવ્યું હતું.
આખું ગામ હીબકે ચઢ્યું :
ત્યારે આ તમામ મૃતકોના પોસ્ટમોર્ટમ બાદ પોલીસ જરૂરી કાર્યવાહી કરીને તેમના ગામ મોકલવામાં આવ્યા હતા. ત્યારે કપડવંજના સુણદા ગામની અંદર આ મૃતદેહો આવતા જ કલ્પાંત સર્જાયો હતો. મોડી રાત્રે મૃતદેહો ગામમાં આવતા જ આખું ગામ હીબકે ચઢ્યું હતું. આ ગોઝારા અકસ્માતમાં સુણદા ગામના જ ઝાલા પરિવારના 6 સભ્યોના નિધન થયા હતા. ત્યારે મોડી રાત્રે મૃતદેહો આવતા જ તેમના અંતિમ સંસ્કાર કરવાની તૈયારીઓ પણ કરવામાં આવી હતી.
એક સાથે નીકળી 6 લોકોની અંતિમયાત્રા :
એક સાથે 6 લોકોની અંતિમ યાત્રા નીકળતા જ ગામમાં સન્નાટો ફેલાઈ ગયો હતો અને સૌની આંખોમાં આંસુઓ હતા. 3200 જેટલી વસ્તી ધરાવતા આ ગામની અંદર કોઈના ઘરે ચુલહો પણ સળગ્યો નહોતો. આ દુઃખની ઘડીમાં સૌ કોઈ ઝાલા પરિવારની સાથે ઉભા રહ્યા હતા. આ અકસ્માતમાં 6 લોકો સુણદા ગામના વતની હતા તો 3 મહીસાગર જિલ્લાના બાલાસિનોર અને એક વ્યક્તિ કઠલાલ તાલુકાના હતા. જેઓ કૌટુંબિક સગા પણ થાય છે અને સૌ સાથે મળીને ચોટીલા માતાજીના દર્શને ગયા હતા.
ચોટીલા દર્શન કરીને પરત આવી રહ્યા હતા :
મૃતકોની અંતિમ યાત્રામાં ગામના લોકો સાથે કપડવંજ મામલતદાર. તાલુકા વિકાસ અધિકારી સાથે dysp PI અને PSI સાથે પોલીસ કર્મચારીઓ અને MGVCL કર્મચારીઓ પણ જોડાયા હતા અને તેમને સ્મશાન સુધીના રસ્તાની વ્યવસ્થા પણ કરી આપી હતી. આ અકસ્માત ત્યારે સર્જાયો જયારે આ તમામ લોકો ચોટીલા દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. ત્યારે બગોદરા બાવળા હાઇવે પર એક ટ્રકમાં પંક્ચર તથા જ રસ્તા પર ઉભી હતી, ત્યારે દર્શન કરીને આવી રહેલા લોકોની છોટા હાથી ગાડી તેમાં પાછળથી ટકરાઈ અને રોડ પર લોહીની નદીઓ વહેવા લાગી.