રાજકોટ: દોડતા દોડતા યુવક કાર સાથે અથડાયો, અચાનક થયું મોત, ગળા પર જોવા મળ્યો ઊંડો…CCTVમાં કેદ થઇ ઘટના

રાજકોટમાં આ યુવકનું થયું ખતરનાક રીતે મોત, CCTV વીડિયો જોઈને હાજા ગગડી જશે

ગુજરાતના રાજકોટને રંગીલુ શહેર કહેવામાંં આવે છે, પરંતુ આ રંગીલા રાજકોટમાં ઘણીવાર ગુનાખોરી તેમજ હત્યાના કિસ્સાઓ સામે આવતા હોય છે, જે ચર્ચાનો વિષય બનતા હોય છે. હાલમાં કંઇક આવું જ જોવા મળ્યુ છે. ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. રાજકોટના ખોડિયાર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં યુવક કાર સાથે અથડાયો હતો. કાર સાથે અથડાતા યુવકનું મોત થયું છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરુ કરી છે.

શહેરના 150 ફૂટ રિંગરોડ પરની આશ્રય ગ્રીનસિટી નજીક એક યુવક ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતા અને તેના ગળાના ભાગે કુહાડાના ઘા ઝીંકવામાં આવ્યા હતા. જો કે, આ યુવક હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મોત થઇ ગયુ હતુ. ઘટનાની વિગત તપાસીએ તો, રાત્રે 9 વાગ્યા આસપાસ એક યુવક ફોર્ચ્યુન હોટેલ પાછળ આશ્રય ગ્રીનસિટી ગેટ-2 પાસે આવેલા ગેરેજ નજીક દોડતો આવ્યો હતો અને તે કાર સાથે અથડાઇ પડી ગયો હતો.

આ યુવકને જોઇ રાહદારી મહિલાઓએ બૂમાબૂમ કરી હતી અને જેને પગલે ગેરેજમાં  કામ કરતા વ્યક્તિ જેમનું નામ સાવન ચૌહાણ છે તેઓ બહાર દોડી આવ્યા હતા. આ યુવકના ગળાના ભાગે ઊંડો ઘા જોવા મળ્યો હતો અને લોહી પણ વહી રહ્યુ હતુ. આ વ્યક્તિએ તરત જ 108ને જાણ કરી હતી અને 108 દોડી આવી હતી તે બાદ તેને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળ્યા પહેલા જ તે મોતને ભેટી ગયો હતો.

ઘટનાની જાણ થતા જ તાલુકા પોલિસ સ્ટેશનના પીઆઇ અને ક્રાઇમ બ્રાંચનો કાફલો દોડી આવ્યો હતો. મૃતકને ગળાના ભાગે ધારદાર હથિયારથી વાર કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યુ હતુ. યુવક જે તરફથી દોડતો આવ્યો હતો, તે બાજુના સીસીટીવી ચેક કરવામાં આવી રહ્યા છે. હાલ તો પોલિસે મૃતકની ઓળખ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છેે.

Shah Jina