રાજકીય જગતમાં શોક ! પૂર્વ CMનું નિધન, ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર

હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને ઈન્ડિયન નેશનલ લોકદળ (INLD)ના વડા ઓમપ્રકાશ ચૌટાલાનું શુક્રવારે 89 વર્ષની વયે અવસાન થયું છે. તેમના નિધન પર હરિયાણા સરકારે 20 થી 22 ડિસેમ્બર સુધી એટલે કે ત્રણ દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો છે. આ ઉપરાંત 21મી ડિસેમ્બરે રાજ્યમાં એક દિવસની જાહેર રજા રહેશે. ઓમપ્રકાશ ચૌટાલાના અંતિમ સંસ્કાર 21 ડિસેમ્બરે એટલે કે આજે તેમના ગામ તેજા ખેડા ફાર્મમાં રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે. 1 જાન્યુઆરી 1935ના રોજ હરિયાણાના ચૌટાલા ગામમાં જન્મેલા ઓમપ્રકાશ ચૌટાલા પાંચ વખત હરિયાણાના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.

જો કે તેમની રાજકીય કારકિર્દીમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા. તેઓ ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન દેવીલાલના સૌથી મોટા પુત્ર હતા. આઈએનએલડીના પ્રવક્તા અનુસાર, શુક્રવારે સવારે તેમને અચાનક હેડકી આવવા લાગી અને તબિયત બગડી. તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. ઓમપ્રકાશના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સમેત ઘણા દિગ્ગજ નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેઓ લાંબા સમય સુધી હરિયાણાની રાજનીતિમાં સક્રિય રહ્યા અને હંમેશા તેમના પિતા દેવીલાલના કામને આગળ વધારવાનો પ્રયાસ કર્યો. ચૌટાલા તેમના રાજનીતિક કૌશલ માટે જાણિતા હતા. જેલમાં રહીને તેમણે 82 વર્ષની ઉંમરે 12મા ધોરણની પરીક્ષા ફર્સ્ટ ડિવિઝનમાં પાસ કરી હતી. તેમની આ સિદ્ધિ પર બોલિવૂડ ફિલ્મ ‘દસવી’ પણ બની હતી. તેમની રાજકીય કારકિર્દી સાથે ઘણા વિવાદો પણ જોડાયેલા હતા.

1990ના કુખ્યાત “મેહમ કાંડ” અને 2000ના શિક્ષક ભરતી કૌભાંડમાં તેમનું નામ સામે આવ્યું હતું. 2013માં તેમને શિક્ષક ભરતી કૌભાંડમાં 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. 2022માં તેમને અપ્રમાણસર સંપત્તિના કેસમાં ફરીથી સજા સંભળાવવામાં આવી હતી. તેમના નેતૃત્વમાં હરિયાણાના ગ્રામીણ વિકાસ અને કૃષિ ક્ષેત્રમાં ઘણા મોટા પગલા લેવામાં આવ્યા હતા. ઓમપ્રકાશ ચૌટાલાના મોટા પુત્ર અજય સિંહ ચૌટાલાએ 2018માં જનનાયક જનતા પાર્ટી (JJP)ની રચના કરી હતી, જ્યારે નાનો પુત્ર અભય ચૌટાલા INLDના વરિષ્ઠ નેતા છે.

તેમના પૌત્ર દુષ્યંત ચૌટાલા હરિયાણાના નાયબ મુખ્ય પ્રધાન રહી ચૂક્યા છે. જમ્મુ કશ્મીરના નેતા ફારુક અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લાએ પણ ચૌટાલાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. શિરોમણી અકાલી દળ (એસએડી)ના પ્રમુખ સુખબીર સિંહ બાદલે તેને ખેડૂતો અને વંચિત વર્ગો માટે મોટું નુકસાન ગણાવ્યું હતું.ઓમપ્રકાશ ચૌટાલાએ ગુરુગ્રામમાં અંતિમ શ્વાસ લીધા. ચૌટાલા છેલ્લા એક સપ્તાહથી બીમાર હતા. બે દિવસ પહેલા જ તેમને મેડિસિટી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

શંકર ચોક સ્થિત એમ્બિયન્સ મોલની પાછળ એમ્બિયન્સ કેટ્રોનિયા સોસાયટીના ફ્લેટમાં તેઓ રહેતા હતા. ગતરોજ સવારે તેમની તબિયત બગડતાં તેમને મેદાંતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના અંતિમ સંસ્કાર ડબવાલીમાં તેમના પૈતૃક ગામ તેજાખેડા ખાતે આજે કરવામાં આવશે.

Shah Jina