શ્રદ્ધા વૉકર હત્યાકાંડ: “શાતીર” આફતાબની હરકતોથી પોલીસ હેરાન, જુઓ શું કરી બેઠો

દિલ્હીની શ્રદ્ધા હત્યાકાંડમાં આરોપી આફતાબ હાલ પોલીસ કસ્ટડીમાં છે અને પોલીસના સવાલોના પણ પોપટની જેમ જવાબ આપી રહ્યો છે, ત્યારે આ કેસમાં એક પછી એક નવા અને ચોંકાવનારા ખુલાસાઓ પણ થતા જોવા મળી રહ્યા છે. આજે ગુરુવાર, 17 નવેમ્બરના રોજ, આફતાબ પૂનાવાલાના ફ્લેટ પર પહોંચેલી ફોરેન્સિક ટીમને એક મહત્વનો પુરાવો મળ્યો છે. ફોરેન્સિક ટીમને રસોડામાંથી લોહીના ડાઘા મળ્યા.

એવું કહેવામાં આવ્યું છે કે આ ડાઘાઓ રસોડાના નીચેના શેલ્ફ પર હતા જ્યાં સામાન્ય રીતે સિલિન્ડર રાખવામાં આવે છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આફતાબે ફ્રિજ અને ફ્લોરને કેમિકલથી સાફ કર્યા હતા જેથી કોઈ ડાઘ ન રહે. આજ તકના રિપોર્ટ અનુસાર ફોરેન્સિક ટીમે ગુન્હાના સ્થળે બેન્ઝીન ટેસ્ટ કરાવ્યો હતો. આ પરીક્ષણમાં, ઘટના સ્થળે કેમિકલ ફેંકવામાં આવે છે અને જો તેનો રંગ લાલ થઈ જાય તો તેનો અર્થ એ છે કે તે જગ્યાએ લોહીના નિશાન છે.

ફોરેન્સિક ટીમે આ પહેલા રેફ્રિજરેટર પર બેન્ઝીન ટેસ્ટ કર્યો હતો જેમાં આફતાબે શરીરના અંગો રાખવાનો દાવો કર્યો હતો. પરંતુ ફોરેન્સિક ટીમને ત્યાં કશું મળ્યું ન હતું. આશ્ચર્યની વાત એ છે કે આખા ઘરમાં રસોડા સિવાય ક્યાંય પણ બેન્ઝીન ટેસ્ટમાં લોહીના ડાઘ મળ્યા નથી. ફોરેન્સિક ટીમે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આફતાબે શ્રદ્ધાના મૃતદેહના ટુકડા પોલીથીનમાં રાખ્યા હતા. પોલીસ તે પોલીથીન બેગને પણ શોધી રહી છે.

અત્યાર સુધી એવું કહેવામાં આવી રહ્યું હતું કે 6 મહિના પહેલા થયેલી કથિત હત્યા અને આફતાબે આપેલી માહિતીની પુષ્ટિ કરવા માટે પોલીસ પાસે જરૂરી પુરાવા નથી. ફ્લેટમાંથી મળી આવેલા લોહીના ડાઘ પોલીસને આ તપાસમાં કોઈ સફળતા અપાવી શકે છે કે કેમ તે જોવાનું રહેશે. આ સિવાય પણ પોલીસને ઘણી મહત્વની કડીઓ મળવાની છે. જેમ કે, હજુ સુધી પોલીસને શ્રદ્ધાનો મોબાઈલ ફોન મળ્યો નથી. એનડીટીવી અનુસાર, આફતાબ પોલીસને અલગ-અલગ નિવેદનો આપી રહ્યો છે. આરોપીએ પહેલા મહારાષ્ટ્રમાં ફોન ફેંકવાની વાત કરી અને બાદમાં ફોન દિલ્હીમાં ફેંક્યો હોવાનું જણાવ્યું.

ગુનામાં વપરાયેલ હથિયાર પણ પોલીસને મળ્યું નથી. આવી સ્થિતિમાં કોર્ટમાં એ સાબિત કરવું મુશ્કેલ બની શકે છે કે આફતાબે શ્રદ્ધાની હત્યા કરી છે. હાલમાં આફતાબની કબૂલાત સિવાય કોર્ટ સમક્ષ રજૂ કરવા માટે કંઈ નથી. પોલીસે આરોપીનો નાર્કો-એનાલિસિસ ટેસ્ટ કરાવવા માટે દિલ્હીની કોર્ટ પાસે પરવાનગી માંગી છે.

Niraj Patel