ખબર

ગાંધીનગરના આ વ્યક્તિને ફેસબુક ઉપર વિદેશી યુવતી સાથે મિત્રતા કરવી પડી ગઈ ભારે, 50.68 લાખની થઈ છેતરપિંડી

આજે-કાલ લોકો ઘરે બેઠા બેઠા પણ ઓનલાઇન ફ્રોડનો શિકાર બનતા હોય છે. આવા ઘણા જ કિસ્સાઓ રોજ બરોજ સામે આવે છે ત્યારે આવો જ એક કિસ્સો હાલ ગાંધીનગરમાંથી પણ સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિને ઓનલાઇન વિદેશી યુવતી સાથે મિત્રતા કરવી ભારે પડી ગઈ અને 50 લાખ કરતા પણ વધુની રકમથી હાથ ધોવા પડ્યા હતા.

ગાંધીનગરના સેક્ટરમાં રહેતા એક 42 વર્ષીય વ્યક્તિને એક વિદેશી યુવતી સાથે ફેસબુકના માધ્યમ દ્વારા મિત્રતા થઇ હતી. યુવતિએ પોતે યુકે ખાતે સ્પેશિયાલિસ્ટ હેલ્થકેર ફાર્મા કંપનીમાં પર્ચેઝ મેનેજર હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેને મોન્ગોન્ગો વાઈલ્ડ નટ્સ ઓછા ભાવે ખરીદી પોતાની જ કંપનીમાં ઊંચા ભાવે વેચવાની લાલચ આપી હતી.

Image Source (પ્રતીકાત્મક તસ્વીર)

ત્યારબાદ ગાંધીનગરમાં રહેતા વ્યક્તિએ નટ્સનું પેકેટ 1.90 લાખમાં ખરીદ્યું હતું. જેને યુવતીએ બજારની અંદર 4.55 લાખની કિંમતે તેની કંપનીમાં વેચવાનું જણાવ્યું હતું. તે વ્યક્તિએ એક નહિ પરંતુ 400 ગ્રામ નટ્સના 35 પેકેટ ખરીદ્યા હતા.

ત્યારબાદ યુવતી દ્વારા વધુ પેકેટ ખરીદવાની વાત કરવામાં આવતા વ્યક્તિને શંકા ગઈ હતી અને તેને તપાસ કરતા 1.90 લાખ રૂપિયાનું નટ્સનું પેકેટ માત્ર 10 હજારમાં મળતું હોવાનું સામે આવ્યું હતું. જેના બાદ પોતે છેતરાયો હોવાનું જાણ થતા જ તેને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે ફરિયાદના આધારે તપાસ કરતા 2 લોકોની ધરપકડ પણ કરી છે. તે વ્યક્તિએ આવા લોભામણા ધંધાની લાલચમાં આવીને 50.68 લાખ રૂપિયા ગુમાવ્યા હતા.પોલીસ આગળ કાર્યવાહી કરી રહી છે અને વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.