અમદાવાદમાં 11 વર્ષની દીકરીનું થયું સપનું સાકાર, બની એક દિવસની અમદાવાદ કલેક્ટર, સમગ્ર ઘટના જાણીને આંખો ભીની થઇ જશે

ઘણા લોકોને નાનપણથી જ કંઇક બનવાની ઇચ્છા હોય છે અને તેઓ તેમનું સપનુ પૂર્ણ કરવા માટે કંઇ પણ કરતા હોય છે. ત્યારે હાલ અમદાવાદમાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક બ્રેઇન ટ્યુમરની દર્દીને બાળપણથી જ કલેક્ટર બનવાની ઇચ્છા હતી. તે માત્ર 11 વર્ષની છે અને તેનું નામ ફ્લોરા આસોડિયા છે. તેને 7 મહીના પહેલા જ બ્રેઇન ટ્યુમર થયુ હતુ અને હાલ તેની સારવાર ચાલી રહી છે. તે ભણવામાં ઘણી હોશિયાર હતી અને તેનુ સપનુ આઇએએસ કરી કલેક્ટર બનવાનું હતુ.

ફ્લોરાના માતા-પિતા ઇચ્છતા હતા કે તેનું સપનુ પૂરુ થાય અને તેના જ માટે તેઓ એનજીઓ સુધી પહોંચ્યા અને એનજીઓ દ્વારા ફ્લોરાની ઇચ્છા પૂરી કરવા માટે અમદાવાદના કલેક્ટરને મળ્યા અને ત્યાર બાદ કલેક્ટર સંદીપ સાગલેએ ફ્લોરાની આ ઇચ્છા પૂરી કરી. ફ્લોરાની ઇચ્છાની જાણ એક એનજીઓ દ્વારા અમદાવાદ કલેક્ટર સંદીપ સાગલે સુધી પહોંચી તેમણે ફ્લોરા વિશે બધી માહિતી લીધી અને તેની ઇચ્છા પૂર્ણ કરવા માટે નિર્ણય લીધો. 18 સપ્ટેમ્બરના રોજ ફ્લોરાને એક દિવસની અમદાવાદ જિલ્લા કલેક્ટર બનાવવામાં આવી.

અમદાવાદ કલેક્ટર કચેરીએ ફ્લોરાનું રેડ કાર્પેટ પર સ્વાગત કરવામાં આવ્યુ હતુ તેમજ કલેક્ટર સંદીપ સાગલેએ તેને તેમની ખુરશી પર બેસાડી એક દિવસની કલેક્ટર બનાવી. ગંગા સ્વરૂપા આર્થિક સહાયના પ્રમાણપત્રો ફ્લોરાએ કલેક્ટરનો ચાર્જ લીધા બાદ આપવામાં આવ્યા. કલેક્ટર દ્વારા ગિફ્ટ આપી તેના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના પણ કરવામાં આવી હતી.  આ દરમિયાન કલેક્ટર સંદીપ ભાવુક થઇ ગયા હતા.

દીકરીના કલેક્ટર બનવા પર પરિવારે કહ્યુ કે, આજે દીકરીને કલેક્ટર તરીકે જોઇ અમારો પરિવાર ઘણો ખુશ છે, દીકરીની ઇચ્છા હતી કે ભણી ગણી કલેક્ટર બને પરંતુ બીમારીને કારણે તેની સ્થિતિ ઘણી કથળી રહી છે. એવામાં અમદાવાદ જિલ્લા કલેક્ટરને જાણ થતા જ તેઓએ સંવેદનશીલતા દાખવી, તેને એક દિવસની કલેક્ટર બનાવી હતી.

સરગાસણમાં રહેતી ફ્લોરા અને તેના પરિવારને જિલ્લા કલેક્ટરની ગાડીમાં બેસાડી અમદાવાદ કલેક્ટર કચેરી લાવવામાં આવ્યા હતા. ત્યાં તેને ગાર્ડ ઓફ ઓનર આપવામા આવ્યુ હતુ અને ત્યાંથી તેને કલેક્ટરની ચેમ્બરમાં લઇ જવાઇ હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેની ઇચ્છા જાણી તેને એક ટેબ્લેટ, બાર્બી ગર્સ સેટ તંત્ર દ્વારા આપવામાં આવ્યો હતો અને આ ઉપરાંત તેના જન્મદિવસ નિમિતે કેક પણ કાપવામાં આવી હતી.

Shah Jina