હિમાચલમાં તબાહીનો નજારો, દરેક તરફ પાણી જ પાણી, 3 બાળકો સમેત 13 લોકોના મોત, ઉત્તરાખંડમાં પણ 4 લોકોના જીવ ગયા, જુઓ તસવીરો

આ વર્ષે ચોમાસુ થોડું ભારે રહ્યું. ઠેર ઠેર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ગુજરાતમાં પણ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, ત્યારે દેશના બીજા રાજ્યોમાં પણ હાલ સ્થિતિ એવી જ છે, આ દરમિયાન હિમાચલ અને ઉત્તરાખંડમાં પણ વરસાદે કાળો કહેર વર્તાવ્યો છે, જેમાં કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે. આ તબાહીની ઘણી તસવીરો પણ સામે આવી રહી છે.

હિમાચલમાં ત્રણ બાળકો સહિત 13ના મોત થયા છે. ઉત્તરાખંડમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે. બંને રાજ્યોમાંથી ઘણા લોકો ગુમ હોવાનું કહેવાય છે. સર્વત્ર તબાહીના દ્રશ્યો દેખાઈ રહ્યા છે. ઉત્તરાખંડમાં દેહરાદૂન નજીક માલદેવતા સરખેત, ટિહરી અને યમકેશ્વર વિસ્તારમાં વાદળ ફાટવાને કારણે ભારે વિનાશ થયો છે.

હિમાચલ પ્રદેશમાં પણ મંડી અને ચંબા જિલ્લામાં વાદળ ફાટ્યું છે. વાદળ ફાટવાના કારણે અનેક લોકો દટાઈ ગયા છે. એક બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે જ્યારે 15 થી 20 લોકો તણાઈ ગયા છે. અનેક વાહનો પણ તણાઈ ગયા છે. ચંબામાં ભૂસ્ખલનને કારણે માતા-પુત્ર સહિત ત્રણથી ચાર લોકો કાટમાળ નીચે દટાયા હતા. જેના કારણે ત્રણના મોત થયા હતા.

કાંગડા જિલ્લામાં ભારે વરસાદને કારણે રાત્રે રેલવે મિલ ધોવાઈ ગઈ હતી. તે જ સમયે, ભારે વરસાદને જોતા ચંબા, મંડી પછી કાંગડા અને કુલ્લુ જિલ્લામાં પણ શાળાઓ બંધ કરવામાં આવી છે. હવામાન કેન્દ્ર શિમલાએ આજે ​​અને આવતીકાલે બે દિવસ ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. યુપીમાં ગંગા અને યમુના નદીના જળસ્તરમાં પણ વધારો થયો છે. યુપીના અનેક શહેરોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.

ભારે વરસાદની સ્થિતિમાં ભૂસ્ખલનની ઘટનાઓમાં વધારો થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં સ્થાનિક પ્રશાસન દ્વારા લોકો માટે એડવાઈઝરી જારી કરવામાં આવી છે. સ્થાનિક લોકો અને પ્રવાસીઓને નદીઓ અને નાળાઓથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. કાંગડામાં બ્રિટિશ સમયનો ચક્કી બ્રિજ પૂરના કારણે તૂટી પડ્યો હતો. પુલના એક ભાગને નુકસાન થયું છે.

Niraj Patel